તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છ પ્રાન્તે સંસ્કૃત પ્રેમીજનાઃ વર્ધન્તે

સંસ્કૃત ભાષા ભારતની સંસ્કૃતિ, ધર્મ અને આધ્યાત્મ સાથે જોડાયેલી છે.

0 243
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

બહુ ઓછા લોકો જેને જાણે છે તે સંસ્કૃત ભાષા પ્રત્યે કચ્છમાં પ્રેમ વધી રહ્યો છે. ભલે ધીરે ધીરે પણ ચોક્કસ રીતે સંસ્કૃત બોલવાવાળા લોકોની સંખ્યા વધી રહી છે. કચ્છ યુનિવર્સિટી ઉપરાંત સંસ્કૃત ભારતી, સોમનાથ યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત સંભાષણના વર્ગો ચલાવાય છે. નાનાં બાળકોથી માંડીને વયોવૃદ્ધો પણ તેમાં જોડાય છે.

સંસ્કૃત ભાષા ભારતની સંસ્કૃતિ, ધર્મ અને આધ્યાત્મ સાથે જોડાયેલી છે. આ ભાષા માત્ર સાહિત્યની છે. તેની ઉપયોગિતા આજના જમાનામાં ખૂબ ઓછી છે. હવેનો જમાનો અંગ્રેજી આધારિત જ્ઞાનનો છે. સંસ્કૃત ભૂતકાળની ભાષા છે વગેરે માન્યતા જનસામાન્યના મનમાં ઘર કરી ગઈ છે, પરંતુ હકીકત તેનાથી વેગળી છે. વિશ્વમાં જે કંઈ છે તે બધું જ સંસ્કૃતમાં છે એવું મનાય છે. કોમ્પ્યુટર માટે સંસ્કૃત તદ્દન સુગમ ભાષા હોવાનું પણ તજજ્ઞો કહે છે. જોકે આજે આ ભાષા વિસરાઈ ગઈ છે, માત્ર વિદ્વાનોની ભાષા બની ગઈ છે. તેની આ છાપ દૂર કરીને ફરી સામાન્ય લોકો તેને સમજવા, બોલવા, વાંચવા અને લખવા લાગે તે માટે દેશ આખામાં પ્રયત્નો થઈ રહ્યા છે. તેના ભાગરૃપે જ કચ્છમાં પણ આવા પ્રયાસો કરાઈ રહ્યા છે. ગુજરાતી- કચ્છી બોલતા કચ્છના લોકો સંસ્કૃતમાં રસ ધરાવતા થયા છે. સંભાષણ વર્ગોમાં નાના-મોટા સૌ આવે છે, સંસ્કૃત બોલનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તો આખું કુટુંબ જ સંસ્કૃત બોલતું હોય તેવા પરિવારો પણ કચ્છમાં છે, પરંતુ આ સંખ્યા ખૂબ ઓછી છે, તે વધારવા માટે હજુ વધુ પ્રયત્નોની જરૃર છે.

સદીઓ પહેલાં સંસ્કૃત સાહિત્યની ભાષા હતી. તેમાં લખાયેલું સાહિત્ય આજે પણ એટલું જ અર્થસભર છે, પરંતુ સંસ્કૃત માત્ર એક ભાષા જ નથી. તે જાણે કે ભારતનો આત્મા હતી અને છે. તે ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચેના પુલ સમાન છે. તે માત્ર સંસ્કૃતિ, ધર્મ અને આધ્યાત્મની ભાષા નથી. આ ભાષાના સાહિત્યમાં જીવનનાં તમામ પાસાંઓનું જ્ઞાન છે. તેમાં ગણિત, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મૅનેજમૅન્ટ, રાજકારણ, ટૅક્નોલોજી, ખગોળશાસ્ત્ર, સ્થાપત્યશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, ધાતુવિજ્ઞાન, કૃષિવિજ્ઞાન વગેરેનું વિપુલ જ્ઞાન છે. જો આજની પેઢી તેનાથી વાકેફ થશે તો તેને કલ્પનાતીત ફાયદો થવાની શક્યતા નિષ્ણાતો જોઈ રહ્યા છે.

આટલી સમૃદ્ધ ભાષા હોવા છતાં આજે મહદ્અંશે લોકો તેને ભૂલી ગયા છે. માત્ર કર્મકાંડ પૂરતી આ ભાષા સીમિત રહી ગઈ છે. બહુ થોડા લોકો તે સમજી, બોલી, વાંચી અને લખી શકે છે. ભારતના આ અમૂલ્ય વારસાનું મહત્ત્વ વિદેશીઓ સમજ્યા છે. આપણા અનેક ગ્રંથો પગ કરી ગયા છે. તેઓ તેને ઉકેલી, સમજી અને ભાષાંતરિત કરીને, તેમાં સંશોધન કરીને પોતાની વિદ્યા તરીકે તેને વિશ્વ સમક્ષ મુકી રહ્યા છે ત્યારે ભારતીયોએ સંસ્કૃતનું મહત્ત્વ સમજવું જોઈએ. તેને બોલચાલની ભાષા બનાવવી જોઈએ. જનમાનસમાં સંસ્કૃત દૃઢ થાય તો સંસ્કૃતિ પણ દૃઢ બની શકે. ભારતમાં સંસ્કૃત બોલવાવાળા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે, પરંતુ વિશ્વના ૧૭ જેટલા દેશોમાં આ ભાષા બોલાય છે. રશિયા, અમેરિકા, ચીન, જર્મની જેવા દેશોની અનેક યુનિવર્સિટીઓમાં તે ભણાવાય છે.

ભારતમાં ધીરે-ધીરે સંસ્કૃતને ફરી લોકભોગ્ય બનાવવા પ્રયત્ન થઈ રહ્યા છે. જેના અનુસંધાનમાં કચ્છમાં પણ સંસ્કૃત સંભાષણના વર્ગો શરૃ થયા છે. બહુ થોડા વિદ્યાર્થીઓ તેને મળે છે. છતાં એક સુખદ શરૃઆત થઈ છે. થોડા લોકો સંસ્કૃત બોલવા લાગ્યા છે. અમુક આખા પરિવારો સંસ્કૃતમાં રોજબરોજની વાતચીત કરે છે. સારી શરૃઆત હોવા છતાં તેનો વ્યાપ વધારવા હજુ વધુ પ્રયાસોની જરૃર છે.

કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના વડા ડૉ. કશ્યપ ત્રિવેદીના જણાવ્યા મુજબ, ‘કચ્છમાં સંસ્કૃત પ્રત્યેનો લોકોનો રસ વધી રહ્યો છે. મુખ્ય વિષય સંસ્કૃત રાખીને બી.એ. કરવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. ગયા વર્ષે એફ.વાય. બી.એ.માં ૬૦થી વધુ વિદ્યાર્થીઓ હતા જ્યારે આ વર્ષે ૯૦થી વધુ વિદ્યાર્થીઓએ ઍડ્મિશન લીધું છે. જોકે હજુ એમ.એ.માં વધુ વિદ્યાર્થીઓ થતાં નથી, પરંતુ બે-ત્રણ વર્ષ પછી બી.એ.ના વિદ્યાર્થીઓ બહાર પડ્યા પછી એમ.એ.માં સંખ્યા વધવાની પૂરી શક્યતા છે. આમ છતાં અત્યાર સુધીમાં કચ્છ યુનિવર્સિટીમાંથી ૧૦ લોકોએ સંસ્કૃતમાં પીએચ.ડી. પૂર્ણ કર્યું છે જ્યારે બીજા ૧૧ વ્યક્તિઓ પીએચ.ડી. કરી રહ્યા છે. અમે સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચલાવીએ છીએ. ભુજ ઉપરાંત બિદડા, આદિપુરમાં પણ આવા વર્ગો ચાલે છે. તેમાં ધો. પાંચ પાસ કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ વર્ગમાં જોડાઈ શકે છે. દર શનિવાર-રવિવારે આ ત્રણે જગ્યાએ ચાલતા વર્ગોમાં અંદાજે ૧૦૦ વિદ્યાર્થીઓ આવે છે. જેમાં ધો.૬-૭માં સંસ્કૃત વિષય ભણતા વિદ્યાર્થીઓથી માંડીને ૫૦-૫૨ વર્ષના એન્જિનિયર, બેન્કર તથા ૭૫-૮૦ વર્ષના વૃદ્ધો પણ આવે છે. જોકે વધુ સંખ્યા ૨૫થી ૫૦ વર્ષના જૂથની હોય છે. અમુક લોકો અનુવાદિત ધર્મગ્રંથો મૂળ સંસ્કૃતમાં વાંચવાનું શીખવા તો અમુક લોકો સંસ્કૃત સાહિત્ય- નાટક, ગદ્ય, પદ્ય વાંચવાનું શીખવા આવે છે. ઉનાળુ વૅકેશન દરમિયાન નિવાસી વર્ગો પણ યોજાય છે. જેમાં શિબિરાર્થીને ચોવીસે કલાક સંસ્કૃતનું જ વાતાવરણ મળતું હોવાથી તે બહુ ઝડપથી સંસ્કૃત શીખી શકે છે.’

‘સંસ્કૃત ભારતી’ સંસ્થા પણ સંસ્કૃતના પુનરુત્થાન માટે પ્રયત્નશીલ છે. સંભાષણ વર્ગો આ સંસ્થાના માધ્યમથી ચલાવાય છે. સંસ્કાર ભારતીના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રકાશન પ્રમુખ ડૉ. પંકજ ઠાકર જણાવે છે કે, ‘અમારી સંસ્થા સંસ્કૃત દૈનિક વ્યવહારની ભાષા બને તે માટેનું અભિયાન ચલાવે છે. આજે સંસ્કૃત ભાષા ભારતભરમાં એકાદ કરોડ લોકો બોલી શકે છે. જ્યારે કચ્છમાં ૭૦થી વધુ લોકો અસ્ખલિત રીતે બોલી શકે છે. જ્યારે ૧૦૦૦થી વધુ લોકો શીખી રહ્યા છે. કચ્છના ત્રણેક કુટુંબો પોતાનો દૈનિક વ્યવહાર સંપૂર્ણપણે સંસ્કૃતમાં જ ચલાવે છે. અંજાર, ગાંધીધામ, ભચાઉ વગેરે શહેરોમાં પણ સંસ્કૃત સંભાષણ શિખવવા માટે શિબિરો યોજાય છે. તો સુખપર અને સામખિયાળીમાં સંસ્કૃત પાઠશાળા ચાલે છે જેમાં અંદાજે ૧૦૦- ૧૦૦ વિદ્યાર્થીઓ સંસ્કૃત માધ્યમમાં શિક્ષણ મેળવે છે અને બોર્ડની પરીક્ષાઓ પણ સંસ્કૃતમાં જ આપે છે. સામખિયાળી ગુરુકુળમાં તો કૉલેજ સુધીનું શિક્ષણ સંસ્કૃતમાં આપવામાં આવે છે. આ ગુરુકુળ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે.’

Related Posts
1 of 319

જેનો આખો પરિવાર સંસ્કૃત બોલે છે તેવા અમિત ગોર જણાવે છે, ‘મારા ઘરે હું, મારી પત્ની મિત્તલ, મારી પાંચ વર્ષની પુત્રી યશશ્રી સંપૂર્ણપણે સંસ્કૃતમાં જ સંભાષણ કરીએ છીએ. જ્યારે મારાં માતા-પિતા જરૃર પૂરતું સમજી અને બોલી શકે છે. મેં બી.એ., બી.એડ. અને એમ.ફિલ.માં સંસ્કૃત રાખ્યું હતું. જ્યારે મારી પત્ની પણ સંસ્કૃત મુખ્ય વિષય રાખીને ભણી છે. અત્યારે તે અર્વાચીન સંસ્કૃત બાળસાહિત્ય વિષય પર પીએચ. ડી. કરી રહી છે. અમે બંને તો અમારી રોજની વાતચીત સંસ્કૃતમાં જ કરતા હતા. તે સાંભળીને મોટી થતી મારી પુત્રી તો સંસ્કૃતમાં જ બોલતા શીખી છે. જ્યારે પૌત્રીના કારણે તેનાં દાદા-દાદી એટલે મારાં માતા-પિતા તેની સાથે વાતચીત કરી શકાય તે માટે સંસ્કૃત શિખ્યા છે.’

આજના અંગ્રેજીના જમાનામાં સંસ્કૃત શિખવાના ફાયદા ગણાવતા અમિત કહે છે, ‘સંસ્કૃતમાં ખોડા શબ્દ વધુ હોય છે. જેમ કે મ્. ઉપરાંત વિસર્ગવાળા શબ્દો પણ ઘણા છે દા.ત. જનાઃ. આવા શબ્દોના સતત ઉચ્ચારથી ગળા, ફેફસાં અને ઉદરનો સતત ઉપયોગ થતો હોવાથી કપાલભારતી જેવો યોગ અનાયાસ થઈ જાય છે. તેનો ફાયદો આરોગ્યમાં જણાય છે. અનેક રોગો થતાં અટકે છે. ઉપરાંત સંસ્કૃતના વિવિધ ગ્રંથોના વાંચનથી જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય છે. નૈતિકતા વધે છે.

સંસ્કૃત લખવાથી હાથ અને કાંડા પર સારી અસર થાય છે. વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોના કે સ્થાપત્ય કે અન્ય કોઈ વિષયના ગ્રંથો વાંચવાથી જે-તે ક્ષેત્રની વ્યક્તિને વધુ જ્ઞાન મળે છે અને તેના વ્યવસાયમાં ફાયદો થઈ શકે છે. કર્મકાંડ, યોગ, જ્યોતિષ વગેરે પણ સંસ્કૃતની આડપેદાશ જેવા ક્ષેત્રો છે. જેમાંથી આજે વ્યક્તિ સારી રોજગારી મેળવી શકે છે.’

પહેલાંનાં વર્ષોમાં સંસ્કૃત માત્ર ગોખણપટ્ટીનો વિષય હતો. જ્યારે આજે સંસ્કૃત ભાષાને બોલચાલની ભાષાની જેમ જ પ્રયોગથી સમજાવાય છે. આ ચશ્મા છે, તે વાક્ય સંસ્કૃતમાં ચશ્માને બતાવીને બોલતા શીખવાડાય છે. જેના કારણે વિદ્યાર્થી દસેક દિવસમાં તો સાદું, રોજબરોજનું સંસ્કૃત સમજતા અને બોલતા શીખી જાય છે. જો વ્યક્તિ બોલતા શીખે, તેને વધુ રસ જાગે તો તે વધુ વાંચવા પ્રેરાશે, ત્યારે તેને પાણિનિના વ્યાકરણનાં સૂત્રો શીખવા પડશે, પરંતુ ત્યાં સુધીમાં સંસ્કૃતમાં રસ ઉત્પન્ન થયો હોવાથી તે શીખવું અઘરું લાગતું નથી તેમ તજજ્ઞો જણાવે છે.

સંસ્કૃતની હસ્તપ્રતોને ઉકેલીને તેનો અભ્યાસ કરીને તેને અત્યારની લિપિમાં લખીને તેનું સંપાદન કરવાનું પણ ભગીરથ કાર્ય છે. આ કાર્ય જર્મનીમાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. ગુજરાત સહિત ભારતમાં પણ આ કાર્ય અત્યારે મોટા પાયે થાય છે. તેથી સંસ્કૃત જાણનાર વ્યક્તિ આ કાર્ય કરીને પણ સારામાં સારો રોજગાર મેળવી શકે છે. શાલીહોત્ર અશ્વશાસ્ત્ર જેવા સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કરીને વ્યક્તિ રોજગાર મેળવી શકે છે. કચ્છ યુનિવર્સિટીમાં અશ્વશાસ્ત્ર વિષય પર પીએચ.ડી. કરનારા વિદ્યાર્થીને ઘોડા પાળનારા તેમના ઘોડાની સારવાર, સારસંભાળ, સારા ઉછેર અને કેળવણી માટે તેને બોલાવે છે. તે વિદ્યાર્થી પ્રાચીન ગ્રંથ મુજબ ઘોડાની સારવાર કરીને તેને સાજો પણ કરે છે. આમ સંસ્કૃત આજના આધુનિક જમાનામાં સહેલાઈથી વ્યક્તિને પગભર કરી શકે છે.

કોમ્પ્યુટર માટે સંસ્કૃત ભાષા સરળ- સુગમ છે. સંસ્કૃતના વ્યાકરણની મદદથી સુપરથી પણ સુપર એવા કોમ્પ્યુટરનું નિર્માણ શક્ય છે. આઇ.આઇ.ટી., મુંબઈ, હૈદરાબાદની ભાષાપ્રયોગશાળામાં ટૅક્નોલોજી અને સંસ્કૃત તથા કોમ્પ્યુટરમાં સંસ્કૃત અંગે સંશોધનો કરાય છે.
——-.

સંસ્કૃત મૃતપ્રાય ભાષા નથી
સંસ્કૃત મૃત કે મૃતપ્રાય ભાષા ન હોવાનું ભારપૂર્વક કહેતા સંસ્કાર ભારતીના ડૉ. પંકજ કહે છે, ‘જે ભાષા વ્યવહારમાંથી તદ્દન નામશેષ થઈ હોય, જેની નવસર્જનની ક્ષમતા ન હોય તેવી ભાષાને મૃત ભાષા કહેવામાં આવે છે, પરંતુ આજે પણ સંસ્કૃત અનેક લોકો બોલે છે. તેનામાં સર્જન થઈ રહ્યું છે. વર્તમાન સમય મુજબની નવી-નવી શોધ માટે સંસ્કૃત ભાષામાં નવા શબ્દોનું સર્જન પણ સમયાંતરે થાય છે. આથી તેને મૃત ભાષા કહી જ ન શકાય. ૧૯મી સદીમાં સામાન્ય લોકો જેનાથી માહિતગાર થયા તે કોમ્પ્યુટર માટે સંગણકમ્ અને મોબાઇલ માટે ચલદૂરભાષ જેવા શબ્દોનું હાલમાં જ સંસ્કૃત ભાષામાં સર્જન થયું છે. સદીઓ પૂર્વે જ્યારે પાલી અને પ્રાકૃત ભાષાનું પ્રભુત્વ હતું ત્યારે પણ સંસ્કૃત અસ્તિત્વમાં હતી અને તે સમયે પણ તેમાં વિપુલ સર્જન થતું હતું. દસમી- અગિયારમી સદીમાં થયેલા વિદેશી આક્રમણો પછી આ ભાષા તેનું મહત્ત્વ ગુમાવવા લાગી હતી. વિદેશીઓથી તેને બચાવવા પંડિતોએ તેને પાસે રાખવાનું શરૃ કર્યું હશે અને આમ તે સામાન્ય લોકોથી દૂર થતી ગઈ હશે. અંગ્રેજો અને તેમની શિક્ષણ પદ્ધતિના આગમન પછી ગુરુકુળ પદ્ધતિ નષ્ટ થઈ અને સંસ્કૃત સર્વાંશે ભૂલાતી ગઈ.’

કચ્છ સહિત ગુજરાતમાં સંસ્કૃત તરફ વધુ ને વધુ લોકો આકર્ષાય તે માટે સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તે છતાં લોકો તરફથી જેવો અને જેટલો સાનુકુળ પડઘો પડવો જોઈએ તેટલો પડતો નથી. આથી આ માટે હજુ વધુ પ્રયત્નો જરૃરી છે.’
———————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »