તમારા માટે, તમારી સાથે, સતત…

સાયબર સિક્યૉરિટી ઊભરતી કારકિર્દી

સાયબર સિક્યૉરિટીના વ્યવસાયમાં સારી કારકિર્દી બનાવી શકાય છે.

0 122

નવી શ્રિતિજ – હેતલ રાવ

ડિજિટલ યુગમાં સાયબર દુનિયાનો ઝડપી ફેલાવો થઈ રહ્યો છે. દરેક મોટી કંપનીઓ અને સંસ્થાઓ ડિજિટલ બની ગઈ છે. જેના કારણે તેમાં અવકાશ પણ વધી રહ્યો છે. સાથે જ તેમાં ગુના, છેતરપિંડી, કપટના કેસ પણ વધી રહ્યા છે. આવા સમયે સાયબર સિક્યૉરિટીના વ્યવસાયમાં સારી કારકિર્દી બનાવી શકાય છે.

નકલી ઈ-મેઇલ મોકલી અંગત જાણકારીઓની ચોરી કરવી, બેંક એકાઉન્ટ, સંસ્થાઓ, કંપની અથવા સોશિયલ મીડિયાનું પેજ હૅક કરી મુશ્કેલી ઊભી કરવી જેવી પ્રવૃતિઓ સાયબર ગુનાઓમાં આવે છે. જેની સામે લડવા માટે સૌથી મોટંુ શસ્ત્ર એથિકલ હૅકિંગ અથવા સાયબર સિક્યૉરિટી છે. જેમાં કામ કરનારા પ્રોફેશનલ હેકર જ હોય છે, પરંતુ આ પ્રોફેશનલ લોકોની માહિતી વધારવા અને કંપનીઓને સાયબર ક્રાઇમ જેવા ગુનાઓથી સુરક્ષિત કરવાનું કાર્ય કરે છે. આ કાર્યમાં માહિર હોય તેવા પ્રોફેશનલ્સની સંખ્યા ઘણી નહિવત્ છે, પરંતુ આજના સમયમાં તેમની માગ ઘણી વધારે છે જેથી સાયબર ક્રાઇમને સુરક્ષિત કરતા પ્રોફેશલન્સનું સેલેરી પેકેજ પણ ઘણુ સારું હોય છે.

ઍથિકલ હૅકિંગ
સાયબર દુનિયાનો હૅકર શબ્દ સામાન્ય જનને વિચારતા કરી દે છે. હૅકર કોમ્પ્યુટર સંબંધિત એકાઉન્ટ પર પૂર્ણ રીતે વર્ચસ્વ ધરાવે છે. ત્યાર બાદ જ તે ડેટાની ચોરી કરી શકે છે અથવા તો ડેટાને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાની તક મેળવી શકે છે. વાઈ-ફાઈ ઇન્ટરનેટ કનેક્શનથી ચાલતી સિસ્ટમને હૅક કરવી વધુ સરળ બને છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કોમ્પ્યુટર હૅક અને ડેટા ચોરીની સમસ્યાઓ ઘણી વધી ગઈ છે. જેના નિવારણ માટે જ એથિકલ હૅકિંગ જેવા અભ્યાસક્રમોની શરૃઆત કરવામાં આવી, જેને કારકિર્દી માટે બેસ્ટ વિક્લ્પ સ્વરૃપે ગણવામાં આવે છે. આવા પ્રોફેશનલ્સ માન્ય હોય છે જે ગેરકાયદેસર હૅકિંગ કરનારા લોકોના મનસૂબાને નિષ્ફળ કરે છે. પ્રોફેશનલ્સ કોમ્પ્યુટિંગ, પ્રોગ્રામિંગ, વેબ ઍપ્લિકેશન, ઑપરેટિંગ સિસ્ટમ, એસેમ્બલી લેન્ગ્વેજ, ઇન્ટરનેટ સિક્યૉરિટીમાં નિપુણ હોય છે, જેના આધારે ગેરકાયદેસર હૅકર્સની કોમ્પ્યુટર સિસ્ટમ-નેટવર્ક સામે સુરક્ષિતતા ઊભી કરવાનો પ્રયત્ન કરે છે.

યોગ્યતા
એથિકલ હૅકિંગ અને સાયબર સિક્યૉરિટી વિશાળ ક્ષેત્ર છે, જેમાં યુવાનો માટે અઢળક તક રહેલી છે. ભારતમાં ઘણી ઓછી સંસ્થાઓ છે જે આ કોર્સ ચલાવે છે. મોટા ભાગની સંસ્થાઓમાંથી એથિકલ હૅકિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરી શકાય છે. જેની માટે વિદ્યાર્થીએ કોમ્પ્યુટર સાયન્સ, ઇર્ન્ફોમેશન ટૅક્નોલોજી અથવા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક હોવંુ જરૃરી છે. હાલના સમયમાં કોમ્પ્યુટર વિશેષજ્ઞ આ કોર્સ કરે છે. કદાચ આ જ કારણોસર એથિકલ હૅકર્સની અછત છે. સરકારી ખાનગી વિભાગો અને અન્ય ડિપાર્ટમેન્ટના લોકો આ પ્રકારના કોર્સ કરે છે.  વિદેશોમાં ઇન્ટરનેટના જાણકારો આ અભ્યાસક્રમ ફરજિયાત પણે કરે છે.

અભ્યાસક્રમ
કોર્સ ઇન સાયબર લો

*           સાયબર ફોરેન્સિક એન્ડ ઇર્ન્ફોમેશન સિક્યૉરિટી

*           ડિપ્લોમા ઇન ડિજિટલ એન્ડ સાયબર ફોરેન્સિક

*           ડિપ્લોમા ઇન સાયબર લો

*           ડિપ્લોમા ઇન સાયબર સિક્યૉરિટી

સર્ટિફિકેશન

*           એથિકલ હૅકર

*           ઇર્ન્ફોમેશન સિસ્ટમ સિક્યૉરિટી પ્રોફેશનલ સર્ટિફિકેશન ડિપ્લોમા ઇન એથિકલ હૅકિંગ

*           આંતરરાષ્ટ્રીય સ્તર પર આ કોર્સ કરી શકાય છે.

*           સર્ટિફાઇડ એથિકલ હૅકર (ઇસી-કાઉન્સિલ)

*           સર્ટિફાઇડ હૅકિંગ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેટર (ઇસી-કાઉન્સિલ)

Related Posts
1 of 289

*           એસએએન અને જીઆઇએસી દ્વારા જીઆઇએસી સર્ટિફાઇડ પેનેટ્રેશન ટેસ્ટર (જીપીઇએન)

*           સર્ટિફાઇડ ઇન્ટૂજન એનાલિસ્ટ (જીસીઆઇએ)

એથિકલ હૅકિંગ અને સાયબર સિક્યૉરિટીમાં સ્પેશલાઇજેશનના વિકલ્પ
ભારતમાં એથિકલ હેકિંગનું ક્ષેત્ર નવું છે, પરંતુ કોમ્પ્યૂટર સિસ્ટમની સિક્યૉરિટીમાં જે રીતે ભય ઊભો થઈ રહ્યો છે તેના કારણે  એથિકલ હેકિંગના ઘણા સ્પેશલાઇજેશન વિકલ્પ શરૃ થયા છે.

સિક્યૉરિટી કૉડિંગ ઃ એવા પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે જે સાયબર સુરક્ષા સામેના ઊભા થતા અવરોધો સામે લડી શકે છે.

મેલવેયરએનાલિસિસ ઃ સાયબર સિક્યૉરિટી પર ઊભા થતા ભયનું વિશ્લેષણ કરી તેના પર અંકુશ મેળવવા કાઉન્ટ પ્લાન તૈયાર કરવો.

નેટવર્ક સિક્યૉરિટી ઃ ભય અને ખામીઓ વિરુદ્ધ નેટવર્ક સિસ્ટમ બનાવવી.

ક્રિપ્ટોગ્રાફી ઃ મહત્ત્વપૂર્ણ ડેટા અને ઇન્ફોર્મેશનની સુરક્ષા માટે ક્રેક-પ્રૂફ સિક્યૉરિટી સિસ્ટમ તૈયાર કરવી.

જવાબદારીઓ

એથિકલ હૅકિંગ – સાયબર સિક્યૉરિટીના પ્રોફેશનલ્સ માત્ર સિસ્ટમ અને ઍપ્લિકેશનની ટેસ્ટિંગનું જ કામ નથી સંભાળતા. તેની સાથે અન્ય ઘણા કાર્યો પણ કરે છે.

*           ઓપન અને ક્લોઝ્ડ પોર્ટની સ્કેનિંગ કરવાનું કામ આ પ્રોફેશનલ્સનું છે. જેની માટે નેસસુસ અને એનએમએપી ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

*           સોશિયલ એન્જિનિયરિંગ પદ્ધતિનો ઉપયોગ કરે છે.

*           એથિકલ હૅકર અથવા સાયબર સિક્યૉરિટી વિશેષજ્ઞ તપાસ કરે છે કે, આ ઇન્ટૂશન ડિટેક્શન સિસ્ટમ, ઇન્ટૂશન પ્રિવેન્શન સિસ્ટમ, હનીપોટ્સ અને ફાયરવોલને તોડી શકે છે કે નહીં.

*           આ પ્રોફેશનલ્સ કંપનીની સાયબર સિક્યૉરિટીને સાચવી રાખવા માટે ખામીઓને શોધે છે અને તેને દૂર કરવાની યોજના બનાવે છે.

*           પ્રોટોકોલ અને સોશિયલ એન્જિનિયરિંગના મુદ્દાને ધ્યાનમાં રાખીને તેને કોઈ પણ હૅકિંગ અથવા એટેકથી ઊભા થનારા ખતરા માટે તૈયાર રાખે છે.

સ્કિલ્સ (આવડત) જરૃરી છે
એથિકલ હૅકર અથવા સાયબર સિક્યૉરિટી વિશેષજ્ઞ એક એવો પ્રોફેશનલ્સ છે જે કાયદાકીય રીતે હૅકિંગથી બચવા માટે પોતાની સિસ્ટમને તૈયાર કરે છે. આવા લોકોની વિચારક્ષમતા વધુ વિકસિત હોવી અતિ અનિવાર્ય છે, કારણ કે સાયબર ગુનેગારોના મગજને સમજી શકે અને કોઈ પણ એટેક થતા પહેલાં જ પોતાની સિસ્ટમ સુરક્ષિત કરી શકે. કોમ્પ્યુટર ટૂલ્સ અને તકનીકનું જ્ઞાન પ્રોફેશનલ્સ પાસે હોવું જરૃરી છે. એટલું જ નહીં, પણ આ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે કોમ્પ્યુટરના જ્ઞાન સાથે ઇન્ટરનેટની ઝીણવટભરી સમજ હોવી મહત્ત્વની છે. સાયબર ક્રાઇમ અને એથિકલ હૅકિંગ વિશે માહિતગાર રહેવાથી પણ હૅકરને ઘણી જાણકારી મળે છે. ઈ-મેઇલ ટ્રેસ કરવો, નેટવર્ક હેક કરવંુ, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીની શોધખોળ અને ફાયરવોલ વિશેનું સામાન્ય જ્ઞાન હૅૅકર્સ માટે જરૃરી છે.

પગાર ધોરણ
શરૃઆતના સમયમાં પ્રોફેશનલ્સની વાર્ષિક સેલેરી પાંચ લાખ રૃપિયા હોય છે. જુદા-જુદા હોદ્દા માટે સેલેરી પેકેજ પણ જુદંુ-જુદંુ હોય છે. અનુભવ વધવાની સાથે આ ક્ષેત્રમાં પગાર સારો મળે છે. વર્ષોના અનુભવ પછી ફ્રીલાન્સ પ્રોફેશનલ્સ પણ સારી આવક મેળવી શકે છે. છેલ્લા દાયકા દરમિયાન ખાસ કરીને ૨૦૧૨થી ૨૦૧૭ સુધીની વાત કરીએ તો સાયબર સિક્યૉરિટી અને નેટવર્ક સિક્યૉરિટી વિશેષજ્ઞોની માગમાં ૭૫ ટકાનો વધારો થયો છે. આ ક્ષેત્રમાં પ્રોફેશનલ્સની માગ વધારે છે, પરંતુ સપ્લાય ઓછી છે. આવા સમયે સાયબર સિક્યૉરિટી અને એથિકલ હેકિંગના ક્ષેત્રમાં ડગ માંડવા લાભદાયક બની શકે છે.

ક્યાં મળી શકે છે નોકરી
દેશની મોટી-મોટી આઇટી કંપનીઓ અને વિશ્વભરની મલ્ટિનેશનલ આઇટી કંપનીઓમાં ભરપૂર તક મળી રહે છે. ટીસીએસ, ઈવાઈ, વિપ્રો, એચસીએલ, કેપજેમિની, પીડબ્લ્યુસી, ઇન્ફોસિસ, ડેલોયટ, જેનપેક્ટ, સિસ્કો અને કેપીએમજી જેવી કંપનીઓમાં સાયબર સિક્યૉરિટી વિશેષજ્ઞો અને એથિકલ હૅકર તરીકે નોકરી મળી રહે છે.
———————————————

Leave A Reply

Your email address will not be published.

Translate »