નમસ્તે ટ્રમ્પ હરખ હવે તું અમદાવાદ
ટ્રમ્પ માટે અતિ મહત્ત્વાકાંક્ષી એવા 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમનું આયોજન
- કવર સ્ટોરી – તરુણ દત્તાણી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસની ભારતની મુલાકાતે આવી રહ્યા છે અને તેમની મુલાકાતનો આરંભ ચોવીસ ફેબ્રુઆરીએ અમદાવાદથી થશે. અમદાવાદમાં વિશાળ અત્યાધુનિક મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન ટ્રમ્પના હસ્તે થશે અને એ સ્ટેડિયમમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ માટે અતિ મહત્ત્વાકાંક્ષી એવા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ટ્રમ્પની મુલાકાતમાં સૌથી વધુ આ કાર્યક્રમને જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ગાંધી આશ્રમની મુલાકાત અને રોડ-શૉના અંતે સ્ટેડિયમમાં ટ્રમ્પ સવા લાખ લોકોનું અભિવાદન ઝીલશે. તેને ‘નમસ્તે ટ્રમ્પ’ નામ અપાયું છે. મોદીના માનમાં અમેરિકામાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમના પ્રતિસાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ એ ટ્રમ્પનું ભારતીય પરંપરા સાથેનું સન્માન છે. ટ્રમ્પની મુલાકાતમાં દ્વિપક્ષી મંત્રણા સહિતના વધુ મહત્ત્વના કાર્યક્રમો દિલ્હીમાં યોજાવાના છે, પરંતુ એ વિશે કોઈ નક્કર વાતો હજુ સુધી થઈ રહી નથી તો તેનું કારણ એ છે કે મંત્રણાની તૈયારીઓ થઈ છે, પરંતુ કેટલા વેપાર કરાર ઉપર સહીસિક્કા થશે એ કોઈ કહી શકે તેમ નથી. બંને દેશો વચ્ચે આ બાબતમાં મતભેદો પણ એટલા જ ગંભીર છે અને અમેરિકા ભારતની માગ અને જરૃરિયાત અનુસાર બાંધછોડ કરવા તૈયાર થાય છે કે કેમ એ મોટો સવાલ છે. દ્વિપક્ષી સંબંધોમાં ભારત-અમેરિકા ઘણા નિકટ આવ્યા છતાં અમેરિકા અથવા કહો કે ટ્રમ્પના વહીવટી તંત્ર દ્વારા ભારતને કાંઈ બહુ ફાયદો થયો નથી. ટ્રમ્પ ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિને વળગીને આગળ વધે છે તો મોદી પણ ‘ઇન્ડિયા ફર્સ્ટ’ના હિમાયતી છે. વેપાર કરાર કે અન્ય બાબતોમાં ભારતને વિશેષ રાહતો આપવાનો જાણે ઇનકાર કરાતો હોય તેમ અમેરિકાએ ભારતને વિકાસશીલ દેશને બદલે વિકસિત દેશનો દરજ્જો આપી દીધો છે.
આમ તો એ ભારત માટે પ્રમોશન ગણાય, પણ અમેરિકા આવો દરજ્જો આપે તેને માટે ભારતે હસવું કે રડવું એવી મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં જ દિલ્હીમાં મંત્રણા થવાની છે. ભારત-અમેરિકા બિઝનેસ-કાઉન્સિલના પ્રમુખ નિશા બિસ્વાલ પણ બે દેશો વચ્ચે વેપાર કરાર અંગે કશું ખાતરીપૂર્વક કહી શકતા નથી. એ માત્ર એટલું જ કહે છે કે, નાના-મોટા કરાર થશે જે ત્યાર પછી મોટા કરાર માટે પાયાનું કામ કરશે. મુદ્દે વાત એ છે કે આ મુલાકાત દરમિયાન બંને દેશો મતભેદને કેટલા ઓછા કરી શકે છે એ જ મુખ્ય કસોટી છે. એ માટે ટ્રમ્પને રિઝવવા જરૃરી છે. ટ્રમ્પની આ મુલાકાતની ભૂમિકામાં આ સિવાય કશું સત્ત્વશીલ તત્ત્વ જણાતું નથી અને એટલે જ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સલાહકાર રહી ચૂકેલા સંજય બારુ કહે છે કે ટ્રમ્પની મુલાકાતમાં આવી કોઈ નક્કર બાબતના અભાવે નરેન્દ્ર મોદી મુત્સદ્દીગીરીની જે કલામાં અત્યંત માહેર ગણાય છે એ માસ ઍન્ટર્ટેઇનમૅન્ટ એટલે કે સામૂહિક મનોરંજનના ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને સૌથી વધુ મહત્ત્વ અપાઈ રહ્યું છે. આ કાર્યક્રમ નિમિત્તે ટ્રમ્પ અમદાવાદના મહેમાન થોડા કલાકો માટે થશે, પરંતુ તેને માટેની તૈયારીઓ પણ ચર્ચાનો વિષય બને છે. અમેરિકાના પ્રમુખની સલામતી વ્યવસ્થા વિશે જે કાળજી લેવી પડે એ લેવાનું યજમાન દેશ માટે અનિવાર્ય બને છે. આ તૈયારી વિશેના અહેવાલો રોજ અખબારોમાં આવતા રહે છે. લોકોને એ જાણવાની પણ ઘણી ઉત્સુકતા હોય છે.
અમદાવાદનો કાર્યક્રમ એ વાસ્તવમાં માત્ર અમદાવાદ કે ગુજરાત પૂરતો મર્યાદિત મહત્તા ધરાવતો નથી. એ રાષ્ટ્રીય દરજ્જાનો કાર્યક્રમ છે. દેશભરનાં વિવિધ ક્ષેત્રના ટોચના મહાનુભાવોની તેમાં હાજરી હશે. ‘હાઉડી મોદી’ની માફક જ વિશ્વના દેશોની નજર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ પર છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી નજીક આવી રહી છે અને ટ્રમ્પ ફરી ઉમેદવારી કરવાના છે. ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ટ્રમ્પે ત્યાં વસતા ભારતીયોના મતોને નજર સમક્ષ રાખ્યા હતા તેમ અમદાવાદના કાર્યક્રમ માટેના ટ્રમ્પના ઉત્સાહમાં પણ તેમનો ચૂંટણી સ્વાર્થ હોય, તેનો ઇનકાર થઈ શકે તેમ નથી. ટ્રમ્પ માટે આટલું કર્યા પછી નરેન્દ્ર મોદી તેમની પાસેથી ભારત માટે ધાર્યું કામ કઢાવી શકવામાં કેટલા સફળ થશે એ જોવાનું રસપ્રદ બનશે. અત્યારે તો ટ્રમ્પ અમદાવાદના અતિથિ બનવા જઈ રહ્યા છે ત્યારે કવિ દલપતરામની કાવ્ય પંક્તિમાં થોડો ફેરફાર કરીને કહેવું જોઈએ કે, ‘હરખ હવે તું અમદાવાદ.’ હિન્દુસ્તાને કેટલું હરખાવું એ પછી નક્કી થશે.
——————————