તમારા માટે, તમારી સાથે, સતત…

આવું તો રોજ થાય છે

દાંતમાં ભરાયેલ ફોતરાં પીડિત પ્રજા છે

0 212
  • વિનય દવે

કોઈ પણ જોક્સ, મિમિક્રી કરનારા કે પછી સ્ટેન્ડઅપ કોમેડિયન એક વાક્ય તો અચૂક બોલતાં જ હોય છે કે – ‘જોક્સ, મિમિક્રી, હાસ્ય ક્યાંય શોધવા જવું પડતું નથી. એ બધું આપણી આજુ-બાજુમાંથી જ મળી આવતું હોય છે. જો તમે, ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો દરેક ઘટનામાંથી કોમેડી મળે જ છે.’ અને આ વાત સાચી પણ છે. આપણી આસપાસ, રોજબરોજ એવી-એવી ‘ભેદી-ગેબી’ ઘટનાઓ ઘટતી હોય છે જેમાંથી આપણને ‘થોકબંધ’ રમૂજ મળી જ રહે છે. કોઈ પણ નાનામાં નાના બનાવમાંથી રમૂજ-હાસ્ય મેળવવા ‘કોમેડી દ્રષ્ટિ’ની જ જરૃર છે. ચાલો આજે એવી જ કેટલીક ઘટનાઓ તરફ ‘આંગળી કરું’ જેને યાદ કરી તમને ય થશે કે, ‘હાઆઆઆ. આ વાત છે તો કોમેડી હો ભ’ઈ…!’

કશુંક ખાધા પછી દાંતમાં કંઈક ‘ફોતરું-બોતરું’ કચ્ચીને ભરાઈ ગયું હોય એવા માણસને જોયો છે? એ બિચારો કે બિચારી દાંતમાં ભરાયેલી વસ્તુના કારણે એવાં ‘સોલ્લિડ’ હેરાન થતાં હોય છે કે એ વાત કરવાને લાયક નથી રહેતાં. સૌથી પહેલાં તો એ જીભથી ધક્કા મારી (પોતાની જ હોં ભ’ઈ) પેલા દાંતમાં ફસાયેલાં ‘ફોતરાનુમા પદાર્થને’ હડસેલી-ધકેલી બહાર કાઢવા પ્રયત્નો કરતા દેખાય. એ દરમિયાન એમના એક્સપ્રેશન જ કહી આપે કે એ દાંતમાં ભરાયેલ ફોતરાં પીડિત પ્રજા છે. જીભથી ના નીકળે એટલે નખથી, કોઈ સળી જેવી ચીજથી દાંતમાં ખોદકામ કરવા લાગે. આ આખી પ્રવૃત્તિ દરમિયાન એ કંઈ પણ બોલે તો સમજાય જ નહીં એવી ભાષામાં વાત કરે છે. એ સતત ‘હ…ળ…ક્ષ…ત્રણ’ એવું બોલતો હોય એમ સંભળાય છે. ખૂબ મથામણ પછી પેલું ફસાયેલ ફોતરું બહાર નીકળે ત્યારે હાથની ચપટીમાં લઈ એને વિજયી સ્મિત સાથે જોયા પછી જ એમના જીવમાં જીવ આવે અને પછી એમની ‘ભાષા શુદ્ધિ’ થાય.

આવી બીજી એક કોમેડી ઘટના કહું. તમે નોંધ્યું છે કે નહીં એની મને ખબર નથી, પણ મેં તો નોંધ્યું જ છે કે, (હવે મેં ક્યાં નોંધ્યું છે એ પૂછી શરમાવશો નહીં) બરડામાં આવતી ખંજવાળ એ ખૂબ જ કમાલની ઘટના છે. બરડામાં એટલે પીઠ પર આપણે એવી અચરજ ભરેલી જગ્યાએ ખંજવાળ આવતી હોય છે જ્યાં આપણો પનો ટૂંકો પડતો હોય છે. હાથ પહોંચતો નથી હોતો. ‘કાનૂન કે હાથ લંબે’ હોય પણ આપણા હાથો એ ખંજવાળવાળા સ્થાને પહોંચી શકતા નથી. ખંજવાળની જગ્યાથી સ્હેજ જ દૂર આપણો હાથ પહોંચે અને આપણે ત્યાં ખંજવાળવા માંડીએ છીએ એને લીધે ખંજવાળવાળી જગ્યા પર આપણને તીવ્ર રીતે ‘ખૂજલી’ ઊપડે છે અને એ પછી નેક્સ્ટ સ્ટેપમાં આપણે ફૂટપટ્ટી, દાંતિયો, સ્વેટર સીવવાના સોયા જેવા લાંબા ‘પદાર્થોથી’ ખૂજલી શાંત કરવા પ્રયત્નો કરીએ છીએ. આવા સમયે જો બીજું કોઈ આપણને ત્યાં ખંજવાળી આપે  ત્યારે તો એને ‘અડધું રાજપાટ’ આપી દેવા જેટલા ખુશ થઈ જઈએ છીએ, પણ એવે સમયે નવી સમસ્યા શરૃ થાય છે. આપણને આવતી ખંજવાળ યાનેકી ખૂજલી અગમ્ય કારણોસર પોતાનું સ્થાન ફેરવવા માંડે છે અને પછી આપણે એ ખંજવાળી આપનારા ‘દેવદૂત’ને ‘સ્હેજ ડાબે થોડું જમણે… લગીર ઉપર.. જરીક નીચે’ એવું એવું કહી આખા બરડે ‘નખોરિયા ભરાવી’ ખંજવાળાવીએ છીએ.

સૌથી મસ્ત કોમેડી સીન તો મોટી ઉંમરના ‘ભાઈઓ તથા બુનો’ જ્યારે નાનાં-નાનાં બાળકોને રમાડતાં હોય એમની સાથે ‘ગેલગમ્મત’ કરતાં હોય ત્યારે જોવા મળતાં હોય છે.

Related Posts
1 of 29

મોટા મોટા ભડભાદર ભાયડા અને મહાકાય મહિલાઓ સાવ નાના ટેણિયા-મેણિયાને રમાડે ત્યારે ખૂબ જ ચિત્રવિચિત્ર હાવભાવ અને અત્યંત કર્કશ, બિહામણા અવાજો કરતાં હોય છે, ‘હાલુલુલુ… માલુ બકુલુ… ચકુલુ.. માલુ દીકુ… મીકુ… હે… હે… હે… હે.. હા… હા… હા… હુડુડુડુ.. આવા ભયાનક અવાજે સંગે આગળ-પાછળ, ડાબે-જમણે ઝૂલવા માંડે, તાબોટા પાડી, ખીખીયાટા કરવા માંડે. આવા મહાકાય માનવને આવું ‘અંટસંટ’ વર્તન કરતાં જોઈ ‘છોકરાંવ’ છળી મરે છે અને હસવાના બદલે આક્રંદ કરવા માંડે છે.

આવો જ બીજો કોમિકલ સીન નાના ટેણિયાને એની મમ્મી ખવરાવતી હોય ત્યારે જોવા મળતો હોય છે. નાનાં બાળકો આમ પણ ‘ખાવાના ચોર’ હોય છે. એમને સમજાવી પટાવી, ફોસલાવી જમાડવા પડતાં હોય છે. જાતભાતની વાતો કરી, ગીતો ગઈ કોળિયા ભરાવવા પડે છે, પણ બાળકને કોળિયો ભરાવતી વખતે મસ્ત કોમેડી ઘટના ઘટે છે. મમ્મી છોકરાને કહેતી હોય છે. ‘ચલો બકા, આ ખાઈ લો… હપ્પા કરી જાઓ.. મોઢું ખોલો.. આ…આ…આ…’ હવે ટેણિયાને મોઢું ખોલાવવા મમ્મી ‘આ…આ…આ…’ કરવાનું કહે ત્યારે જો…જો, છોકરા પહેલાં મમ્મી જ મોટેથી પોતાનું મોઢું પહોળું કરીને રાખતી હોય છે. આપણને જોનારાને ‘ભરપૂર’ કન્ફ્યુઝન થાય છે. મોઢું તો મમ્મીએ ફાડ્યું છે તો ખાવાનું છે કોણ? મમ્મી કે ટેણિયું?

રોજરોજ બનતી કોમેડી ઘટનાઓમાં મારા માટે સૌથી વધુ ‘કનફ્યુઝિંગ’ ઘટના હોય તો એ છે નહાતી વખતે ગીત ગાવાની ઘટના. મને આજ સુધી એ સમજાયું નથી અને મને આજ સુધી એ અચરજ રહ્યું છે કે નહાવાના પાણીમાં એવું તો ક્યું રાસાયણિક તત્ત્વ છે જે મને-તમને-આપણને બધાયને માટે મોટેથી ગીતો ગાવાની પ્રેરણા આપે છે? આ ‘બાથરૃમ સિન્ગિંગ’ અને ‘બાથરૃમ સિન્ગર’ ઉપર જે ઠોસ સંશોધન કરી લાવશે એને હું મારા તરફથી ‘ઘંટડી વગરનું ઇનામ’ એટલે કે ‘નો-બેલ પ્રાઇઝ’ આપીશ, એવું મેં મનોમન નક્કી કર્યું છે.

ડેઈલી લાઈફમાં ‘કાને ઊડીને વળગે’ એવી એક જબરી કોમેડી ઘટના છે. આમ તો કોઈ પણ વાત ‘આંખે ઊડીને વળગે’ એવી હોય છે, પણ આ વાત ફોનને લગતી છે એટલે એ ‘કાને ઊડીને વળગે’ એવી વાત છે અને વાત એ છે કે કોઈનો ફોન આવે, આપણને કંઈક લખી લેવાનું કહેવામાં આવે ત્યારે ફોન પાસે પડેલી પેનો કેમ ચાલતી નથી હોતી? તમે જોજો… આવું કાયમ બનતું જ હશે. ફોન નજીક પડેલી પેનો બંધ જ હોય છે. આપણે ચાલુ ફોને પેન છંટકોરીએ, કાંડાનું હાડકું ઊતરી જાય એવા ઝટકા મારીએ ત્યારે માંડ થોડા ઘણા અક્ષર લખવા એ પેન આપણા પર કૃપા વરસાવતી હોય છે.

આવી તો અનેક નાની-મોટી ઘટનાઓ, બીનાઓ આપણી, ચારેતરફ બન્યા જ કરતી હોય છે. કોમેડીના ચશ્મા પહેરીને બધું જોઈશું તો આખો દિવસ મસ્ત જ જશે. હેવ અ ગ્રેટ ડે.

————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »