તમારા માટે, તમારી સાથે, સતત…

તમે કરો પ્રેમની વાતો, અમે કરીશું ‘પ્રેમ’…

સાહિત્યમાં પ્રેમ મુખ્યત્વે કવિતા, વાર્તા અને નવલકથામાં અનેકવિધ રીતે વ્યક્ત થયો છે

0 1,210
  • રસાસ્વાદ – પરીક્ષિત જોશી

આંખોના માધ્યમથી હૃદયમાં રહેલી પ્રેમની લાગણી વ્યક્ત થઈ જ જતી હોય છે, પરંતુ પ્રેમના શબ્દો સાચવી બેઠેલું પુસ્તક આજે વૅલેન્ટાઇન ડે માટેની ઉત્તમ ભેટ બની રહ્યું છે. ગુજરાતી ભાષાના આવાં જ કેટલાંક પુસ્તકોની પ્રેમસભર વાત.

‘જગતમાં સૌથી વધારે વપરાતા શબ્દોમાંનો એક છે, લવ અને એનું ગુજરાતી આપણે પ્રેમ કર્યું છે.’ ‘લવ..અને મૃત્યુ’ પુસ્તકમાં ચંદ્રકાંત બક્ષી આમ લખ્યા પછી ઓશો રજનીશના શબ્દોમાં કહે છે કે, લુભ-લોભ પરથી ‘લવ’ શબ્દ આવ્યો છે અને એમાં લોભનો ભાવ છે, પણ ‘લવ’ શબ્દની વ્યાખ્યા દરેક પુરુષ અને દરેક સ્ત્રીની જુદી હશે, એમના પોતાના અનુભવથી પ્રમાણિત અને એમના પોતાના કલ્પનો આધારિત. વેલેન્ટાઈન ડેની ઉજવણીમાં પણ જે લાગણી છે એ મોટા ભાગે આ લવની લાગણી છે. આપણે ત્યાં સંસ્કૃત સુભાષિતમાં ‘ભોજનેષુ માતા’થી શરૃ કરીને ‘શયનેષુ રંભા’ જેવી આદર્શ સ્ત્રીની કલ્પના છે. એક જ સ્ત્રીમાં પુરુષને ઘણી સ્ત્રીઓની અપેક્ષા હોય છે. સ્પેનિશ સ્ત્રીના સંદર્ભમાં ‘લા ટીઆ ફીન્જીડા’ નવલકથામાં સર્વેન્ટિસ લખે છે એમ, ‘સ્ત્રી રસ્તામાં દેવદૂત હોવી જોઈએ. ચર્ચમાં સંત, બારીમાં ખૂબસૂરત, ઘરમાં પ્રામાણિક અને પથારીમાં રાક્ષસી હોવી જોઈએ.'(પા.૨૩) જોકે, માનસશાસ્ત્રી એલન કે લખે છે કે, ‘લવ કરનારે શરીરની પહેલાં આત્માને સ્પર્શ કરવો પડે છે. સ્ત્રીનો પ્રેમ આત્મામાંથી ફાટીને ઇન્દ્રિયોમાં પ્રસરતો હોય છે, જ્યારે પુરુષનો પ્રેમ ઇન્દ્રિયોમાંથી ફાટે છે અને આત્મા તરફ વહે છે.’

સાહિત્યમાં પ્રેમ મુખ્યત્વે કવિતા, વાર્તા અને નવલકથામાં અનેકવિધ રીતે વ્યક્ત થયો છે. ‘અમે કરીશું પ્રેમ’ (ડૉ.એસ.એસ.રાહી, આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ., પ્ર.આ. ૨૦૧૩, પા.૧૩૬) પ્રેમ વિશેના શે’રનું સંકલન છે. અકબરઅલી જસદણવાળાથી લઈને હેમેન શાહ સુધીની ચાર પેઢીના શાયરોના, પ્રેમ વિશેના શે’ર, અહીં સંગૃહિત છે. થોડાંક શે’ર જોઈએ ઃ

‘તમને સમય નથી અને મારો સમય નથી, કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.’  (બાપુભાઈ ગઢવી)

‘જ્યારે પ્રણયની જગમાં શરૃઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે’ (આદિલ મન્સૂરી)

‘હું તને ચાહું ને તું ચાહે મને, દિલ હવે બદલાવી લેવું જોઈએ.’  (ભરત વિંઝુડા)

‘એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’, આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.’  (‘મરીઝ’)

Related Posts
1 of 262

‘કરવી જો હોય તો તું ફરીવાર ભૂલ કર, ઓ પ્રેમ, તારી ભૂલ તું પ્હેલાં કબૂલ કર.’  (શેખાદમ)

‘અકારણ અહીં હોઠ પર સ્મિત ફરકે, હશે પ્રેમની શું શરૃઆત જાણે.’  (સ્મિતા પારેખ)

‘પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ, ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.’  (હેમેન શાહ)

‘પ્રેમ વિશે’ (સંપા. હર્ષ બ્રહ્મભટ્ટ-અનિલ ચાવડા, નવભારત સાહિત્ય મંદિર, પ્ર.આ. ૨૦૧૪, પા. ૨૩૨) પ્રેમ વિશે વિવિધ લેખકોના લેખોનો ‘મધપૂડો’ છે. કુલ ૫૧ સર્જકોના લેખોમાં અનુભવ-વિચારરૃપી પુષ્પોમાંથી એકઠાં કરેલાં મધમાંથી પ્રેમનો મધમીઠો આહલાદ્ક સ્વાદ મળે છે. રસના થોડાક ચટકા જુઓ ઃ ‘પ્રેમ પક્ષી છે અને એ મુક્તિ ચાહે છે. પ્રેમ એ જ મારો સંદેશ છે.’ (ઓશો રજનીશ, પા.૧૯) ‘પ્રેમ વિશે લખવાની બહુ મજા ના આવે, પ્રેમ તો કરવાની મજા આવે.’ (પા.૩૬) ‘પ્રેમ કદી ખોટો નથી. ખોટો શબ્દ હોય તો પ્રેમલગ્ન છે, કારણ કે લગ્ન શબ્દ સાથે પ્રેમને લેવાદેવા નથી. કોઈ પણ વિષય ઉપર લખતી વખતે હું પુસ્તકો કે ઈન્ટરનેટ ખોલું છું, પણ આજે પ્રેમ વિશે લખતી વખતે હું મારું હૃદય ખોલું છું.’ (કાંતિ ભટ્ટ, પા.૪૪) ‘પ્રેમ, પ્રેમ સિવાય બીજું કશું આપતો નથી અને પ્રેમ સિવાય બીજા કશામાંથી લેતોય નથી.’ (ખલિલ જિબ્રાન, પા.૬૧) ‘પ્રેમમાં બે ‘પી’નો અંતરાય સહુથી મોટો હોય છેઃ પઝેશન અને પોઝિશન. માલિકીભાવ અને મોભો, અધિકાર અને અહંકાર.’ (તુષાર શુક્લ, પા.૯૭) ‘પ્રેમનું રહસ્ય તો કદાચ આપણી સંસ્કૃતિએ વધુમાં વધુ ઉકેલી આપ્યું છે. અહીંયા તો સદાના વૅલેન્ટાઇનની કથાઓ છે. સદા આપણા શાસ્ત્રોએ અને ઋષિઓએ એક જ વાત કરી છે ઃ પરસ્પરને ચાહી રહો, પ્રેમ કરી રહો.’ (પ્રવીણ દરજી, પા.૧૦૪) ‘દર વર્ષે ફેબ્રુઆરીની ૧૪મી તારીખે વિશ્વભરમાં વૅલેન્ટાઈન ડે ઊજવાય છે. બાઇબલમાં કોઈ વૅલેન્ટાઇન ડેની વાત નથી, પણ એમાં સ્ત્રી અને પુરુષની સર્જનકથા છે.’ (ફાધર વર્ગીસ પૉલ, પા.૧૦૮) ‘ખરેખર પ્રેમ શું છે. બે વ્યક્તિઓ વચ્ચેના આકર્ષણ ઉપરાંત કોઈક ગૂઢ તત્ત્વ છે, જેને પ્રેમનું નામ આપવું પડે.’ (ભૂપત વડોદરિયા, પા.૧૨૦) ‘પ્રેમ કશું માગતો નથી અને જે માંગે તે પ્રેમ નહીં, પ્રેમ હંમેશાં આપે છે, એ જ રીતે પ્રેમ કશું જાણતો નથી. કવિ એટલે જ કહે છે કે, ‘મેરે પિયા મૈં કુછ નહીં જાનું, મૈં તો ચુપચુપ ચાહ રહી.’ (‘મિસ્કીન’, પા.૧૬૦)

‘અમર પ્રેમકથાઓ’ (સં. વર્ષા અડાલજા, આર.આર., પુ.મુ. ૨૦૧૬, પા.૧૮૪) શાશ્વત પ્રેમનો અમર ખજાનો છે. ગુજરાતી ભાષાના પ્રખ્યાત વાર્તાકારોની કલમે પ્રગટેલી અમર પ્રેેમકથાઓ સંપાદિકાએ તારવી આપી છે. ગદ્યસાહિત્યમાં નામના ધરાવતાં વર્ષા અડાલજાનું જ નહીં, પણ કદાચ ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું આ કદાચ પહેલું સંકલન છે (પા.૬) છતાં ૨૪ પ્રેમકથાઓનું આ પુસ્તક ગુજરાતી સાહિત્યની પ્રતિનિધિ પ્રેમકથાઓ કે શ્રેષ્ઠકથાઓ કે પછી અમુક સમયકાળની કથાઓને બદલે ‘કૌટુંબિક લાઇબ્રેરી’માં વસાવવાલાયક પુસ્તક બની રહ્યું છે. એમાં રા.વિ.પાઠકની ‘સાચો સંવાદ’, ગુલાબદાસ બ્રોકરની ‘નિરાળું એ કશુંક’, ધૂમકેતુની ‘રજપૂતાણી’, ચુનીલાલ મડિયાની ‘કવિની પ્રેમકથા’, ધીરુબહેન પટેલની ‘મનસ્વિની’, રઘુવીર ચૌધરીની ‘ઉડ ગયે ફૂલવા, રહ ગઈ બાસ’, જૉસેફ મૅકવાનની ‘દૂસરો ક્રાઈસ્ટ’, ઈલા આરબ મહેતાની ‘પ્રેમનગર’ અને વિજય શાસ્ત્રીની ‘પતિગૃહે’ વાર્તાઓ વિશેષ ધ્યાન ખેંચે છે. ‘ફૂલબજાર’ (પન્ના ત્રિવેદી, આરઆર., પ્ર.આ. ૨૦૧૯, પા.૧૧૨) પ્રેમની અણીએ દુનિયાના બજારમાં વીંધાતી રહેતી જીવતી સ્ત્રીઓની અનોખી વાર્તાઓ છે. તમામ વાર્તાઓ નાયિકાકેન્દ્રી છે. ‘કોઈ એકલવાયા ચિત્ત પર ભીડ-ભીડ થઈને જીવતી સ્ત્રીઓ મને હંમેશાં કોઈ ફૂલબજારનાં ફૂલો જેવી જ લાગી છે. (પા.૮)  દુનિયાના બજારમાં છેલ્લી પાંખડીના કરમાઈ જવા સુધી પોતાની સુગંધ વિખેરી દઈને પણ પોતાના અસ્તિત્વના અણુએ અણુને ટકાવવા કટિબદ્ધ એવી મલકી, કપૂરી, રેણુ, ઉષા, નિયતિ, નીતિ, ઝરણા, મોહિની, અવંતી, લાજવંતી, નીના જેવા પાત્રો પ્રેમની અનોખી દાસ્તાનરૃપે જીવે છે.

‘લવસ્ટોરી’ (ઍરિક સેગલ, અનુ. વીનેશ અંતાણી, પુ.મુ. ૨૦૧૮, પા.૧૨૮) પ્રેમની એક એવી સંવેદનશીલ નવલકથા છે કે વાચકના હૃદયને ઊંડે સુધી સ્પર્શી જાય છે. હાર્વર્ડમાં ભણતા ગર્ભશ્રીમંત ઑલિવર અને રૅડક્લિફમાં ભણતી શ્રમજીવી જૅનીફરની આ પ્રેમકથા છે. નવલકથાના સંવાદો પણ રસાળ છે. પ્રેમીઓ વચ્ચે થતો સંવાદ જુઓ ઃ ‘હું તને પ્રેમ કરતી નથી.’ ‘ઓહ, ભગવાન, આ શું છે.’ ‘હું તને અઢળક પ્રેમ કરું છું.’ (પા.૪૪) નવલકથાના પહેલા જ વાક્યમાં જૅનીફર મૃત્યુ પામી છે એ સત્ય પ્રગટ કરી દીધું છે. છતાં વાચક નવલકથાના છેક છેલ્લા વાક્ય સુધી કથાપ્રવાહમાં વહેતો જાય છે. જૅનીનું વાક્ય ‘પ્રેમમાં ક્યારેય સૉરી કહેવાની જરૃર હોતી નથી.’ (પા.૧૨૮) તો પછી જાણે કે પ્રેમની એક નવી વ્યાખ્યા આપી ગયું છે. ‘વાર્તામાં પ્રેમનું તત્ત્વ છે અને મૃત્યુની વેદના છે.’ (પા.૧૧) વિધિની વક્રતા જુઓ, મૂળ ફિલ્મની સ્ક્રિપ્ટ તરીકે લખાયેલો આ પ્લોટ સફળતાને ન વર્યો અને પછી એ કથા પરથી લખાયેલી નવલકથા બેસ્ટસેલર બની અને વિશ્વભરની તેત્રીસ ઉપરાંત ભાષાઓમાં અનુવાદિત થઈ. ત્યાર બાદ બેસ્ટસેલર નવલકથા પરથી ફિલ્મ બની અને પછી એ સુપરડુપર હિટ થઈ. ‘લવ યુ લાવણ્યા’ (રઈશ મનીઆર, આરઆર., પ્ર.આ. ૨૦૧૮, પા.૧૩૫) પ્રારબ્ધનાં પાસાંને પલટાવતા પ્રેમની નાજુક નવલકથા છે. નાટ્યકાર લેખકના મનમાં નાટકના પ્લોટ તરીકે આવેલી કથા પરથી મૂળ ‘લિખિતંગ લાવણ્યા’ શીર્ષકથી ઓનલાઈન પોર્ટલ ‘માતૃભારતી’ પર ધારાવાહી સ્વરૃપે પ્રગટ થયેલી, વંચાયેલી. સુરમ્યા, અનુરવ, તરંગ અને લાવણ્યા વચ્ચેના સંબંધના તાણાવાણા પર રચાયેલી આ કથા જરાક હળવીફૂલ પ્રેમકથા વાંચવાની મજા આપે છે.

‘પણ, હું તો તને પ્રેમ કરું છું’ (ડૉ.હંસલ ભચેચ, નવભારત, નવમી આવૃત્તિ ૨૦૧૭, પા.૩૫૦) સ્ત્રી-પુરુષના માનસશાસ્ત્રના અભ્યાસુ ડૉક્ટરના અનુભવનો પરિપાક છે. સ્ત્રી-પુરુષના સંબંધોમાં ‘પ્રેમ’ જેવી અદ્ભુત અને અનિવાર્ય લાગણી બીજી એકેય નથી, પરંતુ સૌથી વધુ તીવ્રતાથી અનુભવાતી આ લાગણીઓ સૌથી વધુ ગેરસમજ ઊભી કરનારી અને કદાચ સૌથી વધુ દુઃખ આપનારી પણ બને છે. (પા.૬) અનેકવિધ સમસ્યાઓ વચ્ચે ‘પણ, હું તો તને પ્રેમ કરું છું’ વાક્ય દ્વારા પ્રેમ શાશ્વત રહે છે. આ ‘પણ’ને શોધવાની મથામણ અને સલાહસૂચન પુસ્તકના ૧૧૫ લેખોમાં પાનેપાને અનુભવાય છે. ગુજરાત સમાચાર દૈનિકમાં ‘તારી અને મારી વાત’ તથા ‘માનસ’ કૉલમ અંતર્ગત પ્રગટ થયેલા આ લેખોની લોકપ્રિયતા એટલી બધી રહી છે કે ‘પણ, હું તો તને પ્રેમ કરું છું’ના પહેલા ભાગની નવ આવૃત્તિ સાથે ૯૨ લેખો સમાવતો બીજો ભાગ અને ૮૨ લેખો સમાવતો ત્રીજો ભાગ (બેયની પહેલી આવૃત્તિ ૨૦૧૭) પ્રગટ થયા છે. ‘અદ્ભુત પ્રેમની વિસ્મયકારક વાતો’ (ડૉ.હંસલ ભચેચ, નવભારત, બી.આ. ૨૦૧૮, પા.૧૪૪) ‘શાશ્વત’ પ્રેમ વિશે વાત કરતાં ‘સાંપ્રત’ ૩૮ લેખોનો નયનરમ્ય સંગ્રહ છે. લેખક પોતાની બેસ્ટસેલર બુકના ટાઈટલને જરા જુદી રીતે જુએ છે અને કહે છે કે, ‘પણ, હું તો તને પ્રેમ કરું છું-આ વાક્યમાં અગત્યનો શબ્દ ‘પ્રેમ’ નથી, ‘પણ’ છે.'(પા.૫૭) ‘પ્રેમ એટલે એકબીજામાં રહેલી અપૂર્ણતાને સ્વીકારીને પૂર્ણતા પ્રાપ્ત કરવામાં સહભાગી થવું’ (પા.૧૮) ‘પ્રેમ કરવો પ્રયત્નસિદ્ધ ઘટના છે જ્યારે પ્રેમ થઈ જવો અનાયાસ ઘટના છે'(પા.૩૭) આ અને આના જેવા તો અનેકોનેક સુવાક્યો પાનાપાનેથી જડી આવે છે. ‘પ્રેમ -તારો, મારો અને આપણો’ (ડૉ. હંસલ ભચેચ, નવભારત, બી.આ. ૨૦૧૮, પા.૧૪૪) આવું જ ૩૪ લેખોનું મનમોહક પુસ્તક છે.

‘પ્રેમની પાંચ ભાષા’ (ગેરી ચૅપમૅન, અનુ. કાજલ ઓઝા વૈદ્ય, આરઆર., પુ.મુ. ૨૦૧૯, પા.૨૪૦) પ્રિયજનને હૃદયની વાત કહેવાના વિકલ્પ દર્શાવતું પુસ્તક છે. માનવસંબંધો અને એમાંય ખાસ તો લગ્નજીવન વિશે સલાહસૂચન કરતાં લેખકના અનુભવો આધારિત આ પુસ્તક વિશે એક જ પંક્તિમાં કહેતાં અનુવાદિકા પ્રસિદ્ધ કવિ મંગેશ પડગાંવકરના શબ્દોમાં કહે છે કે, ‘પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ, અમારો અને તમારો સેઈમ.’ (પા.૮) અનેકવિધ ઉદાહરણો આધારે લેખકે પ્રેમની જે પાંચ ભાષા તારવી છે એમાં ૧.સકારાત્મક ભાવના પ્રેરતા લાગણીના શબ્દો, ૨.પ્રતિબદ્ધ વ્યક્તિગત સમય, ૩.ભેટ લેવી, ૪.સેવાનાં કાર્યો અને ૫.શારીરિક સ્પર્શનો સમાવેશ કર્યો છે. ‘વૅલેન્ટાઇન ડે’ નિમિત્તે વિચારીએ તો ‘ભેટ’ અથવા ‘ગિફ્ટ’ વિશે કેટલાંક મહત્ત્વનાં તારણો લખ્યાં છે. જેમ કે, પ્રેમનું જોઈ શકાય એવું સ્વરૃપ ભેટ છે(પા.૮૩) ભેટ ખરીદી શકાય, મેળવી શકાય અને બનાવી પણ શકાય છે.(પા.૮૪) પ્રિયપાત્ર કે જીવનસાથીને જરૃર હોય ત્યારે હાજર રહેવું એ કોઈ પણ મૂલ્યવાન ભેટ કરતાં ઓછું નથી જ અને એ કદાચ વૅલેન્ટાઇન ડેની સૌથી કિંમતી ભેટ પણ હોઈ શકે.

પ્રેમ શાશ્વત છે અને એના વિશે કંઈકેટલુંય લખાયું છે અને લખાતું રહેશે. પ્રેમ હોવો અને પ્રેમ જતાવવો, એ જરા જુદી બાબતો છે. અનેક શબ્દો પણ જે વ્યક્ત કરી શક્તાં નથી એ વાત માત્ર બે આંખોનું તારામૈત્રક સાધી આપે છે. એ જ્યારે ખરા દિલથી શબ્દદેહે આવે છે ત્યારે પ્રેમનો સંદેશો આપી જાય છે, પુસ્તકરૃપે. હાથમાં ગમતીલું પુસ્તક લઈને પ્રિયજનને કહીએ ત્યારે, ‘બી માય વૅલેન્ટાઇન…’
——————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »