- કટોકટી – વિનોદ પંડ્યા
કોરોના વાયરસને કારણે ચીનને ના પોસાય તેવો આર્થિક ફટકો પડવાનો છે. ભારત, જાપાન, યુરોપ, અમેરિકા અને બાકીના દેશો પર તેની વિપરીત અસર પડશે. જાપાન સરકારના આકલન મુજબ કોરોનાનો કેર એક વરસ સુધી ચાલે તો જાપાનની જીડીપીમાં એક ટકાનો ઘટાડો થશે. જાપાનનું અર્થતંત્ર અમેરિકા, ચીન બાદ ત્રીજા ક્રમનું મોટું છે. તેમાં એક ટકા જીડીપીનો ઘટાડો એટલે પ્રચંડ રકમ બને. જો રોગચાળો માત્ર ત્રણ મહિના જ ચાલે તો પણ જાપાનને એક ટ્રિલિયન યેન અર્થાત નવ અબજ અમેરિકી ડૉલરનો ફટકો પડશે. ભારતના વારાણસીમાં સાડી ઉદ્યોગને જ સો કરોડ રૃપિયાની ખોટ જશે.
ચીનમાં પ્રગટ થયેલો કોરોના નામનો દાનવ રાજકુમારીની માફક દિવસે ના વધે એટલો રાત્રે અને રાત્રે ના વધે એટલો દિવસે વધી રહ્યો છે. આ અંક વાચકના હાથમાં આવશે ત્યારે ચીનમાં મરનારાઓની સંખ્યા એક હજારથી આગળ વધી હશે અને સંક્રમિત દરદીઓની સંખ્યા ૫૦ હજારથી વધુ થઈ હશે. આ દૈત્યનું કદ સતત વધી રહ્યું છે તેથી તેનો ડર પણ ચીનમાંથી નીકળીને જગતભરમાં ફેલાઈ ગયો છે. અમેરિકનો આ ઘટનાને ચીનના ‘ચેર્નોબીલ’ સાથે સરખાવે છે.
આ ઉપમાની ખાસ અર્થચ્છાયા છે જે સામ્યવાદી શાસન સાથે જોડાયેલી છે. ૧૯૮૬માં સોવિયેત રશિયાના ચેર્નોબીલ શહેર ખાતેનું અણુ રિએક્ટર લીક થયું હતું તેમાં અનેક લોકોનાં મરણ વિકિરણો લાગવાથી થયાં હતાં, પરંતુ સામ્યવાદી શાસને વિગતો બહાર આવવા દીધી ન હતી. જ્યાં ગુપ્તતા વધુ સેવાય ત્યાં અફવાઓ વધુ ઊડતી હોય છે. સામ્યવાદીઓની તાસીર બધંુ ગુપ્ત રાખીને આબરૃ જાળવવાની હોય છે. આથી અમુક માધ્યમો અને ચેનલોમાં એવા સમાચારો વહેતા થયા કે ચીનમાં કોરોના વાઇરસે (ભારતીય ભાષામાં કોરોના) પચ્ચીસ હજારથી વધુ લોકોનો ભોગ લીધો છે. સાચું ખોટું શી ઝિનપિંગ જાણે, પણ દૈત્ય શમવાનું નામ નથી લેતો તે ચોક્કસ છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ૯૦૦થી વધુનાં મરણ થયાં છે અને લગભગ ૪૦ હજાર દરદીઓ હૉસ્પિટલોમાં છે. દુનિયાના અનેક દેશોમાં, જેમાં ભારત અને અમેરિકા પણ સામેલ છે, આ વિષાણુના દરદીઓ પહોંચ્યા હોવાની શંકા છે. રશિયાનો આક્ષેપ છે કે અમેરિકાએ ચીનને આર્થિક રીતે કમજોર પાડવા જાણીજોઈને આ વાઇરસ ઘૂસાડ્યો છે. જોકે રશિયા પાસે તેના પુરાવા નથી. ખાલી અનુમાનો છે. જો સાચું હોય તો આને જીવાણુ અથવા વિષાણુ યુદ્ધ કહી શકાય જે તાજના આકારના અદૃશ્યમાન હથિયાર વડે લડાઈ રહ્યું છે. અંગ્રેજીમાં કોરોનાનો અર્થ મુકુટ અથવા તાજ થાય છે જે શંકુ આકારની કલગીઓથી શોભતો હોય છે. કોરોના વાઇરસ દડા જેવો ગોળ છે, પણ કોરોના જેવી કલગીઓ ધરાવે છે તેથી કોરોના નામ અપાયું છે અને વુહાનની આ અદ્યતન આવૃત્તિને નોવેલ કોરોના વાઇરસ (એન્કોવ) નામ અપાયું છે. તાજ વિષાણુએ હાલમાં રાજપાટ હલાવી દીધા છે, ખાસ કરીને ચીનમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના વડા ઝિનપિંગને પત્ર લખીને મદદ મોકલવાની દરખાસ્ત કરી છે. આ પ્રકારના દરદીઓ ગુજરાતમાં હોય અથવા આવે તો અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં નિદાન માટે ખાસ લેબોરેટરી અને સારવારની વ્યવસ્થા થઈ છે. ભારત પોતાના નાગરિકો અને વિદ્યાર્થીઓને ખાસ વિમાનો દ્વારા ચીનના વુહાન શહેરથી ભારત લઈ આવ્યું છે. પાકિસ્તાનના વિદ્યાર્થીઓને પણ લઈ આવવાની દરખાસ્ત ભારતે કરી હતી, પણ ઈમરાન ખાને પોતાનાં બાળકો પર પણ દયા બતાવી નથી. આ ઈમરાનનું નવું પાકિસ્તાન છે.
ખેર! ચીનના અર્થતંત્રને આ વાઇરસ હચમચાવી નાખશે. પરિણામો દેખાઈ રહ્યાં છે. ચેર્નોબીલની અસર તો ચેર્નોબીલ વિસ્તાર પૂરતી હતી. કોરોનાથી અનેક અર્થતંત્રો બીમાર પડી જશે. ચીન સિવાયના દેશોને પણ તેની કારમી અસર થશે. ભારતથી કે દુનિયામાંથી ચીન તરફ જતી ફ્લાઈટો બંધ છે. ચીનમાંથી લોકો ક્યાંય જતાં નથી. પર્યટન, હવાઈસેવા, હોટેલો વગેરે અનેક ધંધાઓને મોટો ફટકો પડી રહ્યો છે. ચીન પોતે સદંતર ઠપ થઈ ગયું છે. કારખાનાંઓ બંધ પડ્યાં છે. માત્ર બે જ પ્રવૃત્તિઓ ચાલે છે; હૉસ્પિટલનાં વાહનો અને વીડિયો સ્ટ્રિમિંગ ફિલ્મો. ઘરે બેસીને ફિલ્મો જોવા સિવાય લોકો પાસે વિકલ્પ નથી.
ચીનનાં હુબેઈ પ્રાન્તના પાટનગર વુહાનમાં આ કોરોનાએ પ્રથમ હાજરી નોંધાવી. વુહાનની પ્રાણીજ ચીજોની બજારમાંથી ચામાડિયાનું સૂપ પીઈને લોકો બીમાર પડ્યા એવી સામાન્ય ધારણા છે, જે ખોટી પણ હોઈ શકે. વુહાનમાં ચીનની મહત્ત્વની બાયોલોજિકલ (જૈવિક) વિજ્ઞાન સંસ્થાઓ છે. ચીન તેમાં જૈવિક શસ્ત્રો માટે વાઇરસ ઉપજાવી રહ્યું હતું તેમાં અકસ્માતે તે લીક થયા છે તેવું અમેરિકનો કહે છે. હુબેઈ નજીકના હેનાન પ્રાન્ત સાથેની સરહદો બંધ કરી દેવાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘઉંનાં ખેતરો વચ્ચે કાચાં ગામડિયાં માર્ગો પર ઠેર ઠેર વાદળી રંગના રક્ષણાત્મક સૂટમાં મેડિકલ સ્ટાફ જોવા મળે. તેઓના હાથમાં પિસ્તોલ આકારનાં થર્મોમીટરો છે. ડ્રાઇવરો અને પેસેન્જરોના કપાળ પર એ થર્મોમીટર મુકીને ચકાસવામાં આવે છે કે તેઓને તાવ છે કે કેમ? તાવ હોય તો તપાસ અને સારવાર માટે લઈ જવાય છે. હુબેઈ પ્રાન્તની વસતિ ગુજરાત જેટલી જ છ કરોડ લોકોની છે.
વડાપ્રધાન મોદી ચીનના ઝિનપિંગ સાથે બે દિવસ માટે, થોડા સમય અગાઉ જ વુહાનમાં રહી આવ્યા. અનૌપચારિક મહેમાન તરીકે એમણે ઝિનપિંગ સાથે નૌકાવિહાર અને આતિથ્ય માણ્યું હતું. ત્યારે વાહ વાહ વુહાન થયું હતું. આજે માત્ર વુહાન જ નહીં, હુબેઈ રાજ્યના છ કરોડ લોકોને સીમાડામાં જ પુરી દેવામાં આવ્યા છે. બહાર જવાની રજા નથી. બહારથી લોકોને આવવાની રજા નથી. જેમ મધ્ય પ્રદેશને ભારતનાં બીજાં રાજ્યોથી અલગ પાડી દેવામાં આવે તેમ.
ચીનમાં ગામડાંમાંથી મજૂરો અને કારીગરોનું શહેરોમાં મોટા પાયે સ્થળાંતર થયું છે. કોરોના એવા સમયે ત્રાટક્યો છે જ્યારે ચીનમાં નવું વરસ ૨૫ જાન્યુઆરીએ બેસવાનું હતું. ચીનનું આ નવું વરસ યોગાનુયોગે ઉંદરનું વરસ છે. નવા વરસ નિમિત્તે ઉંદરની થીમની આસપાસ જાહેરખબરો ખૂબ થાય. નવા માલસામાનમાં ઉંદરની થીમ હોય, પણ આ વરસે ચીનાઓ ઉંદરના નામથી ડરે છે. નવા વરસે એક સપ્તાહ માટે કામધંધા બંધ રહે અને કારીગરો પોતાના વતનના ગામમાં પાછા ફરે. રજા માણીને વળી શહેરોમાં જાય. વુહાન આવા હિજરતી કારીગરોથી ચિક્કાર ભરેલું છે. સુરતની માફક. ચીને છેલ્લાં ચાલીસ વરસમાં ઝડપી વિકાસ સાધ્યો છે તેમાં કારીગર લોકોનો પ્રમુખ ફાળો છે. ચીનને ‘સમગ્ર દુનિયાની ફેક્ટરી’ તરીકેનું બિરુદ મળ્યું. તેઓ સ્માર્ટફોનમાં એક ઍપ્લિકેશન વડે પોતાના ઘરે પૈસા મોકલતા થયા. તેઓ નવા વરસ નિમિત્તે વતન જાય ત્યારે સગાંઓ માટે પુષ્કળ ભેટ સોગાદો અને મીઠાઈઓ લઈ જાય, પણ આ વખતે બધું જેમનું તેમ પડી રહ્યું.
વુહાનના સુંદર રાજમાર્ગો અને એવન્યુ યુરોપ અમેરિકાને ટક્કર મારે તેવા છે, પણ હાલમાં સૂમસામ છે. જેઓ ૨૦ વીસ જાન્યુઆરી અગાઉ વતનમાં પહોંચી ગયા હતા તેઓને પાછા આવવા દેવાયા નથી. જે હજુ વુહાનમાંથી વતન જવા નીકળ્યા ન હતા તેઓને રોકી દેવાયા છે. લોકોના સમૂહોને અલગ પાડીને રોકી દેવાની (ક્વોરેન્ટીન) પદ્ધતિ ચીનમાં લાગુ પડાઈ છે. લાંબા અંતરની બસો, ટ્રેનો બંધ કરી દેવાઈ છે, વિમાનસેવાઓ બંધ કરી છે અને ચીનમાં તમામ નાનાં મોટાં પ્રવાસધામો બંધ કરી દેવાયાં છે. ગામડાંમાં અને શહેરોમાં લાલ રંગનાં બેનરો દ્વારા લોકોને અપીલ કરાઈ છે; ‘જલદી તપાસ કરાવો, જલદી સારવાર કરાવો. સારવાર સંપૂર્ણપણે મફતમાં છે.’
કેટલાક ચીની અધિકારીઓ લોકોને મળીને સમજણ આપી રહ્યા છે. હુબેઈ પ્રાન્તના નંબરપ્લેટવાળી મોટરકાર જોવા મળે તો તેને બોર્ડર પરથી જ પાછી હુબેઈમાં મોકલી દેવાય છે. જેઓ વીસ તારીખ અગાઉ વુહાન કે હુબેઈથી આવી ગયા તેઓએ દિવસમાં બે વખત ફરજિયાતપણે શરીરનું ટેમ્પરેચર મપાવવું પડે છે અને ઘરમાં ભરાઈને રહેવાનું છે. કોઈ મહેમાન કે મુલાકાતીઓને ઘરમાં આવવા દેવાના નથી. જોકે આ પ્રકારનું પ્રાદેશિક ક્વોરેન્ટીન કેટલું ફાયદાકારક નિવડે છે તે ચર્ચાનો વિષય છે. ચીનમાં તેનો આ પ્રથમ પ્રયોગ છે. દરદીઓ તો વધી જ રહ્યા છે. દુકાનો અને કાર્યાલયો પર નોટિસો ચીટકાવેલી છે કે તમે ઘેર બેસીને રોગચાળો નાથવામાં શ્રેષ્ઠ યોગદાન આપી શકો છો.
અનેક ગામોએ ગામના ઝાંપા પર ખાડા ગાળીને, ટ્રેક્ટરો આડા ગોઠવીને બહારના લોકોને ગામમાં પ્રવેશતાં અટકાવી દીધાં છે. ઝાંપા પર એક સામ્યવાદી પક્ષનો અધિકારી ફેઈસમાસ્ક પહેરીને બેસેલો જોવા મળે. એ થર્મોમીટર વડે આગંતુકોનું ટેમ્પરેચર માપે અને માસ્ક આપે. એ વાત અલગ છે કે ચીની બનાવટના અલગ-અલગ ઇલેક્ટ્રોનિક થર્મોમીટર અલગ-અલગ ટેમ્પરેચર બતાવે. જો ખોટું રીડિંગ થાય તો ભોગ લાગ્યો સમજો. કુલ એકસાથે ૧૪ દિવસની ખાસ ક્વોરેન્ટીનમાં રહેવા જવું પડે. ફરજિયાત.
ચીનમાં સરકારી હૉસ્પિટલોનું માળખું જરી-પુરાણુ છે. હૉસ્પિટલો રેલવે સ્ટેશનોને અડીને હોય છે જ્યાં ચમકતી હાઈસ્પીડ બુલેટ ટ્રેનો દોડે છે અને હૉસ્પિટલોમાં પૂરતો સ્ટાફ કે સાધનો હોતાં નથી. રેલવે સ્ટેશનો પ્રભાવશાળી હોય છે. નવી સમૃદ્ધિ અનેક રીતે જોવા મળે. નવા લ્યુનર (ચન્દ્ર) વરસની રજાઓમાં ચીનાઓ મોટી સંખ્યામાં વિદેશ પ્રવાસે જાય. ત્યાં તેઓને લોકશાહી જોવા મળે. ભારતમાં ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ પોપ્યુલર છે તેમ ચીનમાં ‘વીઈબો’ અને ‘વીચેટ’ છે. લોકો તેમાં ખાનગીમાં ‘સરકારનાં અધૂરાં પગલાં’ની ટીકા કરી લે, પણ જાહેરમાં કોઈ કશું બોલતું નથી. જોકે શી ઝિનપિંગ કે બીજા નેતાઓની ટીકા કરતી પોસ્ટને સેન્સર દ્વારા તુરંત હટાવાય છે, પણ હાલની મહામારીમાં સેન્સરના અધિકારીઓ સંદેશાઓના ઘોડાપૂરને ખાળી શક્યા ન હતા. ‘હુબેઈ ડેઈલી’ નામક અખબારે વાચકોને અફવા ફેલાવવા સામે સાવધ કર્યા તો અખબારની હાંસી ઊડાડતાં સંદેશાઓનો મારો શરૃ થયો. સંકટની ઘડીઓમાં લોકો મરણિયાં થઈ જતાં હોય છે. જેમણે ખરેખર અફવા ફેલાવી હોય તેમને પકડીને પોલીસે બેથી ત્રણ દિવસ જેલમાં પણ પૂરી દીધા. એવું પણ થયું કે વુહાનના ડૉક્ટરો એક નવા પ્રકારના વાઇરસનો સામનો કરી રહ્યા છે તેવી વીચેટ પર ચેટ કરનારા વુહાનના આઠ જણાને જેમાં કેટલાક ડૉક્ટરો હતા તેમને અફવા ફેલાવવાના આરોપસર પૂરી દેવાયા હતા. હવે ખબર પડી કે તે ‘અફવા’ સાચી હતી. ત્યાર બાદ ૨૮ જાન્યુઆરીએ ચીનની સુપ્રીમ કોર્ટે તે ભૂલની નિખાલસ કબૂલાત કરતો એક આર્ટિકલ ઓનલાઇન પ્રસિદ્ધ કરાવ્યો. ચીનનાં મોટાં અખબારોની વેબસાઇટે એકસો જેટલી ફ્લાઇટો અને ટ્રેનોની યાદી જાહેર કરી હતી જેમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોએ પ્રવાસ કર્યો હતો. વેબસાઇટોએ લોકોને સલાહ આપી હતી કે જેમણે આ ટ્રેનો કે ફ્લાઈટોમાં પ્રવાસ કર્યો હોય એમણે મેડિકલ ચેક-અપ કરાવી લેવું. કોરોના વાઇરસ માનવીના શરીરમાં ઘૂસે પછી તેને પનપવામાં ૧૩થી ૧૪ દિવસ લાગે છે. ૧૪મા દિવસે લક્ષણો દેખાય ત્યાં સુધી ખબર ન પડે. ચીનમાં સત્તાવાળાઓએ ફરમાનો બહાર પાડી હુબેઈ રાજ્યનાં શહેરોને લૉક-ડાઉન કર્યાં અને એવું ફરમાન પણ જાહેર કર્યું કે જેઓ હુબેઈથી શાંઘાઈ, બિઈજિંગ વગેરે શહેરમાં આવ્યા હોય તેમણે ફરજિયાતપણે પંદર દિવસ ઘરમાં જ રહેવું, બહાર નીકળવું નહીં.
ચીનમાં સામ્યવાદી શાસનમાં ફરમાનોનું ફરજિયાત પાલન કરવું જ પડે, છતાં ચૅરમેન માઓના સમયમાં સ્થિતિ ખરાબ હતી એટલી આજે નથી. શી ઝિનપિંગ ખૂબ લોકપ્રિય છે અને લોકોના વાજબી વિરોધ સામે ઝિનપિંગ સરકાર નમતું પણ જોખે છે. લોકોની ફરિયાદો અને અભિપ્રાયોને માન આપે છે. સત્તાવાળાઓ વધુ શાણા અને જવાબદાર બન્યા છે. એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં વુહાનના મેયર ઝાઉ ઝિયાનવાંગે કહ્યું કે, જો લોકો ઇચ્છતા હોય તો પોતે રાજીનામું આપવા તૈયાર છે. માઓના સમયમાં પ્રજા ચૂં ચાં કરી શકતી નહીં અને અધિકારીઓ જવાબ આપતા નહીં. એમણે કબૂલ કર્યું કે, બિઈજિંગના ઉપરી સત્તાવાળાઓ પાસેથી પરમિશન મેળવવી પડે એટલે ત્યાં સુધી વુહાનમાં વાઇરસ ફેલાયો છે તેની માહિતી પ્રજાથી ખાનગી રાખવામાં આવી હતી.
લોકો એકબીજાને મદદ કરી રહ્યા છે. તબીબો અને મેડિકલ સ્ટાફને, બેકરીઓ તેમ જ કુટુંબો દ્વારા મફતમાં ભોજન પૂરું પડાય છે. લોકો પોતપોતાના એપાર્ટમેન્ટની ગેલેરીઓમાં ઊભા રહીને એકસાથે રાષ્ટ્રગીત ગાય છે. વુહાનમાં હાલમાં રડી ખડી ટેક્સીઓ દરદીઓને હૉસ્પિટલોમાં લાવતી લઈ જતી જોવા મળે. માત્ર દસ દિવસમાં નવી ટૅન્ટ હૉસ્પિટલો ઊભી કરવામાં આવી. ટેક્સીઓ સરકારે રોકી દીધી છે. તેથી દરદીઓ મફતમાં મુસાફરી કરી શકે છે. વુહાન શહેરમાં સત્તાવાળા ટેક્સી ડ્રાઇવરને એક દિવસના ૮૬ અમેરિકન ડૉલર અર્થાત ભારતીય રૃપિયા ૬ હજાર (લગભગ) ચૂકવે છે. સામાન્ય દિવસમાં તેઓને મળે તેના કરતાં આ બમણી રકમ છે, કારણ કે સંક્રમણનું જોખમ તેઓ ઉઠાવે છે. અલબત્ત, માસ્ક પહેરીને. તેઓએ પોતાના ખર્ચે માસ્ક, ગ્લોવ્ઝ (મોજાં) અને ગોગલ્સ ખરીદવા પડે છે.
વુહાનમાં જે સમૃદ્ધ વિદેશીઓ અને કંપનીઓના વડાઓ વસતા હતા તેઓ આખેને આખું વિમાન ભાડે કરીને (ચાર્ટર્ડ ફ્લાઈટ) સ્વદેશ રવાના થઈ ગયા. વુહાનમાં ફ્રેન્ચ મોટરકાર કંપનીઓનાં મોટાં કારખાનાં છે. ત્યાં ઘણા ફ્રેન્ચ નાગરિકો હતા તેઓ રવાના થઈ ગયા. અમુક ફ્રેન્ચ ડૉક્ટરો સેવા કરવા માટે પાછળ રહી ગયા. કોરોના વાઇરસની કોઈ દવા નથી. તે ફેફસાંને લાગી જાય તો દરદીનું મરણ પણ થાય. જે ૩૪ વરસના ચીની તબીબ લી વેનલિયાંગે કોરોનાની પ્રથમ જાણ કરી હતી તેમને સત્તાવાળાઓ દ્વારા વિગત જાહેર કરવાના ‘ગુનાસર’ રંજાડવામાં આવ્યા હતા. સારવાર કરતાં કરતાં એમને ચેપ લાગ્યો અને શનિવારે એમનું નિધન પણ થયું. અગાઉ ૨૦૦૩માં સાર્સ વાઇરસની ચીનમાં ઉત્પત્તિની ખબર આપનારા ડૉક્ટર જીયાંગ યાનચોંગને પણ હાલમાં ૮૮ વરસની ઉંમરે ઘરમાં નજર કેદમાં રખાયા છે. જોકે તેમને તાઈનાનમેન ચોકમાં થયેલા બળવાના સંદર્ભમાં રખાયા છે.
વુહાન અને હુબેઈના તબીબો રાતદિવસોની સેવા બાદ ખૂબ થાકી ગયા ત્યારે ચીનના લશ્કરના તબીબો અને બીજા પ્રાન્તોના તબીબોને તેડાવવામાં આવ્યા. નરેન્દ્રભાઈએ મદદ કરવાની ઑફર કરી છે તે ભારતમાંથી તબીબો અને મેડિકલ સ્ટાફ મોકલવાની જ ઑફર હશે. કહે છે કે માસ્ક, ગોગલ્સ, મોજાં પહેરવાથી અને વીસ સેકન્ડ સુધી જંતુનાશક સાબુ વડે હાથ ધોવાથી સંક્રમણ લાગતું નથી. જોકે અમેરિકી ડૉક્ટરો, સાચો કે ખોટો, દાવો કરે છે કે તેના વિષાણુઓ હવામાં ફેલાઈ જાય છે અને દૂર બેઠેલી વ્યક્તિને પણ હવા અને શ્વાસ દ્વારા તેનો ચેપ લાગે છે. ચીનના સરકારી આંકડાઓ પર ભરોસો રાખીએ તો દરદીઓમાં મૃત્યુનું પ્રમાણ બે ટકાથી થોડું વધુ ગણાય. સાર્સ નામક બીમારી પણ કોરોના કુળના વાઇરસથી લાગુ પડી હતી. તે પણ ચીનમાં. ત્યારે મૃત્યુનું પ્રમાણ લગભગ દસ ટકા રહ્યું હતું. વર્તમાન કોરોના વાઇરસના કુળે ૨૦૦૪માં પ્રથમ દર્શન દીધા હતા. ત્યાર બાદ વાઇરસ વારંવાર મ્યુટેટ (વિખંડન) થઈ સ્વભાવ અને આકાર બદલાવે છે. આ વાઇરસની કોઈ અસરકારક દવા નથી, પણ જો શોધાય તો વાઇરસ નવું સ્વરૃપ ધારણ કરશે જે શોધાયેલી દવાને ગાંઠશે નહીં. વાઇરસોનો અસરકારક સામનો રસીથી થઈ શકે, પણ કોરોનાની કોઈ રસી નથી, કારણ કે તે સ્વરૃપ બદલતો રહે છે. માણસો (વિજ્ઞાનીઓ) અને વાઇરસો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. માણસ કાંઠો બનાવે, તો વાઇરસ નવા ઢેકા કાઢે. હાલનો કોરોના તેના કુળનો સાતમો પ્રકાર અથવા સંતાન છે. હવે ક્યારેક આઠમો પણ આવશે. હાલનો પ્રકાર ચામાચીડિયા અને વડવાગોળના શરીરમાં ૯૭ ટકા જોવા મળે છે. પ્રથમ કોરોના વાઇરસ (સાર્સ) અને હાલના નોવેલ કોરોના વાઇરસ (એનકોવ) વચ્ચે ૮૩ ટકા સામ્ય છે.
વુહાનની હૉસ્પિટલોના મુખ્ય તબીબો અને સંશોધકોનું માનવું હતું કે આઠ ફેબ્રુઆરી સુધીમાં (જે દિવસે દિલ્હીમાં ચૂંટણી યોજાઈ) કોરોનાનો પ્રકોપ શિખર પર પહોંચશે અને પછી તેમાં ઘટાડો થશે. આશા રાખીએ કે તેઓ સાચા પડે. જોકે નવ અને દસ તારીખે દરદીઓનો આંકડો ઉત્તરોત્તર વધતો રહ્યો હતો. હવે નિદાન, સારવાર અને રૃકાવટ માટેનાં અસરકાર પગલાં લેવાયાં છે. કેવી અસર પડી તે જાણવામાં હજી થોડો સમય લાગશે. વુહાનમાં અમુક દુકાનો ફરીથી ખૂલી રહી છે. લોકો નિરાશામાંથી બહાર આવી રહ્યાં છે. જોકે વુહાનના લોકોથી ચીનના અને ચીન બહારના લોકો ડરી રહ્યાં છે. હોંગકોંગમાં ઘણા લાંબા સમયથી યુવાનો ચીની શાસન સામે, વધુ સ્વતંત્રતા મેળવવા માટેની લડત ચલાવી રહ્યા હતા, તેઓને નવું બળ મળ્યું. પ્રજાના આગ્રહને વશ થઈ હોંગકોંગના સત્તાવાળાઓએ હુબેઈ (વુહાન)ના નાગરિકોનો હોંગકોંગમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો. જે નજીકના ભૂતકાળમાં હુબેઈ ગયા હોય તેમના આગમન પર પણ પ્રતિબંધ મુકાયો. કોઈકે તો ઓનલાઈન ધમકી આપી કે મેઈનલેન્ડ ચાઇના સાથેની હોંગકોંગની બોર્ડર સીલ કરવામાં નહીં આવે તો હોંગકોંગમાં બોમ્બ વિસ્ફોટ કરશે. ધમકી બાદ હોંગકોંગ પોલીસને ઘરઆંગણે બનાવેલા ત્રણ નાના બોમ્બ પણ મળી આવ્યા.
ચીનને ના પોસાય તેવો આર્થિક ફટકો પડવાનો છે. ભારત, જાપાન, યુરોપ, અમેરિકા અને બાકીના દેશો પર તેની વિપરીત અસર પડશે. જાપાન સરકારના આકલન મુજબ કોરોનાનો કેર એક વરસ સુધી ચાલે તો જાપાનની જીડીપીમાં એક ટકાનો ઘટાડો થશે. જાપાનનું અર્થતંત્ર અમેરિકા, ચીન બાદ ત્રીજા ક્રમનું મોટું છે. તેમાં એક ટકા જીડીપીનો ઘટાડો એટલે પ્રચંડ રકમ બને. જો રોગચાળો માત્ર ત્રણ મહિના જ ચાલે તો પણ જાપાનને એક ટ્રિલિયન યેન અર્થાત નવ અબજ અમેરિકી ડૉલરનો ફટકો પડશે. ભારતના વારાણસીમાં સાડી ઉદ્યોગને જ સો કરોડ રૃપિયાની ખોટ જશે. ચીનથી સિલ્ક આવતું બંધ થયું છે.
ચીન પોતાના ‘મેઇડ ઇન ચાઇના’ લેબલને વધુ પ્રતિષ્ઠિત, વધુ આધુનિક અને સ્લીક ચીજ વસ્તુઓના ઉત્પાદનના લેબલ તરીકે વિકસાવવા માગે છે. ચીન નબળી ચીજોનું સસ્તામાં નિર્માણ કરે છે તો શ્રેષ્ઠ ચીજોનું પણ કરે છે અને નિકાસ કરે છે. દુનિયાના મોંઘા અને સસ્તા સેલફોન ચીનમાં બને છે, પરંતુ હાલમાં તો ચીન એન્કોવ વાઇરસની નિકાસ કરી રહ્યું છે. જાપાનના દરિયાકાંઠે ક્રૂઝ શિપ ‘ડાયમન્ડ પ્રિન્સેસ’માં સફરે નીકળેલાં લગભગ ત્રણ હજાર પેસેન્જરોમાંથી સાઠ જેટલાને કોરોનાનો ચેપ લાગ્યો છે. ૧૫૦થી વધુ ભારતીય સહેલાણીઓ અને ક્રૂ મેમ્બર પણ તેમાં સલવાયા છે. દુનિયાના પ્રવાસન ઉદ્યોગ પર તેની મોટી પ્રતિકૂળ અસર પડશે.
જ્યારે કોઈ નવો ચેપ કે વિષાણુ ફેલાય છે ત્યારે તબીબો અને વિજ્ઞાનીઓને તેના વિષે કોઈ માહિતી હોતી નથી. વળી, જેઓને જંતુ લાગુ પડ્યા હોય તે બીમારી ખૂબ આગળ વધે ત્યારે તેની જાણ થાય. નવા વિષાણુનો પ્રકાર, તેને રોકવા માટેના ઉપાયો નક્કી કરવામાં થોડા દિવસો લાગી જાય. દરમિયાન વિષાણુઓ વધુ ફેલાઈ જાય. આથી શરૃઆતની ગભરામણ અને જાનહાનિ વધુ હોય. બીમારી કરતાં તેનો ડર અને ડરને પગલે ફેલાતી અફવા મોટી હોય છે તે સુરતમાં પ્લેગની ઘટનામાં સ્પષ્ટ જણાયું. ઝીકા વાઇરસ મચ્છરો દ્વારા ફેલાય છે અને તેનો ચેપ લાગવાથી ફ્લુ જેવાં હળવાં લક્ષણો જણાય છે, પરંતુ શરૃમાં ઝીકાનો ચેપ ગર્ભવતી મહિલાઓને લાગ્યો હતો અને તેઓને જે બાળકો જન્મ્યાં તેઓનાં મગજને, ઝીકાની બીમારીના પગલે, નુકસાન પહોંચ્યું હતું. ડૉક્ટરો હજી કોઈ નિષ્કર્ષ પર પહોંચે તે પહેલાં ઝીકાની બીમારી વધુ પ્રસરી ગઈ. ત્યાં સુધી કે ભારતની ટાટા મોટર્સે પોતાની એક નવી બહાર પડનારી કારને ઝીકા નામ આપ્યું હતું તે બદલાવી નાખવું પડ્યું હતું. નવી બીમારીનાં નવાં જોખમો વધારી ચડાવીને રજૂ થાય છે. કોરોનામાં હજી કહેવું ઉચિત નથી કે ઊંટ ક્યાં, ક્યારે અને કઈ બાજુએ ઝૂકીને બેસશે? તે લાંબો સમય પણ ચાલે છતાં કોરોનાની બાબતમાં ઘણી અતિશયોક્તિ પણ થઈ રહી છે. પ્રથમ કહેવાયું હતું કે, સંક્રમિત વ્યક્તિનું મરણ થાય તેવી શક્યતા દસથી પંદર ટકા જેટલી હોય છે. શરૃમાં એ પણ સમજાયું ન હતું કે તે માત્ર પ્રાણીઓથી જ ફેલાય છે કે કેમ? એક વ્યક્તિ બીજી વ્યક્તિના સંસર્ગમાં આવવાથી ફેલાય છે કે નહીં તે પણ સમજણમાં આવ્યું ન હતું. હવે પુરવાર થયું છે, જેઓને ચેપ લાગ્યો હોય તેમાંથી પાંચમા ભાગના અર્થાત વીસ ટકા લોકોમાં બીમારીના તીવ્ર લક્ષણ દેખાય છે. ૮૦ ટકા ખાસ બીમાર પડતા નથી. જે વીસ ટકા બીમાર પડે તેમાં સો દરદીએ બે દરદીનું મરણ નીપજે છે. તેઓને ન્યુમોનિયા લાગુ પડે અને શ્વસનતંત્ર રૃંધાઈ જાય. હોંગકોંગ ખાતેના વિજ્ઞાનીઓના કહેવા મુજબ વુહાન ખાતે સંક્રમિત લોકોની સંખ્યા ૪૪ હજારની આસપાસ હશે. વધી વધીને તે ૭૮ હજાર સુધી થઈ શકે, પણ મોટા ભાગનાને હવે હળવી બીમારી લાગશે અને વાઇરસથી થનારાં મૃત્યુનું પ્રમાણ ઘટશે. ત્યાં સુધી કે તે હજારે દસ વ્યક્તિનું (૦.૧ ટકા) જેટલું નીચું આવી શકે છે. આ એક આશા છે જે ઠગારી પણ નીવડી શકે. આ રવિવારે જ ૯૭ જણાનાં મરણ થયાં. મરણનો આંકડો ૯૦૦ને પાર કરી ગયો જે ૨૦૦૩માં સાર્સ (સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ)થી થયેલાં મોતના આંકડા કરતાં વધુ છે. જો મરણનું પ્રમાણ ૦.૧ ટકો રહે તો દુનિયામાં એટલા પ્રમાણમાં સામાન્ય ફ્લુથી પણ મરણ નીપજે છે. જેમ જેમ હૉસ્પિટલોમાં વધુ ને વધુ દરદીઓ આવશે તેમ તેમ તેની આંકડાની ગણતરીની પેટર્ન બદલાતી રહેશે. નિષ્ણાતોના મતે હવે પછીનાં ત્રણ-ચાર અઠવાડિયાં ખૂબ મહત્ત્વનાં ગણાશે. જો એવું જણાશે કે સંક્રમિત લોકોમાં હેલ્થકૅર વર્કર્સ અને મેડિકલ સ્ટાફનું પ્રમાણ મોટું છે અને એવું પણ જણાશે કે બીમાર વ્યક્તિનાં સગાંવહાલાંઓને, જે બીમારની સાથે રહેતા તેઓને વધુ ચેપ લાગ્યો છે તો એવો નિષ્કર્ષ મળશે કે કોરોના વાઇરસ સામાન્ય (થોડે) દૂરના સંસર્ગને બદલે નજીકના સંસર્ગથી વધુ ફેલાય છે. શરૃઆતમાં એવું જણાયું હતું કે તે એક માનવીથી બીજા માનવીને લાગુ પડતા નથી, પરંતુ તેને માનવીના શરીરમાં ઘૂસ્યા બાદ જાહેર થવામાં ચૌદ (એક્ઝેક્ટલી સાડા બાર) દિવસ લાગે છે. માટે પ્રારંભમાં જે નિષ્કર્ષ મળ્યો હતો તે ખોટો હતો. પ્રારંભમાં કોઈ સગાંવહાલાં બીમાર પડ્યા હોય તેમ જણાયું ન હતું. નવા પરંતુ પાકા નિષ્કર્ષોના આધારે તેને રોકવાનું આસાન બનશે. શરદી, કફ અને છીંકના બિંદુઓના માધ્યમથી તે ફેલાય તો તેનો ચેપ બે ત્રણ મીટર સુધી દૂર જઈ શકે, પરંતુ હવાઓના કણોને વળગીને તે વાઇરસ ફેલાતા હોય તો તેનાથી પણ વધુ દૂર સુધી ચેપ લાગે. આ રીતે જોઈએ તો ઈન્ફ્લુએન્ઝા (ફલુ) અને મિઝલ્સ (ઓરી) કોરોના કરતાં વધુ ચેપી છે, કારણ કે એક મોટા ખંડમાં કોઈ છીંક ખાય તો પણ ફલુ અને ઓરી હવાના માધ્યમથી આખા ખંડમાં ફેલાઈ શકે અને ખંડમાં જે હોય તેને લાગુ પડી શકે. વુહાન વાઇરસ કેવી રીતે ફેલાય છે તે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી નક્કી થઈ શક્યું ન હતું. ધારણા છે કે છીંકના બિન્દુઓ સાથે સવાર થઈને તે ફેલાય છે. જેમને ચેપ લાગ્યો હોય છતાં ચેપનાં લક્ષણો ધરાવતી ન હોય તેવી વ્યક્તિ, બીજાને ચેપ લગાડી શકે કે કેમ? તે પણ સ્પષ્ટ નથી. આજકાલમાં થઈ જશે. જો આ રીતે ચેપ ફેલાતો હોય તો ચેપી વ્યક્તિ પોતે જાણ વગર ઘણા દિવસો સુધી ચેપ ફેલાવી શકે. ચીન અને જર્મનીમાં આ રીતે (સુષુપ્ત અવસ્થામાં) ચેપ લાગ્યો હોવાની શંકા ગઈ છે. કોરોના ફેમિલીના વાઇરસનો એક પ્રકાર ‘મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ’ (મેર્સ) તરીકે ઓળખાય છે. તે મધ્યપૂર્વના આરબોને ઊંટના શરીરમાંથી લાગુ પડ્યો હતો. ઘણા દરદીઓના શરીરમાં આ વાઇરસનું એટલું ઊંચું પ્રમાણ રહેતું કે બીજાઓને તેનો ચેપ જલ્દી લાગુ પડતો. દક્ષિણ કોરિયામાં ૨૦૧૫માં આવા એક દરદીને ઇમરજન્સી રૃમમાં ૫૮ કલાક રખાયો હતો તે દરમિયાન તેણે બીજા ૮૧ જણને આ ચેપ લગાડ્યો હતો. નોવેલ કોરોના શમી જશે એવી ધારણા રખાય છે છતાં શક્ય છે કે તે વૈશ્વિક મહામારી બની જાય. ૧૯૧૮માં દુનિયામાં વાઇરસની ‘સ્પેનિશ ફ્લુ’ નામની બીમારી ફેલાઈ હતી જેમાં દુનિયાભરના બેથી પાંચ કરોડ લોકોનાં મરણ થયાં હતાં. આજના યુગમાં ચેપ આટલી હદે કદાચ ના ફેલાય, પણ વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા પ્રમાણે કોરોના કુળના વાઇરસોની રસી તૈયાર કરવાનું ખૂબ મુશ્કેલ છે.
દુનિયાના તબીબો અને હૉસ્પિટલો કોરોના સર્વત્ર ફેલાય તો શું કરવું તેની મૉક-ડ્રિલ યોજી રહ્યા છે. ૨૪ જાન્યુઆરીએ ન્યુ યૉર્ક શહેરના ટોચના અધિકારીઓએ આવી કવાયત યોજી હતી. હેલ્થ વર્કરોને ચેપ લાગવાનું જોખમ વધુ રહે. તે માટે સાવચેતી દાખવવાની હોય! તેની પણ કવાયત થાય. ૨૦૦૨-૦૩માં સાર્સ જેમને લાગુ પડ્યો હતો તેમાંના ૩૫ ટકા દરદીઓ હેલ્થવર્કરો હતા. આવી કોઈ બીમારી ફેલાય તો, જાપાન અને યુરોપમાં, ખાસ કરીને ફ્લુની સિઝનમાં, સ્કૂલો બંધ કરી દેવાય છે. દિલ્હીમાં પ્રદૂષણ વખતે બંધ રખાય. ૨૦૦૯માં સ્વાઈન ફ્લુ ફેલાયો ત્યારે મેક્સિકો શહેરનાં બાર, સિનેમા, ચર્ચો અને ફૂટબોલ સ્ટેડિયમો અને શાળાઓ તેર (૧૩) દિવસ સુધી બંધ કરી દેવાયાં હતાં, પરંતુ આખા રાજ્યને અને શહેરોને અલગ પાડી દેવાનો પ્રયોગ હાલમાં ચીનમાં પ્રથમ વખત થઈ રહ્યો છે. વાઇરસોની પ્રકૃતિ સામાન્યપણે નાજુક હોય છે. સિઝન બદલાય તો પણ તેનો નાશ થાય. કોરોના ઠંડા વાતાવરણમાં ફૂલેફાલે છે, અન્ય ફ્લુની માફક. કદાચ માર્ચ એપ્રિલના આગમન સાથે તેનો નાશ થાય, પણ ત્યાં સુધીમાં કોરોના ન કરવાનું કરશે. ચીનનું નવું વરસ અને તેની મજા સાવ બગાડી નાખી.
શાંઘાઈ શહેરના મધ્યમાં ૧૬મી સદીમાં બંધાયેલો તળાવો, પેવેલિયનો, વાટિકાઓનો બનેલો ‘યુ’ નામનો સુંદર બગીચો છે. નવા વર્ષના આગમન નિમિત્તે તેને ખાસ સજાવવામાં આવ્યો હતો. બગીચાના અંદરના માર્ગો રંગબેરંગી લેન્ટર્નો (ફાનસો)થી સજાવ્યા હતા. ખાવા પીવાના સ્ટોલ્સમાં ચીની વાનગીઓ (ડુક્કર, ઉંદરો, સાપ, કાચબા વગેરે) ગોઠવાઈ ગઈ હતી. દરવાજાઓ પર ચોકીદારો તહેનાત હતા, કે જેથી લોકોના ક્રાઉડને હેન્ડલ કરી શકાય, પરંતુ આ વરસે ક્રાઉડ (લોકો) જ ન હતંુ. કોરોનાના ડરથી ઘર બહાર કોઈ નીકળ્યા ન હતા. વાનગીઓ અને દુકાનોમાં બધો માલ પડી રહ્યો. તે અગાઉના નવા વરસે યુ ગાર્ડની સાત લાખ લોકોએ મુલાકાત લીધી હતી. વેપારીઓને મોટી કમાણી થાય તે આ વખતે ના થઈ. વેપારીઓ કહે છે કે હવે મહિનાઓ સુધી ધંધો કરીશું ત્યારે ખોટ ભરપાઈ થશે.
શું દુુનિયાના ધંધાપાણી માટે આ અમંગળ એંધાણી છે? ચીનનું અર્થતંત્ર આમેય મંદ હતું. વિકાસ દર છ ટકાની આસપાસ આંટા મારતો હતો. ત્રણ દાયકામાં સૌથી નીચે છે. તેમાં આ અધિક માસ ત્રાટક્યો. ચીન ભારતનો મોટો વેપાર પાર્ટનર છે. જો તે આયાત ઓછી કરશે તો ભારતને પણ દુકાળમાં અધિક માસ નડશે તે અવશ્યંભાવિ છે. ૨૦૦૩માં ચીનમાં સાર્સ વાઇરસ ફેલાયો જ્યારે વિકાસદરની રફતાર અતિશય મંદ પડી હતી, પણ તેને કાબૂમાં લેવાયા બાદ અર્થતંત્રમાં ફરી ઉછાળો આવ્યો હતો. વાઇરસોના બીજા રોગચાળા આવ્યા અને જે પરિણામો આવ્યાં તે પરથી સમજાયું કે અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રની વધુ ફિકર કરવાની જરૃર નથી. બધું સમુંસૂતરું થઈ જતું હોય છે. ૨૦૦૬ના એવીઅન ફ્લુ કે ૨૦૦૯ના સ્વાઈન ફ્લુને કારણે વૈશ્વિક પ્રગતિને કોઈ મોટી અને કાયમી નકારાત્મક અસર થઈ ન હતી.
આમ છતાં મૂડી રોકાણકારો ખૂબ સંવેદનશીલ હોય. વુહાનના કોરોના વાઇરસની છીંકો વૉલ સ્ટ્રીટવાળાને ન્યુ યૉર્કમાં આવે. હોંગકોંગના શેરબજાર દુનિયાના અગ્રણી બજારમાં આવે. તેના શેરોની કિંમત દસ ટકા ઘટી ગઈ. દુનિયાનાં બજારો પર પણ મોટી અવળી અસર જણાઈ. વાઇરસનો પ્રકોપ લાંબો ચાલશે તેમ તેમ વધુ અસર જણાશે. ફડકાને કારણે ઑફિસો, દુકાનો, કારખાનાં બંધ રહે છે. તેમાં ચીની સરકારે શહેરો અને રાજ્યોને બંધ કરી દીધાં તેથી આ વખતની પ્રતિકૂળ અસર મોટી હશે. અગાઉ આવાં પગલાં ક્યારેય લેવાયાં ન હતાં. અસાધારણ ઉપાયોના અસાધારણ પરિણામો આવી શકે.
પ્રથમ સીધી અસર હુબેઈ પ્રાન્ત અને તેના પાટનગર વુહાન પર વરતાઈ રહી છે. તમામ પ્રવૃત્તિઓ વીસ દિવસથી ઠપ છે. ચીનની જીડીપીમાં હુવેઈનો ફાળો સાડા ચાર ટકા છે તેથી કુલ જીડીપીમાં દુર્ગા પૂજા (નવ રાત્રિ) મહોત્સવનો ફાળો એક ટકા જેટલો મોટો રહે છે. તે રીતે ચીનમાં નવા વરસના આઠ દિવસના ઉત્સવનો રહે છે. આ વરસે આખા ચીનમાં ઉત્સવ ઊજવાયો નહીં તેથી પણ ગાબડું વધશે. લોકો મંદિરોમાં, મૉલ્સમાં કે રેસ્ટોરાંમાં ગયાં જ નથી. ગયા વરસના પ્રથમ સપ્તાહમાં ચીનમાં ૧૪૪ અબજ અમેરિકી ડૉલર અર્થાત એક ટ્રિલિયન યુઆન કરતાં વધુ રકમનું છૂટક વેચાણ થયું હતું. કેવડી મોટી રકમ આ વરસે ન વપરાઈ! માત્ર ૪૫ અબજ ડૉલરમાં આખું પાકિસ્તાન ચીનને મળ્યું છે અને તે પણ લોન તરીકે આવ્યા છે. ગયા વરસના સપ્તાહમાં બોક્સ-ઑફિસ પર નવ ટકા (આખા વરસની કમાણીનો) વકરો થયો હતો. આ વરસે ચીનનાં તમામ અગિયાર હજાર (૧૧,૦૦૦) સિનેમા કોમ્પ્લેક્સ બંધ રહ્યાં હતાં અને હજી બંધ છે. સ્થાનિક પ્રવાસમાં લોકોએ ૫૦૦ અબજ યુઆન વાપર્યા હતા જે આખા વરસની પ્રવાસન કમાણીના આઠ ટકા થાય. આ વરસે પ્રવાસ થયો જ નથી. તમામ ઉદ્યોગો, કારખાનાં અને કાર્યાલયોની રજાઓ વધુ એક સપ્તાહ લંબાવવી પડી. વીસ દિવસ બાદ આ સોમવારે કામધંધાઓ શરૃ કરવાની છૂટ અપાઈ છે, પરંતુ વતનમાં ગયેલા કારીગરો રોગચાળો સાવ શમી જાય ત્યાં સુધી શહેરોમાં પાછા ફરશે નહીં, તેથી કુલ ઉત્પાદન ઘટશે. ૨૦૦૩માં સાર્સ ફેલાયો ત્યારે ચીનનો વૈશ્વિક અર્થતંત્રમાં આજે છે એટલો પ્રચંડ ફાળો ન હતો. ત્યારે વિશ્વની જીડીપીમાં ચીનનો ફાળો માત્ર ચાર ટકા હતો, આજે ૧૬ (સોળ) ટકા છે, (ગયા વરસના ફિગર્સ પ્રમાણે). વિશ્વના અર્થતંત્ર પર આવડો મોટો પ્રભાવ હોય ત્યારે તેની નેગેટિવ અસર પણ પ્રચંડ જ હોય. ચીનની નવ સમૃદ્ધ પ્રજા કરોડોની સંખ્યામાં વિશ્વના દેશોના પ્રવાસે જતી હતી તે દેશોને પણ માઠી અસર પડશે. તાજ મહેલ અને દક્ષિણનાં મંદિરો જોવા તેઓ ખાસ આવતા. ઉપરાંત વેપારધંધા માટે ચીનમાં અને ચીન બહાર જતા લોકોની સંખ્યા ખૂબ મોટી હોય છે. તેમાં સાવ ઘટાડો નોંધાયો. થાઈલેન્ડ સરકારની ગણતરી મુજબ ચીની પ્રવાસીઓ ઘટવાથી થાઈલેન્ડને દોઢ અબજ ડૉલરની ખોટ જશે. દુનિયાની વિમાનસેવા કંપનીઓના શેરોની કિંમતો ગગડી ગઈ છે. દુનિયાની પ્રસિદ્ધ કૉફીશોપ ચેઇન સ્ટારબક્સે ચીનમાંના તેના ૪૨૯૨ કાફે હંગામી સમય માટે બંધ રાખવા પડ્યાં છે. જ્યાં ખુલ્લાં રાખવાની છૂટ હતી ત્યાં પણ ગ્રાહકો ગયા નથી. કાફે અને દુકાનો પર નોટિસો ચીટકાડી હતી કે ગ્રાહકે માસ્ક પહેરીને જ અંદર આવવું. જોકે થ્રીએમ જેવી કંપનીના માસ્ક ખૂબ વેચાયા. લોકો ગૂગલ પર કોરોના ટેગથી સર્ચ કરે તો સ્ક્રીન પર ‘કોરોના’ બ્રાન્ડનો બીઅર હાજર થાય. તેને મફતમાં મોંઘી પબ્લિસિટી મળી અને દુનિયામાં તેનું અચાનક વેચાણ વધ્યું. શાંઘાઈમાં ડિઝનીલેન્ડે પોતાનો પાર્ક બંધ રાખવો પડ્યો. તે પણ ખાસ રજાઓમાં, પણ ચીનની અવેજીમાં ભારતનો અમુક વેપાર વધી શકે છે.
વુહાન મોટરકારો અને વાહનોના સ્પેરપાટ્ર્સનું ઉત્પાદક હબ છે. નિસાન, હોન્ડા અને જનરલ મોટર્સનાં અહીં કારખાનાં છે. ચીનની સપ્લાઈ ચેઇનમાં જોડાયેલા ચીનનાં બે હજાર શહેરોમાં વુહાનનો ક્રમ તેરમો (૧૩)અને અતિ અગત્યનો છે. વુહાનની સ્થાનિક યાંગત્ઝે ઑપ્ટિકલ ફાઇબર એન્ડ કેબલ કંપની દુનિયાની સૌથી મોટી ઑપ્ટિકલ ફાઇબર નિર્માતા કંપની છે અને આખી દુનિયાને માલ પૂરો પાડે છે. દુનિયાની એલોપેથિક દવાના સક્રિય ઘટકોમાંથી ૮૦ ટકાનું ચીનમાં નિર્માણ થાય છે. દુનિયાને ૯૦ ટકા પ્લાસ્ટિકનાં ફૂલો ચીન પૂરાં પાડે છે. એપલ માટે ફોન બનાવતી ચીનની ફોક્સફોન કંપનીના શેરોમાં દસ ટકાનું ગાબડું પડ્યું છે. અમેરિકા સાથે ટ્રેડ વૉર ચાલી છતાં ચીનની નિકાસ ઘટી ન હતી તે ઉંદરના આ વરસના પ્રારંભમાં જ ઘટી ગઈ. પ્રથમ ત્રિમાસિકમાં ચીનના જીડીપીમાં બે ટકાનો મોટો ઘટાડો નોંધાશે તેવી ધારણા છે. છમાંથી ચાર ટકા થશે. જો રોગને જલ્દી નાથવામાં આવશે તો ફરી તેજી આવશે. જેટલો વધુ સમય લાગશે એટલું વધુ નુકસાન થશે. કોરોના વાઇરસે ન કરવાનું કર્યું છે.
——————————–