તમારા માટે, તમારી સાથે, સતત…

ઘરની શોભા ઘરવાળી

ભૂલ તો મારી થઈ ગઈ છે અને તમે શા માટે માફી માગો છો?

0 354
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

અમેરિકાના ભૂતપૂર્વ નહીં, પરંતુ અભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનનાં પત્ની મેરી ટોલ્ડ લિંકન થોડા ઝઘડાળુ અને કર્કસા હતાં એવી લોકવાયકા છે. એકવાર પ્રમુખ લિંકન પોતાના સેક્રેટરીને કશુંક લખાવી રહ્યા હતા ત્યારે મેરી ટોલ્ડ વારંવાર વચ્ચે બોલીને એ બંનેને વિક્ષેપ કરતા હતાં. સેક્રેટરી નવો હતો અને શ્રીમતી લિંકનને ઓળખતો નહોતો એટલે એણે લિંકનને પ્રશ્ન કર્યો કે, આ કર્કસા કોણ છે?

અબ્રાહમ લિંકને મહાન માણસને શોભે એવી સ્વસ્થતાથી જવાબ આપ્યો કે, એ મારાં પત્ની છે. આ સાંભળીને સેક્રેટરીને પારાવાર પસ્તાવો થયો. એ ક્ષોભ સાથે બોલ્યો કે સાહેબ, માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ. આ સાંભળી પ્રેસિડન્ટ લિંકને પોતાની સેન્સ ઓફ હ્યુમરનો ઉત્તમ નમૂનો આપતા કહ્યું કે, ભૂલ તો મારી થઈ ગઈ છે અને તમે શા માટે માફી માગો છો?

મિલ્ટન નામના એક મહાન કવિ થઈ ગયા, જે અંધ હતા. એમનાં પત્ની પણ ઝઘડાખોર હતાં. એકવાર મિલ્ટને પોતાના પત્નીને ખુશ કરવા કહ્યું કે, આપ ગુલાબના ફૂલ જેવા સુંદર છો. તેમ છતાં પત્નીએ વ્યંગબાણ મારતાં કહ્યું કે, સૌંદર્યનું દર્શન કરવા માટે દૃષ્ટિ જોઈએ જે આપની પાસે નથી. મિલ્ટન પણ જવાબ આપવામાં હાર માને એમ નહોતા. એમણે કહ્યું કે, હું નેત્રહીન હોવાથી ગુલાબના ફૂલનું દર્શન કરી શકતો નથી, પરંતુ સંવેદનહીન નથી એટલે કાંટાની ચૂભન અનુભવી શકું છું.

‘શું વિચારો છો?’ પત્નીએ રસોડામાંથી ડ્રોઈંગરૃમમાં પ્રવેશ સાથે પ્રશ્ન કર્યો. આમ પણ પ્રશ્ન ઊભા કરવા એ એમનો ડાબા હાથનો ખેલ છે.

‘હું વિચારતો હતો કે સોક્રેટીસ, અબ્રાહમ લિંકન, કવિ મિલ્ટન જેવા ઘણા મહાન માણસોનાં પત્ની ઝઘડાખોર હતાં અથવા આખાબોલા હતાં.

‘તો તમે શું કહેવા માગો છો?’ પત્નીએ અઘરો પ્રશ્ન કર્યો.

‘મને એમ થાય છે કે કદાચ મારા નસીબમાં પણ મહાન માણસ થવાનું લખ્યું હશે.’ મેં હિંમત કરીને ધડાકો કરી નાખ્યો.

‘જગતના તમામ મહાન માણસોનાં પત્ની ઝઘડાખોર હોય એવું નથી. હું તમને એવા ઘણા મહાન માણસોનાં નામ આપી શકું જેમનાં પત્ની સુશીલ અને સંસ્કારી હતાં. એમાં સૌથી પહેલું નામ કસ્તુરબાનું લઈ શકાય.’

‘હા કસ્તુરબા આદર્શ પત્ની હતાં.’

‘એ આદર્શ સ્ત્રીના પતિ વિશ્વવંદનીય ગાંધી બાપુ લિંકન અને મિલ્ટન કરતાં પણ મહાન હતા. જે સ્ત્રીઓના પતિ ઝઘડાખોર હોય એ શું થઈ શકે તે કહો એટલે હું એ બનવાની આશા રાખી શકું.’ પત્નીએ ઈંટનો જવાબ પથ્થરથી આપી દીધો.

‘જુઓ હું તો મજાક કરતો હતો.’ મેં શરણાગતિ સ્વીકારી લીધી.

‘તો ઠીક…’ પત્નીએ અદા સાથે છણકો કર્યો.

‘થોડા દિવસો પહેલાં એક પતિએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી. એમનો કેસ ચાલુ થયો એટલે ન્યાયાધીશે પત્નીને પૂછ્યું કે, મેડમ, તમે કયા ગ્રાઉન્ડ ઉપર છૂટાછેડા માગો છો. આ સાંભળી સ્ત્રી બોલી કે સાહેબ, મારે ગ્રાઉન્ડ માગીને શું કામ છે? અમારી પાસે બે વીઘા જમીન છે અને જમીન ઉપર સરસ બંગલો છે. મારે ગ્રાઉન્ડની જરા પણ જરૃર નથી.

‘બોલો લ્યો… જજ સાહેબને માથાની અરજદાર મળી.’

‘ત્યાર બાદ જજ સાહેબે ફેરવીને પૂછ્યું કે, તમે છૂટાછેડા માગો છો એનો પાયો શું છે? આ સાંભળી સ્ત્રી બોલી કે, પાયો સિમેન્ટ અને કોંક્રીટનો છે. અમે પાયામાં પાણી પણ ખૂબ પાયું છે.’

‘વાહ… ભાઈ વાહ..’

‘આ સાંભળી ન્યાયાધીશ બોલ્યા કે તમે કયા આધાર ઉપર છૂટાછેડા માગો છો? તો પેલી સ્ત્રી બોલી કે સાહેબ, આધાર નંબર હજુ આવ્યો જ નથી. આધારકાર્ડવાળા એમ કહેતા હતા કે તમારો આધાર તમારા ઘેર બેઠા મળી જશે.’

‘આ બહેનનો ઘરવાળો નિરાધાર હશે એવું લાગે છે.’ પત્નીએ કહ્યું.

‘આ સાંભળી જજનું મગજ હટી ગયું. એમણે ગુસ્સામાં બે હાથ જોડીને કહ્યું કે, બહેન.. તમે છૂટાછેડા શા માટે માગો છો? તમારે છૂટા થઈને શું કામ છે?’

આ સાંભળી એ સ્ત્રી બોલી કે, ‘મારે શું કામ હોય સાહેબ? મારે ઘરનાં કામ ક્યાં ઓછાં છે? છૂટાછેડા હું માગતી નથી, પણ મારા હસબન્ડ માગે છે.’

‘પછી શું થયું?’ પત્નીને રસ પડ્યો.

‘ત્યાર બાદ જજ પુરુષ તરફ ફર્યા અને પૂછ્યું કે ભાઈ, તમારે આ બહેનથી અલગ થવાનું શું કારણ છે? આ સાંભળી પતિ બે હાથ  જોડીને બોલ્યો કે સાહેબ, તમે દસ મિનિટમાં થાકી ગયા એ સ્ત્રી સાથે હું દસ વર્ષથી લમણાઝીંક કરું છું. આ સાંભળીને જજને દયા આવી એટલે તરત જ કહ્યું કે, છૂટાછેડા મંજૂર કરવામાં આવે છે.’ મેં વાત પુરી કરી.

‘કોના છૂટાછેડા?’ અંબાલાલે પ્રવેશ સાથે જ પ્રશ્ન કર્યો.

‘તારા અને મોંઘીભાભીના.’ મેં કહ્યું.

‘અમારા ઉપર ઈશ્વરની કૃપા થાય તો અમારા છૂટાછેડા થાય.’

Related Posts
1 of 29

‘તમે ખોટી રીતે મારા બહેનને બદનામ કરશો નહીં. તમારા લગ્નમાં તમને નહીં પણ મારા બહેનને ખોટનો સોદો થયો છે.’ મારાં પત્નીએ દીયર સમાન અંબાલાલની મજાક કરી લીધી.

‘અમારા ચારે મિત્રોમાં ખોટ કન્યા પક્ષવાળાને જ ગઈ છે, કારણ ચારેય કન્યા રાજાની કુંવરી જેવી અને અમારા ચારમાંથી એક પણ મુરતિયામાં કોઈ સદ્ગુણ નથી.’ અંબાલાલે વક્રોક્તિ કરીને જવાબ આપ્યો.

‘હવે આપણા સંતાનો પણ પરણવા લાગ્યાં છે. હવે નફા-નુકસાનની વાત મૂકો અને ચા મૂકો.’ મેં પત્નીને ચા માટે રવાના કર્યા.

‘ભોગીલાલને ત્યાં તો દીકરાના ઘરે પણ દીકરો આવી ગયો છે.’

‘આ નવી જનરેશન ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે. ‘ મેં કહ્યું.

‘તને ભોગીલાલના પૌત્રનો એક જ દાખલો આપું એટલે તને અત્યારની નવી પેઢીના આઈ.ક્યુ.નો ખ્યાલ આવી જશે.’ અંબાલાલે ભૂમિકા બાંધી.

‘બોલ ભાઈ… દાદા અને પૌત્રની શું વાત છે?’ મેં કહ્યું.

‘એક દિવસ ભોગીલાલને એસ.ટી.ની નોકરીમાં રજા હતી એટલે ઘેર હતો. એના દીકરાનો દીકરો આખો દિવસ ટીવી જોયા કરે છે એ ભોગીલાલને ગમતું નથી. ટીવીના કારણે તો એને બાળપણમાં જ ચશ્મા આવી ગયા છે.’

‘અત્યારનાં બાળકો પાસે ટીવી, મોબાઇલ, વીડિયોગેમ સિવાય કોઈ રમત જ નથી અને જો રમત રમે તો ક્રિકેટ સિવાય બીજી કોઈ રમત રમતાં જ નથી.’

‘ભોગીલાલે પૌત્રને કહ્યું કે, ટીવી બંધ કર અને મારી સાથે વાત કર.’

‘બરાબર છે.’

‘દાદાએ કડક અવાજમાં હુકમ કર્યો એટલે પોતરો મોઢંુ બગાડીને ટીવી બંધ કરીને ભોગીદાદા પાસે આવીને બેઠો. ત્યાર બાદ ભોગીલાલે કહ્યું કે, મારી સાથે વાત કર. દાદાએ વાત કરવાનું કહ્યું એટલે પૌત્રએ વાત માંડી. એણે દાદાને સવાલ કર્યો કે, આપણે ઘરમાં છ મેમ્બર્સ છીએ. તમે, દાદી, મમ્મી, પપ્પા, હું અને મારી બહેન. આપણે છ જ રહીશું કે એમાં કંઈ વધારો થશે?’

‘આવો સવાલ ટેણિયાએ કર્યો?’ મને આશ્ચર્ય થયું.

‘હા… એટલે ભોગીદાદાએ કહ્યું કે, વધારો થશે. તું મોટો થઈશ અને પરણીને વહુ લઈ આવીશ એટલે છમાંથી સાત થઈશું.’

‘બરાબર છે.’

‘ત્યાં તો ટેણિયો બોલ્યો કે, હું પરણીશ, પરંતુ મારી બહેન પણ સાસરે જશે એટલે પાછા છ થઈ જશું.’

‘એ વાત સાવ સાચી છે.’

‘આ સાંભળી ભોગીદાદા બોલ્યા કે, તું પરણીશ પછી તારા ઘેર પુત્રનો જન્મ થશે એટલે છમાંથી સાત થઈ જશું.’

‘એ વાત પણ સાચી છે.’

‘ત્યાં તો પૌત્ર બોલ્યો કે દાદા, મારા ઘરે પુત્ર જન્મશે ત્યાં સુધીમાં તો તમે ગુજરી ગયા હશો એટલે પાછા છ થઈ જશું. આ સાંભળીને ભોગીલાલ એવો ગુસ્સે થયો કે પોતરાને કહે, તું છાનોમાનો ટીવી જો.’ અંબાલાલે વાત પુરી કરી.

‘અત્યારે નવી પેઢી જે આવી છે તે જન્મ પહેલાં જ બુદ્ધિ ડાઉનલોડ કરાવીને આવે છે. નાના બાળકને મોબાઇલ આપો તો એની તમામ સિસ્ટમ એને આવડતી હોય છે. એનું કારણ ખબર છે?’

‘ના.’

‘એ નવ મહિના સુધી પેટમાં હોય ત્યારે એની મમ્મીએ મોબાઇલનો સતત ઉપયોગ કર્યો હોય છે. અભિમન્યુ પોતાની માતાના ઉદરમાં કોઠાયુદ્ધ શીખ્યો હતો. એમ અત્યારનાં બાળકો પોતાની માતાના ઉદરમાં મોબાઇલ ઓપરેટિંગ શીખીને જ જન્મે છે.’ મેં ખુલાસો કર્યો.

‘જે ઘરમાં પરિવારના સભ્યો સોશિયલ મીડિયાથી વધુમાં વધુ ડિસકનેક્ટ અને પરિવારથી વધુમાં વધુ કનેક્ટ હશે એ ઘરમાં સુખનો ઉતારો હશે.’

‘થોડા દિવસો પહેલાં અમેરિકાના પાસ્ટ પ્રેસિડન્ટ બરાક ઓબામા અને કેનેડાના વર્તમાન વડાપ્રધાન જસ્ટીન ટુડો જેવા વિશ્વવિખ્યાત રાજકીય મહાનુભાવોના અભિપ્રાય અખબારના પહેલા પાના ઉપર પ્રગટ થયા હતા. એ સૌએ કહ્યું કે માનસિક શાંતિ, ચિત્તની પ્રસન્નતા જોઈએ તો પરિવાર સાથે વધુમાં વધુ સમય વિતાવો.’

‘તમે તો કહેતા હતા કે તમારી પત્ની તો ઝઘડાખોર છે.’ પત્ની રસોડામાંથી ચા લઈને આવ્યાં.

‘એ તો તમારી હળવી મજાક કરતો હતો. બાકી સાસુ તીરથ, સસરા તીરથ, તીરથ સાલા-સાલી હૈ. હર તીરથસે બઢકર દેખો, ચારો ધામ ઘરવાલી હૈ…’ મેં વાત પુરી કરી અને અમારા ત્રણેના મુક્ત હાસ્યથી દીવાનખંડ શોભી ઊઠ્યો.
——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »