તમારા માટે, તમારી સાથે, સતત…

‘આંટી, તમ તમારે જાવ. કુલદીપનું ધ્યાન હું  રાખીશ.

પણ આઠ વરસનો કુલદીપ તેના જેવડી જ જાનકીના હાથનો માર ખાવા થોડો ઊભો રહેવાનો હતો?

0 674

‘એક અધૂરી વાર્તા’ નવલકથા –  પ્રકરણ-૩

નીલમ દોશી   હરીશ થાનકી

પ્રકરણ -2નો સાર

ઇવાનું સ્ત્રીસહજ વર્તન

ડૉ. કુલદીપ દેશના અગ્રગણ્ય વિજ્ઞાની. વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા ઇરોના ચૅરમેન. લેબોરેટરીમાં આબેહૂબ માનવ જેવા રૉબોટના સર્જનમાં તેમને સફળતા મળી. માનવીય સંવેદનોથી સભર એક સુંદર સ્ત્રીના રૉબોટને તેમણે નામ આપ્યું ઇવા. ઇવા જાતે જ પોતાનું નામ બોલી. અને પછી ડૉ. કુલદીપને પૂછ્યું, ‘આપ કોણ?’ આશ્ચર્યચકિત ડૉ. કુલદીપે નોંધ્યું કે તેમના દ્વારા નિર્મિત રૉબોટ ઇવાનું સંવેદના અનુભવતું સોફ્ટવેર બરાબર કામ કરી રહ્યું છે. ઇવા ફરી તેમનો પરિચય પૂછે છે. ડૉ. કુલદીપને ભાન થયું કે ઇવાનું માઇન્ડ અત્યારે નવી ઇન્ટ્રોડક્ટરી મેમરી એકત્ર કરે છે. એટલે તેમણે પરિચય આપતાં યંત્રમાનવ રૉબોટના નિર્માણનો પણ ઉલ્લેખ કર્યો. રૉબોટ એટલે શું?’ ઇવાએ પૂછ્યું અને ડૉ. કુલદીપને ભાન થયું કે હવે તેઓ ચીલાચાલુ રૉબોટ સાથે નહીં, પણ સંવેદનાયુક્ત યંત્રમાનવ સાથે કામ કરી રહ્યા છે. ઇવાના પ્રશ્નો ડૉ. કુલદીપને મૂંઝવવા લાગ્યા. ઇવાએ પૂછી નાખ્યું – સર, હું રૉબોટ છું?’ ડૉ. કુલદીપે હા પાડી એટલે ઇવાએ કહ્યું, ‘હંુ રૉબોટ છું, રિયલ વુમન નથી એવું હમણા કોઈને કહેશો નહીં. મને એક સ્ત્રી તરીકે જીવવાનો હક્ક આપો.ડૉ. કુલદીપે ઇવાના મસ્તકને ચૂમીને સ્વીકૃતિ આપી. બંનેની આંખમાંથી હર્ષાશ્રુ વહ્યાં. કુલદીપ ઇવાને મંદિરે લઈ ગયા તો ઇવાએ ધાર્મિક ભાવના ધરાવતી સ્ત્રીની માફક વર્તન કર્યું. ઇવાની રૉબોટ હોવાની મેમરી ડિલીટ કરી કુલદીપે તેને કહ્યું કે, તે એક મિત્રની પુત્રી છે અને તેનાં માતા-પિતા અકસ્માતમાં મૃત્યુ પામતાં તે તેને પોતાને ઘેર લઈ આવ્યા છે. ઇવાએ આશ્રય આપવા બદલ ડૉ. કુલદીપનો આભાર માન્યો. અને ઇવાએ ડૉ. કુલદીપને પૂછી નાખ્યું – સર, તમે એકલા જ  છો? તમે લગ્ન નથી કર્યાં?’

અને ડૉ. કુલદીપ યાદોમાં સરી પડ્યા…

હવે આગળ વાંચો…

જાનકી..એ નામ વરસો વીતી ગયા છતાં કુલદીપ કદી ભૂલી શક્યા નહોતા અને છતાં ક્યારેય એ નામ પોતાના હોઠ પર લાવ્યા  પણ નહોતા. એ નામના સ્મરણ સાથે એક ગોળમટોળ, સહેજ શ્યામલ ભોળોભટાક ચહેરો આ પળે એમની બંધ આંખો સામે  તરવરી રહ્યો. માછલી જેવી આંખો, તેલ નાંખી ચિપકાવીને ઓળેલા વાળ. વાળની વચ્ચોવચ સડક જેવી પાંથી અને બે ચોટલાને છેડે લટકતી રિબિનના ફૂમકા…  અત્યારે બાજુમાં ઇવા બેઠી હતી એ કુલદીપ ભૂલી ગયા. એમનું મન વરસો કૂદાવીને ભૂતકાળની સફરે ચાલી નીકળ્યું.

‘એય દીપ, હવે તેં મારો ચોટલો ખેંચ્યો છે ને તો માર ખાઈશ હોં.’

નીલી આંખો નચાવતી જાનકી હસતી ઊભી હતી.

‘જોઈ મોટી મારવાવાળી..’ કુલદીપ પણ મસ્તીએ ચડ્યો હતો.

‘એમ રોફ મારે છે? ઊભો રહે..’ ને એ દોડી.

પણ આઠ વરસનો કુલદીપ તેના જેવડી જ જાનકીના હાથનો માર ખાવા થોડો ઊભો રહેવાનો હતો? ગુસ્સે ભરાયેલી જાનકી કુલદીપ સુધી પહોંચે એ પહેલાં તો કુલદીપ દૂર દોડી જતો. જાનકી તેની પાછળ ભાગતી પણ ક્યારેય તેને પકડી શકતી નહીં અને આજે…!

આજે કુલદીપ ગમે તેટલું દોડે તો પણ જાનકીને ક્યારેય પકડી શકે તેમ નથી. હા, જાનકીની યાદોને તેણે પકડી રાખી છે. હૈયાસરસી જકડી રાખી છે. ક્યારેય એનાથી અળગા થઈ શકાયું નથી. થવું પણ શા માટે જોઈએ!

ફરીથી બંધ આંખે કુલદીપ સામે બીજું એક દ્રશ્ય તરવરી ઊઠ્યું. તેમના ચહેરા પર આ પળે પણ એક હળવા સ્મિતની લહેરખી અનાયાસે ફરી વળી.

કુલદીપ જાનકીની મસ્તી કરવાનું કદી ચૂકતો નહીં. મોટેભાગે આસપાસ કોઈ ન હોય ત્યારે જ એની મસ્તી, એના નખરા ચાલુ થતાં. કેમ કે કુલદીપની છાપ ઘરમાં, સ્કૂલમાં અને પાસપડોશમાં એક સિન્સિયર, શાંત અને ઓછાબોલા છોકરા તરીકેની હતી. એવો છોકરો, જેને ફક્ત એના પિતાની જેમ કામમાં જ રસ હતો.

હકીકતે એ હતો પણ એવો જ! પરંતુ જાનકીની હાજરીમાં એ સાવ બદલાઈ જતો.

કારણ કે જાનકી વધારે પડતી ચંચળ, મસ્તીખોર અને નખરાળી હતી. હવા સાથે વાતો કરે એવી જાનકી કુલદીપને પણ પોતાના રંગમાં રંગી દેતી. જાનકીની હાજરીમાં કુલદીપ પણ આપોઆપ મસ્તીખોર બની જતો.

સ્મૃતિઓનો પટારો ખૂલ્યો હતો.

કુલદીપની બંધ આંખો પાછળ એક પછી એક ઘટનાઓ તરવરી રહી. હૈયાના રંગમંચ પર એક પછી એક દ્રશ્યો જીવંત થતાં જતાં હતાં. કુલદીપ જાણે અત્યારે એક પ્રેક્ષક બની તેને જોઈ રહ્યો હતો.

‘એકવાર ના પાડીને કે તારે ઊઠવાનું નથી.’

બાર વરસની જાનકી એ દિવસે સત્તાવાહી અવાજથી કુલદીપને ધમકાવી રહી હતી.

કુલદીપને ચાર દિવસથી તાવ આવતો હતો. સૂઈ સૂઈને સ્વાભાવિક રીતે જ તે કંટાળી ગયો હતો. હવે તેને બહાર રમવા જવાની ઇચ્છા થતી હતી, પણ જાનકીના કડક ચોકી પહેરામાંથી છટકવું જરા પણ આસાન નહોતું. સ્કૂલમાં પૂરા આઠ દિવસની રજા હતી. રજાના દિવસોમાં આમ સૂઈ રહેવું કુલદીપને જરા પણ નહોતું ગમતું.

જાનકી આવી. તેને જોતાંવેંત મીનાબહેન બોલ્યાં,

‘આવ બેટા જાનકી, કેમ છે તને..?’

‘મજામાં છું, પણ માસી તમે કોઈ ચિંતામાં છો?

‘ના ખાસ કંઈ એવું નથી, પણ આજે મારી માસીની દીકરીને હૉસ્પિટલમાં દાખલ કરી છે એટલે એની તબિયત જોવા જવું

પડે તેમ છે, પણ કુલદીપને તાવ આવ્યો છે. વળી, એના પપ્પા બહારગામ ગયા છે. એટલે તેને ઘરે એકલો મૂકી જવાનું મન નથી થતું.’

‘આંટી, તમ તમારે જાવ. કુલદીપનું ધ્યાન હું  રાખીશ. બાકી કંઈ કામ હશે તો મારી મમ્મી તો છે જ ને?’

કહેતાં જાનકીએ મીનાબહેનને ઊભાં કર્યાં અને પોતે કુલદીપની બાજુમાં બેસી ગઈ.

‘પણ બેટા તું એકલી કઈ રીતે કુલદીપને સંભાળી શકીશ..?’

‘તમે મારી ચિંતા ન કરો. હું કુલદીપ અને તેનો તાવ એમ બંનેને સંભાળી લઈશ. એને કેટલા વાગે કઈ દવા આપવાની છે તે બતાવી દો.’

આખરે મીનાબહેન જવા તૈયાર થયાં. તેમને થોડું મોડું થાય તેમ હતું. એથી  કુલદીપને કઈ દવા આપવાની છે તે પણ બતાવી રાખ્યું. અલબત્ત, જતાં-જતાં એ કામવાળી બાઈને ભલામણ કરવાનું ચૂક્યા નહીં.

રોજ ખિલખિલ હસતી જાનકી આજે ગંભીર બની પૂરી જવાબદારીથી પોતાની ફરજ બજાવવા લાગી. બાર વરસની જાનકી આજે જાણે મોટી વડીલ બની ગઈ હતી. કુલદીપને દવા આપવાનો સમય થયો છે કે કેમ, તે જોવા જાનકી પાંચ પાંચ મિનિટે દીવાલ ઉપરની ઘડિયાળમાં જોતી રહેતી હતી. ગમે તે થાય દવામાં જરાયે મોડું ન થવું જોઈએ. આજે પહેલી વખત તેનું ધ્યાન કોઈ મજાક-મસ્તીમાં નહોતું.

કુલદીપને હવે સૂતા રહેવાનો કંટાળો આવતો હતો તેથી તે ઊભા થવાનો પ્રયાસ કર્યા કરતો હતો, પણ જાનકી ના પાડતી હતી એટલે તેની પર ખીજાતો હતો, પણ પોતાની જવાબદારીથી સજાગ જાનકી તેની પરવા કરે તેમ નહોતી.

‘કુલદીપ તો કંઈ સમજતો જ નથી. તાવ હોય તો સૂતું રહેવું જ જોઈએ ને? સમયસર દવા પણ પીવી જ પડે ને?’ જાનકી મનમાં બબડી.

કુલદીપ ગમે તેટલા નખરા ભલેને કરે..પણ જાનકી પાસે તેનું થોડું ચાલવાનું હતું?

‘થોડીક વાર તો રમવા જવા દે..આમ શું કરે છે?’ કુલદીપે વિનંતી કરી.

કુલદીપની બોલબોલથી થાકી જાનકીએ તેના મોં પર હાથ રાખી દાદીમાની જેમ ધમકાવી નાખ્યો.

‘મોઢું સાવ બંધ…ડૉક્ટરે બહુ બોલવાની ના પાડી છે. ખબર છે ને? તારે આરામ કરવાનો છે.’

‘હા, તને તો ખીજાવાની મજા પડી ગઈ! એકવાર સાજો થવા દે..પછી જોજે…’

કુલદીપની વાત સાંભળ્યા વગર ચમચીમાં દવા કાઢી જાનકીએ ધીમેથી કુલદીપના મોંમાં દવા ખોસી દીધી. કુલદીપે એકદમ કટાણુ મોઢું કર્યું, પણ તેને ખબર હતી કે દવા તો પીવી જ પડશે. આજે જાનકી તેને છોડવાની નથી. કુલદીપે ગુસ્સામાં દવા તો પી લીધી, પણ

પોતાના ભીના હાથ જાનકીના ફ્રોકમાં લૂછવાનું ભૂલ્યો નહીં.

કૃત્રિમ રોષથી જાનકીએ કહ્યું, ‘ચાલ, હવે ચૂપચાપ સૂઈ જવાનું છે.’

‘તું મારી ઉપર બહુ દાદાગીરી કરે છે. મમ્મી આવશે એટલે બધું કહી દેવાનો છું.’

‘તારે જેને કહેવું હોય તેને કહી દેજે. હું કોઈથી ડરતી નથી. ચાલ, હવે અત્યારે સૂઈ જા.’

આંટીને ઓળખતી જાનકી પૂરેપૂરી રાજાપાઠમાં હતી.

‘આ તો તારો ત્રાસ છે જાનકી, આ હું નહીં ચલાવી લઉં..જા..’

‘બધું ચલાવવું પડે. માંદો કેમ પડ્યો?’

‘તે કંઈ ગુનો કર્યો છે? તું તો મને થોડીવાર પણ ઊભો નથી થવા દેતી.’

‘પણ તો પછી જલદી સાજા ન થવાય ને? ચાલ, તું તો બહુ ડાહ્યો છે ને?’ હવે જાનકીના અવાજમાં થોડી નરમાશ ભળી.

‘ના, હું જરાયે ડાહ્યો નથી. એકવાર મને સાજો થવા દે, પછી જો..હું પણ તને કેવો હેરાન કરું છું.’

‘પછીની વાત પછી..અત્યારે તારી મમ્મીએ મને તારું ધ્યાન રાખવાનું કહ્યું છે. એટલે હું કહું એમ તારે કરવાનું…સમજ્યો..? ચાલ હવે બહુ વાતો થઈ.

ચૂપચાપ સૂઈ જા.’

જાનકીએ ફરી રોફ છાંટ્યો.

‘તું કહે છે તેમ બધું હું કરું જ છું ને? દવા કેવી કડવી છે તો પણ પી લઉં છું

ને? પણ તું તો મને થોડીવાર પણ ઊભો નથી થવા દેતી…’

કુલદીપનું મોઢું ઓશિયાળું બની ગયું.

Related Posts
1 of 279

કુલદીપની વાત તો સાચી છે, પણ

પોતે શું કરે? જાનકીને દયા આવી ગઈ. એણે ત્યાં પડેલી એક સ્ટૉરીબુક હાથમાં લઈ નાના બાળકને ફોસલાવતી હોય તેમ ધીમેથી કહ્યું,

‘દીપ, ચાલ, આમાંથી એક વાર્તા વાંચુ? તું આંખ બંધ કરીને સાંભળ..’

‘ના, વાર્તા નહીં…આપણે રોજ સ્કૂલમાં ગાઈએ છીએ..તે પ્રાર્થના ગા. મને એ બહુ ગમે છે.’

‘તું આંખો બંધ કરીને સૂતો રહે તો હું પ્રાર્થના ગાઉં. બસ?’

એકદમ કહ્યાગરા છોકરાની માફક કુલદીપે આંખો બંધ કરી દીધી. જાનકીના હાથ અનાયાસે કુલદીપના વાળમાં ફરતા ગયા…અને ગળામાંથી સ્વરો લહેરાયા.

‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણુ મુજ હૈયામાં વહ્યા કરે..

શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે…એવી ભાવના નિત્ય રહે…’

જાનકી ગીતના શબ્દો સાથે એકરસ બની ગઈ. તેના નાનકડા ચહેરા પર એક દિવ્ય આભા છવાઈ રહી. એ પછી તેના ગળામાંથી એક પછી એક પ્રાર્થના સરતી રહી…

‘એક જ દે ચિનગારી..મહાનલ..એક જ દે ચિનગારી…’

‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા…’

વચ્ચે વચ્ચે કુલદીપ આંખ ખોલી છાનોમાનો જાનકીને જોઈ લેતો. જાનકીએ કશું જ બોલ્યાં સિવાય કુલદીપની આંખો પર હાથ મૂકી દીધો….અને પ્રાર્થના આગળ સરતી રહી.

એક કિશોર અને કિશોરી અનોખા ભાવવિશ્વની સફરમાં ખોવાઈ ગયાં હતાં.

અત્યારે પણ ઇવાની બાજુમાં બેઠેલા કુલદીપના ચહેરા પર એ પળોનું સ્મરણ છલકી રહ્યું હતું. ભૂતકાળ વર્તમાનને સ્પર્શીને  તેને આહ્લાદક બનાવી રહ્યો હતો.

કુલદીપ અને જાનકીની રોજની ધમાલ મસ્તીથી એ બંને ઘરો સતત કલરવતાં રહેતાં હતાં. કાયમ લડતાં ઝઘડતાં કુલદીપ અને જાનકીને એકબીજા વિના જરાયે ચાલતું નહોતું એ વાત બંનેની મમ્મી જાણતી હતી.  તેથી એ બંનેના ઝઘડામાં બે ઘરમાંથી કોઈ વચ્ચે આવતું નહીં. બધાને ખબર હતી જ કે ઝઘડ્યા પછી પાંચ મિનિટમાં બંને સાથે ખિલખિલાટ હસતાં જ હોય.

કુલદીપના મનમાં શરૃ થયેલી અતીતના ચલચિત્રની પટ્ટી ન જાણે કેમ પણ આજે અટકવાનું નામ જ નહોતી લેતી.

એ દિવાળીના દિવસો હતા. કુલદીપની મમ્મી મીનાબહેને બંને ઘરમાં સરસ મજાની રંગોળી કરી હતી. જાનકી અને કુલદીપ તેમાં મોડી રાત સુધી મદદ કરી રહ્યાં હતાં.

અચાનક કુલદીપે પોતાના રંગવાળા હાથ જાનકીના સ્કર્ટમાં લૂછ્યા. જાનકી વિફરી. તેણે મીનાબહેનને ફરિયાદ કરી,

‘આંટી, આ દીપ જુઓ, એણે મારા નવા કપડાંમાં રંગવાળા હાથ લૂછી કપડાં બગાડી નાખ્યા.’

‘મમ્મી, લૂછ્યા નથી, ભૂલથી જરા હાથ અડી ગયો છે.’

‘સાવ ખોટ્ટો..જો, હવે મારા હાથ પણ  ભૂલથી તારા શર્ટને અડી જાય તો મને કહેતો નહીં.’

એ પછી થોડીવારમાં જ જાનકીના હાથ કુલદીપના શર્ટને ‘ભૂલથી’ અડી જ ગયા.

લડતાં ઝઘડતાં જાનકી, કુલદીપ થોડી વાર પછી સાથે મળીને માટીના કોડિયામાં તેલ

પૂરી રહ્યાં હતાં. એક પછી એક દીવા પ્રગટતા જતાં હતાં. હારબંધ પ્રગટતા કોડિયાનો ઉજાસ વાતાવરણને અજવાળી રહ્યો હતો. નાનકડા દીવડાની રોશની આગળ રંગબેરંગી લાઇટોનો ઝગમગાટ ફિક્કો લાગતો હતો. હાથમાં ફૂલઝર લઈને બંને જોશથી હલાવી રહ્યાં હતાં. જાનકી પતંગિયાની માફક આમતેમ દોડી રહી હતી. અચાનક એનો પગ સળગતી ફૂલઝર પર પડી ગયો અને જાનકી ચીસ પાડી ઊઠી.

‘દીપ,’

જાનકીની ચીસ સાંભળી દીપ જાનકી તરફ દોડ્યો.

દાઝી તો જાનકી હતી, પરંતુ તેની વેદના કુલદીપના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.

‘જાનકી, બહુ બળે છે?’

‘ના રે, બહુ નથી બળતું.’

બહાદુર બની જાનકીએ જવાબ આપ્યો.  તે એક તરફ બેસી ગઈ હતી. કુલદીપ પણ તેની પાસે બેસી ગયો. મીનાબહેન દોડીને દવા લઈ આવ્યાં અને જાનકીના પગે લગાડી દીધી. કુલદીપનું મોઢંુ દયામણુ બની ગયું. તેની આંખો છલકાઈ આવી.

‘દીપ તો સાવ છોકરી જેવો છે. હું દાઝી તો ય કયાં જરાય રડી છું?’

‘હું દાઝયો હોત તો હું પણ ન રડત.’

‘નથી દાઝયો તો પછી કેમ રડે છે?’

જાનકી સામે એકીટશે જોઈ રહેલા કુલદીપ પાસે એનો કોઈ જવાબ નહોતો. પોતે એવું કેમ બોલ્યો એની સૂઝ કુલદીપને પણ ક્યાં હતી? મનની ભાવના કોઈ અર્થ વિના આપમેળે શબ્દોમાં વહી આવી હતી.

કુલદીપને મીઠાઈ બહુ ભાવતી, પણ જાનકીને જરાય ન ભાવતી. તેને તો ખાટું અને તીખું જ પસંદ આવતું. કુલદીપ દિવાળીની મીઠાઈ ઝાપટે ત્યારે જાનકી ચોરાફળી અને મઠિયા પર મારો ચલાવે.

‘જો આ ઘૂઘરા એકવાર ચાખી તો જો..કેવા સરસ લાગે!’

‘તારા ઘૂઘરા તું ખા..હું તો મારા મઠિયા જ ખાઈશ. મઠિયા એકવાર ખાઈ જો તો ખબર પડે.’

પછી ધીમેથી જાનકીએ ઉમેર્યું.

‘આમ તો જોકે તને મઠિયા નથી ભાવતા એ સારું જ છે. નહીંતર મારા ભાગમાં આવત જ નહીં.’

‘હું કાંઈ તારી જેમ આખો દિવસ ખાધા કરું એવો નથી.’ કુલદીપે છણકો કર્યો.

‘એ તો મને ખબર છે. આ મીઠાઈ આખો વખત કોણ દાબ્યા કરે છે?’

જાનકી ખડખડાટ હસી પડી. તે હાસ્યમાં કુલદીપનું હાસ્ય પણ ભળી રહ્યું હતું.

કેવા મજાના દિવસો હતા..! આ ક્ષણે સ્થળ, કાળ બધું વિસરીને કુલદીપના ચહેરા પર હાસ્ય ફરકી રહ્યું.

બાજુમાં બેસેલી ઇવા ચૂપચાપ કુલદીપને નીરખી રહી હતી. તે કદાચ કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલી હતી.

જાનકીના પિતા અશોકભાઈ કસ્ટમ ઓફિસર હતા. બંને કુટુંબના બંગલા અડોઅડ હતા. બંનેના પિતાને કદી સમય મળતો નહીં, પણ બંનેની માતાને બહેનપણા બંધાયા હતાં. કદાચ બંને સ્ત્રીઓની પરિસ્થિતિ લગભગ સરખી, એકલવાયી જેવી હતી. એથી એકમેક સાથે ભળતાં વાર નહોતી લાગી.

કુલદીપના પિતા ડૉ. જગતાપ એક મોટા ગજાના વૈજ્ઞાનિક હતા. પોતાના કામને સંપૂર્ણ  સમર્પિત. એકદમ ધૂની અને તરંગી. ઘરમાં પણ તેમણે પોતાની અદ્યતન પ્રયોગશાળા વિકસાવી હતી. ડ્યુટી પરથી આવી સીધા

પોતાની લેબોરેટરીમાં ઘૂસી જતા. પછી ગમે તેટલું મોડું થાય તો પણ મીનાબહેનની તાકાત નહોતી કે તે પતિને બોલાવી શકે કે તેમની પ્રયોગશાળામાં દાખલ થઈ શકે.

મીનાબહેન સીધા સાદા ગૃહિણી હતાં. પતિની વાતમાં એમને ઝાઝી સમજ નહોતી પડતી. પતિ મોટા માણસ છે તે તો એ લગ્નના એક-બે વરસમાં જ સમજી ગયા હતા, પણ પતિ બીજી કોઈ રીતે નડતાં નહીં કે ન તો ઘરમાં કોઈ દખલગીરી કરતા, તેથી મીનાબહેનને પતિ સામે ઝાઝી ફરિયાદ નહોતી.

એટલું ખરું કે પતિ તરફથી કોઈ તકલીફ નહોતી તો સામા પક્ષે વ્યાવહારિક કામોમાં એમનો કદી સાથ પણ નહોતો મળતો. આટલાં વર્ષોના દામ્પત્યજીવનમાં બંને વચ્ચે ખૂબ જ ઓછો સંવાદ થતો. ખૂબ ભણેલાગણેલા પતિ સાથે તેના કામ અંગે વાતચીત કરી શકે તેવી ક્ષમતા સાત ચોપડી ભણેલાં મીનાબહેનમાં ક્યાંથી હોવાની? અને ઘરેલુ વાતમાં પતિ રસ લઈ શકે તેમ નહોતા. આને કારણે ક્યારેક મીનાબહેનને એકલતા સાલતી પણ એનો કોઈ ઉપાય નહોતો.

પરંતુ લગ્ન પછી પાંચ વરસે પુત્ર કુલદીપનું આગમન થયું ત્યારે એ એકલતા સભરતામાં પલટાઈ ગઈ. નાનકડા કુલદીપ પાછળ મીનાબહેનનો સમય સરતો રહેતો,

પરંતુ સરતા સમયની સાથે સ્કૂલે જતા કુલદીપને માતા કરતાં પિતાની દુનિયામાં, તેમની લેબોરેટરીમાં વધારે રસ પડ્યો. તેનામાં પિતાની પ્રકૃતિ જ ઊતરી હતી.  પિતાની અનુભવી નજરે દીકરાનો રસ અને તેની ક્ષમતા પારખી લીધા હતા.

પિતા હરખાયા હતા. દીકરો પોતાનો વારસો જાળવશે એવી આસ્થા જાગી હતી. ફળસ્વરૃપે જે લેબોરેટરીમાં આજ સુધી બીજું કોઈ

પગ નહોતું મૂકી શક્યું તેમાં કુલદીપને દસ વરસની વયે પ્રવેશ મળ્યો.

અને બસ..એ એક શરૃઆત હતી.

‘કુલદીપ, માય સન, મારા માટે આ ફક્ત એક લેબોરેટરી નથી, મારું વિજ્ઞાન મંદિર છે. અહીં થતા પ્રયોગો જ મારી પૂજા છે, પ્રાર્થના છે. તને વિજ્ઞાન ગમે છે તે તારી ટીચરે મને કહ્યું છે. વેરી ગૂડ, કીપ ઇટ અપ. મારી ઇચ્છા છે કે તું પણ મારી માફક એક વૈજ્ઞાનિક બને. મારી પાસે તને વારસામાં આપવા માટે બીજું કઈ નથી. ફક્ત આ એક પ્રયોગશાળા જ છે.’

‘હું પણ તમારી માફક વૈજ્ઞાનિક જ બનીશ. આય પ્રોમિસ ડેડ.’

કુલદીપે હરખાતા હૈયે કહ્યું હતું. પિતાની આ પ્રયોગશાળા તેને માટે મોટા આકર્ષણનું કેન્દ્ર હતી. તે પણ એક મોટો વૈજ્ઞાનિક બનીને નવી નવી શોધો કરશે. કિશોરવયના કુલદીપની આંખોમાં ત્યારથી જ વૈજ્ઞાનિક બનવાના સમણા અંજાયા હતા.

પણ એ સમણા ક્યારે, કેવી રીતે પૂરા થશે અને જીવનમાં કેવા કેવા ઝંઝાવાતો લાવશે એની જાણ સમય દેવતા સિવાય કોને હોય..?

(ક્રમશઃ)
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »