તમારા માટે, તમારી સાથે, સતત…

લોકમિલાપઃ સિત્તેર વર્ષે પુસ્તક પરબનું ઝરણું સૂકાયું

પુસ્તક પ્રેેમીઓ માટે લોકમિલાપનંુ નામ અજાણ્યું નથી.

0 358
  • સાહિત્ય – દેવેન્દ્ર જાની

કોઈ પણ આરંભનો અંત હોય જ છે, પણ ક્યારેક કોઈ વિદાય એટલી વસમી હોય છે કે તેનો સ્વીકાર કરવો કઠિન બની જાય છે આવું જ બન્યું છે ભાવનગરની લોકમિલાપ સંસ્થા વિદાયની ઘડીઓ વખતે. પુસ્તકપ્રેમીઓને ઘેઘૂર વડલા જેવી શીતળતા આપનાર પરબ સમી આ સંસ્થાને હવે બંધ કરવાની નોબત આવતા પુસ્તક પ્રેમીઓ અને સાહિત્યકારોને આંચકો લાગ્યો છે. એક નજર કરીએ લોકમિલાપની સાત દાયકાની સફર પર.

ભાવનગરની એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા એક યુવકનો નિત્યક્રમ હતો કે તે કૉલેજથી છૂટીને ઘરે જાય ત્યારે રસ્તામાં આવતા લોકમિલાપ પુસ્તક ભંડારની અચૂક મુલાકાત લેતો હતો. પ્રેરણાદાયી પુસ્તકો વાંચવાનો તેનો શોખ હતો. એક દિવસ આ યુવક પુસ્તક લઈને હોસ્ટેલ પર આવ્યો, પણ કોઈ કારણસર તેને વાંચવાનો સમય ન મળ્યો. ચારેક મહિના નીકળી ગયા પછી તેના હાથમાં અચાનક આ પુસ્તક આવ્યું. પુસ્તક ખોલીને જોયું તો તેમાં આઠ – દસ પાનાં નીકળી ગયા હતાં. વિદ્યાર્થી પાસે પુસ્તક ખરીદીનું બિલ પણ ન હતું છતાં તે પુસ્તક ભંડાર ગયો અને વાત કરી કે મેં આ પુસ્તક ખરીદયું હતું, પણ તેમાં કેટલાંક પાનાં નથી. વિનમ્રભાવે કાઉન્ટર પરથી કહેવાયું કે હાલ આ ટાઇટલનું પુસ્તક ઉપલબ્ધ નથી, તમે તમારા પૂરતા પૈસા પરત લઈ જાવ એમ કહીને પૈસા આપ્યા. આ અનુભવ હાલ વર્લ્ડ ફેમસ કંપનીમાં કામ કરતી વ્યક્તિએ સોશિયલ મીડિયામાં શેઅર કર્યો છે. લોકમિલાપ એ એવી સંસ્થા છે કે તેને પુસ્તક ભંડાર કે બુક શોપ જેવી સીમિત વ્યાખ્યામાં સમેટી શકાય નહીં, પણ આ એક સાહિત્યિક આંંદોલનનું પ્રેરણા સ્ત્રોત હતું એમ કહેવું અતિશયોક્તિ નથી.

પુસ્તક પ્રેેમીઓ માટે લોકમિલાપનંુ નામ અજાણ્યું નથી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્રભાઈ મેઘાણીએ પ્રજાસત્તાક દિન તા. ર૬ જાન્યુઆરી ૧૯પ૦માં સૌ પહેલાં ‘મિલાપ’ નામનંુ સામયિક મુંબઈથી શરૃ કર્યું હતું, ત્યાર બાદ તેનું કાર્યાલય ૧૯પ૪માં ભાવનગર ખસેડવામાં આવ્યંુ હતું. મહેન્દ્રભાઈને સાહિત્ય – લેખન કાર્ય તો વારસામાં મળ્યું હતું. રાણપુરમાં પિતા ઝવેરચંદ મેઘાણી સાથે કાર્યમાં મદદરૃપ થતા હતા. બાદમાં તેઓ બોટાદ અને ત્યાંથી ભાવનગર ગયા હતા. પત્રકારત્વના અભ્યાસ માટે તેઓ અમેરિકા ગયા ત્યારે રીડર્સ ડાયજેસ્ટથી પ્રભાવિત થયા હતા. તેમનું સપનંુ હતું કે રીડર્સ ડાયજેેસ્ટ જેવું સામયિક ગુજરાતીમાં કાઢવું. એક વર્ષ બાદ તેઓ મુંબઈ પરત આવ્યા ત્યારે તેમણે ‘મિલાપ’ નામનંુ સામયિક બહાર પાડ્યું. આ એવું સામયિક હતું કે તેમાં કેટલાક ચૂંટેલા લેખોને સ્થાન આપવામાં આવતંુ હતંુ. મુંબઈથી તેને ભાવનગર ખસેડાયું. ર૮ વર્ષ સુધી આ સામયિક ચલાવ્યું હતું. લોકમિલાપ નામનંુ ટ્રસ્ટ બનાવાયું હતું અને તેના બેનર હેઠળ પુસ્તક પ્રકાશન અને પુસ્તક મેળાઓ જેવાં કાર્યો શરૃ કરવામાં આવ્યાં હતાં. ધીરે ધીરે સાહિત્ય અને પત્રકાર જગતમાં લોકમિલાપ નામ લોકપ્રિય બનતંુ ગયું. આજે એવી સ્થિતિ છે કે માત્ર ભાવનગર જ નહીં, આખા ગુજરાતના કોઈ વાંચનપ્રેમી વ્યક્તિને આ સંસ્થાનો પરિચય આપવો પડતો નથી. નવી પેઢી પણ આ સંસ્થાના કાર્યથી વાકેફ છે. લોકમિલાપને ચલાવનાર મેઘાણી પરિવારના સભ્યો કહે છે, કોઈ કમાણી કરવાના આશયથી નહીં, પણ સારા પુસ્તકો સસ્તા ભાવે લોકો સુધી પહોંચે તેવા એક મિશન સાથે આ સંસ્થાને અમે ચલાવી છે. મહેન્દ્રભાઈ મેઘાણી બાદ આ સંસ્થાનો કાર્યભાર તેમના પુત્ર ગોપાલભાઈ અને તેમનાં પત્ની રાજશ્રીબહેને સંભાળી હતી. છેલ્લાં ૪૮ વર્ષથી ગોપાલભાઈ આ સંસ્થાનું કામ સંભાળે છે. મહેન્દ્રભાઈએ આયખાના ૯૬ વર્ષ અને ગોપાલભાઈએ ૬૬ વર્ષ પુરા કર્યા છે. દાદા અને પિતાના પગલે ગોપાલભાઈએ પણ શબ્દવિશ્વને જીવન સમર્પિત કર્યું હતું, પણ તેમના પુત્ર યશ હવે અન્ય નોકરી – ધંધામાં આગળ વધવા માગે છે.

Related Posts
1 of 142

ભાવનગરના સરદારનગર એરિયામાં આવેલા લોકમિલાપ પુસ્તક ભંડારમાં પાંચ હજાર જેટલાં ટાઇટલનાં પુસ્તકો છે. કોઈ કમાણીના આશયથી આ પુુસ્તક ભંડાર ચાલતંુ નથી. કેટલાક સિદ્ધાંતો સાથે તેને ચલાવવામાં આવતું હતંુ. અશ્લીલ સાહિત્ય અને અંધશ્રદ્ધા ફેલાવતા હોય તેવાં પુસ્તકો અહીં વેચવામાં આવતા ન હતા. મહેન્દ્રભાઈ મેઘાણીનાં ચાર સંતાનોમાં બે ભાઈ અને બે બહેન. મહેન્દ્રભાઈનો વારસો ગોપાલભાઈએ સંભાળ્યો હતો. તેમણે આંબળા ગામમાં મનુભાઈ પંચોલીની સંસ્થામાં રહીને અભ્યાસ કર્યો હતો. લોકમિલાપ પુસ્તક હવે વિદાય લે છે એવી પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી થતાં જ સાહિત્ય અને પુસ્તક પ્રેમીઓને આંચકો લાગ્યો હતો. કોઈ કહે, આજે લોકોની વાંચન ભૂખ ઘટી ગઈ છે. સોશિયલ મીડિયાનું આક્રમણ વધી ગયું. તો વળી કોઈ કહે, આર્થિક રીતે હવે પુસ્તક ભંડાર ચલાવવો પોષાતો ન હતો વગેરે વગેરે.

બંધ કરવાનું આ છે સાચું કારણ…
‘અભિયાને’ ગોપાલભાઈ સાથે સીધી જ વાત કરી તો આ તમામ તર્ક – કારણો સાવ ખોટા જ નીકળ્યાં. ગોપાલભાઈ સાફ શબ્દોમાં કહે છે, ‘લોકમિલાપ બંધ કરવાના આવાં કારણોની ચર્ચા થાય છે તેમાં કોઈ સચ્ચાઈ નથી. ખરી વાત એ છે કે બાપુજીની હવે ૯૬ વર્ષની ઉંમર થઈ અને મારી ઉંમર ૬૬ વર્ષની થઈ છે. હું ૧૯૭૦થી આ પિતાજી સાથે આ કાર્યમાં જોડાયો હતો. લોકમિલાપ સંસ્થાને અમે ઘણા વર્ષો આપ્યા, પણ હવે ઉંમરને કારણે પહોંચી શકાતું નથી. બીજું હવે પ્રવાસો કરવા છે, સંગીત સાંભળવું છે. મિત્રો અને પરિવારના લોકો સાથે સમય ગાળવો છે અને હવે કંઈ ન કરવાનો આનંદ લેવો છે. અમે કમાણીના આશયથી પુસ્તક ભંડાર ચલાવ્યો જ નથી એટલે બંધ કરવા પાછળ આર્થિક કારણ છે જ નહીં, પણ હા એટલું ચોક્કસ છે કે અમારાં સંતાનો અન્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માગતા હોવાથી તેઓની રુચિ અમારો આ વારસો સાચવવામાં ઓછી હોય એ પણ સ્વાભાવિક છેે.’

તેઓ કહે છે, ‘લોકમિલાપને બંધ કરવાનંુ અમે રાતોરાત નક્કી નથી કર્યું, પણ ઘણા સમયથી પરિવારમાં આ અંગે વિચાર ચાલતો હતો અને આખરે બંધ કરવાનું નક્કી કર્યું. અમે ધીરે ધીરે આ સંસ્થાનો સંકેલો કરતા ગયા. સૌ પહેલાં પ્રકાશન કાર્ય બંધ કરીને ગુર્જર ગ્રંથરત્નને સોંપ્યંુ હતંુ. બાદમાં પુસ્તક મેળાઓ બંધ કર્યા, બાળ ફિલ્મોના શૉ બંધ કર્યા અને હવે તા. ર૬ જાન્યુઆરી ર૦ર૦થી પુસ્તક ભંડારનો પડદો પાડી દેવાશે. એક

વટવૃક્ષ સમાન સંસ્થાને બંધ કરવાનું દુઃખ હોય એ સ્વાભાવિક છે, પણ ખૂબ કાર્ય કર્યું તેનો સંતોષ પણ છે. બાપુજી કહેતાં હતાં કે બાળકો ભવિષ્યના નાગરિક છે એટલે બાળકોના ઘડતર માટેનાં શ્રેષ્ઠ પુસ્તકો વેચવા પર અમે ભાર મૂકતા હતા. બીજું, બાળ ફિલ્મોના શૉ પણ એ જ આશયથી બતાવતા હતા. ગેલેક્સી થિયેટરમાં ૧પ વર્ષ સુધી બાળ ફિલ્મોના શૉ કર્યા. ૯૦૦ બેઠકની ક્ષમતા હતી અને એક રૃપિયો જ ફી રખાઈ હતી. એટલંુ જ નહીં, બાપુજીનો આગ્રહ હતો કે ફિલ્મ જોવા આવનાર દરેક બાળકને એક-એક ચોકલેટ મફતમાં આપવી. લાખો બાળકોએ શ્રેષ્ઠ ફિલ્મો જોવાનો આનંદ માણ્યો છે. બાળ સાહિત્યનાં પુસ્તકો ‘ને ફિલ્મોમાંથી આ બાળકો કંઈક શીખ મેળવે એ આનંદ જ અમારંુ વળતર હતંુ.’
———————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »