તમારા માટે, તમારી સાથે, સતત…

ડેટિંગ વિથ… (નવલિકા)

મોબાઇલની લાઈટ ચાલુ કરીને જોયું તો તેના હાથ લોહીથી ખરડાયેલા હતા

0 327
  • મનહર ઓઝા

હર શ્વાસમાં અંધકાર હું ભરતો રહ્યો,

ભયના ઓથારમાં હરપળ ખરતો રહ્યો.

* * *

તનુશ્રીએ રાઘવનો હાથ ખેંચીને તેને બેડ ઉપર બેસાડ્યો. બેડ મુલાયમ હતો, તનુશ્રીનાં કોમળ સ્તન જેવો. બેડની ગાદીનો સ્પર્શ તેને અજીબ અહેસાસ કરાવતો હતો. તનુશ્રી બેડ ઉપર બ્લેન્કેટ ઓઢીને સૂતી હતી. તેની લંબગોળ આંખોમાં સેક્સિયત રમતી હતી. રાઘવ તેને જોઈને અવાક્ થઈ ગયો હતો. સંમોહિત થઈ ગયો હોય તેમ તે જોઈ જ રહ્યો. શ્વાસોશ્વાસના લીધે તેની છાતી પરનો બ્લેન્કેટ ઊંચોનીચો થતો હતો. તનુશ્રીનો એક હાથ બ્લેન્કેટમાંથી નીકળીને તેના ચહેરા તરફ લંબાયો. તેણે રાઘવનો ચહેરો પસવાર્યો. તેના મૃદુ સ્પર્શથી રાઘવના મનમાં ગલગલિયાં થયાં. તેના શરીરનાં રૃંવાડાં ઊભા થઈ ગયાં. તનુશ્રીનો હાથ સરકીને રાઘવની છાતી પર અટક્યો. રાઘવના બત્રીસ કોઠે દીવા થયા. તે કઈ સમજે તે પહેલાં તો તનુશ્રીએ તેને ખેંચીને બ્લેન્કેટ નીચે છુપાવી દીધો.

રાઘવ જાણે લિસ્સી ચીકણી માટીના કળણમાં આવી પડ્યો હોય તેવું તેણે અનુભવ્યું. તનુશ્રીના ઠંડા માખણ જેવાં સ્તનમાં તે ડૂબી ગયો. તેનું નિર્વસ્ત્ર શરીર અંધકારમાં પણ તેને કળાઈ ગયું. તનુશ્રીના હાથની ભીંસ અજગરની જેમ વધવા લાગી. રાઘવ જાણે કે ઉત્તેજનાના સરોવરમાં તરવા લાગ્યો. ધીરે ધીરે તેની ઉત્તેજના વધતી ગઈ, વધતી ગઈ. એક ભીંસ સાથે બંધ તૂટ્યો અને…..તૃપ્તિના ઉદ્ગાર સાથે છલકાઈ ગયો.

રાઘવની આંખ ખૂલી ગઈ. ‘ઓહ..તનુશ્રી..’ તેનો હાથ બાજુમાં પડ્યો. પથારીનો સ્પર્શ થતાં તેની આંખો ખૂલી ગઈ. ‘ઓહ..માય…માય…….’ તેના મોંમાંથી ગાળ નીકળી ગઈ. કોટમાં તે ઊંધો સૂતો હતો. તેની નીચે ડનલોપની ગાદી સિવાય કંઈ જ ન હતું.

‘ડેમ ઈટ….આહ..!’ નિશ્વાસ છોડતો તે ઊભો થયો. તેણે જોયું તો ચાદર ઉપર એક ધબ્બો પડી ગયો હતો. અકળાઈને તેણે કોટ નીચે પડેલી ચડ્ડી પહેરી. બાથરૃમમાંથી તે નેપ્કિન ભીનો કરીને લાવ્યો.

‘પાછી મમ્મી જોઈ જશે તો….!’ પોતાના ઉપર ગુસ્સો કરતો હોય તેમ તે ચાદર ઉપર પડેલો ધબ્બો ભાર દઈને લૂછવા લાગ્યો.

‘સપનામાં મને કેમ ભાન ન રહ્યું? આ તનુશ્રી દર વખતે સપનામાં આવીને મારી ચાદર બગાડે છે. મારે તેને એકવાર મારી ચાદર બતાવવી પડશે, પણ એ ઇડિયટને તોયે કશું નહિ સમજાય. જો એને સમજાયું હોત તો અત્યારે એ મારા કોટમાં હોત.’

મનમાં બળાપો કાઢતો રાઘવ બાથરૃમમાં ગયો. તૈયાર થઈને તે જોબ પર નીકળ્યો ત્યારે પણ તેના મનમાંથી તનુશ્રી ખસતી ન હતી. તનુશ્રી તેની કૉલેજ સમયની ફ્રેન્ડ હતી. કૉલેજ પૂરી થયાને છ મહિના થઈ ગયા હતા. બધા ફ્રેન્ડ્સ પોતપોતાના નોકરી ધંધામાં ગોઠવાઈ ગયા હતા. રાઘવને પણ એક પ્રાઈવેટ કંપનીમાં જોબ મળી ગઈ હતી. જોકે હજુ પણ તેમનું કૉલેજ ગ્રૂપ વીકમાં એકવાર મળતું હતું. શ્રેયાના એન્ગેજમૅન્ટ થઈ ગયા હતા. જીતેન અને પુનિતા કૉલેજમાંથી જ એકબીજાના લવમાં હતાં. નિશીથના મેરેજ થઈ ગયાં હતાં. એક તનુશ્રી અને રાઘવ જ બાકી હતાં.

ઈંઈંઈં

‘તનુડી સાથે મેળ પાડી દેને. બહુ ઢીલો તું તો યાર.’ જીતેન ઘણીવાર રાઘવને ખખડાવી નાખતો.

‘બસ..હવે તો એને સીધેસીધું કહી જ દેવું છે.’ રાઘવ કહેતો, પણ જેવી તનુશ્રી સામે આવતી, તેવો રાઘવ મિયાંની મીંંદડી બની જતો.

‘સાલા તું જ પાણી વિનાનો છે.’ જીતેન અકળાતો.

‘બે શાંતિ રાખને…ઉતાવળમાં ક્યાંક બાજી બગડી જાય.’

‘તું તારે આખી જિંદગી ઓશીકાને બે પગ વચ્ચે દબાવીને સૂઈ રહેજે. તારાથી કશું થાય તેમ નથી.’ જીતેનનું મહેણુ તેને દિલ પર લાગી જતું અને તેનું પુરુષાતન જાગી જતું.

ગ્રૂપમાં મેસેજ હતો. આજે સાંજે તનુશ્રીએ શાયોના સિટી રોડ પર આવેલી હોટલ ‘રેલિશ’માં પાર્ટી રાખી હતી. કારણ લખ્યું ન હતું. સરપ્રાઈઝ પાર્ટી હતી. ગ્રૂપમાં બધાં તનુશ્રી ઉપર તૂટી પડ્યાં હતાં. બધાં જાત જાતના તુક્કા લગાવતાં હતાં, પણ તનુશ્રી ચુપ હતી. છેવટે સાંજે બધાં ‘રેલિશ’ ઉપર પહોંચ્યાં ત્યારે સરપ્રાઈઝ ખૂલ્યું. સમાચાર સાંભળીને બધાએ તનુશ્રીને વિશ કર્યું. રાઘવ બહારથી ખુશ દેખાવાનો પ્રયત્ન કરતો હતો, પણ અંદરથી તેનું દિલ તૂટી ગયું હતું. તનુશ્રીનું તેની જ્ઞાતિના છોકરા સાથે નક્કી થયું હતું. તે તેના ફિયાન્સેને લઈને આવી હતી.

‘હું કે’તો’તો ને, કે તું રહી જવાનો!’ જીતેને રાઘવને ટોણો માર્યો. રાઘવ ચુપચાપ સાંભળી રહ્યો. જીતેનની વાત સાચી હતી. તે પોતે જ આના માટે જવાબદાર હતો.

‘રઘલા તું ક્યારે પાર્ટી આપે છે?’ શ્રેયાના શબ્દો તેને ડામની જેમ ચંપાયા.

‘હા યાર, હવે તો તું જ બાકી રહ્યો છે.’ તનુશ્રીએ બળતામાં ઘી હોમ્યું. ‘મને શી ખબર કે તું આટલો જલદી ધડાકો કરીશ. નહિતર આ ચંબુની જગાએ તું મારી કમરમાં હાથ નાખીને ઊભી હોત.’ રાઘવ મનમાં બબડ્યો.

‘શોધી કાઢ કોઈ મસ્ત છોકરીને.’ નિશીથે આંખ મારતાં કહ્યું.

‘રઘલા…વાય ડોન્ચ યુ ટ્રાય ડેટિંગ ઍપ?’ શ્રેયાએ સજેશન આપ્યું.

‘હા યાર, તું ‘ડેટિંગ વીઆઈપી ઇન્ડિયા’ ઍપમાં ટ્રાય કરજે, એમાં તને મસ્ત છોકરી મળી જશે.’ જીતેન બોલ્યો. તેની સામે પુનિતા આંખો કાઢીને જોઈ રહી.

‘એ તો મને મારા એક કલીગે કહ્યું હતું.’ જીતેન ખુલાસો કરતાં માફીના સ્વરે બોલ્યો.

‘હવે તો એ જ રસ્તો બચ્યો છે. મારા બેટા બધા ગોઠવાઈ ગયા, એકલો હું જ રહી ગયો. આજે જ રજિસ્ટ્રેશન કરી દઉં. હવે તો તનુશ્રી સપનામાં પણ નહીં આવે.’ રાઘવના મનમાં ઍપવાળી વાત બરાબર ઠસી ગઈ હતી. ઘરે આવીને તેણે ઍપ ડાઉનલોડ કરીને તેમાં રજિસ્ટ્રેશન કરી દીધું અને પછી નિરાંતે સૂઈ ગયો.

સવારે ઊઠીને તેણે સેલફોન ચેક કર્યો. કોઈની રિક્વેસ્ટ આવી ન હતી. ‘હજુ તો રાત્રે જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, એટલામાં ક્યાંથી આવે?’ મન મનાવતાં તે બાથરૃમ તરફ લપક્યો.

ઈંઈંઈં

‘ઓહ..શીટ…!! હજુ સુધી કોઈની રિક્વેસ્ટ કેમ નહિ આવી હોય?’ તેણે પંદર વીસ છોકરીઓને રિક્વેસ્ટ મોકલી હતી, તેનો પણ જવાબ ન હતો. રજિસ્ટર થયાને આજે દસ દિવસ થયા હતા. તેણે જીતેનને પૂછ્યું. જીતેને તેને પ્રોફાઇલ પિક્ચર બદલવા કહ્યું. ‘હં..જીતેન ઈઝ રાઈટ, પેલો ફોટો થોડો ડાર્ક હતો.’ રાઘવે ફોટો બદલ્યો. ખુશ થતાં તેણે ઑફિસે જવા બાઈક સ્ટાર્ટ કર્યું. ‘રઘલો ડેટિંગ ઍપમાં છોકરી શોધે છે.’ ગ્રૂપમાં આ વાત અફવાની જેમ ફેલાઈ ગઈ હતી.

રાઘવે તેના કોટમાંથી ઊંચે કૂદકો માર્યો. ઓશીકાને ઉછાળીને પગેથી લાત મારી. અરીસામાં જોઈને મુઠ્ઠી છાતી પર પછાડતાં કહ્યું, ‘યસ, આઈ ગોટ ઈટ.’ તેના ચહેરા ઉપર ખુશી સમાતી ન હતી. તે એની ખુશી કોઈની સાથે શેઅર કરવા માગતો હતો, પણ એવું કોઈ અત્યારે તેની પાસે હતું નહિ. સવારે તેણે ફોન ચેક કર્યો, ત્યારે એક છોકરીની રિક્વેસ્ટ ડેટિંગ ઍપમાં પડેલી હતી. તેના ચહેરાનો ફોટો આકર્ષક હતો. દેખાવ તનુશ્રી જેવો તો નહિ પણ તેનાથી ઉતરતોયે ન હતો. ગોળ ચહેરા ઉપર લંબગોળ આંખો, મોટી મોંફાટ, અણિયાળું નાક અને મોહક સ્મિત, બીજું જોઈએ પણ શું? બીજા ફૂલસાઇઝ ફોટામાં તે થોડીક ભરાવદાર લાગતી હતી. છાતીનો ઉભાર પહાડ ઉપર ઝળૂંબી રહેલી ટેકરીઓ જેવો લાગતો હતો. કમર અને નિતંબનો ભાગ થોડોક ભારે લાગતો હતો, પણ ઇટ્સ ઓકે. એટલું તો ચાલે.

‘જીતેનિયા…ક્યાં છે તું..? એક ન્યૂઝ આપવા હતા એટલે કૉલ કર્યો.’

‘કોઈ છોકરી મળી કે શું?’

‘એ…તને કેવી રીતે ખબર પડી?’ રાઘવના પ્રશ્નના જવાબમાં જીતેનનું ખડખડાટ હાસ્ય સંભળાયું.

‘બે યાર..ડેટિંગ ઍપમાં એક છોકરીની રિક્વેસ્ટ આવી છે.’

Related Posts
1 of 319

‘બસ તો પછી હવે લાગી જા, જવા દેતો નહિ…ઓલ ધ બેસ્ટ.’

રાઘવે તો સવારથી જ ડોલી સાથે ચેટિંગ શરૃ કરી દીધું હતું. સાંજ સુધીમાં તો ડોલીને તે જાણે વર્ષોથી ઓળખતો હોય તેવું તેને લાગવા માંડ્યું. આખો દિવસ એમાં જ પસાર થઈ ગયો. સાંજે રાઘવ આઈસક્રીમ અને વડાપાંઉ લઈને ઘરે ગયો. ફોન કરીને તેણે મમ્મીને રસોઈ કરવાની ના પાડી દીધેલી. આજે તેની ખુશીને જાણે પાંખો ફૂટી હતી.

‘આજે બહુ ખુશ છે, લોટરી લાગી છે કે શું?’

‘હા મમ્મી, લોટરી નહીં, ડોલી લાગી છે. આઈ મીન એક છોકરી મળી છે. એટલે કે ડોલી સાથે ચીટિંગ ચાલે છે. ઓહ સોરી..ચેટિંગ ચાલે છે.’ ભલે રાઘવે બોલવામાં લોચા માર્યા હોય, પણ તેની મમ્મી આખી વાત સમજી ગઈ હતી. આંતરે દિવસે બેડની ચાદર બગાડતા દીકરાની તેને પણ બહુ ચિંતા હતી.

સતત ચાર દિવસથી રાઘવ ડેટિંગ ઍપ પર લાગેલો હતો. તેણે ઘણીવાર ડોલીને મળવા માટે કહ્યું હતું, પણ હમણાં ડોલીને ટાઇમ ન હતો. ડોલી એક ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે જોબ કરતી હતી. રાત્રે મોડે સુધી તે ચેટ કરતો રહેતો. રાઘવને ડોલીને રૃબરૃ મળવાની તાલાવેલી હતી. સન્ડેના દિવસે ડોલીએ મળવાનું પ્રોમિસ આપ્યું હતું. રાઘવ સન્ડેની રાહ બુધવારથી જોવા લાગ્યો હતો.

રાઘવ બેચેન હતો. આજે આખો દિવસ ડોલી ઓફલાઇન હતી. તેના મેસેજનો પણ કોઈ જવાબ ન હતો. રાતના દસ વાગે મેસેજનો ટોન સંભળાયો. ગ્રૂપમાં કોઈ હશે સમજીને રાઘવે તે જોયો નહીં. ‘ડોલી તો નહિ હોય?’ રાઘવથી રહેવાયું નહિ. સ્ક્રીન ચાલુ કરીને તેણે જોયું. ખરેખર ડોલીનો જ મેસેજ હતો.

‘હાય…સોરી યાર, આજે કામ બહુ હતું એટલે વાત ના થઈ શકી.’

‘ઇટ્સ ઓકે..બોલ કેવો દિવસ રહ્યો?’ રાઘવને જવાબ નહોતો આપવો, પણ તેવું એ કરી શક્યો નહિ.

‘બોરિંગ…અને તારો દિવસ?’

મહા બોરિંગ બીકોઝ ઓફ યુ..’ રાઘવથી કહેવાઈ ગયું.

‘વેરી સોરી..રઘુ…જો તું થાક્યો ન હોય તો મળીએ?’

‘નો નો…આઈ મીન હું નથી થાક્યો, બોલ ક્યાં મળવું છે?’

‘અફકોર્સ મારા ઘરે..પણ તું આવી શકીશ, હું બોપલ રહું છું.’

‘ઓકે…એડ્રેસ ટેક્સટ કર, સવા દસ થયા છે. અડધો કલાકમાં પહોંચું છું.’

રાઘવ નીકળ્યો ત્યારે તેની મમ્મી ઊંઘતી હતી. મમ્મી જાગી ન જાય એટલે બાઈક થોડેક દૂર લઈ જઈને સ્ટાર્ટ કર્યું. હવામાં ઊડતો હોય તેમ તેણે બાઈક ભગાવી. બોપલની એક દુકાનમાંથી તેણે બે મોટી ચોકલેટ્સ ખરીદી. ‘ઘરે તે એકલી તો નહિ જ હોય, તેનાં મમ્મી-પપ્પા હશે, ભાઈ બહેન પણ હોય!’ તેના ફેમિલી વિષે હજુ તેની તે કશું જાણતો ન હતો.

વિચારોમાં તે ખાસ્સો દૂર નીકળી ગયો. બોપલ ગામ પણ પાછળ રહી ગયું હતું. અંધારિયો રસ્તો શરૃ થયો. અંધકાર ગીચોગીચ છવાયેલો હતો. ક્યાંયથી પ્રકાશ પ્રવેશી શકે તેમ ન હતો. વાતાવરણમાં સ્તબ્ધતા હતી. મોબાઇલમાં મેસેજ આવ્યો. બાઈક ઊભી રાખીને તેણે જોયું. ડોલીનો મેસેજ હતો.

‘કેટલે પહોંચ્યો?’

‘બસ પહોંચવા આવ્યો. અંધારું બહુ છે.’

ફરીથી ગિયર પાડીને તે આગળ વધ્યો. અંધારો રસ્તો હજુ ખૂટતો ન હતો. પવનના સુસવાટા તીણી વ્હિસલની જેમ કાનમાં વાગતા હતા. રાઘવને ડર લાગવા લાગ્યો. ‘પાછો જતો રહું?’ વિચાર સાથે પગ બ્રેક ઉપર દબાયો. તેણે મેસેજ કર્યો.

‘કેટલે દૂર છે? મને ઘર જડતું નથી.’

‘રોડ પૂરો થાય એટલે બંગલો દેખાશે.’

રાઘવે સીધી દિશામાં બાઈક ભગાવ્યું. સામેથી કે પાછળ કોઈ વાહન આવતું ન હતું. અચાનક રોડ વચ્ચે કૂતરું ઊભેલું જોઈને તે છળી ગયો. બ્રેકના અવાજથી તે ભાગી ગયું. ‘એ કૂતરું હતું કે શિયાળ? તેની બ્રાઉન આંખો લાવાની જેમ સળગતી હતી!’

દૂર ઝાંખી લાઈટ જોઈને તેને હાશ થઈ. એક અવાવરું લાગતા બંગલા પાસે આવીને તેણે બાઈક ઊભું રાખ્યું. બંગલો ભેંકાર લાગતો હતો. બંગલાના આગળના રૃમમાં ઝાંખી ડીમ લાઈટના અજવાળામાં કોઈનો પડછાયો દેખાયો. તેણે મોબાઇલ ચેક કર્યો. કોઈ મેસેજ ન હતો.

‘હું આવી ગયો છું.’ રાઘવે મેસેજ મોકલ્યો.

‘અંદર આવ..’ જવાબ આવ્યો. પેલો પડછાયો ગુમ થઈ ગયો.

ઝાંપો ખોલીને તે અંદર આવ્યો. બંગલાના આગળના ભાગમાં આડેધડ ઘાસ ઊગ્યું હતું. સાચવીને તે દરવાજા પાસે આવ્યો. દરવાજો ખખડાવવા માટે ઊંચો થયેલો તેનો હાથ અટકી ગયો. બધાંની ઊંઘ બગડશે, વિચારીને તેણે મેસેજ કર્યો.

‘દરવાજો ખોલ, હું બહાર ઊભો છું.’ થોડીવાર સુધી કોઈ જવાબ આવ્યો નહિ. બિલાડીના રડવાના અવાજે તે હબકી ગયો. તેણે ફોન લગાવ્યો. ‘ધીસ નંબર ડઝનોટ એક્ઝિસ્ટ.’ ફરી લગાવ્યો, ફરીથી એજ રેકર્ડ સંભળાઈ. તેણે દરવાજાને ધક્કો મારતાં તે ખૂલી ગયો. ડરીને ધક્કો મારીને તે રૃમમાં આવ્યો. ડ્રોઈંગરૃમમાં કોઈ ન હતું.

ઝાંખા અજવાળામાં આંખો ફાડીને તે ડોલીને શોધતો રહ્યો. પાછળથી કોઈ પ્રાણીના ઘૂરકવાનો અવાજ સાંભળીને ત્વરાથી તે પાછળ જોયા વિના અંદરની તરફ ભાગ્યો. એક, બે અને ત્રીજો રૃમ વટાવીને તે રસોડામાં આવી ગયો. અંધારામાં અને ઉતાવળમાં તેને તે રૃમોમાં કોઈ દેખાયું નહિ. હવે પ્રાણીનો અવાજ પણ બંધ થઈ ગયો હતો.

રસોડામાં પણ કોઈ ન હતું. ગેસ ઉપર કૂકર ચઢાવેલું હતું. ગેસ ચાલુ હતો. ‘કોઈક તો ઘરમાં હોવું જોઈએ.’ કપાળ ઉપરનો પરસેવો લૂછતાં રાઘવે વિચાર્યું. તે બૂમ પાડવાનું વિચારતો હતો ત્યાં કોઈની ભયંકર ચીસ સંભળાઈ. રાઘવ માથાથી પગ સુધી ધ્રુજી ગયો. થાંભલાની જેમ જમીન સાથે તે જડાઈ ગયો. થોડી ક્ષણો તે એમ જ ઊભો રહ્યો. થોડીવારે કળ વળતાં, બહાર જવા તે ડ્રોઈંગરૃમ તરફ ફર્યો. અંધારી ગુફા જેવો રસ્તો જોઈને તેની હિંમત જવાબ દઈ ગઈ. તે કઈ વિચારે ત્યાં તો કૂકરની સીટી વાગી. ભયની ધ્રુજારી મગજથી પેટ સુધી ઊતરી. પેટમાં કંઈક વલોવાતું હોય તેમ લાગ્યું. પાછળના ખુલ્લા દરવાજામાંથી તે હિંમત કરીને ભાગ્યો. બંગલાની દીવાલ કૂદીને તેણે બહાર કૂદકો માર્યો.

ગડથોલું ખાઈને તે નીચે પટકાયો. ઊભો થઈને તે તેના બાઈક તરફ દોડવા લાગ્યો. બાઈક પાસે આવીને તે અટક્યો. તેનો શ્વાસ ભરાઈ ગયો હતો. તેના હાથ બળતા હતા. મોબાઇલની લાઈટ ચાલુ કરીને જોયું તો તેના હાથ લોહીથી ખરડાયેલા હતા. તેણે બંગલા સામે જોયું. ડ્રોઇંગરૃમની ઝાંખી લાઇટના અજવાળામાં સ્ત્રીનો પડછાયો દેખાતો હતો. તેણે મેસેજ ચેક કર્યો.

‘અંદર આવને..!’ ડોલીનો મેસેજ હતો.

‘તું બહાર આવ..’ રાઘવે મેસેજ કર્યો. તેનો કોઈ જવાબ ના આવ્યો. દૂરથી કૂતરાનો રોવાનો અવાજ સંભળાયો. અચાનક ડ્રોઇંગરૃમની લાઇટ બંધ થઈ ગઈ. બંગલો અંધકારમાં ડૂબી ગયો. જોરથી બારણુ ખૂલવાનો અવાજ આવ્યો. રાઘવના મનમાં ફડક પેસી ગઈ. ફફડતાં ફફડતાં તે બાઇક સ્ટાર્ટ કરવા ગયો, તેવો જ તેના ખભા ઉપર કોઈનો હાથ પડ્યો. તેણે પાછળ જોયું અને આઘાતથી તે બેહોશ થઈને ફસડાઈ પડ્યો.

સવારે તેની આંખ ખૂલી, જોયું તો તે પોતાના રૃમમાં સૂતેલો હતો. તેની બાજુમાં તેની મમ્મી અને જીતેન બેઠાં હતાં. રાઘવ તેમને જોઈ રહ્યો. છએ આંખોમાં અચરજના પ્રશ્નો ડોકાતા હતા.

બંગલાના રસોડામાંથી જ્યારે તે ભાગ્યો, ત્યારે પાછળની બાજુ પાર્ક કરેલી રેડ આઈ ટેન કાર ઉપર તેની નજર પડી હોત, તો તેને આખો મામલો સમજાઈ ગયો હોત. તે કાર નિશીથની હતી અને તેમાં નિશીથ, તેની પત્ની અને જીતેન બેઠાં હતાં.

——————

Leave A Reply

Your email address will not be published.

Translate »