તમારા માટે, તમારી સાથે, સતત…

ઉપવાસનું વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન

ઉપવાસના ફાયદાઓ વૈજ્ઞાનિક સંશોધનોમાં પણ સિદ્ધ થયા છે.

0 419
  • કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

આપણા પૂર્વજો જ્યારે જે કંઈ જમવાનું મળ્યું તે જમી લેતા હતા. આજનાં પ્રાણીઓની માફક ઉપવાસ માનવીના શરીર સાથે વણાઈ ગયો હતો. માણસે ખેતીવાડીની શરૃઆત કરી ત્યાં સુધી આમ જ ચાલ્યું. ચીજવસ્તુઓ ઉગાડતા શિખ્યો, ત્યાર બાદ ક્રમશઃ દિવસના ત્રણ વખત ભોજનની આદત પડી. ઉપવાસનું મૂલ્ય પણ માણસને સમજાયું. હજારો અને સેંકડો વરસ પહેલાં સ્થપાયેલા ધર્મોમાં ઉપવાસને સ્થાન મળ્યું. હિન્દુ, જૈન, ઇસ્લામ, બૌદ્ધ, યહૂદી, ખ્રિસ્તી અને શિન્ટો જેવા તમામ ધર્મોએ શારીરિક અને આંતરિક શુદ્ધીકરણ માટે ઉપવાસનો આદર કર્યો છે. ઉપવાસનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરવું જરૃરી છે. તે માટે એ જાણવું જરૃરી છે કે ઉપવાસની આપણા શરીર પર શી અસર પડે છે? છેલ્લા થોડા દાયકાઓમાં ઉપવાસ વિષે અનેક વૈજ્ઞાનિક સંશોધનો થયાં છે અને રિસર્ચ પેપરો બહાર પડ્યાં છે.

એક મજાની જોક છે. એક માણસ હાથમાં જમવાનું ટિફિન લઈને રેલવેના પાટા તરફ જઈ રહ્યો હતો. સામે એક પરિચિત મળ્યો. એણે ટિફિનવાળાને પૂછ્યું. ‘કેમ, ક્યાં ચાલ્યા?’

‘બસ, હવે જીવવું નથી. જિંદગીથી કંટાળી ગયો છું. પાટા પર પડીને મરી જવું છે.’ ટિફિનવાળાએ જવાબ આપ્યો.

‘પણ સાથે આ ટિફિન શા માટે લીધું છે?’

‘આપણા દેશની ટ્રેનોનો ભરોસો નહીં. કલાકો મોટી પડે છે. ભૂખ લાગે તો ક્યાં જવું?’ ટિફિનવાળાએ જવાબ આપ્યો.

આ જોકમાં અતિશયોક્તિ છે, પણ તે સત્યની છે. લોકોને ગમે ત્યાં પણ જમવા જોઈએ છે. પન્નાલાલ પટેલની ‘ભવની ભવાઈ’ મુજબ સ્વમાનીઓને ભીખ માગવી તે સૌથી મોટું દુઃખ લાગે છે, પરંતુ અપવાદો સિવાય તમામ લોકોને ભૂખનું દુઃખ સૌથી મોટું જણાય છે. જમવાના પ્રમાણ બાબતે, લાડવા કે પિત્ઝા ખાવા માટે સ્પર્ધાઓ થાય છે, ઉપવાસ કરવા વિષે સ્પર્ધાઓ થતી નથી. થાય તો એકાદ જણ ટળી જાય. માટે જ ઉપવાસ મોટા ભાગના લોકોને ડરામણા લાગે છે, પણ જો સંયમિત માત્રામાં ઉપવાસનું અનુસરણ કરે તો તે લાખ દુઃખોની દવા બની જાય છે. આ લખનારને યાદ છે કે ૧૯૧૨માં એક અમેરિકન વૃદ્ધનું ૧૧૪ વરસની વયની આસપાસ મરણ થયું હતું. ત્યારે એ દુનિયામાં સૌથી વધુ વયના (ડોક્યુમેન્ટેડ) વૃદ્ધ હતા. લાંબા આયુષ્ય વિષે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે, ‘હું ૫૫ વરસનો થયો પછી મેં ભોજન પર મોટો કાપ મૂક્યો હતો. મારા પેટમાં ભૂખ બાકી હોય તો પણ હું જમવાનું છોડી ઊભો થઈ જતો અને આ ક્રમ મેં ત્યાર પછીની જિંદગીમાં નિયમિત પાળ્યો છે.’ આપણામાંથી મોટા ભાગના જાણે છે કે જેઓ અકરાંતિયાની માફક જમે છે તેઓ જલદી બીમાર પડે છે અને મરણ પણ પામે છે. ગટરને ચોક-અપ કરી દેવાનું આ પરિણામ છે. તમામ ધર્મોએ ઉપવાસનો મહિમા વિશેષ અર્થઘટનો સાથે સ્વીકાર્યો છે. અમેરિકાના જનકોમાંના એક બહુવિધ પ્રતિભાના માલિક બેન્ઝામિન ફ્રેન્કલીને લખ્યું છે કે, ‘આરામ અન ઉપવાસ તે બંને દુનિયાની સૌથી શ્રેષ્ઠ ઔષધીઓ છે.’

આપણે ત્યાં કોઈ બીમાર પડે તો બહેનો, ભાભીઓ, સાળીઓ, ભાઈઓ પેશન્ટના રૃમના બારણે ઘડી ઘડી વારે જઈને ઊભી રહેશે અને કહેશે, ‘ચન્દ્રકાન્ત (ભાઈ) જમી લો. જમવું તો જોઈએ જ. જમશો નહીં તો શરીર કેમ ચાલશે?’

અરે વેવલી, એનું પેટ અને મન બંને જમવાની (સાચા કારણોસર) ના પાડે છે. એ તને ખુશ કરવા દુઃખી થાય? તો પણ વારંવારની પજવણી ટાળવા દરદી કંઈક ખાઈ લે, પણ એમ અમુક સમય ભૂખ્યા રહીને કોઈ મરી જતું નથી. દુનિયા જેમ જેમ સુખી થઈ રહી છે તેમ તેમ હાર્ટ એટેક (ડાયાબિટીસ અને ઊંચા કોલેસ્ટેરોલનું પરિણામ) અને માર્ગ અકસ્માતમાં વધુ મોટી સંખ્યામાં મરી રહી છે. ઉપવાસ કરશો તો માનસિક, શારીરિક અને આધ્યાત્મિક એ તમામ સ્તરે સુખી થશો. ખોરાક અને પાણીની બચત થશે. માત્ર તબીબોને ગેરફાયદો થશે.

માણસજાતની ઉત્ક્રાંતિના પ્રથમ તબક્કાથી જુઓ તો માનવી મુખ્યત્વે શિકારી હતો. પૃથ્વીના અબજો વરસ (છથી બાર અબજ)ના ઇતિહાસમાં આજથી માત્ર વીસ હજાર વરસ પૂર્વે માણસે ખેતીવાડીની શરૃઆત કરી હતી. તે અગાઉ જંગલોમાંથી જે પશુ, પ્રાણી, ફળ, ફૂલ મળતાં તે આરોગતો હતો. શિકારી તરીકેનું જીવન નિયમિત અને ચોક્કસ ન હતું. આજનાં રાની પ્રાણીઓની માફક અને ગામ કે શહેરમાં ભટકતાં પશુ-પ્રાણીઓની માફક માણસને ક્યારેક ખાવાનું મળતું અને ક્યારેક ના મળતું. નાસ્તો, શિરામણ, બપોરનું ભોજન, રોંઢો કે રાત્રિના વાળુ (ડિનર) જેવો કોઈ ક્રમ જ ન હતો. આપણા પૂર્વજો જ્યારે જે કંઈ જમવાનું મળ્યું તે જમી લેતા હતા. આજનાં પ્રાણીઓની માફક ઉપવાસ માનવીના શરીર સાથે વણાઈ ગયો હતો. માણસે ખેતીવાડીની શરૃઆત કરી ત્યાં સુધી આમ જ ચાલ્યું. ચીજવસ્તુઓ ઉગાડતા શિખ્યો, ત્યાર બાદ ક્રમશઃ દિવસના ત્રણ વખત ભોજનની આદત પડી. ઉપવાસનું મૂલ્ય પણ માણસને સમજાયું. હજારો અને સેંકડો વરસ પહેલાં સ્થપાયેલા ધર્મોમાં ઉપવાસને સ્થાન મળ્યું. હિન્દુ, જૈન, ઇસ્લામ, બૌદ્ધ, યહૂદી, ખ્રિસ્તી અને શિન્ટો જેવા તમામ ધર્મોએ શારીરિક અને આંતરિક શુદ્ધીકરણ માટે ઉપવાસનો આદર કર્યો છે. ત્યાં સુધી કે આજ સુધીના તમામ ફિલોસોફરો તેનું મહત્ત્વ સ્વીકારે છે. ફિલોસોફરોમાં વિચારોની ભિન્નતા ખૂબ હોય છે, પણ ઉપવાસ બાબતે લગભગ તમામ એક સરખા વિચારો ધરાવે છે.

ઉપવાસનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરવું જરૃરી છે. તે માટે એ જાણવું જરૃરી છે કે ઉપવાસની આપણા શરીર પર શી અસર પડે છે? છેલ્લા થોડા દાયકાઓમાં ઉપવાસ વિષે અનેક વૈજ્ઞાનિક સંશોધનો થયાં છે અને રિસર્ચ પેપરો બહાર પડ્યાં છે. તે મુજબ ઉપવાસની શરીર પર પ્રથમ અસર એ પડે છે કે આપણા શરીરમાં જમા થયેલા કાર્બોહાઈડ્રેટ્સ (ચરબી, કાંજી વગેરે) વપરાઈ જાય છે. આપણે ત્રણ વખત જમવાની આદત પાડી હોવાને કારણે અને ખોરાક પણ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થયો હોવાને કારણે આપણું શરીર એ પ્રકારના કાર્બોહાઈડ્રેટ્સ પ્રથમ જે તુરંત અને તૈયાર ઉપલબ્ધ હોય. જમા થયેલા કાર્બોહાઈડ્રેટ્સ પૂરેપૂરા વપરાઈ જાય તે પહેલાં આપણે ફરીથી ખાવાનું ખાઈએ છીએ અને શરીરમાં વધુ કાર્બોહાઈડ્રેટ્સ (જે ટૂંકામાં ‘કાર્બ્સ’ તરીકે પણ ઓળખાય છે) લિવરમાં અને સ્નાયુઓમાં ગ્લાયકોજન અને ચરબીના રૃપમાં જમા થાય છે.

જ્યારે આપણે ઉપવાસ કરીએ ત્યારે શરીરમાં ભ્રમણ કરતા કાર્બ્સ સૌ પ્રથમ વપરાય છે અને ત્યાર બાદ જમા થયેલું ગ્લાયકોજન બળે છે અને તે વપરાઈ જાય ત્યાર બાદ જમા થયેલી ચરબીઓ બળે છે. ઉપવાસને કારણે લોહીમાં કાર્બ્સનું પ્રમાણ ઊંચું નહીં જાય, પણ ઘટશે અને તેથી લોહીમાં ભ્રમણ કરતા ઇન્સુલિનનું પ્રમાણ પણ ઘટે છે. આપણે જે કાર્બ્સ આરોગીએ છીએ તેને પચાવવા માટે આપણા શરીરના પેન્ક્રીઆઝ (અગ્નાશય)માં ઇન્સુલિન નામના હોર્મોન્સ પેદા થાય છે. આપણે જેટલી વધુ માત્રામાં કાર્બ્સ આરોગીએ છીએ, તેમાંની સાકરને પચાવવા માટે પેન્ક્રીઆઝે એટલી વધુ માત્રામાં ઇન્સુલિન પેદા કરવું પડે છે, પરંતુ આપણા શરીરમાંના સેલ્સ (કોષો)ને સતત ઇન્સુલિનના પ્રવાહમાં તરબોળ થતા રહેવું પડે છે તેથી ઇન્સુલિન પ્રત્યેની શરીરના કોષોની સંવેદનશીલતા ક્રમશઃ ઘટતી ચાલે છે. તેઓ ઇન્સુલિનને પ્રતિસાદ આપતા બંધ થાય છે અને પરિણામે માનવીને કે પ્રાણીને મધુપ્રમેહ અથવા ડાયાબિટીસ લાગુ પડે છે.

ડાયાબિટીસની સારવાર માટે તબીબો ઇન્સુલિનનાં ઇન્જેક્શનો આપે છે તેથી લોહીમાં ઈન્સુલિનનું પ્રમાણ વધે. ડાયાબિટીસનું પ્રમાણ વધતું જાય તેમ તેમ ડૉક્ટરો ઇન્સુલિનના વધુ ને વધુ ડોઝ આપે છે જેથી કોષોમાંની વધારાની સાકરને દૂર કરી શકાય, પરંતુ એક દિવસના ઉપવાસ બાદ આપણા શરીરમાં વગર ઇન્સુલિને આવી જ સ્થિતિ પેદા કરી શકાય છે, કારણ કે શરીરમાં ઇન્સુલિનનું પ્રમાણ તો ઘટે છે, પરંતુ આપણા શરીરના કોષોની સંવેદનશીલતા ઘટતી નથી. મતલબ કે કોષો પ્રતિસાદ આપે છે અને સાકર દૂર થાય છે. આ ઉપરાંત આપણા લિવરમાં જમા થતાં ગ્લાયકોજનના પ્રત્યેક કણ સાથે પાણીના ત્રણથી ચાર કણ જોડાયેલા હોય છે. ઉપવાસને કારણે આ ગ્લાયકોજન બળી જાય છે અને દૂર થાય છે, તેને કારણે પાણી પણ છૂટું પડે છે અને પેશાબ વાટે નીકળી જાય છે. પરિણામે વજન ઘટે છે અને ફૂલેલું શરીર હળવું બને છે. ૨૦૧૩માં થયેલા એક પ્રયોગ મુજબ એકાંતર દિવસે ઉપવાસ કરવાથી સામાન્ય અથવા વધુ વજન ધરાવતાં લોકોનું વજન ઘટે છે અને હૃદયનું રક્ષણ થાય છે.

ઉપવાસના બીજા ફાયદાઓ પણ છે. જેમ કે તેનાથી ‘વેરી લો-ડેન્સિટી લિપોપ્રોટીન (વીએલડીએલ) કોલેસ્ટેરોલનું પ્રમાણ લોહીમાંથી ઘટે છે. ટ્રાઈગ્લીસરાઈડનું પ્રમાણ પણ ઘટે છે. આ પ્રકારના કોલેસ્ટેરોલને ખરાબ અથવા ‘બેડ’ તરીકે ઓળખાવાય છે. તે અને ટ્રાઈગ્લીસરાઈડનું જરૃર કરતાં ઊંચું પ્રમાણ હૃદય માટે ઘાતક નીવડે છે. લોહીની નળીઓ બ્લોક થઈ જાય છે. શરીરમાં ‘હાઈડેન્સિટી લિપોપ્રોટીન’ અર્થાત એચડીએલ કોલેસ્ટેરોલ હોય છે તે ગૂડ અર્થાત ભલા કોલેસ્ટેરોલ તરીકે ઓળખાય છે. કોલોસ્ટેરોલ અને ટ્રાઈગ્લીસરાઈડ એક પ્રકારની ચરબીઓ જ છે. એચડીએલ અથવા સારી ચરબીનું પ્રમાણ ઘટે તો ખરાબ ચરબી અથવા કોલેસ્ટેરોલનો નકારાત્મક પ્રભાવ વધી જાય છે. સારી અને ખરાબ મળીને કુલ ચરબીઓનું પ્રમાણ વધી જાય તો પણ નુકસાનકારક છે. શારીરિક શ્રમ કરતાં લોકોના શરીરમાં અપવાદ સિવાય તેની સમતુલા જળવાઈ રહે છે, પરંતુ વધુ ભોજન આરોગતા અને શ્રમ નહીં કરતા લોકોના શરીરમાં તેનું પ્રમાણ ભયજનક હદે વધી જાય છે.

એક પ્રચલિત ભ્રમણા એ છે કે ચરબી ધરાવતો ખોરાક, ઘી, તેલ, ઈંડાંની પીળાશ વગેરે ઓછા ખાવાથી વીએલડીએલ કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડી શકાય છે, પરંતુ આપણા શરીરમાંના કોલેસ્ટેરોલમાંથી ૮૦ ટકા જેટલું આપણા લિવર દ્વારા પેદા થાય છે અને આપણે ખોરાકમાં જે કાર્બ્સ ખાઈએ છીએ તેમાંથી તે ખરાબ ચરબી પેદા થાય છે. લિવર દ્વારા કાર્બ્સનું ટ્રાઈગ્લિસરાઈડ નામની ખરાબ ચરબી અથવા વીએલડીએલમાં રૃપાંતર થાય છે. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ પંજાબના પ્લાન સાયન્સીઝ વિભાગના ડૉક્ટર ફેલિક્સ બસ્તના કહેવા મુજબ આ વીએલડીએલ ઘટાડવાનો શ્રેષ્ઠ ઉપાય ઉપવાસ છે. બીજો એક ઉપાય સ્ટેટીન્સ શ્રેણીની દવાઓ અથવા મોંઘી ગોળીઓ ગળવાનો છે, પરંતુ આ સ્ટેટીન્સ ગોળીઓથી કેટલીક ગંભીર અને જોખમી આડઅસરો પેદા થાય છે. સ્ટેટીન્સને કારણે શરીરના સ્નાયુઓ અને લિવરને નુકસાન પહોંચે છે અને ડાયાબિટીસ શરૃ થાય છે. એક બકરું દૂર કરવા જાવ તો બીજા ત્રણ ચાર ઘૂસી જાય. છેલ્લાં અદ્યતન સર્વેક્ષણો મુજબ સ્ટેટીન્સની થેરપી અથવા સારવારને કારણે આયુષ્યમાં કોઈ ખાસ વૃદ્ધિ થતી નથી, પરંતુ ડૉ. ફેલિક્સના કહેવા પ્રમાણે, માત્ર પોતાના નફાનો જ વિચાર કરતી દવા કંપનીઓ અને દવા કંપનીઓની નાણાકીય મદદથી સંશોધનો કરતાં રિસર્ચરો એવું ઇચ્છતા નથી કે તમે માત્ર ઉપવાસ કરીને વીએલડીએલમાં ઘટાડો કરો. તેઓ પોતાની દવાઓ વેચવા માગે છે. પોતાના હેતુઓ અર્થાત ઇરાદાઓ બર આવે તે માટેના ઘર્ષણ અથવા ‘કોન્ફલિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ્સ’નું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેમાં વ્યક્તિ પોતાની ફરજને પડતી મૂકી પોતાના હેતુઓ પ્રત્યે પક્ષપાતી બની જાય છે.

આવા કોન્ફલિક્ટને કારણે ઉપવાસની વિરુદ્ધમાં કેટલીક ખોટી, ભ્રામક માન્યતાઓ ફેલાવવાનું કામ સામાન્ય બની ગયું છે. મોટી કંપનીઓ અને તેના સંશોધકો આ પ્રવૃત્તિઓ કરે છે. હમણા હમણા દુનિયાભરમાં એસિડિટી માટેની રેનીટિડિન દવા અને ઓમેપ્રાઝોલ વર્ગની દવાઓ માટેની બે અલગ-અલગ લોબી સામ સામે કાર્યરત બની છે. રેનીટિડિનથી કૅન્સર થાય છે તેવું લગભગ પચ્ચીસ વરસના વપરાશ બાદ કહેવાઈ રહ્યું છે. અમુક દેશોએ તેના પર પ્રતિબંધો મૂક્યા છે. ઓમેપ્રાઝોલ પ્રકારની દવાઓનો પ્રચાર કરતા તબીબો ઓમેપ્રાઝોલને સલામત ગણાવે છે, પરંતુ તેની પણ ગંભીર આડઅસર થાય છે તે જાહેર કરતા નથી. ડૉક્ટર ફેલિક્સ સાચું કહે છે. આજે દુનિયાના દરદીઓ મસમોટી કંપનીઓની ઝપેટમાં ફસાઈ ગયા છે. તેનાથી બચવું હોય તો ઉપવાસ કરો. તેનાથી બધી સમસ્યા ઊકલી જશે તેની ખાતરી નથી, પણ ઘણો મોટો ફરક પડશે.

મોટી કંપનીઓ જે જૂઠાણા ચલાવે છે તેનું એક ઉદાહરણ ડૉ. ફેલિક્સ આપે છે. મોટા પાયે પ્રચાર થઈ રહ્યો છે કે સવારનો નાસ્તો એ સૌથી મહત્ત્વનું ભોજન છે. સવારનો નાસ્તો રાજાની માફક અને રાત્રિ ભોજન ગરીબની માફક લો વગેરે કહેવાઈ રહ્યું છે. અમુક કહેવાતા ફૂડ એક્સપર્ટ ડાયેટિશિયન પણ બીજાનું વાંચી સાંભળીને એ જ રટણ પર ચડી જાય છે. કેટલાક તમારા હિતેચ્છુ હોવાનો ડોળ ઘાલીને કોઈક ‘ચમત્કારી’ ખોરાક કે દવા તરફ તમને લઈ જવાની કોશિશ કરે છે. ટિપ્સ આપનારી બહેનનું ટૉપ અને બોટમ કઈ કંપનીના છે તે બાજુમાં લખ્યું હોય. નાસ્તો ખૂબ જરૃરી હોવાનું તૂત વિજ્ઞાને નથી ચલાવ્યું, પણ સિરિયલ અને નાસ્તા કંપનીઓએ ચલાવ્યું છે. ‘બીન્સ અને કેરેટ્સની એડેડ શક્તિ સાથે’ લખેલું પેકેટ ખોલો તો ત્રણ દાણા ત્રણ મહિના પહેલાં પેક કરેલા વટાણાના અને એ જ કદના ત્રણ ટુકડા ગાજરના મળે. તમને રાજનેતાઓનાં વચનો યાદ આવે. જો વધુ ને વધુ લોકો ઉપવાસ કરે તો તેની નકારાત્મક અસર ફૂડ ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને પેકેજ્ડ ફૂડ ઇન્ડસ્ટ્રી, વિટામિન્સ વગેરે સપ્લિમેન્ટની કંપનીઓ અને દવા ઉદ્યોગ પર પડે, પણ ઉપવાસના વિરોધમાં જે નકારાત્મક પ્રચાર થઈ રહ્યો છે તે સાચો છે? શું ઉપવાસ કરવાથી પેટમાં અલ્સર (ચાંદુ) પડે છે અને ઉપવાસ કરવાથી લાંબા ગાળે તમારું વજન વધે છે તેવા દાવાઓ સાચા છે? ડૉક્ટર ફેલિક્સના મતે આ બધા ભ્રામક જૂઠાણા છે. ઉપવાસ કરવાથી અલ્સર થતું નથી કે વજન વધતું નથી.

ઉપવાસના ફાયદાઓ વૈજ્ઞાનિક સંશોધનોમાં પણ સિદ્ધ થયા છે. ઉપવાસ કરવાથી કૅન્સર, હાઈપરટેન્શન (બ્લડપ્રેશર) સામે રક્ષણ મળે છે. જોકે ઉપવાસથી કોઈકના બ્લડપ્રેશરમાં વધારો ઘટાડો થાય છે. આવી પ્રકૃતિના લોકોએ તબીબની સલાહ લઈને જ ઉપવાસ કરવા. ઉપવાસથી મગજનું ઓવરઓલ આરોગ્ય સુધરે છે. રોગ-પ્રતિકારક શક્તિ વધે છે અને ઉપવાસથી આયુષ્ય પણ વધે છે. ભારતમાં ઘણાએ જોયું છે કે યોગીઓ અને ઉપવાસીઓ લાંબું જીવતા હોય છે, પણ શિષ્યો દાવો કરતા હોય છે કે એમના ગુરુ ચારસો અને પાંચસો વરસ જીવ્યા તે બધી વાત ખોટી. વધુમાં વધુ ૧૧૦થી ૧૧૫ વરસ સુધી જીવતા હોય છે. તેમાં વ્યક્તિના જીન્સ અને પ્રદેશની આબોહવા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. એકસો કરતાં વધુ વરસ જીવેલા પ્રમાણિત લોકોની યાદીમાં અમેરિકનો અને જાપાનના લોકો વધુ છે. ભારતમાં પ્રમાણિત યાદીમાં મૈસૂર રાજ્યના એક યોગી શિવકુમાર સ્વામીનું નામ છે. એ એપ્રિલ, ૧૯૦૭માં જન્મ્યા હતા અને ૨૧ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ (આ વરસે) મરણ પામ્યા. ૧૧૧ વરસ અને ૨૯૫ દિવસ જીવ્યા. ભારતમાં બીજા યોગીઓ અને દીર્ઘાયુ લોકો હશે, પણ શિવકુમાર સ્વામીનો કેસ ડોક્યુમેન્ટેડ છે. બધાના ડોક્યુમેટ્સ હોતા નથી.

Related Posts
1 of 262

સંશોધનોમાં જણાયું છે કે સ્થૂળતા, ઈન્સુલિન અને કૅન્સર વચ્ચે સંબંધ છે. લોહીમાં ઈન્સુલિનનું પ્રમાણ જેમ જેમ વધે તેમ તેમ કૅન્સર થવાનું જોખમ પણ વધે છે. સ્થૂળતાને કારણે આ જોખમ વધે છે. ઉપવાસ કરવાથી સ્થૂળતા ઘટે છે અને તેથી લોહીમાં ઈન્સુલિનનું પ્રમાણ ઘટે છે અને પરિણામે કૅન્સર થવાનું જોખમ પણ ઘટે છે.

શરીરમાં કોષો જૂના થઈ વિભાજિત બની જતા હોય છે. આ જૂના અને વિભાજિત સેલ શરીરમાંની વધુ પડતી ચરબી પર ફૂલેફાલે છે અને અનેકમાંથી કોઈ એક પ્રકારના કૅન્સર તરીકે વિકસતાં હોય છે, પરંતુ આપણા શરીરમાંના જૂના અને તૂટેલા કોષોને શરીરની બહાર કાઢવાની એક યંત્રણા પણ ચાલતી હોય છે જે ‘ઓટોફજી’ તરીકે ઓળખાય છે. ઉપવાસ દરમિયાન અને તેને કારણે આ ઓટોફજી પ્રક્રિયા વધુ વેગવાન બને છે અને શરીરના વિકૃત સેલ્સને બહાર હાંકી કાઢે છે જેથી એ સેલ કૅન્સર તરીકે વિકસતા અટકે છે. ઉપવાસને કારણે ઓટોફજી યંત્રણા વધુ કાર્યક્ષમ બને છે.

બીજા કેટલાંક સંશોધનોમાં જણાયું છે કે ઉપવાસને કારણે આઈજીએ નામના મહત્ત્વના ઍન્ટિબોડીના પ્રમાણમાં વધારો થાય છે. ઍન્ટિબોડી એ કોઈ ચોક્કસ પ્રકારના જીવાણુ શરીરમાં પ્રવેશે તો તેનો ખાત્મો બોલાવતું પ્રોટીન છે. જેમ કે જેના શરીરમાં મેલેરિયાના ઍન્ટિબોડી હોય તેને મચ્છર કરડવાથી મેલેરિયા થતો નથી. આઈજીએ એક એવું ઍન્ટિબોડી છે, પાતળી ત્વચા ધરાવતા અંગોની ત્વચા છેદીને શરીરમાં દાખલ થઈ જતા જીવાણુઓને મારી નાખે છે. આંતરડાની ત્વચા, ગુપ્તાંગો અને આંખની અંદરની ત્વચા આ પ્રકારની કોમળ ત્વચા (મુકસ મેમ્બ્રેન) છે જે છેદીને શરીરમાં જીવાણુઓ પ્રવેશતા હોય છે. આઈજીએ ઍન્ટિબોડી તેની સામેની મિઝાઇલ છે. ઉંદરો પરના પ્રયોગોમાં જણાયું છે કે એકાંતરે આખો દિવસ કરવાથી અથવા એક સપ્તાહમાં બે દિવસ ઉપવાસ કરવાથી ઉંદરોના આયુષ્યમાં ૩૦ ટકાનો વધારો થયો હતો. મોટી ઉંમરે અને વૃદ્ધાવસ્થામાં ઉપવાસ કરવાથી થતા ફાયદાઓ અને ગેરફાયદાઓ બાબતમાં હાલમાં સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચાયું છે અને સંશોધનો અને શોધખોળ ચાલી રહ્યાં છે.

બ્રેઈન-ડિરાઈવ્ડ ન્યુરોટ્રોફિક ફેક્ટર (બીડીએનએફ) એક એવું તત્ત્વ અથવા મોલેક્યુલ છે જે મગજના કોષો અથવા ન્યુરોન્સને તંદુરસ્ત રાખે છે. માનસિક આરોગ્ય જળવાય તે માટે આ બીડીએનએફ તત્ત્વ ખૂબ મહત્ત્વનું અને જરૃરી છે. આ તત્ત્વ મગજમાં દૂષિત તત્ત્વોને જમા થવા દેતું નથી. જો એ ઝેરી તત્ત્વો જમા થાય તો અલ્ઝાઇમર અને પાર્કિન્સન્સ ડિસીઝ નામની ન્યુરોડિજનરેટિવ બીમારીઓ લાગુ પડે છે. ઉપવાસ કરવાથી આ બીડીએનએફ મોલેક્યુલ્સની વૃદ્ધિ થાય છે અને મગજનું આરોગ્ય જળવાઈ રહે છે.

માનવીઓ અને પ્રાણીઓનાં આંતરડાંઓમાં   વિવિધ પ્રકારના બેક્ટેરિયાઓની કોલોનીઓ રચાયેલી હોય છે. તેમાંના કેટલાક પાચનશક્તિ માટે જરૃરી બેક્ટેરિયા હોય છે જે ગુડ અથવા મિત્ર બેક્ટેરિયા તરીકે ઓળખાય છે અને કેટલાક દુશ્મન બેક્ટેરિયા હોય છે, જે ‘બેડ’ તરીકે ઓળખાય છે. ગુડ અને બેડ બેક્ટેરિયા વચ્ચે યુદ્ધ ચાલતું રહે છે. આ ક્ષેત્રમાં હજી નવાં સંશોધનો ચાલી રહ્યાં છે, પરંતુ કેટલાક અભ્યાસોમાં જણાયું છે કે ‘સાલ્મોનેલા’ જેવા કેટલાક બેડ બેક્ટેરિયા ઝડપભેર વધતા હોય છે. માણસને ઝાડા, ઊલટી તેના વધવાથી થાય છે. ગુડ બેક્ટેરિયા વધે તેના કરતાં બેડ બેક્ટેરિયા વધુ ઝડપથી વધે છે, પરંતુ જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે આ બેડ બેક્ટેરિયાને મળતો ખોરાક બંધ થઈ જાય છે અને તે ભૂખ્યા રહીને મરી જાય છે. પરિણામે સારા બેક્ટેરિયાની ફરીથી વૃદ્ધિ થાય છે. માટે પેટમાં ગરબડ હોય ત્યારે ઉપવાસ વધુ ફાયદાકારક લાગે છે. અમુક અપવાદો સિવાય બરાબર ના હોય ત્યારે મોટા ભાગના લોકોને જમવામાં રુચિ રહેતી નથી, જેથી જલ્દીથી સારું થાય. શરીરમાં ખૂબ બુદ્ધિ છે. સમજદારે તેને માન આપી ભૂખ્યા રહેવું. જમશો નહીં તો કેમ ચાલશે? એવો પ્રેમનો ખોટો દેખાવ કરવો નહીં.

આંતરડાંની બેક્ટેરિયા સૃષ્ટિ અથવા માઈક્રોબાયોમ માનવીના શરીરની અનેક આંતરિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી છે. તેની સાથે ગ્લુકોઝનું મેટાબોલિઝમ અથવા ચયાપચય જોડાયેલું છે. હૃદયની તંદુરસ્તી પણ આંતરડાંની તંદુરસ્તી પર અવલંબે છે. ગટ માઈક્રોબાયોમ વ્યવસ્થિત હોય તો માનવીને જલ્દીથી ડિપ્રેશન પણ લાગુ પડતું નથી. આ ગટ માઈક્રોબાયોમ પ્રક્રિયા અથવા વ્યવસ્થા ઉપવાસ કરવાથી તંદુરસ્ત રહે છે.

આરોગ્ય માટે આહાર જેટલો મહત્ત્વનો છે એટલી જ મહત્ત્વની નિદ્રા છે. હજારો અને લાખો વરસોથી માનવી સંધ્યા બાદ સૂઈ જવા અને પ્રભાતે જાગવા માટે સર્જાયેલો છે, પરંતુ આગ અને પ્રકાશને લગતી નવી શોધો બાદ આ જૂની પેટર્ન બદલાઈ ગઈ છે. અનેક વૈજ્ઞાનિક સંશોધનો જણાવે છે કે પૂરતી ઊંઘ નહીં લેવાથી કે મળવાથી ડાયાબિટીસ, હૃદયરોગ, સ્થૂળતા, કૅન્સર અને માનસિક અક્ષમતા જેવી બીમારીઓ લાગુ પડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ગણતરી મુજબ દુનિયાની ત્રીજા ભાગની વસતિ અનિદ્રાથી પીડાય છે. આઠ કલાકથી ઓછી ઊંઘ અનિદ્રા અથવા નિદ્રાવિયોગ ગણાય છે. એક નોંધપાત્ર સંશોધન મુજબ એક રાતમાં ચારથી પાંચ કલાક જેટલી ઊંઘ ઘટી જાય તો માનવીના શરીરમાંના ‘નેચરલ કિલર’ (એનકે) કોષોમાં ૭૦ ટકાનો મોટો ઘટાડો થાય છે. એનકે સેલ શરીરના સફેદ કણોની એક પેટા જાત છે જે બહારના વિષાણુઓના હુમલા સામે લડે છે અને શરીરને સાજું કરવામાં મદદરૃપ થાય છે. ત્યાર બાદ ઘણા દિવસ પૂરતી ઊંઘ લો ત્યારે એ સેલની વૃદ્ધિ અથવા ભરપાઈ થાય છે. અનેક કોષો વિકૃત અથવા વિભાજિત કોષોને પણ ખાઈ જાય છે. જેથી વિકૃત કોષો કૅન્સરનું રૃપ ધારણ કરતા અટકે છે. સ્વાભાવિકપણે જ અનેક સેલ્સનું પ્રમાણ ઘટી જાય તો આપણી રોગ-પ્રતિકારક શક્તિ એટલી હદે ઘટી જાય છે કે તે કૅન્સર કે અન્ય ચેપી બીમારીઓ સામે આપણુ રક્ષણ કરી શકતી નથી. અનિદ્રાને કારણે શરીરમાં મેલાટોનીન નામનું તત્ત્વ બનતું નથી. કૅન્સરને રોકવા માટે મેલાટોનીન એક મહત્ત્વની ચીજ છે. તેનું પ્રમાણ ઘટે તો કૅન્સરનું જોખમ વધે. અનિદ્રાને કારણે કોલોન અથવા આંતરડાંનું, છાતીનું અને પ્રોસ્ટેટ કૅન્સર થવાની સંભાવના વધે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અનિદ્રા અને રાત્રિ પાળીની નોકરીને કૅન્સરના શક્ય જનકો ગણાવવામાં આવ્યા છે.

ઓછી ઊંઘને કારણે મગજની શક્તિઓ ઘટે છે. મગજ ઝડપથી નિર્ણય લઈ શકતું નથી. ખૂબ ઝડપથી કાર દોડાવી રહ્યા હો ત્યારે એક સેકન્ડના સોમાં કે દસમાં ભાગમાં જે નિર્ણય લેવાનો હોય તે લઈ શકાતો નથી. દુનિયામાં ઘટતી માર્ગ અકસ્માતની મોટા ભાગની ઘટનાઓ ઓછી ઊંઘને કારણે સર્જાય છે. ઓછી ઊંઘ હૃદયની બીમારીઓ અને હાર્ટ એટેક નોતરે છે. જાપાનમાં થયેલા અભ્યાસ મુજબ દિવસના છ કલાકથી ઓછી ઊંઘ લેવાથી હાર્ટ એકેટનું જોખમ ૪૦૦ ટકા વધી જાય છે. માટે આરોગ્યમય અને લાંબંુ જીવન જીવવું હોય તો ઓછું ખાવ, પૂરતા પ્રમાણમાં ઊંઘ લો અને શ્રમ કરો. ઓછું ખાવાથી અને રાત્રે ટીવી અને વીજળી ઓછા બાળવાથી પણ બચત થાય છે. ઓછાં થઈ રહેલાં સંસાધનોની બચત થાય છે. પ્રદૂષણ પણ ઘટશે અને દુનિયાની ભૂલ પણ ઘટશે. કશું ગુમાવવાનું નથી. બધું મેળવવાનું જ છે.

હમણા એક બહેને વૉટ્સઍપ પર લખ્યું હતું કે, ઉપવાસના દિવસે ગુજરાતી બહેનોનું સમગ્ર ધ્યાન ફરાળમાં શું બનાવવું તે બાબત પર કેન્દ્રિત થઈ જાય છે અને આ માથાકૂટ આખો દિવસ ચાલે છે. શું આને ઉપવાસ કહેવાય? એમનો આ સવાલ હતો, પરંતુ મોટા ભાગના ધર્મોમાં ઉપવાસની વિગતે છણાવટ કરવામાં આવી છે. તે દરેકમાં પેટને ઊણુ રાખવાની, ખાલી રાખવાની વાત જ મહત્ત્વની છે. થોડા ફળાહારની છૂટ છે, પણ ફલાણી ચીજ ખવાય કે ના ખવાય? અને ખાવાની વૈકલ્પિક અને વધુ ત્રાસદાયક ચીજો ભરપેટ ખાવાથી ઉપવાસ ઉપવાસ રહેતો નથી. આ જૂનું ડહાપણ ધર્મગ્રંથોમાં અનુભવને આધારે લખાયેલું છે, પણ એવું બહાનું શોધી કાઢ્યું છે કે ભૂખ્યા પેટે ભજન ના થાય. અચ્છા તો જમી કારવીને ભજન કરો, પણ ઉપવાસ માટે ઉપવાસ પણ કરો.

સદ્ગુરુ તરીકે ઓળખાતા ઇશા ફાઉન્ડેશનના સદ્ગુરુ કહે છે કે, તમે પરાણે ઉપવાસ ના કરો તે પણ મહત્ત્વનું છે, પણ આ લખનારનું માનવું છે કે પરાણે કસરત કરવી પડે છે તેમ પરાણે ઉપવાસ કરવામાં કશું ખોટું નથી. સંયમ અને આરોગ્ય વધે છે. સદ્ગુરુ કહે છે કે, ‘શરીરની એક કુદરતી સાઇકલ હોય છે, જેને ‘મંડળ’ કહેવામાં આવે છે.  મંડળનો અર્થ એ કે પ્રત્યેક ચાલીસથી અડતાલીસ દિવસના ગાળામાં શરીરની સિસ્ટમ એક સાઇકલ અથવા ચક્ર પૂરું કરે છે. દરેક ચક્રમાં ત્રણ દિવસ એવા હોય છે જેમાં તમારા શરીરને ખોરાકની જરૃર પડતી નથી. જો તમે એ બાબતમાં સાવધ હો કે તમારું શરીર કેવી રીતે કામ કરે છે તો તમને એ પણ સમજાઈ જશે કે એ દિવસોમાં તમારા શરીરને ખોરાકની જરૃર પડતી નથી. એ દિવસે તમે કોઈ પ્રયત્ન વગર ભૂખ્યા રહી શકશો.’

સદ્ગુરુ એમ પણ કહે છે કે, ‘પ્રત્યેક ૧૧ કે ૧૪ દિવસમાં એક દિવસ તમને જમવાનું મન થતું નથી. તે દિવસે તમારે જમવું જોઈએ નહીં. સદ્ગુરુના કહેવા પ્રમાણે કૂતરા અને બિલાડીઓમાં પણ આ જાણકારી હોય છે. તમે જોયું હશે કે અમુક ચોક્કસ દિવસે તેઓ કશું ખાશે નહીં. તેઓ પોતાની સિસ્ટમથી વાકેફ હોય છે. તે દિવસે શરીરની સિસ્ટમ કહે છે કે આજે ‘નો-ફૂડ ડે’ છે. આજે અંદરની સાફસફાઈ કરવાનો દિવસ છે.”

લોકો માત્ર ધાર્મિક કારણોસર નહીં, પરંતુ શારીરિક અને વૈજ્ઞાનિક કારણોસર પણ સ્વીકારતાં થયાં છે. શારીરિક અને વૈજ્ઞાનિક સંદર્ભમાં જોઈએ, ઉપવાસની ચયાપચય પર થતી અસર પ્રમાણે ઉપવાસ કરવામાં આવે તો તે વધુ વાસ્તવિક અને ઉપયુક્ત બને છે. ઉપવાસ દરમિયાન ચયાપચય (મેટાબોલિક)ની કેટલીક નવી સ્થિતિઓ અને નવા રાસાયણિક સમીકરણો શરીરમાં રચાતાં હોય છે. વિદેશોમાં કે દેશમાં તબીબોના કે પછી ડાયેટિશિયનોના માર્ગદર્શન હેઠળ ઉપવાસ આદરવામાં આવે છે ત્યારે ઉપવાસની અસર માપવા માટે કેટલાક લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. ઉપવાસ શરૃ કરતા પહેલાંની સ્થિતિ અને પૂરો કર્યા બાદની સ્થિતિઓ માપવામાં આવે છે. છેલ્લે જમ્યા બાદ આઠથી બાર કલાક સુધી માણસ કશું ના જમે તેને ઉપવાસની સ્થિતિ ગણવામાં આવે છે. ભોજન કે ખોરાક લીધાના ત્રણથી પાંચ કલાક બાદ મેટાબોલિક ફેરફારો શરૃ થાય છે. કોઈક તબીબી નિદાન કે સારવાર માટે ઉપવાસ કરાવાય તો તે શારીરિક તકલીફ પ્રમાણે અને દરદીની ઉંમરને ધ્યાનમાં રાખીને આઠથી ૭૨ કલાક સુધીના પણ હોઈ શકે. શરીરમાં સાકર જરૃરી માત્રાથી ઘટી જાય તો તેની વિપરીત અસરો શરીર પર જણાય છે. જેમ કે મગજ સ્પષ્ટ રીતે કામ કરતું નથી. ચેતના, સ્ફૂર્તિનો અભાવ જણાય. કોઈ નિર્ણય પર આવી ના શકાય. શરીરમાં ખેંચ આવે અને મરણ પણ નીપજી શકે. ભૂખ, પસીનો, ધ્રૂજારી, અશક્તિનો તત્કાળ અનુભવ થાય. સાકર ઘટી જવાની આ સ્થિતિ હાઈપોગ્લાયસેમિયા તરીકે ઓળખાય છે. આ સ્થિતિ થવા પાછળ બીજાં ઘણાં આનુષંગિક કારણો રહેલાં હોય છે. આ સ્થિતિનું યોગ્ય નિદાન કરવા માટે તબીબોની દેખરેખમાં ઉપવાસ પળાવીને ક્રમશઃ લેબોરેટરી અને બીજા ટેસ્ટ થાય છે. આ અને આવી બીજી તકલીફો ધરાવતા લોકોએ તબીબોને પૂછીને જ ધાર્મિક કારણોસરના કે બીજા કારણોસરના ઉપવાસ પાળવા જોઈએ. હાઈપોગ્લાયસેમિયાની સ્થિતિમાં વધુ ભૂખ્યું પણ રહેવાનું હોતું નથી.

ઉપવાસ કરવાથી શરીર ઘટતું નથી અને કશો ફાયદો થતો નથી એવું કહેનારા લોકો પણ હોય છે. ખૂબ સૂક્ષ્મ ટકાવારીમાં આવા લોકો ખરેખર પણ હોય છે, પણ આવા લોકોમાં એક મોટો વર્ગ એવો પણ હોય છે કે તેઓ ઉપવાસ તો કરે છે, પણ વૈજ્ઞાનિક ઢબે કરતા નથી. ઉપવાસ શબ્દનો બીજો પર્યાયવાચી શબ્દ ફળાહાર (ફરાળ) છે. એ ફરાળમાં ફરાળી ચેવડો, ફરાળી પેટીસ, સાબુ દાણાના વડા જેવાં ચરબી અને કાર્બ્સથી ભરપૂર ખોરાક તદ્દન બંધબેસતાં નથી. શું અને કેટલું ખાવ છો તેના કરતાં કેટલી કેલેરી આરોગો છો તે મહત્ત્વનું છે. આપણે ત્યાં ઉપવાસ એટલે ઉપવાસ નહીં, પણ ફેસ્ટિવલ હોય છે. સમજદારીથી ઉપવાસ કરે તો કદાચ આસમાની સુલતાની ના થાય તો પણ ફરક ઘણો પડે છે. સર્જનહારે શરીરો અબજો પ્રકારનાં આગવાં સંયોજનોમાં ઘડ્યા છે. છગનભાઈને ફરક ના પડ્યો એટલે મગનભાઈને ફરક નહીં પડે તેમ માની ના લેવું. છનગભાઈનું શરીર છગનભાઈનું છે અને મગનભાઈનું મગનભાઈનું.

ઉપવાસ માટે ખૂબ મોટા દાવા કરવામાં આવે છે. તે સાચા છે કે ખોટા તે હજી નક્કી થઈ શક્યું નથી. ઉપવાસ વડે કેન્સર પણ મટી જાય છે તેવો દાવો આજકાલ પ્રચલિત છે. થયેલું કેન્સર મટે છે કે કેમ તેનું કોઈ પ્રમાણ વિજ્ઞાનને મળ્યું નથી, પરંતુ લાંબા સમયના નિરામય જીવન, પ્રમાણસર આહાર, નિદ્રા અને વ્યાયામથી કેન્સર લાગુ પડતા અટકે છે તે પુરવાર થયું છે. અમેરિકન કેન્સર સોસાયટીએ સ્પષ્ટતા કરી છે કે સોસાયટી કેન્સરની સારવાર માટે ઉપવાસનો સહારો લેતી નથી. માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થવાના પુરાવા મળ્યા છે. ૨૪ કલાકથી ઓછા સમય સુધી ઉપવાસ પાળવાથી સ્થૂળ અને તંદુરસ્ત લોકોનાં ચરબી અને શરીર જરૃર ઘટે છે.

તાજેતરના ઇતિહાસમાં એવાં ઉદાહરણો મળ્યાં છે જેમાં માનવી જમ્યા વગર ૪૬થી ૭૩ દિવસ સુધી જીવ્યા છે, પરંતુ ખોરાક વગર શરીર દસથી બાર કલાક બાદ જ દુઃખી થવા માંડે છે અને પાંચ છ દિવસ બાદ પથારીવશ બની જાય છે. એટલો લાંબો ઉપવાસ પણ ના કરવો જોઈએ જેમાં શરીર માટે જરૃરી ખનીજો, વિટામિન્સ અને બીજા તત્ત્વો નિયત માત્રાથી ઘટી જાય. ત્યાર બાદ ઉપવાસની વિપરીત અસરો શરૃ થાય છે. ઉપવાસની સાથે સાચો ફળાહાર લેવાથી વિપરીત અસરો જલ્દી શરૃ થતી નથી અને ફાયદાઓ મળે છે. ભગવાન બુદ્ધે એમના શિષ્યોને કહ્યું હતું કે, ‘સાંજનો ખોરાક નહીં લેવાથી મારું આરોગ્ય જળવાઈ રહે છે. શરીરમાં ચપળતા અને સ્ફૂર્તિ રહે છે.’ એમને સંઘના સાધુઓ અને શિષ્યોને સાંજનું ભોજન ત્યાગવાની સલાહ આપી હતી. હિન્દુ અને જૈન સાધુઓની માફક બૌદ્ધ સાધુઓ પણ સાધના દરમિયાન ઉપવાસ પાળે છે. જૈન ધર્મનો મહિમા જ ઉપવાસ અને તપસ્યા પર આધારિત છે. ભારતના પુરાણોમાં વિવિધ દિવસે વિવિધ પ્રકારના ઉપવાસ પાળવાની ઝીણવટભરી વિગતો આપવામાં આવી છે. ખાસ કરીને નારદ અને ગરુડ પુરાણમાં. મુસ્લિમો રમઝાન માસમાં રોજા પાળે છે. ખ્રિસ્તિઓ ‘લેન્ટ’ના દિવસોમાં ચાલીસ દિવસના સંયમિત ઉપવાસ અને ‘હોલી વીક’માં સાત દિવસના તેમજ અન્ય ઉપવાસો પાળે છે. પાળવાની રીતો અલગ-અલગ છે, પણ મુખ્ય ઉદ્દેશ્ય શરીરમાં કેલેરી ઓછી જવી જોઈએ અને મનની તપસ્યા થવી જોઈએ તે છે.

ઇતિહાસમાં એવાં ઉદાહરણો પણ ભરપૂર છે જેમાં ઉપવાસના ફાયદાના આસમાની દાવા કરી તેઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા. કેટલાક મરી પણ ગયા. આજ-કાલ ઇન્ટરનેટ પર કેટલાક ઊંટવૈદો ઉપવાસ સાથેની ભળતી સારવારના બહાને લોકોને લૂંટે છે. યુવાન કન્યાઓમાં ભૂખ્યા રહેવાની બીમારી જન્મે છે. તેઓ પાતળા રહેવા એટલા ઉપવાસો કરે છે કે છેવટે ખોરાક પરથી તેઓનું મન ઊડી જાય છે. એક સમય એવો આવે છે જેમાં શરીર ખાડે ગયું હોય તો પણ તેઓ કશું ખાઈ શકતી નથી અને ખાય તો વોમિટ થઈ જાય છે. આ સ્થિતિને તબીબી ભાષામાં ‘બુલિમિયા નરવોસા’ કહે છે. આ સ્થિતિ દૂર કરવા માટે લાંબી મેડિકલ અને સાઇકોલોજિકલ સારવાર કરાવવી પડે છે. માટે એટલા ઉપવાસ પણ ન કરવા કે બુલિમિયાનો શિકાર બની જવાય. વીસમી સદીના પ્રારંભમાં ‘નેચરલ હાઇજીન’ અથવા ‘ન્યૂ થોટ’ નામની એક વૈચારિક સ્કૂલ પેદા થઈ હતી. તેમાં ખ્યાતનામ લેખકો અને વિચારકો જોડાયા હતા. તેઓ એટલી હદે ઉપવાસમાં ઘૂસી ગયા કે ફાયદાઓને પણ ગેરફાયદાઓ મળવાના શરૃ થયા અને અતિરેકને કારણે ‘ન્યૂ થોટ’ નામની ઝંુબેશનો અંત આવ્યો. લિંડા હઝાર્ડ નામની એક ઉપવાસવાદી ઊંટવૈદ એ દિવસોમાં પેદા થઈ હતી જે એના દરદીઓને કડક ઉપવાસો પળાવતી હતી. પરિણામે એના ચાલીસ જેટલા દરદીઓ ઉપવાસની ભૂખને કારણે જ મરણ પામ્યા હતા. લાંબો સમય ઉપવાસ કરવાથી આર્થરાઈટિસ, પેટમાં ક્રેમ્પસની અને હાડકાંની બીમારીઓ લાગુ પડે છે. અગાઉના સમયમાં લોકોને ધાર્મિક કારણોસર ઉપવાસ પાળવાની બીમારી લાગુ પડતી હતી, જે ‘એનેરોક્સિયા મિરાબિલિસ’ તરીકે ઓળખાય છે. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મની સાધ્વીઓ પ્રભુની પ્રાપ્તિ માટે શરીરને કષ્ટો આપવામાં માનતી થઈ જાય છે અને ભૂખી રહેવા માંડે છે. ત્યાં સુધી કે એમના સુપિરિયર એમને જમવાનો હુકમ કરે તો પણ જમતી નહીં અને એનેરોક્સિયા મિરાબિલિસનો ભોગ બનતી હતી. જૈન ધર્મમાં પણ ‘સંથારો’ની વિધિ છે જેમાં વ્યક્તિ ઉપવાસ પાળીને જીવનનો અંત લાવે છે જેને જૈનો સંથારો સીઝી ગયો તેમ કહે છે.

ભૂખ્યા રહેવાથી ભગવાન મળે છે એવા દાવાઓ અગાઉ થતા હતા અને થાય છે. બીજી તરફ કહેવાય છે કે ભૂખ્યા પેટે ભજન ના થાય. વળી ભૂખ્યા રહેવાના શારીરિક ગેરફાયદા પણ છે અને ફાયદા પણ છે, તો કેવી રીતે નક્કી કરવું કે માણસે આરોગ્ય પ્રાપ્તિ માટે કેટલા ઉપવાસ કરવા અને કેટલા ના કરવા?

વ્યક્તિ પ્રમાણે તેની ઉપવાસની ક્ષમતા અને જરૃરિયાત બદલાતી હોય છે. કામનો અને જીવન વ્યાપનનો પ્રકાર પણ મહત્ત્વનો છે. શ્રમિકો માટે વધુ લાંબા ઉપવાસ નકારાત્મક પુરવાર થાય. બેઠાડુઓને ફાયદો થાય. દરેક વ્યક્તિને તેનું પોતાનું શરીર જવાબ આપતું હોય છે કે ફાયદા પૂરા થઈને ગેરફાયદા ક્યારથી શરૃ થવા માંડ્યા? છતાં જે કોઈને સમજાતું ન હોય અથવા બીજી શારીરિક તકલીફો હોય તો તબીબને પૂછીને આગળ વધવું પડે.

આજકાલ લોકો ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરે છે. જેમાં અમુક કલાકો પછી અમુક ફળ કે સૂપ લેવાની છૂટ હોય છે. ઘણા લોકો ઉપવાસમાં પાણી પણ પીતાં નથી જેને સૌરાષ્ટ્રમાં નકોડા ઉપવાસ કહે છે, પણ તે વધુ લાંબા કલાકો પળાય તો શરીરમાં પાણી ઘટી જવાની (ડિહાઈડ્રેશન) સ્થિતિ પેદા થાય છે. ક્યારેક આ સ્થિતિ ઘાતક પણ બની શકે છે. ઉપવાસમાં પાણી નહીં લેવાનું કોઈ કારણ નથી. પાણીમાં કોઈ કેલેરી હોતી નથી. વળી, શરીરના કોષોને ભીના રાખવા, લોહીના પરિભ્રમણ અને કિડની, લિવર વગેરેની સફાઈ માટે પાણી ખૂબ જરૃરી છે. ઉપવાસમાં જરૃરી પાણી પીવાથી ફાયદા થાય છે. પાણી વગરના ઉપવાસ માત્ર શરીરને કષ્ટ આપવાના ધાર્મિક કારણસર થાય છે. ઉપવાસની બાબતમાં કોઈ પણ પ્રકારનો અતિરેક નુકસાનકારક છે, પણ બે ત્રણ દિવસના ઉપવાસથી કોઈ મરી જતું નથી. કોઈક અપવાદ સિવાય, પરંતુ વધુ જમીને વધુ લોકો મરે છે. મરે નહીં તો માંદા પડે છે.
—————————

Leave A Reply

Your email address will not be published.

Translate »