તમારા માટે, તમારી સાથે, સતત…

કોર્ટમાં જાતીય સતામણીના કેસની સુનાવણીનો આરંભ

'મિસ રંજના સેન, તમારે માફી માગવી હોય, ખુલાસા કરવા હોય એ બધું જ યોગ્ય સમયે કરજો.'

0 163
  • નવલકથા – પ્રકરણ ઃ ૩૭ – સંગીતા-સુધીર

અબ્રાહમ અને સત્યેન તૈમૂરને પકડવા માટે લંડનના સાઉથ ફિલ્ડ વિસ્તારમાં આવેલી લંડન મોસ્કમાં પ્રવેશે છે, પરંતુ ચાર પડછંદ માણસો અબ્રાહમ અને સત્યેન પર તૂટી પડે છે. સત્યેન અને અબ્રાહમે એ ચાર પડછંદ માણસોનો પ્રતિકાર કર્યો પણ નિષ્ફળ નીવડ્યા. જોકે, સત્યેન સમયસૂચકતા વાપરીને મસ્જિદમાંથી ભાગી છૂટ્યો. તેને વિચાર આવ્યો કે જો તે બચશે તો અબ્રાહમને બચાવી શકશે. એ ચારમાંના ત્રણ માણસોએ સત્યેનનો પીછો કર્યો, પણ જ્યાં સાઉથફિલ્ડ વિસ્તારની હદ પૂરી થઈ ત્યાં તેઓ અટકી ગયા. સત્યેન અબ્રાહમને કેવી રીતે છોડાવવો તેની મથામણ કરવા લાગ્યો. લંડન પોલીસે એ વિસ્તારમાં કે મસ્જિદમાં જવાની સ્પષ્ટ ના પાડી હતી, તેથી તેઓ કોઈ પ્રકારે મદદ નહીં કરી શકે એ વાત સત્યેન જાણતો હતો. એ ચાર ગુંડાઓ અબ્રાહમના શું હાલ-હવાલ કરશે તેનો વિચાર કરતાં સત્યેને યુસુફ મહમ્મદની માહિતી મેળવવા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો તેને જાણ થઈ કે યુસુફે આત્મહત્યા કરી લીધી છે. તૈમૂર કાર લઈને જઈ રહ્યો હતો ત્યાં લંડન ટનલમાં પ્રવેશતાં પહેલાં ચેકપોસ્ટ ઉપર પોલીસે તેને અટકાવ્યો. તૈમૂર પાસે લાઇસન્સ અને અન્ય ડોક્યુમેન્ટ માગ્યા. તૈમૂરે તે આપ્યા. સાથે જણાવ્યું કે તે જ આ કારનો માલિક છે, પણ ગાડી યુસુફ મહમ્મદના નામ ઉપર છે. બધી ગોળ ગોળ વાતો કરતાં તૈમૂરને પોલીસ તેને પોલીસ સ્ટેશન તરફ લઈ ગયા અને તેની ધરપકડ કરી. આફ્રિકામાં રહેતા સત્યેનના ભાઈ શશીકાંતને સત્યેન અને મંથનની વિગતો પ્રાપ્ત થાય છે. તે સત્યેનની લંડનમાં વસતી બહેન જ્યોત્સ્નાને હકીકત પૂછે છે. જ્યોત્સ્ના શશીકાંતને સમગ્ર વાતચીતથી પરિચિત કરે છે. શશીકાંત કટોકટીના સમયમાં પરિવારની પડખે રહેવા ભારત પહોંચે છે. બીજી બાજુ ભારતમાં મુંબઈ હાઈકોર્ટના ચીફ જજના ઓર્ડરની જાણ થતાં અચલા ખુશ થઈ જાય છે. જાતીય શોષણ સામે ચીફ જસ્ટિસ સુરેન્દ્ર ત્રિવેદી શું ચુકાદો આપશે તે જાણવા આતુર બની જાય છે. અચલા અટલને ફોન કરે છે. અટલ અચલાને જણાવે છે કે જે સ્ત્રીઓએ ખોટી રીતે જાતીય સતામણીના આક્ષેપો કર્યા છે, તેમની હાર થશે. ગુનેગાર હશે તેમને ચોક્કસ સજા થશે, પણ નિર્દોષ પુરુષોને ન્યાય મળશે. કોર્ટમાં કેસની સુનાવણી શરૃ થાય છે. સત્યના પક્ષે રહેનારા વકીલ અરદેશર કે જે ટૂંકમાં અદિના નામથી ઓળખાય છે તે સત્યેન શાહ સામે આક્ષેપો કરનારી મહિલાઓ વતી હાજર રહે છે. એ જ સમય રંજના સેન હાજર થાય છે. તે કબૂલે છે કે તેણે સત્યેન શાહ સામે કરેલા આક્ષેપો સદંતર ખોટા અને પાયાવિહોણા હતા. રંજના સત્યેનના પરિવારની માફી માગે છે.
હવે આગળ વાંચો…

‘મિસ રંજના સેન, તમારે માફી માગવી હોય, ખુલાસા કરવા હોય એ બધું જ યોગ્ય સમયે કરજો.’

હવે સૉલિસિટર જોશી ઊભા થયા. એમણે ચીફ જજને જણાવ્યુંઃ ‘હું સત્યેન શાહ, એમની ફૅમિલી અને કંપનીઓનો ઍડ્વોકેટ છું.’

‘તમારા ક્લાયન્ટ ક્યાં છે?’

‘માય લૉર્ડ, મારા ક્લાયન્ટ યોગ્ય સમયે એમના બચાવ માટે આપની સમક્ષ જરૃરથી હાજર થશે.’

‘પણ તેઓ છે ક્યાં?’ ચીફ જજે આ પ્રશ્ન પૂછતાં એમના ગુસ્સાને બિલકુલ છુપાવ્યો નહીં.

‘માય લૉર્ડ, અત્યારના ખાસ કારણસર આપના આ સવાલનો જવાબ આપી શકું એમ નથી, પણ મારો ક્લાયન્ટ એની નિર્દોષતા પુરવાર કરવા જાતે આ કોર્ટ સમક્ષ જરૃરથી હાજર થશે.’

‘અને જો નહીં થાય તો?’ સૉલિસિટર જોશી નામાંકિત હતા. મુંબઈ હાઈકોર્ટના જજોમાં એમનું ખૂબ જ માન હતું. આમ છતાં આજે સત્યેન શાહ વતીથી કોર્ટમાં હાજર થતાં ચીફ જજને એમના શબ્દો ઉપર વિશ્વાસ ન બેઠો.

‘માય લૉર્ડ, આપે જે નોટિસ ઈશ્યુ કરી છે એમાં મિસ્ટર સત્યેન શાહે જાતે હાજર રહેવું એવું જણાવ્યું નથી. આપની નોટિસની બજાવણી પણ હજુ સત્યેન શાહ ઉપર થઈ નથી. કોર્ટના કાર્યમાં સહકાર આપવા માટે સત્યેન શાહે નોટિસ મળી ન હોવા છતાં મને એમના વતી આપની સમક્ષ હાજર રહેવા જણાવ્યું છે.’

‘ઓકે… ઓકે.’

હવે અટલ તરફથી જાણીતા ક્રિમિનલ ઍડ્વોકેટ ભૂપેન્દ્ર મહેતા ઊભા થયા. અચલાને નવાઈ લાગી કે અતિશય મોટી ફી લેનાર એ વકીલને અટલ કેવી રીતે રોકી શક્યો. ત્યાર બાદ એક પછી એક જે અન્ય સ્ત્રીઓએ આક્ષેપો કર્યા હતા અને પુરુષો જેમના ઉપર આક્ષેપો થયા હતા એમના વતી ઍડ્વોકેટોએ ઊભા થઈને પોતપોતાની હાજરી પુરાવી. અખબારોએ પણ એમના મંતવ્ય રજૂ કરવા જાણીતા ઍડ્વોકેટોને રોક્યા હતા. એ સર્વેએ પણ એમના એપિયરન્સ દાખલ કર્યા. આ વિધિ પૂરી થઈ કે રિપોર્ટર જાગૃતિ ઊભી થઈને વિટનેસ બૉક્સમાં ગઈ.

‘તમે કોણ છો? અને આમ વિટનેસ બૉક્સમાં કેમ આવ્યાં છો?’

‘માય લૉર્ડ, મારું નામ જાગૃતિ જોશી છે.’

‘ઓહ! તમે જ એ સ્ત્રી છો?’

‘યસ માય લૉર્ડ, મારી ફરિયાદને કારણે જ આપનું સ્ત્રીઓએ ઉઠાવેલા અવાજ ‘મી ટૂ’ પ્રત્યે ધ્યાન દોરાયું છે. મારા કારણે જ આપે આજે અહીં આ સૌને બોલાવ્યા છે.’

‘સારું, યોગ્ય સમયે જે કહેવું હોય તે તમે જણાવી શકો છો.’

‘માય લૉર્ડ, આ મિસ રંજના સેનની જેમ જ મારે મારી ફરિયાદ પાછી ખેંચી લેવી છે.’

‘વ્હૉટ?’ ચીફ જજે હવે બરાડો જ પાડ્યો.

‘યસ માય લૉર્ડ, મિસ્ટર મંથન શાહ સામે આક્ષેપો કરવા પાછળ મારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત કોર્ટનું આ સમસ્યા પાછળ ધ્યાન દોરાય એ જ હતું. આ ‘મી ટૂ’ની જે ચળવળ ઊભી થઈ છે એની હેઠળ અનેક સ્ત્રીઓએ એમના ઉપર જાતીય શોષણ થયું હતું એવા આક્ષેપો કર્યા છે. એમાંની આ રંજના સેન અને મારા જેવા અનેકના આક્ષેપો ખોટા હશે. અન્યના સાચા હશે. વર્ષો બાદ સાચા આક્ષેપો કરનારાઓને કાયદો શું રક્ષણ આપી શકે? ખોટા આક્ષેપો કરનારાઓને કાયદાએ શું સજા કરવી જોઈએ? આ જાતની કાયદાકીય તપાસણી હાથ ધરવા બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મંથન શાહ સામે કરેલ આક્ષેપો પાછા ખેંચી લેવાની પરવાનગી માગું છું.’

‘મૅડમ, તમે કોર્ટને રમકડું સમજો છો? જાતીય શોષણ જેવા ભયંકર આક્ષેપો કરો છો. પછી એ પાછા ખેંચી લો છો. તમે માંડ્યું શું છે? જેમ રંજના સેને એણે કરેલા ખોટા આક્ષેપો બદલ સજા થશે એમ તમને પણ થશે.’

‘પણ માય લૉર્ડ, સત્યેન શાહની જેમ મિસ્ટર મંથન શાહે મારી સામે બદનક્ષીનો દાવો નથી કર્યો. મેં કરેલા આક્ષેપો હું પાછા ખેંચી લઉં એની સામે એમને બિલકુલ વાંધો નથી. તેઓ અહીં જ આ કોર્ટમાં ઊભા છે. પૂછી જુઓ.’

‘મારે કોઈને કંઈ પૂછવું નથી. તમે આક્ષેપો કર્યા છે. એ સાચા હોય કે ખોટા, તમે હવે એ પાછા ખેંચી લો, જેની સામે આક્ષેપો કર્યા છે એ તમને માફી આપે તો પણ આ પ્રકારના આક્ષેપો કરવા બદલ આ કોર્ટ તમને સજા કરશે. કાયદો અને કોર્ટ એ કંઈ રમકડાં નથી. આ એક ખૂબ જ ગંભીર બાબત છે. તમે થોડી સ્ત્રીઓ ખોટા આક્ષેપો કરો છો એટલે જ જે સ્ત્રીઓ સાચા આક્ષેપો કરતી હોય છે એમની સચ્ચાઈ કોઈ માનતું નથી.’

જાગૃતિનું કહેવું સાંભળીને ફક્ત ચીફ જજ નહીં, આખી કોર્ટના બધા જ આભા બની ગયા. જેના આક્ષેપોને કારણે આ આખી ઇન્ક્વાયરી ઊભી થઈ હતી એ વ્યક્તિ જ એણે કરેલા આક્ષેપો પાછા ખેંચી લેવા ઇચ્છતી હતી! સૌનાં મનમાં એક જ વિચાર આવ્યો, ‘કરોડપતિ સત્યેન શાહના દીકરા મંથને

 

જાગૃતિને ખરીદી લીધી હતી.’ આખી કોર્ટમાં ગણગણાટ શરૃ થઈ ગયો. થોડા રિપોર્ટરો ખીચોખીચ ભરાયેલી કોર્ટમાંથી કોણી મારી મારીને બહાર દોડ્યા. જાગૃતિએ ચીફ જજને જે જણાવ્યું એ વાત તો બ્રેકિંગ ન્યૂઝ હતા.

‘સાયલન્સ… સાયલન્સ…’ પટાવાળાએ ઉચ્ચારણ કર્યું. કોર્ટમાં પાછી શાંતિ સ્થપાઈ ગઈ. ચીફ જજ હવે શું કરે છે એ જાણવા સૌ અધીરા થઈ ગયા.

‘સ્ત્રીઓનું જાતીય શોષણ એક ખૂબ જ ગંભીર અને વર્ષો જૂની સમસ્યા છે. સ્ત્રીઓના રક્ષણ કાજે સરકારે અનેક કાયદા ઘડ્યા છે, પણ કાયદાઓ ઘડવાથી સમસ્યાનો ઉકેલ આવી નથી જતો. જુદાં જુદાં સામાજિક તેમ જ આર્થિક કારણોસર સ્ત્રીઓ એમના પર થતાં અત્યાચારો વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરતાં ખચકાય છે. અમેરિકામાંથી શરૃ થઈ અને ભારતમાં પ્રસરેલી ‘મી ટૂ’ ચળવળ હેઠળ અનેક સ્ત્રીઓએ એમના ઉપર વર્ષો પહેલાં થયેલ જાતીય શોષણની વાતો કહેવાની હિંમત દર્શાવી છે. આ કારણે અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની નિર્લજ્જતા ઉઘાડી પડી છે. મોટા મોટા પદધારીઓ પદભ્રષ્ટ થયા છે. સાથે સાથે અનેક સજ્જન પુરુષોનાં નામ ખરડાયાં પણ છે. વર્ષો પહેલાં બનેલ બનાવને કારણે કાયદા હેઠળ આજે સજા કરવી શક્ય નથી, પણ એ બનાવને જાહેર કરતાં સામાજિક રીતે દુષ્કૃત્ય આચરનારને સજા ભોગવવી જ પડે છે. આમ અચાનક પાંચ, દસ, પંદર વર્ષ પહેલાંની ઘટનાને કોઈ પણ જાતના પુરાવાઓ વગર જાહેર કરતાં અનેક લોકોની બદનામી પણ થાય છે. ‘મી ટૂ’ ચળવળ સમાજને કેટલી ઉપયોગી છે, કેટલી હાનિકારક છે, સ્ત્રીઓનું જાતીય શોષણ અટકાવવા માટે જે કાયદાઓ છે એ ઉપરાંત બીજાં કયાં કયાં પગલાં લઈ શકાય આ સર્વે સવાલોના જવાબો મેળવવા અને એક કાયદાકીય ગાઇડલાઇન્સ ઘડવા મેં ત્રણ નિવૃત્ત જજોનું તપાસપંચ નીમ્યું છે.’

ચીફ જજનું સૂચન સાંભળતાં મયૂરી ખુશ થઈ ગઈ. એક પોલિટિશિયનની પત્ની તેમ જ બહેન હોવાને કારણે એને જાણ હતી કે કોઈ પણ પ્રશ્નને ઠેલે ચઢાવી દેવો હોય તો રાજકારણીઓ તપાસપંચ નીમે છે. કોઈ રિટાયર્ડ જજ કે ઑફિસરને એ કાર્ય સોંપી દે છે. એમની તપાસનો રિપોર્ટ આવે ત્યારે એ આખો પ્રશ્ન જ લોકોનાં મનમાંથી ભૂંસાઈ ગયો હોય છે. એમના રિપોર્ટ ઉપર ચર્ચા-વિચારણા થાય છે, પણ અમલ થતો નથી.

‘માય લૉર્ડ, તપાસપંચ અને એમના અહેવાલોની શું વલે થાય છે એની આપણને સૌને ખબર છે. હું નમ્રતાપૂર્વક કહું છું કે આ આખા પ્રશ્નની ચર્ચા-વિચારણા આપ જ કરો.’ એમના ક્લાયન્ટો સાચા જ છે એવું માનતા અરદેશરે ચીફ જજના સૂચનનો વિરોધ કર્યો.

‘માય લૉર્ડ, મિસ્ટર અરદેશર હન્ડ્રેડ પર્સન્ટ રાઇટ છે. તપાસપંચનો કોઈ અર્થ નથી.’ અટલના ઍડ્વોકેટ ભૂપેન્દ્ર મહેતાએ અરદેશરને સપોર્ટ કરતાં કહ્યું.

‘મારો પણ એ જ ઓપિનિયન છે, માય લૉર્ડ.’ સૉલિસિટર જોશીએ જણાવ્યું.

‘નહીં… નહીં. મેં જે જજોનું તપાસપંચ નીમ્યું છે તેઓ એમની કાર્યદક્ષતા માટે ખૂબ જ પંકાયેલા હતા. એમણે ખાતરી આપી છે કે તેઓ તપાસપંચની કાર્યવાહી સમયસર પૂરી કરશે.’

‘હવે તમે સૌ સાંભળો. ત્યાર બાદ એક અઠવાડિયા પછી તપાસપંચ એમની કાર્યવાહી શરૃ કરશે. એક અઠવાડિયાની અંદર તપાસપંચને જે જે વ્યક્તિઓની સાક્ષી તરીકે જરૃર છે એમનાં નામ છાપાંમાં પ્રસિદ્ધ કરશે. કોઈને હાથોહાથ નોટિસ આપવામાં નહીં આવે.’

‘કોઈ સાક્ષી જુબાની આપવા આવે જ નહીં તો?’ ક્રિમિનલ કોર્ટના અનુભવ ઉપરથી ભૂપેન્દ્ર મહેતાએ એમની શંકા જણાવી.

‘તો એને તાબડતોબ એરેસ્ટ કરવાની સત્તા તપાસપંચને રહેશે. આખા પ્રશ્નની ઝીણવટભરી તપાસ કરીને તપાસપંચ એમની ઇન્ક્વાયરી ત્રણ મહિનાની અંદર પૂરી કરશે. ત્યાર બાદ બે અઠવાડિયાંની અંદર એમનો રિપોર્ટ મને સુપરત કરશે. દરેક પક્ષકાર એ રિપોર્ટની કૉપી મારી ઑફિસમાંથી તુરંત જ મેળવી શકશે. ત્યાર બાદ તેઓ જો ઇચ્છે તો એ રિપોર્ટ વિશે એમનાં મંતવ્યો તરફેણ કે વિરુદ્ધમાં પંદર દિવસની અંદર લેખિત જણાવી શકશે. જેમને મૌખિક દલીલો કરવી હોય તેઓ એ પણ કરી શકશે. એ માટે એમને અડધો કલાકનો સમય આપવામાં આવશે. કોઈ પણ સંજોગોમાં લેખિત સબમિશન કે મૌખિક દલીલો માટે તારીખ આપવામાં નહીં આવે. જેવી આ દલીલો પૂરી થશે કે તુરંત જ હું મારો નિર્ણય જણાવીશ.’ આખી કોર્ટમાં ગણગણાટ શરૃ થઈ ગયો. આવું કોઈએ ધાર્યું નહોતું.

મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ન્યાય પ્રત્યેની નિષ્ઠા માટે બેમત નહોતા, પણ એમણે બધી કાર્યવાહી ઇન્ક્વાયરી કમિશન નીમીને અન્યોને સોંપી આ વાત અનેકોને પસંદ ન પડી. અચલાને તો નહીં જ.

અટલને ખાતરી હતી કે તપાસપંચ જરૃરથી સત્યેન શાહ સામે થયેલા આક્ષેપોને ખોટા છે એવું જણાવશે અને આ આખી વાતનો નિવેડો આવશે ત્યાં સુધીમાં સત્યેન શાહ એમનું મુખ્ય કાર્ય પૂર્ણ કરવામાં પણ સફળ થયા હશે.

* * *

સત્યેન પાસે યુસુફે કરેલા આપઘાત બાદ અબ્રાહમને તાત્કાલિક છોડાવવાનો કોઈ માર્ગ નહોતો. લંડનની પોલીસ કોઈ કાળે લંડન મોસ્કમાં અબ્રાહમની ભાળ કાઢવા જાય એમ નહોતું. હવે ફક્ત એક જ ચીજ થઈ શકે.

અબ્રાહમના કમાન્ડોને ઇઝરાયલથી લંડન બોલાવવા.

* * *

‘પપ્પા, આ બધાનું શું પરિણામ આવશે? તમને કંઈ ચિંતા થતી નથી? હું તો તમારા બધાથી દૂર છેક આફ્રિકામાં રહું છું. તોય નાઈરોબીમાં જેટલા ઇન્ડિયનો રહે છે એ બધા જ જાતજાતના સવાલ કરી કરીને મારું માથું પકવી નાખે છેઃ ‘તારો ભાઈ, જેનાં વખાણ કરતાં તું થાકતો નહોતો એ તો સાવ નપાવટ નીકળ્યો.’ ‘ભલભલા રેપિસ્ટને શરમાવે એવો તારો ભાઈ છે.’ આવું આવું સાંભળીને મારા તો કાન પાકી ગયા છે. ભાઈની બદનામી ઓછી હતી તે હવે ભત્રીજાએ બળતામાં ઘી હોમ્યું. સાલો, ‘નથી પરણવું… નથી પરણવું’ કહ્યા કરતો હતો અને પારકી સ્ત્રી જોડે મજા કર્યા કરતો હતો.’

Related Posts
1 of 34

કોર્ટમાંથી એમના મધુરિમા બંગલે પાછા આવ્યા અને શશીકાંતે એના દિલનો ઊભરો પપ્પા કાંતિલાલ આગળ ઠાલવ્યો. મધુરિમાના દીવાનખંડમાંથી સામે દેખાતા દરિયાનાં મોજાં એક પછી એક ધસી આવતાં હતાં. કાંતિલાલના પુત્રએ પણ આવો જ એક ધસમસતો સવાલ એમને કર્યો અને તુરંત જ જાણે કે એક બીજું જંગી મોજું ધસી આવ્યું હોય એમ એમની દીકરીએ એમને લપડાક મારતો એક બીજો સવાલ કર્યો,

‘હા… પપ્પા, તમને તો ખબર છે કે ન્યુ જર્સીમાં આપણા ગુજરાતીઓ બહુ જ મોટી સંખ્યામાં રહે છે. તેઓ અહીંના ગુજ્જુઓ કરતાં પણ વધારે ચાંપલા હોય છે. પારકી પંચાત કરવામાં એમની તોલે કોઈ આવી ન શકે. અમારે ત્યાં તો ‘ટીવી એશિયા’ કરીને ખાસ ભારતીયો માટેની એક ટીવી ચૅનલ પણ છે. જ્યારથી ભાઈ ગુમ થયો છે ત્યારથી રોજ ન્યુ જર્સીમાં એના નામનાં છાજિયાં લેવાય છે. એવો એક પણ દિવસ ગયો નથી જ્યારે મને કોઈ ને કોઈએ પૂછ્યું નહીં હોય કે ‘શું ખરેખર તમારો ભાઈ બળાત્કારી છે?’ ‘મિસ્ટર સત્યેન ભાગીને ક્યાં સંતાયા છે? તમારા હાઉસમાં તો છુપાયા નથી ને?’ ‘મિસ્ટર સત્યેને ફક્ત લેડીઝને રંજાડ્યા છે કે સાથે સાથે તેઓ જે પાર્ટીના ટ્રેઝરર હતા એના માલમાં પણ ગોલમાલ કરી છે? બોલો, પપ્પા… આ બધા સવાલોના હું શું જવાબ આપું?’

શશીકાંતના કહેવાથી ન્યુ જર્સીથી ખાસ મુંબઈ આવી પહોંચેલ સત્યેનની નાની બહેન ભાનુમતીએ પણ એના મનમાં દિવસોથી જે વાત ઘોળાઈ રહી હતી એ એના પપ્પાને કહી.

કાંતિલાલનો સત્યેન પ્રત્યેનો વિશ્વાસ જે ધીરે ધીરે ડગુમગુ થઈ રહ્યો હતો એ હવે સાવ ઓસરી ગયો. એમને પણ રહીને રહીને એવું લાગવા માંડ્યું કે નક્કી એમનો માનીતો દીકરો નપાવટ છે. એણે ફક્ત સ્ત્રીઓ ઉપર બળાત્કાર નથી આચર્યા, પણ એની પાર્ટીના હિસાબોમાં પણ ગોલમાલ કરી હશે.

કાંતિલાલને અચાનક એવો પણ વિચાર આવ્યો કે શું સત્યેને એના પોતાના ધંધામાં પણ ગફલાઓ નહીં કર્યા હોય. કરોડો-અબજો ડૉલરનું એમનું સામ્રાજ્ય હતું. કંઈકેટલીય લિમિટેડ કંપનીઓ એમણે અને સત્યેને સ્થાપી હતી. પબ્લિકે એમની શાખ જોઈને આંખ મીંચીને એમની કંપનીના દસ રૃપિયાના શેર હજાર-બે હજાર આપીને ખરીદ્યા હતા. સત્યેને શું એના બધા શેરહોલ્ડરોનો વિશ્વાસઘાત કર્યો હશે? મારે આ બધી કંપનીઓના હિસાબો તપાસવા જોઈએ. નહીં… નહીં. કોઈ વિશ્વાસપાત્ર ઇન્ડિપેન્ડન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આગળ એ બધા તપાસાવવા જોઈએ.

માથું ઢાળીને શશીકાંત અને ભાનુમતીની વાતો સાંભળી રહેલા કાંતિલાલે મનમાં ને મનમાં ભગવાનને કોસ્યા. ‘ધરતી માર્ગ આપે અને મને એમાં સમાવી લે’ એવું એમણે વિચાર્યું. એમની સાથે સાથે આ બધા બળાપા સાંભળી રહેલી પુત્રવધૂ તરફ એમણે એક દયાભરી દૃષ્ટિ કરી. જાણે તેઓ સાવિત્રીને કહી રહ્યા હતા,

‘વહુ, તારા જેઠ અને નણંદના સવાલોના જવાબ આપ.’

‘પપ્પા, લોકોના કહેવાથી તમે ભલે તમારા દીકરામાંથી વિશ્વાસ ગુમાવી બેઠા છો, પણ મને મારા વરમાં પૂરેપૂરો વિશ્વાસ છે. સત્યેને કંઈ જ ખોટું કામ નથી કર્યું. એ અત્યારે લંડનમાં છે…’

‘એની તો અમને ખબર છે. જ્યોત્સ્નાએ મને બધી વાત કરી છે…’

શશીકાંત હજુ આગળ કંઈ બોલે એ પહેલાં કાંતિલાલે એમનું આશ્ચર્ય વ્યક્ત કર્યું, ‘શું? સત્યેન લંડનમાં છે? એ ત્યાં લંડનમાં શું કરે છે?’

‘હા, પપ્પા… સત્યેન લંડનમાં છે. શશીકાંતભાઈ, જો તમને એ વાતની ખબર હોય તો તમને એ પણ ખબર હશે કે જે ખરો ગુનેગાર છે એની સત્યેને ધરપકડ કરાવી છે. જય જનતા પાર્ટીના આરજે નામથી ઓળખાતા રવીન્દ્ર જેસિંગલાલ ભગતે લંડનમાં પોતાના હાથે લખીને કબૂલાત કરી છે કે સત્યેન સામે જાતીય શોષણના ખોટા આક્ષેપો એના અને તૈમૂર નામના દુબઈમાં રહેતા શખ્સના કહેવાથી કરવામાં આવ્યા છે. પાર્ટીના પૈસાના ગોટાળા પણ આરજે અને તૈમૂરે કર્યા છે.’

‘આ તું શું કહે છે, વહુ? અત્યાર સુધી આ વાત તેં મને કેમ જણાવી નહીં?’

‘પપ્પા, હું તમને બધું જ કહેવાની હતી…’

‘શું કહેવાની હતી? મને જ્યોત્સ્નાએ કહેલ વાતમાં વિશ્વાસ નથી બેસતો. જે માણસે પાંચ પાંચ સ્ત્રીઓ ઉપર બળાત્કાર ગુજાર્યા હોય, કરોડોના હિસાબે પાર્ટીના પૈસા ગપચાવ્યા હોય એનો વિશ્વાસ કેવી રીતે કરી શકાય?’ શશીકાંતે એની શંકા વ્યક્ત કરી.

‘તું ચૂપ રહે. સાવિત્રીને કહેવા દે. હા, બોલ વહુ, તને સત્યેનની બાબતમાં શું જાણકારી મળી છે?’ શશીકાંત આમેય કાંતિલાલનો અણગમતો દીકરો હતો. સત્યેનના પક્ષની વાતો માટે શશીકાંતે વ્યક્ત કરેલ શંકા એમને પસંદ ન પડી.

‘પાર્ટીના હિસાબમાં ગોટાળાઓ છે એવી શંકા જતાં પાર્ટીનું ટ્રેઝરર પદ સ્વીકારતાં પહેલાં સત્યેને કોઈ ઇન્ડિપેન્ડન્ટ ઑડિટર આગળ એને ચકાસવાની માગણી કરી.’

‘હા, એ વાતની તો મને ખબર છે.’ કાંતિલાલે સાવિત્રીની વાતમાં હકાર પુરાવ્યો.

‘ઇન્ડિપેન્ડન્ટ ઑડિટર અપોઇન્ટ થાય તો આખું ભોપાળું બહાર આવે.’ સાવિત્રીએ એની સત્યેન વિશેની જાણકારી આપવાનું ચાલુ રાખ્યું,

‘હાલની ભારતની રૃલિંગ પાર્ટી એમના નિજી સ્વાર્થ ખાતર ઇસ્લામધર્મીઓને ખૂબ જ મોટું અને અજુગતું પ્રોત્સાહન આપી રહી છે.’

‘હા… હા, એ વાત તો જગજાહેર છે. ભાગલા વખતે મુસલમાનોની ભારતમાં જેટલી વસતિ હતી એનાથી વધીને આજે એ દસ ગણી થઈ ગઈ છે અને ભાગલા બાદ જે પાર્ટી સત્તા ઉપર આવી અને વર્ષો સુધી સત્તા પર રહી છે એણે વોટ બૅન્ક માટે મુસલમાનોને ખૂબ જ ઉત્તેજન આપ્યું છે. આ વાત તો સૌકોઈ જાણે છે, પણ તું સત્યેન નિર્દોષ છે એવું શા પરથી કહે છે?’

‘એ જ પાર્ટી ફરી પાછી ચૂંટાઈને આવે એવું ઇસ્લામધર્મી દેશો ઇચ્છતા હતા એથી એમના ધર્મનો વધુ ને વધુ ફેલાવો ભારતમાં થાય અને થોડા સમયમાં તેઓ ભારતને એક ઇસ્લામધર્મી દેશ બનાવી શકે. એમનો દુબઈમાં રહેતો એક ખાસ માણસ તૈમૂર, ભારતની રૃલિંગ પાર્ટીને જેનાથી ખતરો હતો એ જય જનતા પાર્ટીમાં વિવિધ રીતે ભંગાણ પડાવી, એના ફંડનું ગોલમાલ કરાવી, જય જનતા પાર્ટી આગામી ઇલેક્શન ન જીતે એવી યોજનાઓ ઘડતો હતો. તૈમૂરે આ માટે જય જનતા પાર્ટીના આગેવાન આરજે અને અન્ય અનેકોને સાધ્યા હતા. સત્યેન પાર્ટીના ફંડો તપાસાવે નહીં એ માટે તૈમૂરે સત્યેન સમક્ષ જાતીય શોષણના ખોટા આક્ષેપો કરાવ્યા. સત્યેન એ બધા આક્ષેપો ખોટા છે એવું જાહેરમાં પુરવાર કરવાનો હતો. આથી સત્યેનનું જ કાસળ કાઢી નાખવાનો પ્લાન ઘડાયો. જય જનતા પાર્ટીને સપોર્ટ કરનાર ઇઝરાયલના આગેવાનોને આની જાણ થઈ. એમણે સત્યેનને ઇઝરાયલ બોલાવી લીધો. આરજે વિરુદ્ધ પાર્ટીના હિસાબોમાં ગોટાળાની ફરિયાદો થતાં આરજે ગભરાઈને પત્ની અને પુત્ર સહિત લંડન ભાગ્યો. સત્યેન એ જાણીને લંડન પહોંચ્યો. એણે ત્યાં આરજેની ધરપકડ કરાવી. ગભરાયેલા આરજેએ લખીને બધી વાત કબૂલી લીધી. હવે સત્યેન આખી વાતના સૂત્રધાર તૈમૂરને પકડવા ઇચ્છે છે અને આરજેએ ગોલમાલ કરેલા પાર્ટીના પૈસા પાછા મળે એની રાહ જુએ છે.’

સાવિત્રીએ સત્યેનની નિર્દોષતા જાહેર કરતી આખી વાત સૌપ્રથમ વાર એના સસરાને જણાવી. શશીકાંતને જોકે ભાભીની વાતમાં વિશ્વાસ ન બેઠો. આ સર્વે જાણ્યા બાદ પણ એનું એવું જ માનવું હતું કે સત્યેને જ્યોત્સ્નાને પણ જુઠ્ઠું જ જણાવ્યું છે. નક્કી મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસે જે તપાસપંચ નીમ્યું છે તેઓ બધા સત્યેન ગુનેગાર છે એવું જાહેર કરશે અને એમના આખા કુટુંબની આબરૃ ધૂળધાણી થઈ જશે.

‘પણ મંથનનું શું, ભાભી? તમે છેક આજે સત્યેન માટે આ જે વાત કહો છો એ મનાય એમ તો નથી, પણ જો અમે એ વાત માની પણ લઈએ તોયે મંથને જે લફરાં કર્યાં છે એ તો સાચાં જ છે.’

શશીકાંતે હજુ સુધી સાવિત્રીની વાત સ્વીકારી નથી અને હજુ પણ એને એના નાના ભાઈ પ્રત્યે શંકા છે તેમ જ એના ભત્રીજાએ તો નક્કી ખોટાં કામ કર્યાં છે એવી એની દૃઢ માન્યતા દર્શાવતાં જણાવ્યું.

‘મંથનની વાતમાં પણ મને ગરબડ લાગે છે. એ છોકરી આપણા ઘરે આવી હતી. ખૂબ સારી રીતે મારી જોડે વાતો કરી હતી. એ સાંજના તો એ અહીં મંથન જોડે એકલી હતી જ નહીં. એમ છતાં એણે મારા દીકરા સામે ખોટા આક્ષેપો કર્યા છે. નક્કી જેમ પેલી પાંચ સ્ત્રીઓએ તૈમૂરના કહેવાથી સત્યેન સામે ખોટા આક્ષેપો કર્યા છે તેમ જ આ જાગૃતિએ પણ કોઈના કહેવાથી મંથન સામે ખોટા આક્ષેપો કર્યા છે.’ સાવિત્રીએ દીકરાના બચાવમાં કહ્યું.

‘ભાભી, સાચું કહું, મને કંઈ જ સમજ નથી પડતી. શશીકાંત સાચો છે કે તમે હમણા જે વાત કરી એ સાચી છે? સત્યેન આટલો ખરાબ હોઈ જ ન શકે એવું મને ઊંડે ઊંડે લાગે છે. મંથન માટે પણ મને એવું જ થયા કરે છે, પણ આટલી બધી સ્ત્રીઓ, પ્રતિષ્ઠિત ઘરની સ્ત્રીઓ, એ બધાએ બૂમો પાડી પાડીને કહ્યું છે. એમના પર જે વીત્યું એ બધું જ એમણે વિગતવાર જણાવ્યું છે. તો પછી ભાભી, તમે હમણા જે વાત કરી એ માની શકાય એવી લાગતી નથી.’ ભાનુમતીએ પણ એના દિમાગમાં ચાલી રહેલા ઘમસાણની જાણ કરી.

ગડમથલમાં પડી ગયેલા કાંતિલાલે આખી વાતનો નિવેડો લાવવા માટે સૂચન કર્યુંઃ

‘વહુ, તું કહે છે ને કે સત્યેન લંડનમાં છે અને શશીકાંત, તને એ વાત જ્યોત્સ્નાએ કહી છે તો ચાલ, આપણે જ્યોત્સ્નાને ફોન કરીએ. સાચી વાત શું છે એ જ્યોત્સ્ના આપણને જણાવશે.’

‘જ્યોત્સ્ના બીજું શું કહેવાની હતી? આ ભાભીએ કહ્યું છે એ જ વાત એ કહેશે. પપ્પા, તમે જ્યોત્સ્નાને પૂછો કે સત્યેન લંડનમાં ક્યાં છે. આપણે સત્યેન જોડે જ વાત કરીએ.’ શશીકાંત પણ ઊંડે ઊંડે એવું તો જરૃરથી ઇચ્છતો હતો કે એનો ભાઈ નિર્દોષ હોય, પણ સત્યેનની વિરુદ્ધના સંજોગો એટલા ગંભીર હતા કે એ શશીકાંતને સત્યેન નિર્દોષ હોય એવું માનવાની ના પાડતા હતા.

‘હલ્લો, કોણ જ્યોત્સ્ના? હું ઇન્ડિયાથી પપ્પા વાત કરું છું.’

‘પપ્પા, કેમ છો તમે? આજે કોર્ટમાં શું થયું?’

‘દીકરા, ચીફ જજે એક ઇન્ક્વાયરી કમિશન નીમ્યું છે. એ કમિશન બધી બાબતની તપાસ કરશે. એમનો જે રિપોર્ટ આવશે એ ઉપરથી ચીફ જજ એમનો ઑર્ડર પાસ કરશે.’

‘પપ્પા, તમે ફિકર નહીં કરો. ભાઈએ મને બધી જ વાત કરી છે. એ સાવ નિર્દોષ છે.’

‘હા, પણ તારો એ નિર્દોષ ભાઈ છે ક્યાં?’

‘પપ્પા, એ પેલા તૈમૂરને એરેસ્ટ કરાવવા લંડન મોસ્કમાં ગયો હતો, પણ ત્યાર પછી આજ સુધી ભાઈનો પત્તો નથી.’

* * *

દોડતાં દોડતાં લંડનની લાલ રંગની ડબલ ડેકર બસમાં ચઢી ગયેલ સત્યેનને જોતાં બસ કંડક્ટરને જેટલો આઘાત લાગ્યો હતો એનાથી અનેક ગણો આઘાત સત્યેનને હાઇડ પાર્કના માર્બલ આર્ચ પાસે બસમાંથી ઊતરી લંડન પોલીસ સ્ટેશનમાં ફોન કરતાં જે સમાચાર મળ્યા એનાથી લાગ્યો.

આઘાત લાગવાનું કારણ હમદર્દી નહોતી.

યુસુફ પ્રત્યે કોઈને હમદર્દી થાય એવો એ માણસ જ ન હતો. યુસુફની મદદથી  અબ્રાહમ વિશે હવે જાણકારી મેળવી નહીં શકાય એ વિચારથી સત્યેનને આઘાત લાગ્યો હતો. સાથે સાથે એને એ વાતનું આશ્ચર્ય પણ થયું કે આવો રીઢો ગુનેગાર આમ સાઇનાઇડની ટીકડી ચાવીને પોલીસ કસ્ટડીમાં આપઘાત શું કામ કરે? નક્કી યુસુફ આગળ એવી બાતમીઓ હશે, જે તૈમૂર અને એની પાર્ટી માટે હાનિકારક હોય. યુસુફને ભીતિ પેઠી હશે કે વારંવાર એક પછી એક જે રીતે એને અને આરજેને સત્યેને એરેસ્ટ કરાવ્યા હતા એથી હવે એની આગળથી માહિતી કઢાવવા સત્યેન લંડનની પોલીસને થર્ડ ડિગ્રી અપનાવવાનું કહેશે. યુસુફને લાગ્યું હશે કે એ થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ સહન કરી નહીં શકે. એની પાસેની આરજે, તૈમૂર તેમ જ એની પાર્ટીની જાણકારી મેળવવામાં સત્યેન લંડનની પોલીસ દ્વારા સફળ થાય તો આરજે અને તૈમૂર તો ઠીક, પણ સમગ્ર ઇસ્લામ કોમના વડાઓ, જેઓ ભારતમાં મુસ્લિમોની વગ વધારવા રૃલિંગ પાર્ટીને સપોર્ટ અને જય જનતા પાર્ટીમાં વિખવાદ ઊભા કરતા હતા એ સર્વે ઉઘાડા પડી જશે. જો એમ થાય તો સમગ્ર ઇસ્લામ જાતિ બદનામ થઈ જાય અને એનું જીવતર ધૂળધાણી થઈ જાય. કોમને બચાવવા યુસુફે આપઘાત કરવું મુનાસિબ માન્યું હશે. આવી જ કોઈ ક્ષણની યુસુફને આશંકા હશે આથી જ એણે સાઇનાઇડની ટીકડી સાથે રાખી હશે.

એકાએક સત્યેનને લાગવા માંડ્યું કે એના દેશ પ્રત્યે, જય જનતા પાર્ટી પ્રત્યે મોટું ષડ્યંત્ર રચાઈ રહ્યું હતું. એને એ વાતનો પણ આનંદ થયો કે હવે એ ષડ્યંત્ર અટકાવી શકશે. બીજી જ ક્ષણે સત્યેનને એવો પણ વિચાર આવ્યો કે હવે અબ્રાહમની ભાળ તુરંત મેળવવી અશક્ય બની ગઈ છે. સત્યેનને એ વાતનો પણ ખ્યાલ આવ્યો કે તૈમૂર સામે લંડનની કોર્ટે ભલે વૉરન્ટ ઇશ્યુ કર્યું હોય, પણ તૈમૂરની હજુ ધરપકડ થઈ નહોતી. તૈમૂર આઝાદ હતો અને એની વગ ઘણી હતી. એ હજુ પણ આરજેને છોડાવી શકે છે અને જય જનતા પાર્ટીને વધુ નુકસાન પહોંચાડી શકે છે. બ્રિટિશ ટનલ વાટે લંડનથી પેરિસ જતાં તૈમૂરની ધરપકડ કરવામાં આવી હતી એ વાતથી સત્યેન અજ્ઞાત હતો. તૈમૂર આરજેને છોડાવે કે નહીં, પણ અબ્રાહમને તૈમૂર જરૃરથી હાનિ પહોંચાડી શકે અને એની શક્યતા તૈમૂરને જેવી યુસુફના આપઘાતની જાણ થશે કે એકદમ નિશ્ચિત બની જશે. મૂંઝાયેલા સત્યેનને અબ્રાહમની ભાળ કાઢવા અને લંડન મોસ્કના મૌલવીના પંજામાંથી છોડાવવા અબ્રાહમના ઇઝરાયલી કમાન્ડોને લંડન બોલાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ જણાયો નહીં.

સત્યેને નીચે ઘાસમાં પડી ગયેલા મોબાઇલને વાંકા વળીને હાથમાં લીધો. હાઈડ પાર્કમાં ઠેર ઠેર મૂકવામાં આવેલ લાકડાંના જંગી બેન્ચમાંની એક બેન્ચ ઉપર બેસીને થોડી વાર વિચારીને જરૃસલેમમાં એનો જે ડ્રાઇવર હતો એનો એણે સંપર્ક સાધ્યો.

(ક્રમશઃ)

—————————

Leave A Reply

Your email address will not be published.

Translate »