તમારા માટે, તમારી સાથે, સતત…

મસ્જિદ એટલે શું?

ઇસ્લામમાં મસ્જિદ 'ને દરગાહ સિવાય એક સ્થળનું મહત્ત્વ છે જે ન્યાયી ગણાય છે.

0 1,083
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

દુનિયા એક ઇમારત દુનિયામાં અનેક ઇમારત
એક ઉપર નીચે અનેક માણસ અનેક ઇબાદત

મસ્જિદ કે મજીદ કે મસીદ એટલે ઇસ્લામના નિયમ અનુસાર બંદગી કરવાનું જાહેર મકાન. નિમાજ પઢવાનું સ્થાન. સિજદો કરવાનું ઠેકાણુ. પરંપરાગત રીતે ઘૂંટણિયે પડી અલ્લાહની થતી ઇબાદત કરવા માટેનું પવિત્ર સ્થાન. સામાન્ય સંજોગોમાં મસ્જિદ રમજાન માસના જાગરણ, અંત્ય વિધિને લગતાં કામમાં, શાદી માટે, દાન કે સેવાનાં કાર્ય માટે પણ વપરાય છે. સૂફી પરંપરાને માન આપતી મસ્જિદ સંગીત સાથે ગીતથી ગુંજતી હોય છે. ઘણી મસ્જિદમાં બેઘર મુસ્લિમો આશરો લેતા હોય છે તો ઘણી મસ્જિદમાં ઇસ્લામને લગતાં શિક્ષણ કે પ્રવચનના કાર્યક્રમ ચાલતાં હોય છે. અસામાન્ય સંજોગોમાં કે પછી અસાધારણ રીતે અમુક મસ્જિદમાં ધંધાકીય તેમ જ રાજકીય ગતીવિધિઓને પણ અવકાશ હોય છે. ભારતના રહેવાસીને મસ્જિદ એટલે શું એવો કોઈ ખાસ પ્રશ્ન નથી થતો. હા, બિનમુસ્લિમને મસ્જિદ અંગે વિગતે માહિતી હોય તેવી શક્યતા ઘણી ઓછી છે. ઘણાને દરગાહ ‘ને મસ્જિદ વચ્ચેનો ભેદ ખબર નથી હોતો. તો ઘણાને એમ હોય છે કે મુસ્લિમો મેદાનમાં, જાહેર મકાનના કોઈ ખાલી ઓરડામાં કે રસ્તા પર નમાજ પઢી શકે છે તો મસ્જિદ માટે કોઈ વિશેષ માર્ગદર્શિકા નહીં હોય.

દરગાહ એટલે કોઈ સૂફી સંતની કબર આસપાસ ચણાયેલી ઇમારત. પર્શિયન શબ્દાર્થ મુજબ દરગાહ અર્થાત પ્રવેશદ્વાર કે ઉંબરો. દક્ષિણ આફ્રિકામાં તેને કરામત તો ચીનમાં ગોન્ગ્બેઇ પણ કહે છે. સૂફી સંત અલ્લાહના સેવક એવમ સંદેશાવાહક કહેવાય છે. દરગાહ મુખ્યત્વે એ રીતે જે-તે સંત કે ફકીરની ભક્તિ કે આરાધના કરવાનું સ્થળ છે. હાલાંકિ ઇસ્લામના કડક કે કટ્ટર નિયમ અનુસાર અલ્લાહ સિવાય કોઈને નમવાની મનાઈ છે. એ મુદ્દાને ચુસ્ત રીતે પકડીને પાલન કરનાર તેમ જ કરાવનાર વહાબી વગેરે પ્રકારના મુસ્લિમ દરગાહને કબ્રસ્તાન સાથે સરખાવે છે. એમના મતે નમાજ અદા કરવા માટે કબર હોય તે જગ્યા તથા હાજતખાનું એમ બે અયોગ્ય સ્થળ છે. સાઉદી અરેબિયા જેવા દેશ આ નિયમ અત્યંત સખ્ત રીતે પાળે ‘ને પળાવે છે. એવા દેશમાં ઢગલો દરગાહ જેવા સ્થળો જમીનદોસ્ત થઈ ગયાં. બીજી તરફ સંખ્યાબંધ મુસ્લિમ દરગાહ ‘ને મસ્જિદ બંનેમાં માનતા હોય છે ‘ને ઘણા સ્થળે પ્રેક્ટિકલ યુઝમાં બંને ઇમારત એક જ સંકુલમાં હોય છે કે પછી એક જ હોય છે.

દરગાહમાં માનનાર મુસ્લિમને અધિકૃત ઇસ્લામ મુજબ મુશ્રિક કરાર દેવામાં આવે છે કારણ એ અલ્લાહ સિવાય અન્ય કોઈને નમીને બહુઈશ્વરવાદી થાય છે જે તેમના મતે અન્યાયી છે. ઇસ્લામમાં મસ્જિદ ‘ને દરગાહ સિવાય એક સ્થળનું મહત્ત્વ છે જે ન્યાયી ગણાય છે. મુસલ્લા. મુસલ્લા એવી ખુલ્લી જગ્યા છે જે મસ્જિદની બહાર હોય ‘ને નમાજ માટે વપરાય. અરબીમાં સલ્લા એટલે પ્રાર્થના કરવી. વિશેષતઃ મુસલ્લાનો ઉપયોગ ઈદની નમાજ પઢવા માટે થાય છે ‘ને સુન્નાહ મુજબ અંતિમ ક્રિયા અંગેની પ્રાર્થના માટે પણ. મુસલ્લાના કન્સેપ્ટનો વ્યાપ બૃહદ છે. કોઈ ઓરડો, મકાન કે જગ્યા જ્યાં સલાહ યાને સ્વીકૃત પ્રાર્થના થતી હોય તેને મુસલ્લા કહેવાય. આવા સ્થળ પાંચ સમયની નમાજ માટે વપરાઈ શકે છે. બહુ મોટી સંખ્યા માટે નહીં. ઍરપોર્ટ, મૉલ કે કોઈ જાહેર ઇમારતમાં નમાજના હેતુ માટે કોઈ પ્રાર્થના-ખંડ હોય તો તેને મુસલ્લા કહેવાય. મુસલ્લામાં સામાન્ય રીતે મિમ્બર અર્થાત સ્ટેજ કે વ્યાસપીઠ જ્યાંથી ઉપદેશ અપાય તેવું કશું નથી હોતું. સમજવા માટે મુસલ્લા એટલે એક રીતની અનૌપચારિક મસ્જિદ.

મસ્જિદનું અંગ્રેજી છે મોસ્ક. આશરે ૧૭૧૭ની સાલથી એ શબ્દ આવ્યો. એ પહેલાં મોસિક, એથી પહેલાં મોસ્કિ જેવા શબ્દ હતા. શક્યતા એવી છે કે અરબી શબ્દ મસ્જિદ પરથી જન્મેલા ફ્રેન્ચ, સ્પેનિશ ‘ને ગ્રીક શબ્દો અંગ્રેજી મોસ્કના મૂળમાં છે. ઉપસર્ગ મસ અર્થાત સ્થળ સાથે સજદા અર્થાત નમીને ઉપાસના કરવી એ જોડાઈને મસ્જિદ શબ્દ પ્રગટ થયો છે. સંકુચિત કે વિકૃત સંસ્કૃતમાં તેને યવનધર્મસ્થળી કહીએ અથવા સાદી હિન્દુ સમજ માટે મુસ્લિમ-મંદિર શબ્દ કામમાં લેવામાં આવે તો ઘણા મુસ્લિમને ના ગમે. સ્વાભાવિક છે કે મંદિરને કોઈ હિન્દુ-ચર્ચ કહે કે કાફિરધર્મસ્થાન તો હિન્દુઓને નહીં ગમે. મક્કાની મસ્જિદ જ્યાં હજ કરવા મુસ્લિમ યાત્રાળુ જાય છે તે તમામ મસ્જિદમાં અનન્ય મહત્ત્વ ધરાવે છે. મદીનામાં આવેલી મસ્જિદ જ્યાં મહમદ સાહેબ દફન કરવામાં આવેલા તેમ કહેવાય છે તે મુસ્લિમોમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. જેરૃસલેમમાં આવેલી અલ-અક્ષા મસ્જિદ જ્યાંથી મહમદ સાહેબ સ્વર્ગ તરફ નીકળી ગયેલાનું કહેવાય છે તે પણ મુસ્લિમો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.

માન્યતા અનુસાર ભારતમાં સૌથી જૂની ‘ને ભારતીય ઉપખંડમાં સૌથી પહેલી મસ્જિદ કેરળમાં આવેલી છે. ચેરમાન જુમ્મા મસ્જિદ થ્રિસ્સુર જિલ્લાના કોડુન્ગલ્લુર તાલુકાના મેથલ ખાતે આવેલી છે. વાયકા કહે છે કે એ મહમદ સાહેબના અરબી સાથીદાર મલિક દિનાર દ્વારા ૬૨૯માં બંધાયેલી હતી. તે બાંધવાની જોગવાઈ ત્યારના રાજા ચેરમાન પેરુમલ તેજુદ્દીન દ્વારા કરવામાં આવેલી. મસ્જિદ ત્યારની કેરલિઅન બાંધણી મુજબ બાંધવામાં આવેલી. પોર્ટુગીઝોએ ખ્રિસ્તી ધર્મનો ઝંડો લહેરાવવા જેમ ઘણા મંદિરો તોડેલાં તેમ મસ્જિદો પણ તોડેલી. ૧૫૦૪માં એવાં ધર્માંધપા હેઠળ આ મસ્જિદ તોડી નાખવામાં આવેલી. પછી એ ફરી બંધાઈ ‘ને અંતે ૧૯૮૪માં અંતિમ સ્વરૃપ પામી જેની પાછળ મૂળ કેરાલિયન ચ ભારતીય સ્ટ્રક્ચર તદ્દન વિલીન થઈ ચૂક્યું છે.

મહમદ સાહેબે એવું કશું કીધું હતું કે સમગ્ર પૃથ્વી મારા માટે નમાજ અદા કરવા તથા પાક થવાનું સ્થળ છે. તેના આધારે ઘણા ગંભીર મુસલમાનો સમસ્ત પૃથ્વીને મસ્જિદ માને છે. તો બીજી બાજુ મસ્જિદના નિર્માણમાં ફાળો આપવો એ પાક કર્મ ગણનારા મુસ્લિમ બહુમતીમાં છે. કહે છે કે અલ્લાહના બંદાના મૃત્યુ બાદ તેના એ સત્કાર્યનું મૂલ્ય ખરું આંકવામાં આવશે જે મસ્જિદ બાંધવામાં આપેલાં ટેકાનું હશે. બહુ મોટી સંખ્યામાં મુસ્લિમો મસ્જિદ બાંધવામાં પોતાનો ફાળો આપવાની ક્રિયાને પોતાની નિયત ફરજ ગણે છે. બેશક, માત્ર મસ્જિદ બંધાવવામાં વિરાટ કે વામન ફાળો આપવાથી કામ થઈ જાય છે તેવું ઇસ્લામ નથી કહેતું. સુજોય ચૌધરી કહે છે તેમ દરેક વ્યક્તિ મસ્જિદમાં એક જ કારણે જાય છે, પોતાની પ્રાર્થનાનો સ્વીકાર થાય એટલે. મસ્જિદ બાંધવામાં ટેકો આપનારે મસ્જિદમાં તો જવું જ પડે. ખેર, વિનીત રાજ કપૂર કહે છે કે સુનતા તો રબ હમારી ભી નહીં, પર લોગોં કો અલ્લાહ પે શક બેશક હૈં.

હશે. આ કે તે કારણ સર મસ્જિદો બની ‘ને બનવાની. તો શું રૃલ્સ છે મસ્જિદ અંગે? ઇસ્લામમાં એવા કોઈ ફરજ પાડતા કાયદા નથી કે મસ્જિદ અને મસ્જિદમાં જ્યાં નમાજ પઢવા સૌ ભેગાં થાય તે ભાગનો આકાર આવો કે તેવો જ હોવો જોઈએ. મસ્જિદનું આર્કિટેક્ચર ધાર્મિક નિયમ અનુસાર નિશ્ચિત નથી થતું. જી, મસ્જિદની ડિઝાઇનમાં એક ફરજિયાત જરૃરિયાત એવી ખરી કે ઇમામ જ્યાં ઊભા રહેવાના હોય તેમને અનુસરતા નમાજીઓની પંક્તિ પાછળ ગોઠવાય તેવી જગ્યા જોઈએ. બાકી બધું વિવેકાધીન વા મરજિયાત છે. યુરોપ, જાપાન કે અમેરિકામાં મસ્જિદની બાંધણી પર સમયનો અંતરાલ, સ્થાનિક મુસ્લિમોનો કોમન ટ્રેન્ડ ‘ને સરવાળે સૌથી વધુ જેમનું મસ્જિદ બનાવવામાં યોગદાન હોય તે મુસ્લિમો અસર પાડે છે તેવું જોવામાં આવ્યું છે. ચીનમાં ચીની સ્થાપત્યથી સ્પષ્ટ રીતે પ્રભાવિત હોય તેવી મસ્જિદ છે. ટ્યૂનિશિયાનો વિશ્વનો સૌથી જૂનો જે મિનારો છે તે આપણને તદ્દન અલગ દેખાય છે. કાશ્મીરની જૂની મસ્જિદ અન્ય ભારતીય મસ્જિદ કરતાં ભિન્ન છે.

Related Posts
1 of 281

મસ્જિદની બીજી એક ખાસિયત એ છે કે જેમ કેથલિક ખ્રિસ્તીના ચર્ચ બંધારણની દ્રષ્ટિએ પ્રોટેસ્ટન્ટ કે ઓર્થોડોક્સ ચર્ચ કરતાં નોખા પડે તેમ સામાન્ય રીતે શિયા કે સુન્નીની મસ્જિદ બંધારણની દ્રષ્ટિએ નોખી નથી પડતી. પહેલીવહેલી મસ્જિદો તરીકે નવા મુસ્લિમો નગરના મુખ્ય ભાગના ખુલ્લા સ્થળ કામમાં લેતાં. મંડપ બાંધ્યા હોય તેવું શક્ય છે. દરેક મસ્જિદમાં એક સર્વસામાન્ય મુદ્દો કાયમ રહેતો કે નમાજીનું મોઢું મક્કાની દિશામાં રહેવું ફરજિયાત છે, કારણ મક્કામાં પ્રાચીન મસ્જિદ અલ-હરમ ‘ને તેમાં કાબાનો પવિત્ર પથ્થર છે. પછીથી આર્કિટેક્ચરને લગતા મુદ્દા કેવળ વાતાવરણ કે હવામાનને ધ્યાનમાં લઈને, સામાજિક સ્થિતિ ‘ને વ્યવહારોને ધ્યાનમાં લઈને તથા બાંધકામ અંગેની સ્થાનિક ક્ષમતાને આધારે પેદા થતા ગયા. દાખલા તરીકે ભારે તડકાને કારણે છત જન્મી. મક્કા તરફ મોટી દીવાલ કે તેના પર કોઈ ગોખલો વા મિહાબ ડિઝાઇન કરવાનું કારણ એ હતું કે નમાજાર્થી મસ્જિદમાં આવે કે તરત તેને સમજાય કે કઈ દિશામાં ફેસિંગ કરી પ્રાર્થના મોકલવાની છે.

ઇસ્લામની શરૃઆત રણ પ્રદેશમાં થયેલી. રણમાંથી ઊંચે ખુલ્લું આકાશ જુઓ તો ઘુમ્મટ, ગુંબજ કે ચંદરવા જેવું દેખાય. રણમાં લીલાશ જવલ્લે જ નજરે ચઢે અને ઇસ્લામના પ્રાગટ્ય સાથે સંકળાયેલા રિવાજ ‘ને એ સાથે નિયમ મુજબ મુસ્લિમો નમાજ માટે એક જ સ્પોટ પર ભેગાં થતાં. આખરે મસ્જિદ અરણ્યની માફક બહુ વૃક્ષ હોય તેમ બહુસ્તંભી ‘ને વિસ્તીર્ણ થવાની દિશામાં આગળ વધી. છત તરીકે ડોમ. મુસ્લિમ માટે એ જન્નતનું પ્રતીક, છતાં એક મસ્જિદમાં એક કરતાં વધુ ડોમ બન્યા. કાબાનું સૂચન કરતી દીવાલ જે મસ્જિદનો સૌથી પવિત્ર ભાગ કહેવાય તેના માથે સૌથી મોટો વા ભવ્ય ડોમ હોય. ૬૨૨માં સ્થપાયેલી મદીનાની મસ્જિદ, ૬૭૦માં બંધાયેલી ટ્યૂનિશિયાની મસ્જિદ ‘ને ૭૧૫માં બનેલી દમાસ્કસની મસ્જિદ પ્રારંભની મસ્જિદો ફર્સ્ટ બેચની મસ્જિદો. ગ્રીક ‘ને રોમન આર્કિટેક્ચરની અસર સાથે થાંભલાઓ મસ્જિદમાં બંધાયા, સાથે ફેરફાર પામેલ આર્ક અર્થાત કમાન યા મહેરાબ. સંખ્યા ‘ને સરળતા સાથે સમયબદ્ધતાને ધ્યાનમાં રાખીને મુખ્ય આંગણ જ્યાં સૌ નમાજ પઢે તેને જોડતાં એકથી વધુ દ્વાર આવ્યા. ભવિષ્યમાં મસ્જિદ મોટી કરવાની જરૃર પડશે એ મુદ્દો ધ્યાનમાં રાખવામાં આવ્યો.

મિનારો મૂળભૂત ‘ને મુખ્ય એ કારણે રાખવામાં આવ્યો કે અઝાન દૂર સુધી લોકોના કાને પહોંચાડી શકાય. સમારાના ગોળગોળ આંટાવાળા મિનારા રાખવા કે તુર્કસ્તાનના ઓટોમન એમ્પાયરની સહી કરતાં પેન્સિલ જેવા મિનારા, એ માટે કોઈ કાયદા નથી. મિનારા બીજું એક કામ પણ કરતાં. કોઈ મુસ્લિમ અજાણ્યા ગામમાં આવ્યો હોય તો તેને દૂરથી ખ્યાલ આવી જાય કે મસ્જિદ અહીં છે. સો, એક તરફ મસ્જિદનું બંધારણ બાહ્ય કારણોથી તો બીજી તરફ માત્ર નમાજની ક્રિયા આસપાસ ઘડાયું. ભારતના પુરીમાં આવેલાં જગન્નાથ મંદિર જેવા નદીથી દૂર હોય તેવા ઘણા જૂના મંદિરમાં મંદિરની બહાર કૂવો રહેતો. ગુરુદ્વારાના મુખ્ય ભાગમાં પ્રવેશ કરો તે પહેલાં પગ તો ધોવા જ પડે કે ધોવાઈ જ જાય તેવું જોવા મળે છે. શરૃની મસ્જિદ રણમાં હોઈ મનની શાંતિ આપવા સિવાય વજૂ કરવા અર્થે ફુવારા સાથે કે વગર પાણીનો કુંડ રહેતો થયો.

મસ્જિદમાં અન્ય સુશોભનયુક્ત બાબત હોઈ શકે છે. જે દીવાલ મક્કાની દિશાને દર્શાવે છે ‘ને જેમાં મસ્જિદની અંદર મક્કાની સૌથી નજીક એવો મિહાબ તરીકે ઓળખાતો ગોખલો હોય છે તેની ઉપર નકશીકામ કરીને કે અન્ય રીતે વિશિષ્ઠ કળાકૃત અક્ષરમાં ઇસ્લામિક ઉપદેશ જડેલો હોઈ શકે. મસ્જિદના બાંધકામ અંગેની ખાસ માહિતી, બંધાવનાર દાતાનું નામ કે તારીખ હોઈ શકે. એ સિવાય કેરો, ઇજિપ્ત ખાતે આવેલી સુલતાન હસન મસ્જિદની જેમ છત પરથી લટકતાં સુંદર લેમ્પ વા ઝુમ્મર હોઈ શકે. દિવસની પહેલી ‘ને છેલ્લી નમાજ સૂર્યની ગેરહાજરીમાં થતી હોઈ મસ્જિદમાં પ્રકાશની વ્યવસ્થા હોવી એ પ્રેક્ટિકલી ફરજિયાત ભાગ છે. મૂળે દીવા થતાં. એ જમાનામાં દીવાના પાત્ર કે ફાનસ શણગારવામાં આવતાં. તેના પર પણ કુરાનની આયાત ચિતરવામાં કે કોતરવામાં આવતી. લેમ્પ સિવાય મસ્જિદમાં શૃંગાર સાથે પ્રેક્ટિકલ યુઝમાં આવે તેવી જે ચીજ રહે છે તે છે જાજમ.

ગુજરાતીમાં ઓછી જાણીતી કહાવત છે કે નિમાજ પઢતાં મસ્જિદ કોટે વળગવી. મતલબ કે  સારું કામ કરવા જતાં જોતરું ભેરવાવું કે પુણ્ય કરવા જતાં પીડા થવી. ગુરુ નાનકે કહેલું કે ઉપરવાળાની કૃપા મસ્જિદ બને, સમર્પણ બને જેની પર ઘૂંટણિયે પડીને નમાજ પઢવામાં આવે છે તે સાદડી અને સત આચરણ બને કુરાન. ભારત ભરમાં સૌથી વધુ જાણીતા થયેલા ‘ને ગાલિબના નામે ફરતાં શેરમાંથી એક કહે છે કે જાહિદ શરાબ પીને દે મસ્જિદ મેં બૈઠ કર, યા વો જગહ બતા દે જહાં ખુદા ના હો. અમુક વ્યક્તિઓ આનો અર્થ કાઢે છે કે અલ્લાહની બંદગી કોઈ પણ સ્થળે થઈ શકે, કારણ કે એ બધે જ છે. બેશક એ ખરું કે મસ્જિદ સમાજ ‘ને સામાજિકતા સાથે સંકળાઈ ગયેલી સંસ્થા છે. અન્ય મુસ્લિમને મસ્જિદમાં આવવું-જવું ગમે કે ના ગમે એ જોનારા જુએ છે. છતાં અબ્બાસ મરીઝનું માનવું હતું કે પીઠામાં મારું માન સતત હાજરીથી છે, મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે. કેમ? શૂન્ય પાલનપુરીએ કીધેલું કે પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.

મસ્જિદ શબ્દનો અર્થ છે એ પ્લેસ ફોર વર્શિપિંગ ધ ઓલમાઇટી. વાસ્તવિકતામાં મસ્જિદનો પહેલો અર્થ થયો મુસ્લિમો માટે ભેગાં થઈને નમાજ પઢવાનું સ્થળ. અર્થ ઉમેરાતા ગયા. હજરત બાલ મસ્જિદ ઘણાને યાદ હશે. મસ્જિદનો પ્રેક્ટિકલ યુઝ અવનવો પણ થતો ગયો. છતાં જેમ મસ્જિદ જેવી બાંધણી ધરાવતાં ચર્ચ કે ચર્ચ જેવી બાંધણી ધરાવતાં દેરાસર કે દેરાસર જેવી બાંધણી ધરાવતાં ગુરુદ્વારા હોય તો ચકિત થઈ જવાય તેમ ભારતમાં ભારતીયતા કે સર્વધર્મિતાના દર્શન થાય તેવી મસ્જિદ હજુ જોવા નથી મળી. મંદિર આર્કિટેક્ચર અને મંદિરોના ઇતિહાસની પૂરતી માહિતી ના હોય તેમને થાય કે મસ્જિદ જેવું મંદિર કેમ ના હોય? વેલ, હિન્દુઓમાં મંદિરના આર્કિટેક્ચર માટે શાસ્ત્ર છે. તોય ભાઈઓ ‘ને બહેનો, હિન્દુ વ્યવસ્થામાં તો એક્ઝેટ મસ્જિદ જેવું જ મૂર્તિ વિનાનું નિરાકાર માટેનું કોઈ મંદિર બનાવે તોય દોડશે. હા, રામ આકાર છે એ યાદ રહે. અલબત્ત, મસ્જિદ પણ આકાર છે.

અમારા જેવાની આંખમાં ડાકોર રણછોડરાયના મંદિર કે પૂના નજીક ભૂલેશ્વરના શિવ મંદિરના આકાર પરથી મુસ્લિમ અસર પ્રેમથી પધારે છે. બંગાળના જૂના મંદિરની છત ‘ને કમાન પર મુઘલ મૂછોની અસર વર્તાય છે. પુષ્કરમાં છે તેવા રંગજીના મંદિર બીજે પણ હશે જેમાં મુઘલ આર્કિટેક્ચર આવકારવામાં આવ્યું છે. આ વિષય અલગ ‘ને મોટો છે. આજના લાગણીશીલ વખતમાં એક જમાનામાં લાખો મોટાં મંદિરો તૂટીને મસ્જિદ બન્યાં તેવી વાત ના કરીએ તો કશો વાંધો નથી. અયોધ્યા ચુકાદા મુજબ મસ્જિદ બાંધવા જમીન મળે તેના પર હૉસ્પિટલ કે કૉલેજ બાંધવાની વાત પણ ના કરીએ. મસ્જિદ બનવી જોઈએ. એ જમીન પર વિશ્વ મોંમાં આંગળા નાખી જાય તેવી સોનાની મસ્જિદ બની શકે છે અને વિશાળતા, સમભાવ ‘ને સાચી મુસ્લિમિયત સિદ્ધ કરતી ભારતીય એવમ બિનમુસ્લિમ આર્કિટેક્ચર ધરાવતી મસ્જિદ બનાવી શકાય છે. તેમાં ગેરમુસ્લિમોને આવકારતો ડોમ બનાવી શકાય છે.

બુઝારો

તારી પાસે રામ છે
મારી પાસે જામ છે
અર્થ શો વિખવાદનો
બેઉંને આરામ છે!
શેખાદમ આબુવાલા
—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »