તમારા માટે, તમારી સાથે, સતત…

ગુજરાતમાં વાયુ પ્રદૂષણનો વધી રહેલો ખતરો

રાજ્યમાં સૌથી ઊંચો ઇન્ડેક્સ અમદાવાદનો જોવા મળે છે.

0 148
  • સમસ્યા – દેવેન્દ્ર જાની

દેશની રાજધાની દિલ્હીમાં શ્વાસ લેવો જોખમી બની ગયો છે. લોકોને માસ્ક પહેરીને બહાર નીકળવંુ પડે તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. દિલ્હીના વાયુ પ્રદૂષણનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે દેશના ગ્રોથ એન્જિન તરીકે જાણીતા એવા ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણની હાલત રાહત લઈ શકાય તેવી નથી. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની દોડમાં જો વાયુ પ્રદૂષણનું ધ્યાન રાખવામાં નહીં આવે તો હરિયાણા કે દિલ્હી જેવી હાલત થતાં વાર નહીં લાગે.

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ઔદ્યોગિક વિકાસની રફતાર તેજ કરવા સરકાર અને ઉદ્યોગ સાહસિકો કમર કસી રહ્યા છે. આદ્યોગિકીકરણની આ આંધળી દોડમાં પ્રદૂષણના મુદ્દાને ગંભીરતાથી લેવામાં નથી આવી રહ્યો. પર્યાવરણની વાતોને વિકાસની દુહાઈ આપીને વિસારે પાડી દેવામાં આવી રહી હોવાનંુ પર્યાવરણવિદો કહી રહ્યા છે. ગુજરાતમાં હવાના પ્રદૂષણની સમસ્યા વકરી રહી છે, પણ જો સમયસર જાગૃતિ દાખવવામાં નહીં આવે તો ગુજરાતનાં અનેક શહેરોમાં પણ દિલ્હીની જેમ માસ્ક પહેરીને નીકળવું પડે તેવી ગંભીર સ્થિતિ ઊભી થવાનું જોખમ છે. પ્રદૂષણની સમસ્યાને ઉકેલવાનું કામ માત્ર સરકાર પર છોડી દઈને ઉદ્યોગકારો પણ જવાબદારીમાંથી છટકી નહીં શકે. આ એક સામૂહિક જવાબદારી છે તેવંુ માનનારો વર્ગ મોટો છે. ગુજરાતમાં પ્રદૂષણની વાત કરવામાં આવે એટલે સૌ પહેલા અમદાવાદના વટવા – રખિયાલ, અંકલેશ્વર, વાપી, સુરત, બાવળા, જેતપુર, મોરબી, ગાંધીધામ જેવા શહેરોની ચર્ચા કરવામાં આવે છે અને વાતમાં દમ છે. આ વિસ્તારોમાં પસાર થઈએ તો પ્રદૂષણના વિષયની અવગણના કરીને ઔદ્યોગિકીકરણ કરવામાં આવ્યું હોય તેવું લાગ્યા વિના રહેતું નથી. આ વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ખતરો સતત વધી રહ્યો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પોલ્યુશનના અહેવાલો કે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સના આંકડા ભલે રેડ ઝોનમાં ન બતાવતા હોય, પણ એલાર્મ એલર્ટની સ્થિતિ જરૃર છે.

અમદાવાદના વટવા જીઆઈડીસી, નરોડા, રખિયાલ કે અંકલેશ્વરની જીઆઈડીસીના એરિયામાં વર્ષોથી ઍર પોલ્યુશનનો પ્રશ્ન છે. અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા, કાંસિયા, માંડવા ગામનો વિસ્તાર છે. નર્મદા નદીથી માત્ર સાતેક કિ.મી. દૂર આ ગામો આવેેલાં હોવા છતાં સાંજના સમયે તો આ ગામમાં ધૂંધળું વાતાવરણ થઈ જાય છે. કેમિકલની બદબૂ એટલી આવે છે કે લોકોને કેટલીક વાર તો નાક પર કપડંુ રાખીને બહાર નીકળવંુ પડે છે. ચામડીના રોગીઓની સંખ્યા વધી રહી છે. સ્થાનિક લોકો તો હવે જાણે આ વાયુ પ્રદૂષણથી ટેવાઈ ગયા છે. વર્ષોથી આ સમસ્યા હોવા છતાં તેના ઉકેલ માટે કોઈ ઠોસ પગલાં લેવામાં આવતાં નથી. આવી જ હાલત વાપી, વટવાની છે અને હવે આ ખતરનાક વિસ્તારોેની શ્રેણીમાં ગાંધીધામ, મોરબી, શાપર (રાજકોટ), દ્વારકા, ચાંગોદર જેવાં અનેક નામો ઉમેરાઈ રહ્યાં છે. આ વિસ્તારોમાં વધતા જતા ઔદ્યોગિકીકરણના કારણે ટ્રાફિક સમસ્યા વધી રહી છે. કાર્યો વાહનોની અવર જવર વધતાં ઍર પોલ્યુશન વધી રહ્યું છે.

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ)ના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં સૌથી ઊંચો ઇન્ડેક્સ અમદાવાદનો જોવા મળે છે. આ આંકડા રોજે રોજ ફરતા રહેતા હોય છે. બોર્ડ દ્વારા દેશનાં ૧૦૦ જેટલાં શહેરોના એક્યુઆઈના આંકડા જાહેર કરવામાં આવે છે. વાતાવરણની અસર, હવાની દિશા સહિતનાં કેટલાંક કારણોસર આ આંકડામાં ફેરફાર જોવા મળતો હોય છે. બોર્ડ ઉપરાંત અનેક એજન્સીઓ એક્યુઆઈના આંકડા જાહેર કરે છે. તા. ૬ નવેમ્બર, ૨૦૧૯ના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ (મણિનગર)નો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ રપ૭ હતો. અમદાવાદના આ આંકડા એ વાયુ પ્રદૂષણની ખરાબ સ્થિતિ બતાવે છે. અંકલેશ્વરનો એક્યુઆઈ ૧૦૦ની ઉપર બતાવાઈ રહ્યો છે.

Related Posts
1 of 319

ગુજરાતના જાણીતા પર્યાવરણવિદ મહેશ પંડ્યા કહે છે, ‘રાજ્યમાં વાયુ પ્રદૂષણની હાલત ગંભીર બની રહી છે. ગુજરાત પ્રદૂષણ બોર્ડના ર૦૧૭ના અહેવાલમાં જ અમદાવાદને પ્રદૂષિત શહેર બતાવાયું છે. સંસદમાં પણ અમદાવાદને પ્રદૂષિત શહેરની શ્રેણીમાં મૂકતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, અંકલેશ્વર, વાપી સહિતનાં અનેક શહેરો ખતરનાક રીતે વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, પણ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આ સમસ્યાને સરકાર જ નહીં, લોકો પણ ગંભીરતાથી લેતા નથી. સરકાર વિકાસની દુહાઈ આપીને આ વિષયને વિસારે પાડવાની કોશિશ કરતી હોય છે તો લોકો આ સમસ્યાથી ટેવાઈ જવામાં માની રહ્યા છે. પરિણામે સમસ્યાનું સમાધાન મળવાને બદલે વકરી રહી છે. ભવિષ્યમાં ગુજરાતમાં પણ દિલ્હી જેવી હાલત થઈ શકે છે. અમદાવાદની ૧૯૯૧માં ૧૬ લાખની વસતી હતી અને ૯૦૦ જેટલી એએમટીએસની બસો હતી. અત્યારે અમદાવાદની વસતી ૬પ લાખ જેટલી થઈ છે અને બીઆરટીએસ અને એએમટીએસની બસો ૧૦પ૦ કરતાં વધુ દોડી રહી છે. હવાનું પ્રદૂષણ રોકવા સીએનજી બસો વધુ ચલાવવી જોઈએ. ઉપરાંત બીઆરટીએસ કોરિડોર પર વૃક્ષારોપણ થવું જોઈએ, પણ એ તરફ સત્તાધીશોના પૂરતા પ્રયાસો નથી. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટની તમામ બસો સીએનજીથી ચાલવી જોઈએ, પણ હાલ મોટા ભાગની ડીઝલથી ચાલે છે. પરિણામે હવાનંુ પ્રદૂષણ વધતું જાય છે. બીજી બાજુ વાહનોની સંખ્યા સતત વધી રહી છે. આ પણ એક મહત્ત્વનું કારણ છે.’

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરા પણ એ વાત સાથે સહમત થતા કહે છે કે, ‘ઔદ્યોગિકીકરણની સાથે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ન ફેલાય તે સરકાર અને સ્થાનિક ઔદ્યોગિક સંગઠનોએ જોવું જોઈએ. એ માટે કોઈ લોન્ગ ટર્મ પ્લાન અમલમાં મૂકવા જોઈએ. વાત કરીએ સૌરાષ્ટ્રની તો ભૌગોલિક રીતે સૌરાષ્ટ્રની ફરતે દરિયાનો ભાગ વધારે આવે છે. છેક જખૌથી માંડીને ઘોઘા સુધીની પટ્ટી પર દરિયો છે. આ દરિયાઈ પવનો સૌરાષ્ટ્ર પરથી પસાર થતા હોવાથી હવાને શુદ્ધ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે ઉદ્યોગો સૌથી વધુ ધમધમી રહ્યા છે, પણ વાયુ પ્રદૂષણની હાલત અતિ ગંભીર એટલે નથી કે દરિયાઈ પવનો હવાને પ્રદૂષિત કરતી બચાવે છે. મોરબીમાં પણ આવું જ થયું છે. નવલખીના કિનારેથી આવતા પવનોને કારણે ફેક્ટરીઓના ધુમાડાની અસર ઓછી થઈ જાય છે. આમ છતાં રાજકોટ નજીક શાપર, મેટોડા, મોરબી, દ્વારકા, ખંભાળિયા જેવા વિસ્તારોમાં ભવિષ્યનો ખ્યાલ રાખીને સરકાર અને ઉદ્યોગોએ સાવચેતીનાં પગલાં લઈને આગળ વધવંુ જોઈએ જેથી દિલ્હી જેવી હાલત ન થાય.’

રાજકોટ નજીક શાપર – વેરાવળ નજીક એક હજારથી વધુ નાની-મોટી ફેક્ટરીઓ આવેલી છે. રાજકોટથી ગોંડલ જઈએ તો રસ્તામાં આવતા આ ઔદ્યોગિક વિસ્તારમાં પસાર થઈએ ત્યારે ટોલ પ્લાઝા નજીકના એરિયામાં કેટલીક વાર તો નાકે રૃમાલ રાખવો પડે એટલી હદે બદબૂ આવે છે. મોરબીથી નેશનલ હાઈ-વેના ઉપરના દસેક કિ.મી. દૂર આવી જ હાલત છે. મોરબીના ઢુવા, ઊંચી માંડલ ગામના એરિયા તરફના વિસ્તારોની મુલાકાત લીધી તો એવું જોવા મળ્યું હતું કે જાણે કોઈ ચીનના ઔદ્યોગિક વિસ્તારોમાં આવી ગયા હોય તેવું પહેલી નજરે લાગે છે. જાયન્ટ ટાઇલ્સની ફેક્ટરીઓ ઊભી થઈ ગઈ છે. મોરબીની આસપાસ અંદાજે એક હજાર જેટલી ફેક્ટરીઓ ધમધમી રહી છે. ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ભલે પ૦ની અંદર સંતોષજનક બતાવે પણ ગ્રામ્ય એરિયા હોવાથી આ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળે છે. મોરબીમાં વાયુ પ્રદૂષણ ફેલાવાનું એક મુખ્ય કારણ મોટા ભાગની ફેક્ટરીઓ ઈંધણ તરીકે ગેસી ફાયરનો ઉપયોગ કરતી હતી. જેનાથી હવા પ્રદૂષિત થતી હતી, પણ થોડા સમય પહેલાં જ કોર્ટનો આદેશ આવતા ગેસી ફાયરનો ઉપયોગ હાલ બંધ કર્યો છે એટલે હાલ તો વાયુ પ્રદૂષણમાં મોટી રાહત મળી છે, પણ ભવિષ્યમાં વધતા જતા ઔદ્યોગિકીકરણને કારણે સરકાર અને ઔદ્યોગિક સંગઠનોએ પણ પ્રદૂષણને રોકવાનાં પગલાં સાથે આગળ વધવું પડશે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે.

શું કહે છે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ?
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી એમ.એન. તાભાણીએ ‘અભિયાન’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અનેક કારણોસર હવાનું પ્રદૂષણ થતું હોય છે. સ્થાનિક અને બહારનાં કારણો આવી સમસ્યા માટે જવાબદાર હોય છે. એવાં ઉદાહરણો પણ સામે આવ્યાં છે કે એક દેશના કોઈ ભાગમાં ઍર પોલ્યુશનનંુ કારણ અન્ય દેશ પરથી આવતી પ્રદૂષિત હવાને કારણે થઈ રહ્યું હતું. ગલ્ફની રિફાઇનરીને કારણે ઓસ્ટ્રેલિયાના કેટલાક એરિયામાં ઍર પોલ્યુશન થતંુ હતંુ. વાયુ પ્રદૂષણના સ્થાનિક કારણોમાં વધતાં જતાં વાહનો, ઉદ્યોગો દ્વારા ઉત્સર્જન વધુ થતું હોવાથી હવા પ્રદૂષિત થતી હોય છે. ઉદ્યોગોની ચીમનીઓમાંથી ધુમાડાઓ નિયત માત્રામાં જ છોડવામાં આવે તે માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એમિશન ટ્રેડિંગ સ્કીમ અમલમાં મુકી છે અને મહત્ત્વની વાત એ છે કે વિશ્વમાં સ્પેશિયલી ઍર પોલ્યુશન ઘડાટવા માટે આવી સ્કીમ અમલમાં મૂકનારું ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે. વર્ષ ર૦૧૯માં વિશ્વ પર્યાવરણ દિને આ યોજના જાહેર કરવામાં આવ્યા બાદ સૌ પહેલા સુરતમાં અમલી બનાવાઈ છે. હાલ પહેલા તબક્કામાં ૧૬ર ઔદ્યોગિક એકમો આ સ્કીમમાં જોડાયા છે. હવાનંુ પ્રદૂષણ અટકાવવાની જવાબદારી એ સામૂહિક છે. માત્ર સરકારના પ્રયાસો પૂરતા નથી હોતા, પણ સ્થાનિક સંગઠનો અને લોકોનો સહયોગ મળે તો સારાં પરિણામો મેળવી શકાય છે.
—-.

ઈટીએસ શરૃ કરનાર ગુજરાત વિશ્વમાં પહેલું રાજ્ય
ઍર પોલ્યુશન ઘટાડવાના એક માત્ર ઉદ્દેશ્યથી ઈટીએસ (એમિશન ટ્રેડિંગ સ્કીમ) લોન્ચ કરનાર ગુજરાત દેશનું નહીં, પણ વિશ્વનું પહેલું રાજ્ય બન્યું છે. વર્ષ ર૦૧૯માં તા. પ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિને રાજ્ય સરકારે આ યોજના જાહેર કરી હતી. ત્યાર બાદ સપ્ટેમ્બરમાં સુરતમાં સૌ પહેલા લોન્ચ કરવામાં આવી હતી. જીપીસીબીના અધિકારીઓના કહેવા મુજબ ઈટીએસ હેઠળ પહેલા તબક્કમાં ૧૬ર એકમો જોડાયા છે. ઔદ્યોગિક એકમો ચીમનીઓમાંથી નિયમ માત્રામાં જ ઉત્સર્જન કરી શકશે તે માટે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જો તેનાથી વધુ રજકણો હવામાં છોડવામાં આવશે તો પગલાં લેવામાં આવશે. આ સ્કીમ શું છે તે જોઈએ તો મિલો કે ઔદ્યોગિક એકમોની ચીમની પર એક ખાસ પ્રકારનંુ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવે છે અને તેનંુ કનેક્શન ફેકટરીના કોમ્પ્યુટરની મદદથી સીધું જ જીપીસીબીના સર્વર સાથે જોડાઈ જાય છે. આ ઈન્સ્ટ્રુમેન્ટ ડેટા આપે છે કે કઈ ફેક્ટરી કેટલો ધુમાડો હવામાં ફેલાવે છે જે ઓછો ધુમાડો બહાર ફેંકશે તેને ક્રેડિટ અપાશે અને જે વધુ ફેંકશે તેની પાસેથી દંડ સ્વરૃપે રકમ વસૂલશે. આ પ્રોજેક્ટમાં જોડાવા માટે એકમો પાસેથી ડિપોઝિટ લેવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં શિકાગોના વૈજ્ઞાનિકોની મદદ લેવામાં આવી છે. સુરત ટેક્સ્ટાઇલનંુ હબ હોવાથી સૌ પહેલા આ પ્રોજેક્ટમાં પસંદ કરવામાં આવ્યું છે.
—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »