તમારા માટે, તમારી સાથે, સતત…

દેશે કૃતજ્ઞ થવું કે કૃતઘ્ન?

છેક બ્રિટનમાં પણ સાવરકર અને બીજાઓને મુક્તિ મળે તેવી લડત સ્વાતંત્ર્યવાદી બ્રિટિશરોએ શરૃ કરી હતી

0 309
  • પૂર્વાપર – વિષ્ણુ પંડ્યા

આપણે ત્યાં એક ‘દૃષ્ટિ દોષ નિવારણ’ નામે મંત્ર છે. મનુષ્ય સમાજમાં ધિક્કાર, તેજોદ્વેષ, બદદુઆ જેવી માનસિકતા તો કાયમની છે. દુર્યોધન-દુઃશાસનની દ્રૌપદી પ્રત્યેની કુનજર એવી જ હતી. શાસ્ત્રમાં મંત્રનો મહિમા છે અને તેનો ઉપચાર તરીકે પણ પ્રયોગ થાય છે. એવો એક પ્રયોગ ‘દૃષ્ટિ દોષ નિવારણ’નો પણ છે.

જ્યારે હું ટીવી ચેનલો પર કે છાપાંના લેખોમાં આજકાલ સાવરકર વિશેની ટીકા-ટિપ્પણી સાંભળું-વાંચું છું ત્યારે આ એક જ પ્રતિક્રિયા મનમાં આવે કે આ ચાર ચોપડી વાંચીને, કે તેના સિવાય, માત્ર પૂર્વગ્રહ સાથે સાવરકર પર બોલનારાઓથી દેશ-સમાજે આ મંત્રનો ઉપયોગ કરવો પડે તેવું નથી લાગતું?

મૂળ મુદ્દો અત્યારે ભલે ‘ભારતરત્ન’નો હોય, પણ સાવરકર પરના પ્રહારો તો છેક ૧૯૦૫થી ૧૯૪૭ અને ૧૯૪૭થી અત્યાર સુધી થતાં આવ્યા છે. જુઓ આ નમૂનાઓ…

‘સાવરકર હિંસામાર્ગ અપનાવીને યુવકોમાં ઝેર ઉમેરી રહ્યા છે.’ (ગાંધીજી લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ની મુલાકાત પછી)

‘મદનલાલ ધીંગરા (સાવરકરના શિલ્પ)નું કામ (કર્ઝન વાયલીની હત્યા) તદ્દન ખોટું હતું. (ગાંધીજી)

‘સાવરકરના નામની તખતી આંદામાનમાંથી કાઢી નાખીશું. (મણિશંકર અય્યર)

‘તમે સાવરકર-ગોડસેની વિચારધારામાં માનો છો, અમે ગાંધીની.’ (રાહુલ ગાંધી)

સાવરકરને ભારતરત્ન આપી શકાય નહીં. (ઓવેસી-યેચુરી-અને બીજા)

‘સાવરકર ગાંધી-હત્યાના કાવતરામાં સામેલ હતા.’ (કોંગ્રેસના પ્રવક્તાઓ)

આ તો થોડીક જ પ્રતિક્રિયા છે. ૧૯૪૮માં ગાંધી-હત્યા થઈ ત્યારે મુખ્યત્વે મહારાષ્ટ્રમાં ચિતપાવની બ્રાહ્મણો સામે રોષ દર્શાવવામાં આવ્યો, મકાનો બાળવામાં આવ્યાં. તત્કાલીન અખબારોએ હત્યાઓનો આંક આપ્યો છે. વેદ-પંડિત સાતવલેકરજીના મહામૂલા વેદગ્રંથોનું પુસ્તકાલય બાળી મૂકવામાં આવ્યું તેથી તેમણે સ્થળાંતર કરીને વલસાડ નજીકના પારડી ગામે વસવાટ કર્યો.

આ વિગતો પછી આજે સાવરકર વિષે મીડિયામાં કોઈ બોલતું હોય ત્યારે તેમાં માહિતીનો અભાવ અને અસત્યોની ભરમાર જોવા મળે! તેમાં જ એક અસત્યની ભેળસેળ કરવામાં આવી કે અરે, અરે, સાવરકરે તો આંદામાનની જેલમાંથી છૂટવા અંગ્રેજ સરકારની પાસે ‘માફી’ માગી હતી!

Related Posts
1 of 281

ખરેખર શું બન્યું હતું?

શિવરામ પંત બ. કરંદીકરનું એક પુસ્તક છપાયું હતું ૧૯૪૩માં. નામ ‘બેરિસ્ટર સાવરકર ચરિત્ર-કથન.’ અત્યાર સુધીના સાવરકર વિશેનાં તમામ (હા, તમામ) જીવનચરિત્રોમાં આ આધિકારિક જીવનચરિત્ર ગણાયું છે. દસ રૃપિયાની કિંમતના આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ અનંત ગોવિંદ ભાગવતે કર્યો હતો.

સાવરકરને જેલ મળી તે આંદામાનની કાલકોટડી હતી, અલમોડાની સગવડયુક્ત જેલ નહીં. (જ્યાં જવાહરલાલ જેલમાં રહ્યા હતા.)

સાવરકરનો આદર્શ ‘હિન્દવી સામ્રાજ્ય’ના મહાનાયક શિવાજી છત્રપતિ હતા. પોતાના સ્વાર્થ કે અહંકારને બાજુ પર મૂકીને સ્વાધીનતા-સંઘર્ષ માટે તમામ પ્રયાસો કરી છૂટવા તે શિવાજી મહારાજની પદ્ધતિ હતી. તત્કાલીન પરિસ્થિતિ એટલી મૂંઝવણભરી હતી કે દેશને સંગ્રામ તરફ દોરી જનારું નેતૃત્વ જ નહોતું! આવું

નેતૃત્વ કરી શકે તેવા સુભાષચંદ્રે દેશાંતર કર્યું અને આઝાદ ફોજ ઊભી કરી. ભારતના ભાગલાની વાત જનાબ જીન્નાએ કરવા માંડી અને લૉર્ડ માઉન્ટબેટન તેનો સ્વીકાર બધા કરે તેવા મનના હતા. ગાંધીજીએ તો ઘસીને ના પાડી, પણ જવાહરલાલે કહ્યું ઃ ‘અમે થાકી ગયા છીએ. હવે ફરીવાર જેલમાં દિવસો વિતાવવા તૈયાર નથી.’

મુદ્દો એ હતો કે ગાંધી-ઇરવિન કરાર (૧૯૩૦) થયો ત્યારે અસહકારવાદી સત્યાગ્રહીઓને છોડવામાં આવ્યા. એવું જ આંદામાન-સ્થિત ક્રાંતિકારોને અને દેશમાં બીજે જેલવાસી ક્રાંતિકારોને છોડવામાં આવે તો – સ્વરાજની શતરંજમાં ગાંધીજી અને કોંગ્રેસે પરાસ્ત થઈને વિભાજન સ્વીકારી લેવું પડ્યું -તેવું દુર્ભાગ્ય પ્રાપ્ત ન થયું હોત.

૧૯૧૩ નવેમ્બરમાં ઘાણી ફેરવવાની અને બીજી સજાઓ સામે હડતાળ પડી.

છેક બ્રિટનમાં પણ સાવરકર અને બીજાઓને મુક્તિ મળે તેવી લડત સ્વાતંત્ર્યવાદી બ્રિટિશરોએ શરૃ કરી હતી. જાપાનને કારણે અંગ્રેજો ગભરાયા હતા. દેશને સાવરકર જેવા નેતાની પ્રતીક્ષા હતી કેમ કે બાકી બીજા લાલા લાજપતરાય, રાસબિહારી બોઝ, લાલા હરદયાળ, શ્યામજી કૃષ્ણવર્મા જેવા કાં તો હદપાર હતા અથવા મૃત્યુ પામ્યા હતા. આ સંજોગોમાં વ્યૂહરચના તરીકે સાવરકરે પત્ર લખ્યો. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ બોઅર વિપ્લવની સામે બ્રિટિશ લશ્કરને ટેકો આપ્યો હતો, સ્વયંસેવક તરીકે જોડાઈને ખિતાબ પણ મેળવ્યો હતો. ભારતમાં અસહકાર ચળવળમાં તેમણે બ્રિટિશ સત્તાને વિનંતીપત્રો લખ્યા હતા. આ પરિસ્થિતિનો વ્યૂહાત્મક ઉપયોગ થવો જોઈએ તેમ સમગ્ર ક્રાંતિકારોની સાવરકર પાસે અપેક્ષા હતી.

એટલે સાવરકરે પત્ર લખ્યો. એક બ્રિટિશ અધિકારીએ સાવરકરને સૂચના પણ આપી કે, હાર્ડિંગ-બોમ્બ કેસમાં તમારા એક વધુ ભાઈને (એક તો ત્યાં કેદી હતા જ) પણ આંદામાન બોલાવાઈ રહ્યો છે. આંદામાન જેલમાં વાસુદેવ બળવંત ફડકેના બે સાથીદારો, ગણેશપંત સાવરકર, બારીન્દ્ર ઘોષ, ઉલ્લાસકર દત્ત, કાંજીલાલ, ઇન્દુ ભૂષણ રાય, વિભૂતિ ભૂષણ સરકાર, નંદગોપાળ અને બીજા ઘણા સજા ભોગવી રહ્યા હતા. આ કંઈ સામાન્ય સજા નહોતી, હાડ-માંસને ખલાસ કરી નાખે તેવી સજા, જેને લીધે કેટલાક પાગલ બની ગયા, આપઘાત કરીને જીવ ટૂંકાવ્યો.

તત્કાલીન પરિસ્થિતિને સમજ્યા વિના ઍરકન્ડિશન્ડ સ્ટુડિયોમાં બેસીને કોઈ સાવરકરની ટીકા કરે ત્યારે એક વિધાન યાદ આવે ઃ

‘દેશ અને સમાજે પોતાના સમર્પિત પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞ બનવું જોઈએ, કૃતઘ્ન નહીં!’

—————————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »