તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છમાં ઔદ્યોગિક રોકાણનું ફૂલગુલાબી સ્વપ્ન ઝાંખું પડ્યું

જોકે નવું રોકાણ ન આવવું કે આવનારા રોકાણનું અન્યત્ર ખેંચાઈ જવું એ સમસ્યા માત્ર કચ્છની જ છે એવું નથી

0 88
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

ભૂકંપ પછી ટેક્સ બેનિફિટનો લાભ લેવા અનેક ઉદ્યોગો આવ્યા, વિકાસ થોડો સમય તો ખૂબ તેજ ગતિએ થયો, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી વિકાસની ગતિ મંદ પડી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં કચ્છમાં ઉદ્યોગો સ્થાપવા અનેક એમ.ઓ.યુ. થાય છે, પરંતુ તેમાંથી અનેક ઉદ્યોગો ખરેખર શરૃ થતાં જ નથી. તો અમુક પ્રાથમિક લેવલ પર પહોંચ્યા પછી આગળ વધતા નથી. જમીન મેળવવામાં પડતી મુશ્કેલી, પાણીની તીવ્ર તંગી, નાનાં-મોટાં કામો થવામાં થતો અસહ્ય વિલંબ, સરકારની અસ્પષ્ટ પૉલિસી જેવાં અનેક કારણો કચ્છમાં ઉદ્યોગોને આવતા રોકી રહ્યા છે.

૨૦મી સદીના અંત સુધી કચ્છની છબી દેશના છેવાડાના, સરહદી, સુક્કા, રણ ધરાવતા જિલ્લાની હતી. ૨૦ સદીના અંતમાં થોડા ઉદ્યોગોએ કચ્છમાં રોકાણ કરવાની હામ ભીડી હતી, પરંતુ તે તો માંડ આંગળીના વેઢે ગણાય તેટલા જ હતા. ૨૦૦૧માં આવેલા ભૂકંપે કચ્છની સિકલ ફેરવી નાખી. પડી ભાંગેલા કચ્છને બેઠું કરવા માટે કેન્દ્ર સરકારે શૃંખલાબદ્ધ પગલાં ભર્યા. અખૂટ ખનીજ સંપત્તિ ધરાવતા કચ્છમાં ઉદ્યોગોને લાવવા માટે સરકારે લાલ જાજમ બિછાવી. ટેક્સ હોલિડે જાહેર કર્યો, અનેકવિધ સુવિધાઓ આપી, અનેક ઉદ્યોગકારોએ ખૂબ મોટું રોકાણ કચ્છમાં કર્યું. જેના પગલે સ્થાનિક લોકોની જિંદગી પણ બદલાઈ. વરસાદ આધારિત ખેતી અને પશુપાલનને રોજગારીનું સાધન બનાવીને પણ અભાવો વચ્ચે જ જીવતાં કચ્છનાં ગામડાંના લોકોને થોડી સારી કહેવાય તેવી જિંદગી મળી. વધુ ને વધુ ઉદ્યોગો આવશે અને કચ્છ-કચ્છીઓની રોજગારીની સમસ્યા કાયમ માટે હલ થશે તેવું માનતા લોકો છેલ્લાં થોડાં વર્ષોથી નિરાશ થઈ રહ્યા છે. ઉદ્યોગોને ખેંચી લાવવા વાઇબ્રન્ટ ગુજરાત જેવા તાયફાઓ સરકાર કરે છે. શરૃઆતનાં થોડાં વર્ષો તેનો ફાયદો પણ જોવા મળ્યો, પરંતુ પાછલાં ૪-૫ વર્ષના આંકડા જોતા લાગે છે કે હવે રોકાણકારોને કચ્છ આકર્ષી શકતું નથી. જેટલા એમ.ઓ.યુ. થાય છે તેમાંથી અનેક ઉદ્યોગો હકીકતમાં ફેરવાતા જ નથી. અનેક ઉદ્યોગો પ્રાથમિક લેવલ પહોંચ્યા પછી આગળ વધતા નથી. કચ્છમાં ફાજલ જમીન ઘણી પડી છે, ઉદ્યોગોને તે સહેલાઈથી, ઓછા ભાવે મળી શકશે તેવી રોકાણકારોની માન્યતા ખરી સાબિત થતી નથી તો નર્મદાના નીર કચ્છ સુધી પહોંચશે એટલે પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે તેવા સ્વપ્નો પણ સાચા પડતા નથી. આથી ઉદ્યોગો અહીં આવતા નથી, એવું આ ક્ષેત્રના નિષ્ણાતો માની રહ્યા છે.

જોકે નવું રોકાણ ન આવવું કે આવનારા રોકાણનું અન્યત્ર ખેંચાઈ જવું એ સમસ્યા માત્ર કચ્છની જ છે એવું નથી, પરંતુ દેશભરનાં રાજ્યોમાં ગુજરાતનું રોકાણ પણ ઘટ્યું છે અને નવા ઉદ્યોગો આવવાનું પ્રમાણ પણ ઘટ્યું છે. નીતિ આયોગે ઇનોવેશન ઇન્ડેક્સના જાહેર કરેલા આંકડા મુજબ ગુજરાતનો ક્રમ ૯મો છે જ્યારે રોકાણમાં પણ ગુજરાત છઠ્ઠા નંબરે ઊતરી ગયું છે. નવા ઉદ્યોગો કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં શરૃ કરવા ઇચ્છે છે. આ ત્રણે રાજ્યો ઇનોવેશન ઇન્ડેક્સમાં પ્રથમ ત્રણ ક્રમે છે. તેવી જ રીતે રોકાણની દૃષ્ટિએ કર્ણાટક, હરિયાણા અને મહારાષ્ટ્ર પ્રથમ ત્રણ ક્રમે આવે છે. વ્યક્તિગત કુશળતા, જ્ઞાન, અનુભવને જે-તે રાજ્યની માનવમૂડી ગણાય છે. તેમાં પણ તામિલનાડુ, કેરળ, પંજાબ અને કર્ણાટક ગુજરાત કરતાં આગળ હોવાથી હ્યુમન કેપિટલમાં ગુજરાતનો નંબર પાંચમો આવે છે. આમ જ્યાં ગુજરાત રાજ્યમાં જ રોકાણ, નવા ઉદ્યોગોનું પ્રમાણ ઘટ્યું છે ત્યાં કચ્છનું પણ ઘટે તેમાં નવાઈ શી? રોકાણ ઘટવાથી, નવા ઉદ્યોગો ન આવવાથી કચ્છના લોકોની રોજગારીમાં વધારો થતો નથી, એ હકીકત છે.

કચ્છમાં મોટા, મધ્યમ, નાના અને માઇક્રો ઉદ્યોગો છે. છેલ્લા ત્રણ વાઇબ્રન્ટ ગુજરાત વખતે થયેલા એમ.ઓ.યુ. અને શરૃ થયેલા ઉદ્યોગોના સત્તાવાર આંકડા જોઈએ તો શરૃ થયેલા ઉદ્યોગોની ઘટતી સંખ્યા સામે આવે છે. વર્ષ ૨૦૧૫માં ૩૭૧ જેટલા મધ્યમ, નાના અને માઇક્રો ઉદ્યોગો માટે કરાર થયા હતા, પરંતુ તેમાંથી માત્ર ૧૬૬ શરૃ થયા છે અને ૨૦૬ ઉદ્યોગોના શ્રીગણેશ પણ થયા નથી. જ્યારે વર્ષ ૨૦૧૭માં ૩૫૨ ઉદ્યોગોના એમ.ઓ.યુ. થયા હતા, તેમાંથી ૧૭૪ શરૃ થયા છે અને ૧૭૮ માત્ર કાગળ પર જ રહ્યા છે. તેવી જ રીતે ૨૦૧૯માં ૪૦૮ ઉદ્યોગોના એમ.ઓ.યુ. થયા હતા તે પૈકી માત્ર ૫૩ શરૃ થયા છે અને બાકીના બધા એટલે કે ૩૫૫ પ્રાથમિક તબક્કે છે. તેમાંથી કેટલા આગળ વધશે અને કેટલા અધવચ્ચે જ છોડી દેવાશે તે તો આવનારો સમય જ કહેશે.

તેવી જ સ્થિતિ મોટા ઉદ્યોગોની છે. વર્ષ ૨૦૧૫માં ૧૬૭ એમ.ઓ.યુ. થયા હતા. જેમાંથી માત્ર ૪૦ જ શરૃ થઈ શક્યા છે. જ્યારે ૩૧ અમલીકરણના તબક્કામાં અને ૪૭ પ્રાથમિક તબક્કામાં છે. જ્યારે ૪૯ તો છોડી દેવાયેલા જાહેર થઈ ચૂક્યા છે. વર્ષ ૨૦૧૭માં ૨૧૫ એમ.ઓ.યુ. થયા હતા. તેમાં ૩૭ શરૃ થયા છે, ૨૯ અમલીકરણના અને ૧૦૫ પ્રાથમિક તબક્કામાં છે. ૪૪ પ્રોજેક્ટ ડ્રોપ થઈ ચૂક્યા છે. વર્ષ ૨૦૧૯માં ૨૯૩ એમ.ઓ.યુ. થયા હતા. તેમાંથી માત્ર એક જ પ્રોજેક્ટ શરૃ થઈ શક્યો છે. ૧૬ અમલીકરણના તબક્કામાં અને ૨૭૦ પ્રાથમિક તબક્કામાં છે તો ૬ પ્રોજેક્ટ છોડી દેવાયા છે.

આનાથી થોડી સારી સ્થિતિ જી.એમ.ડી.સી.માં થયેલા એમ.ઓ.યુ.ની છે. વર્ષ ૨૦૧૫માં ૨૮૮ એમ.ઓ.યુ. થયા હતા. તેમાંથી ૨૬૩ શરૃ થઈ ચૂક્યા છે અને ૨૫ છોડી દેવાયા છે. જ્યારે વર્ષ ૨૦૧૭માં થયેલા ૨૯૯ એમ.ઓ.યુ. પૈકી ૮૭ પ્રોજેક્ટ ડ્રોપ થયા છે અને ૨૧૨ શરૃ થઈ ગયા છે. ૨૦૧૯માં ૧૭૬ એમ.ઓ.યુ. થયા હતા. તેમાંથી ૧૩૭ શરૃ થયા છે, ૨૭ અમલીકરણના તબક્કામાં છે અને ૧૨ ડ્રોપ થયા છે.

ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના મેનેજિંગ ડાયરેક્ટર નિમિષ ફડકેના જણાવ્યા મુજબ, ‘અત્યારે તો જેટલા એમ.ઓ.યુ. થાય છે તેમાંથી માંડ ૧૦થી ૨૦ ઉદ્યોગો જ શરૃ થાય છે. આ માટે અનેક કારણો જવાબદાર છે. જેમ કે એમ.ઓ.યુ. થઈ ગયા પછી કોમર્શિયલ પ્રોડક્શનમાં પ્રોજેક્ટ પહોંચે ત્યાં સુધીમાં ખૂબ મોડું થયું હોવાથી ટૅક્નોલોજી જૂની થઈ ગઈ હોય, તે જ ટૅક્નોલોજી વાપરીને અન્ય કોઈ પ્રોડક્ટ બજારમાં આવી હોય, પ્રોડક્ટની માગ ઘટી ગઈ હોય, તેની જરૃરિયાત ઘટી હોય તો પણ કોઈ તેમાં રોકાણ કરવા આગળ વધતું નથી. તેવી જ રીતે એમ.ઓ.યુ. થઈ ગયા પછી જમીન સહેલાઈથી ન મળે, જમીન મેળવવામાં ખૂબ મુશ્કેલી પડે તેથી પણ અનેક એમ.ઓ.યુ. ડ્રોપ થઈ જાય છે.’

Related Posts
1 of 142

પાણીની મુશ્કેલી અંગે તેઓ વધુમાં જણાવે છે કે, ‘કચ્છમાં ઉદ્યોગોને પાણી માટે પારાવાર મુશ્કેલી પડી રહી છે. સરકારે ઉદ્યોગો માટે દરિયાનું પાણી મીઠું બનાવવા માટે ડિસેલિનેશન પ્લાન્ટ બનાવવાની યોજના તો બનાવી છે, પરંતુ તે હજુ આગળ વધતી નથી. ઉદ્યોગો પોતે જ સરકારની મદદથી ૧૫૦ એમ.એલ.ડી. મીઠું પાણી બનાવી શકે તેવો પ્લાન્ટ બનાવવા તૈયાર હોવા છતાં તે માટે જરૃરી પગલાં લેવાતાં નથી. જે ઉદ્યોગો કચ્છમાં ચાલી રહ્યા છે તેના ઉત્પાદનમાં પણ પાણીના અભાવે અડધો અડધ ઘટાડો થયો છે. તો આ જ કારણસર અનેક નવા ઉદ્યોગો પણ કચ્છમાં આવવામાં અચકાવા લાગ્યા છે. જો પાણી પ્રશ્નનો ઉકેલ આવે તો સ્થિતિમાં મહદ્અંશે ફેર પડે તેમ છે.’

નવું રોકાણ અને નવા ઉદ્યોગો કચ્છમાં કેમ નથી આવતા? તેની છણાવટ કરતાં તેઓ  વિશેષમાં કહે છે, ‘અનેક ઉદ્યોગો સરકારની પૉલિસી પારદર્શી ન હોવાનું અનુભવે છે. ખાસ કરીને ખાણ માટે જમીન આપવાની વાત આવે ત્યારે ઉદ્યોગોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે બેંકો દ્વારા ઉદ્યોગોને સમયસર લોન મળતી નથી. હજારો કરોડોની લોન હોવા છતાં અને લોન મંજૂર થઈ ગઈ હોવા છતાં તે છૂટી કરવામાં ભારે વિલંબનો સામનો કરવો પડે છે. લોન રિલીઝ કરતી કમિટીમાં સરકારી પ્રતિનિધિ અને ઉદ્યોગોનો એક પ્રતિનિધિ પણ મુકાવો જોઈએ.’

નવા ઉદ્યોગો કચ્છમાં આવતા અચકાય છે તેનું એક કારણ સમાજ અને ઉદ્યોગોના બગડતા સંબંધો હોવાનું સ્વીકારીને તેઓ કહે છે, ‘છેલ્લાં ૫-૭ વર્ષથી સમાજના લોકો, અગ્રણીઓ અને ઉદ્યોગો વચ્ચેના સંબંધો કથળી રહ્યા છે. અનેક વખત એવું લાગે છે સમાજ પોતે જ અહીં ઉદ્યોગો આવે તેવું ઇચ્છતો નથી. ખાસ કરીને ઉદ્યોગો આવે કે ન આવે તેમાં ગ્રામજનોના અગ્રણીઓનો વ્યક્તિગત સ્વાર્થ પણ રહે છે. જો કોઈ અગ્રણીની કોઈ માગણી ન સ્વીકારાય તો તે શરૃ થનારા ઉદ્યોગો સામે એટલી બધી મુશ્કેલીઓ ઊભી કરે છે કે નવું રોકાણ કરનારા કંટાળીને પોતાનો પ્રોજેક્ટ પડતો મૂકવા પ્રેરાય છે. આવા અગ્રણીઓ પર્યાવરણ કે જમીન અંગેના પ્રશ્નો ઊભા કરીને થાય તેટલો વિલંબ કરે છે અને તેના કારણે રોકાણકારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે આવી મુશ્કેલી બંને પક્ષો ઊભી કરે છે. રોકાણકાર કે ઉદ્યોગપતિ જમીન પર ગેરકાયદે દબાણ કરે છે, ખેડૂતોના ખેતરોને નુકસાન કરે છે, નાના ખેડૂતોને દબાવે છે, દાદાગીરી કરે છે. આમ હેરાનગતિ બંને પક્ષો અરસપરસ કરે છે અને સરવાળે બંને પક્ષને નુકસાન થાય છે.’

કોઈ પણ સમાજનો વિકાસ માત્ર ખેતી કે પશુપાલનથી થઈ શકે નહીં. વિકાસ માટે ઉદ્યોગો અનિવાર્ય છે. કચ્છમાં બે મહાબંદરો, રસ્તાઓનું અને રેલવેનું સુંદર માળખું છે. જમીનમાં અનેકવિધ ખનીજો ધરબાયેલા પડ્યા છે. તેથી ખાણ આધારિત ઉદ્યોગો સહિત વિવિધ પ્રકારના ઉદ્યોગો અહીં વિકસી શકે તેમ છે. આથી જ ઉદ્યોગો શરૃ થવામાં નડતી મુશ્કેલીઓ દૂર કરવી અનિવાર્ય છે.

ઔદ્યોગિક વિકાસમાં નડતી સમસ્યાઓના ઉકેલ અંગે તેઓ જણાવે છે, ‘ઉદ્યોગોને નડતી મુખ્ય સમસ્યા છે પાણીની. આજે ઉદ્યોગો સામાન્ય કરતાં ૧૦ ગણા વધુ નાણા ચૂકવીને પાણી ખરીદે છે. જો ડિસેલિનેશન પ્લાન્ટ ઝડપથી શરૃ કરાય તો મુખ્ય સમસ્યા સહેલાઈથી ઉકેલી શકાય તેમ છે. અત્યારે પીવાના પાણી માટે ડિસેલિનેશન પ્લાન્ટનું કામ ચાલે છે, પરંતુ ઉદ્યોગો માટેનું કામ આગળ વધતું નથી. આના કારણે રોકાણકારોમાં ખોટો સંદેશો ગયો છે. અમુક ઉદ્યોગોએ તો અહીં આવવાની પૂરતી તૈયારી કરી લીધી હોવા છતાં અને માળખાકીય સુવિધાઓ વિકસાવી હોવા છતાં તેને અન્યત્ર ખસેડી રહ્યા છે. પાણીના પ્રશ્ને કાયમી અને ટકાઉ ઉકેલની જરૃર છે.

‘તેવી જ રીતે અત્યારે જમીન સંપાદનમાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. જે જમીન ઉદ્યોગકારને ઉપયોગી લાગે, તેને એન.એ. કરાવવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નિયમોમાં સુધારા કરવાની તાતી જરૃરત છે. કાયદાઓ ખૂબ જૂના હોવાથી તેનો અમલ સહેલાઈથી થઈ શકતો નથી. સિંગલ વિંડો સિસ્ટમ શરૃ તો થઈ ગઈ છે, પરંતુ તેનાથી કોઈ પણ ફેર પડ્યો નથી. ઉદ્યોગો માટેના પ્લાન પાસ કરાવવામાં, વીજ જોડાણ મેળવવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. જે કામ વિદેશોમાં થોડા કલાકોમાં થઈ શકે તેમ હોય, તેને પણ કચ્છમાં દિવસો નીકળી જાય છે.

‘દેશનાં અન્ય રાજ્યોમાં તો ૨૧ દિવસમાં કામ થઈ શકે છે. તેવી જ રીતે ઉદ્યોગોને સસ્તી વીજળી મળતી હતી, પરંતુ સરકારે ખોટ જાય છે તેવા બહાનાસર તે બંધ કરાવી દીધી અને ઓપન માર્કેટમાંથી ખરીદાતી વીજળી પર સરકાર જે સબસિડી આપતી હતી તે રદ્દ કરવાની ખાતરી આપી હોવા છતાં ૩ ગણી કરી દીધી. આથી ઉદ્યોગોને વીજળી મોંઘી પડે છે. અનેક વખતે અધિકારીઓ સરકારી પૉલિસીનું અર્થઘટન મનફાવે તેમ કરતાં હોવાથી ઉદ્યોગોને નુકસાન જાય છે. તેમ જ સરકારે માઇનિંગની હરાજીની પૉલિસી પણ બદલવી જોઈએ.’

સમાજ અને ઉદ્યોગોના તંગ સંબંધો વિશે તેઓ કહે છે, ‘ઉદ્યોગોએ પોતાનો વિકાસ સમાજના ભોગે નહીં, પણ તેને સાથે લઈને, તેના વિકાસ સાથે પોતાનો વિકાસ કરવો જોઈએ. સમાજ ઉપયોગી વિવિધ કામો કરીને સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ. સ્થાનિક લોકોને પૂરતી રોજગારી આપે અને તે માટે જરૃર પડે યુવાનોને પોતાના ઉદ્યોગોને લગતું શિક્ષણ અને ટ્રેનિંગ આપે તે જરૃરી છે. જબરજસ્તી કે દાદાગીરી કરીને જમીન આંચકી લેવાના કે દબાણ કરવાના બનાવો અટકાવવા જોઈએ.’

આમ જો ઉદ્યોગોને સ્પર્શતી સમસ્યાઓ ઉકેલાશે તો ઉદ્યોગો વધવાની પૂરી શક્યતા છે. તેનો સીધો અને આડકતરો લાભ કચ્છના સ્થાનિક લોકોને મળશે. કચ્છનો ભરપૂર વિકાસ પણ થઈ શકશે. રોજગારીમાં વધારો થઈ શકશે.
——————————————

Leave A Reply

Your email address will not be published.

Translate »