તમારા માટે, તમારી સાથે, સતત…

જાદવપુર અને જામિયા યુનિવર્સિટીમાં ભારત વિરોધી નારા કેમ?

ડાબેરી સંગઠનો સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ વિરોધ અને આંદોલન કરે છે

0 43
  • કવર સ્ટોરી – નિલેશ કવૈયા

વિદ્યાર્થીઓની આડમાં જેહાદી માનસિકતા ધરાવતાં તત્ત્વો પણ ભારતમાં અરાજકતા ફેલાવવામાં લાગી ગયા છે. વિદ્યાર્થીઓના દેખાવોને પાકિસ્તાન સેનાના પ્રવક્તા અને ટોચના અધિકારીઓ ટ્વિટર સહિત સોશિયલ મીડિયા પર બિરદાવે અને આગમાં ઘી હોમતાં નિવેદનો કરે તેનો અર્થ શું? બંગાળની જાદવપુર યુનિવર્સિટીમાં યોજાયેલા દીક્ષાંત સમારોહમાં ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થિનીએ સ્ટેજ પર સીએએના કાગળ ફાડીને વિરોધ કર્યો હતો.

સિટિઝન એમેન્ડમૅન્ટ એક્ટ(સીએએ)નો વિરોધ જેએનયુ, જામિયા મિલિયા ઇસ્લામિયા અને જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જોરશોરથી કર્યો. જ્યારે દેશભરમાં કેટલીક યુનિવર્સિટીઓમાં થોડાઘણા વિદ્યાર્થીઓએ એક-બે દિવસ દેખાવો કર્યા હતા. દેશમાં હજારો કૉલેજો, યુનિવર્સિટીઓ છે અને તેમાં કરોડો વિદ્યાર્થીઓ ભણે છે. ત્યારે આ ત્રણ યુનિવર્સિટીના માત્ર ડાબેરી સંગઠનો સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ વિરોધ અને આંદોલન કરે તેને બહુ મોટું સ્વરૃપ આપીને જાણે દેશભરના વિદ્યાર્થીઓ આ કાયદાના અને સરકારના વિરોધી હોય તેવો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. સીએએનો કાયદો ભારતમાં ૨૦૧૪ પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી શરણાર્થી તરીકે આવેલા હિંદુ, શીખ, ઈસાઈ, પારસી અને બૌદ્ધ ધર્મના લોકોને નાગરિકતા આપવા માટેનો છે. ભારતના કોઈ પણ નાગરિકની નાગરિકતા છીનવી લેવાનો નથી. તેમ છતાં આ બધા વિરોધમાં જેનો હજુ કાયદો પણ બન્યો નથી તે એનઆરસીનો મુદ્દો પણ ઇરાદાપૂર્વક ઉછાળવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ સીએએ અને મોદી સરકારનો શાંતિપૂર્વક વિરોધ કરે તેનો કોઈને વાંધો હોઈ શકે જ નહીં, પરંતુ અત્યંત ચિંતાની વાત એ છે કે આ ત્રણ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓના દેખાવો દરમિયાન હિંદુ વિરોધી અને ભારત વિરોધી નારા લાગ્યા હતા. હિંદુઓના પવિત્ર પ્રતીક સ્વસ્તિક સાથે ગંદી ગાળ દેતાં બેનર પણ વિદ્યાર્થીઓએ દર્શાવ્યા હતા. ‘હિંદુઓ સે આઝાદી’, ‘ભારત સે આઝાદી’ જેવા નારાને સીએએના વિરોધ સાથે શું લેવા દેવા? વિદ્યાર્થીઓને જેમનો ખુલ્લેઆમ ટેકો છે તેવા કોંગ્રેસ અને ડાબેરી સહિતના પક્ષો અને કહેવાતા સેક્યુલરવાદીઓ અને લિબરલ લોકો પણ આવા નારા સામે મૌન સેવે તે વધારે ચિંતાજનક છે. વિદ્યાર્થીઓની આડમાં જેહાદી માનસિકતા ધરાવતાં તત્ત્વો પણ ભારતમાં અરાજકતા ફેલાવવામાં લાગી ગયા છે. વિદ્યાર્થીઓના દેખાવોને પાકિસ્તાન સેનાના પ્રવક્તા અને ટોચના અધિકારીઓ ટ્વિટર સહિત સોશિયલ મીડિયા પર બિરદાવે અને આગમાં ઘી હોમતાં નિવેદનો કરે તેનો અર્થ શું હોય તે સામાન્ય માણસ પણ સમજી શકે છે. બંગાળની જાદવપુર યુનિવર્સિટીમાં યોજાયેલા દીક્ષાંત સમારોહમાં ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થિનીએ સ્ટેજ પર સીએએના કાગળ ફાડીને વિરોધ કર્યો હતો. વિદ્યાર્થિની દેબસ્મિતા ચૌધરીએ કાયદાની નકલ ફાડતા સૂત્રોચ્ચાર કર્યા હતા કે અમે પેપર નહીં બતાવીએ,.. ઇન્કિલાબ જિંદાબાદ!.આ અગાઉ જાદવપુર યુનિવર્સિટીના નોન-ટીચિંગ સ્ટાફે રાજ્યપાલ જગદીપ ધનકરને યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેતા અટકાવ્યા હતા. રાજ્યપાલના વિરોધમાં કાળા ધ્વજ બતાવવા ઉપરાંત તેમની કાર પણ રોકવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ રાજ્યપાલને કાળો ઝંડો બતાવતા ‘પાછા જાઓ’ના નારા લગાવ્યા હતા. બંગાળની મમતા બેનરજીની સરકાર પણ નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહી છે. યુનિવર્સિટીના ગેટ પર અડધો કલાક રાહ જોયા બાદ ધનખડને પાછા ફરવું પડ્યું હતું. ડાબેરી પક્ષોના ટેકાથી ચૂંટાયેલા વિદ્યાર્થી સંગઠને તો તેના લેટરપેડ પર રાજ્યપાલને ઉદ્દેશીને લખ્યું હતું કે તમને રાજ્યપાલ અને કુલપતિના પદ પરથી હટાવવામાં આવે છે. એટલેથી ન અટકતાં રાજ્યપાલનું રિપોર્ટકાર્ડ પણ બનાવ્યું હતું, જેમાં લખ્યું હતું કે રાજ્યપાલનું સામાન્ય જ્ઞાન સરેરાશથી પણ ઓછું હતું. તેમની તર્કક્ષમતા ખરાબ હતી. રાજ્યપાલને ઇતિહાસની કશી ગતાગમ નથી. તેમનામાં વિદ્યાર્થીઓ, કાર્યક્રતાઓ અને મુસ્લિમો વિરુદ્ધ થઈ રહેલી હિંસા સામે આંખ આડા કાન કરવાની અદ્ભુત ક્ષમતા છે. યુનિવર્સિટીના કુલપતિ સામે ગમે તેટલો વાંધો હોય પણ વિદ્યાર્થી તરીકેની શિસ્ત, સામાન્ય શિષ્ટાચાર અને નીતિનિયમો નેવે મુકીને વિદ્યાર્થી નેતાઓએ રાજ્યપાલ સાથે અત્યંત શરમજનક વર્તન કર્યું. તેમ છતાં કોઈની પણ સામે પગલાં ભરાયાં ન હતાં. આ પછી ધનખડે કહ્યું કે એક રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલપતિ તરીકે મારા માટે આ દુઃખદ ક્ષણ છે, આ દેખાવો રાજકીય રીતે પ્રેરિત છે. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, યુનિવર્સિટીના પચાસ જેટલા વિદ્યાર્થીઓ હતા, જે મને રોકી રહ્યા હતા. તેમાં કોઈ શંકા નથી કે કાયદાનું ખરાબ રીતે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને ટેગ કરતા તેમણે ટ્વિટ કર્યું હતું કે, મારો વિરોધ કરનારાની સંખ્યા માત્ર ૫૦ની  હતી. સરકારી તંત્રને બાનમાં લેવામાં આવ્યું છે અને જવાબદાર લોકો તેમની જવાબદારીઓથી બેખબર છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં જાદવપુર યુનિવર્સિટીની મુલાકાતે ગયેલા આસનસોલના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોનો વિરોધ કરીને વિદ્યાર્થીઓએ તેમને રીતસર ધક્કે ચડાવ્યા હતા.

Related Posts
1 of 227

ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં જેએનયુમાં કેટલાક વિદ્યાર્થીઓએ આતંકી અફઝલ ગુરુના સમર્થનમાં અને દેશવિરોધી નારા લગાવ્યા હતા. પોલીસે જેએનયુના વિદ્યાર્થી સંગઠન(જેએનયુએસયુ)ના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર, ઉમર ખાલિદ, અનિર્બાન ભટ્ટાયાર્ય સહિત લોકોની સામે દેશદ્રોહ સહિતના ગુના હેઠળ ધરપકડ કરી હતી. જોકે પાછળથી આ તમામ જામીન પર છૂટી ગયા હતા. જેએનયુમાં તે વખતે ‘ભારત તેરે ટુકડે હોંગે, ઇન્શા અલ્લાહ, હમ લેકે રહેંગે આઝાદી, કશ્મીરકી આઝાદી તક જંગ રહેંગી, અફઝલ હમ શરમિંદા હૈ, તેરે કાતિલ જિંદા હૈ’ જેવા નારા લગાવ્યા હતા. આવા નારા જોઈને દેશભરના નાગરિકો સ્તબ્ધ બની ગયા હતા.કનૈયા કુમાર સહિતના લોકોની ધરપકડના પ્રત્યાઘાત તે વખતે સૌથી પહેલાં ડાબેરીઓના જ ગઢ સમાન જાદવપુર યુનિવર્સિટીમાં પડ્યા હતા. ત્યાં પણ દેશવિરોધી નારા લાગ્યા હતા. જાદવપુરના કેટલાક વિદ્યાર્થીઓએ દિવસો સુધી તોફાન મચાવીને દેખાવો કર્યા હતા. ૨૦૧૭માં પણ જાદવપુર યુનિવર્સિટીમાં ‘આઝાદી’ના નારાનો વીડિયો સામે આવ્યો હતો. યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ નાગાલેન્ડ, કાશ્મીર અને મણિપુરની આઝાદી માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. આરએસએસ દ્વારા યુનિવર્સિટીમાં બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તીઓ પર થતાં અત્યાચારના મુદ્દે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું ત્યારે આ ઘટના બની હતી. દેશની સૌથી જૂની શિક્ષણસંસ્થાઓ પૈકીની એક એવી જાદવપુર યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી ૧૯૫૫માં, પરંતુ તેની સ્થાપના અંગ્રેજોના શાસનકાળમાં ૧૯૦૬માં બેંગાલ ટૅક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે થઈ હતી. જેએનયુની જેમ જાદવપુર યુનિવર્સિટી પણ ડાબેરીઓનો ગઢ છે. અહીં પણ વર્ષોથી ડાબેરી પક્ષોનાં વિદ્યાર્થી સંગઠનો ચૂંટણી જીતતા આવ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી અને ખાસ કરીને કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ ભાજપ અને તેની વિદ્યાર્થી પાંખ એબીવીપી જેએનયુ અને જાદવપુરમાં વર્ચસ્વ જમાવવાની કોશિશ કરી રહી છે. એક રીતે કહીએ તો એકહથ્થુ રીતે ડાબેરી વિચારસરણી ધરાવતા વિદ્યાર્થી નેતાઓના દબદબાને હવે એબીવીપી પડકારી રહી છે. વિચારધારાની લડાઈના કારણે હવે છાશવારે વિદ્યાર્થીઓ વચ્ચે સંઘર્ષના બનાવ બની રહ્યા છે. જેમાં રાજકીય પક્ષોની પડદા પાછળ સક્રિય ભૂમિકા છે.

સીએએ સામે સૌથી પહેલાં જ્યાં વિરોધ શરૃ થયો હતો તે જામિયા મિલિયા ઇસ્લામિયાની સ્થાપના ૧૯૨૦માં અલીગઢમાં શૈખુલ હિંદ મૌલાના મહેમૂદ હસન, મૌલાના મહંમદ અલી જોહર, જનાબ હકીમ અજમલ ખાન, ડૉ. મુખ્તાર અહેમદ અંસારી, અબ્દુલ મજીદ ખ્વાજા અને ડૉ. ઝાકિર હુસેનના પ્રયત્નોથી થઈ હતી. તે એક રાષ્ટ્રીય સંસ્થા તરીકે સ્થાપિત કરવામાં આવી હતી જેનો હેતુ તમામ સમુદાયોના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયના વિદ્યાર્થીઓને સ્વદેશી અને રાષ્ટ્રવાદી પ્રગતિશીલ શિક્ષણ આપવાનો હતો. જામિયાની સ્થાપનાને ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરે આ ભાવનાને જોઈને જ ટેકો આપ્યો હતો.

જામિયાના સંસ્થાપક પૈકીના એક એવા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીર હુસેને એકવાર કહ્યું હતું કે જામિયા મિલિયા ઇસ્લામિયાનું આંદોલન શિક્ષણ અને સાંસ્કૃતિક પુનઃજાગરણ માટે છે. આ ભારતીય મુસ્લિમો માટે તેઓ ઇસ્લામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તેવું અને ભારતીય રાષ્ટ્રીય સંસ્કૃતિનો વિકાસ કરી શકે તેવું વાતાવરણ બનાવશે. આ એક વિચારધારાનો પાયો નાખશે જેમાં સાચા ધાર્મિક શિક્ષણનો અર્થ ભારતીય મુસ્લિમોમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે. જેના આધારે અહીંથી ભણીને ગયેલા વિદ્યાર્થીઓ ભારતની પ્રગતિમાં ભાગ લેવામાં ગર્વ અનુભવશે.

જામિયા મિલિયા ઇસ્લામિયાની સ્થાપનાનો હેતુ ભારતીય મુસ્લિમો માટે ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને એક સામાન્ય અભ્યાસક્રમ બનાવવાનો હતો. જામિયા મિલિયા ઇસ્લામિયા વર્ષ ૨૦૨૦માં તેની સ્થાપનાના સો વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ યુનિવર્સિટીમાં ભણેલા અનેક લોકોએ આજે વિવિધ ક્ષેત્રમાં નામના મેળવી છે. ડૉ. ઝાકીર હુસેન સહિતના સ્થાપકોના આદર્શોને મહદ્અંશે જાળવી રાખનાર આ યુનિવર્સિટીનું વાતાવરણ પણ કમનસીબે છેલ્લાં કેટલાંક વર્ષોથી ડહોળાયું છે. કેટલાક કટ્ટરપંથી અને ડાબેરી વિચારધારા ધરાવતા તત્ત્વોએ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો દુરુપયોગ કરવાનું શરૃ કર્યું છે. સીએએનો વિરોધ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓએ કરેલી તોડફોડ અને આગચંપીના કારણે આ સંસ્થાની પ્રતિષ્ઠા ખરડાઈ છે. બીજી બાજુ પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જની પણ ટીકા થઈ છે.
——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »