તમારા માટે, તમારી સાથે, સતત…

સાગર શાળાઓ પ્રત્યે સરકાર ઉદાસીન કેમ?

શાળા માટે મકાન તો ન હતું તેથી તંબુમાં શરૃ કરી હતી.

0 161
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

કચ્છમાં માછીમાર, અગરિયા લોકોનાં બાળકો શિક્ષણથી વંચિત રહેતાં હતાં, પરંતુ ભૂકંપ પછી યુસુફ મહેરઅલી સેન્ટર દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં નાની-નાની શાળાઓ શરૃ કરીને બાળકોને શિક્ષણ આપવાનું શરૃ કરાયું. આજે અંતરિયાળ વિસ્તારોમાં આવેલી, કોઈ પણ સુવિધા વગરની તંબુ શાળાઓમાં ભણેલાં અનેક બાળકો બીજા બાળકોને તાલીમ આપે છે, કંપનીઓમાં કામ કરે છે, એન્જિનિયરિંગનું ભણે છે અને અમુક તો ડબલ ગ્રેજ્યુએટ પણ થઈ ગયા છે.

કોઈ જ જાતની સરકારી સહાય વગર ચાલતી આ શાળાઓ પ્રત્યે સરકાર કૂણો અભિગમ દાખવે તે જરૃરી છે. શાળાઓનાં મકાન બનાવી આપે, મધ્યાહ્ન ભોજન યોજનાની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપે, પરીક્ષા વખતે પૂરતા પેપર આપે તો કાદવમાં પડેલા કમળસમા આ બાળકો પણ ખીલી ઊઠે.

વિશાળ દરિયાકિનારો ધરાવતા કચ્છના ખેતી અને પશુપાલન ઉપરાંત બે મહત્ત્વના વ્યવસાય છે – માછીમારી અને મીઠું પકવવું. આ વ્યવસાયમાં શ્રમ કરતા લોકો અનેક અસુવિધાઓ વચ્ચે જીવે છે. આ લોકોનાં બાળકો માટે શિક્ષણની કોઈ સુવિધા ૨૧મી સદીની શરૃઆત સુધી ન હતી. આજે બહુ અગવડતા સાથે પ્રાથમિક શિક્ષણ ઉપલબ્ધ બન્યું છે. સરકાર દ્વારા સમયાંતરે અગરિયાના કે માછીમારોનાં બાળકો માટે શાળાઓ શરૃ કરવાની કે બાળકો સુધી શિક્ષણ પહોંચાડવાની જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ જાહેરાતો હકીકતમાં પલટાતી નથી. અહીં અત્યારે જે શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ બની છે તે સ્વૈચ્છિક સંસ્થાના માધ્યમથી, પરંતુ શાળાના નામે હોય છે તંબુ, અન્ય કોઈ સુવિધાઓ પણ હોતી નથી. સરકાર આ બાળકો માટે નવી શાળાઓ શરૃ ન કરે તો ચાલે, પરંતુ જે શાળાઓ ચાલી રહી છે તેને પણ પૂરતી સુવિધા આપે તે જરૃરી છે. તંબુ શાળામાં ભણેલાં અનેક બાળકો આજે આગળ વધ્યા છે. ખાનગી નોકરીઓ કરે છે, પરંતુ તેમની લાયકાત મુજબની સરકારી નોકરી મળતી નથી. જો સરકાર તેમને નોકરી આપે અથવા ખાનગી ઉદ્યોગોને આવા બાળકોને નોકરી આપવાનો નિયમ દાખલ કરે તો વધુ બાળકો ભણવા તરફ આકર્ષાઈ શકે તેમ છે.

Related Posts
1 of 5

યુસુફ મહેરઅલી સેન્ટર (વાય.એમ.સી.) દ્વારા કચ્છમાં ૧૯૯૮માં આવેલા વાવાઝોડા અને ૨૦૦૧ના ભૂકંપ વખતે રાહત તથા સહાય વિતરણની કામગીરી કરાઈ હતી. તે સમયે કચ્છમાં આવેલા સેન્ટરના કાર્યકર્તાઓને માછીમાર અને અગરિયાઓનાં બાળકોની સ્થિતિનો ખ્યાલ આવતા તેમણે આ બાળકો માટે શાળાઓ શરૃ કરી હતી. શરૃઆતના સમયમાં જ્યાં માંડ ૨-૫ બાળકો આવ્યાં હતાં તે શાળાઓમાં આજે ૨૦૦૦થી વધુ બાળકો ભણે છે. ભૂકંપ પછી કચ્છમાં શરૃ થયેલા ઉદ્યોગોના કારણે દેશભરમાંથી શ્રમિકો અહીં આવ્યા છે. તેમનાં બાળકો માટે પણ આ સંસ્થા દ્વારા શાળાઓ શરૃ કરાઈ છે. અગરિયા અને માછીમાર બાળકો માટેની શાળામાં ગુજરાતી માધ્યમમાં ભણાવાય છે જ્યારે ઓદ્યોગિક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દેશભરનાં અલગ-અલગ રાજ્યોમાંથી બાળકો હોવાથી અહીં હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ અપાય છે. અહીં ભણતાં બાળકોને ૯૦થી ૧૦૦ જેટલા શિક્ષકો શિક્ષણ આપે છે. માછીમારોની વસતીમાં ૭, અગરિયાઓની વસતીમાં ૧૧ અને ઔદ્યોગિક ઝૂંપડપટ્ટીમાં ૧૧ શાળાઓ ચલાવાય છે.

વાય.એમ.સી.ના અગ્રણી કાર્યકર્તા અને ઝારખંડના મૂળ રહેવાસી એવા ધર્મેન્દ્રકુમારે આ શાળાઓ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘અમારી સંસ્થાએ ભૂકંપ વખતે ભદ્રેશ્વર અને આસપાસનાં પાંચ ગામો દત્તક લીધા હતા. ત્યારે ખ્યાલ આવ્યો કે અહીંનાં બાળકો ભણવા માટે જતા નથી. તેમના માટે કોઈ શાળા જ નથી. આ વિસ્તારમાં મોટા ભાગની વસતી માછીમારોની હતી. આ લોકો વર્ષના ત્રણેક મહિના જ ગામમાં રહેતા હતા. બાકીનો સમય તેઓ જ્યાં માછીમારી કરવા જાય ત્યાં વિતાવતા હતા. બાળકો પણ તેમની સાથે જ જતાં હતાં. આથી જ તેમને શિક્ષણ મળી શકતું ન હતું. અમે પહેલી શાળા બાવરી નામના નાનકડા બંદરમાં શરૃ કરી. અમારી પાસે શાળા માટે મકાન તો ન હતું તેથી તંબુમાં શરૃ કરી હતી. બાળકો સહેલાઈથી તો શાળાએ આવતાં ન હતાં, પરંતુ ધીરે ધીરે બાળકોની સંખ્યા વધવા લાગી. અલગ-અલગ બંદરો પર, અગરિયાનાં બાળકો માટે અને ઔદ્યોગિક વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં પણ અમે શાળાઓ શરૃ કરી, અમે શિક્ષકોને વધુ પગાર આપી શકીએ તેમ નથી, આથી ધો. ૧૦ કે ૧૨ ભણેલા સ્થાનિક યુવાનોને જ બાળમિત્ર બનાવ્યા અને તેમને થોડું પ્રશિક્ષણ આપ્યું પછી તેઓ બાળકોને ભણાવવા લાગ્યા. અત્યારે તો આવી તંબુ શાળામાં ભણીને આગળ વધેલા બાળકો પોતે જ અન્યોને ભણાવે છે. જો સરકાર આવા બાળકોને બીજી કોઈ મદદ ભલે ન કરે પણ તેમની લાયકાત મુજબ જો કામ આપે તો અન્ય બાળકોને પણ ભણવા માટે પ્રોત્સાહન મળશે.’

આવી જ વાત કરતાં માછીમારોનાં બાળકો માટેનું કામ સંભાળનારા સંસ્થાના અન્ય એક કાર્યકર એવા ગોવાના રહેવાસી દેવેન્દ્ર કાંદોલકર કહે છે, ‘અમે ૨૦૦૧માં પહેલી શાળા શરૃ કરી તે પહેલાં તો કોઈ બાળકો ભણવા માટે જતાં જ ન હતાં. માછીમારોનાં બાળકો માતાપિતાને કામમાં મદદરૃપ થતાં હોય છે. છોકરા માછીમારીમાં અને છોકરીઓ માછલીઓને અલગ કરવામાં અને તેના પેકિંગ માટે મદદ કરે છે. તેથી શાળા સુધી તેમને લઈ આવવા ભારે મુશ્કેલ હતું. શરૃમાં તો અમે તેમના ઘરે જઈને ભણાવતા, તેઓ કામ કરતા હોય અને અમે તેમને ભણાવતા હોઈએ, એવું તો લાંબો સમય ચાલ્યું. રમતાં રમતાં ભણાવતા, પાણીના ટાંકા પર ક-ખ- ગ લખીને તેમને લખતાં શીખવતા, પરંતુ પછી ધીરે ધીરે તેમનો રસ જાગૃત થયો અને બાળકો શાળામાં આવવા લાગ્યાં. પહેલા બાવરી બંદરે, પછી અન્ય બંદર જેવા રંધ, વીરા, લુણી, જૂણા, કુતડી વગેરેમાં શાળાઓ શરૃ કરાઈ. બધી જ શાળાઓ કંતાનના બનેલા તંબુમાં ચાલે છે. આ શાળાઓમાં ૪૦૦થી વધુ બાળકો ધો. ૧થી ૭માં ભણે છે, પરંતુ મુખ્ય પ્રશ્ન આ બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં ભેળવવાનો છે. માછીમાર લોકો પોતાના ગામમાં વર્ષના ત્રણ મહિના જૂન, જુલાઈ અને ઑગસ્ટ સુધી જ રહે છે. જ્યારે સપ્ટેમ્બરથી મે સુધી તેઓ જ્યાં માછીમારી કરતા હોય તે દરિયાકિનારે રહેતા હોય છે. ગામમાં હોય ત્યાં સુધી તેઓ સરકારી શાળામાં જાય અને પછી અમારી પાસે આવીને ભણે છે. આથી તેમની હાજરીનો પ્રશ્ન ઊભો થાય, અમે સમયાંતરે તેમની હાજરી શાળામાં મોકલી દઈએ છીએ. તેના કારણે તેમનું વર્ષ સળંગ ગણાય છે.’

અગરિયાઓનાં બાળકો માટે શાળાઓ ચલાવતા સંસ્થાના મહાદેવભાઈ જણાવે છે કે, ‘મીઠાના અગરમાં કામ કરનારા લોકોનાં બાળકો માટે અમારા ૧૧ સેન્ટર ચાલે છે. જે મુખ્યત્વે ગાંધીધામ, અંજાર અને ભચાઉ તાલુકામાં છે. આ સેન્ટરો જ્યાં અગર હોય ત્યાં એટલે કે ગામથી ૫થી ૧૦ કિ.મી.ના અંતરે હોય છે. આથી સ્થાનિક સમુદાયના લોકોમાંથી જ ધો. ૧૦ કે ૧૨ ભણેલા યુવાનો બાળમિત્ર તરીકે કામ કરે છે. જ્યાં સરકારી શાળાઓ નથી ત્યાં વાયએમસીની શાળાઓ ચાલે છે. અહીંનાં નાનાં બાળકોને આંગણવાડીનો લાભ પણ મળતો નથી, કારણ આંગણવાડી તો ગામડાંમાં હોય છે, અગરમાં નહીં. બાળકોને બેસીને ભણવા માટે પાકા ઓરડાની તાતી જરૃર છે. તેની સાથે જ ખરો પ્રશ્ન પરીક્ષા વખતે આવે છે. અમે પરીક્ષા લઈ શકતાં નથી. તે તો સરકારી શાળાએ જ લેવી પડે. અમને તેઓ દરેક પેપરની એક- એક કોપી આપે છે, અમે તેની ઝેરોક્સ કરાવીને પરીક્ષા લઈએ છીએ. પેપર સરકારી શિક્ષકોએ તપાસવાના હોય તેના બદલે અનેક વખતે અમે જ તપાસીએ છીએ. પરીક્ષા વખતે તો ક્યારેક એક પેપર મેળવવામાં પણ મુશ્કેલી પડે છે. અમારા વિદ્યાર્થીઓ માટે આટલી સગવડ તો સરકારે આપવી જ જોઈએ. અમારી પાસે ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. સરકાર આવાં બાળકો માટે અલગ શાળા શરૃ ન કરે તો કંઈ નહીં, પરંતુ જરૃરી સહાય તો આપવી જ જોઈએ.’

અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા બાળકોનાં માતાપિતા પણ અર્ધશિક્ષિત કે અશિક્ષિત હોય છે. ભણવાનું કોઈ વાતાવરણ તેમને મળતું નથી. છતાં દર વર્ષે આ શાળાઓનાં બાળકો ખૂબ સારા ગુણથી પાસ થાય છે. ભણવા ઉપરાંત રમતગમત અને નાટક જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં પણ અગ્રેસર હોય છે. તેમનાં નાટકો છેલ્લાં ૮-૧૦ વર્ષથી રાજ્યકક્ષાએ પ્રથમ અને દ્વિતીય આવે છે. મૂળભૂત રીતે તેજસ્વી આ બાળકો વિવિધ ક્ષેત્રે ઝળકે છે, પરંતુ તેમને વધુ શિક્ષિત બનવા અને સારો રોજગાર મેળવવા જરૃર છે કોઈના સાથ અને મદદના હાથની. યુસુફ મહેરઅલી સેન્ટર સાથ તો આપે છે, સવાલ સરકારી મદદનો છે.
————————

Leave A Reply

Your email address will not be published.

Translate »