તમારા માટે, તમારી સાથે, સતત…

ચીનમાં ઇસ્લામના ચીનીકરણનો એજન્ડા

પાકિસ્તાનની ફોરીન-પૉલિસી એજન્ડાના મૂળમાં જ વિરોધાભાસ છે.

0 252
  • વિનોદ પંડ્યા

સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ઈમરાન ખાને પશ્ચિમના દેશો અને ભારતના કાશ્મીરમાં મુસ્લિમો પર થઈ રહેલા કાલ્પનિક અત્યાચારોનું કાલ્પનિક ચિત્ર રજૂ કર્યું. પશ્ચિમના અને ખાસ કરીને અમેરિકાનાં મીડિયા અને અખબારોએ વડા પ્રધાન ઈમરાનના યુનો ખાતેના પ્રવચનને એક ઢોંગ, દંભ અને ડોળ ગણાવ્યા હતા. અખબાર ‘વૉલ સ્ટ્રીટ જરનલ’ લખ્યું હતું કે, પાકિસ્તાનની ફોરીન-પૉલિસી એજન્ડાના મૂળમાં જ વિરોધાભાસ છે. ઈમરાન ખાન પોતાને વિશ્વના ઇસ્લામના રખવાળા તરીકે ગણાવવા માગે છે, પણ ચીનમાં મુસ્લિમ ધર્મને નેસ્તનાબૂદ કરવાની જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે બાબતમાં આ ખેવનહાર એક શબ્દ પણ ઉચ્ચારતો નથી.

અગાઉ ઈમરાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે એ ચીનમાંના મુસ્લિમોની દુર્દશા વિષે કેમ કશું બોલતા નથી? ત્યારે ઈમરાને જવાબ આપ્યો હતો કે, ‘ચીન સાથે પાકિસ્તાનને રાજદ્વારી સંબંધો અને મિત્રતા છે તેથી પાકિસ્તાનની વિદેશ નીતિ મને ચીન વિરુદ્ધ બોલવાની પરવાનગી આપતી નથી.

મતલબ કે જ્યાંથી પૈસા, સુખસગવડો અને સત્તા મળે છે તે ચીન ઇસ્લામને નાબૂદ કરવા માગે તો પણ ઇસ્લામના આ તથાકથિત પહેરેદાર મૌન રહેવા માગે છે. આ કોઈ ધર્મમાંની આસ્થા ના ગણાય, પણ ગુંડાઓની ખંડણીનો પ્રકાર ગણાય. વાસ્તવમાં કાશ્મીરમાં ઇસ્લામ ધર્મ પાળવા પર, મસ્જિદો અને મદરેસાઓ બાંધવા પર કે કોઈનું નામ મોહમ્મદ રાખવા પર કોઈ પાબન્દી કે પ્રતિબંધો નથી. ચીનમાં આ બધા જ પ્રતિબંધો છે. છતાં પશ્ચિમના દેશો માત્ર જાહેરમાં બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂકે તો ઈમરાન તેની યુનોની સામાન્ય સભા સમક્ષની ૫૦ મિનિટની સ્પીચમાં વિરોધ કરે છે. એ કહે છે કે પશ્ચિમના દેશોએ મુસ્લિમ લઘુમતી પ્રત્યે ચીડ દાખવીને ઇસ્લામિક અંતિમવાદ અને ત્રાસવાદને વકરાવ્યો છે, પણ આ ઈમરાન પોતે જ જેહાદના રૃપમાં ત્રાસવાદ આરંભવાની ધમકીઓ આપતો રહે છે. હાથીના બે દાંત દર્શન માટે અને મોઢામાંના ૫૦, ૬૦ કે ૩૨ જે હોય તે ચાવવા માટે હોય છે, પણ પાકિસ્તાન પાસે ચાવવાના માત્ર બે છે અને દેખાડવા માટેના ડઝનબંધ છે. એ બોલ્યો હતો કે, પશ્ચિમના અમુક દેશોમાં મુસ્લિમ સ્ત્રીઓ પોતાનાં કપડાં ઉતારી શકે છે, પણ વધુ કપડાં પહેરી શકતી નથી. ઈમરાનની આ વાત વાજબી હશે તો પણ ચીનમાં મુસ્લિમ સ્ત્રીઓ બુરખો પહેરી શકતી નથી. ઈમરાને એવો દાવો કર્યો કે, ‘દુનિયામાં ઇસ્લામિક અંતિમવાદ’ જેવું કશું નથી, અમે બધા જ પ્રોફેટ મોહમ્મદના ઇસ્લામનું અનુસરણ કરીએ છીએ.’

પણ ઈમરાનની આ દલીલો અને ઢોંગને કોઈ સ્વીકારવા તૈયાર નથી. ઈમરાન કહે છે કે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવાઈ રહ્યું છે, ત્યારે પ્રાથમિક સવાલ એ જ છે કે પાકિસ્તાની ખુદની સ્થાપના જ ક્યાં હેતુસર અને ઇરાદાસર થઈ હતી? આ તો કાગડો બગલાને કાળો કહે તેવી વાત થઈ. અમે ઇસ્લામના માટે કે ઇસ્લામના નામે જે કરીએ તે અમારી મનસૂફી પણ હિન્દુઓએ હિન્દુત્વની વાત કરવાની નથી એવો આગ્રહ થયો. ગયા મહિને તુર્કીના પ્રમુખ રેસેપ તૈયબ એરદોગાન, મલેશિયાના વડા પ્રધાન મહાતીર મોહમ્મદને મળ્યા બાદ ઈમરાન ખાને જાહેર કર્યું હતું પાકિસ્તાન, તુર્કી, મલેશિયા ત્રણેય મુસ્લિમ મેજોરિટી દેશો બીબીસી પ્રકારની એક અંગ્રેજી ચેનલ શરૃ કરશે જે દુનિયાના મુસ્લિમોના પ્રશ્નોને વાચા આપશે. ઈમરાન વગેરે આ કરી નહીં શકે. કરશે તો ચીનને જ વાંધો પડશે અને છતાં કરે તો એ ચેનલ દુનિયાના મુસ્લિમોના હિતોની નહીં, પણ પાકિસ્તાન, મલેશિયા અને તુર્કીના હિતોની જ રખેવાળ બની જશે. ભારત મલેશિયાથી પામ ઓઈલ આયાત કરવાનું બંધ કરે અને ઈન્ડોનેશિયાથી આયાત કરે તો પણ મલેશિયા ડગમગી જાય. અહીં એ આડ વાત પણ મહત્ત્વની છે કે પામ તેલ તે ભારતના લોકોને સસ્તું મળી રહેલું ઝેર છે. તે શા માટે ખાવું જોઈએ? તેનો વપરાશ તો જ બંધ થાય જો તેની આયાત સંપૂર્ણપણે બંધ થાય. જોકે આ નવી પ્રસ્તાવિત ચેનલ દ્વારા ઇસ્લામના સાચા આદર્શોનો ફેલાવો થશે તેમ ઈમરાને કહ્યું છે. તેમ થાય તો ખૂબ સારી વાત છે, પણ જે વાત ઈમરાનના લોહી અને વર્તનમાં નથી તે વ્યવહારમાં કેવી રીતે આવશે? ઈમરાન, ભારતના અને કાશ્મીરના મુસ્લિમોનો, રશિયાના મુસ્લિમોનો, ચીનના મુસ્લિમો અને પશ્ચિમના મુસ્લિમોનો ઇસ્લામ અલગ અલગ કાટા અને ત્રાજવાથી તોળે છે તેની ચેનલ આદર્શ ઇસ્લામિક ચેનલ કઈ રીતે બનશે?

ઈમરાને મુસ્લિમ લઘુમતીઓને કેવી રીતે ટ્રીટ કરવી તેની સલાહ પશ્ચિમના દેશોને આપી છે. ઈમરાન ભલે કટાક્ષમાં કહે છે પશ્ચિમના અમુક દેશોમાં મુસ્લિમ સ્ત્રીઓને કપડાં ઉતારવા પર પ્રતિબંધો નથી, પણ એટલી જ ખરી વાત એ છે કે સૌજન્યશીલ કપડાં ઉતારવા ફરજિયાત પણ નથી. પશ્ચિમના દેશો તેને વ્યક્તિગત અધિકારો ગણે છે. ઈમરાન તેઓને સલાહ આપે છે ત્યારે પશ્ચિમના દેશોને લાગે છે કે અમારા વાણી સ્વતંત્રતા અને મહિલાઓના અધિકારોના ભોગે પણ ૧૪ સદી પૂર્વેની મુસ્લિમ રૃઢિઓ જાળવવાની અને તેનું રક્ષણ કરવાની એ ઈમરાન અમને સલાહ આપી રહ્યો છે, જે ચીનના મુદ્દે સદંતર મૌન રહે છે.

ચીનના ઝિનઝિયાંગ પ્રાન્તમાં ‘હાન’ ચીની વસાહતીઓને ચીનના બીજા પ્રાન્તોમાંથી લાખોની સંખ્યામાં આણીને વસાવવામાં આવ્યા છે, જેથી ઝિન-ઝિયાંગના ઊઈઘર મુસ્લિમોની બહુમતી પાતળી પડી જાય. ઝિનઝિયાંગના સત્તાવાળાઓએ ઇસ્લામ ધર્મ આધારિત બાળકોનાં નામ રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે. મોહમ્મદ, ફાતિમા વગેરે નામો બાળકોને આપી શકાતાં નથી. જાહેરમાં સ્ત્રીઓ બુરખો રાખી શકતી નથી. એટલું જ નહીં, પુરુષો પણ આરબ કે મુસ્લિમ શૈલીની દાઢી રાખી શકતા નથી. અહીં ઈમરાન શું કહેશે? રમઝાનના મહિનાઓમાં રોજા રાખવામાં આવે તો દંડ અને સજા થાય છે. ચીનના ઘણા પ્રદેશોમાં અને ખાસ કરીને ઝિનઝિયાંગ અને પડોશના પ્રાન્તોમાં ‘પુનર્શિક્ષણ કેન્દ્રો’ શરૃ કરવામાં આવ્યાં છે. હકીકતમાં આ એક પ્રકારની અટકાયતી શિક્ષણ સંસ્થાઓ છે જેમાં ચુસ્ત મુસ્લિમને લાંબો સમય પૂરી દઈને નવું શિક્ષણ અપાય છે. ઇસ્લામ ભૂલાડી દેવાનો તેની પાછળનો આશય છે. ઊઈઘર લોકો માટેના આ ‘મિત્રતાપૂર્ણ’ કેન્દ્રમાંથી બહાર નીકળેલા અથવા છૂટા કરાયેલા અટકાયતીઓના દાવા પ્રમાણે આ કેન્દ્રોમાં ઇસ્લામના ચુસ્ત અનુયાયીઓને ડુક્કરનું માંસ ખાવાની અને શરાબ પીવાની ફરજ પાડવામાં આવે છે. જૂના અટકાયતીઓ આવો દાવો કરે છે તેથી તે ખોટો પણ હોઈ શકે.

ઝિનઝિયાંગ સિવાયના પ્રાન્તોમાં પણ ચીનના સામ્યવાદી પક્ષે ઇસ્લામનું ચીનીકરણ કરવાનો એક વિસ્તૃત કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. ઇસ્લામિક મંડળો કે મસ્જિદો મદરેસાઓ શરૃ કરી શકતી નથી અને બાળકોને બીજી રીતો વડે ધાર્મિક શિક્ષણ આપી શકતાં નથી. ચીનના ઉત્તર-મધ્યમાં આવેલા નિંગઝિયા પ્રાન્તમાં જાહેરમાં, દુકાનનાં પાટિયાંઓ પર અરેબિક લિપિમાં કશું લખી શકાતું નથી. કોઈ પણ લિપિમાં હલાલ શબ્દ વાપરવા પર પ્રતિબંધ છે. નિંગઝિયા (અથવા નિંગ્ક્ષીઆ) અને તેની બાજુના ગાન્સુ રાજ્યમાં પણ નમાજ માટે બાંગ (આઝાન) પોકારવા પર પ્રતિબંધ છે. નિંગઝિયા, ઈનર મોંગોલિયા અને હેનાન રાજ્યોમાં સત્તાવાળાઓએ મસ્જિદો અને ઇમારતો પરના ઇસ્લામિક શૈલીના વિશાળ ગુંબજો અને મિનારાઓ તોડી પાડ્યા છે અને તેની જગ્યાએ ચાઈનીઝ સ્થાપત્ય પ્રમાણેના મિનારા અને ડોમ બાંધવાની ફરજ પાડી છે.

શિવ નાઈપોલે ‘બિયોન્ડ ધ બીલીફ’ નામનું એક પુસ્તક લખ્યું છે જેમાં એમણે ઇસ્લામની ઘણી પદ્ધતિઓનો વિરોધ કર્યો છે. એમના લખવા પ્રમાણે ઇસ્લામના પ્રચાર સાથે આરબી ભાષા, પોશાક, ખોરાક અને બીજી રીતભાતોને નવી પ્રજા પર ઠોકી બેસાડવામાં આવે છે. મંદિરો અને ચર્ચોનો અને અન્ય ધર્મનાં પૂજાસ્થળોનો નાશ કરવામાં આવે છે. તેઓની ભાષા અને સંસ્કૃતિને સદંતર મટાડી દેવામાં આવે છે, પરંતુ જ્યારે બીજા લોકો ઇસ્લામ માટે આવું કરે ત્યારે મુસ્લિમો નારાજ થાય છે. આ કારણથી ઇસ્લામથી લોકો ડરે છે અને આપણે જોઈએ છીએ કે ચીનના સામ્યવાદીઓ મોટા પાયે અને વાજબી કારણોસર ડરી રહ્યા છે. વળી, સામ્યવાદમાં દરેક ધર્મને સરખી રીતે જ અપૂજનીય ગણવામાં આવે છે. છતાં ચીન પોતાની સંસ્કૃતિને વળગી રહે છે. બંગાળના મુસ્લિમો સામ્યવાદી પક્ષના નેતા કે સભ્ય બનીને મુસ્લિમ હિતોની રખેવાળી કરે એ નર્યો ઢોંગ છે. બંગાળમાં, કેરળમાં અને ભારતમાં આવા પુષ્કળ નેતાઓ છે, પણ સામ્યવાદને તેઓ એટલા માટે પસંદ કરે છે કે ભારતના સામ્યવાદીઓ હિન્દુ વિરોધી છે. ચીન ઇચ્છતું નથી કે સામ્યવાદનો આશ્રય લઈને ચીનની પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો જ વિનાશ થાય.

ગાન્સુ રાજ્યના લિંગઝિયા પ્રાન્તને ‘લિટલ મક્કા’ તરીકે ઓળખવામાં આવે છે. દરેક ગામ અને શહેરોમાં ઊંચા મિનારાવાળી મસ્જિદો છે. છેલ્લા બે દાયકાથી અને શહેરો અને ગામોનાં ઇસ્લામિક મંડળો વચ્ચે મોટી અને ઊંચી મસ્જિદો બાંધવાની જાણે કે સ્પર્ધા ચાલી રહી હતી. ચીનની સરકાર હવે તેના પર અંકુશો લાદી રહી છે. લિંગઝિયા પ્રાન્તના દુઆનજીઆપિંગ ગામે આજે કોઈ જાય તો લગભગ ત્રણ હજાર નમાજીઓને સમાવી શકે એવી મોટી મસ્જિદ જોવા મળે, પણ દૂરથી તેના મિનારા સ્પષ્ટપણે જોઈ શકાતા નથી. આજથી વરસ અગાઉ તે મસ્જિદ, ભારતના દસ કરોડ રૃપિયાના ખર્ચે બાંધવામાં આવી હતી. સત્તાવાર રીતે ગરીબ જાહેર કરાયેલા આ પ્રદેશમાં લગભગ દસ લાખ યુઆન (ચીની ચલણ)નો ખર્ચ ઘણો મોટો ગણાય. આરબ શૈલીની ચાર મિનારાની મસ્જિદનું ઉદ્ઘાટન થયું ત્યારે પાટનગર લાન્ઝાઉની મુખ્ય મસ્જિદના ઇમામ અને ચીન સરકારનું સમર્થન ધરાવતા ઇસ્લામિક એસોસિયેશનોના ઘણા વડાઓ અને પદાધિકારીઓ તેમાં હાજર રહ્યા હતા, પણ આજે સમગ્ર દ્રશ્ય બદલાઈ ગયું છે.

સાંજની ચોથી અથવા મગરિબની નમાજ વેળાએ ત્યાં જાઓ તો કમ્પાઉન્ડની ઊંચી પીળી દીવાલની પાછળ સફેદ ટોપીમાં હાજર થયેલ ગ્રામજનોને જોઈને જ લાગે કે બધું ઠીકઠાક નથી. સોનેરી રંગથી મઢેલા મિનારા પરના ચાંદ તારા, મિનારા અને ગુંબજની ચારે તરફ વાંસનાં માળખાં ઊભાં કરી અને જાળીવાળાં લીલાં કપડાંથી ઢાંકી દેવામાં આવ્યાં છે. આ મિનારા અને ગુંબજોનું કોઈ રિપેરકામ થઈ રહ્યું નથી, પણ આરબોના આ ધાર્મિક પ્રતીકોનું પ્રદર્શન થાય તે ચીનના સત્તાવાળાઓને મંજૂર નથી.

પ્રમુખ શી ઝિનપિંગે કારભાર સંભાળ્યો ત્યાર બાદ બધંુ ખૂબ બદલાઈ ગયું છે. લિંગઝિયા પ્રાન્તનાં તમામ ગામો અને શહેરોમાં ભવ્ય મસ્જિદોની આ જ હાલત છે. તિબેટની ઉત્તરે અને ઝિનઝિયાંગ રાજ્યની નજીક આ લિંગઝિયા પ્રાન્ત આવેલો છે. ઝિનઝિયાંગ રાજ્યમાં ઇસ્લામને દબાવી દેવાની સરકારી પ્રવૃત્તિઓના અહેવાલો ખૂબ વધુ આવી રહ્યા છે, કારણ કે બે વરસથી ત્યાં પુનર્શિક્ષણ  (રિએજ્યુકેશન)ના નામે મોટી-મોટી જેલો ખોલવામાં આવી છે. હજારો સ્થાનિક ઊઈઘર લોકોને તેમાં ધકેલી દેવામાં આવ્યા છે. કેટલાકને તો એટલા માટે પૂરી દેવામાં આવ્યા છે અને નવું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે કે તેઓ વધુ પડતા ધાર્મિક હતા.

ચીનમાં મુસ્લિમોની કુલ બે કરોડની આબાદી છે. તેમાંના લગભગ એક કરોડ જેટલા ઊઈઘર છે. લિંગઝિયા પ્રાન્તમાં કુલ ૧૧ લાખ મુસ્લિમો છે તેમાં મુખ્યત્વે બે જાતિઓ છે, ‘હુઈ’ અને ‘ડોંગશિયાંગ’. આમ તો સમગ્ર ચીનમાં થોડા ઘણા પ્રમાણમાં મુસ્લિમો વિખરાયેલા છે તેમાં પણ ‘હુઈ’ જાતિના મુસ્લિમો મુખ્યત્વે છે, પરંતુ ઊઈઘર મુસ્લિમોનો ઇતિહાસ ત્રાસવાદ અને અલગતાવાદનો રહ્યો છે. આ કારણથી ચીની શાસકો ઝિનઝિયાંગ અને તેના ઊઈઘરો બાબતમાં વધુ સાવધાની અને અંકુશો રાખે છે. અહીં તુર્કીથી કે બીજા દેશોમાંથી આવતા મુસ્લિમોને પણ ત્રાસવાદી કે અલગાવવાદી હોવાની શંકાને આધારે પુનર્પ્રશિક્ષણ કેન્દ્રોની જેલોમાં પૂરી દેવામાં આવે છે.

Related Posts
1 of 319

અલ-ઝઝીરા ચેનલ પર તેને લગતા અહેવાલો પ્રસિદ્ધ થતા રહે છે. કાશ્મીરીઓ કરતાં તેઓની સંખ્યા વધુ હોવા છતાં ઈમરાનને કાશ્મીર દેખાય છે. ઊઈઘર મુસ્લિમોના કારણે હવે ચીન બીજા રાજ્યોનાં મુસ્લિમો પર કડક નજર રાખવા માંડ્યું છે. પ્રમુખ શી ઝિનપિંગે ૨૦૧૬માં ચીનના ધર્મોનું ચીનીકરણ કરવાનો કાર્યક્રમ શરૃ કર્યા બાદ વિદેશોમાંથી આવેલા અને વિદેશીઓ સાથે ગાઢ સંપર્કમાં રહેતાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ચીનાઓની નફરત અને ગુસ્સાના પ્રમુખ લક્ષ્યાંકો બની ગયા. તેઓ પરની વિદેશી સંસ્કૃતિઓની અસર નાબૂદ કરવા માટે ચીની અધિકારીઓ કામે લાગી ગયા. આ એવા ધર્મો છે જેને કારણે સામ્યવાદી પક્ષ પણ પક્ષ સામે ખતરો અનુભવે છે. મુસ્લિમોના ત્રાસવાદ અને અંતિમવાદનો પ્રચાર અને પ્રસાર રોકવાની ચીનને વધુ જરૃર લાગી. ખ્રિસ્તીઓ ત્રાસવાદ કે અંતિમવાદને પ્રોત્સાહન આપતા નથી.

ઊઈઘર મુસ્લિમો સિવાયના ચીનના અન્ય મુસ્લિમોને ત્રાસવાદીઓ જોડે કોઈ સંપર્ક હોવાના કોઈ અહેવાલો મળતા નથી. હુઈ મુસ્લિમો એક સમયે ચીનના આદર્શ મુસ્લિમોના નમૂનારૃપ ગણાતા હતા. ઊઈઘરના મુસ્લિમો દાયકાઓથી ચીની સત્તા અને શાસકોની સામે પડ્યા છે, પણ ‘હુઈ’ લોકો તેમનાથી સાવ જુદા જ છે. ઊઈઘર મુસ્લિમોએ અગાઉ સરકારના વિરોધમાં હિંસાઓ પણ આચરી છે. એક ત્રાસવાદીએ એક શોપિંગ મૉલમાં એક સાથે અનેક લોકોને ખંજર હુલાવી દીધાં હતાં. આવી અનેક ઘટનાઓ ઘટી છે, પણ હુઈ મુસ્લિમો ચીનથી અલગ થવાનો ઇરાદો સેવતા નથી. હુઈ મુસ્લિમો આરબ અને ઈરાની (પરાસી) મુસ્લિમ વેપારીઓના વંશજો છે જે ઘણા લાંબા સમય અગાઉ વેપાર અર્થે ચીનમાં ફેલાયા હતા. સ્થાનિક પ્રજા સાથે સદીઓથી લગ્ન સંબંધો બાંધીને તેઓ ‘હાન’ ચીનીઓ સાથે સંમિલિત બની ગયા છે. ચીનમાં ૯૦ ટકા વસતિ હાન ચીનીઓની છે. લિંગઝિયાના હુઈ મુસ્લિમ વેપારીઓ તિબેટની પ્રજા અને હાન ચીનીઓ વચ્ચેના વેપારની મહત્ત્વની કડી રહ્યા છે. અનેક હુઈ મુસ્લિમો ચીનની વાજીકરણ અથવા કામોત્તેજન માટેની દવાઓના વેપારમાં ધનાઢ્ય બન્યા છે. ભારતમાં કીરા જરી તરીકે ઓળખાતી વાજીકરણની આ દવાનો તેઓ વેપાર કરતા હતા. કાન ખજૂરાઓ પર એક જાતની ફૂંગી (ફૂંગ) હુમલો કરે અને પછી કાન ખજૂરો મરી જાય અને તેની આસપાસ ફૂંગીનું આવરણ બંધાઈ જાય છે. દૂરથી તે સૂકા મરચાના આકારનું લાગે. આ કીરા જરી અંગ્રેજીમાં તે કારણથી ‘કેટરપિલર ફંગસ’ તરીકે ઓળખાય છે. તે હિમાલય અને તિબેટમાં પાકે છે. આજે પણ તે ખૂબ ઊંચા મૂલ્યે વેચાય છે. લિંગઝિયામાં આજે આ કીરા જરીની ઔષધીનું દુનિયાનું સૌથી મોટું માર્કેટ છે અને તેમાં મોટા ભાગના વેપારીઓ મુસ્લિમો છે.

ચીનને ડર છે કે સાઉદી અરેબિયા ચીનના મુસ્લિમોના કાન ભંભેરીને મુસ્લિમોમાં અંતિમવાદ સમાન ગણાતા વહાબીઝમ તરફ લઈ જશે. વહાબિઝમને ત્રાસવાદ સાથે જોડવામાં આવે છે. આ વરસે જ હોંગકોંગ નજીક દક્ષિણ ચીનમાં આવેલા મહત્ત્વના ઔદ્યોગિક શહેર ગુઆંગઝાઉમાં ચીની સત્તાવાળાઓએ જાહેરાત કરી હતી કે જ્યાં કોઈક ગેરકાયદે ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તેની જે કોઈ નાગરિક સત્તાવાળાઓને જાણ કરશે તો તેઓને દસ હજાર યુઆન (એટલે કે લગભગ એક લાખ રૃપિયા)નું ઇનામ અપાશે. ચીની મુસ્લિમો હજ કરવા જવા માગતા હોય તેઓને ચીન સરકાર દ્વારા આયોજિત પ્રવાસમાં જ જવું પડે છે. કોઈ ખાનગી રીતે જાય તો મનાઈ છે અને તેઓને પકડવા અને બીજી ગતિવિધિઓ જાણવા આ ઇનામ જાહેર કરાયું છે.

દુઆનજિયાપિંગની જે ભવ્ય મસ્જિદ ઢાંકી દેવામાં આવી છે તેવું લિંગઝિયામાં અન્યત્ર અને સર્વત્ર જોવા મળે છે. દુઆનજિયાપિંગની મસ્જિદ તોડવામાં નથી આવી રહી. હાલમાં તો ઢાંકવામાં આવી રહી છે, પણ તેના મિનારા અને ગુંબજ તોડી પાડવાનો અને તેની જગ્યાએ લીલા રંગના વળાંક ધરાવતાં નળિયાં, નેવાં, સજ્જા અને કાષ્ટકામના મિનારા તેમ જ ચાઇનીઝ પેવેલિયન જેવો ગુંબજ બાંધવાનો હુકમ થયો છે. આ ફરીવાર બાંધ્યા પછી આખરે આ મસ્જિદ કેવી દેખાશે તેનો નકશો અને ચિત્ર તેના પ્રવેશદ્વાર પર સરકાર દ્વારા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. જોકે એક સરકારી અધિકારીના કહેવા પ્રમાણે આ ફેરફારો સરકારી ખર્ચે થશે. બાજુના કાંગલે નામના ગામમાં થોડો સમય અગાઉ સરકારી અધિકારીઓએ મિનારા અને ગુંબજ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો ત્યારે ત્યાં નાના પાયે તોફાનો થયાં હતાં. કાંગલેની એ મસ્જિદ પણ ૨૦૧૬માં બંધાઈ હતી અને ૨૦૧૬માં સ્થાનિક લિંગઝિયા સરકારે તેને ‘આદર્શ ધાર્મિક સ્થળ’ તરીકે પણ જાહેર કરી હતી અને ૨૦૧૯માં તોડી પાડવામાં આવી. ગયા ઑગસ્ટમાં લિંગઝિયાના હુઈ ઓટોનોમસ રિજનમાં પણ ટ્રબલ થઈ હતી. વેઈઝાઉ શહેરના હજારો મુસ્લિમોએ ભવ્ય મસ્જિદ તોડી પાડવાના હુકમ સામે ત્રણ દિવસ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. સરકારનું કહેવાનું હતું કે મસ્જિદ માટેના પ્લાનિંગની પરમિશન લેવામાં આવી ન હતી તેથી સમગ્ર મસ્જિદ તોડી પાડવામાં આવશે. વિરોધ પ્રદર્શનો બાદ સરકાર થોડી ઝૂકી હતી અને માત્ર મિનારા અને ગુંબજ તોડી પાડવાનો નિર્ણય લેવાયો. ચીનમાં આ રાહત પણ રાહત ગણાય છે. નિંગઝિયામાં આ ટ્રબલની શરૃઆત થઈ તેથી ચાઈનીઝ શાસકો વધુ સાવધ થયા છે. તેમનું માનવું છે કે પડોશના ઝિનઝિયાંગ રાજ્યના મુસ્લિમોના વર્તનની અસર નિંગઝિયાના મુસ્લિમો પર પડી છે.

ગાન્સુ રાજ્યમાં સત્તાવાર ઇસ્લામિક એસોસિયેશન દ્વારા મુસ્લિમ સમાજને મસ્જિદની અને તેના મિનારા ગુંબજની રચના માટે વીસ મહત્ત્વની ભલામણો મોકલવામાં આવી છે. તેમાં ચીનના સ્થાપત્યને મહત્ત્વ આપવા અને ઇસ્લામના સાઉદીકરણ અથવા આરબીકરણને રોકવાનું જણાવવામાં આવ્યું છે. સરકારની પ્લાનિંગ પરમિશન મેળવ્યા વગર મસ્જિદનું બાંધકામ ન કરવું, તેમજ મસ્જિદોને ભવ્ય, વિશાળ અને આકર્ષક નહીં બનાવવાનું પણ જણાવાયું  છે. બીજા દેશો કે પ્રદેશોમાંથી ધર્મને લગતા કોઈ નવા વિચારો, સિદ્ધાંતો કે ખ્યાલો લાદવામાં આવે તો તેને સ્વીકાર નહીં કરવાનું મૌલવીઓને પણ જણાવવામાં આવ્યું છે. જે વિચાર કે રીતભાત ઘરઆંગણે અસ્તિત્વ ધરાવતા ન હોય અને વિદેશથી આવ્યા હોય તેનો અસ્વીકાર કરવાનું મુસ્લિમોને જણાવવામાં આવ્યું છે અને સરકારે તેના અધિકારીઓને આવી જ સૂચનાઓ આપી છે.

દરેક મસ્જિદમાં ચાર ચીજો અવશ્ય હોવી જોઈએ. એક, ચીનનો રાષ્ટ્રધ્વજ, ધર્મ વિષેના ચીનના કાયદાઓનું પ્રચાર સાહિત્ય, સમાજવાદને લગતા કેન્દ્રસ્થ વિચારો અને સિદ્ધાંતોને લગતું સાહિત્ય તેમ જ ચીનની પોતાની અસાધારણ સંસ્કૃતિને લગતું સાહિત્ય. લિંગઝિયામાં આ આદેશોની અસર સ્પષ્ટપણે જોવા મળે છે. મસ્જિદો પર ચીનના રાષ્ટ્રધ્વજો ફરકી રહ્યા છે. મસ્જિદોના પ્રાંગણો અને મેદાનોમાં ઇસ્લામમાં સમાજવાદનું મહત્ત્વ સમજાવતાં પાટિયાં, બીલ બોડ્ર્સ અને બેનરો નજરો ચડે છે. ધાર્મિક પ્રવચનોમાં આ બાબતોને આવરી લેવાનું મૌલવીઓને સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે. મૌલવીઓએ પરીક્ષાઓ અને ઇન્સ્પેક્શનોમાંથી પસાર થવું પડશે જે પાલન નહીં કરે તેઓની ધાર્મિક શિક્ષણ આપવાની પરમિટ રદ કરવામાં આવશે. મતલબ કે મૌલવી બનવા માટે પણ સરકારની પરમિટ મેળવવી પડે છે.

સમાજ પરની ઇસ્લામની અસર ઓછી કરવાના પ્રયત્નો પણ ચીન સરકારે શરૃ કર્યા છે. લિંગઝિયામાં ‘હલાલ’નું ચલણ વધ્યું હતું. આથી સત્તાવાળાઓએ હલાલ શબ્દ વાપરવા પર જ પ્રતિબંધ મૂક્યો છે. હલાલ એટલે એવો ખોરાક કે ચીજવસ્તુઓ જેનું નિર્માણ ઇસ્લામિક સિદ્ધાંતોને સુસંગત રાખીને થયું હોય. જેમ કે કોઈ ખાદ્યચીજમાં ડુક્કરનું માંસ કે શરાબ, આલ્કોહોલ વપરાયા હોય તેને ‘હરામ’ ગણવામાં આવે છે. ઈન્ડોનેશિયા અને બીજા મુસ્લિમ દેશોમાં ચીજવસ્તુ ‘હલાલ’ છે તેનું પ્રમાણપત્ર આપાય છે અને લોકો તે સર્ટિફિકેશનના આધારે વસ્તુ ખરીદે છે, જે રીતે ભારતમાં શાકાહારી લોકો લીલા રંગને ચાંદલો જોઈને ખરીદે છે. ઇન્ડોનેશિયામાં હલાલ સર્ટિફિકેશનની માગણી એટલી વધી ગઈ છે કે હમણા એક સેક્સ-ટોય હલાલ છે એવું પ્રમાણપત્ર મેળવવાની અરજી સરકારને મળી હતી, જોકે તેનો સ્વીકાર થયો નથી. જે મહિલા સરકારી અધિકારીએ તે અરજી નકારી તેમનું નામ ‘વિદ્યાવતી’ છે.

હલાલ અભિયાન દ્વારા આરબીકરણ થઈ રહ્યું છે તેવું ચીની અમલદારોને લાગે છે. તેઓએ રેસ્ટોરાં અને હોટેલોને પાટિયાં પર હલાલ શબ્દ અરબીમાં નહીં લખવાનો હુકમ આપ્યો છે. સમગ્ર ચીનનાં રેસ્ટોરાંઓને આ હુકમ લાગુ પડાયો છે અને અગાઉ જ હોટેલોનાં પાટિયાં પર તે શબ્દ હતો તેના પર રંગના પિછોડા મારી દેવાયા છે. માત્ર મસ્જિદો જ નહીં, ચર્ચની ઊંચાઈઓ પણ નીચી રાખવાના હુકમો થયા છે. મસ્જિદો પરના લાઉડ સ્પીકરો પર અવાજનું પ્રમાણ ખૂબ ધીમું રાખવું પડે છે. ઘોંઘાટ કરી શકાતો નથી. બાળકો અને કિશોરોને ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. ઝિનઝિયાંગ રાજ્યમાં મુસ્લિમ નાગરિકોની ગતિવિધિઓ પર સર્વેલન્સ કેમેરા અને સરકારી જાસૂસો નજર રાખે છે.

જે અન્ય દેશોમાં મુસ્લિમોના અમુક વર્તનને ધાર્મિક વર્તન ગણાવવામાં આવે તેને ચીનમાં ધાર્મિક અતિશયતા ગણાવવામાં આવે છે. ભારતના મુસ્લિમોને મળેલી સ્વતંત્રતાઓ અને ચીનના મુસ્લિમોની સ્થિતિની સરખામણી કરીને ઈમરાન ખાને ફાટી પડવું જોઈએ, પણ એમ થતું નથી. કારણ કે ધર્મનો ઉપયોગ રાજકીય અને વેપારી હેતુઓ માટે જ થાય છે.

હમણા અમેરિકાએ, ચીનની મુસ્લિમ લઘુમતીના નાગરિક અધિકારોનું, સ્વતંત્રતાનું હનન થઈ રહ્યું છે અને ઝિનઝિયાંગ રાજ્યના મુસ્લિમોને ગેરકાયદેસર પણે અટકાયતમાં રાખવામાં આવે છે તે કારણ આગળ ધરીને ચીનની કંપનીઓ, તેના અધિકારીઓ પર વિઝા ફાળવવા બાબતે કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે. વાસ્તવમાં ટ્રમ્પ સરકાર ચીનની વેપારી તાકાત ઓછી કરવા માગે છે અને ટ્રમ્પ સત્તા પર આવ્યા ત્યારથી ટ્રેડ વૉર ચાલી રહી છે. ટ્રમ્પ હવે તેમાં આ નવો શગુફા લઈ આવ્યા છે. વાસ્તવમાં ઊઈઘરોની સ્થિતિ વિશેના અહેવાલો વરસોથી આવી રહ્યા છે, પણ હમણા સુધી અમેરિકા મૌન હતું. બલ્કે વિઝા અને અમેરિકામાં પ્રવેશની બાબતોમાં મુસ્લિમ દેશો તરફ નફરત-આધારિત નિર્ણયો પણ હમણા સુધીની સરકારે લીધા છે. અગાઉ સાત મુસ્લિમ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ માટે પ્રતિબંધ જાહેર કરાયો હતો. વાસ્તવમાં પાકિસ્તાનને કારણે અમેરિકાએ ઘરઆંગણે અને અફઘાનિસ્તાનમાં ત્રાસવાદના સૌથી વધુ માઠાં પરિણામો ભોગવવા પડ્યા છે છતાં વિઝા માટે પ્રતિબંધિત દેશોમાં અમેરિકાએ પાકિસ્તાનનો સમાવેશ કર્યો ન હતો. હજી હમણાના જ વરસોમાં પાકિસ્તાનમાં તાલીમ પામેલી એક સ્ત્રી સહિત અન્ય ત્રાસવાદીઓએ અમેરિકામાં બંદૂકો વડે ડઝનબંધ માણસોને મારી નાખ્યા હતા. છતાં અમેરિકાને પાકિસ્તાનની જરૃર હતી તેથી પ્રવેશ પર પ્રતિબંધો લાદ્યા નહીં.

ઊઈઘરમાં જે ચીની કંપનીઓ સરકારને જાસૂસી કરવામાં મદદરૃપ બની રહી છે તેના અધિકારીઓને અમેરિકા હવે વિઝા આપશે નહીં. હીકીવિઝન નામની વીડિયો સર્વેલન્સ કંપની, ઉપરાંત ઝિનઝિયાંગ પ્રાન્તના ચીની અફસરો, જેઓ જેલોનો અને ધાર્મિક બાબતોનો કારભાર સંભાળે છે તેઓને પણ વિઝા અપાશે નહીં. આ સિવાય ચીનની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રની આગેવાન કપંનીઓ સેન્સટાઇમ, અલીબાબાની માલિકીની મેેગવી ટેક્નોલોજી, ઝેઝિયાંગ દાહુઆ ટૅક્નોલોજી જેવી અનેક કંપનીઓના અધિકારીઓના વિઝા પર અમેરિકાએ નિયંત્રણો જાહેર કર્યા છે. કદાચ ઈમરાન ખાનને મેણુ મારવા અને એના ઢોંગની ફજેતી કરવા અમેરિકાએ એક કાંકરે બે પક્ષી મારવાનો નિર્ણય લીધો હશે, પણ બધાને યાદ છે કે ગુજરાતના મુસ્લિમોની આડશ લઈને અમેરિકાએ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતાં વરસો સુધી વિઝા આપ્યા ન હતા અને જેવા વડાપ્રધાન બન્યા કે હવાની રૃખ બદલાઈ ગઈ. રાજનીતિમાં ભાગ્યે જ કોઈક બાબત શ્રદ્ધા અને આસ્થાને કારણે અમલમાં મૂકાતી હોય છે. જરૃર પડે ત્યારે દરેક ધર્મના લોકો શ્રદ્ધા અને આસ્થાનો અંચળો ઓઢી લેતા હોય છે અને જરૃર ન હોય ત્યારે ઉતારીને ફેંકી દેતા હોય છે. ભારતમાં કોંગ્રેસે સાત સાત દાયકા સુધી ધર્મનિરપેક્ષતાને નામે કોઈ એક ખાસ ધર્મનું ધ્યાન રાખ્યું. ચોરી પકડાઈ ત્યારે જનોઈ પહેરી લીધી. બે પાંચ મહિના મંદિરોમાં પૂજા-અર્ચના કર્યા બાદ હવે રાહુલ ગાંધી સદંતર મંદિરમાં જતા બંધ થઈ ગયા છે. આ છે નેતાઓની ધર્મપ્રિયતા. માટે કોઈ સરકારના શાસનના નિર્ણયથી ખુશ કે નાખુશ થવાને બદલે આપણે આપણો ધર્મ સંભાળવો.

દુનિયાના નવા હવામાનમાં, દુનિયાના સદ્નસીબે અને પાકિસ્તાનના કમનસીબે દુનિયાના મુસ્લિમોને એક કરવાની થિયરી નબળી પડી ગઈ છે. આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો મુસ્લિમ દેશ છે જે ચીનના સંવેદનશીલ નેતાઓને નારાજ કરવાનું જોખમ ઉઠાવવા માગતો હોય. એક સમયે પાકિસ્તાન કાશ્મીરના મુદ્દા પર સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ અમિરાતનો ટેકો મળશે તેમ માનીને આગળ વધતું હતું, પણ આજે એ દેશો ભારત સાથેના વેપારી અને રાજદ્વારી સંબંધોને આગળ રાખીને નિર્ણયો લે છે. નેતાઓના ઢોંગને પણ હવે મુસ્લિમ અને બિનમુસ્લિમ પ્રજા સમજતી થઈ છે. ઈમરાન ખાનના ગતકડાંનો પાકિસ્તાનીઓ જ મોટા પાયે વિરોધ કરી રહ્યા છે. દરેક દેશ, તેના લોકો (અને નેતાઓ, વ્યક્તિગત ધોરણે) આખરે પૈસે ટકે સુખી થવા જ માગે છે. એક ઉક્તિ છે કે, પૈસાની બાબતમાં દરેક ધર્મો આખરે એક સરખા જ છે. કોણ કહી શકે કે આ ખોટી વાત છે?

————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »