તમારા માટે, તમારી સાથે, સતત…

ગાંજાના ઔષધીય ગુણો પ્રત્યે  દુનિયા જાગૃત થઈ રહી છે

દુનિયાની અનેક સંસદો અને સરકારોના વિચારો અને વલણમાં ગાંજા બાબતે પરિવર્તન આવ્યું છે

0 1,474
  • કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

કેનાબિસ (ગાંજો) મારીજુઆના તરીકે પણ ઓળખાય છે. ભારતમાં ગાંજો વાવવા પર અને વેચવા પર પ્રતિબંધ છે, પરંતુ ગાંજા સાથે આધ્યાત્મિક મસ્તીને જોડવામાં આવી હોવાથી અધિકારીઓ તેના ઉપયોગ તરફ આંખ આડા કાન કરે છે. અમુક રાજ્યોમાં સરકાર દવાના હેતુસર ગાંજો ઉગાડવાના લાઇસન્સ પણ આપે છે. રાજસ્થાનમાં અફીણ વાવવાના પરવાના અપાય છે. ગાંજાના છોડનાં પાન, ડાળખીઓ, ફૂલો, બિયાં અને પાતળા થડ વગેરે તમામનો ભુક્કો કરીને તેનો પાવડર વપરાય છે. આંતરરાષ્ટ્રીય ભાષામાં તે પોટ, હેશ, વીડ અને બીજા ડઝનેક નામથી ઓળખાય છે. ગાંજાનું ધૂમ્રપાન થાય, તેની વરાળ, હુક્કા વડે લેવાય. બાવા લોકો તેનાં ભજિયાં કે પકોડા બનાવીને ખાય. તેની ચા બને, બીજા ખોરાકમાં મેળવીને ખવાય અને તેનો તેલ તરીકે પણ ઉપયોગ થાય.

હિન્દુઓની સાધુબાવા સંસ્કૃતિ અને વ્યવસ્થામાં ગાંજો અને ગાંજા મિશ્રિત પદાર્થોનું સેવન ખાસ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ચલમ વગરના બાવાની કલ્પના ના થઈ શકે અને આપણા દેશમાં બાવાઓ લાખો કરોડો છે. મિત્રો અને સગાંવહાલાં ગાંજો પી ગયા પછી ગાંડાઘેલા થયા હોય તેવા પ્રસંગોના ઘણા સાક્ષી હશે. છતાં હમણા સુધી ભારતમાં ગાંજો ગંજેરીઓ અને સાધુબાવાના જ્યુરિસ્ડિક્શનમાં રહ્યો છે. આમ લોકો પર શરાબ અને સિગારેટ માફક છવાયો નથી, પરંતુ હવે વિશ્વના અગ્રણી, ખાસ કરીને યુરોપ-અમેરિકાના દેશોમાં ગાંજાના ખાસ વિશિષ્ટ ઔષધીય સદ્ગુણો વિજ્ઞાનીઓની નજરે ચડ્યા છે. ત્યારથી ગાંજા બાબતે દાવા-પ્રતિદાવા થઈ રહ્યા છે. બ્રિટન, કેનેડા અને અમેરિકાનાં અનેક રાજ્યોની સરકારોએ ગાંજા પરના પ્રતિબંધો હળવા કર્યા છે અને કાં દૂર કર્યા છે. આજે જગતભરમાં ચર્ચા ચાલી છે કે શું ગાંજો તબિયત માટે એટલો ઉપયુક્ત, ફાયદાકારક છે કે પછી લોકો દવાના નામે નશો કરવા માટે મોકળું મેદાન માગી રહ્યા છે?

પરિસંવાદો, સંશોધનો અને પ્રયોગો યોજાઈ રહ્યા છે. ચર્ચાઓ, છૂટછાટ અને ફાયદાઓ વિષે સાંભળીને લોકો ડૉક્ટરો પાસે જઈને પોતાના માટે અથવા પોતાના સગાં માટે ગાંજાયુક્ત દવા લખી આપવાની તબીબો પાસે માગણી કરી રહ્યા છે, પણ દરેક બીમારીઓમાં ગાંજો સલામત છે કે કેમ તે જણાવતાં વિસ્તૃત સંશોધનો હજી થયાં નથી. અમુક સંશોધનો અને પરિણામો જાણવામાં વરસોનાં વરસ લાગી જાય.

અમેરિકામાં નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ના નિષ્ણાત તબીબો ગાંજાનો અર્ક ધરાવતી દવાઓની ભલામણ ચિઠ્ઠી લખી આપશે એવી આશામાં ઘણા લોકો પોતાનાં સંતાનોને લઈને આવે છે. એક માતા પોતાના મિરગી અથવા વાઈથી પીડાતા પુત્ર માટે ‘ટેટ્રાહાઈડ્રોકેનાબિનોલ (ટીએચસી) નામનું ગાંજાનું મૂળ અને મુખ્ય તત્ત્વ ધરાવતી દવા લેવા આવી હતી. એ સ્ત્રીને ડૉક્ટરોએ સ્પષ્ટ ના પાડવી પડી કે એનએચએસના ડૉક્ટરો આવી કોઈ દવા લખી આપતા નથી.

જે ટીએચસી છે તે ગાંજામાંનું સાઈકોએક્ટિવ તત્ત્વ છે. તે મગજને જુદી રીતે એક્ટિવ કરે છે. પેલી અમેરિકન માતાએ બ્રિટિશ સરકારની મદદ માગી. ત્યાંથી પણ કોઈ મદદ મળી નહીં. માતાની સાદી સમજણ એ હતી કે વાઈ કે મિરગી મગજની સમસ્યા છે અને ગાંજો લેવાથી પોતાના પુત્રને પીડામાંથી રાહત મળશે અને કદાચ દરદ મૂળમાંથી જશે. ગાંજા પરના પ્રતિબંધો સરકારો ઉઠાવવા માંડી ત્યારે એક વાત સાચી કે ખોટી રીતે પોપ્યુલર બની કે ગાંજો પીવાથી ડિપ્રેશન જેવી મગજની પીડાઓ દૂર થાય છે અને શરીરની અન્ય પીડાઓ મટે છે. ઘણા માટે ‘ભાવતું હતું અને વૈદે કહ્યું’ તેવો ઘાટ થયો. પેલી અમેરિકન માતાની માગણીના જવાબમાં બ્રિટન સરકારે જણાવ્યું કે, ગાંજામાં કોઈ ઔષધીય ગુણો નથી. પચાસ વરસ કરતાં વધુ સમયથી બ્રિટિશ સરકારે આ વલણ જ અપનાવ્યું હતું. નવાઈની વાત એ છે કે એ ૫૦ વરસના ગાળામાં બ્રિટનના લોકો ગાંજો ઉગાડતા હતા અને ઔષધીય ઉપયોગ માટે તેની નિકાસ કરતા હતા.

હાના ડિકોન નામની એ અમેરિકન માતાને આવો સત્તાવાર જવાબ આપ્યા પછી થોડા મહિનાઓમાં જ બ્રિટિશ સરકારે યુ-ટર્ન લીધો. બ્રિટિશ સરકારે સ્વીકાર્યું કે, ‘કેનાબિસ સતિવા’ (અર્થાત ગાંજા)માં ઔષધીય ગુણો છે. ગાંજાને ઉત્તર ભારતમાં ભાંગ પણ કહે છે. જો કે ભાંગ બનાવવાની રીત થોડી જુદી હોય છે. હાના ડિકોને બ્રિટનની સરકારને એ વિનંતી જાહેરમાં કરી હતી. ત્યાર પછીના આઠ મહિના બાદ એના પુત્ર અલ્ફી માટે અમેરિકાના એનએચએસના ડૉક્ટરે ટીએચસીમાંથી નિર્માણ થયેલી દવા લખી આપી.

દુનિયાની અનેક સંસદો અને સરકારોના વિચારો અને વલણમાં ગાંજા બાબતે પરિવર્તન આવ્યું છે, પણ ગાંજા માટે એમ નિરપવાદ છૂટ આપવાનું સહેલું નથી. તે માટે વિસ્તૃત અભ્યાસ અને વિસ્તૃત કાનૂનની જરૃર પડે. જગતનો અનુભવ છે કે જ્યારે જ્યારે દવા તરીકે ગાંજાના ઉપયોગની છૂટ આપવામાં આવી છે ત્યારે તેનો વધુ પડતો ઉપયોગ આનંદ-પ્રમોદ અને નશાખોરી માટે કરવામાં આવ્યો છે. માણસ હજારો વરસથી ગાંજાનો ઉપયોગ કે દુરુપયોગ કરતો આવ્યો છે. તેની પાછળ જે ‘સતિવા’ શબ્દ જોડાયેલો છે તેને શક્ય છે કે સંસ્કૃત શબ્દ ‘સત્ત્વ’ સાથે સંબંધ હોય. આજનાં શહેરો, હાઈવે અને ઝડપી વાહનોના જમાનામાં ગાંજાનો આનંદ-પ્રમોદ ખૂબ ઘાતક પુરવાર થાય. ઔષધીય હેતુ માટે, અર્થાત દવા તરીકે ગાંજો વપરાતો હતો તેના પુરાવા ઈસવી સન ૪૦૦ની આસપાસના સમયના મળ્યા છે, પરંતુ તેનો મોજમજા ખાતર ઉપયોગ કરવા પર પ્રતિબંધો મૂકાવાની શરૃઆત વીસમી સદીના પૂર્વાર્ધમાં થઈ. ગાંજાના વપરાશ બાબતે જાતજાતની વાતો ચાલતી હતી. લોકોને ડરાવવામાં પણ આવતા. ઓગણીસમી સદીના પ્રથમ દશ વર્ષ દરમિયાન ઇજિપ્તમાં જઈને વસેલા એક અંગ્રેજ ડૉક્ટર જ્હોન વોરનોકે એવું તારણ બહાર પાડ્યું કે ઇજિપ્તમાં લોકોમાં મોટા પ્રમાણમાં જણાતી ગાંડપણની બીમારી અને ગુનાખોરી માટે ગાંજાનો આડેધડ ઉપયોગ જવાબદાર છે. એ સમયમાં યુનો ન હતી, પણ ‘લિગ ઓફ નેશન્સ’ નામની વૈશ્વિક સંસ્થા હતી. ૧૯૨૪માં ઓપિયમ (અફીણ) અને હેરોઇન જેવા નશાકારક પદાર્થો વિષે ચર્ચા કરવા લિગ ઓફ નેશન્સની પરિષદ મળી હતી ત્યારે ગાંજા વિષેના ડૉ. જ્હોન વોરનોકનાં તારણો અને તથ્યોનો વધુ પ્રભાવ પડ્યો હતો, પરંતુ હકીકત એ હતી કે ડૉ. જ્હોનની અભ્યાસની પદ્ધતિ શંકાસ્પદ હતી. માત્ર ઇજિપ્તની સરકારના પાગલપણ વિભાગના આંકડાઓ એકઠા કરવાની પદ્ધતિ ભૂલભરેલી હતી. ડૉ. જ્હોન અંગ્રેજી જાણતા ન હતા અને દરદી માનસિક ઉન્માદમાં જે જવાબો આપતાં તેનું ડૉ. જ્હોન સાચું અર્થઘટન કરી શકતા ન હતા.

ગાંજાના ફાયદા અને ગેરફાયદા વિશે નાની-મોટી વાતો ચાલતી રહેતી હતી, પરંતુ ૧૯૩૦ના દશકમાં અમેરિકાની સરકાર સામે એક નૈતિક ભય આવી ચડ્યો. મેક્સિકોમાંથી અમેરિકામાં આવતાં વસાહતીઓ ગાંજાનો મોટા પાયે વપરાશ કરતા હતા અને હિંસા આચરતા હતા. તેથી મોટા પાયે આક્ષેપો થયા કે ગાંજો મેક્સિકનોને હિંસા આચરવા પ્રેરે છે અને અમેરિકાનાં બાળકો પર તેનો કુપ્રભાવ પડે છે. બાળકોને ગાંજાની લત લાગે છે, પરંતુ કંઈક અસરકારક પગલાં છેક ૧૯૬૧માં લેવાયાં. તે વરસે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નશાકારક દવાઓ અને દ્રવ્યો બાબતમાં એક સહિયારી સમજૂતી થઈ હતી અને દવાઓ પર પ્રતિબંધ અને અંકુશ માટે એક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ત્યાં સુધી પરંપરાગત ઔષધીઓના નિર્માણમાં ગાંજાના વપરાશ બાબતે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. એ વખતે કહેવાયું હતું કે ગાંજામાં કોઈ ફાયદાકારક તત્ત્વો નથી અને હોય તો તે સીમિત માત્રામાં છે. ત્યાં સુધી કે ગાંજાને હેરોઇન જેવી એક ખતરનાક ચીજ જાહેર કરવામાં આવી અને તેના પર કડક અંકુશો લાદવાના પ્રયાસો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કેનાબિસ (ગાંજો) મારીજુઆના તરીકે પણ ઓળખાય છે. ભારતમાં ગાંજો વાવવા પર અને વેચવા પર પ્રતિબંધ છે, પરંતુ ગાંજા સાથે આધ્યાત્મિક મસ્તીને જોડવામાં આવી હોવાથી અધિકારીઓ તેના ઉપયોગ તરફ આંખ આડા કાન કરે છે. જંગલમાં મંદિરોના આશ્રમો, સાધુ બાવાઓની ઝૂંપડીઓમાં અને દૂરદરાજના અંતરિયાળ વિસ્તારમાં તેની ચોરીછૂપીથી ખેતી થાય છે. કાશ્મીરના ત્રાસવાદીઓ અને મધ્ય ભારતમાં નક્સલવાદીઓ તેની ખેતી કરી, શસ્ત્રો ખરીદવા માટે રકમ મેળવે છે. હિમાલયની ખીણોમાં, નેપાળ વગેરેમાં તેનું વાવેતર થાય અને ક્યારેક સૌરાષ્ટ્રના ખેડૂતના કપાસના ખેતરમાં પણ તે છૂટોછવાયો વાવેલો હોય. કપાસના છોડ જેવો જ દેખાતો હોવાથી ગાંજાનો છોડ જલ્દી પકડાતો નથી. અમુક રાજ્યોમાં સરકાર દવાના હેતુસર ગાંજો ઉગાડવાના લાઇસન્સ પણ આપે છે. રાજસ્થાનમાં અફીણ વાવવાના પરવાના અપાય છે.

ગાંજાના છોડનાં પાન, ડાળખીઓ, ફૂલો, બિયાં અને પાતળા થડ વગેરે તમામનો ભુક્કો કરીને તેનો પાવડર વપરાય છે. આંતરરાષ્ટ્રીય ભાષામાં તે પોટ, હેશ, વીડ અને બીજા ડઝનેક નામથી ઓળખાય છે. ગાંજાનું ધૂમ્રપાન થાય, તેની વરાળ, હુક્કા વડે લેવાય. બાવા લોકો તેનાં ભજિયાં કે પકોડા બનાવીને ખાય. તેની ચા બને, બીજા ખોરાકમાં મેળવીને ખવાય અને તેનો તેલ તરીકે પણ ઉપયોગ થાય.

નિષ્ણાતોના મત મુજબ ગાંજાના સેવનની પદ્ધતિ બદલાય તે મુજબ શરીર પરની તેની અસરો પણ બદલાય. જ્યારે ધૂમ્રપાન દ્વારા ફેફસાંમાં ગાંજાના ધુમાડા ભરવામાં આવે ત્યારે ફેફસાંમાં થઈને ગાંજાનાં એક્ટિવ તત્ત્વો તુરંત શરીરના લોહીમાં ભળી જાય છે અને માણસના મગજ તેમજ બીજા આંતરિક અવયવો અને ગ્રંથિઓ સુધી તેની તત્કાળ અસર પહોંચે છે, પરંતુ જો ગાંજાનું ખોરાક તરીકે અથવા પ્રવાહી સ્વરૃપમાં સેવન કરવામાં આવે તો તેની અસર શરૃ થવામાં થોડો વધુ સમય લાગે છે. ગાંજાના સેવન બાદ જુદા જુદા લોકોને જુદો જુદો અનુભવ થાય છે. લોકો ભિન્ન ભિન્ન પ્રકારની શારીરિક અને માનસિક અસરો અનુભવે છે. કેટલાંકને શારીરિક તકલીફો થાય છે. મગજમાં ખૂબ જ વિચિત્ર અનુભવો થાય. વધારે અસર થાય તો વ્યક્તિ શરમ નેવે મૂકીને જોર જોરથી રડે છે. ઘણા હસ્યા કરે તો સતત અકારણ હસ્યા કરે. ઘણાને ઊંડી શાંતિ, હળવાશનો અનુભવ થાય. પોતાનું શારીરિક દર્દ શમી ગયેલું જણાય. આમ ગાંજા સેવનની અનેકવિધ ફળશ્રુતિ હોવાથી તેની અસર વિશે હંમેશાં વિવાદ ચાલતો રહે છે. કોઈકને સારી અને કોઈકને ખરાબ.  સારી થાય તે વખાણ કરે.

ગાંજો લોહીમાં ભળે ત્યારે તેમાંનું ટીએચસી તત્ત્વ માનવીના મગજની માહિતી પ્રોસેસ કરવાની વ્યવસ્થા બદલાવી નાખે છે. પરિણામે મગજ સાચા નિર્ણયો લઈ શકતું નથી. ટીએચસીના પ્રભાવને કારણે મગજમાં ડોપામાઈન નામનું ખુશીનું ન્યુરોટ્રાન્સમીટર તત્ત્વ વધુ વહેતું થાય છે અને તેથી માણસને સાર્વત્રિક આનંદ, ઉલ્લાસ અને ઉન્માદ છવાયેલાં લાગે. એના શરીરની ઇન્દ્રિયોની સંવેદના શક્તિ પણ ખૂબ વધી જાય છે. તે અમસ્થી વાતોમાં વધુ આનંદ અનુભવે, પણ દર વખતે એવું જ બને તેવું નથી. ઘણાની ચિંતાઓ ઓછી થઈ જાય તો કેટલાકની ખૂબ વધી જાય. ગાંજાના કારણે આંખોની આસપાસનું લોહીનું દબાણ ઓછું થઈ જાય અને તેથી ગ્લુકોમા જેવી બીમારીના હંગામી સમય માટે રાહતનો અનુભવ થાય છે. તેનાથી વિપરીત, ગાંજામાંના ટીએચસીને કારણે આંખો લાલ થઈ જાય છે. આંખોમાંની લોહીની નલિકાઓ પહોળી થાય તેથી આવું બને.

ગાંજો પીવાથી અનેક લોકોના હૃદયના ધબકારા અચાનક વધી જાય છે અને તે લાંબો સમય ચાલે છે. ગાંજાથી ભૂખ ઊઘડે છે જે એઇડ્સના અને કૅન્સરના દર્દીઓ માટે ઉપયોગી પુરવાર થાય છે, પણ જેઓ વજન ઘટાડવા માગતા હોય તેમના માટે આ આડઅસર આવકાર્ય નથી. જેઓ પર કૅન્સરના ઇલાજ માટે કિમોથેરપી ચાલી રહી હોય તેમના માટે ગાંજો મદદરૃપ નીવડે છે. ઉધરસ અને વોમિટ અટકી જાય છે. તે માટેની લાગણીઓ પણ બંધ થઈ જાય છે. ગાંજાથી શરીરની અંદરના સોજા પણ બેસી જાય છે અને તેથી શારીરિક પીડાઓ બંધ થઈ જાય છે. અમેરિકામાં ઓપીઓડ દવાનું લોકોને વળગણ (લત) થઈ પડ્યું છે. તેઓનો શરીરનો દુખાવો નુકસાનકારી દવાઓથી મટે છે. તેઓ દવાના અભાવમાં ગાંજાનું ગેરકાયદે સેવન કરતા થયા છે. લાંબા સમયના ઉપયોગ બાદ ગાંજાનું પણ વ્યસન લાગુ પડી શકે છે, પણ અફીણ જેવું પ્રબળપણે લાગુ પડતું નથી.

Related Posts
1 of 262

મગજના હિપોકેમ્પસ પ્રદેશમાં માહિતીનું પ્રોસેસિંગ થાય. શરીરની પાંચેય ઇન્દ્રિયોને જે ડેટા મળે તે માહિતી કહેવાય. ગાંજાના ટીએચસીને કારણે આ પ્રોસેસિંગમાં ફેરફારો થાય અને છેવટે તેનાથી યાદશક્તિ ઘટે છે. ગાંજાના સેવનનો હાલના સમયમાં એક મહત્ત્વનો ફાયદો ગણાવાઈ રહ્યો છે અને તે એ છે કે તેનાથી ડિપ્રેશનમાં રાહત મળે છે. ડિપ્રેશનનાં લક્ષણો દૂર થાય છે અથવા હળવા થાય છે. કદાચ આ ફાયદાથી સાધુ લોકો, સંસાર અને સમાજથી દૂર, વગડામાં જીવન ગાળી શકતા હશે! પરંતુ ગાંજાનું સેવન બંધ કરી દેવાથી ડિપ્રેશન વધવાનો અનુભવ થાય છે.

ગાંજાના સેવનથી વોમિટ અને ઉમસ માટેની ઇચ્છા હળવી બનતી હોવાથી પશ્ચિમનાં દેશોની સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન ખાનગીમાં ગાંજાનું સેવન કરી લેતી હોય છે. ઘણી સ્ત્રીઓ તબીબ પાસે આવીને ટીએચસી ડ્રગ્સ લખી આપવાની માગણી કરે છે. આ દવાથી માતાને રાહત જણાય, પણ ગર્ભમાંના બાળકના મગજના વિકાસ પર તેની ગંભીરપણે ખરાબ અસર પડે છે. તેના વિષે વિવાદ ચાલે તેમાં તબીબો સગર્ભા માતાઓને ગાંજાના સેવનથી દૂર રહેવાની સલાહ આપતા રહે છે.

ગાંજાના ધૂમ્રપાનને કારણે મોઢું અને ગળું આવી જાય, બળતરા થાય, બ્રોન્કાઈટીસ થવાનું જોખમ વધે, કફ થાય. ગાંજાના ધુમાડામાં કેટલાક ઝેરી અને કૅન્સરકારક રસાયણો હોય છે જે તમાકુના ધુમાડાની માફક નુકસાન કરે. કૅન્સરનું જોખમ વધે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટે. ગાંજાને કારણે મગજની ચેતના, સંયોજન અને સમતુલા શક્તિને હાનિ પહોંચે છે. મગજ અને શરીર ઝડપથી પ્રતિસાદ આપતાં નથી. ક્રિયાઓ ધીમી પડી જાય છે. આ કારણથી કાર ચલાવવી વગેરે આવડતો શિથિલ બને છે. કાર ચલાવવાનું જોખમી બને છે.

એક એવું સંશોધન થયું છે કે ગાંજાના પ્રભાવમાં શરીરમાંની કોઈ કૅન્સરજન્ય અથવા કૅન્સરકારક ગાંઠ (ટ્યુમર) મટી જાય છે, કારણ કે ટીએચસી આખા શરીરમાં લોહી સાથે પરિભ્રમણ કરતું હોય છે. જોકે હજી એ પુરવાર થયું નથી કે ગાંજા અને કૅન્સરના જોખમ વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ?

અમેરિકાનાં અમુક રાજ્યોમાં દવા તરીકે ગાંજો લેવાની છૂટ છે જ્યારે અમુક રાજ્યોમાં દવા ઉપરાંત હળવાશ અનુભવવા કે ખુશ રહેવા માટે પણ ગાંજો લેવાની છૂટ છે. થોડાં વરસો અગાઉ ગાંજા પરના અંકુશો દૂર કરવાની પશ્ચિમના સમાજમાં અને લોબીઓમાં માગ ઊઠી ત્યારે એ દલીલો થઈ હતી કે તમાકુનું સેવન શરીર માટે દરેક રીતે નુકસાનકારક છે. તેનો શરીરને કોઈ ફાયદો નથી છતાં તમાકુના ધૂમ્રપાન પર કોઈ રોકટોક નથી અને ગાંજાનું સેવન કેટલીક બાબતોમાં શરીર માટે લાભકારક છે છતાં સરકારોએ તેના પર પ્રતિબંધ મુકી રાખ્યો છે? આવું કેમ? આ સવાલના જવાબમાં જે-તે સરકારોએ તથ્યો, તારણો અને પરિસ્થિતિ ચકાસીને ગાંજાના સેવનને અનુમતિ આપી છે. ગાંજાના સેવનથી મોટો ખતરો એ છે કે તમાકુના સેવનથી માણસ ગમખ્વાર અકસ્માતો સર્જતો નથી, પણ ગાંજાના સેવનથી ભીષણ અકસ્માતો ઘટી શકે. ક્રેઈન ઓપરેટરો, ડ્રાઇવરો, મોટરમેન વગેરે ગાંજાનું સેવન કરવા માડે તો? દારૃ તકલીફ આપે છે, તેમાં ગાંજો ભળે.

ગાંજા પર હમણા સુધી પ્રતિબંધો હતા. તેથી અમેરિકા અને અન્ય વિકસિત દેશોમાં તેની અસરો વિશેના સચોટ અભ્યાસો થઈ શક્યા નથી. ગાંજો ગેરદાયદે હતો તેથી લોકો પરની તેની લાંબા ગાળાની અસર માપવાનું અશક્ય પણ હતું અને શક્ય બનાવવું હોય તો ખૂબ ખર્ચાળ પણ હતું, પરંતુ હમણાનાં વરસોમાં ગાંજાના ઔષધીય તત્ત્વોની સ્વીકૃતિ થઈ રહી છે. હમણા સુધીમાં વૉશિંગ્ટન ડીસી ઉપરાંત અમેરિકાનાં બીજા ૩૧ રાજ્યોએ ઔષધીય ગાંજાને અમુક અંશે કાયદેસરતા આપી છે. ગાંજામાં ટીએચસી ઉપરાંત ‘કેનાબિડિયોલ’ (સીબીડી) નામનું અન્ય ઔષધીય તત્ત્વ હોય છે. જુદી જુદી સારવારોમાં તે મદદરૃપ બને છે. અમેરિકાનો આરોગ્ય વિભાગ, જે ‘નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ’ (એનઆઈએચ) તરીકે ઓળખાય છે તેના દ્વારા સંશોધનો માટે મોટી રકમ ફાળવવામાં આવી છે અને હાલમાં સંશોધનો ચાલુ છે. અમેરિકાનાં ૧૧ રાજ્યોએ મોજમજા (રિક્રિએશનલ)ના હેતુસર પણ ગાંજાના વપરાશને કાયદેસર બનાવ્યો છે. અમેરિકામાં લગભગ તમામ નાગરિકો ઇચ્છે છે કે ગાંજા બાબતમાં અલગ-અલગ રાજ્યો અલગ-અલગ કાનૂન ઘડે તેને બદલે સમગ્ર દેશ માટે અમેરિકાની કેન્દ્ર સરકાર એક જ કાયદો ઘડે. આર્કવ્યુ માર્કેટ રિસર્ચ અને બીડીએસ એનાલિટિક્સ નામની સંસ્થાઓ કેનાબિસ બિઝનેસને મોનિટર કરે છે. તેમના મતે ૨૦૨૪માં અમેરિકાનાં તમામ રાજ્યોમાં ગાંજાનો ઔષધીય ઉપયોગ કાયદેસર બની જશે અને અરધાથી વધુ (૨૫થી વધુ) રાજ્યોમાં આનંદ-ઉલ્લાસ માટે ગાંજાના વપરાશની છૂટ મળશે.

ગાંજાનો ઔષધીય ઉપયોગ અમેરિકા સિવાયના અન્ય દેશોમાં પણ સત્તાવાર બનાવવામાં આવી રહ્યો છે. ગાંજા સામેનો વિરોધ ધીમે ધીમે ઘટી રહ્યો છે તેથી તેને કાયદેસરતા બક્ષવાનું સરકારો માટે આસાન બની ગયું છે. લેટિન અમેરિકાના આર્જેન્ટિના, કોલોમ્બિયા, મેક્સિકો, ચીલી, પેરુ, જમૈકા અને ઉરુગ્વાય વગેરેમાં પણ તેના ઔષધીય ઉપયોગને કાયદેસર બનાવાયો છે.

પીડાશામક અને ખુશીવર્ધક હોવાને કારણે ગાંજો આદિકાળથી વ્યાપકપણે લોકપ્રિય છે. આજે દુનિયામાં તે સૌથી વધુ ઉગાડવામાં અને વપરાશમાં લેવાતું ગેરકાનૂની ડ્રગ્સ છે. આજે તે દુનિયાના લગભગ તમામ દેશોમાં ઉગાડવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના અંદાજો અને ગણતરી પ્રમાણે સમગ્ર દુનિયામાં આજે લગભગ ૨૭ કરોડ લોકો ગેરકાનૂની નશીલા પદાર્થો અને ડ્રગ્સનું સેવન કરે છે તેમાંના ૧૯ કરોડ લોકો ગાંજાનું સેવન કરે છે. માનવીના શરીરમાં એન્ડોકેનાબીનોઈડ્સ નામના રાસાયણિક મોલેક્યુલ્સ પેદા થતા હોય છે અને ગાંજાનું જે ટીએચસી તત્ત્વ, જે માણસને નશો આપે છે તે બંને વાસ્તવમાં એક સરખા જ પદાર્થો અથવા રસાયણો છે. માનવીના મગજમાં રિસેપ્ટરો અને ન્યુરોટ્રાન્સમીટરોનું એક નેટવર્ક હોય છે, તે આ મોલેક્યુલ્સ (તત્ત્વો)ના સંપર્કમાં આવવાથી ત્વરિત અને મોટો પ્રતિભાવ આપે છે. માનવી દ્વારા લેબોરેટરીમાં આવા કૃત્રિમ રસાયણનું નિર્માણ થઈ શકે છે. મગજ તેને પણ સારો પ્રતિભાવ આપે છે. શરીરની એન્ડોકેનાબિનોઈડ સિસ્ટમ શરીરની પીડાઓ, મૂડ, ભૂખ, માનસિક તનાવ, ઊંઘ અને યાદશક્તિ વગેરે તમામ ક્રિયાઓનું નિયમન અને સંચાલન કરે છે. આજ સુધીમાં કેનાબિસ સતિવા અર્થાત ગાંજામાં ૧૪૪ જેટલા વિવિધ પ્રકારનાં કેનાબિનોઈડ્સ મોલેક્યુલ્સ મળી આવ્યાં છે અને ગાંજામાંથી હજી નવાં નવાં દ્રવ્યો મળી રહ્યાં છે. તેમાં, જે સૌથી જાણીતું અને મહત્ત્વનું છે તે, આગળ લખ્યું તે પ્રમાણે, ટીએચસી છે. બીજું દ્રવ્ય કેનાબિડિયોલ (સીબીડી) છે. તેનાથી નશો ચડતો નથી, પરંતુ તેના બીજા ઉપયોગો છે. દવા નિર્માણ માટેના નિયમો, કરારો અને કાનૂનોએ ગાંજા વિષેનાં સંશોધનોમાં હંમેશાં બાધા ઉત્પન્ન કરી છે, પરંતુ વરસો સુધી દરદીઓ પર થયેલી ક્લિનિકલ ટ્રાયલો તેમજ બીજા પ્રયોગોમાં જણાયું કે કેનાબિસ દ્વારા એક મોટી રેન્જમાં દરદો, બીમારીઓ અને શારીરિક કન્ડિશન્સનું અસરકારક નિવારણ થઈ શકે છે. મલ્ટિપલ સ્કલેરોસિસમાં સ્નાયુઓનો દુખાવો, કિમોથેરપી બાદનું વમન અને ઉમસ (નોસિયા), બીજી સારવાર સામે મચક ના આપે તેવી વાઈ કે મિરગી અને વયસ્કોને થતાં ક્રોનિક દુખાવામાં કેનાબિસ અસરકારક પુરવાર થાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કેનાબિસ પૂર્ણપણે જોખમ-મુક્ત છે. દસ વપરાશકારોમાંથી એક જણને તેનું વ્યસન લાગુ પડે છે. જો વધુ શક્તિ ધરાવતા ગાંજાનું વધુ પડતું સેવન થઈ જાય અથવા ખૂબ લાંબા સમયગાળા સુધી સેવન કરાય તો માનસિક બીમારી અને ગાંડપણ લાગુ પડવાનું જોખમ રહે છે. કિશોર અને તરુણવયે સેવન કરાય તો મગજનો વિકાસ કુંઠિત થઈ શકે છે. સાધારણપણે મનની પ્રસન્નતા અને આનંદપ્રમોદ માટે ગાંજાનું મોટા પાયે સેવન કરાય છે છતાં હકીકત છે કે તે મુજબ તેનું નોંધપાત્ર નુકસાન થતું નથી. આ કારણથી હવે પશ્ચિમ સિવાયના દેશો પણ તેને માન્યતા આપી રહ્યા છે. હમણા સુધી દુનિયાના ૩૦ દેશોએ ગાંજાના ઔષધીય વપરાશને કાયદેસર બનાવ્યો છે. અમેરિકા ઉપરાંત યુરોપના કેટલાક દેશોએ ઔષધ ઉપરાંત રિક્રિએશન માટે પણ ગાંજાના વપરાશને માન્ય કર્યો છે. જર્મની, ફ્રાન્સ અને બ્રિટને હમણા તેના ઉપયોગને દવા પૂરતો સીમિત રાખ્યો છે.

ઔષધીય વપરાશ માટે ગાંજાને કાયદેસર બનાવવામાં આવે તો દરદીઓને તેનો કાયદેસર પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જે-તે દેશની સરકારોને ફરજ પડે. એક વખત આ ચેઇન ઊભી થાય પછી મનની પ્રસન્નતા માટે સેવન કરવાની પ્રવૃત્તિ પણ વધી શકે. એક વખત દાદીમા કે દાદા આર્થરાઈટીસની પીડા શમાવવા માટે ગાંજો પીતાં થાય પછી દાદા કે બીજા પ્રસન્નતા માટે પીએ છે કે પીડા માટે તે કેવી રીતે નક્કી કરવું? પીડા દૂર થાય અને પછી નશો અને તેની પ્રસન્નતા પ્રાપ્ત થાય તો શું તેને દૂર કરવી? આ દલીલોનો આશરો લઈ ગાંજાના ચાહકો તેને પૂર્ણપણે વપરાશ માટે મુક્ત બનાવાય તેવો આગ્રહ રાખે છે. અમેરિકા અને બીજે તેને પૂર્ણપણે કાયદેસર બનાવવાના પક્ષમાં બીજી દલીલો રજૂ થાય છે. તે મુજબ, જો ગાંજાના વપરાશની અંશતઃ છૂટ હોય અને બીજા અંકુશો યથાવત્ હોય તો તેના અમલ માટે કોર્ટ, કચેરી, પોલીસ અને બીજી વ્યવસ્થાઓ કરવી પડે. મોટી સંખ્યાના વપરાશકારોને ગુનેગાર ઠરાવવાની ઊંચી સામાજિક તેમજ ન્યાયિક કિંમતો ચૂકવવી પડે. પ્રોફિટ અને કરવેરાના માળખાનું સરકારે નિયમન કરવું પડે, પરંતુ આ બધી સગવડતાઓ કે અગવડતાઓ કરતાં પણ મોટી બાબત એ છે કે જો દરદીઓની પીડા અને તકલીફો મટતાં હોય તો તે સૌથી આવકારદાયક છે. અમેરિકામાં અને બીજા દેશોમાં કેટલીક સરકારો અને કેટલીક વીમા કંપનીઓ કેનાબિસ દવાઓનો ખર્ચ દરદીઓને ભરપાઈ કરે છે. જર્મનીમાં ૧૬૦૦૦ દરદીઓને વીમા કંપનીઓ દ્વારા ક્રોનિક દુખાવા માટે અને કેટલાકને ‘અટેન્શન-ડેફિસિટ ડિસ્ઓર્ડર’ માટે વીમા કંપનીઓ દ્વારા કેનાબિસ દવાઓ પૂરી પાડવામાં આવે છે. ૨૦૧૭માં જર્મનીની એક અગ્રણી વીમા કંપનીએ લગભગ પોણા ત્રણ કરોડ અમેરિકી ડૉલર, ગાંજાની દવાઓ ખરીદવા પાછળ વાપર્યા હતા અને કંપનીએ લગભગ ૬૫ ટકા દાવાઓ માન્ય રાખ્યા હતા. આ વરસમાં યુરોપિયન પાર્લિયામૅન્ટે ‘મેડિકલ પોટ’ વધુ સરળતાથી ઉપલબ્ધ બને તે માટે ઠરાવ પસાર કર્યો હતો. ત્યાં સુધી કે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ગાંજા પરના અંકુશોને વધુ હળવા બનાવવા ચાહે છે જેથી તેનો ઔષધોમાં વ્યાપક ઉપયોગ તેમજ નવાં સંશોધનો શક્ય બને. એવા દેશોએ મેડિકલ ગાંજાને છૂટ આપી છે જ્યાં તેને છૂટ મળી તેવી શક્યતા ઓછી હતી, જેમ કે દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને ઝિમ્બાબ્વે.

દુનિયામાં ડ્રગ્સ પર અંકુશો મૂકતા કાયદાઓનું યોગ્ય પાલન થાય તે માટે કામ કરતી ‘ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કન્ટ્રોલ બોર્ડ’ (આઈએનસીબી)ને એ વાતનું દુઃખ છે કે મેડિકલ કેનાબિસ માટેની યોજનાનું યોગ્ય પાલન થતું નથી. તેનો અમલ નબળી રીતે થાય છે. ઔષધીય હેતુઓ માટેનો ગાંજો પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે વાપરી નાખવામાં આવે છે. બંને પ્રકાર માટે ગાંજાને અલગ-અલગ રાખવાનું મુશ્કેલ છે. માટે જ તેને આંશિકને બદલે પૂર્ણપણે કાયદેસર બનાવવો જોઈએ. તેમ કરવાથી ડ્રગ્સ કાર્ટેલો, સિન્ડિકેટો અને ટોળકીઓ ઊભી નહીં થાય અને ગાંજાના ધંધાને ગુનાખોરીમાં પલટાવી નાખવામાં નહીં આવે તેવો આગ્રહ ગાંજાના તરફદારો રાખે છે.

વરસ ૨૦૧૩માં સૌ પ્રથમ ઉરુગ્વાયે ગાંજાને લિગલ બનાવી નવો માર્ગ ખોલ્યો હતો, પરંતુ તેમાં જરૃરી સુધારા-વધારા કેનેડામાં થયા. ગયા વરસે કેનેડાએ કેનાબિસને પૂર્ણપણે કાનૂની બનાવ્યો. કેનેડાએ કારણ આપ્યું કે નિયંત્રિત, પરંતુ કાયદેસરના વેપારને કારણે ગાંજાના કાળા બજાર નહીં થાય તેમ જ ગાંજો ખરીદવા માગતા યુવાનોનું રક્ષણ થશે, પરંતુ કેનેડાના આ વલણને કારણે યુનાઈટેડ નેશન્સના વિયેના કાર્યાલયમાં શાબ્દિક લડાઈઓ થઈ હતી. કેનેડા પર આક્ષેપ થયો કે તેણે ડ્રગ-કન્ટ્રોલ સિસ્ટમને હાનિ પહોંચાડી છે. કેનેડા સરકારમાં ગુનાખોરી ઘટાડવા માટેનું મંત્રાલય સંભાળતા બિલ બ્લૈર નામક પ્રધાને એ સ્વીકાર કર્યો કે કેનેડાએ કાનૂની મર્યાદાઓ સ્વીકારી નથી, પણ જે અભિગમ અપનાવ્યો છે તે સૈદ્ધાંતિકપણે સંપૂર્ણ સાચો છે.

દુનિયાના ઘણા મહત્ત્વના દેશો હજી પણ ગાંજાની બાબતમાં કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી. જેમ કે રશિયા અને ચીન વગેરે. આ બાબતમાં હજી જાગતિક એકમતિ સાધી શકાઈ નથી. પરિણામે નવા કાયદાકાનૂનો કે સંધિ કરારો ઘડાતા નથી. ત્યાં સુધી કે યુનોમાં આ મુદ્દા પર બે ભાગ પડી ગયા છે. ‘હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ’ તેમજ યુનોની બીજી સંસ્થાઓ માનવ અધિકારો બાબતે ચિંતિત છે. વપરાશ પર કડક અંકુશો મુકીને તેને સામાન્ય નાગરિકોની પહોંચ બહાર રાખવો ના જોઈએ તેવી સંસ્થાની દલીલ છે. તે સામે આઈએનસીબી અને યુએન ઑફિસ ઓફ ડ્રગ-કન્ટ્રોલ વર્તમાન સ્થિતિમાં કોઈ ફેરફાર કરવા સામે વિરોધ નોંધાવે છે, પરંતુ દુનિયામાં હવાની રૃખ બદલાઈ છે તેની નોંધ આ સંસ્થાઓ લેતી નથી. થોડા સમયમાં મેક્સિકો, લક્ઝમબર્ગ અને ન્યૂઝીલેન્ડ વગેરે ગાંજાના વપરાશને મુક્ત બનાવવા અને સ્વપ્રસન્નતા માટે પણ મુક્ત બનાવવા માગે છે. ન્યૂઝીલેન્ડમાં લોકોનો મત જાણવા જનમત લેવાની યોજના છે.

ગાંજાને કારણે પુરુષોની સમાગમ અને સ્તંભન શક્તિ ઘટે છે. તબીબી ભાષામાં તેને ‘ઇરેક્ટાઇલ ડિસ્ફંકશન’ કહે છે, પરંતુ તેનાથી વિપરીત ઘણા લોકો ગાંજાની અસરમાં કામાવેગ અનુભવે છે. કેટલાકમાં કામવેગ રહેતો જ નથી. બાવા, સાધુ વગેરે તેનું વધારે સેવન એ આશયથી કરે છે કે કામ જાગે નહીં. ગાંજાનો રોજ વપરાશ કરતા લોકોમાં વીર્યસ્ખલનની તકલીફ પેદા થાય છે. ગાંજાથી પુરુષોમાં ગાયનેકોમેસ્ટીઆ નામની તકલીફ પેદા થાય જેમાં ગાંજાના પ્રભાવને કારણે પુરુષના શરીરમાં હોર્મોન્સની અસમતુલા સર્જાય છે અને પુરુષની છાતી વધે છે. જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય તેમણે ડૉક્ટરને પૂછીને ગાંજો લેવો, કારણ કે ગાંજો લોહીને વધુ પાતળું બનાવે અને બ્લિડિંગની તકલીફ શરૃ થઈ શકે. ગાંજાથી ઈન્સ્યુલિનના પ્રમાણમાં ફેરફાર થાય અને તેથી લોહીમાંની સાકર પર તેની અવળી અસર થઈ શકે છે. ઊંઘવાની કે ડિપ્રેશન, એન્ક્ઝાઈટી માટેની દવાઓ લેતા હોય તે લોકો મારીજુઆના લેવાથી વધુ આળસ અને અચેતન અનુભવે છે. ગાંજો લેવાથી વાયગ્રાની ગોળીની બરાબર અસર થતી નથી. ટૂંકમાં જેમને ગાંજાની ટેવ હોય એમણે બીજી દવાઓ ડૉક્ટરને પૂછીને લેવાની ટેવ પાડવી. અમેરિકાના લગભગ તમામ પૂર્વ પ્રમુખો જેવા કે રોનાલ્ડ રીગન, બરાક ઓબામા, જ્યોર્જ વોશિંગ્ટન, થોમસ જેફરસન, ટોચના કલાકારો અને લગભગ તમામ લોકો પોટ એટલે કે ગાંજો પીતા હતા અથવા પીઈ ચૂક્યા હતા. તેમાંય લેખક નોર્મન મેઈલરે ગાંજાની કાવ્યાત્મક અને આધ્યાત્મિક ભાષામાં પ્રશંસા કરી છે. એમણે લખ્યું છે કે નશો કર્યા બાદ દરેક પળનું મહત્ત્વ સમજાય છે, પળ બદલાય તેનો પણ અહેસાસ થાય. વ્યક્તિ પોતે પોતાની હાજરી, પોતાનું અસ્તિત્વ અનુભવે છે. વ્યક્તિને પ્રચંડ નિરર્થકતાની હાજરીનો અનુભવ થાય છે. આપણી એકમેકની વચ્ચે ચાલતાં યુદ્ધો બાબતમાં સભાનતા આવે છે. આપણામાં કશું નથી અને માત્ર નિરર્થકતા જ ભરેલી છે છતાં તેનો ઉપયોગ આપણે બીજાઓ પર હુમલાઓ કરવામાં કરીએ છીએ. બીજાઓ પોતાની નિરર્થકતાઓ, શૂન્યતાનો ઉપયોગ આપણા પર પ્રહાર કરવામાં કરે છે, એવા જ્ઞાનની પ્રતીતિ થાય છે તેમ મેઈલર લખે છે.

આટલી હદે આધ્યાત્મિક ચેતના જાગતી હોય તો ગાંજો સારો કહેવાય, પણ અમારા એક સદાબહાર હસતા રહેતા મિત્ર ચુનીલાલે અમારી સામે એક મંદિરમાં ગાંજો ફૂંક્યો પછી આખી રાત મોટેથી રડ્યો હતો. ઠંડા પાણીનાં માટલાં તેના માથા પર  ઢોળવા પડ્યાં હતાં. અમને યાદ છે કે અમારા એક સગાએ જુવાનીમાં ગાંજો પીધો હતો અને પાગલ બની ગયા હતા. એવી પણ શંકા છે કે પછી એ ક્યારેય ઠીક થયા ન હતા. માટે જરૃરી નથી કે બધાને નોર્મન મેઈલર જેવા જ અનુભવ થાય. કદાચ દમ મારીને કે ભજિયાની ચટણી બનાવીને નોર્મન બની જવાય, પણ પછી નોર્મલ બનવું મુશ્કેલ છે. માટે બોલો, સુબહ શામ, હરે કૃષ્ણ, હરે રામ!
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »