તમારા માટે, તમારી સાથે, સતત…

અરવિંદ કેજરીવાલ હવે રાજનીતિના સ્થાયી પરિબળ બન્યા છે

ભાજપની નેતાગીરી તેમાં નિષ્ફળ ગઈ છે.

0 146
  • સાંપ્રત – તરુણ દત્તાણી
Related Posts
1 of 269

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો એક્ઝિટ પોલને અનુરૃપ આવ્યા છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ જંગી બહુમતીથી ફરી સત્તા કબજે કરી છે. ભાજપના નેતાઓના તમામ દાવાઓ ધ્વસ્ત થઈ ગયા છે. અરવિંદ કેજરીવાલનાં ચૂંટણી વચનો અને વાયદાઓને હસી-મજાકનું સાધન બનાવનાર ભાજપ ખુદ હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયો છે. ૨૦૧૫ની ચૂંટણીમાં ત્રણ બેઠક મેળવનાર ભાજપની આ વખતે આઠ બેઠકો થઈ છે તેને વિજય ગણાવવો એ તો ટંગડી ઊંચી રાખવા જેવી કવાયત છે. ખરી વાત એ છે કે આ ચૂંટણીમાં ભાજપ ઊંધા માથે પટકાયો છે. લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની સાતે સાત બેઠકો કબજે કરનાર ભાજપે વિધાનસભાની બેઠકોની ગણતરીના હિસાબે નવ મહિના પહેલાં ૬૫ બેઠકો પર સરસાઈ મેળવી હતી. લોકસભાની ચૂંટણી પછીના નવ માસના ગાળામાં મતદારો કે લોકો બદલાયા નથી. દિલ્હીની ચૂંટણીમાં મતદારોએ આ પરિણામ દ્વારા ભાજપને એવું ભાન કરાવવાનો પ્રયાસ કર્યો છે કે રાષ્ટ્રીય અને સ્થાનિક મુદ્દાઓનો ભેદ કરતા શીખો. લોકોને આ ભેદ પારખતાં આવડે છે. ભાજપની નેતાગીરી તેમાં નિષ્ફળ ગઈ છે. નરેન્દ્ર મોદી – અમિત શાહની ચૂંટણી વ્યૂહરચનાની મર્યાદાઓ દેખાવા લાગી છે. છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ પછી દિલ્હીમાં પણ ભાજપે સામે ચાલીને પોતાની ફજેતી કરાવી છે. માત્ર વીસ દિવસના ચૂંટણી પ્રચારથી ચૂંટણી જીતાતી નથી. પાંચ વર્ષ સુધી દિલ્હીના લોકો સાથે જીવંત સંપર્ક રાખવાની પ્રણાલી ભુલાઈ ગઈ છે. ભાજપની નવી રાષ્ટ્રીય નેતાગીરીએ દિલ્હીની જૂની નેતાગીરીને ઘરે બેસાડી દેવાની ભૂલ કરી છે. નવા નેતાઓ દિલ્હીની વાસ્તવિકતા કેટલી સમજે છે એ પ્રશ્ન છે. અરવિંદ કેજરીવાલનો જે પ્રકારે મુકાબલો કરવો જોઈતો હતો એ પ્રકારે ભાજપ કરી શક્યો નથી. કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની ક્ષમતાને ઓછી આંકવાની ભૂલ ભાજપની નેતાગીરીએ કરી છે. મફત વીજળી-પાણી, વાઈ-ફાઈ અને મહિલાઓ માટે બસ મુસાફરી – એ લાભને દિલ્હીના નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ લોકો શા માટે જતા કરે? દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ પદે ફિલ્મ મનોરંજનની દુનિયામાંથી આવેલા મનોજ તિવારીને બેસાડી દેવામાં કઈ બુદ્ધિમત્તા રહી છે એ દિલ્હી ભાજપના કાર્યકરો સમજી શક્યા નથી. આટલાં વર્ષોમાં મનોજ તિવારીની પ્રદેશ પ્રમુખ તરીકે એક જ સિદ્ધિ રહી છે – ડાન્સર સપના ચૌધરીને ભાજપમાં લાવવાની! દિલ્હીમાં આ રીતે જ રાજનીતિ કરવાની હોય તો લોકો શા માટે મત આપે?  સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓને ચૂંટણીમાં અવગણવાનું ભાજપને ભારે પડી રહ્યું છે. આ વાત જો હજુ આજે પણ નહીં સમજાય તો બિહારમાં પણ ભાજપની બૂરી વલે થવાની છે. દિલ્હીના પરિણામ પછી નીતિશકુમારના નખરાં વધી જશે એ નક્કી છે. દિલ્હી ભાજપનો ગઢ રહ્યો છે – એ દાવો કાયમ ટકી શકે તેવો નથી. મોદી-શાહના રાજકારણને દિલ્હીના મતદારો કે ભાજપના કાર્યકરો હજમ કરી શકતા નથી. કેજરીવાલે કશું કર્યું નથી એવી વાત લોકોએ સાચી માની નથી. કેમ? કદાચ લોકો ભાજપ કરતાં વધુ જાણે-સમજે છે. લોકો કાંઈ ભાજપની શરતે ભાજપને મત આપવા બંધાયેલા નથી. દિલ્હીની ચૂંટણીને હિન્દુસ્તાન-પાકિસ્તાનની લડાઈ ગણાવનાર ભાજપ હવે આ પરિણામોને શું કહેશે?

૨૦૧૫માં અરવિંદ કેજરીવાલ વૈકલ્પિક રાજનીતિના મુદ્દે દિલ્હીની ચૂંટણી જીતી ગયા હતા. તેમની વૈકલ્પિક રાજનીતિનું આજે કોઈ નામોનિશાન નથી. તેમનો પક્ષ પણ અન્ય રાજકીય પક્ષોની હરોળમાં આવી ગયો છે. બીજા પક્ષો જેવાં જ દૂષણો તેમાં છે. અન્ના હઝારેના આંદોલન પર સવાર થઈને અઠંગ ખેલાડી થઈ ગયા છે. દિલ્હીમાં બીજી વાર સત્તા કબજે કરીને કેજરીવાલે આમ આદમી પાર્ટીના રાજકારણને સ્થાયિત્વ આપ્યું છે. આદર્શો અને સિદ્ધાંતોના આધારે રાજનીતિ થઈ શકે નહીં એ વાત સમજી ગયેલા કેજરીવાલે આંદોલનના બધા આદર્શો પડતા મૂક્યા છે અને સગવડિયા ધર્મનું રાજકારણ સ્વીકારી લીધું છે. તેમણે રાજકારણને કારકિર્દી બનાવી છે અને કારકિર્દીમાં ટકી રહેવા અને આગળ વધવા એ અન્ય પક્ષોની જેમ બધું કરી શકે છે. શાહીનબાગનો દાવ ભાજપને ફળ્યો નથી, કેજરીવાલને ફળ્યો છે. કોંગ્રેસ તો પહેલાં પણ ક્યાંય ન હતી અને આજે પણ ક્યાંય નથી.
———————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »