તમારા માટે, તમારી સાથે, સતત…

એ એક ક્ષણ અને છપાક

મેડિકલ કૉલેજની વિદ્યાર્થિની ડિમ્પલ મજમુદારે એસિડગ્રસ્ત મહિલાઓ પર રિસર્ચ કર્યું છે

0 400
  • મુકામ મુંબઈ – લતિકા સુમન

એસિડ હુમલા પર આધારિત ફિલ્મ છપાકને ઠીક-ઠાક પ્રતિસાદ મળ્યો. આ ફિલ્મ એસિડ હુમલાનો ભોગ બનનારી લક્ષ્મી અગરવાલ પર બની છે, પણ લક્ષ્મી જેવાં જ અન્ય કેટલાંક એસિડ એટેક પીડિતો છે, જેમની કહાણી પણ દર્દનાક છે. આજે આવા જ કેટલાક એસિડગ્રસ્ત પીડિતોની વાત કરવાની છે.

આજે પણ જ્યારે કોઈ અચાનક સામે આવી જાય કે જોરથી બૂમ પાડે તો કોઈ વિચિત્ર પ્રકારનો ડર લાગે છે. સતત એવું લાગે છે કે ફરી કોઈ અઘટિત ઘટના તો નહીં ઘટે ને અને જ્યારે અન્ય વ્યક્તિઓ અમારી તરફ જુએ છે ત્યારે તેઓ જાણે પ્રાણીસંગ્રહાલયમાંથી કોઈ ચિત્ર-વિચિત્ર પ્રાણી આવ્યું હોય એવા ભાવો સાથે જુએ છે. કેટલીકવાર કેટલાક લોકો અમારી પીઠ થપથપાવીને કહે છે કે બહુ હિમ્મતવાળી છે. આજે આવા શબ્દો સાંભળીએ છીએ ત્યારે અમને એવું લાગે છે કે આ હિમ્મત અમારી મજબૂરી છે. જીવતા રહેવા માટે, કારણ કે અમારો પણ પરિવાર છે. અમારાં પણ બાળકો છે. – આ શબ્દો છે રેશમાના. નાલાસોપારામાં રહેનારી રેશમા શેખ ‘અભિયાન’ આગળ પોતાની મનોવ્યથા ઠાલવી રહી છે.

મેઘના ગુલઝાર દિગ્દર્શિત છપાક ફિલ્મ જોવા માટે એસિડ હુમલાનો ભોગ બનનારી મહિલાઓ પોતાના પરિવાર સાથે અંધેરીના એક મૉલમાં એકઠી  થઈ હતી. એક અલગ જ પ્રકારનો માહોલ હતો. બધાં એકબીજાની સાથે સેલ્ફી લેવામાં વ્યસ્ત હતાં. એસિડગ્રસ્તો અને તેમનો પરિવાર બંને એકબીજાનો સહારો લાગી રહ્યો હતો. બધાં જ એકબીજાની સાથે કોઈ અવ્યક્ત સંબંધથી જોડાઈ ગયાં હતાં. જુદા જુદા પરિવારો જાણે એક જ પરિવાર હોય એવું લાગી રહ્યું હતું. આ બધાંને જોડનારી વ્યક્તિ પોતે એસિડ સર્વાઇવર્સ સાહસ ફાઉન્ડેશનની ફાઉન્ડર દૌલત બી હતી. તેમની સંસ્થા દ્વારા બધાં એસિડગ્રસ્તો સાથે મળીને છપાક ફિલ્મ જોવાનો નિર્ણય દૌલત બીનો જ હતો. દૌલત બીના બહેન રેશમા પણ ઉપસ્થિત હતાં. રેશમા પણ દૌલત બીના જેમ જ એસિડ એટેકનો શિકાર બની હતી.

દૌલત બી અને તેમની બે બહેનોની સાથે એક બે વર્ષનું બાળક હતું, તે પણ એસિડ એટેકનું શિકાર બન્યું હતું. દૌલત પોતાની સાથે ઘટેલી ઘટના વર્ણવતાં કહે છે, તેર વર્ષની ઉંમરે મારાં લગ્ન કરાવી દેવામાં આવ્યાં. હું આઠમા ધોરણમાં ભણતી હતી. મારે આગળ પણ ભણવું હતું, પણ માતા-પિતાએ મારાં લગ્ન કરાવી દીધાં. મેં આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો, પણ બચી ગઈ અને પંદર દિવસ બાદ મારાં લગ્ન લેવામાં આવ્યાં. મારા પતિ મને ખૂબ મારતા. મહિલાઓએ ઊંચી અવાજમાં  બોલવું ન જ જોઈએ. તેમને કશું કહેવાનો કે પોતાના વિચારો વ્યક્ત કરવાનો હક નથી એવું તેમનું માનવું હતું. મારાથી જો સહેજ પણ ભૂલ થઈ જાય તો તેઓ મને ખૂબ મારતા. હું ચૂપચાપ બધું સહન કરતી રહી. એક દિવસ મેં મારી માને બધી વાત જણાવી અને તેઓ મારી પડખે આવ્યાં. વર્ષ ૨૦૦૯માં તેમનું મૃત્યુ થયું. અમે ત્રણે બહેનો સમયાંતરે મળતી રહેતી. એક બહેન અને તેના પતિના ખરાબ વ્યવહારને કારણે અમે તેમની સાથે સંબંધ નહોતો રાખ્યો, પણ માનાં મૃત્યુ બાદ મારી બહેન ફરીથી અમારી સાથે સંબંધ રાખવા લાગી. તે અમારી સૌથી મોટી બહેન હતી, તેથી અમે પણ તેની સાથે સંબંધ જાળવવાનું શરૃ કર્યું, પણ આખરે તેણે પણ દગો જ આપ્યો. એકવાર ઝઘડો થયો અને એ ઝઘડામાં તેનો અમારા પર જે ગુસ્સો હતો તે એસિડ નાંખીને ઉતાર્યો. અમને લાગ્યું કે અમારા ચહેરા પર કોઈ પ્રવાહી નાંખવામાં આવ્યું હશે, પણ જ્યારે હૉસ્પિટલમાં અમે ત્રણ બહેનોએ અમારો ચહેરો જોયો તો સમજમાં આવ્યું કે એ પ્રવાહી બીજું કાંઈ નહીં પણ એસિડ હતું. ચહેરો સૂજી ગયો હતો. અમારાં બાળકો પણ અમારી નજીક નહોતાં આવતાં. બાળકોને વિશ્વાસ જ નહોતો આવતો કે અમે તેમની મા છીએ. અમારી ટ્રીટમેન્ટ અને હૉસ્પિટલનો ખર્ચ ચાલીસ લાખ જેટલો થયો. અમારે અમારી પાસે જે કાંઈ પણ બચ્યું હતું તે વેચી દેવું પડ્યું. કેટલાય દિવસો સુધી હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું. જ્યારે ઘરે આવ્યાં ત્યારે બહાર નીકળવાની હિમ્મત નહોતી ચાલતી. પણ બાળકોને ભૂખથી ટળવળતા નહોતાં જોઈ શકતાં, ત્યારે દરગાહની બહાર મોઢું ઢાંકીને બેસતાં. જે કાંઈ પણ મળતું, તે ઘરે લાવીને બાળકોનું પેટ ભરતી. ઘણીવાર એવું લાગતું કે કોઈ તો અમારી મદદે આવે, પણ પછી વિચાર આવતો અમને કોણ કામ આપશે. આખરે બાળકોની ભૂખ અને તેમના ભવિષ્યની ચિંતાએ અમારામાં હિમ્મત આવી. અમે ત્રણે બહેનોએ અમારા જેવી બીજી કેટલીક બહેનો જોઈ અને સાહસ સંસ્થાની સ્થાપના કરી. એસિડ એટેક સાહસ ફાઉન્ડેશન. આ ફાઉન્ડેશન આજે અમારી હિમ્મત બની રહ્યું છે.

દૌલત બીએ પોતાની સંસ્થાના સભ્યો અને તેમના પરિવારને થિયેટરમાં ફિલ્મ જોવાનું આમંત્રણ આપ્યું હતું. થિયેટરમાં ઉપસ્થિત દર્શકો જ્યારે ફિલ્મ જોઈ રહ્યા હતા ત્યારે એક સન્નાટો વ્યાપેલો હતો. ફિલ્મ પૂરી થયા બાદ જ્યારે સૌ બહાર નીકળ્યા ત્યારે એકબીજા સાથે ચર્ચા કરવાની શરૃ કરી. દીપિકા પાદુકોણેનું પાત્ર જાણે તેમને તેમનું પાત્ર હોય એવું લાગી રહ્યું હતું. એસિડ એટેકનો ભોગ બનેલી દરેક વ્યક્તિને એવું લાગી રહ્યું હતું કે મેં પણ આ ક્ષણ, આ ચીખ, આ આંસુઓ અને આ પીડાને અનુભવ્યા છે. હું જે ક્ષણને ભૂલવા માગતી હતી એ ક્ષણ આજે ફરી એકવાર મારી સામે આવીને ઊભી રહી છે.

દૌલત બી બાદ રેશમાએ પોતાની વ્યથા વ્યક્ત કરી – આ બધું કેટલું ભયાનક હોય છે તેને શબ્દોમાં વ્યક્ત કરવું શક્ય નથી. થોડી ક્ષણો પહેલાં હું હસી રહી હતી, અચાનક જ મારી હસી છીનવાઈ ગઈ. આજે પણ હું એક ડર સાથે જીવી રહી છું. અમારી પોતાની બહેને અમારી ત્રણેય પર એસિડ નાંખ્યા. એ દિવસે હું કેટલું બધું તડપી હતી અને આજ સુધી હું એ દિવસની ભયાનકતાને મહેસૂસ કરી રહી છું. એ ક્ષણને ભુલાવવી આજે પણ અશક્ય છે. એ દિવસે કોઈએ અમારી મદદ નહોતી કરી. મારા પતિ પણ મને છોડીને જતા રહ્યા. આજ સુધી તેઓ પાછા નથી આવ્યા. મારા ત્રણ બાળકો છે. તેઓ મારો ભયાનક ચહેરો જોઈને મારી પાસે આવતા ડરતા હતા. તેમને એવું લાગતું હતું કે હું તેમની મા નથી. કોઈ ભયાનક ચહેરો ધરાવનાર સ્ત્રી છું. મારો સૂજી ગયેલો ચહેરો જોઈને સૌ કોઈ ડરતું હતું. આજે પણ મારા માટે મારો પોતાનો ચહેરો મારા માટે અજાણ્યો હોય એવો થઈ ગયો છે. એવું લાગતું કે આ હું નથી. હું કેટલી હસતી હતી, ખુશમિજાજ હતી. આજે મારા ચહેરા પર ગમગીની છવાયેલી છે. જીવી રહી છું. જ્યારે મારા જેવી અન્ય સહેલીઓ મળે છે, ત્યારે તેમની સાથે મળીને એકબીજાનાં સુખ-દુઃખ વહેંચીએ છીએ તેમ છતાં આજની તારીખે પણ એક પ્રકારનો ડર સતાવતો રહે છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તમને કોઈ સાઇકિયાટ્રિસ્ટની જરૃર નથી લાગતી. તો એમનો જવાબ હતો કે અમે અમારા મનમાંથી આ અજાણ્યા ડરને કાઢી નાંખીએ, પણ એમ આ ડર કાઢવો શક્ય નથી. જ્યારે ચાલતા-ચાલતા અચાનક કોઈ અમારી સામે આવી જાય છે તો અમને ડર લાગે છે. રસ્તામાં ચાલતા ચાલતા પાછળથી કોઈનો ધક્કો વાગે તો ડર લાગે છે. એવું લાગે છે જાણે કોઈ અમારી પર એસિડ તો નથી નાંખી રહ્યું ને. અમારા જેવી કેટલીય મહિલાઓ પોતાનો ચહેરો ઢાંકીને રસ્તા પર ચાલતી હતી. હવે થોડીઘણી મહિલાઓ હિમ્મત કરીને બહાર નીકળતી થઈ છે. મારા ચહેરા પર સાત સર્જરી થઈ છે. ત્યાર બાદ હું બહાર નીકળવા સક્ષમ બની. જ્યારે હું આઇનામાં મારો ચહેરો જોતી તો આંખમાંથી આંસુ વહેતા. આજે પણ કોઈ ફંક્શનમાં જવાનું હોય તો તૈયાર થતી વખતે મને મારો જૂનો ચહેરો યાદ આવે છે. રેશમાના અવાજમાં કંપન હતું.

કેનેડાથી આવેલી મેડિકલ કૉલેજની વિદ્યાર્થિની ડિમ્પલ મજમુદારે એસિડગ્રસ્ત મહિલાઓ પર રિસર્ચ કર્યું છે. રિસર્ચ દરમિયાન કરેલા અભ્યાસ અંગે ડિમ્પલનું કહેવું છે કે, મેં કોઈ ને કોઈ કારણસર બળવાનો ભોગ બન્યા હોય તેવા ઘણા કેસનો અભ્યાસ કર્યો છે, પણ આ બધામાં એસિડગ્રસ્તો પીડિતોની સ્થિતિ ખૂબ જ ભયાનક લાગે છે. તેમને ચહેરાની સર્જરી કરવા અંગે કહેવામાં આવે છે. કરવામાં પણ આવે છે પણ તેમના મન પર શું વીતી રહ્યું છે તે અંગે ભાગ્યે જ કોઈને વિચાર આવતો હશે. હું મનોવિજ્ઞાનની વિદ્યાર્થિની છું તેની હું તેમની મનોસ્થિતિને બહુ સારી રીતે સમજી શકું છું. આજે પણ એસિડગ્રસ્ત મહિલાઓ બિયરની બોટલ જોઈને ગભરાઈ જતી હોય છે. ભલેને પછી એ બોટલમાં પાણી જ કેમ ન ભર્યું હોય, પણ એ બિયરની બોટલમાં જ એસિડ ભરીને તેમના પર એસિડ નાંખવામાં આવ્યું હોય છે. આજે પણ કોઈ ચીસ કે શોરબકોર સાંભળીને તેઓ કાંપવા લાગે છે. અચાનક જ કોઈ સામે આવી જાય તો તેઓ ડરી જાય છે. તેમનો આ ડર પૂરી રીતે નીકળી ન જાય તે માટે કોઈ ખાસ પ્રયત્ન હજુ સુધી નથી કરવામાં આવ્યો. હાલમાં તો હકારાત્મક વિચારો વડે તેમને ડરમાંથી બહાર કાઢવા હું પ્રયત્ન કરી રહી છું.

Related Posts
1 of 319

લલિતા બહેન બંસી એક બાળકની માતા બની ચૂકી છે. પતિ અને બાળક સાથે તેઓ ફિલ્મ જોવા આવી હતી. ખૂબ ખુશ લાગી રહી હતી. વાતોમાં સ્પષ્ટતા અને ખુશમિજાજીનો સમન્વય હતો. લલિતાને છપાક ફિલ્મ ઘણી પસંદ આવી. તેમનું કહેવું છે, દુનિયામાં દરેક પ્રકારના લોકો હોય છે. સારા પણ અને ખરાબ પણ. મારી પર મારા જ એક સંબંધીએ એસિડ નાંખ્યો હતો. હું ઉત્તર પ્રદેશના આઝમગઢની રહેવાસી છું. મામાના ઘર સાથે કોઈ જૂનો ઝઘડો હશે, પણ વર્ષો બાદ હું એક લગ્નમાં તેમના ઘરે ગઈ હતી. ફરી પાછો કોઈ નાનો અમથો ઝઘડો થયો. હું આગળની હરોળમાં જ બેઠી હતી. મેં પણ જેમની સાથે ઝઘડો ચાલી રહ્યો હતો તેમને જવાબ આપ્યો. મુંબઈની છોકરીને અહીં આવીને બહુ ઇતરાવાની જરૃર નથી, જો ચૂપચાપ ન બેઠી તો એસિડ નાંખીશ એવી ધમકી આપવામાં આવી. લલિતાએ આ વાતને મજાકમાં લીધી. લગ્નમાં સૌથી આગળની હરોળ પર બેસવાના મુદ્દે  લલિતા પર એસિડ ફેંકવામાં આવ્યો. લલિતા કેટલાક દિવસો સુધી આઝમગઢના હૉસ્પિટલમાં ભરતી રહી. લલિતાને દુઃખ છે કે તેને કારણે તેના પરિવારને ઘણુ સહન કરવું પડ્યું. તેમની આર્થિક સ્થિતિ કથળી ગઈ, કારણ કે ઇલાજ ઘણો ખર્ચાળ હતો. ઘર, ઘરેણા, ખેતી – જે કાંઈ પણ હતું તે વેચી નાંખવું પડ્યું. પચાસ રૃપિયામાં મળનારા એસિડે અમને બધી રીતે બરબાદ કરી દીધા. પણ બધા જ માણસો ખરાબ હોય છે એવું પણ નથી અને તેની ખબર ત્યારે પડે છે જ્યારે સારા માણસો આપણા જીવનમાં આવે છે.

એકવાર લલિતા કોઈને ફોન લગાવી રહી હતી. એક નંબર ખોટો લાગી ગયો અને કોઈ રાહુલ સિંગ નામના માણસને ફોન લાગ્યો. લલિતાએ રાહુલની માફી માગી, પણ ત્યાર બાદ રાહુલ ઘણીવાર લલિતાને ફોન કરતો રહ્યો. એક મહિના પછી રાહુલે લલિતાને કહ્યું કે તે તેને મળવા ઇચ્છે છે. તેને લલિતા સાથે પ્રેમ થઈ ગયો છે ત્યારે લલિતાએ જવાબ આપ્યો કે હું તારા કોઈ કામની નથી. હું એસિડગ્રસ્ત છું. રાહુલને લલિતાની વાત સમજમાં ન આવી. તેણે લલિતાને મળવા માટે આગ્રહ કર્યો. લલિતાએ રાહુલને પોતાના ઘરે બોલાવ્યો અને પોતાની માતા સાથે મુલાકાત કરાવી. રાહુલે એ જ સમયે લલિતા સાથે લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરી. લલિતાની માતાએ રાહુલને ઘણો સમજાવ્યો. ત્યારે રાહુલે કહ્યું કે હું લલિતાના ચહેરાને નહીં, પણ તેના મનને પ્રેમ કરું છું. હું લલિતા સાથે જ લગ્ન કરીશ. હવે લલિતા અને રાહુલને એક દીકરી પણ છે અને તેમનો પરિવાર ખુશ છે. લલિતા અને રાહુલના લગ્નમાં વિવેક ઓબેરોયે એક ઘર ભેટમાં આપ્યું હતું. રાહુલ નોકરી કરે છે અને તે પોતાના પરિવાર સાથે ખૂબ ખુશ છે.

છપાક ફિલ્મ દિલ્હીમાં રહેનારી લક્ષ્મી અગ્રવાલ પર બની છે. તેણે ખૂબ સંઘર્ષ કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આજે આત્મવિશ્વાસ સાથે તે પોતાનું જીવન જીવી રહી છે. એટલું જ નહીં, ચહેરાની પરવા કર્યા વિના મૉડેલિંગમાં પણ ભાગ લીધો. તેનું જીવન એસિડગ્રસ્ત મહિલાઓ માટે હંમેશાંથી પ્રેરણાદાયી રહ્યું છે. લક્ષ્મીએ પોતાનાથી ઉંમરમાં ખૂબ મોટા યુવકના પ્રેમનો અસ્વીકાર કર્યો હતો, તેથી એ યુવકે તેના પર એસિડ હુમલો કર્યો હતો. એ યુવક દસ મહિના સુધી લક્ષ્મીને સતાવતો રહ્યો, પણ લક્ષ્મીએ ક્યારેય પણ કોઈની સાથે તેના વિશે વાત ન કરી. લક્ષ્મીને જીવનમાં કશુંક કરવું હતું. કંઈક બનવું હતું. તેને સિંગર બનવું હતું. તેણે સંગીત શીખવાના ક્લાસ પણ શોધ્યા. તેણે પોતાનાં માતા-પિતાને ખોટું કહ્યું કે તે શાળાની રજાઓ દરમિયાન નોકરી કરશે. તેને સંગીત ક્લાસમાં ઍડ્મિશન લેવું હતું. જો કોઈ યુવક તેની છેડતી કરી રહ્યો છે એવું તે પોતાનાં માતા-પિતાને કહેતી તો તેનાં માતા-પિતા તેને હંમેશ માટે ઘરે બેસાડી દેતાં. તેના બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવી દેતા. તેથી લક્ષ્મીએ ઘરમાં કોઈને એ યુવક વિશે જાણ નહોતી કરી. લક્ષ્મી ખૂબ ખુશ હતી કે એક દિવસ તે સારી સિંગર બનીને તેના માતા-પિતાનું નામ રોશન કરશે. એ સમયે લક્ષ્મી પંદર વર્ષની હતી અને એ માણસ બત્રીસ વર્ષનો હતો. તેણે ફોન પર લક્ષ્મીને કહ્યું કે તને તારા માતા-પિતાનું નામ રોશન કરવાનો બહુ શોખ છે ને. જ્યારે લક્ષ્મી ઘરેથી નીકળીને ખાન માર્કેટ સિંગિંગ ક્લાસમાં જવા નીકળી ત્યારે તે માણસ અને તેના ભાઈની પ્રેમિકા લક્ષ્મીનો પીછો કરવા લાગ્યા. રસ્તામાં એક બિયર બોટલમાંથી કોઈ પ્રવાહી કાઢીને લક્ષ્મીના ચહેરા પર ફેંકવામાં આવ્યું. લક્ષ્મીએ બૂમો પાડી પણ કોઈ તેની મદદે ન આવ્યું. અરુણ સિંગ નામના માણસે લક્ષ્મીના ચહેરા પર પાણી નાંખ્યું અને તેને હૉસ્પિટલ પહોંચાડી. કેટલાય દિવસો સુધી લક્ષ્મીએ પોતાનો ચહેરો નહોતો જોયો કારણ કે ઘરમાં જેટલા પણ દર્પણ હતા તે કાઢી નંખાયા હતા. જે દિવસે લક્ષ્મીએ પોતાનો ચહેરો જોયો એ દિવસે તેને આત્મહત્યા કરવાનું મન થયું, પણ એક જ ક્ષણમાં તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. તેણે પોતાની માતા સામે જોયું. તેની માતા અઢી મહિનાથી નાહી નહોતી. દિવસ-રાત હૉસ્પિટલમાં તે તેની સાથે ને સાથે જ રહી હતી. તેના પિતા અઢી મહિનાથી ઊંઘ્યા નહોતા. એ ક્ષણે તેણે નક્કી કર્યું કે તે પોતાનાં માતા-પિતાના આંસુ અને પરિશ્રમને બેકાર નહીં જવા દે. લક્ષ્મીના પિતાએ તેને હિમ્મત આપતા કહ્યું કે જે ચહેરાથી તું આજે આટલી ડરી રહી છે એ જ ચહેરો તને હિમ્મત આપશે. લક્ષ્મીએ પોતાના પિતાની વાતોને ખરી પાડી. તેના પર એસિડ ફેંકનારા લોકો તરફ ઇશારો કરતાં લક્ષ્મી કહે છે, તેમણે મારો ચહેરો બદલ્યો, મારું દિલ નહીં. તેમણે મારા ચહેરા પર એસિડ નાંખ્યો. મારા સપનાઓ પર નહીં. મને ફરીથી જે જીવન મળ્યું છે હું તેને વ્યર્થ નહીં જવા દઉં. હું એટલું જ ખૂલીને જીવીશ, જેવું હું જીવવા ઇચ્છતી હતી.

લક્ષ્મીની લડાઈ ચાલતી રહી. તેણે હાર ન માની. દિલ્હીની સ્ટોપ એસિડ એટેક સંસ્થા સાથે મળીને તેનું કામ ચાલતું રહ્યું. આલોક દીક્ષિત નામના કાર્યકર્તા સાથે મળીને લક્ષ્મીએ પોતાના જેવી બહેનો સાથે મળીને લાંબી લડાઈ લડી અને તેમાં જીત મેળવી. એસિડ વેચવા પર રોક લગાવવામાં સફળતા મેળવી. જોકે, આજે પણ મહિલાઓ પર એસિડ ફેંકવાની ઘટનાઓ ઘટે જ છે. એસિડ ફેંકવા પાછળનું કારણ હોય છે મહિલાઓને સબક શીખવાડવામાં આવે. લક્ષ્મી કહે છે કે મહિલાઓને સબક શીખવાડવા માટે તેમના પર એસિડ નાંખવામાં આવે છે. જોકે, એસિડ તેમના દિમાગમાં છે, જેઓ આવી વિચારસરણી ધરાવે છે.

ભુસાવળના પ્રશાંત પિંગળે પણ એસિડગ્રસ્ત છે. તેમણે ત્રણ વર્ષ પહેલાં એસિડગ્રસ્ત યુવતી આરતી ઠાકુર સાથે લગ્ન કર્યા છે. પ્રશાંતની પરિણીત બહેનને ગામનો એક ગુંડો છેડતો હતો. પ્રશાંતે તેને સમજાવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે પોતાની કરતૂતોમાંથી બાજ નહોતો આવતો. ત્યારે પ્રશાંતે પોલીસમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું. એ ગુંડાએ પ્રશાંતને કહ્યું કે તું જીવતો રહીશ તો પોલીસમાં ફરિયાદ કરીશ ને. આમ કહેતાની સાથે તેણે પ્રશાંતના ચહેરા પર એસિડ ફેંક્યો. પ્રશાંતનો ચહેરો બળવા લગ્યો. પણ તે બચી ગયા. ઘણી જગ્યાએ મદદ માગી ત્યારે એસિડ સર્વાઇવર સાહસ ફાઉન્ડેશન ના કામ અંગે જાણવા મળ્યું. તેઓ મુંબઈ આવ્યા. અહીં જ તેમની મુલાકાત આરતી સાથે થઈ. બંને જણાએ લગ્ન કર્યાં. પ્રશાંતનું કહેવું છે કે આજે પણ એવા ઘણા છે, જેઓ ઇલાજને કારણે બરબાદ થઈ જતાં હોય છે. કેટલાંય ઘરોમાં તો ખાવા માટે અન્નનો દાણો નથી હોતો. પૈસા પણ ખર્ચ થાય છે, દેવું પણ થઈ જાય છે અને વ્યક્તિનો પરિવાર માનસિક રીતે ભાંગી પડે છે. જોકે, આજની તારીખે પણ એસિડ એટેકના કેસ જોવા મળે છે. એસિડ એટેક કરનારાઓમાં આટલી હિમ્મત ક્યાંથી આવે છે. તેની પાછળનું કારણ છે કેટલાય મહિનાઓ સુધી કાયદાકીય લડાઈ ચાલતી રહે છે. મારી સરકારને વિનંતી છે કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે ‘ને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાય જેથી આરોપી જમાનત પર છૂટીને પોતાને નિર્દોષ સાબિત કરવાના પુરાવા ના શોધતો ફરે.

જેવી રીતે મહિલાઓના પ્રશ્નો ગંભીર રૃપ ધારણ કરી રહ્યા છે એવી જ રીતે એસિડગ્રસ્તોના પ્રશ્નો પર પણ ધ્યાન આપવાની જરૃર છે. દૌલત બીનું કહેવું છે કે જેવી રીતે ઉત્તરાખંડ સરકારે એસિડગ્રસ્તો માટે પેન્શન બિલ પાસ કર્યું છે એવી રીતે મહારાષ્ટ્ર સરકાર પણ એસિડગ્રસ્તોને પેન્શન આપવા અંગે વિચારે.
——–.

રંગોલી ચંડેલ પણ બની છે એસિડ એટેકનો શિકાર
અભિનેત્રી કંગના રાણાવતની બહેન રંગોલી ચંડેલ પણ એસિડ હુમલાનો ભોગ બની છે. રંગોલીએ ટ્વિટર પર છપાક ફિલ્મની પ્રશંસા કરતા લખ્યું હતું કે, મારા પર જેણે એસિડ હુમલો કર્યો હતો, તે વ્યક્તિનું નામ અવિનાશ શર્મા છે. તે મારી જ કૉલેજમાં ભણતો હતો. અમે એક જ ફ્રેન્ડ સર્કલમાં હતા. હું તેને ગમતી હતી. તેણે મને પ્રપોઝ કર્યું પણ મને તેના માટે એવી કોઈ લાગણી નહોતી તેથી મેં તેના પ્રપોઝનો અસ્વીકાર કર્યો. તે લોકોને કહેતો હતો કે તે મારી સાથે લગ્ન કરશે. જ્યારે મારા પિતાએ મારા લગ્ન ઍરફોર્સ ઓફિસર સાથે નક્કી કર્યા ત્યારે તે મારી સાથે લગ્ન કરવા માટે જીદ કરવા લાગ્યો અને દબાણ કરવા લાગ્યો. મેં તેનો વિરોધ કર્યો તો તેણે મારા પર એસિડ એટેક કરવાની ધમકી આપી. મેં આ વાત મારા માતા-પિતા કે પોલીસને નહોતી કરી. આ મારી સૌથી મોટી ભૂલ હતી. હું અન્ય ચાર છોકરીઓ સાથે પીજીમાં રહેતી હતી. એ સમયે એક છોકરો મારું નામ પૂછતો મારી પાસે આવ્યો. મારી ફ્રેન્ડ વિજયાએ મને કહ્યું કે કોઈ છોકરો તારા વિશે પૂછપરછ કરી રહ્યો છે. કોણ છે એ માણસ એ જોવા જ્યારે મેં દરવાજો ખોલ્યો તો તેના હાથમાં એક જગ હતો. તેણે મારી પર એસિડ નાંખ્યો.

વર્ષ ૨૦૦૬માં દહેરાદૂનમાં રંગોલી સાથે આ ઘટના ઘટી હતી. એ સમયે તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી હતી. રંગોલીએ ત્રણ મહિના સુધી દર્પણ નહોતું જોયું. તેના ઘરનાં બધાં જ દર્પણ કાઢી નાંખવામાં આવ્યાં હતાં. રંગોલીની એક આંખની રોશની સંપૂર્ણ રીતે જતી રહી છે. તેનો એક બ્રેસ્ટ ખરાબ થઈ ગયો છે. આ ઘટના પછી તેની શ્વાસ નળી સાંકડી થઈ ગઈ. તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તે કહે છે, ૪૭ વાર મારી સર્જરી થઈ છે. હૉસ્પિટલમાં જુદી જુદી સર્જરી કરાવવા માટે મને જુદાં જુદાં ઑપરેશન થિયેટરોમાં લઈ જવામાં આવતી. પ્લાસ્ટિક સર્જરી આાસાન નથી હોતી. એ મને નવો ચહેરો નથી આપતી. એ સમયે હુ ત્રેવીસ વર્ષની હતી. મારા સાથળની ત્વચાને નીકાળીને જરૃર પડે ત્યાં લગાવવામાં આવી છે. એ સમયનો માનસિક સંઘર્ષ ઘણો જ હેરાન-પરેશાન કરનારો હતો. મારાં માતા-પિતા મારું દુઃખ જોઈ નહોતાં શકતાં.

એ દિવસો અંગે કંગનાનું કહેવું છે કે રંગોલીનો ચહેરો જોઈને મારાં માતા-પિતા બેહોશ થઈ ગયાં હતાં. તેઓ ગભરાઈ ગયાં હતાં. એ સમયે હું બધું સંભાળી નહોતી શકતી. તેથી હું રંગોલીને મુંબઈ લઈ આવી. એ સમયે મેં દરેક પ્રકારના રોલ કર્યા. સાચા-ખોટા રોલ અંગે કોઈ જ પ્રકારનો વિચાર ન કર્યો, કારણ કે એ સમયે મારી આર્થિક સ્થિતિ સારી નહોતી. તેનો ઇલાજ કરાવવા માટે મારે રૃપિયાની જરૃર હતી. હું દિવસ-રાત કામ કરતી રહી. મારી પાસે રડવાનો સમય પણ નહોતો.

ઘણો સંઘર્ષ કર્યા બાદ તેના જીવનમાં ખુશી આવી છે. રંગોલીએ તેના બાળપણના મિત્ર અજય સાથે લગ્ન કર્યાં છે. તેમને એક બાળક પણ છે. તેઓ ખુશ છે.
——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »