તમારા માટે, તમારી સાથે, સતત…

મેડ ઇન ઇન્ડિયાનાં મકાનોમાં મેડ ઇન ચીનના ફર્નિચરની માગ

ચીનના ફોશાન શહેરમાં ફર્નિચરના વિશાળકાય મૉલ આવેલા છે

0 280
  • વાયા ચીન – હરીશ ગુર્જર

ચલે ચાંદ તક નહીં તો શામ તક‘… ૮-૧૦ વર્ષ પહેલાં ભારતમાં સસ્તા ચીનના ફોન આવ્યા ત્યારે તેમના માટે આ કહેવત બની હતી, ત્યાર બાદ ભારતના ઇલેક્ટ્રોનિક માર્કેટમાં ચીને પગપેસારો કર્યો અને ડેકોરેટિવ લાઇટ્સમાં મેદાન માર્યું. હવે ચીનથી ભારતનાં મકાનો અને દુકાનો માટે ફર્નિચર આવી રહ્યું છે. માત્ર શહેરો જ નહીં, ગામડાંઓ સુધી ચીનનું ફર્નિચર પહોંચ્યું છે.

સ્માર્ટ ફોનનો જમાનો આવ્યા બાદ આપણને ચીનમાં બનેલાં ઉત્પાદનોનો સીધો પરિચય થયો. કિંમતમાં સસ્તા પણ તકલાદી ફોન એટલે ચીનના ફોન. જોકે તે પહેલાં પણ મોટા ઇન્ડસ્ટ્રિયલ મશીનો સહિત નાની-મોટી વસ્તુઓની ચીનથી આયાત થતી હતી, પરંતુ મોબાઇલ ફોનથી ચીનનો પરિચય વધ્યો. વારે તહેવારે આપણે ભલે ચીનની વસ્તુઓની ખરીદીનો બહિષ્કાર કરતા વૉટ્સઍપ મેસેજ વાયરલ કરતાં હોઈએ, પરંતુ આપણે એ ભૂલી જતાં હોઈએ છીએ કે, જે મોબાઇલ ફોનથી આપણે મેસેજ કરી રહ્યા છીએ એ પણ ચીનમાં જ બન્યો છે. એવું પણ કહેવાય છે કે, ટાંકણીથી માંડીને પ્રિન્ટિંગનાં કદાવર મશીનો – બધું જ હાલ ચીનથી ભારતમાં આવી રહ્યું છે. એટલે સુધી કે ઘરનું ફર્નિચર પણ. આ વાત બિલકુલ સાચી છે અને ઘણાએ આ વાત સાંભળી પણ હશે.

સુરત જિલ્લામાં આવેલાં ગામોમાં હવે શહેરી વિસ્તારોને ટક્કર મારે તેવા આલીશાન મકાનો બની રહ્યાં છે. ખેતીની સારી આવક અને એનઆરઆઈની વસ્તી ધરાવતાં આ ગામો હવે ગામ ઓછાં અને નાનાં શહેરો વધુ લાગી રહ્યાં છે. સુંદર એલિવેશન (બહારનો દેખાવ) ધરાવતાં આ ગામોમાં રાચરચીલું પણ આધુનિક સમયને અનુરૃપ ખરીદવામાં આવી રહ્યું છે. બારડોલી તાલુકાના આવા જ એક ગામના ખેડૂત હેમંત પટેલના મકાનનું બાંધકામ પૂર્ણ થયું છે અને તેઓ ફર્નિચરની ખરીદી માટે ચીન પહોંચ્યા છે. હેમંતે ઘર બાંધવાની શરૃઆત કરી ત્યારથી જ ચીનથી ફર્નિચર લાવવાનું મન બનાવી લીધું હતું અને હાલમાં તેઓ પોતાના આર્કિટેક્ટને સાથે લઈ ચીન ઊપડ્યા છે.

ચીન જતાં પહેલાં હેમંત સાથે થયેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હું મારા મિત્રોના ઘરના ફર્નિચરની ખરીદી માટે અગાઉ ૨-૩ વખત ચીન જઈ આવ્યો છું અને તેથી જ મેં નક્કી કર્યું હતું કે, મારા ઘરની ખરીદી પણ ચીનથી જ કરીશ. અત્યાર સુધી હું મિત્રો સાથે માત્ર ફર્નિચરની ખરીદી જ કરવા આવ્યો હતો, પરંતુ મારા ઘર માટે હું ચીનથી મકાનના તમામ બારી બારણા, ૩ બેડરૃમમાં બેડ અને વૉર્ડરોબ સહિત ટૉઇલેટ-બાથરૃમની એસેસરિઝ પણ ચીનથી જ ખરીદવાનો છું. કિચન અને ડાઇનિંગ ટેબલ ઉપરાંત લિવિંગ રૃમ માટે સોફા અને ડેકોરેટિવ લાઇટ્સ માટે તો અગાઉની મુલાકાત વખતે જ કેટલીક ડિઝાઇન ફાઇનલ કરી રાખી છે.’

બારડોલીના ખેડૂત હેમંતનું માનવું છે કે, આપણે ત્યાંના ફર્નિચરની દુકાનો કરતાં ચીનમાં પસંદગી માટે અસંખ્ય વિકલ્પો મળે છે અને પૈસા પણ ઓછા ખર્ચવા પડે છે. હેમંતની જેમ જ સુરતના જાણીતા બિલ્ડર ગ્રૂપના પાર્ટનર ધીરુભાઈ ગાંગાણીએ પણ પોતાના આલીશાન ફ્લેટ્સ માટે ચીન પર પસંદગી ઉતારી છે. ધીરુભાઈ પણ હેમંત પટેલની જેમ જ પોતાની ટેક્સ્ટાઇલ માર્કેટ્સના બાંધકામ બાદ સજાવટની વસ્તુઓની ખરીદી માટે અગાઉ ચીન જઈ આવ્યા હતા અને ત્યારથી જ પોતાના ફ્લેટ માટે પણ ફર્નિચર ખરીદવાનું આયોજન કરી આવ્યા હતા.

બે મહિના પહેલાં જ ચીનનું ફર્નિચર તેમના ઘરે પહોંચ્યું અને ત્યાર બાદ આર્કિટેક્ટે કરેલી યોગ્ય સજાવટે ફ્લેટને ચાર ચાંદ લગાવી દીધા છે.

Related Posts
1 of 319

ધીરુભાઈ ગાંગાણીએ પોતાનો અનુભવ જણાવતાં કહ્યું કે, ‘મારા ઘરના મુખ્ય દ્વારથી લઈને લિવિંગ રૃમ – બેડરૃમ – કિચન અને ટૉઇલેટ બાથરૃમ સુધી દરેક જગ્યાએ ફર્નિચર અને સજાવટની વસ્તુઓની ખરીદી ચીનથી કરી છે. મારા માટે આ પહેલો અનુભવ નથી, અગાઉ ટેક્સ્ટાઇલ માર્કેટ્સના એલિવેશનના સામાન, ડેકોરેટિવ લાઇટ્સ, સીસીટીવી કેમેરા અને બાથરૃમ ફિટિંગ્સ સહિત ઘણી ખરીદીઓ કરી છે. આ દરેક વસ્તુ અમને ભારતના બજાર કરતાં સસ્તી અને સારી ક્વૉલિટીની મળી છે, અગાઉ ખરીદવામાં આવેલી દરેક વસ્તુ ટકાઉ પણ સાબિત થઈ છે. માટે આ વખતે ઘર માટે પણ ચીન પર પસંદગી ઉતારી હતી. મારા આર્કિટેક્ટ સાથે હું અને મારો દીકરો પરીન પાંચ દિવસની ટૂર પ્લાન કરીને ચીન ગયા હતા. સુરતમાં જ રહેતાં મારા પરિચિત ચીનના ફર્નિચરના એક્સપોર્ટર પણ અમારી સાથે આવ્યા હતા. તેઓ ફર્નિચરની કુલ ખરીદીના પાંચ ટકા કમિશન લે છે.

‘એજન્ટને સાથે રાખવાથી બજારમાં આવેલી નવી પ્રોડક્ટ અને તેના વિકલ્પો જોવા મળે છે. ચીનમાં તમે જોતા થાકી જાવ એટલા વિકલ્પ મળે છે. ફર્નિચરના એક મૉલમાં ૧ હજારથી વધુ બેડરૃમ તૈયાર કરીને મૂક્યા છે. તેમાંથી આપણને જે પસંદ પડે એ વસ્તુ ખરીદી શકાય છે. નાના ફ્લાવર પોટથી માંડીને વૉલપેપર અને પેઇન્ટિંગ્સ એકથી એક ચઢિયાતા જોવા મળે છે. આ ઓપ્શન ભારતમાં મળતો નથી. ચીનના જતાં પહેલાં મેં મારી પસંદગીના ફર્નિચરનું સુરતમાં બજેટ કઢાવ્યું હતું. જેની સરખામણીમાં મને ચીનમાં ૩૫ ટકા સસ્તંુ પડ્યું અને અહીંના ફર્નિચરની સરખામણીમાં લેટેસ્ટ ટ્રેન્ડ અને ડિઝાઇનનું ફર્નિચર મને મળ્યું છે.’

ચીનથી ફર્નિચરની ખરીદી કરનારા બે અનુભવી વ્યક્તિઓને મળ્યા બાદ જાણવા મળ્યું કે, ચીનમાં ત્રણ ક્વૉલિટીના ફર્નિચર મળે છે. લોઅર-મિડિયમ અને પ્રિમિયમ ક્વૉલિટી. સસ્તું ખરીદવાની લાયમાં અથવા પૂરતી માહિતી ન હોવાથી ઘણા લોકો હલકી કક્ષાનું ફર્નિચર ખરીદી લાવે છે, જે ૨-૩ વર્ષમાં ખરાબ થઈ જાય છે. ચીનના ફોશાન શહેરમાં ફર્નિચરના વિશાળકાય મૉલ આવેલા છે. ૨-૩ કિલોમીટર લાંબા અને ૩-૪ માળના આ મૉલમાં તમે જોતાં થાકી જાવ એટલી વિવિધતાઓ મળી રહે છે. જોકે બંને અનુભવીઓએ એજન્ટને સાથે રાખીને જ ખરીદી કરવાની સલાહ આપતાં સુરતના ચીનના ફર્નિચરના એક્સપોર્ટર અને એજન્ટ જતીન દાવરનો સંપર્ક કરતાં તેમણે આપેલી માહિતી ફર્નિચરની ખરીદી કરવા ઇચ્છતા ગુજરાતીને કામ લાગે તેવી છે. જતીનભાઈનું કહેવું છે કે, ચીન જવા માગતા દરેક વ્યક્તિએ પહેલાં એ મગજમાં નક્કી કરી લેવું જોઈએ કે તે સસ્તંુ નહીં, સારું ખરીદવા જઈ રહ્યો છે. ભારત આવ્યા બાદ તેને આપોઆપ સમજાશે કે તે કેટલું સસ્તું લઈને આવ્યો છે.

વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, ‘વિશ્વમાં સૌથી હાઈ રેન્જ અને ક્વૉલિટી ફર્નિચરમાં ઇટલી આજે પણ નંબર ૧ છે. એ રેન્જની ખરીદી કરવી દરેક માટે શક્ય હોતી નથી, પરંતુ હવે ચીન ઇટલીના ફર્નિચરને ટક્કર આપી રહ્યું છે. ચીનના પ્રિમિયમ ફર્નિચર ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે આપણા ઘર સુધી પહોંચી ગયા છે. સુરતના ઘણા ફર્નિચરના સ્ટોર્સમાં ચીનનું ફર્નિચર વેચાય છે, જેને એ લોકો પોતે બનાવેલું ફર્નિચર ગણાવે છે. ચીનનાં ફર્નિચર ખરીદવા દેશના કોઈ પણ ખૂણેથી ચીનના ગોન્ઝાવ ઍરપોર્ટ પહોંચવાનું રહે છે. ત્યાંથી ફોશાન શહેરના લચુંગમાં ફર્નિચર માટેના વિશાળ મૉલ્સ આવેલા છે. આ વિસ્તારમાં બેથી ૧૦ હજાર રૃપિયા સુધીની હોટેલ્સ અને ગુજરાતી તેમજ ભારતીય જમણ પીરસતી ૮ રેસ્ટોરાં પણ આવેલી છે. લાઇટ્સ ખરીદવા માટે ત્યાંથી ૩ કલાકના રસ્તે ગુજન લાઇટ સિટી આવેલું છે. તો સિરામિક માટે ચીનમાં આખું સિરામિક સિટી વિકસાવવામાં આવ્યું છે.

‘ચીનમાં પહોંચીને તમે એજન્ટ પસંદ કરશો તો છેતરાવાનો ભય રહેલો છે, કારણ કે એ તમને સસ્તું અપાવશે, સારું નહીં. જ્યારે તમારા ઓળખીતાના રેફરન્સથી પસંદ કરેલો ભારતીય એજન્ટ તમને સારું, ટકાઉ અને સસ્તંુ અપાવશે. અમે મિડિયેટરની ભૂમિકા ભજવીએ છીએ, ગ્રાહકને દુકાન સુધી લઈ જઈએ છીએ અને તેની પસંદગી માટેના વિકલ્પો બતાવીએ છીએ.

‘ગ્રાહકને ભાવતાલ કરવાની પૂરેપૂરી છૂટ આપવામાં આવે છે. માત્ર ઘરનું જ નહીં, હું ૪ વર્ષમાં સુરતની ઘણી શાળાઓની બેન્ચ અને બ્લેકબોર્ડથી માંડીને તમામ રમત-ગમતનાં સાધનો પણ ચીનથી લાવ્યો છું. ત્યાં ‘એ’ ગ્રેડથી લઈનેે ‘ઈ’ ગ્રેડ સુધીના ફર્નિચર મળે છે. પસંદગી તમારે કરવાની હોય છે. ૧૨ હજારથી લઈને ૧ લાખ સુધીના બેડ મળે છે. ફર્નિચર ઉપરાંંત કારપેટ, મસાજ ચૅર, સિક્યૉરિટી લૉક્સની વિશાળ રેન્જ ત્યાં અવેલેબલ હોય છે. સુરતમાં ૧૦થી ૧૨ લાખમાં બનતું આધુનિક કિચન ત્યાં ૬થી ૭ લાખમાં મળી રહે છે. ચાઇના એટલે તકલાદી, એવું નથી. તમારી પસંદ કેવી છે તેના પર ફર્નિચરનું ટકાઉપણુ નક્કી થાય છે.’

લિવિંગ રૃમના સોફાથી લઈને બેડરૃમના તમામ સામાન સહિત બારી-બારણા માટે બારડોલીના હેમંત પટેલે ૨૦ લાખનું બજેટ નક્કી કર્યું છે. ૧૫થી ૨૦ લાખના ફર્નિચરની ખરીદી કરનાર માટે ચીન સારો વિકલ્પ છે, કારણ કે તો જ તેને આવવા જવાનો અને રહેવાનો ૨-૩ વ્યક્તિઓનો ખર્ચ પોસાય. ચીનમાં વસ્તુ પસંદ પડ્યા બાદ ઓછું એડવાન્સ ચૂકવવાની સલાહ એજન્ટ જતીનભાઈ આપે છે, જ્યારે તમારો માલ પોર્ટ પર પહોંચે ત્યારે અથવા ફેક્ટરીમાંથી નિકળે ત્યારે જ પૂરું પેમેન્ટ ઇન્ડિયાથી કરવું હિતાવહ છે.

——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »