જ્યારે મંદિરનું તાળું ખૂલ્યું…
૧૯૮૬ના રોજ રામજન્મભૂમિનાં તાળાં ખોલાવવાનોે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો નિર્ણય ખોટો સાબિત થયો.
- કવર સ્ટોરી – હિંમત કાતરિયા
તારીખ ૧ ફેબ્રુઆરી, ૧૯૮૬ રામજન્મભૂમિ વિવાદનો એક મહત્ત્વનો પડાવ છે, કેમ કે આ દિવસે ફૈજાબાદના જિલ્લા ન્યાયાધીશના આદેશથી વિવાદિત સ્થળનાં તાળાં ખોલવામાં આવ્યાં હતાં ત્યારે દેશમાં રાજીવ ગાંધીની સરકાર હતી અને તેમની અનુમતિથી જ તાળાં ખોલવામાં આવ્યાં હતાં.
૨૨ ડિસેમ્બર, ૧૯૪૯ના રોજ બાબરી મસ્જિદ પરિસરમાં રામ દરબાર સાથે સંકળાયેલી કેટલીક મૂર્તિઓ મળવા સાથે જ વિવાદની શરૃઆત થઈ. ત્યારે ઉત્તર પ્રદેશમાં ગોવિંદ વલ્લભ પંત મુખ્યમંત્રી હતા. સુન્ની વકફ બોર્ડે કેસ કર્યો એ સાથે મામલો કોર્ટમાં પહોંચ્યો અને એ કારણે મંદિર પર તાળાં લગાવી દેવામાં આવ્યાં. ૧૯૬૧માં હામિદ અંસારી આ કેસમાં ફરિયાદી હતા.
બાદમાં એક વકીલ ઉમેશ ચંદ્ર પાંડેએ કોર્ટને મંંદિરનાં તાળાં ખોલાવવાની અપીલ કરી, જેમાં કોર્ટનો ૧ ફેબ્રુઆરી, ૧૯૮૬ના રોજ ચુકાદો આવ્યો અને તાળાં ખુલ્યાં. કહેવાય છે કે તાળાં ખોલાવતાં પહેલાં ઘણી આગોતરી તૈયારીઓ કરવામાં આવી હતી. તત્કાલીન જિલ્લા જજ કે.એમ. પાંડેએ જિલ્લાધિકારી અને પોલીસ વડા સાથે બેઠક કરી. તેમણે ચુકાદાનાં તમામ પરિણામો પર વિચારણા કરી અને એ નિર્ણય પર આવ્યા કે આની કાયદો-વ્યવસ્થા પર કોઈ ખરાબ અસર નહીં પડે. ત્યાર બાદ કોર્ટે ચુકાદો સંભળાવ્યો અને ચુકાદાના ૪૦ મિનિટ બાદ તાળાં ખોલી નાખવામાં આવ્યાં. તત્કાલીન કેન્દ્રીય ગૃહ સચિવ માધવ ગોડબોલે તાજેતરમાં પ્રકાશિત પુસ્તક ‘ધ બાબરી મસ્જિદ-રામ મંદિર ડિલેમાઃ એન એસિડ ટેસ્ટ ફોર ઇન્ડિયન કૉન્સ્ટિટ્યૂશન’માં આ સમગ્ર ઘટનાક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ એ સમય હતો કે શાહબાનો કેસમાં લેવામાં આવેલા નિર્ણય બાદ રાજીવ ગાંધીની છબી મુસ્લિમ તુષ્ટિકરણવાળી બની ગઈ હતી. કહેવામાં આવે છે કે આ છબીમાંથી બહાર નિકળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ચૂંટણીઓ નજીક હતી એટલે આ મુદ્દે રાજકારણ ગરમાયું. મુસ્લિમ નેતાઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો અને લખનૌમાં એક બેઠક બાદ બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના કરવામાં આવી. આ કમિટીએ ૨૬ જાન્યુઆરી, ૧૯૮૭ના ગણતંત્ર દિવસના સમારોહનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું. એ અલગ વાત છે કે બાદમાં આંદોલન ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં સામેલ થઈ ગયું. રાજીવ ગાંધી નિર્ણયના પરિણામ વિશે વિચારી શક્યા નહોતા.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના પુસ્તક ‘ધ ટર્બ્યુલન્ટ ઇયર્સ ઃ ૧૯૮૦-૧૯૯૬’માં લખ્યું છે કે અયોધ્યામાં ૧ ફેબ્રુઆરી, ૧૯૮૬ના રોજ રામજન્મભૂમિનાં તાળાં ખોલાવવાનોે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો નિર્ણય ખોટો સાબિત થયો. એને લઈને દેશ-વિદેશમાં રહેતા મુસ્લિમોની ભાવનાને ભારે ઠેસ પહોંચી.
રાજનીતિ વિશ્લેષક જોયા હસન પોતાના પુસ્તક ‘કોંગ્રેસ આફ્ટર ઇન્દિરા’માં લખે છે કે રાજીવ ગાંધી સરકારમાં મંદિરનાં તાળાં ખોલાવવાના આદેશનો વિશ્વ હિન્દુ પરિષદે લાભ ઉઠાવ્યો. ૧૯૮૯ આવતા સુધીમાં મામલો ઘણો આગળ વધી ગયો. વીએચપીએ શિલાન્યાસ માટે પથ્થર લઈ જવાની ઘોષણા કરી તો દેશભરમાં માહોલ ગરમાયો અને કોંગ્રેસ સરકારે વિશ્વ હિન્દુ પરિષદને શિલાન્યાસની મંજૂરી આપી દીધી. આ સમગ્ર પ્રકરણને લઈને રાજીવ ગાંધીએ એવું વલણ અપનાવ્યંુ કે રામ મંદિર બનાવવામાં કોઈ વિરોધ નથી, પણ મસ્જિદને આંચ ન આવવી જોઈએ. કોંગ્રેસ પક્ષને આશા હતી કે આનાથી લોકસભાની ચૂંટણીમાં તેમને લાભ મળશે, પણ એ પહેલાં જ વીએચપી અને ભાજપે મુદ્દાને પોતાના પક્ષમાં કરી લીધો હતો.
—-.
કોર્ટમાં આવેલા કાળા કપિનું રહસ્ય
ફૈજાબાદ કોર્ટના જિલ્લા જજ કૃષ્ણ મોહન પાંડેએ ચુકાદાને લગતી એક રસપ્રદ વાત તેમની આત્મકથામાં કરી છે. તેઓ લખે છે કે, જે દિવસે હું તાળાં ખોલવાનો ચુકાદો લખી રહ્યો હતો તે દિવસે મારી અદાલતની છત પર એક કાળો કપિ આખો દિવસ ફ્લેગ પોસ્ટને પકડીને બેસી રહ્યો. ચુકાદો સાંભળવા આવેલા લોકો એ કપિને ફળ અને મગફળી આપતા રહ્યા, પણ કપિએ કાંઈ ખાધું નહીં. તે ચુપચાપ બેઠો હતો. ચુકાદા બાદ જ્યારે ડી.એમ. અને એસ.એસ.પી. મને ઘરે મૂકવા આવ્યા તો મેં એ કપિને ઘરના ફળિયામાં બેઠેલો જોયો. મને ભારે અચરજ થયું. ત્યારે મેં તેને પ્રણામ કર્યા. લાગતું હતું કે જાણે તે કોઈ દૈવી શક્તિ હતી.
—————————————————————.