તમારા માટે, તમારી સાથે, સતત…

‘દીકરી વ્હાલનો દરિયો’ તેના જન્મના કરો વધામણા

ગ્રામ પંચાયત દ્વારા દીકરીનો જન્મ થયો હોય તે ઘરના દરેક સભ્યનું સન્માન કરવામાં આવે છે.

0 921
  • ફેમિલી ઝોન- હેતલ રાવ

દીકરી બચાવો, દીકરી પઢાવો અભિયાન અંતર્ગત ધીમે-ધીમે દીકરીઓનું સન્માન વધી રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ દીકરીઓના જન્મ પર વધામણા આપતા મેસેજ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જોઈ શકાય છે, ત્યારે ગુજરાતના એક નાના ગામે દીકરી જન્મની ઉજવણી કરી પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મેરે ઘર આઈ એક નન્હી પરી, એક નન્હી પરી.. ચાંદની કે હસીન રથ પે સવાર, મેરે ઘર આઈ.. ‘કભી કભી’ ફિલ્મના આ ગીતની પંક્તિ જ્યારે પણ સાંભળતા ત્યારે ઈશ્વરની સુંદર સોગાત એવી દીકરી પર કેટલંુ વ્હાલ વરસી આવતું, પરંતુ એ માત્ર ફિલ્મી ગીતો સુધી સીમિત હતું. કારણ કે દીકરી પ્રત્યે વ્હાલ વરસાવતાં ગીત-સંગીત તો લોકોને ગમતાં, પરંતુ જ્યારે પોતાના ઘરે દીકરી અવતરે ત્યારે વડીલ મહિલા તેને પથરો જ કહેતી. દીકરીને જન્મ આપનાર માતાએ તો જાણે કેટલો મોટો ગુનો કર્યો હોય તેમ બધાની  તિરસ્કાર ભરેલી નજરોને સહન કરવી પડતી. દીકરીને અભ્યાસ કરાવવાની વાત તો ઘણી દૂર, પરંતુ તેનો ઉછેર પણ દીકરા કરતાં ઊતરતી કક્ષાએ કરવામાં આવતો. એ વાત જુદી હતી કે માતા-પિતા માટે બધાંય સંતાનો સરખાં હતાં, પરંતુ સમાજ, પરિવાર અને વડીલોની દ્રષ્ટિ હંમેશાં દીકરા-દીકરીના જન્મને પોતાની નજરે જોતાં. ત્યાં સુધી કે દીકરો આવે તો આખાય ગામમાં પેંડા વહેંચાતા અને દીકરી આવે તો… પેંડા તો દૂર, પણ તેને સારી રીતે આવકારવામાં પણ નહોતી આવતી. ધીમે-ધીમે સમાજમાં બદલાવ આવ્યો અને દીકરીઓના જન્મ વખતે જલેબી વહેંચાતી થઈ. દીકરીને ગામમાં જ પાંચ કે સાત ધોરણ સુધીનો અભ્યાસ કરાવવામાં આવતો. પોતાનું નામ લખી, વાંચી શકે તેટલી સમજણ આપવામાં આવતી, પણ દીકરા-દીકરીની ભેદરેખા યથાવત્ હતી. ત્યારે સરકારે ૨૦૧૫માં હરિયાણાથી બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનની શરૃઆત કરી. એટલંુ જ નહીં, દીકરી અને દીકરા વચ્ચેના તમામ ભેદભાવ દૂર કરી દીકરીને ચઢિયાતા સ્થાનમાં મુકી નવી પહેલ આદરી. આજે દેશના મોટા ભાગનાં રાજ્યોમાં આ અભિયાને સંપૂર્ણ સફળતા મેળવી છે. તેમાં ગુજરાત પણ બાકાત નથી. આજે પણ અહીં વાત કરવાની છે એક એવા ગામની જ્યાં દીકરી જન્મ માત્ર પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર ગામ માટે ઉત્સવ બની જાય છે.

Related Posts
1 of 289

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વિરોલ ગામમાં પુત્રી જન્મને ઉમંગભેર વધાવવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા દીકરીનો જન્મ થયો હોય તે ઘરના દરેક સભ્યનું સન્માન કરવામાં આવે છે. જ્યારે માતાનું વિશેષ સન્માન કરી તેમને ચાંદીની ભેટ આપવામાં આવે છે. તે દિવસે ગામમાં તહેવાર જેવો માહોલ સર્જાય છે. દરેક ઘરે લક્ષ્મી અવતરી હોય તેવંુ દૃશ્ય જોવા મળે છે. એટલું જ નહીં, મીઠાઈ વહેંચીને બધાના મોં મીઠા કરાવાય છે. અંદાજે ૨૬૦૦ જેટલી વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા આ નવી પહેલ શરૃ કરવામાં આવી છે. ઑગસ્ટ ૨૦૧૯થી આ અભિયાનનો પ્રારંભ કરાયો. જેમાં અત્યાર સુધીમાં જન્મેલ બે દીકરીઓ અને તેમની માતા તથા પરિવારનું ગ્રામ પંચાયત દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતની બેઠકમાં દીકરી જન્મ સન્માન અંગે ડે.સરપંચ મનીષાબહેન ચૌહાણ, તલાટી આઈ.આઈ. વ્હોરા સહિત તમામ સભ્ય સામે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. સૌએ સાથે મળી વાતને હર્ષભેર વધાવી લીધી અને ઠરાવ પણ કરાયો. ગામમાં વસતા તમામ સમાજના પરિવારમાં અવતરેલ દીકરીને ચાંદીની ભેટ, મીઠાઈ સહિત માતા પરિવારનું સન્માન કરવામાં આવે છે.

આ વિશે વાત કરતા વિરોલ ગ્રામ પંચાયતનાં સરપંચ હંસાબહેન બ્રિજેશભાઈ પઢિયાર કહે છે, ‘હું પોતે એક મહિલા છું અને જ્યારે પણ તેમના સન્માનની વાત આવે તો તેમાં મારો પૂરતો સહયોગ રહે. દીકરી લક્ષ્મીનું સ્વરૃપ છે અને માટે જ કહેવામાં આવ્યું છે કે ભાગ્યવાનના ત્યાં દીકરો અવતરે અને સૌભાગ્યવાનને ત્યાં દીકરીનો જન્મ થાય. સરકારના દીકરી બચાવો અભિયાનમાં અમે પહેલાથી જ કાર્યરત છીએ, પરંતુ પોતાના ગામની વાત આવી ત્યારે થયંુ કે સૌ પ્રથમ આપણી દીકરીઓ માટે વિચારવું જોઈએ. માટે અમારા ગામમાં દીકરી જન્મને સન્માનિત કરવાની પરંપરા શરૃ કરવામાં આવી છે. ત્રણ મહિના પહેલાં અમે આ વિચાર કર્યો અને તેને અમલમાં મુક્યો. હવે અમારા ગામમાં જન્મ લેનારી દરેક લક્ષ્મીના અમે વધામણા કરીશું. દીકરા-દીકરીને સમાન સન્માન મળે તે માટે દરેક વ્યક્તિએ પહેલ કરવી પડશે.’

જ્યારે તલાટી ઇમ્તીયાઝભાઈ વ્હોરા કહે છે, ‘દીકરી એ ઉપરવાળાની અનમોલ ભેટ છે અને તેને સન્માનિત કરવાની તક આપણને મળે તો તે બહુમૂલ્યવાન છે. અમારા ગામમાં દીકરીને બોજ નહીં, પણ સ્વમાન માનવામાં આવે છે. કોઈ પણ ભેદભાવ વિના દરેક પરિવારમાં જન્મ લેનારી દીકરીને ચાંદીની ભેટ આપી ઉપરવાળાનો આભાર માનવાની તક અમે મેળવીએ છીએ. સરકારના દીકરી બચાવો અભિયાનને જેટલું આવકારી શકીએ તેટલું ઓછું છે, કારણ કે હવે દીકરી વ્હાલનો દરિયો માત્ર બોલવાનું નથી, પણ સાબિત પણ કરવાનું છે.’ બ્રિજેશભાઈ પઢિયાર કહે છે, ‘સરપંચ હંસાબહેન માત્ર ૨૭ વર્ષનાં છે, પરંતુ તેમના વિચારો ઘણા ઉમદા છે. પોતે સરપંચ છે ત્યાં સુધી તો દીકરીઓ માટે જેટલંુ બની શકે તેટલું કરવાનો અથાગ નિર્ણય તેમણે કર્યો છે. સામાન્ય રીતે દીકરી જન્મે તે પ્રભુની પ્રસાદી છે, પરંતુ સરપંચની આ પહેલ ખરેખર બિરદાવા જેવી છે. જેમાં પંચાયતના દરેક વ્યક્તિનો પૂરતો સહયોગ છે.’

બાળકો સામે બાળકીઓના જન્મનું પ્રમાણ ઓછું છે. જેની માટે એક બે નહીં પણ ઘણા બધાં કારણો જવાબદાર છે. જેમાં સૌથી મોટું કારણ દીકરીઓની ભ્રૂણ હત્યા માનવામાં આવે છે. માટે જ સરકારે દીકરી બચાવોના અભિયાનને વેગ આપ્યો જેથી આજે નાના ગામની પંચાયતો પણ આવા સારા કામમાં સરાહનીય કામગીરી કરી રહી છે. વિરોલ ગામમાં શરૃ કરવામાં આવેલી આ કામગીરીએ નજીકનાં અનેક ગામડાંઓને પ્રેરિત કર્યા છે. આગામી સમયમાં આ પહેલને અન્ય ગામો પણ અનુસરવાની તૈયારી કરી રહ્યા છે. ટૂંકમાં દીકરીને સાપનો ભારો સમજતા લોકો માટે આ ગામે આદરેલી પહેલ એક ઉદાહરણ પૂરું પાડશે. જેના થકી દીકરા-દીકરીના ભેદભાવ તો દૂર થશે જ સાથે-સાથે દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી સમાજમાં ખભે-ખભો મિલાવીને ઊભી રહેશે. આવી પહેલ ગામે-ગામ અને શહેરે-શહેરમાં થવી જોઈએ, કારણ કે  ‘મૈને પૂછા ઉસે કે કૌન હૈ તૂ, હંસકે બોલી કે મૈં હૂં તેરા પ્યાર, મૈં તેરે દિલ મેં થી હંમેશા સે, ઘર મેં આઈ હૂં આજ, પહેલી બાર મેરે ઘર આઈ’.
———————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »