તમારા માટે, તમારી સાથે, સતત…

જગપ્રસિદ્ધ એન ફ્રેન્કની ડાયરી ગુજરાતી ભાષામાં

પુસ્તકનો અનુવાદ કરતી વખતે હું એન નામની કિશોરીમાં ખોવાઈ ગઈ હતી.

0 393
  • સાહિત્ય – સંગિતા જોષી
  • મુલાકાત – લતિકા સુમન

સ્થળ છે – મુંબઈની ડેવિડ સસુન લાઇબ્રેરીનું ગાર્ડન. સાંજનો સમય અને કડકડતી ઠંડી. મુંબઈવાસીઓ પહેલીવાર આ પ્રકારની ઠંડીનો અનુભવ કરી રહ્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી મુંબઈવાસીઓને આ પ્રકારની ઠંડીની આદત નથી રહી. છતાં પણ ગાર્ડનમાં બેઠેલા દર્શકો સામે સ્ટેજ પર ભજવાઈ રહેલી નાટિકાને માણવામાં અને અનુભવવામાં તલ્લીન થઈ ગયા છે. એટલા તલ્લીન જોવા મળી રહ્યા છે જાણે કે એ દૃશ્યને જાણે પોતે જીવી રહ્યા છે. હાડ થીજાવી દેતી ઠંડીને સહન કરતા કરતા તેઓ ચુપચાપ સામે ભજવાઈ રહેલા દૃશ્ય અને સંવાદોને અનુભવી રહ્યા છે. દર્શકો નાટક સાથે એ હદે તાદાત્મ્ય સાધી લીધું છે કે નાટકની પૂર્ણાહુતિવેળાએ દરેકની આંખોના ખૂણા ભીના થયેલા જોવા મળે છે. એવું તો શું હતું એ નાટકમાં કે ત્યાં હાજર રહેલા લોકો મંત્રમુગ્ધ બનીને નાટકમાં ખોવાઈ ગયા હતા. શું એક તેર વર્ષની કિશોરીએ લખેલી ડાયરીને ગંભીરતાથી લેવી જોઈએ. એક ડાયરી લોકોને રડાવી શકે એટલી સક્ષમ હોઈ શકે. તો આ પ્રશ્નોનો જવાબ છે – હા. એક કિશોરીની લખેલી ડાયરી રડાવી શકે જો એ ડાયરી એન ફ્રેન્ક નામની તેર વર્ષની કિશોરીએ લખી હોય તો.

પ્રસંગ હતો પુસ્તકના વિમોચનનો. આ પુસ્તક ખ્રિસ્તીઓના પવિત્ર ગ્રંથ બાઇબલ પછી સૌથી વધુ વેચાયેલું બીજા નંબરનું સર્વોત્તમ પુસ્તક બની રહ્યું છે. પુસ્તકનું નામ છે – એન ફ્રેન્ક – અ ડાયરી ઓફ અ યંગ ગર્લ. સંગીતા જોશીએ આ પુસ્તકનો અનુવાદ કર્યો છે. સાત વર્ષની અથાગ મહેનત બાદ તૈયાર થયેલા આ પુસ્તકનું વિમોચન ડૉ. નલિની મડગાંવકરના હાથે થયું. વિમોચન પ્રસંગે યહૂદી સમાજના પ્રમુખ સોલોમાન સોફર મુખ્ય અતિથિના રૃપમાં ઉપસ્થિત રહ્યા હતા. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદિત થયેલા આ પુસ્તકનું ગુજરાતી નામ છે – એન ફ્રેન્કઃ એક કિશોરીની ડાયરી. ગુજરાતીમાં અનુવાદિત થયેલા આ પુસ્તકના વિમોચન પ્રસંગે એક નાટ્ય પ્રસ્તુતિ આપવામાં આવી. નાટકનું નામ હતું – મારી નજરે એન ફ્રેન્ક. આ નાટક દર્શકોના હૃદયને સ્પર્શી ગયું.

પુસ્તકના વિમોચન પ્રસંગે સંગીતા જોશીએ ‘અભિયાન’ સાથે વિશેષ વાતચીત કરી. પુસ્તકના અનુવાદની યાત્રા દરમિયાન સંગીતાબહેને અનુભવેલી સંવેદનાઓને વ્યક્ત કરતા જણાવ્યું કે પુસ્તકનો અનુવાદ કરતી વખતે હું એન નામની કિશોરીમાં ખોવાઈ ગઈ હતી. જ્યારે તમે કોઈ પુસ્તકનો અનુવાદ કરો છો તો તમે એ પુસ્તકને જીવો છો. આ એ પાત્રના સર્જન અને લેખનની કમાલ હોય છે. મેં પણ મારી પુસ્તક અનુવાદનની યાત્રાને એન સાથે જીવી છે એમ કહું તો ઉચિત રહેશે.

હવે તો બધાં જ અંગ્રેજી વાંચે છે તો પછી પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવાનો વિચાર કેમ આવ્યો? એ પ્રશ્નનો જવાબ આપતાં સંગીતાબહેન જોશી કહે છે, ‘આપણો ભ્રમ છે કે લોકો ગુજરાતી નથી વાંચતા. આજે પણ લોકો ગુજરાતી પુસ્તકો ખરીદે છે અને વાાંચે પણ છે. અમે આ પુસ્તક પહેલાં પણ કેટલાંક પુસ્તકો લખ્યાં છે – ગુજરાતીમાં. મારા પતિ સુધીર શાહે તેમાં સહયોગ આપ્યો છે.’

એવું તો શું છે આ પુસ્તકમાં અને આ પુસ્તકને સંપન્ન કરતા સાત વર્ષ જેટલો લાંબો સમયગાળો કેમ લાગ્યો એવો પ્રશ્ન જ્યારે સંગીતાબહેનને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે વિસ્તારપૂર્વક જવાબ આપતા કહ્યું કે, વર્ષ ૨૦૧૨માં હું મારા પતિ સુધીર શાહ સાથે એમસ્ટરડેમ ફરવા ગઈ હતી. એમસ્ટર પહોંચ્યા બાદ અમે એન ફ્રેન્ક હાઉસની મુલાકાતે ગયા. આ મુલાકાત દરમિયાન સુધીરે મને જણાવ્યું કે આ ઘરમાં એન ફ્રેન્કના પરિવાર ઉપરાંત અન્ય ચાર લોકો એટલે કે કુલ આઠ લોકો બે વર્ષ સુધી આ સ્થળે છુપાયા હતા. જ્યારે સુધીરે મને આ વાત કરી ત્યારે મને થયું કે આટલી નાની જગ્યામાં આઠ લોકો બે વર્ષ સુધી કેવી રીતે રહ્યા હશે. કેટલું વાંકુ વળીને એ જગ્યાએ જવું પડતું. એક નાનકડી બારીમાંથી સાવ નાનું અમથું આકાશ જોવા મળતું અને એ બારીમાંથી ખોબા જેવડું અજવાળું આવતું. કોઈ જ જગ્યાએ કોઈ પણ પ્રકારનો બદલાવ નથી કરવામાં આવ્યો. એ સમયે જે હતું એવું ને એવું જ આજે પણ સરસ રીતે સાચવવામાં આવ્યું છે. અમને એક વીડિયો પણ દેખાડવામાં આવ્યો. વીડિયોમાં એનના પિતા ઓટો ફ્રેન્ક કહી રહ્યા હતા કે જ્યારે મેં એનની ડાયરી વાંચી ત્યારે મને થયું કે હું મારી દીકરીને ઓળખતો જ નહોતો. એના મનમાં કેટલા બધા વિચારો આકાર લઈ રહ્યા હતા.

Related Posts
1 of 319

સંગીતાબહેને પોતાની વાતને આગળ વધારતા કહ્યું કે, જ્યારે મેં એનના પિતાનું વાક્ય સાંભળ્યું કે આપણે આપણા બાળકોને અસલમાં ઓળખતા જ નથી. ત્યારે એ વાક્ય મારા મનને સ્પર્શી ગયું. મેં એ જ સમયે એ પુસ્તક ખરીદ્યું. જ્યારે હું પુસ્તક વાંચી રહી હતી ત્યારે મને વિચાર આવ્યો કે જો મારા જેવી શિક્ષિત મહિલાને પણ આટલાં વર્ષો સુધી એન વિશે ખબર નહોતી તો કેટલાં ગુજરાતીઓને આ પુસ્તક વિશે ખબર હશે. એ જ વખતે મારા મનમાં આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો વિચાર આવ્યો, પણ મને ખ્યાલ નહોતો કે આ પુસ્તકનો અગાઉ ગુજરાતીમાં અનુવાદ થયો છે કે નહીં. એ સમયે અમે અમારા મિત્ર દીપક મહેતાને ફોન કર્યો અને તેમને એન ફ્રેન્કની ડાયરીના ગુજરાતી સંસ્કરણ વિશે પૂછપરછ કરી. બે-ત્રણ દિવસ બાદ તેમણે જણાવ્યું કે હજુ સુધી આ ડાયરીનો ગુજરાતીમાં અનુવાદ નથી થયો. ત્યારે અમે એન ફ્રેન્ક ફાઉન્ડેશન પાસે મંજૂરી માગી પણ પત્રવ્યવહાર અને ઔપચારિકતામાં લગભગ ચાર વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો. ત્યાર બાદ મેં આ પુસ્તકનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનું શરૃ કર્યું.

પોતાનું પુસ્તક લખવું અને અન્યએ લખેલા પુસ્તકનો અનુવાદ કરવો – કેવો અનુભવ રહ્યો આ પ્રશ્નનો ઉત્તર આપતાં સંગીતાબહેન કહે છે, આ પુસ્તકને વાંચતી વખતે અને અનુવાદ કરતી વખતે મેં એક જોશ અને હિમ્મતનો અનુભવ કર્યો છે. એન ખૂબ જ હિમ્મતવાન અને સ્વતંત્ર વિચારો ધરાવનારી પ્રામાણિક છોકરી હતી.

પુસ્તકના માધ્યમથી તો એનના વિચારો વાચકો સુધી પહોંચશે જ, પણ નાટકની પ્રસ્તુતિ પાછળનું કારણ જણાવતાં સંગીતાબહેન કહે છે કે, હવે અમે આ નાટકને કમર્શિયલ લેવલ પર રંગભૂમિ પર પ્રસ્તુત કરવાનો નિર્ણય લીધો છે. પહેલાં આ રીતે કોઈ નાટ્યપ્રસ્તુતિનો વિચાર નહોતો, પણ મેં તોરલ ત્રિવેદીને પુસ્તકનો એક ફકરો વાંચવાનું કહ્યું હતું. જ્યારે અમારી વાતચીત થઈ રહી હતી એ જ સમયે નાટ્યપ્રસ્તુતિનો વિચાર સ્ફૂર્યો. રાજુલ દીવાન, તોરલ ત્રિવેદી અને મેં બે-ત્રણ દિવસ રિહર્સલ કર્યું અને નાટક તૈયાર કર્યું. આ નાટક અભિભાવકોના હૃદયને સ્પર્શી ગયું. અમે એનને તેના પુસ્તક અને વિચારોના માધ્યમથી જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. એન આજે પણ જીવે છે અને લોકોને વિચારવા પર મજબૂર કરી રહી છે કે યુદ્ધ ન જ થવું જોઈએ અને ત્રીજું વિશ્વયુદ્ધ તો ન જ થવું જોઈએ. એનની ડાયરી વાંચનારી દરેક વ્યક્તિ ઈશ્વરને પ્રાર્થના કરશે કે વિશ્વમાં શાંતિ-પ્રેમ અને અહિંસા જળવાયેલા રહે.

——-.

કોણ હતી એન ફ્રેન્ક
નેધરલેન્ડની તેર વર્ષની એક કિશોરીન તેના જન્મદિવસે એક ડાયરી ભેટરૃપે મળે છે. બે દિવસ બાદ એ કિશોરી ડાયરી લખવાની શરૃઆત કરે છે. આમ તો એ તેર વર્ષની કિશોરીની ડાયરી સામાન્ય વ્યક્તિઓની ડાયરી જેવી જ બની રહેતી, પણ એ સમયગાળો હતો વર્ષ ૧૯૪૨નો, જ્યારે નાઝીવાદના પ્રણેતા એડોલ્ફ હિટલરે યહૂદી લોકો પર ત્રાસ ગુજારવાનું શરૃ કર્યું. એન ફ્રેન્કના પરિવાર સહિત ઘણા લોકો હિટલરના આતંકનો ભાગ બન્યા અને તેમનાથી બચવા માટે એન ફ્રેન્ક સહિત સાત લોકોએ છુપાઈને રહેવું પડ્યું. એમસ્ટરડેમમાં એક ઑફિસમાં કબાટની પાછળ રહેલી નાની જગ્યામાં એનનાં માતા-પિતા, તેની નાની બહેન માર્ગોટ અને અન્ય ચાર લોકો બે વર્ષ સુધી આ રીતે છુપાઈને રહ્યા. આ સમગ્ર સમયગાળા દરમિયાન થયેલા અનુભવોનું વર્ણન એને પોતાની ડાયરીમાં કર્યું છે. યહૂદી હોવાને કારણે તેમને છુપાઈને રહેવું પડતું હતું. ડાયરી લખવાનો હેતુ પોતાના મનમાં ચાલી રહેલી ગડમથલને વ્યક્ત કરવાનો હતો. એનનો એવો કોઈ સાથીદાર કે જોડીદાર નહોતો જેની સાથે તે પોતાના મનના વિચારો વહેંચી શકતી. પરિણામે તેણે ડાયરીને પોતાનો સાથીદાર બનાવ્યો અને ડાયરીમાં પોતાના વિચારો આલેખ્યા.

ગુપ્ત રીતે છુપાયેલા એન ફ્રેન્ક સહિત કુલ આઠ લોકોને આખરે ૪ ઑગસ્ટ, ૧૯૪૪ના રોજ પકડીને કોન્સન્સ્ટ્રેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા. એનની માતા એડિથ ફેન્કનું ૬ જાન્યુઆરી, ૧૯૪૫ના રોજ ભૂખ અને થાકને કારણે મૃત્યુ થયું. તેના બે મહિના બાદ એન અને તેની બહેન માર્ગોટ ટાઇફોઇડના રોગને કારણે મૃત્યુ પામ્યાં. ૧૨ એપ્રિલ, ૧૯૪૫ના રોજ બ્રિટિશરોએ કોન્સન્સ્ટ્રેશન સેન્ટરમાં રહેલા લોકોને મુક્ત કર્યા અને તેને કારણે એનના પિતા ઓટો ફ્રેન્ક બચી ગયા. એનના પિતાને જ્યારે એનની ડાયરી મળી ત્યારે તેમણે આ ડાયરીને પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો. આ જ ડાયરીનો ગુજરાતીમાં અનુવાદ સંગીતા જોશીએ કર્યો છે. ડૉ. નલિની મડગાંવકરે આ ડાયરી પર પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે જેવી રીતે એક માતા પોતાના બાળકને જન્મ આપે છે, એવી જ રીતે સંગીતા જોશીએ ખૂબ જતનપૂર્વક આ ડાયરીનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. પુસ્તક વાંચનાર દરેક વ્યક્તિ પુસ્તકના વખાણ તો કરશે જ, પણ સાથે જ સંગીતાની આભારી પણ રહેશે.

આ પુસ્તક સાથે સંગીતાબહેને એક પુસ્તિકા પણ ભેટરૃપે લખી છે, જેનું નામ છે – મારી નજરે એન ફ્રેન્ક. એન ફ્રેન્કના જીવનકવનને જલદીથી રંગભૂમિ પર નાટકરૃપે પ્રસ્તુત કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »