તમારા માટે, તમારી સાથે, સતત…

કાશ્મીરી શૈવ પથ

સ્પંદ શાસ્ત્ર કાશ્મીરી શૈવ સિસ્ટમના દ્રષ્ટિકોણથી વૈજ્ઞાનિક નિયમોની માહિતી એવમ સમજ આપે છે.

0 286
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

શિવ શિવ કરતાં જીવ જશે ત્યારે જશે
જીવ જીવ કરતો શિવ હતો અને હશે

શૈવ ધર્મ, પંથ કે પદ્ધતિ ઈશ્વરને સમજવા, વિનવવા ‘ને પામવા માટેની આ દુનિયામાં સૌથી જૂની પદ્ધતિ હોય તેવું લાગે છે. શૈવ ધારા એટલે જેમાં અસ્તિત્વને શિવ ‘ને શક્તિના સંદર્ભમાં મૂલવવામાં આવે છે. મોહેંજોદરો ‘ને હરપ્પા હોય કે ધોળાવીરા, આદિ દેવ ‘ને આદિ દેવી અંગ્રેજોએ હિન્દુ શબ્દ આપ્યો તેની સદીઓ પહેલાંથી પૂજાતા હતાં. ૧૯૨૮-૨૯ દરમિયાન મોહેંજોદરોમાં ખોદકામ દરમિયાન મળી આવેલા ત્રણ શીર્ષ ધારી દેવની છાપવાળી મુદ્રાની ઓળખ કરતા જહોન માર્શલે તેમને પશુપતિનાથ કહ્યા ત્યારે પાંચ શીર્ષધારી શિવનો ઉલ્લેખ કર્યો હતો. એ મુદ્રામાં શિવ ભદ્રાસન ‘ને ગોરક્ષાસનમાં સ્થિત હઠયોગી જણાય છે. ખ્રિસ્તના જન્મના અઢી હજાર વર્ષ પહેલાંના એ મુદ્રામાં શિવ મૂળ યાને મૂલાધાર બંધમાં આસનઃસ્થ છે તેના ઘણા અર્થ નીકળે. મૂળબંધ આઠ પાશમાંથી પાયાના પાશ કામ પરનો વિજય પ્રતિપાદિત કરે છે. ઉત્ક્રાંતિ ત્યારે એટલી આગળ વધેલી કે ત્યારનો માનવી પોતાની અને પશુ વચ્ચેની પ્રથમ સરહદને ‘ને તેના દેવને ઓળખતો હતો. પશુ પાલતુ હોય કે જંગલી, ત્યારના માનવીનો મહાદેવ ત્રણે પ્રત્યે સમત્વવાન હતો.

સ્વાભાવિક છે હજારો વર્ષ અગાઉ શિવ ‘ને શિવાની સાધના કરવાની એકથી વધુ રીત હશે. એ સાધનામાં મુખ્યત્વે શિવનું કામ શું છે ‘ને માનવીને શિવનું શું કામ છે એ ધ્યાન પર લેવામાં આવતું. વેદમાં જેમને રુદ્ર કહ્યા છે તે શિવના અન્ય કયા નામ છે એ જાણવામાં ઘણાને આ કલિયુગમાં રસ હોય છે. સ્વચ્છંદનાથ શિવના એ અવતારનું નામ છે જે સત્યયુગની શરૃઆતમાં થઈ ગયા ‘ને જેમણે બાણુ તંત્રની ભેટ પૃથ્વીલોકને આપી હતી. તેઓ પાંચ શીર્ષ ધરાવતાં હતાં. આપણુ કાશ્મીર વર્ષોથી ભારતના અન્ય ભાગથી દૂર રહ્યું તેથી આપણને ખબર નથી કે આપણા કાશ્મીરમાં સ્વચ્છંદનાથ તથા તે સાથે શૈવ મતનો ભારે મહિમા રહ્યો છે. ચૌદમીથી વીસમી સદી સુધી પુસ્તક સ્વરૃપે પણ એ શૈવ સિસ્ટમ અંગે કશું પ્રકાશિત નહોતું થયું કે પ્રજા સુધી નહોતું પહોંચ્યું. સોમાનંદ, ઉત્પલદેવ ‘ને વાસુગુપ્ત જેવાં નામ આપણા માટે જરીક જેટલાં માંડ જાણીતા છે. એ યાદીમાં અનન્ય સ્થાન ધરાવતાં શિવના અંશ કે અવતાર મનાતા અભિનવગુપ્તના મહા શિષ્ય ક્ષેમરાજને અત્રે ખાસ વંદન.

લકુલીશનો પાશુપત અતિ માર્ગ, લિંગાયત માર્ગ ‘ને નાથ માર્ગ જેવા વિભિન્ન શૈવ માર્ગ છે. જેને ભૂગોળ કે રાજકીય રીતે તામિલનાડુ કહેવાય છે ત્યાંના તિરૃમુલર જે અઢાર સિદ્ધમાંના એક લેખાય છે તે જે પદ્ધતિના મૂળમાં છે તે શૈવસિદ્ધાંત દ્વૈતમાં માને છે, જીવ ‘ને શિવ જુદા છે એમ. કર્ણાટકનો પંચઆચાર્ય દ્વારા વ્યવહારમાં આવેલો વીરશિવવાદ પણ દ્વૈતમત ‘ને અલગ. ‘ને કાશ્મીરની શૈવ પદ્ધતિ આ બધાં કરતાં અલગ. તે ત્રિક દર્શન તરીકે પણ ઓળખાય છે. શિવ, શક્તિ ‘ને અણુ. ઇચ્છા, જ્ઞાન ‘ને ક્રિયા. પતિ, પાશ ‘ને પશુ. પરા, પરાપરા ‘ને અપરા. પ્રમત્રિ, પ્રમાણ ‘ને પ્રમેય. જાગ્રત, સ્વપ્ન ‘ને સુષુપ્તિ. સાંભવોપાય, શાકતોપાય ‘ને આણ્વોપાય. પ્રકાશ, વિમર્શ ‘ને સામરસ્ય. આણ્વમાલા, માયા ‘ને કર્મ. આવી ત્રિપુટીઓનું દર્શન એટલે ત્રિક દર્શન. તેને પ્રત્યભિજ્ઞા દર્શન પણ કહે છે. આ વ્યવસ્થા સમજવા ત્રણ પ્રકારના શાસ્ત્રનો આધાર લેવો પડે. આગમ શાસ્ત્ર, સ્પંદ શાસ્ત્ર ‘ને પ્રત્યભિજ્ઞા શાસ્ત્ર.

સ્વયં શિવ દ્વારા જેનું પ્રકટીકરણ થયું છે તે આગમ શાસ્ત્ર તંત્રના પાઠ્યપુસ્તક જેવા કહી શકાય. વીસમી સદીમાં સ્વામી લક્ષ્મણ જૂ દ્વારા જાહેર જનતાના લાભાર્થે ઘણા શાસ્ત્ર ઉપલબ્ધ કરવામાં આવેલાં જેમાંથી ખાસ કરીને રજનીશને કારણે જે સામાન્ય માનવીઓમાં જાણીતા થયેલાં તે વિજ્ઞાન ભૈરવ ‘ને શિવ સૂત્ર આ શ્રેણીમાં આવે. આગમ શાસ્ત્ર મહદ અંશે પ્રત્યક્ષ રીતે અમલમાં મૂકીને અનુભવ પ્રાપ્ત કરવાની સ્પષ્ટ ‘ને ગૂઢ રીતો આપે છે. સ્પંદ શાસ્ત્રોમાં મુખ્યત્વે વાસુ ગુપ્તના શિષ્ય ભટ્ટ કલ્લટનું પુસ્તક સ્પંદ કારિકા છે. સિદ્ધાંત જણાવતાં આ શ્રેણીના શાસ્ત્ર લેખિત પરંપરાના છે. સ્પંદ શાસ્ત્ર કાશ્મીરી શૈવ સિસ્ટમના દ્રષ્ટિકોણથી વૈજ્ઞાનિક નિયમોની માહિતી એવમ સમજ આપે છે. વિજ્ઞાન ‘ને તેમાંય ખાસ કરીને ભૌતિક શાસ્ત્રના અભ્યાસુને તેમાં વિશેષ મજા પડી શકે છે.

જ્યારે પ્રત્યભિજ્ઞા શાસ્ત્ર આધ્યાત્મિક ‘ને બૌદ્ધિક રીતે અત્યંત ઉચ્ચ કક્ષાના છે. આ શાસ્ત્રોનું શાબ્દિક સ્વરૃપ આધ્યાત્મિક સાક્ષાત્કારની પ્રત્યક્ષ ‘ને સરળ રજૂઆત કરે છે. છતાં સામાન્ય રીતે કાશ્મીરી શૈવ માર્ગનો અભ્યાસ કરતાં મુમુક્ષુઓ આ પ્રકારના શાસ્ત્ર સમજવામાં તકલીફ અનુભવે છે. જે માનવી શબ્દો વાંચવા-સાંભળવા સિવાય યોગ કે અધ્યાત્મમાં આગળ વધવા પ્રયત્નશીલ હોય તેના માટે તાત્ત્વિક ચર્ચા કે મીમાંસાને લગતાં આ શાસ્ત્રોમાં આનંદ ‘ને આશ્ચર્ય સહિત અર્થનો ખજાનો છે. પ્રત્યભિજ્ઞા અર્થાત ફરીથી ઓળખવું, સમજવું ‘ને સ્વીકારવું. આ પ્રકારના શાસ્ત્રની શ્રેણીમાં ક્ષેમરાજે કાશ્મીરના શૈવ નિદર્શનના સાર સમાન પ્રત્યભિજ્ઞાહૃદયમની રચના કરેલી હતી. પ્રત્યભિજ્ઞા શાસ્ત્રમાં સરખામણીમાં પાછળથી લખાયેલા આ શાસ્ત્રનાં સૂત્રો આજના માનવી માટે ઘણા કામના છે ‘ને ઘણા અંશે સમજાય તેવાં છે.

Related Posts
1 of 281

ચિતિ જે સ્વતંત્ર શક્તિ છે તે સમસ્ત અસ્તિત્વ વ્યક્ત કરે છે, તેનો નિભાવ કરે છે ‘ને તેનો વિલય કરે છે. પ્રથમ સૂત્રમાં પ્રથમ શબ્દ ચિતિ છે. ચૈતન્ય નપુંસકલિંગ કે નાન્યતરજાતિ છે. ચિતિ સ્ત્રીલિંગ છે. ચિતિ સંપૂર્ણ, અમયાર્દ ‘ને આદિ શક્તિ છે. કુલ તેમ જ અંતિમ ચેતના છે. વિષય, વસ્તુ ‘ને એ બેને જોડતાં પ્રમાણનું ઉગમસ્થાન. ભોગ ‘ને યોગનું સ્રોત. અહીં નથી પ્રકૃતિની કે નથી માયાની વાત. ચિતિ કેવળ સાધ્ય નથી, સાધન પણ છે. આ પ્રથમ સૂત્ર કાશ્મીર શૈવ માર્ગ, તેના પ્રત્યભિજ્ઞા શાસ્ત્રો ‘ને પ્રત્યભિજ્ઞાહૃદયમનું હાર્દ છે, ચિતિ વડે અસ્તિત્વ છે ‘ને ચિતિ વડે સર્વોચ્ચ કક્ષા અર્થાત શિવ સુધી પહોંચવાનું છે. આવો પહેલાં આપણે એ પછીના તમામ સૂત્ર પહેલા માણીએ.

ચિતિ ફક્ત પોતાની સ્વતંત્ર ઇચ્છાથી જ અસ્તિત્વ પોતાની જ ભીંત પર પ્રગટ કરે છે. અસ્તિત્વના રૃપમાં વિવિધતા જણાય છે કેમ કે ગ્રાહ્ય ‘ને ગ્રાહક વચ્ચે અરસપરસનો ભેદ જોવામાં આવે છે. પ્રત્યેક ગ્રાહક એટલે કે અનુભવકર્તામાં ચિતિ સંકોચાયેલી છે તથા અસ્તિત્વ પણ સંકોચાયેલું છે. કેવળ ચિતિ જ પૂર્ણ એવમ શુદ્ધ ચેતનથી ઊતરી ‘ને સંકોચાઈને વ્યક્તિગત ચિત્ત બને છે તેમ જ તેને અનુરૃપ ગ્રાહ્ય એટલે કે ચૈત્ય બને છે. માયાની અસરમાં જે છે તે મર્યાદિત અનુભવ કરનાર ચિત્તથી બનેલ છે. તે એક જ હોવા છતાં દ્વિ, ત્રિ એમ પંચકના સાત સમુદાયનો સ્વભાવ બને છે. વિવિધ દર્શન કે માર્ગની સ્થિતિ માત્ર એ ચિતિની વિવિધ ભૂમિકા જ છે.

જે પૂર્ણ ચેતનવત છે તે વાસ્તવિકતા જ શક્તિના સંકોચન એટલે કે મર્યાદાના પરિણામે મળથી આવૃત થયેલ સંસારી બને છે. વળી આ મર્યાદિત સ્થિતિમાં વ્યક્તિગત ચેતન તે પૂર્ણ ચેતનની જેમ પાંચ કૃત્ય કરે છે. એ વ્યક્ત થવું, વ્યક્ત થયું છે તેના રસનો ભોગ કરવો, વિરક્ત થવું ‘ને પોતાનું સાચું સ્વરૃપ જાણવું, રૃપાંતરણ પામવું, વિલય કરવો આ પાંચ કૃત્ય કરે છે. સંસારી એટલે આ પાંચ કૃત્યના અજ્ઞાનને કારણે પોતાની શક્તિઓ વડે જે ભ્રમિત કે મોહિત થાય છે તે. એ પાંચ કૃત્ય અંગેનું જ્ઞાન થાય એટલે ચિત્ત પોતે અંતર્મુખી ભાવ થકી ચેતનની કક્ષાએ આરોહણ કરીને ચિતિ બને છે.

ચિતિનો અગ્નિ નીચે ઊતરે છે ત્યારે માયા વડે ઢંકાયેલો હોવા છતાં અંશતઃ જ્ઞાન પામવા યોગ્યનું ઈંધણ બાળે છે. જ્યારે ચિતિનું બળ ફરીથી પ્રાપ્ત કરવામાં આવે છે ત્યારે તે સમગ્ર અસ્તિત્વને આત્મસાત કરે છે. જ્યારે ચિત્તનો આનંદ પ્રાપ્ત થાય છે ત્યારે પૂર્ણ ચેતન સાથેના ઐક્યની અચલ જાગૃતિ પ્રાપ્ત થાય છે તથા દેહ વગેરે પણ તે ચિત્ત જ લાગે છે, તે સ્થિતિ જીવનમુક્તિ કહેવાય. કેન્દ્રના વિકાસને કારણે ચિત્તના આનંદનો લાભ મળે છે. વિકાસના ઉપાય આ રહ્યા- વિકલ્પ કે વિચારનો ક્ષય, શક્તિનો સંકોચ ‘ને વિકાસ, પ્રાણ ‘ને અપાનને સ્વર ના હોય તેવા અવાજ અર્થાત મંત્રના પુનરાવર્તન દ્વારા વિરામ આપવો, આદિ ‘ને અંત બિંદુના બાર આંગળના અંતર વચ્ચે ધ્યાન ધરવું. સમાધિની સ્થિતિ પછીની સ્થિતિમાં સમાધિ દરમિયાન ફરી ‘ને ફરી સ્વયમના પૂર્ણ ચિત્ત સાથેના ઐક્ય પર ધ્યાન ધરવાનો લાભ મળે છે. આખરે જે પ્રકાશ તથા આનંદનો સાર છે ‘ને જે મંત્રની મહા શક્તિનો સ્વભાવ છે તેવી સ્વની પૂર્ણ ચેતનામાં પ્રવેશવાના પરિણામે એ ચેતનાના દેવતાઓના વૃંદની કાયમ માટે પ્રાપ્તિ થાય છે જે સર્વ પ્રાગટ્ય ‘ને વિલયને અસ્તિત્વમાં લાવે છે. અતઃ બધું જ શિવ છે.

ક્યાંક ના સમજાય તેવું તો ક્યાંક સાવ સીધું લાગે તેવું સૈદ્ધાંતિક જ્ઞાન આપતા આ વીસ સૂત્ર ખોબામાં સાગર ભરી આપે છે. આમ શિવની વાત છે ‘ને તેમ ચિતિની વાત છે. હા, મેટર ‘ને એનર્જી. એક સ્ટેજ હોય જ્યાં ‘હું આ બધું છું’ હોય, જય સદાશિવ. બીજું સ્ટેજ હોય જ્યાં હું પણ છું ‘ને આ બધું પણ છે હોય. ત્રીજું સ્ટેજ હોય હું, આ, તે, પેલું અને વગેરે વગેરે. કોઈ સ્ટેજ એવું હોય જેમાં હું નથી ‘ને બધું હું છું હોય. કોઈ સ્ટેજ એવું હોય જેમાં હું એવું લગીર ભાન જન્મ્યું જ ના હોય ‘ને બીજું કશું છે એવા અહેસાસનો સવાલ જ ના હોય. તમામ સ્ટેજ એ ચિતિના વિભિન્ન રોલ્સ છે. ચિતિ એ સર્વે સ્ટેજ પૂરતી મર્યાદિત નથી. શિવ સર્વે સ્ટેજની પહોંચ બહાર છે. છતાં વ્યક્તિગત જીવ યાને ચિત્ત એ શિવ છે, બેશક આપણી સમજ માટે અધૂરા કે અપૂર્ણ શિવ. જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે ‘ને જે બ્રહ્માંડમાં છે તે પિંડમાં છે. અલબત્ત, અણુમાં અણુબોમની શક્તિ હોય એટલે કોઈ પણ અણુનો જથ્થો યાને કે ચીજ એ અણુબોમનું ગોદામ એમ કહેવાય? અણુમાં અણુબોમની શક્તિ છે તે એમ જ ના પામી શકાય.

આઠમું સૂત્ર આજના સમયમાં સામાન્ય તેમ જ સાધારણ મનને સરસ ‘ને સચોટ વાત કરે છે. ચિતિ જ તમામ ધર્મ, પંથ કે પદ્ધતિ સ્વરૃપે વિહરે છે. નિઃસંદેહ અહીં એ અર્થ આપ્યો જ નથી કે દરેક રસ્તે એક જ જન્મમાં જીવ દેહમાં રહીને શિવ બની શકે છે. કહે છે તમારું મગજ ચલાવો એવા તમે થાવ ‘ને તમારું જીવન થાય. કહે છે તમે જે વિચારો એવા તમે ‘ને તમારું જીવન. સંભવ છે એ ખરું હોય. કિન્તુ, પહેલાં એ સમજવું ‘ને સ્વીકારવું પડે કે મગજ ગમે તેટલું ચલાવો ‘ને મન ગમે તે વિચારે આખરે હું પોતાની મર્યાદાનો વિસ્તાર કરશે તો પણ કેટલો? સંસારી મળથી કવર થઈ જાય છે એમ જ નથી કીધું. તળપદી કે બોલચાલની ભાષા નથી. મળ શબ્દ ટેક્નિકલી સમજવાનો છે. હું સંપૂર્ણ છું, બધું જ છું ‘ને બધું હું છું એ અનુભવનો અભાવ મળ છે. હું ‘ને અન્ય કશું પણ અલગ છે એ માનવું, જાણવું કે અનુભવવું એ મળ છે. હું મર્યાદિત છું એ ભાન હોવું એ મળ છે. યાદ રહે ચિતિ માટે સ્વતંત્ર ‘ને સ્વની ઇચ્છાની વાત થયેલી. સ્વતંત્ર ના હોવું ‘ને સ્વની ઇચ્છાથી અસ્તિત્વનું સર્જન, પાલન ‘ને વિસર્જન ના કરી શકવું એ મર્યાદા છે.

કાશ્મીરી શૈવ રીત, પ્રત્યભિજ્ઞા ‘ને પ્રત્યભિજ્ઞાહૃદયની આપણે થોડી ઓળખાણ મેળવી. આ મહાયોગીઓ કહે છે આત્મા જ બધું કરે છે, એ નિર્લિપ્ત નથી. હું અને ઈશ્વર અલગ છે એ અવિદ્યા છે. માયા પણ શિવની એક શક્તિ જ છે. સમગ્ર અસ્તિત્વ કે આપણુ બ્રહ્માંડ કે આપણી પૃથ્વી એ પરમ ચૈતન્યનો જ ભાગ છે એટલે કે આપણુ પોતાનું ચિત્ત જ છે. ચિત્ત એ બધું જ છે, ભલે અંતે પ્રકાશ ‘ને આનંદ છે એ પામવાનું છે. માલિનીવિજયોત્તર તંત્રમાં જણાવ્યું છે કે આસન સિદ્ધ કર્યું હોય, મન પર કાબૂ હોય, પ્રાણનું નિયમન કરી શકે તેમ હોય, ઇન્દ્રિયને ગુલામ બનાવી હોય, ઊંઘ પર વિજય મેળવ્યો હોય, ક્રોધને તાબે કર્યો હોય, અશાંત ના થવા પર પ્રભુત્વ મેળવ્યું હોય તથા જે કપટ મુક્ત હોય તેણે નીરવ ‘ને ખુશનુમા ગુફા કે ઝૂંપડીમાં સર્વે અડચણથી સ્વતંત્ર થઈને યોગ કરવો જોઈએ. જેનામાં આ ના હોય તેણે ઉતાવળ ‘ને ધીરજ વચ્ચેનો ભેદ સમજવો રહ્યો. સાથે ઘણુ, ઘણુ ‘ને ઘણુ સમજવાનું બાકી છે એ સમજવું રહ્યું. પ્રશ્ન એ છે કે જે શિવ છીએ એ રહેવું છે કે જે શિવ છે એ થવું છે? ડટે રહો.

બુઝારો – અ એટલે શિવ. હ એટલે શક્તિ. ચિદ્ઘન સ્વરૃપ બિંદુમાં અકલ્પ્ય ને અનંત અસ્તિત્વના સર્જનની શક્તિ ભરેલી છે. અહં શબ્દમાં બિંદુ રૃપી અનુસ્વાર એ હકીકત દર્શાવે છે કે શિવ આ જગતમાં શક્તિ વડે અભિવ્યક્ત થયેલ છે છતાં તેમના ભાગલા નથી પડ્યા, તે એક જ છે. – કાશ્મીરી શૈવ મત.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »