તમારા માટે, તમારી સાથે, સતત…

પત્નીની પ્રગતિ માટે પતિએ નોકરી છોડી

પત્નીને આગળ વધવા માટે પૂરો સહકાર આપ્યો

0 433
  • ફેમિલી ઝોન – સુચિતા બોઘાણી કનર

પતિ-પત્ની બંને કમાતાં હોય તેવા કિસ્સા આજે સામાન્ય થઈ ગયા છે. ઘણી વખત ઘરની જવાબદારીઓના કારણે પત્નીને નોકરી છોડવી પડે છે, પરંતુ ભુજમાં એવા દંપતી છે, જે બંને નોકરી કરતાં હતાં. પત્નીની પ્રગતિ માટે, ઘર અને બાળકની જવાબદારી સુપેરે સંભાળી શકાય તે હેતુથી સ્વેચ્છાએ પતિએ નોકરી છોડી, ઘરેથી કામ ચાલુ કર્યું. ૨૬મી જાન્યુઆરી જીવનસાથી દિન તરીકે મનાવાય છે. આ નિમિત્તે ભુજનાં યુગલની વાત જાણવી પ્રસ્તુત રહેશે.

આજે મહિલાઓ તમામ સ્તરે પુરુષોના ખભે ખભા મિલાવીને આગળ વધી રહી છે. કોઈ ક્ષેત્ર એવું રહ્યું નથી કે મહિલાઓ ત્યાં પાછળ હોય. આમ છતાં ઘર બહાર કામ કરતી ભારતની ‘ને ખાસ કરીને ગુજરાતની મહિલાઓને કામકાજ અને ઘર એમ બે મોરચે ઝઝૂમવું પડે છે. જેથી અનેક વખત પૂરતી લાયકાત અને ધગશ હોવા છતાં તે ટોચ પર પહોંચી શકતી નથી. સામાન્ય મહિલાઓ માટે ઘર, વર અને બાળકો પ્રાથમિકતા ધરાવતાં હોય છે. ઘર બહારની કામગીરીનું મહત્ત્વ ત્યાર પછી હોય છે. આજે અનેક કુટુંબો એવા છે કે જે મહિલાઓ ઘર બહાર કામ કરીને પૈસા લાવે તેમાં રાજી હોય છે, પરંતુ તેની ઘરકામની જવાબદારીમાં મદદ કરવા રાજી હોતા નથી. ઘરની જવાબદારી તો માત્ર મહિલાની જ હોય તેવું ગૃહહિત ધરીને જ આગળ વધાતું હોય છે. ક્યારેક ઘરના કે બાળકના કામ માટે, તેની જવાબદારી નિભાવવા નોકરીમાંથી રજા લેવાની જરૃર ઊભી થાય કે ક્યારેક નોકરી છોડવાની જરૃર ઊભી થાય ત્યારે પણ મહિલાઓએ જ જતું કરવું પડે છે. ઘરના પુરુષો ઘરની જ જવાબદારી માટે કંઈ જ જતું કરવા તૈયાર હોતા નથી, પરંતુ ભુજમાં એક અનોખું દંપતી છે. પત્નીની નોકરીમાં થતી પ્રગતિ ન અવરોધાય તે માટે થઈને ઘરની, બાળકની જવાબદારી પોતે લેવા માટે પતિએ પોતાની ૩૦ હજારના પગારની નોકરી મુકીને ઘરે બેસીને કામ  શરૃ કર્યું છે.

ગ્રામ્ય મહિલાઓના ઉત્થાન માટે કાર્ય કરતી સંસ્થા કચ્છ મહિલા વિકાસ સંગઠન સાથે વર્ષોથી જોડાયેલાં અને હાલમાં એક્ઝિક્યુટિવ સેક્રેટરી તરીકે કાર્યરત અરુણા ધોળકિયા અને તેમના પતિ વિપુલ ધોળકિયાએ સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. અરુણાબહેનને જ્યારે પ્રમોશન મળતું હતું ત્યારે ઘરની જવાબદારી પણ ઘણી વધુ હતી. વિપુલભાઈની કારકિર્દી પણ ત્યારે ટોચ પર હતી, બાળક નાનું હતું. તેવા સમયે પત્નીની સમાજસેવા સાથે પોતાની કારકિર્દી આગળ ધપાવવાની ઉત્કટ ઇચ્છા જોઈને વિપુલભાઈએ પોતાની નોકરી મુકી દીધી હતી અને પત્નીને આગળ વધવા માટે પૂરો સહકાર આપ્યો હતો.

આ અંગે વાત કરતાં ૪૨ વર્ષનાં અરુણાબહેન કહે છે, ‘હું લખપત તાલુકાના નાનકડા ગામ દયાપરમાં ઉછરીને મોટી થઈ હતી. નાની ઉંમરથી જ સંસ્થાની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી હતી. મારા એરેન્જ મેરેજ છે. લગ્ન પહેલાં જ હું મારી નોકરી ચાલુ રાખીશ, તે અંગેની સ્પષ્ટતા થઈ ગઈ હતી. મારા પતિ કે સાસરિયાંના કોઈને કશો જ વાંધો ન હતો. મારી નોકરીમાં કામના કલાકો નક્કી ન હતા, તેમ જ મારે ક્યારેક બહારગામ જવાનું અને ત્યાં જ બે-ચાર દિવસ કામ કરવાનું પણ થતું. પતિ પહેલેથી જ મને તમામ બાબતમાં ટેકો આપનારા છે. જ્યારે અમારા બાબાનો જન્મ થયો ત્યારે મેં મારી નોકરી મુકી દીધી. છ મહિના તો બાબા પાછળ જ ગાળ્યા. પછી મેં અન્ય સંસ્થામાં નોકરી લીધી, જેમાં કામનું ભારણ ઓછું હતું અને ફિલ્ડ વર્ક ન હતું. પાંચેક વર્ષ મેં આ સંસ્થામાં નોકરી કરી, પરંતુ તે સમય દરમિયાન જ મને મારી માતૃસંસ્થા તરફથી વધુ ઊંચી પોસ્ટ – ડાયરેક્ટરના પદ માટે ઑફર થઈ. મારી પ્રગતિ મને દેખાતી હતી, પરંતુ દીકરો નાનો હતો. પતિ પણ રોજનો સો કિ.મી.નો પ્રવાસ કરીને નોકરી કરતા હતા. શું કરવું? હું મૂંઝાતી હતી. મને મારી કરિયર પ્રિય હતી, તો ઘર-સંસાર પણ એટલો જ પ્રિય હતો. તેમાં મારે કોઈ ખટરાગ જોઈતો ન હતો. મારા પતિએ મારી મૂંઝવણ જોઈ, અનુભવી, પોતે પણ ખૂબ વિચાર કર્યો, પોતાની જાત સાથે કદાચ ટકરાવ પણ તેમણે કર્યો, આખરે તેમણે નિર્ણય લઈ લીધો. તે મને કહે, તું નોકરી કર, હું ઘર અને દીકરાને સાચવીશ. આ સાંભળી મને થયેલી ખુશી હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. તેમણે આજ સુધી પોતાના શબ્દો પાળ્યા છે. તેઓ ઘર અને દીકરાને સંભાળે છે અને પહેલા કમાતા હતા તેટલા જ પૈસા અત્યારે ઘરે બેસીને કમાય છે. હું મારી નોકરીની જવાબદારી સુપેરે નિભાવું છું. તેમણે મને પૂરી આર્થિક સ્વતંત્રતા આપી છે.’

Related Posts
1 of 55

પત્નીની વાતને સમર્થન આપતાં વિપુલભાઈ કહે છે, ‘અરુણાની વાત સાચી છે. આપણો સમાજ પુરુષપ્રધાન છે. અમારા જીવનમાં જ્યારે કોઈકે તો નોકરી છોડવી જ પડે તેવા સંજોગો સર્જાયા ત્યારે મને ખબર હતી નોકરીની અને તેના થકી સમાજસેવાની અરુણાની ઇચ્છા કેટલી ઉત્કટ છે. જો મેં તેની ઇચ્છાને માન ન આપ્યું હોત તો તે પોતાના બાળક માટે થઈને ચોક્કસ પ્રગતિની નવી તક ગુમાવવા તૈયાર થઈ જાત, પરંતુ તે મન મારીને જીવે તે મને મંજૂર ન હતું. આથી મેં મારી જાત સાથે સંવાદ કર્યો અને નક્કી કર્યું કે મારે નોકરી છોડીને ઘરની જવાબદારી સંભાળી લેવી. મેં તો નક્કી કર્યું પરંતુ મારી વાત સમાજ, મારા જ સગાં- સંબંધીઓ કે મારા સહકાર્યકરો સ્વીકારવા તૈયાર ન હતા. અનેક વખત મને મારા નિર્ણયમાંથી ડગાવવા પ્રયાસો થયા, પરંતુ હું મારા નિર્ણયમાં મક્કમ રહ્યો. હું ખાનગી કંપનીમાં પ્રોડક્શન મેનેજરની જવાબદારી અદા કરતો હતો. મને ૩૦ હજારનો મહિને પગાર હતો. જ્યારે નોકરી છોડી ત્યારે ૪થી ૬ મહિના મારી આવક તદ્દન બંધ હતી. મારે મારી પત્ની પર આધારિત થવું ન હતું. જો હું તેના પર આર્થિક રીતે આધારિત થયો હોત તો ભવિષ્યમાં ક્યારેક તેને પોતાને જ અપરાધભાવ જાગત. મારે તેવું થવા દેવું ન હતું. આથી મેં શરૃઆતમાં સ્લમ વિસ્તારના બાળકોના ટ્યૂશન ચાલુ કર્યા, મને તે સમયે માત્ર રૃ. ૫૦૦ મળતા હતા. પરંતુ મારી આવક ચાલુ થઈ તેથી હું ખુશ હતો.  છ મહિના પછી હું જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં જ કન્સલ્ટેશન ચાલુ કર્યું, મારી આવડતનો લાભ હું તેમને આપતો, મારે અઠવાડિયે કે પંદર દિવસે એકાદ વખત કંપનીમાં જવું પડે છે. ત્યાર પછી તો હું અન્ય છ કંપનીઓ સાથે જોડાયો અને અત્યારે હું પહેલા મેળવતો હતો તેટલા જ પૈસા સહેલાઈથી ઘર સંભાળતા સંભાળતા મેળવું છું.’

વિપુલભાઈ માત્ર ઘર સંભાળીને બેઠા તેવું નથી. તેઓએ આ સમયગાળામાં પોતાનો હિમાલયન ટ્રેકિંગનો શોખ પૂરો કર્યો છે. તેમણે પાંચ કૈલાસ, પાંચ કેદારનાથ, પાકિસ્તાનમાં આવેલા કટાસરાજ મહાદેવ, અમરનાથની યાત્રાઓ કરી છે. તેઓ શિવના પરમભક્ત છે અને માને છે કે અર્ધનારીશ્વર સ્વરૃપ જ દાંપત્યનું ખરું પ્રતીક છે. તેઓ પોતે લગ્ન વખતે માત્ર ધો. ૧૨ ભણેલા હતા, પરંતુ પછી એમ.એ. (સંસ્કૃત) કર્યું અને અરુણાબહેનને પણ બી.એ. (ગુજરાતી) તથા માસ્ટર ઓફ સોશિયલ સાયન્સ કરાવ્યું.

વિપુલ અને અરુણાનો દીકરો મનન ધો.૧૨માં ભણે છે અને એન્જિનિયર બનવા ઇચ્છે છે. તેના પિતાની મહેનતથી જ તેને ધો. ૧૦માં ૯૦ ટકાથી વધુ ગુણ મળ્યા છે. આ વર્ષે પણ તેને સારા દેખાવની આશા છે. તેના પિતા ઘરમાં રસોઈ કરે, ઘર સંભાળે છે, પરંતુ તેને આ બધું જ સ્વાભાવિક લાગે છે. તેના મિત્રો પણ તેના પિતાના મિત્રો બની ગયા છે. તે પોતે પણ રસોઈ કરતાં અને ઘરનું કામ કરતાં શીખે છે. અરુણાબહેન કહે છે, ‘મારા દીકરાને મારે કંઈ અલગથી શિખવવું પડ્યું નથી. તેં અમારા બંનેની જિંદગી જોઈને શીખે છે.’

આજે જ્યારે તેમનું જીવન સામાન્ય લોકોથી થોડું અલગ રીતે પરંતુ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે ત્યારે જે લોકોએે વિપુલભાઈની નોકરી છોડવાની વાતનો વિરોધ કર્યો હતો તેઓ જ આજે તેમના વખાણ કરે છે અને સગાઓની દીકરીઓને પણ નોકરી કરીને, ઘર સંભાળવાની પ્રેરણા મળી છે. અત્યારે આ દંપતી તેમની રોજિંદી જિંદગીમાં નિવૃત્ત જીવનની મજા એકબીજાના સહકારથી માણે છે. તેઓ માને છે, સ્વતંત્રતાની માત્ર વાતો કરવાના બદલે એકબીજાને સ્વતંત્રતાની ભાવના મહેસૂસ કરાવવી એ જીવનમાં મહત્ત્વનું છે.

જ્યારે દીકરો આગળ ભણવા કચ્છ છોડીને અન્યત્ર જશે ત્યારે વિપુલભાઈને પગે ચાલીને ભારત ભ્રમણ કરવું છે અને અરુણાબહેનને ફરી વિદ્યાર્થી બનીને આગળ ભણવું છે. તેમનાં સપનાં પૂરાં થાય તે માટે તેમના પ્રયાસો પણ છે.

————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »