તમારા માટે, તમારી સાથે, સતત…

યોગ્ય ક્ષણે મૃત્યુને પણ આવકારવું પડે

આજે માણસને ગમે તેવાં યાંત્રિક સાધનોથી જિવાડવાની એક જીદ ચાલે છે

0 239
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

માણસ તરીકેનાં સુખ અને દુઃખને જ્યારે માણસ પોતાના સ્વાર્થ અને અહંકારના કેન્દ્રમાં ગોઠવીને જુએ છે ત્યારે તેને વ્યક્તિગત પીડાની ગાંઠનો અનુભવ થાય છે. તે જ્યારે સુખ-દુઃખને પોતાના મનુષ્યત્વ અને પ્રેમ-કરુણાના અનુસંધાનમાં જુએ છે ત્યારે તે સુખદ અને દુઃખદ બંને પ્રકારના અનુભવોમાંથી જીવનપોષક બળ પામે છે.

છેલ્લાં પચાસ વર્ષમાં તબીબી વિજ્ઞાને અનેક જીવનરક્ષક દવાઓ શોધી છે. આથી માનવીનું સરેરાશ આયુષ્ય જરૃર વધ્યું છે, પણ માણસના આયુષ્યની વધેલી અપેક્ષા સાથે જિંદગીનો લોભ પણ વધ્યો છે! માણસ જાણે કોઈ પણ ભોગે ‘જીવવા’ માગે છે, પણ જ્યારે જીવનને વાજબી રીતે માણવાની ક્ષમતા શરીરમાં રહી જ ના હોય ત્યારે તેને વળગી રહેવાનો અર્થ શો?

Related Posts
1 of 281

આજે માણસને ગમે તેવાં યાંત્રિક સાધનોથી જિવાડવાની એક જીદ ચાલે છે. આવા જીવનનો અર્થ શો? જીવનને ચાહવું જોઈએ – ગમે તેવી આપત્તિમાં પણ તેને વળગી રહેવાનું ધૈર્ય અને હિંમત હોવાં જોઈએ તે સાચી વાત છે, પણ જ્યારે માણસને લાગે છે કે તેનું જીવન કોઈને મુદ્દલ ઉપયોગી થઈ શકે તેમ નથી – ઉપયોગી થવાની વાત બાજુએ રાખીએ – તે માત્ર પોતાનું જીવન પણ માણી શકે તેમ નથી અને તે જે પરવશ જિંદગી જીવી રહ્યો છે તે બીજાઓને અસહ્ય બોજારૃપ બની રહી છે ત્યારે માણસે મૃત્યુને આવકારતાં શીખવું જોઈએ.

જે જીવન જીવનારી વ્યક્તિને પોતાને માટે અને બીજાઓને માટે પણ કાયમી ભારરૃપ બની જાય તેટલી હદે લાચાર થઈ જાય પછી એવા જીવનનો મોહ શો? આપણો ધર્મ આત્મહત્યાને પાપ ગણે છે. માણસે આત્મહત્યાનો વિચાર કરવો નહીં જ જોઈએ, પણ જ્યારે સાર્થકતાથી અને ગૌરવથી જીવવા માટેની કોઈ ગુંજાશ બાકી જ રહી ના હોય, મૃત્યુ સામે જ આવીને ઊભું હોય ત્યારે માણસે મૃત્યુથી દૂર ભાગવાની કોશિશ કરવી નહીં જોઈએ. સાજા થઈ શકે તેવા અનેક બીમાર લોકો છે જેમને થોડીક સારવારની જરૃર છે. આટલી સારવાર મળે તો તેઓ પોતાની જિંદગીને પગભર અને વિશેષ અર્થપૂર્ણ રીતે જીવી શકે તેમ છે. આવા લોકોને આપણે જરૃરી સારવાર આપી શકતા નથી ને બીજી બાજુ એવા અનેક લોકો છે જેઓ જીવલેણ વ્યાધિમાં ઘેરાયા પછી મૃત્યુનો માનભેર સ્વીકાર કરવાને બદલે ગમે તે ભોગે શ્વાસનો ચરખો ચલાવવા માગે છે. જિંદગીના તદ્દન કૃત્રિમ ટેકા શોધવાની તાલાવેલીમાં તેઓ પોતાના સ્વજનોના મોંમાંથી રોટી પણ છીનવાઈ જાય તેટલી હદે સારવારનો જુગાર ખેેલે છે! જીવ દરેકને વહાલો છે. જિંદગી દરેકને પ્યારી છે, પણ જ્યાં રોગ અસાધ્ય જ છે અને જ્યાં રોગની પીડા જ અસહ્ય છે ત્યાં જીવનનો આવો લોભ અને કંજૂસાઈ નકામાં છે. સ્વજનોની જિંદગીમાં અંધારું ફેલાય એટલી હદે પોતાની જિંદગીનો દીવો સળગતો રાખવાની લાલસા વધતી જાય છે તેની સામે હવે લાલબત્તી ધરવાની જરૃર છે. મૃત્યુ અનિવાર્ય છે તે સૌ જાણે છે, પણ તે અનિચ્છનીય નથી તે પણ સમજવાની જરૃર છે. માણસે યોગ્ય ક્ષણે મૃત્યુને પણ આવકારવું જોઈએ. તેને અનિષ્ટ ગણીને તેનાથી દૂર ભાગવાની જરૃર જ નથી.

એક વૃદ્ધ સંબંધીનો રોગ અસાધ્ય હતો અને તેઓ પોતે આ હકીકત જાણતા હતા. તેમના સ્વજનો કૃત્રિમ રીતે તેમને જિવાડવાની કોશિશમાં પડ્યા ત્યારે તેમણે ડૉક્ટરની હાજરીમાં જ સ્વજનોને કહ્યું ઃ ‘તમે સૌ સારી રીતે જાણો છો કે આ રોગનો ઇલાજ નથી અને બે-ત્રણ દહાડામાં આ રોગની કોઈ ચમત્કારિક દવા શોધાઈ જવાની પણ શક્યતા નથી. અત્યારે હું જીવી રહ્યો નથી – માત્ર પીડા જ વેઠી રહ્યો છું. પછી આ પીડાનો ચરખો ચાલુ રાખવાનો અર્થ શો? હું ભરપૂર જીવ્યો છું. ખૂબ પ્રેમ પામ્યો છું અને ખૂબ પ્રેમ આપ્યો છે. હવે મોત સામે આવીને જ ઊભું છે ત્યારે હું તેને પ્રેમથી ભેટું એમાં જ મારી શોભા છે. જવાનું છે તે નક્કી છે. થોડીક વાર પછી પણ નીકળી જવું પડશે તે પણ નક્કી છે, પછી ગાડી ચૂકી જવાનો અર્થ શો? આ નહીં તો પછીની ગાડી તો પકડવાની જ છે! ચિઠ્ઠી ફાટી ગઈ છે, ટિકિટ હાથમાં જ છે પછી આવી આનાકાની શું? ઘરે પાછા જઈ શકાય તેવું નથી તો પછી હવે હું આ રેલવે પ્લેટફોર્મ પર પડ્યો નહીં રહું! તમે મહેરબાની કરીને મને હસતા ચહેરે રજા આપો! મારે આ રીતે કૃત્રિમ ચરખો ચલાવવો નથી. માણસે માણસની જેમ જીવવું જોઈએ અને માણસની જેમ મરવું જોઈએ.’

સ્વજનો સમજી ગયા. કોઈ પણ માણસ શાંતિથી વિચાર કરે તો સમજી શકાય તેવી આ વાત છે.
—————————————

Leave A Reply

Your email address will not be published.

Translate »