તમારા માટે, તમારી સાથે, સતત…

પ્રેમનો આરંભ કે અંત હોતો નથી…

સ્વની ઓળખ વિના પ્રેમ પદારથની ઓળખ ક્યાંથી થાય?

0 163
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

સ્વની ઓળખ વિના પ્રેમ ક્યાં? બધું જ નથીમાંથી છેમાં રૃપાંતર કરવાના મોહમાં સ્વયંની હયાતીનો બહુ લોપ થઈ ગયો છે.

ખરો નિયમ એ છે કે દિવસના બાર કલાકમાંથી એક કલાક અને રાતના બાર કલાકમાંથી એક એમ પ્રતિ એક આખા દિવસમાં બે કલાક તો મનુષ્યે પોતાની જાત સાથે વીતાવવા જોઈએ. એનાથી અંતઃકરણ વિશુદ્ધ રહે છે અને સાંસારિક ઘટનાક્રમોમાં એ અંતઃકરણ જરાક ડહોળાયું હોય તો ફરી આછરીને નિર્મળ બને છે. માનવ હૃદય અખંડ પ્રવૃત્ત હોય એટલે એને સંવેદનાત્મક વિરામની જરૃર પડે. આપણી પોતાની કેટલીક પ્રવૃત્તિઓથીય હૃદય અસંમત હોય છે. હૃદય જેને ન્યાયિક ન ઠરાવે એવા તમામ વિચાર કે કાર્ય સૂક્ષ્મ અપરાધ છે, આયુર્વેદમાં એને માટે પ્રજ્ઞાપરાધનું એક અલગ પ્રકરણ છે.

Related Posts
1 of 281

એક સમયે લોકો ગામના તળાવની પાળે ચાલવા જતાં. નદી કાંઠે કાંઠે વિહાર કરતા. હજુ હમણા સુધી શાળાના શિક્ષકો દરરોજ સાંજે ગામની બહાર વગડામાંથી વહી જતી કેડીએ લટાર મારવા જતા અને વાતો કરતાં-કરતાં પાછા ફરતાં. ક્યારેક એમાં વિદ્યાર્થીઓ પણ હોય, પરંતુ હવે તો એ દ્રશ્યો પણ દેખાતાં નથી, કારણ કે મોટા ભાગના શિક્ષકો શહેરમાં રહે છે અને ગામડે ભણાવવા આવે છે. એટલે વિદ્યાર્થીઓને પણ એમ જ થાય છે કે હા, ગામ તો રહેવા જેવા છે નહીં. આપણે પણ મોટા થઈને સાહેબ રહે છે એવા શહેરમાં રહેવા જવું છે. શિક્ષકોની અપડાઉન પરંપરાએ વિદ્યાર્થીઓના મનનું પ્રોગ્રામિંગ બદલી નાખ્યું છે. સાંજે વિદ્યાર્થીઓ ઘર તરફ જાય ત્યારે શિક્ષકો શહેર તરફ દોટ મૂકતા હોય છે, જાણે કે કોઈ હિંસક પશુ પાછળ ન પડ્યું હોય!

દરેક ગામને કાંઠે એક તળાવ તો હોય જ. પશુપાલક ખેડૂતો ઉનાળામાં એ તળાવમાંથી તળિયે બેસી ગયેલો કાંપ ખાતર તરીકે લઈ આવતા અને એથી એ તળાવો નિયમિત રીતે ઊંડા થતાં જતાં. હવે તો પચાસ ગામ વચ્ચે એક ગામમાં તળાવ હોય તો હોય! જ્યારે તળાવ છલોછલ રહેતાં ત્યારે એના કાંઠે પણ સમી સાંજે ફરવા જવાની એક મજા હતી. મનુષ્ય જેટલો પ્રકૃતિની નજીક રહે એટલો એની વાણીને વિશ્રામ મળે. કુદરતની નજીક જેઓ હોય છે તે ઓછામાં ઓછું બોલે છે. ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે જેઓ પ્રકૃતિથી વધુમાં વધુ દૂર હોય છે, તેઓ બહુ બકવાસ કરતા હોય છે. કુદરત સાથે જેના અંતઃકરણનું અનુસંધાન છે એમને વ્યર્થ વાણીવિલાસમાં રસ હોતો નથી.

બહુ અનિવાર્ય હોય તો જ તેઓ થોડુંક બોલે, ફરી પાછા ચૂપ. ફરી થોડું બોલે અને વળી ચૂપ. આ એક બહુ અઘરી કળા છે અને શીખવા જેવી છે, કારણ કે જેના મનનું મર્કટ કૂદાકૂદ ન કરતું હોય તેમની જ લૂલી લંગડાતી ન હોય. જેઓ સદાય મનને કોઈ ને કોઈ ડાળીએ વડવાંગડાની જેમ વળગાડી રાખે છે એને મુક્તિ અપાવવા માટે એક-એક કલાકનું નિષ્કામ એકાંત જરૃરી છે. દરેક પાસે પોતાનું આવું એક હૈયાઉટક ટાણુ હોવું જોઈએ. ગ્રામ વિસ્તારોમાં મંદિર, મઢી કે કોઈ અલગારી સાધુઓની જગ્યા પણ રહેતી. સાંજની આરતી પહેલાં સહુ ત્યાં જઈને ટોળે વળતા તો કોઈ વળી ધૂન પણ બોલાવતા. એવા એ મંદિરો કે ગામકાંઠાના આશ્રમો હવે સૂમસામ પડ્યા છે. હવે ત્યાં જનારું કોઈ નથી. આ કોઈ આતમખોજ નથી, પણ રોજની નાનકડી મઝા છે. એક એવી મઝા જે બીજી અનેક મઝાની ઓળખાણ કરાવશે. હયાતીના ઉત્સવની શરૃઆત થશે. બધું જ ‘નથી’માંથી ‘છે’માં રૃપાંતર કરવાના મોહમાં સ્વયંની હયાતીનો બહુ લોપ થઈ ગયો છે. સ્વની ઓળખ વિના પ્રેમ પદારથની ઓળખ ક્યાંથી થાય? પ્રેમનો આરંભ અને અંત હોતો નથી. એ તો એક વર્તુળ છે જે પોતાનામાં સદાકાળ વિલસે છે.

રિમાર્ક : Being is to be find out from within or from the universe..!  – કાફકા
——————————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »