વિઝા વિમર્શ : ઈબી-૫નો પર્યાય
એલ-૧ વિઝા મેળવવા માટે અમેરિકન કંપનીએ અમેરિકામાં પિટિશન દાખલ કરવાની રહે છે.
- વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ
‘ઈબી-૫ ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ મૉડર્નાઇઝેશન’ દ્વારા અમેરિકાની સરકારે ૨૧મી નવેમ્બર, ૨૦૧૯ના દિવસથી ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરવાની રકમમાં અધધધ વધારો કર્યો છે. આજે જે રિજનલ સેન્ટરો પછાત પ્રદેશમાં યા ટાર્ગેટેડ ઍમ્પ્લોયમૅન્ટ એરિયામાં કાર્ય કરી રહ્યાં છે એમાં પાંચ લાખ ડૉલરની રકમ ઇન્વેસ્ટ કરવાની રહે છે. મોટા શહેરમાં કાર્ય કરી રહેલાં રિજનલ સેન્ટરોમાં દસ લાખ ડૉલર ઇન્વેસ્ટ કરવાના રહે છે. એ રકમ ૨૧મી નવેમ્બર, ૨૦૧૯થી વધીને ૯ લાખ અને ૧૮ લાખ ડૉલરની કરવામાં આવી છે! આટલું જ નહીં, પણ ટાર્ગેટેડ ઍમ્પ્લોયમૅન્ટ એરિયા કોને કહેવાય એની વ્યાખ્યામાં પણ ફેરફાર કરાયો છે. આથી આજે જે રિજનલ સેન્ટરો ટાર્ગેટેડ ઍમ્પ્લોયમૅન્ટ એરિયામાં કામ કરી રહ્યાં છે એ એરિયા ટાર્ગેટેડ ઍમ્પ્લોયમૅન્ટ એરિયા નહીં રહે.
ઇન્વેસ્ટમૅન્ટની રકમના આ વધારા અને અન્ય ફેરફારોના કારણે પરદેશીઓ ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરતા અટકશે, પણ જેઓ અમેરિકામાં બિઝનેસ કરવા ઇચ્છતા હોય અને એ કારણસર ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરવા ઇચ્છતા હોય એમનું શું? એમને આ વધારાના કારણે એમના બિઝનેસ માટે જોઈતી રકમમાં ખોટ પડશે. આવા બિઝનેસમેનો માટે અમેરિકાના ‘ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ’ હેઠળ ઘડવામાં આવેલ આંતર કંપની ટ્રાન્સફરી મેનેજર, એક્ઝિક્યુટિવ અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટેના એલ-૧ વિઝા પર્યાયરૃપ સાબિત થશે.
જો તમે ભારતમાં બિઝનેસ કરી રહ્યા હોવ, એ બિઝનેસ સોલ પ્રોપ્રાઇટરી ફર્મ હોય, પાર્ટનરશિપ ફર્મ હોય, પ્રાઇવેટ યા પબ્લિક લિમિટેડ કંપની હોય, ટ્રસ્ટ હોય, કો-ઓપરેટિવ સોસાયટી હોય, ટૂંકમાં ભારતમાં કોઈ પણ રીતે બિઝનેસ કરતી સંસ્થા હોય એ જો એની સંસ્થાની અમેરિકામાં શાખા ખોલે, ત્યાંની કોઈ બિઝનેસ કરતી સંસ્થા જોડે પાર્ટનરશિપમાં જોડાય કે પછી પોતાની સ્વતંત્ર માલિકીની કંપની સ્થાપે તો એ અમેરિકન કંપની જે ભારતીય કંપની જોડે જોડાયેલી હોય, એ ભારતીય કંપનીમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ઓછામાં ઓછું એક વર્ષ, જે વ્યક્તિએ ફુલટાઇમ મેનેજર, એક્ઝિક્યુટિવ યા ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે કામ કર્યું હોય એને પોતાને ત્યાં કામ કરવા એલ-૧ વિઝા ઉપર આમંત્રી શકે છે. મેનેજરો અને એક્ઝિક્યુટિવોને એલ-૧(એ) વિઝા આપવામાં આવે છે. તેઓ ત્યાં સાત વર્ષ સુધી રહીને કામ કરી શકે છે. ખાસ જાણકારીવાળી વ્યક્તિઓને એલ-૧(બી) વિઝા આપવામાં આવે છે. તેઓ ત્યાં પાંચ વર્ષ સુધી રહીને કામ કરી શકે છે. શરૃઆતમાં એલ-૧ વિઝા એક વર્ષની મુદતના આપવામાં આવે છે. ત્યાર બાદ અરજી કરતા એની મુદત બબ્બે વર્ષની વધારી આપવામાં આવે છે. એલ-૧ વિઝાધારકોની સાથે એમની પત્ની યા પતિ અને ૨૧ વર્ષથી ઓછી વયના અવિવાહિત સંતાનોને પણ ડિપેન્ડન્ટ એલ-૨ વિઝા મળી શકે છે. તેઓ ત્યાં કામ કરી શકે છે અને ઇચ્છે તો ભણી પણ શકે છે.
એલ-૧ વિઝા મેળવવા માટે અમેરિકન કંપનીએ અમેરિકામાં પિટિશન દાખલ કરવાની રહે છે. એને પ્રોસેસ થઈને એપ્રુવ થતાં ૬-૧૨ મહિના લાગે છે. જો પ્રિમિયમ પ્રોસેસિંગ ફી ભરવામાં આવે તો જવાબ પંદર દિવસમાં આપવામાં આવે છે. ત્યાર બાદ જે ભારતીય વ્યક્તિના લાભ માટે એ દાખલ કરવામાં આવ્યું હોય એણે અરજી કરીને પોતાની લાયકાત દેખાડીને એલ-૧ વિઝા મેળવવાના રહે છે.
ભારતની કંપનીની અમેરિકામાં જે શાખા ખોલવામાં આવે છે એમાં ઓછામાં ઓછું અમુક ડૉલરનું રોકાણ કરવું જ જોઈએ એવી કોઈ શર્ત નથી. ભારતમાં જે બિઝનેસ કરી રહ્યા હોય એ જ બિઝનેસ અમેરિકામાં કરવો જોઈએ એવું પણ બંધન નથી. એલ-૧ વિઝાધારકોને ભારતમાં પણ પગાર આપી શકાય છે. એચ-૧બી વિઝા ઉપર કામ કરનારા પરદેશીઓની માફક એલ-૧ વિઝા ઉપર કામ કરનારા પરદેશીઓને અમેરિકાના ધારાધોરણ મુજબનો જ પગાર આપવો જોઈએ એવો પણ કોઈ નિયમ નથી.
એલ-૧ વિઝા ઉપર આમંત્રવામાં આવેલ પરદેશી મેનેજર, એક્ઝિક્યુટિવ યા ખાસ જાણકારીવાળી વ્યક્તિ માટે જો અમેરિકન કંપની ઇચ્છે તો ગ્રીનકાર્ડનું પિટિશન પણ દાખલ કરી શકે છે.
આમ જે ભારતીયો અમેરિકામાં કાયમ રહેવા માટે નહીં, પણ બિઝનેસ કરવા માટે જવા ઇચ્છતા હોય એમના માટે ઇબી-૫નો પર્યાય એલ-૧ વિઝા છે. જો અમેરિકામાં કાયમ રહેવું હોય તો પણ એકવાર એલ-૧ વિઝા મેળવ્યા બાદ અમેરિકન કંપની એમના માટે ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. ભારતીય બિઝનેસમેનોએ આથી ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ રોકાણની રકમમાં જે ધરખમ વધારો થયો છે એનાથી નિરાશ થવાની મુદ્દલ જરૃર નથી. ઈબી-૫નો સહેલો અને સરળ પર્યાય એલ-૧ વિઝા છે.
—————————–