તમારા માટે, તમારી સાથે, સતત…

ઠક્કરબાપાઃ આજીવન મૂકસેવક, અંત્યજનોના ગોર, ભૂલાયેલું પાત્ર

તેમનાં સેવાકાર્યોએ તેમને 'બાપા' બનાવી દીધેલા.

0 2,568
  • સ્મરણ – નરેશ મકવાણા

૨૦૧૯નું વર્ષ ગાંધીજીની જેમ અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કરબાપાનું પણ ૧૫૦મું જન્મશતાબ્દીનું વર્ષ હતું. સ્વાભાવિક છે કે રાષ્ટ્રપિતાના શતાબ્દી વર્ષ જેટલી ચર્ચા કેે પ્રસિદ્ધિ તેમને ન મળે, પણ તેનાથી તેમનાં કાર્યોનું મહત્ત્વ તસુભાર પણ ઓછું આંકી શકાય તેમ નથી. એ જમાનામાં અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં થોડા દિવસ ગાળવાના થાય તે પણ સજારૃપ લેખાતા ત્યારે ઠક્કરબાપાએ ત્યાં કાયમી પડાવ નાખીને સેવાનો અલખ જગાવેલો. હાલ યુવાનોમાં ભણીને વિદેશ સ્થાયી થવાની ઇચ્છા ઉછાળા મારી રહી છે ત્યારે એ કાળે એન્જિનિયરિંગની યશસ્વી કારકિર્દી છોડી આદિવાસીઓ માટે જીવન ખર્ચી નાખનાર એ ઓલિયાને યાદ કરવા રહ્યા.

વર્ષ ૧૯૨૧ની વાત છે. પંચમહાલમાં સતત ત્રીજા વર્ષે દુકાળે બિહામણુ સ્વરૃપ ધારણ કરવા માંડ્યું હતું. અગાઉ ૧૯૧૮-૨૦ સુધીનાં વર્ષો પણ કારમી અછતના હોઈ, લાગલગાટ ત્રીજું વર્ષ પણ કોરું જતાં ગરીબ આદિવાસીઓએ ધીરજ ગુમાવી દીધી હતી. આવા જ એક દુકાળિયા શિયાળાની સવારે એક આધેડ તેના સાથીદાર સાથે અહીંનો પહાડી વિસ્તાર ખૂંદી રહ્યો છે. તેની પાસે ભાડે કરેલું માંયકાંગલું બળદગાડું હતું, જેમાં અનાજ, કપડાં, ધાબળા વગેરે ભરેલું, જે  તે અહીંનાં દાહોદ-ઝાલોદનાં ગામડાંઓમાં વસતાં આદિવાસીઓને વહેંચતાં આવતાં. ભૂખ્યાજનોની જઠરાગ્નિ કેટલી વિકરાળ હતી તેનો અંદાજ એ બાબત પરથી પણ લગાવી શકાય કે આધેડ જ્યાં પણ જતાં, ત્યાં એમના પહોંચ્યા પહેલાં જ લોકો કતારોમાં ઊભા રહી જતાં. તેઓ બધાંને ખપ પૂરતી વસ્તુઓ આપીને આગળ વધતાં જતાં. એ રીતે જ રાહતસામગ્રી વહેંચતાં વહેંચતાં તેઓ ઝાલોદ તાલુકાના શંકરપુરા ગામે પહોંચ્યા. શેરીઓમાં જે ઘરો આવતાં જાય તેને રાહતસામગ્રી આપતાં આપતાં ગાડું આગળ ધપતું જતું હતું ત્યાં અચાનક આધેડની નજર એક ટેકરી પર ગઈ. જ્યાં ઝૂંપડાંના અધખુલ્લા બારણામાંથી એક બાઈ ડોકું કાઢીને થોડી થોડી વારે તેમના તરફ નજર કરીને અંદર પેસી જતી હતી. પેલા માણસે નોંધ્યું કે બાઈ બીજાઓની જેમ રાહતસામગ્રી લેવા બહાર દોડી આવતી નથી એટલે નક્કી કંઈક સમસ્યા હોવી જોઈએ. પહેલાં તો તેમને આશ્ચર્ય થયું, કેમ કે દુકાળિયા એ વરસમાં બીજા લોકો રાહતસામગ્રી મેળવવા માટે રીતસર પડાપડી કરતાં હતાં. ક્યાંક તો લોકો વચ્ચે ઝપાઝપી પણ થઈ જતી. જ્યારે આ બાઈ તો બહાર પણ નહોતી નીકળતી. ઊલટાનું તેના ઘર તરફ ગાડું આવતું જોઈને તે બારીબારણા બંધ કરીને ઘરમાં પેસી ગઈ હતી. આ તમામ બાબતો પેલા સજ્જનના મનમાં રમી રહી હતી. આથી તેમણે ગાડું બાઈના આંગણાથી થોડું દૂર ઊભું રાખી, ઝૂંપડીની નજીક જઈને બૂમ પાડીઃ ‘બહેન….બહાર આવો.’

પણ કોઈ પ્રત્યુત્તર ન આવ્યો. ફરી બૂમ પાડી, ‘બહેન મૂંઝાશો નહીં, અમે સમિતિના માણસો છીએ. અનાજ, કપડાં વહેંચવા આવ્યાં છીએ. તારે જરૃર નથી?’

ફરીથી પણ કોઈ જવાબ ન મળ્યો. એટલે તેમને લાગ્યું કે બાઈને એમની ભાષા સમજાતી નહીં હોય. આથી તેમણે સાથીમિત્રને આ જ વાત સ્થાનિક બોલીમાં બોલવા કહ્યું. સુખદેવ નામના તેમના સાથીએ આખી વાત ભીલી ભાષામાં કહી બતાવી. તેમ છતાં પેલી બાઈનો વળતો જવાબ ન જ આવ્યો.

એટલે આખરે પેલા સજ્જન બોલ્યાઃ ‘ઓ મારી બેન, મને તારો સગો ભાઈ સમજીને જે હોય તે કહી દે. અમે તારી મદદે આવ્યા છીએ, તું જરાય મૂંઝાઈશ નહીં. બહાર આવ અને તારો ભાગ લઈ જા. લે ઉતાવળ રાખ, હજુ અમારે બીજે ગામ પણ જવાનું છે.’

ત્યારે ઘરમાં જ રહીને તે સ્ત્રીએ જવાબ આપ્યોઃ ‘ભાઈ મારા, બહાર કેવી રીતે આવું? મારી પાસે લાજ ઢાંકવા પૂરતાં કપડાં નથી. આ ઝૂંપડી ઓઢીને બેઠી છું….’

હાજર સૌને હકીકત જાણીને અણધાર્યો આંચકો લાગ્યો. પેલા સજ્જનની આંખોમાં પાણી ધસી આવ્યાં. જેમતેમ કરીને લાગણી પર નિયંત્રણ રાખીને તેમણે ઝૂંપડીના કાણામાંથી કપડાં અંદર નાખ્યાં, જે પહેરીને થોડીવાર પછી બાઈ બહાર આવી. દુષ્કાળની ભયંકર અસરથી તે રીતસર હાડપિંજરમાં ફેરવાઈ ગઈ હતી. તેની એ દશા જોઈને સજ્જનનું દિલ દ્રવી ઊઠ્યું અને તે જ સમયે તેમણે સંકલ્પ કર્યો કે, ‘પોતાનું બાકીનું જીવન આ આદિવાસીઓની સેવામાં જ વિતાવવું.’

તમને થતું હશે કે આ પ્રસંગ તો ગાંધીજી સાથે બનેલો. પણ ના. એ હતાં દલિત-આદિવાસીઓના બેલી એવા ઠક્કરબાપા. જે રીતે ચંપારણમાં ગાંધીજીએ એક બાઈને આવી જ કંઈક હાલતમાં જોઈ સ્વેચ્છાએ પોતડી સ્વીકારી હતી, એમ ઠક્કરબાપાએ આ ઘટના બાદ પોતાની બાકી જિંદગી આદિવાસીઓના ઉદ્ધાર માટે ખર્ચી નાંખવાનો સંકલ્પ લીધેલો. ૨૦૧૯નું વરસ ગાંધીજીની જેમ ઠક્કરબાપાનું પણ ૧૫૦મું જન્મશતાબ્દિ વર્ષ હતું. ત્યારે આજીવન એ મૂકસેવકની જિંદગીનાં જાણ્યાં-અજાણ્યાં પાસાંઓને ઉપલબ્ધ સાધનસામગ્રી, પુસ્તકો, તેમણે સ્થાપેલી સંસ્થાઓ તથા તેમની નિશ્રામાં કામ કરી ચૂકેલા લોકો પાસેથી શોધી લાવીને અહીં અંજલિ સ્વરૃપે મૂકવા પ્રયત્ન કર્યો છે.

બાળપણ, વિદ્યાર્થીકાળ અને ગૃહસ્થજીવન
૨૯ નવેમ્બર, ૧૮૬૯ના રોજ ભાવનગરના વસાણી મહોલ્લાના મધ્યમવર્ગીય પરિવારમાં ઠક્કરબાપાનો જન્મ થયેલો. તેમનું વાસ્તવિક નામ તો અમૃતલાલ હતું, પણ તેમનાં સેવાકાર્યોએ તેમને ‘બાપા’ બનાવી દીધેલા. એમના પિતાનું નામ વિઠ્ઠલદાસ તથા દાદાજી હતા લાલજી ઠક્કર. લોહાણા જ્ઞાતિની મુખ્ય ત્રણ શાખાઓ – કચ્છી, હાલારી અને ઘોઘારી. ભાવનગર ઘોઘારી લોકોનું પ્રમુખ કેન્દ્ર અને ઠક્કરબાપા ઘોઘારી શાખામાં જન્મ્યા હતા. વિઠ્ઠલદાસ ઠક્કરને પરમાનંદ, અમૃતલાલ, મગનલાલ, મણિલાલ, કેશવલાલ અને નારાયણ એમ ૬ પુત્રો તથા જડીબહેન નામનાં દીકરી હતાં.

પહેલેથી જ અંતર્મુખી અમૃતલાલ શાળાએ જવા કદી રાજી નહોતાં થતાં એટલે પિતા એમને જબરદસ્તી શાળાએ મોકલતાં. શાળાએ નહીં જવાની એ જિદને કારણે તેમને સારો એવો માર પણ પડતો અને છેવટે જવું જ પડતું, પણ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થવા સુધીમાં તેમને ભણવામાં રસ પડવા લાગ્યો હતો. એ રીતે વર્ષ ૧૮૭૯થી ૧૮૮૨ સુધી તેમણે એંગ્લો વર્નાક્યુલર શાળામાં અભ્યાસ કર્યો. ત્યાર બાદ ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણવા ગયા. અહીં પણ વિદ્યાર્થી અમૃતલાલ પહેલેથી જ અતડા રહેતાં. રમત-ગમતમાં ખાસ રસ નહીં, ગોઠિયાઓ સાથે પણ બહુ ફાવે નહીં, પણ એકવાર ભણતરમાં રસ પડ્યો પછી પાછું વાળીને જોયું નહીં. પરિણામે ૧૮૮૬માં મેટ્રિકની પરીક્ષામાં એમણે પહેલું સ્થાન પ્રાપ્ત કરી વિશ્વવિદ્યાલય તરફથી ‘સર જશવંતસિંહજી શિષ્યવૃત્તિ’ મેળવી. એ પછી આર્થિક તંગી છતાં પિતાએ તેમને પૂણે ખાતે સિવિલ એન્જિનિયરિંગ માટે મોકલી આપ્યા. જ્યાંથી ૧૮૯૦માં તેમણે એલ.સી.ઈ.(લાઇસન્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ)ની ઉપાધિ મેળવી.

એ જમાનામાં બાળલગ્નો પ્રચલિત હતાં. આથી અન્ય બાળકોની જેમ ઠક્કરબાપાના પણ જ્ઞાતિના રિવાજ મુજબ ૧૨ વર્ષની કાચી વયે જીવકોરબા સાથે લગ્ન થઈ ગયેલાં. ખર્ચ બચાવવા એક જ માંડવા નીચે તેમના મોટાભાઈ, ફોઈના બે દીકરા અને જ્ઞાતિના કાકાના બે દીકરા – એમ કુલ પાંચ જણાનાં લગ્ન થયેલાં. ૧૮૯૨માં તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયેલો, પણ કમનસીબે ૬ વર્ષે તેનું મૃત્યુ થઈ ગયેલું અને એ પછી કોઈ સંતાન થયું નહોતું. તેમનાં પત્નીની તબિયત પણ સારી નહોતી રહેતી. પ્રસવ દરમિયાન યોગ્ય દેખભાળ થઈ ન શકતાં તેમને પ્રદર રોગ થયો હતો. દરમિયાન યુવાન અમૃતલાલને મહારાષ્ટ્રના સાંગલી રાજ્યમાં નોકરી મળી જતાં પતિપત્ની ત્યાં શિફ્ટ થયાં, જ્યાં તેમણે ટૂંક સમય માટે દામ્પત્યજીવનનો આનંદ માણ્યો. ૧૯૦૫માં મુંબઈ મ્યુનિસિપાલિટીમાં જોડાયા. આ બાજુ જીવકોરબા બીમારીમાં સપડાયાં અને ૧૯૦૭માં તે તેમના માટે જીવલેણ સાબિત થઈ.

એ વખતે ઠક્કરબાપાની ઉંમર માત્ર ૩૬ વર્ષ હતી. આથી પિતાથી તેમની એકલતા ન જોવાતા રાજકોટના ગણાત્રા પરિવારની ૧૬ વર્ષની કન્યા દિવાળી સાથે તેમના બીજા લગ્ન કરાવ્યાં, પણ કમભાગ્યે તેઓ પણ ટૂંક સમયમાં ગુજરી ગયાં. બાપા પર આ ઘટનાઓની ઘેરી અસર થઈ. પોતાની વ્યથાને શબ્દસ્વરૃપ આપતાં ઠક્કરબાપા લખે છેઃ ‘સ્ત્રી અને બાળકો ન હોવાની મને કમી લાગતી નથી. ગૃહસ્થી છોડીને દેશસેવામાં લાગી જવા મારું મન તૈયાર થયું એમાં મેં ઈશ્વરી સંકેત કે પ્રેરણા જોઈ.’ આ ઘટનાઓ બાદ દામ્પત્ય જીવન પ્રત્યે જે થોડીઘણી આસક્તિ હતી તે પણ સમાપ્ત થઈ ગઈ. એ પછી અમૃતલાલના જીવનનો એ તબક્કો શરૃ થયો જેણે એમને ‘બાપા’ બનાવ્યા.

સિવિલ એન્જિનિયર અમૃતલાલની કામગીરી અને મનોમંથન
ઠક્કરબાપાનો પહેરવેશ જોઈને કોઈ પણ વ્યક્તિ એવી ધારણા બાંધી લે કે તેઓ બહુ ઓછું ભણેલા હશે અથવા સાવ અભણ, પણ ઠક્કરબાપા એ જમાનામાં સિવિલ એન્જિનિયર હતા. એટલું જ નહીં, ઇજનેર તરીકે તેમણે મહારાષ્ટ્ર, ગુજરાત અને યુગાન્ડા સુધી કામ કર્યું હતું. ગુજરાતના વઢવાણ, જૂનાગઢ, પોરબંદર અને ગોંડલમાં તેમની કાર્યકુશળતાની સાક્ષી પૂરતાં કેટલાંક બાંધકામો આજેય મોજૂદ છે. વઢવાણની દાજીરાજ હાઈસ્કૂલ અને હવામહેલ, પોરબંદરમાં ભાદરનો બંધ અને પુલ તેમાં મુખ્ય છે. ૧૯૦૩-૦૪ દરમિયાન મહારાષ્ટ્રના સાંગલી રાજ્યમાં નોકરી મળી. જ્યાં તેમનો પરિચય ડૉ. હરેકૃષ્ણદેવ, ગોપાળકૃષ્ણ ગોખલે અને ધોંડો કેશવ કર્વે જેવા અગ્રણી આગેવાનો અને સમાજસુધારકો સાથે થયો. કર્વેને તેઓ પોતાના ગુરુ માનતા અને તેમની પ્રેરણાથી જ આગળ જતાં ભાવનગરમાં કન્યાકેળવણીનું કામ શરૃ કરેલું. સાંગલી રાજ્યનો તમામ વહીવટ અંગ્રેજ અધિકારીઓના હાથમાં હતો જેમની સાથે સ્વમાની ઠક્કરબાપાને બહુ ફાવ્યું નહીં. એટલે એ નોકરી છોડી મુંબઈની મ્યુનિસિપાલિટીમાં રોડ એન્જિનિયર તરીકે જોડાયા. જ્યાં તેમને કુર્લા વિસ્તારમાં સફાઈ કામ પર ધ્યાન આપવાની ફરજ સોંપાઈ હતી. અહીં તેમને અનોખા અનુભવો થવા લાગ્યા. તેઓ સમાજના સૌથી વધુ કચડાયેલા એવા સફાઈ કામદારોના નિકટના સંપર્કમાં આવ્યા. નર્ક જેવાં તેમનાં રહેઠાણો જોઈને ઠક્કરબાપાને ભારે આઘાત લાગ્યો. આભડછેટ, ભેદભાવ, ગરીબી, શોષણ, નિરક્ષરતા જેવી તેમની સમસ્યાઓ જોઈને તેમનું દિલ દ્રવી ઊઠ્યું અને તેમનામાં સેવાકામ કરવાની ભાવના વધુ પ્રબળ બની. એ વખતે વિઠ્ઠલરામજી શિંદે નામના સમાજસુધારક અસ્પૃશ્યોદ્ધારનું કામ કરતા હતા. ઠક્કરબાપાએ તેમને બીજા ગુરુ માની અસ્પૃશ્યો માટે કામ કરવાનું નક્કી કર્યું. એ માટે નોકરી છોડી સમગ્ર જીવન સેવાકાર્યોમાં વિતાવવાનો નિર્ધાર કરી પિતાને પત્ર લખી દીધો, પણ જવાબમાં પિતાએ કહ્યું કે, ‘જ્યાં અત્યારે કામ કરો છો તે ચાલુ રાખો. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી બીજું પગલું ભરશો નહીં.’ આજ્ઞાકારી પુત્રે પિતાના આદેશને માથે ચઢાવ્યો. એ પછી સને ૧૯૧૩માં પિતાનું અવસાન થતાં તરત જ નોકરી છોડી દીધી અને મકરસંક્રાંતિના દિવસે ગોપાલકૃષ્ણ ગોખલે સ્થાપિત ‘સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી’માં જોડાઈ ગયા. એ વખતે તેમની ઉંમર ૪૫ વર્ષ. મુંબઈની ઊંચી અને મોભાદાર નોકરી છોડ્યાની જાણ કરતો પત્ર તેમણે ભાઈઓને લખ્યો, જેમાં લખ્યુંઃ ‘મુંબઈની મ્યુનિસિપાલિટીની નોકરીનું રાજીનામું આપ્યું છે અને આવતી બીજી તારીખે હું નોકરીમાંથી છૂટો થઈ સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાઈશ. આ સંબંધમાં મેં કોઈની સલાહ લીધી નથી. માત્ર અંતરના અવાજની સલાહ મુજબ જ આ પગલું ભર્યું છે. આમાં કદાચ હું ભૂલ કરતો હોઈશ તો પણ એ મારા અંતર આત્માના અવાજની જ હશે.’

Related Posts
1 of 319

ગોખલે તેમની પ્રતિભાને પારખી ચૂક્યા હતા. આથી ફેબ્રુઆરી ૧૯૧૪માં તેમને સોસાયટીના આજીવન સભ્ય તરીકે સ્થાન આપ્યું. એ પછી જ્યાં પણ દુકાળ કે અછતની પરિસ્થિતિ હોય ત્યાં ઠક્કરબાપા પહોંચી જઈને રાહતકાર્યો શરૃ કરી દેતા.

ભીલ સેવા મંડળની સ્થાપના અને સાથીદારોનો સેવાયજ્ઞ
સને ૧૯૧૮-૧૯માં પંચમહાલમાં પડેલા ભયંકર દુકાળ વખતે ઠક્કરબાપાએ કરેલી સેવાચાકરીની સ્થાનિક આદિવાસીઓ પર ઘેરી અસર પડી હતી. બાપા પોતે સૂકા રોટલા, ચણા તો ક્યારેક માત્ર ગોળ ખાઈને જરૃરિયાતમંદો સુધી રાહતસામગ્રી પહોંચાડતા હતા. એ જોઈને અભણ આદિવાસીઓને વિશ્વાસ આવી ગયો હતો કે આ ડોસો કદી આપણુ અહિત નહીં કરે. એ વખતે ધાર્મિક વટાળ-પ્રવૃત્તિઓ પણ પુરજોશમાં શરૃ થઈ ચૂકી હતી. ભીલોની નિઃસ્વાર્થ સેવા કરનાર કોઈ નહોતું. તેમની એ દુર્દશા જોઈને ઠક્કરબાપાએ વિચાર્યું કે આદિવાસીઓનો હાથ ઝાલનાર કોઈ નહીં મળે તો આખી જાતિ વિનાશને પંથે પડશે. આથી આદિવાસીઓને કોઈ પણ ભોગે જગાડવાના સંકલ્પ સાથે ડિસેમ્બર ૧૯૨૨માં તેમણે ‘ભીલ સેવા મંડળ’ નામની સંસ્થા શરૃ કરી. અનુભવે તેઓ સમજી ચૂક્યા હતા કે આદિવાસીઓના ઉદ્ધાર માટે શિક્ષણ જ શ્રેષ્ઠ માર્ગ છે. આથી તેમણે આદિવાસીઓને માફક આવે એવા પ્રાચીન કાળના ગુરુકુળ જેવા આશ્રમો અને શાળાઓ શરૃ કર્યા. તેમને ખ્યાલ આવી ગયો હતો કે સંસ્થાના શિક્ષણની સાથે ગરીબી અને કુરિવાજો દૂર કરવાના પ્રયાસો કર્તવ્યપરાયણ, નિષ્ઠાવાન કાર્યકર્તાઓ વિના પાર પડે નહીં. આથી તેમણે નિષ્ઠાવાન કાર્યકરોની શોધ આદરી. જેમાં આગળ જતાં તેમની સેવાથી પ્રેરાઈને સુરતના ડાહ્યાભાઈ નાયક(પદ્મશ્રી), મુંબઈના લક્ષ્મીદાસ શ્રીકાંત, પાંડુરંગ વણીકર, પંચમહાલના અંબાલાલ વ્યાસ, ઝાલોદના ચતુરભાઈ ડાંગી, જાલજીભાઈ ડીંડોડ, લાલચંદભાઈ અને હીરાબહેન નિનામા તથા રૃપાજી પરમાર સહિતના લોકો જોડાયા. આ બધાંના સાથસહકારથી માત્ર ત્રણ જ વર્ષના ટૂંકાગાળામાં મીરાખેડી, જેસાવાડા, ઝાલોદ અને ગુલતોશમાં આશ્રમો સ્થપાયા. આગળ જતાં પાંડુરંગ વણીકર મધ્યપ્રદેશના મંડલા વિસ્તારમાં ગયા. જ્યાં વનવાસી સેવા મંડળની સ્થાપના કરી આશ્રમો શરૃ કરેલા. અંબાલાલ વ્યાસ ઝાલોદના ટીટોડી આશ્રમમાં આચાર્યપદે રહેલા. તેઓ બાપાની છેવટની ઇચ્છાનુસાર ઓરિસ્સાના આદિવાસીઓના કલ્યાણકામ માટે ગયા હતા. ભીલ સેવા મંડળના શરૃઆતના કાર્યકર રહેલા લક્ષ્મીદાસ શ્રીકાંત ભારત સરકારના આદિવાસી અને અન્ય પછાતજાતિ વિકાસ કમિશનર નિમાયા હતા. ૧૯૫૦થી ૧૯૬૨ સુધીના પોતાના કાર્યકાળમાં તેમણે છેક આંદામાન નિકોબારના તદ્દન પછાત વિસ્તારોમાં જીવના જોખમે જઈને અભ્યાસ કર્યો હતો, જે આજેય સૌને માર્ગદર્શન પૂરું પાડે છે. સ્થાનિકોમાં ‘ગુરુજી’ તરીકે જાણીતા ડાહ્યાભાઈ નાયકે મીરાખેડી આશ્રમના પ્રથમ શિક્ષક અને પાછળથી આચાર્ય તરીકે જવાબદારી અદા કરેલી. ત્યાર બાદ વર્ષો સુધી ભીલ સેવા મંડળના મંત્રી અને પ્રમુખ પણ રહ્યા હતા. તેમના કાર્યની પ્રશંસારૃપે ૧૯૬૦માં તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ મળેલો. પાછળથી તેમણે ‘હરિજન સેવક સંઘ’ અને ‘ગૂજરાત વિદ્યાપીઠ’માં ઉપકુલપતિની જવાબદારી પણ અદા કરેલી. મંડળના સેવકોમાં સુખદેવભાઈ ત્રિવેદી પણ ખરા. વ્યવસાયે બાંધકામ ખાતાના ક્લાર્ક હતા, પણ દુકાળમાં મજૂરો સાથેનું અન્યાયી વર્તન સહન ન થતાં રાજીનામું આપીને સેવાકાર્યમાં ઝંપલાવેલું. ઠક્કરબાપાએ તેમને રાજસ્થાનમાં આશ્રમો શરૃ કરવા મોકલેલા.

આ બધા વચ્ચે સૌથી સમર્પિત કિસ્સો મંડળમાંથી તૈયાર થઈને પાછળથી આજીવન સભ્ય તરીકે જોડાયેલા લાલચંદભાઈ નિનામા અને તેમનાં પત્ની હીરાબહેન નિનામાનો છે. તેમને ઠક્કરબાપાએ હાલના પાકિસ્તાનમાં આવેલા સિંધ અને થરપારકરના રણવિસ્તારમાં રહેતાં આદિવાસીઓ અને અગરિયાઓ માટે ત્યાં જઈને આશ્રમ શરૃ કરવા કહ્યું અને આ દંપતી લેશમાત્ર વિચાર કર્યા વિના ત્યાં રોકાઈ ગયું. એ વખતે હીરાબહેન ગર્ભવતી હતાં. અને બાદમાં તેમના પુત્ર(સ્વ. ડૉ. ગોવિંદસિંહ નિનામા- જેઓ આદિવાસી ભીલ સમાજમાંથી ગુજરાતમાં પ્રથમ ડૉક્ટર બન્યા હતા.)નો જન્મ પણ ત્યાં જ થયેલો. ભીલ સેવા મંડળે શરૃઆતના પ્રથમ દસ વર્ષમાં આશ્રમો ઉપરાંત દાહોદ, ઝાલોદના જુદા જુદા વિસ્તારોમાં ૮ જેટલી પ્રાથમિક શાળાઓ શરૃ કરી હતી જેમાં ૫૦૦થી વધુ બાળકો ભણતા હતા. આજે મંડળ ૧૮ આશ્રમશાળાઓ, બે ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, ૨૩ છાત્રાલયો, એક મહિલા તાલીમ કૉલેજ, નવ ઉત્તર બુનિયાદી વિદ્યાલયો અને બે માધ્યમિક શાળાઓ ચલાવે છે. જેનો લાભ ૧૦ હજાર જેટલાં આદિવાસી વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ લઈ રહ્યાં છે.

ગુજરાય યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ અને જાણીતા ઇતિહાસકાર પ્રો. અરુણ વાઘેલા ઠક્કરબાપા વિશે ઊંડો અભ્યાસ ધરાવે છે. વર્ષો સુધી તેમણે પંચમહાલનાં ગામડાંઓમાં ફરીને સંશોધન કર્યું છે. તેઓ બાપા વિશેની કેટલીક માન્યતાઓ પર પ્રકાશ પાડતાં કહે છેઃ ‘મોટા ભાગના લોકો ઠક્કરબાપાને ગાંધીવાદી ગણાવે છે, પણ વાસ્તવમાં તેઓ હિન્દી સેવક સમાજ ઉર્ફે સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીના સભ્ય હતા. આ બિનરાજકીય સંસ્થા પૂર, દુકાળ, ભૂકંપ, રોગચાળો જેવી આપત્તિઓમાં રાહત અને બચાવનું કામ કરતી હતી. આપણે ત્યાં ૧૦૮ તો હમણા આવી, પણ એ જમાનામાં એવું કહેવાતું કે ઠક્કરબાપા ૧૦૮ની ઝડપે રાહતકાર્યના સ્થળે પહોંચી જાય છે. તેઓ ગાંધીજીને એક-બે વાર મળ્યા હતા ખરા, પણ તેમનાં સેવાકાર્યો શરૃ થયા એ પહેલાં ઠક્કરબાપાએ આદિવાસીઓ-દલિતો માટેની કામગીરી આરંભી દીધી હતી. શંકરપુરાના પ્રસંગ પછી તેમણે ગાંધીજીની મદદ વિના જ મીરાખેડી, ઝાલોદ, જેસાવાડા, ગુલતોરામાં આશ્રમો શરૃ કરેલા. તેમણે સ્થાપેલ ‘ભીલ સેવા મંડળ’ એક સમયે આખા દેશની ‘ટ્રાઇબલ પૉલિસી’ નક્કી કરતું. આદિવાસીઓના હિતને માટે મંડળની સલાહ ‘ડહાપણનો છેલ્લો શબ્દ’ ગણાતી. ઠક્કરબાપા આદિવાસીઓની સભામાં જ્યારે વાત કરતા હોય ત્યારે ‘હું’ અને ‘તમે’ નહીં, પણ ‘આપણે’ શબ્દ વાપરીને સમસંવેદના જાળવી રાખતા હતા. એમને ઘણા લોકોએ આત્મકથા લખવાનું કહ્યું હતું, પણ તેઓ માનતા હતા કે તેમના જીવનમાં લખવા જેવું કશું નથી. જિંદગીની અંતિમ પળ સુધી તેમણે દાહોદના આદિવાસીઓની ચિંતા કરી હતી. આજે સ્થિતિ એ છે કે તેમણે સ્થાપેલી સંસ્થાઓના પ્રતિનિધિઓ સ્કોર્પિયોમાં ફરે છે. મેં તો એવા પણ ટ્રસ્ટીઓ જોયા છે, જે ડ્રાઇવરને એમ કહેતાં હોય કે ગરમીમાં કાર છેક ઑફિસના દ્વાર આગળ ઊભી રાખવી જેથી તેમને બહુ ચાલવું ન પડે.’

હરિજન સેવક સંઘ, અસ્પૃશ્યતા નિવારણના પ્રયત્નો અને ધાર્મિક વિકલ્પો
૧૯૩૨-૩૩ પહેલાં અસ્પૃશ્યો માટે ‘અંત્યજ’ શબ્દ વપરાતો હતો. ગાંધીજીએ તેમના માટે ‘હરિજન’ શબ્દપ્રયોગ ચાલુ કરાવેલો. તેમની સમસ્યાઓ વિશે લોકજાગૃતિ કેળવવા ‘હરિજનબંધુ’ નામનું સામયિક પણ શરૃ કરેલું. અંત્યજો માટે ૧૯૨૩માં ‘ગુજરાત અંત્યજ સેવા મંડળ’ સ્થપાયું હતું, જેના અધ્યક્ષ ઠક્કરબાપા અને પરીક્ષિતલાલ મજમુદાર મંત્રી હતા. આગળ જતાં આ સંસ્થાનું નામ ‘હરિજન સેવક સંઘ’ રાખવામાં આવ્યું હતું અને તેના મંત્રીપદનો કારભાર ઠક્કરબાપાના શિરે આવ્યો હતો. આ માટે તેમણે ગુજરાત છોડી દિલ્હી જવું પડેલું. એ પહેલાં અસ્પૃશ્યતાને વધારે નજીકથી સમજવા ૧૯૩૪માં તેમણે કાઠિયાવાડનો ૩૨ દિવસ પ્રવાસ કર્યો હતો. જેના અહેવાલો ‘હરિજનબંધુ’માં નિયમિત છપાતા હતા. તેમણે જોયું કે અસ્પૃશ્યતાની સૈકાઓ જૂની જડોને રાતોરાત દૂર કરવી અશક્ય છે. આથી તેમણે ૨૬ જેટલાં પ્રાંતકેન્દ્રો અને ૨૦૦ જેટલી જિલ્લા સમિતિઓ બનાવી દેશના વિશાળ વિસ્તારને આવરી લીધો.

ઠક્કરબાપા પંચમહાલ ગયા ત્યારે અંગ્રેજ શાસનની આડમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આદિવાસીઓના ધર્મપરિવર્તનની પ્રવૃત્તિ પુરજોશમાં હતી, પણ ધર્મ બાબતે તેઓ જુદી વિચારસરણી ધરાવતાં હોવાથી ધર્મપરિવર્તન પાછળનાં કારણો જાણવા પ્રયત્નો આદર્યા. જેમાં તેમને સમજાયું કે આદિવાસીઓ પાસે ખાવાનાય સાંસા હોય છે, ત્યારે જે ધર્મ તેમને સાચવી લે એ તરફ સૌ વળે એ સ્વાભાવિક છે. મિશનરીઓ આદિવાસીઓ સાથે તેમના જેવા બનીને કામ કરતા હતા, તેમની જરૃરિયાતો સંતોષતા હતા આથી તેમનાં કાર્યોની ઠક્કરબાપાએ પ્રશંસા કરેલી. પાછળથી એ જ મૉડેલ તેમણે અપનાવ્યું હતું. તેમણે એ બધું જ કર્યું જે આદિવાસીઓ માટે જરૃરી હોય. દા.ત. ખ્રિસ્તી મિશનરીઓએ દવાખાનાં, શાળાઓ શરૃ કરેલી એટલે ઠક્કરબાપાએ પણ કરી. એ સિવાય એ તમામ કાર્યો હાથ ધર્યા જે આદિવાસીઓના ઉત્કર્ષને અસર કરતા હોય. ટૂંકમાં, ઠક્કરબાપાએ માત્ર કોરી ટીકાઓ ન કરતા જમીની સ્તરે કામો કરી દેખાડ્યા હતા.

૧૯૨૧માં અંગ્રેજોએ ભીલોની ગણતરી જંગલમાં રહેતાં લોકો તરીકે કરેલી. ત્યારે ઠક્કરબાપાએ સર્વે કરીને સાબિત કરી આપેલું કે તેઓ હિન્દુ ધર્મને સ્વીકારે છે. કેમ કે, તેમનાં ગામોમાં હનુમાનજીનાં મંદિરો હોય છે. આદિવાસી છોકરાઓનાં નામ રામ, સીતા, લક્ષ્મણ હોય છે. તેઓ રામરામ કરીને મહેમાનોને આવકાર આપે છે. તેમની કથાઓ રામાયણ, મહાભારત સાથે જોડાયેલી છે. આ રીતે બહુ મોટો વિરોધ તેમણે ભીલોની વસ્તીગણતરી સામે નોંધાવેલો. આદિવાસીઓની પરિસ્થિતિઓ વિશે તેમણે હરિજનબંધુ, યંગ ઇન્ડિયા અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સુધીના સમાચારપત્રો-સામયિકોમાં નિયમિત પણ લખ્યું છે.

ભીલ સેવા મંડળ સંચાલિત લીમખેડા શાળાના પૂર્વ વિદ્યાર્થી, દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ઠક્કરબાપા તથા તેમના સાથી સમાજસેવકો પર સંશોધન પુસ્તક લખનાર ગોપાલભાઈ ધાનકા ઠક્કરબાપાનાં કાર્યો શા માટે મહત્ત્વના છે તેની વાત કરતાં કહે છેઃ  ‘એ જમાનામાં ભાવનગરથી દાહોદ જવું એટલે પરદેશ જવા જેવી સ્થિતિ હતી. અમલદારોને સજાના ભાગરૃપે અહીં મોકલવામાં આવતાં. એવી સ્થિતિમાં ઠક્કરબાપા સ્વેચ્છાએ અહીં આવીને રહે છે અને પોતાનું જીવન આદિવાસીઓ માટે ખર્ચી દે છે. મને લાગે છે આનાથી મોટું ત્યાગ અને સમર્પણનું ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે. તેમણે એવા સેવકો તૈયાર કર્યા, જે તેમના ગયા પછી પણ તેમણે શરૃ કરેલી પ્રવૃત્તિને વેગ આપતા રહે. અંબાલાલ વ્યાસને બાપાએ આસામ જવા કહેલું તો તેઓ ઘેર તેની જાણ કર્યા વિના જ જતા રહેલા. લાલચંદભાઈ અને હીરાબહેન નિનામાને ઠક્કરબાપાએ થરપારકરના રણમાં આદિવાસીઓ માટે સ્કૂલ શરૃ કરવા કહ્યું તો તેઓ પળનોય વિલંબ કર્યા વિના માત્ર બાપાના કહેવાથી નીકળી પડેલા. આટલો દ્રઢ વિશ્વાસ એ જમાનામાં આદિવાસીઓ અને સેવકોને ઠક્કરબાપા સિવાય અન્ય કોઈ વ્યક્તિ પર નહોતો.’

બાપાના વંશજો અને વિદ્યાર્થીઓની પ્રતિક્રિયાઓ
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ઠક્કરબાપાના વતન ભાવનગરમાં તેમની કોઈ સ્મૃતિ સચવાયેલી નથી. નથી કોઈને તેમની સમાધિ યાદ રહી, કે નથી કોઈ રોડ, રસ્તા કે સ્મારક તેમના નામે. આ સ્થિતિમાં તેમના વંશજોને દુઃખ થવું સ્વાભાવિક છે.

ભાવનગરમાં રહેતા ઠક્કરબાપાના પૌત્ર સહદેવભાઈ અનંતરાય ઠક્કર કહે છે, ‘અમારા પરિવારમાં લગભગ દરેક વ્યક્તિ ભણીગણીને ઉચ્ચપદે પહોંચી છે, પણ કોઈએય ઠક્કરબાપાના નામનો ઉલ્લેખ કરીને ફાયદો મેળવવાનો પ્રયત્ન સુદ્ધાં નથી કર્યો. ઘણીવાર લાગે છે કે બાપા એક ભૂલાયેલું પાત્ર છે, પણ જ્યારે પંચમહાલનાં ગામડાંઓ, ભીલ સેવા મંડળ સહિતની તેમણે સ્થાપેલી સંસ્થાઓમાં જવાનું થાય છે ત્યારે લાગે છે કે બાપા આજેય જીવે છે. તેમણે જે કાર્ય કર્યું તેવું હવે શક્ય નથી. આમ પણ આજે કોઈ ક્ષેત્ર બચ્યું નથી જ્યાં રાજકારણનો પડછાયો પણ ન પડે અને તમે સેવાકાર્ય કરી શકો. છતાં ભાવનગરમાં અમે સર્વધર્મ સમભાવની ભાવના મુજબનું એક બાળમંદિર ચલાવીએ છીએ. બાપાનો જન્મ થયો ત્યારનું મકાન સચવાયેલું નથી કેમ કે વિસ્તાર જુદો હતો, પણ તેમનું જ્યાં અવસાન થયું હતું તે ઘર અમને વારસામાં મળેલું. જે અમે ભાવનગર લોહાણા બોર્ડિંગને દાન કરી દીધું છે. જોકે દુઃખ સાથે કહેવું પડે છે કે ભાવનગર તેમનું જન્મસ્થાન હોવા છતાં અહીં તેમની કોઈ

સ્મૃતિ સચવાયેલી નથી. તેમના પરિવારજન તરીકે આવું દુઃખ જાહેરમાં વ્યક્ત કરવું એનો અર્થ ‘અમે આવી કંઈક માગણી કરીએ છીએ’ એવો પણ થઈ શકે. તેથી બને ત્યાં સુધી અમે આ બાબતનો ઉલ્લેખ કરવાનું ટાળીએ છીએ. આમ પણ સરકારી ધોરણે કોઈ કામ થાય એના કરતાં જેમણે બાપાને, તેમના કામને નજીકથી જોયા-જાણ્યા છે, એ લોકો તેમનાં સંસ્મરણોને જીવંત રાખે તે અમને વધારે યોગ્ય લાગે છે.’

ભીલ સેવા મંડળના પહેલા આદિવાસી પ્રમુખ શ્રીજાલજીભાઈ ડીંડોડના પુત્ર અને ગુજરાત રાજ્ય માહિતી ખાતાના પૂર્વ નાયબ નિયામક રહી ચૂકેલા દિનેશભાઈ ડીંડોડ તો ત્યાં સુધી કહે છે કે ઠક્કરબાપા ન હોત તો આજે તેઓ પણ ક્યાંક ભટકતું જીવન ગાળતાં હોત. પોતાની વાત વધુ સ્પષ્ટ કરતાં તેઓ કહે છે કે, ‘હું અંગતપણે એવું માનું છું કે આદિવાસીઓ માટે તો કુદરતનું સાક્ષાત સ્વરૃપ એટલે ઠક્કરબાપા. જંગલમાં વસતાં આદિવાસીઓને તેમણે માણસ બનાવ્યા. એમણે જે કામ કર્યું છે તે આપણે ભૂલી જઈશું એ નહીં ચાલે. આપણી આદિવાસી શાળા, કૉલેજોમાં ઠક્કરબાપાનું જીવનચરિત્ર એક પવિત્ર ગ્રંથની જેમ વંચાવું જોઈએ. એ મહામાનવે આદિવાસીઓ માટે પોતાની જિંદગી ખર્ચી નાખી હતી. એમની નિશ્રામાં ૨૦થી વધુ સેવકો તૈયાર થયા તેમનાં સંતાનો પણ આજે આદિવાસી સેવાપ્રવૃત્તિમાં એટલા જ સક્રિય છે. આ નાનીસૂની વાત નથી.’

ઠક્કરબાપાના પ્રપૌત્રી અને ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા ડૉ. નીપાબહેન સિદ્ધાર્થભાઈ ઠક્કર દાહોદ ખાતે આયોજિત ઠક્કરબાપાની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમ બાદ ભાવવિભોર થઈને કહે છે, ‘પંચમહાલમાં આવીને જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે બાપા ખરેખર કેટલું મોટું કામ કરીને ગયા છે. અહીં આવીએ ત્યારે લાગે છે કે અમે તો તેમના વંશજો છીએ જ, પણ સાચા વંશજો તો આ આદિવાસીઓ છે. અહીં ઠક્કરબાપાનું જે માન, મોભો, મરતબો અમે જોયો છે તે અકલ્પનીય છે. મને જ્યારે ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો ત્યારે મેં મારા પરિચયમાં ઠક્કરબાપાના વંશજ હોવાનો ખાસ ઉલ્લેખ કરાવેલો. મને ગર્વ છે કે અમારો પરિવાર આટલો સમૃદ્ધ ઐતિહાસિક વારસો ધરાવે છે.’

ઠક્કરબાપાએ આખી જિંદગી સેવામાં ખર્ચી નાખી હોવા છતાં આજે સ્થિતિ એ છે કે તેમની ઓળખાણ આપવી પડે છે. કેમ કે તેઓ ગાંધીજી, જવાહરલાલ, સરદારથી અલગ એક બિનરાજકીય વ્યક્તિ હતા. આઝાદીની ચળવળમાં કે ગાંધીજી સાથે જોડાયેલા બીજા બધા ૧૯૪૭ બાદ કોઈ ને કોઈ રાજકીય પક્ષ સાથે જોડાઈને ગોઠવાઈ ગયા. કોઈ ધારાસભ્ય, સંસદસભ્ય, તો કોઈ નાની-મોટી કમિટીઓ કે ટ્રસ્ટમાં ગોઠવાઈ ગયા, પણ ઠક્કરબાપાએ એવું ન કર્યું. એની પાછળ એક કારણ તેમની વધતી ઉંમર પણ ખરી. વળી, તેમની તરતની પેઢી ‘ને સ્થાનિક તંત્રે તેમનાં કાર્યોને નવી પેઢી સુધી પહોંચાડવામાં જોઈએ તેટલો રસ દાખવ્યો નહીં. જોકે ઠક્કરબાપા સ્વયં એવું માનતા હતા કે સેવાકાર્યો અંગે ઢોલ ન પીટવાનો હોય, એ તો મૂકસેવક બનીને જ થાય અને તેમણે એ કરી બતાવેલું.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »