તમારા માટે, તમારી સાથે, સતત…

રૉબોટિક્સ એન્જિનિયરિંગ નવા યુગની નવી કારકિર્દી

ઘણા ક્ષેત્રોમાં રૉબોટિક તકનીકનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.

0 198

નવી ક્ષિતિજ – – હેતલ રાવ

એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઘણા કાર્ય કરી શકાય છે, પરંતુ તમારી ઇચ્છા કંઈક નવું કરવાની છે તો, રૉબોટિક્સ એન્જિનિયરિંગ સારો વિક્લ્પ છે. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ઘણા ક્ષેત્રોમાં રૉબોટિક તકનીકનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. જેના કારણે આ ક્ષેત્રમાં રોજગારીની અનેક તક છે.

વિજ્ઞાનલક્ષી પરિણામો વધી રહ્યાં છે. જેના કારણે નવાં-નવાં મશીનોની શોધ પણ થઈ રહી છે. આવા જ મશીનોમાં એક છે રૉબોટ. રૉબોટિક્સ વિજ્ઞાનની એ શાખા છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વિકસિત કરવામાં આવે છે. ઉપરાંત ઑટોમેટિક મિકેનિકલ ડિવાઇસ અને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની મદદથી એક મશીન તૈયાર કરવામાં આવે છે, જે સ્વચાલિત અને રિપ્રોગ્રામેબલ હોય છે, જેને રૉબોટ કહેવામાં આવે છે. રૉબોટ એક એવી સિસ્ટમ છે જેમાં સેન્સર, કન્ટ્રોલ સિસ્ટમ, પાવર સપ્લાય અને સોફ્ટવેર હોય છે. જેના દ્વારા એ પ્રકારનું મશીન બનાવવામાં આવે છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી જાતે જ વર્ક કરે.

શરૃઆત કેવી રીતે કરી શકો
રૉબોટિક્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને કોમ્પ્યુટર સાયન્સમાં સારી જાણકારી અથવા ડિગ્રી અનિવાર્ય છે. રૉબોટિક લાંબા સમયનો રિસર્ચ કેન્દ્રિત કોર્સ છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક સ્પેશલાઇઝેશન કોર્સ પણ કરી શકો છો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રૉબોટિક્સ, એડવાન્સ રૉબોટિક્સ સિસ્ટમ જેવા કોર્સ કરી શકાય છે. સામાન્ય રીતે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, કોમ્પ્યુટર સાયન્સ સાથે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ આ કોર્સ માટે યોગ્ય ગણાય છે.

રૉબોટિક્સ એન્જિનિયરનું કામ
રૉબોટિક્સ એન્જિનિયરનું મુખ્ય કામ રૉબોટને ડિઝાઇન કરવો અને તેની માટે કોમ્પ્યુટરીકૃત એપ્લિકેશન વિકસિત કરવાનું છે. આ ઉપરાંત આ કામમાં જે લોકોને રૉબોટની જરૃર હોય છે તેમની આવશ્યકતાનું ધ્યાન રાખવું પડે છે.

જરૃરિયાત જ રૉબોટની ડિઝાઇન, સેન્સર, પ્રોસેસર અને પાર્ટ્સના આધારે આકારનું નિર્માણ નક્કી કરે છે. એન્જિનિયરે રૉબોટમાં લગાવવામાં આવેલા ઇલેક્ટ્રોનિક પાર્ટ્સના નિરીક્ષણ, રૉબોટના પરીક્ષણ અને તેની તકનીક સંબંધી ઊણપને શોધવાનું કામ કરવાનું હોય છે. રૉબોટિક્સ એન્જિનિયર રૉબોટને ડિસેમ્બલ, રિસેમ્બલ કરવાની સાથે ટૅક્નિશિયનને રૉબોટ સર્વિસ માટે તાલીમ આપે છે.

યોગ્યતા
બેચલર કોર્સ ઃ  ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ગણિત વિષય સાથે ધોરણ ૧૨ પાસ કરનારા વિદ્યાર્થીઓ રૉબોટિક એન્જિનિયરિંગ, બીઇ અથવા બીટેકમાં પ્રવેશ મેળવી શકે છે. ચાર વર્ષીય કોર્સમાં એન્ટ્રેન્સ એક્ઝામના આધારે પ્રવેશ મેળવી શકાય છે.

માસ્ટર કોર્સ ઃ રૉબોટિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, મિકેનિકલ અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન જેવા એન્જિનિયરિંગ વિભાગોમાં બેચલર ડિગ્રી કોર્સ પાસ કર્યા પછી માસ્ટર કોર્સમાં પ્રવેશ લઈ શકાય છે. માસ્ટર કોર્સ સંચાલિત કરનારી એન્જિનિયરિંગ સંસ્થાઓમાં ગેટ સ્કોરના આધારે પ્રવેશ આપવામાં આવે છે.

આ વિષયોની સમજ જરૃરી
આ ક્ષેત્રમાં ઘણા એવા વિષયો છે જેની સમજ જરૃરી છે. જેવા કે ઑટોમેશન, માઇક્રો-રૉબોટિક્સ, બાયો-સાયબરનેટિક્સ, મેડિકલ રૉબોટિક્સ, સિગ્નલ પ્રોસેસિંગ, રૉબોટ મેનિપ્યુલેટર્સ, ડિઝાઇન એન્ડ કન્ટ્રોલ, રૉબોટ મોશન પ્લાનિંગ, કમ્પ્યુટેશનલ જિયોમેટ્રી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને માઇક્રો-પ્રોસેસ છે.

રૉબોટિક્સનો બિઝનેસ
ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રૉબોટિક્સના રિપોર્ટ પ્રમાણે રૉબોટિક્સનો બિઝનેસ વિશ્વ માર્કેટમાં ઝડપી વધી રહ્યો છે. વર્ષ ૨૦૧૪માં દુનિયાભરમાં અંદાજે ૨,૩૦,૦૦૦ રૉબોટનું વેચાણ થયું હતું. આ આંકડા ૨૦૧૩ની સરખામણીમાં ત્રણગણા વધારે છે. ૨૦૧૪ના ડિસેમ્બર સુધી ચીનમાં રૉબોટોની કુલ સંખ્યા ૧,૮૦,૦૦૦ હતી જ્યારે ભારતમાં લગભગ ૧૨ હજાર રૉબોટ હતા. યુએસ બ્યૂરો ઓફ લેબર સ્ટેટિસ્ટિકસ પ્રમાણે વર્ષ ૨૦૨૪ સુધી રૉબિટિક્સ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નોકરીના વિકલ્પોમાં અઢળક તક ઊભી થશે.

એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
રૉબોટિક્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો અભ્યાસ કરવામાં આવે છે. આ કોમ્પ્યુટર વિજ્ઞાનની શાખા છે. કોમ્પ્યુટરમાં માણસની બુદ્ધિ કેવી રીતે આવી તે અહીં શીખવાડવામાં આવે છે. એઆઈ આવ્યા પછી રૉબોટ વધારે સક્ષમ બની ગયા છે. કૃત્રિમ બુદ્ધિનો હેતુ એવા કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવવાનો છે જે સમસ્યાઓનું નિવારણ લાવી શકે. ઉપરાંત કેટલાક નિર્ણયો જાતે કરી શકે.

રિસર્ચ માટે આ વિષયમાં મુખ્ય બે પ્રવાહ હોય છે, જેમાંથી એક છે જૈવિક, જે એ વિચારો પર આધારિત છે કે માણસ સૌથી વધારે બુદ્ધિશાળી છે. માટે મનુષ્યનો અભ્યાસ કરવામાં આવે અને તેના મનોવિજ્ઞાન અથવા શરીર સંરચનાને રૉબોટનું સ્વરૃપ આપી માણસની નકલ કરવામાં આવે. બીજો પ્રવાહ છે ઘટના પૂર્ણ. જે સમાજના સાધારણ જ્ઞાન સાથે જોડાયેલો અભ્યાસ છે. રૉબોટિક્સ વિશેષજ્ઞ એવી સિસ્ટમ વિકસિત કરે છે જેનાથી મશીનો સાથે વાતચીત કરી શકાય.

સંભાવનાઓ
આ ક્ષેત્રમાં તાલીમ પ્રાપ્ત કરેલા પ્રોફેશનલ્સની ડિમાન્ડ વધારે છે, પરંતુ આવા પ્રોફેશનલ ઘણા ઓછા છે. ભેલ, બીએઆરસી એને સીએસઆઇઆર નવા સ્નાતકોની વૈજ્ઞાનિક તરીકે નિમણૂક કરે છે. પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલ પર સ્પેશલાઇઝેશન કરી શકો છો. માઇક્રોચિપ મેન્યુફેક્ચરિંગ માટે ઇન્ટેલ જેવી કંપનીમાં રૉબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશેષજ્ઞ તરીકે આ ક્ષેત્રના જાણકારોને નિયુક્તિ મળી શકે છે. આ ઉપરાંત ઇસરો અને નાસામાં પણ રૉબોટિક્સના વિશેષજ્ઞોની નિમણૂક કરવામાં આવે છે.

Related Posts
1 of 289

રૉબોટિક્સ એન્જિનિયરની જેમ જ આ ફીલ્ડમાં ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ અને કોમ્પ્યુટર એન્ડ સોફ્ટવેર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની જરૃરિયાત પણ સમાન રીતે છે.

પગાર ધોરણ
રૉબોટિક ઇન્ડસ્ટ્રીમાં સેલેરી ઘણી સારી મળી રહે છે. આ સેક્ટરમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે છે. રૉબોટિક્સ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી ધરાવતા યુવાનોને શરૃઆતમાં ૩૦થી ૩૫ હજાર રૃપિયા પ્રતિમાસ પગાર મળે છે. માસ્ટર કોર્સ કર્યા પછી અને અનુભવ વધવાની સાથે આ પેકેજમાં ૨૫ ટકાનો વધારો થાય છે.

રૉબોટિક્સનો અભ્યાસ કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ જેવા વિષયો સાથે જોડાયેલો છે. જેના કારણે આ ક્ષેત્રમાં નિપુણતા મેળવવા માટે આ દરેક વિષયોના આધારભૂત સિદ્ધાંતો પર પકડ હોવી જરૃરી છે.

હાલના તબક્કે દેશમાં ઘણી ઓછી સંસ્થાઓ છે જ્યાં એડવાન્સ લેવલ પર આ કોર્સ ચાલી રહ્યો છે. વિદેશી સંસ્થાઓમાં ઍડ્મિશન માટે ઘણી હરીફાઈ ચાલી રહી છે. આજે વિભિન્ન પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં રૉબોટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. માટે એમ કહી શકાય કે આ ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવું યુવાનો માટે બેસ્ટ છે.
————-.

પ્રમુખ સંસ્થાઓ

*           કૉલેજ ઓફ એન્જિનિયરિંગ, પૂણે

*           આઇઆઇટી-બોમ્બે, ચેન્નાઈ, દિલ્હી, કાનપુર

*           ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લુરુ

*           જાદવપુર યુનિવર્સિટી, કલકત્તા

*           બિટ્સ, પિલાની

*           ઉસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદ

*           ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૅક્નોલોજી, બીએચયુ, વારાણસી

*           દિલ્હી ટૅક્નોલોજિકલ યુનિવર્સિટી, નવી દિલ્હી

*           એમએસ યુનિવર્સિટી, વડોદરા
————————

Leave A Reply

Your email address will not be published.

Translate »