તમારા માટે, તમારી સાથે, સતત…

નવો કિનારો (નવલિકા)

ગમગીન બનીને ફોટાને એ જોઈ રહેતા અને પાછો ખાનામાં મૂકી દેતા.

0 451
  • કિરણ વી. મહેતા

-આવું બનશે એવું અક્ષયે સ્વપ્નેય ધાર્યું નહોતંુ.

સ્થિર બપોર જાણે એકાએક ઊંઘમાંથી જાગી અને બેચેન થઈ ગઈ હતી. આથી, એ ઘડિયાળના લોલકની જેમ દોલાયમાન થઈ રહી હતી.

અક્ષય તો શાંતિથી સૂતો હતો. પાસે, પલંગ પર જ રહેલો રેડિયો હિન્દી ફિલ્મ-ગીતો વહાવી રહ્યો હતો. પંખો ઠંડી હવા નહીં, પરંતુ નિદ્રારસ ઢોળી રહ્યો હતો. એની અસરથી રૃમનંુ ઝાંખું અજવાળું પણ નિરાંતે ડાબે પડખે થયું હતું. અક્ષયની આંખોમાં પણ ધીરે ધીરે નિદ્રા પ્રસરવા લાગી હતી અને ત્યાં જ…..બહારથી વિદ્યુતવેગી તીરની જેમ ઘૂસી આવેલા અવાજે એને જગાડી દીધો હતો.

‘ટપાલ!’

આમ તો ટપાલીનો અવાજ કુદરતી રીતે જ ખોખરો હતો અને એમાં અક્ષયની નિદ્રા તૂટવાથી એ અવાજ અક્ષયને કાનમાં વાગ્યો. એ ઊભો થઈને ટપાલ લેવા દરવાજે ગયો હતો. એક કવર લઈને એ પાછો ફર્યો હતો, આવીને ફરીથી પલંગ પર આડો પડ્યો હતો. એણે કવર ફાડ્યું હતું, પત્ર વાંચ્યો હતો. પત્રમાં તો લખાયેલી હતી માત્ર બે જ લીટીઓ! પણ આ બે લીટીઓએ અક્ષયની આંખોમાં પ્રસરી રહેલી નીંદને શોષી લીધી હતી. આ પત્રે અક્ષયના મનમાં ધરબાયેલા રોષને જગાડી દીધો હતો. પત્રમાં માત્ર આટલું જ લખાયેલું હતુંઃ

‘અક્ષય, વર્ષો પછી, કાલે રવિવારે સાંજે આવું છું – તારે ઘરે. સ્વીકારીશને દીકરા?’

બાવીસ-તેવીસ વર્ષો પછી મા ઘરે આવવાની હતી. જીવનમાં આવું ક્યારેય થશે, એવું અક્ષયે સ્વપ્નેય  નહોતું  વિચાર્યું. અક્ષયના કર્ણપટ હવે રેડિયાનાં ગીતોને ઝીલતા નહોતાં. એના અંતરમાં થીજી ગયેલો અતીત રોષની ગરમીથી ઓગળવા લાગ્યો હતો.

એ દોઢેક વર્ષનો હતો, ત્યારે એની મા મરી ગઈ હતી.

પિતાજીએ એને મોટો કર્યો હતો. એણે જોયું હતું, પિતાજી ઘણીવાર તિજોરીના એક ખાનામાંથી માનો ફોટો બહાર કાઢતા, ગમગીન બનીને ફોટાને એ જોઈ રહેતા અને પાછો ખાનામાં મૂકી દેતા. પંદરેક વર્ષની વયે એણે એકવાર પિતાજીને પૂછ્યું હતું ઃ

‘માનો ફોટો તિજોરીમાં પડ્યો રહે છે, એના કરતાં આપણે બેઠકખંડમાં દીવાલ પર એ ફોટાને લગાવી દઈએ?’

‘ના,’ પિતાજીએ કહ્યું હતું.

પિતાજીને આ ‘ના’નું કારણ પૂછવાની હિંમત અક્ષય કરી શકતો નહીં. પિતાનો  દ્રઢ ભાવરેખાઓ અંકાયેલો ચહેરો જોઈને એ ચૂપ થઈ જતો.

ઉંંમર વધવાની સાથે-સાથે સંબંધોના તાણાવાણાની ગૂંથણી પણ એની સમજમાં આવવા લાગી હતી અને એ દરમિયાન દૂરના એક સંબંધી પાસેથી પિતાજીની અનુપસ્થિતિમાં એવું કારણ જાણવા મળ્યું હતું કે એ સ્તબ્ધ બની ગયો હતો. મા મરી નહોતી. એ દોઢ વર્ષનો હતો, ત્યારે મા કોઈ યુવક સાથે શહેર છોડીને જતી રહી હતી. આ વાત જાણ્યા પછી એણે પિતાજીને નહોતું પૂછ્યું કે,

‘પિતાજી, તમે મને કહો છો કે તારી મા મરી ગઈ છે, પણ મને ખબર છે કે આવડી વિશાળ દુનિયાના કોઈક ખૂણે એ જીવી રહી છે!’

પિતાજીનો અઢળક પે્રમ એને આવું પૂછતાં અટકાવી  દેતો, પણ…બે વર્ષ અગાઉ પિતાજી ઑફિસના કોઈ કામે અઠવાડિયા માટે મદ્રાસ જવાના હતા. એ વખતે એમણે જાતે જ આ વાત કરી હતી,

‘દીકરા, તારી મા જીવે છે. એ ક્યાં છે, કઈ હાલતમાં છે, એની મને કશી જાણ નથી! મેં શા માટે તારા આગળ આ વાત છુપાવી હતી, તેનાં કારણો ન વિચારતો, નહીંતર બળબળતા દુઃખ સિવાય કશું જ નહીં મળે તને એમાંથી!’

– આટલું બોલતાં પિતાજીની આંખો ભીંજાઈ ચૂકી હતી અને મદ્રાસ ગયેલા પિતાજી પાછા નહોતા ફર્યા. પાછું આવ્યું હતું એમનું નિર્જીવ શરીર. મદ્રાસમાં પિતાજી ગેસ્ટહાઉસમાં ઊતર્યા હતા. એક રાતે પિતાજી  ગેસ્ટહાઉસના રૃમમાં  બારણુ બંધ કરીને સૂતા હશે. બીજા દિવસે બપોર થઈ છતાં એમના રૃમનું બારણું ખૂલ્યું ન હતું. શંકા જતાં ગેસ્ટહાઉસવાળાઓએ બારણુ તોડાવ્યું  ત્યારે, પિતાજીનો આત્મા એમના શરીરમાં ન હતો. પછી, ડૉક્ટરે તપાસ કરીને જણાવ્યું હતું કે, રાતે હાર્ટ એટેક – પિતાજીની લાશ ઘરે આવી હતી, ત્યારે મનથી ભાંગી પડેલા અક્ષયને મિતાલીએ સહારો આપ્યો હતો. થોડા મહિના પહેલાં પિતાજી જાતે મિતાલીના ઘરે જઈને અક્ષયનું સગપણ મિતાલી સાથે નક્કી કરી આવ્યા હતા.

પિતાજીના અવસાન બાદ અક્ષયે માના ફોટાને તિજોરીના ખાનામાં જ રહેવા દીધો હતો. એ ફોટાને ત્યાંથી બહાર કાઢીને મનભરીને જોવાની ઇચ્છા એણે સેવી ન હતી. એના મનમાં તિરસ્કારની જ્વાળાઓ ભભૂકી ઊઠતી- માના ફોટાને જોતાં જ.

અને એ જ મા વર્ષોના વહાણા વાયે આ જ ઘરમાં પાછી આવી રહી હતી! વર્ષો અગાઉ આ ઘરને તરછોડીને નીકળી જનારી મા કયા હેતુથી આ ઘરમાં પાછી આવી રહી હશે? કયા અધિકારથી એ  દરવાજો ઉઘાડીને આ ઘરના આંગણામાં પગલાં પાડી શકે?  અક્ષયના મનમાં પ્રશ્નો ઊઠ્યા. એણે હાથમાં રહેલા પત્ર ભણી નજર કરી. પત્રમાં  માનું  સરનામું  નહોતું. એણે કવર પરનો પોસ્ટ ઓફિસનો સિક્કો વાંચવા પ્રયત્ન કર્યો, પણ સિક્કો ઝાંખો હતો. શહેરનું નામ ઉકેલી શકાયું નહીં, પણ એને માનું સરનામું જાણીને શું કામ? એની માનું સરનામું જ ક્યાં હતું? એણે પત્ર  રેડિયાની બાજુમાં મૂકી દીધો.

પિતાજી આજે હયાત હોત તો આ પત્ર વાંચીને કાં તો એમની આંખો ભીની થઈ હોત કાં તો પત્ર વાંચીને ગુસ્સે થઈ એમણે પત્રને ફાડી નાખ્યો હોત. હવે માને દીકરો સાંભર્યો છે!  આ તે કેવા પ્રકારનું

સગપણ? સગપણના નામે છેતરપિંડી છે આ! જીવનનો સૌથી પવિત્ર અને પ્રેમાળ સંબંધ એના માટે જીવનની સર્વોચ્ચ શરમ બની ગયો હતો. આટલા વર્ષે જનેતાને છોડી દીધેલો પેટનો જણ્યો યાદ આવ્યો

છે! કેવી અપાર માની મમતા! કડવાશભર્યો વ્યંગ એના મનમાં ઊછળી આવ્યો. પિતાજીના મોત બાદ અક્ષયે ગરુડપુરાણ બેસાડ્યું હતું. ગરુડપુરાણમાં પાપોની કંપારી છૂટે એવી સજાઓ છે. માને મોત બાદ કેવી આકરી સજા થશે? રૌરવ, કુંભીપાક…..કયા નર્કમાં જશે

મા? નર્ક જ માનું સાચું સરનામું છે?  ફૂલ જેવા છોકરાને છોડીને જતાં એનું કાળજું  પળભર પણ કંપ્યું નહીં હોય?  એ સાવ પાષાણ હૃદયની જ હોવી જોઈએ. હવે શા માટે એ આવતી હશે અહીંયાં? વરસાદની મોસમ પૂરી થયા બાદ આસોના છેલ્લા દિવસોમાં વિરાટ આકાશમાં ક્યારેક ટોળાંથી એકલી અટૂલી થઈ ગયેલી વાદળી જોવા મળે છે. મા પણ એવી સ્થિતિમાં હશે, એટલે કદાચ- અનેક સવાલો ગણગણ કરતા પીળી ભમરીઓની માફક ઊડી રહ્યા હતા અને કરડી રહ્યા હતા. તીખી પીડા થતી હતી. જીવનમાં જે સંબંધ સુખ અને ગૌરવથી રૃપાળો લાગતો હોય છે, તે વ્યથા અને શરમની કાલિમાથી લીંપાઈને સર્વથા કુરૃપ લાગી રહ્યો હતો. એ મનોમન બબડ્યો, કાલ સાંજે કેટલાક સવાલોના જવાબ માગીશ હું માની પાસે. મારી આટલાં વર્ષો સુધી થયેલી હડહડતી ઉપેક્ષાનું કારણ માગીશ માની પાસે. ઘરની પાછલી ગલીમાં નાની ઉંમરે સંતાઈ સંતાઈને રડવું, કોઈ માની એના દીકરા માટે વાત્સલ્યની સરવાણી વહેતી જોઈને પોતાને ત્યાં પડેલા દુકાળનું દર્દ વેઠવું, સપનાંઓમાં ક્યારેક  ‘મા…..મા…..’ એમ તીવ્ર ચીસ  પાડીને ઊઠી જવું, રાતે જીવતરથી થાક્યાપાક્યા ટૂંટિયું વાળીને સૂતેલા  પિતાજીની એકલતા જોઈને નિઃસાસો નાખવો, દીકરા માટે પિતાજીમાંથી મા અને પિતાજી બંનેની ભૂમિકા નિભાવતા પિતાજીની આંખોમાં ફાંસીએ ચડાવીને મારી નંખાયેલા કુમળી વયના અરમાનોનું લટકી રહેવું…..આ બધાંનો હિસાબ માગીશ હું મા પાસે. હવે તો મારી પાસે મારી પોતાની નવી દુનિયા છે. આ દુનિયામાં પિતાજીના મારા પ્રત્યેના નિઃસીમ સ્નેહની સ્મૃતિઓ છે, હાથ પકડીને જીવનપંથે ચાલવા તત્પર મિતાલી છે, મારાં અને મિતાલીનાં રંગીન સ્વપ્નપુષ્પોની મીઠી સુગંધ મારી આ દુનિયા પર પથરાયેલી છે, સાંત્વનાની છત્રી નીચે હું અને મિતાલી આતપથી બચતાં કલકલ ચાલ્યાં જઈએ છીએ. આ સણોલી સૃષ્ટિના વર્તુળમાં મા હવે એનો નિષ્ઠુર પગ મૂકવા માગે છે? ના, ના – એ કદાપિ નહીં બની શકે, કદાપિ નહીં.

ચંપાની ડાળીએ ખીલેલી નમણી કંૂપળ જેવો રવિવાર ઊગ્યો.

હવાની લહેરખી જેમ બપોર પણ પસાર થઈ ગઈ.

સાંજના ચારેક વાગ્યે અક્ષય કૉફી બનાવી રહ્યો હતો. મનના એકાદ ખૂણે માના આગમનની પાતળી  પ્રતીક્ષા શ્વાસ લઈ રહી હતી, છતાં તે પ્રતીક્ષાને અવગણવા મથતો એ પોતાના રોજિંદા લયને સહજતાથી જાળવી રહ્યો હતો. એણે કૉફીનો કપ ભર્યો, તો ય એક કપ જેટલી કૉફી તપેલીમાં વધી. વિચારોમાં કૉફી વધારે બની ગઈ હતી?  બે લીટીનો પત્ર શું આવ્યો, મનની આખી શાંતિ હણાઈ ગઈ છે. પત્ર વિશેના વિચારોની જાળમાંથી મુક્ત થઈ શકાતું નથી. અક્ષય પોતાની જાત પર જ ધૂંધવાયો ઃ શા માટે કરવા જોઈએ મા વિશેના વિચારો? અને એ જ વખતે, દરવાજો ઊઘડવાનો અવાજ આવ્યો.

કેણ હશે?

મા જ હશે! એ મનોમન ઊકળ્યો.

કૉફીનો કપ લઈને એ બેઠકખંડમાં આવ્યો. આવનાર માટે કોઈ પરવા ન હોય એવા હાવભાવ મુખ પર લાવીને એ આરામ ખુરશીમાં બેઠો. કૉફીની એક ચુસ્કી ભરતાં એણે દરવાજા તરફ નજર કરી.

મા જ હતી એ! ફોટામાં જોયો હતો, એવો જ ચહેરો! બહુ વધારે ફર્ક નહીં. ધીમી ચાલે એ ઓસરીમાંથી  બેઠકખંડ તરફ આવી રહી હતી. લીલા રંગની અને સફેદ ચેક્સની ડિઝાઇનવાળી સાડી પહેરી હતી એણે, ખભે એક બદામી પર્સ ઝૂલતું હતું. એના માથા પર વાળ સાવ કાળા ન હતા. શ્વેત-શ્યામ વાળની એક લટ કપાળ પર આવી ગઈ હતી. પરસેવાનાં બિંદુઓ પણ કપાળ પર જામેલાં હતાં.

અને અક્ષયની નજર સાથે માની નજર મળી. અક્ષયે તરત જ પોતાની નજર પાછી વાળી લીધી. એ ધીમે ધીમે કૉફી પીતો રહ્યો.

મા બેઠકખંડમાં આવી, પલંગ પર બેઠી, અક્ષય તરફ જ એ જોઈ રહી હતી. અક્ષય એ તરફ જોવાનું ટાળીને કૉફી પીવામાં મન ગૂંથવા મથી રહ્યો હતો. મહામહેનતે, માંડમાંડ, માના હોઠ ઊઘડ્યા, ‘અક્ષય…..’

અક્ષય કશું ન બોલ્યો. એણે આ શબ્દ સાંભળીને ય મા તરફ ન જોયું. જાણે આવી ઉપેક્ષા દ્વારા એ કોઈ બદલો લઈ રહ્યો હોય, એવો સંતોષ એ અનુભવી રહ્યો હતો.

‘તું જ છે ને અક્ષય? બોલતો કેમ નથી? મારો પત્ર તો મળ્યો હતો ને?’ જાણે સાવ થાકી ગઈ હોય, એવા માંદલા અવાજે પાગલની જેમ મા પૂછી રહી હતી. એની મોટી મોટી આંખો બહાવરી બહાવરી લાગતી હતી અને જાણે એનું સમગ્ર અસ્તિત્વ અક્ષયનો જવાબ સાંભળવા તલસી રહ્યું હતું.

અક્ષયની સ્થિતિમાં પરિવર્તનનો કોઈ ફણગો ન ફૂટ્યો.

માએ પોતાના ખભેથી પર્સ ઉતારીને  ખોલ્યું, અંદરથી રૃમાલ કાઢ્યો, તૂટક તૂટક અવાજે એ બોલી,

Related Posts
1 of 319

‘આંસુઓ વહાવી વહાવીને હું થાકી ગઈ છું. આંસુઓ વહાવી વહાવીને પણ પાપ ન ધોઈ શકાયાં મારાંથી!  પ્રાયશ્ચિત્ત  ન  કરી  શકાયું, એટલે પ્રાયશ્ચિત્ત કરવા તારી પાસે અહીં આવી છું…..એકવાર  સમયની સતહ પર પડી ચૂકેલાં પગલાં મિટાવી દેવાનું સામર્થ્ય કોઈનામાં નથી હોતું, એમ મારામાં પણ એ સામર્થ્ય નથી…..’ આટલું બોલીને એ અટકી.

અક્ષયે મા તરફ જોયું.

રૃમાલથી મા આંખો લૂછી રહી હતી.

અક્ષયે તરત જ નજરો પાછી વાળીને હાથમાં રહેલા કપ પર કેન્દ્રિત કરી.

મા ઊભી થઈ.

સર્વસ્વ હારી ચૂકી હોય એમ ધીમે પગલે એ બહાર ઓસરી તરફ જવા લાગી. અક્ષય ઘણુ બોલવા-પૂછવા માંગતો હતો, પણ એને એવું પૂછવાની ઇચ્છા ન થઈ. બેઠકખંડની બારસાખ પકડીને એ ઊભી રહી. પાછું વળીને એણે અક્ષય તરફ જોયું, ‘તેં મને આજે સ્વીકારી હોત તો જીવતર સાવ એળે નથી ગયું એટલો આનંદ તો મને મળ્યો હોત! આ આનંદ મારા માટે જીવનના છેલ્લા શ્વાસે ય મુખમાં ગંગાજળ કરતાં પણ વધુ પવિત્ર બની રહેત…..પણ મારા જેવીને એ આનંદ પણ નસીબમાં નથી!’ એટલું બોલીને એ ભારે પગલે શરીરને બળપૂર્વક ઘસડીને લઈ જતી હોય, એમ દરવાજા તરફ ચાલી નીકળી.

ઓસરીનાં પગથિયાં ઊતરતાં એ બબડી ઃ  ‘આ ઘરમાં હવે મારું કોઈ સ્થાન નથી!’

આંગણાનો દરવાજો ઊઘડવાનો અને બંધ થવાનો અવાજ આવ્યો, ત્યારે અક્ષયે કપ નીચે ફર્શ પર મૂક્યો અને પછી એકાદ મિનિટ સૂનમૂન બેસી રહ્યો. ત્યાર બાદ ઊભો થયો. એણે આંગણામાં જોયું, આંગણુ ખાલી હતું. સપ્તપર્ણીનાંં ખરેલાં પર્ણો આંગણામાં પડ્યાં હતાં. પવનનો ધક્કે આવ્યો અને એ વિખેરાયાં.ડાળથી વિખૂટાં પર્ણો દિશાહીન રઝળતાં થઈ જાય છે! સાંજના સૂરજના ત્રાંસા તડકાનો પટ્ટો લંબાઈને બેઠકખંડની થોડેક અંદર સુધી આવી ગયો હતો. રૃમની હવા તડકાથી વધુ ગરમ બની રહી હતી. એણે જોશથી બેઠકખંડનું બારણુ બંધ કરી દીધું.

સવારે ઑફિસે જતાં અક્ષય મિતાલી વિશે વિચારતો હતો. ત્રણ દિવસથી મિતાલીને મળાયું નથી. આજે સાંજે એને મળી આવીશ. મોબાઇલ પર તો એની સાથે વાર્તાલાપો થયા કરે છે, પણ રૃબરૃમાં વાતો કરવાની મજા અનોખી જ હોય છે! મોબાઇલ પર ભલે વીડિયો કૉલિંગની સુવિધા હોય, પણ તે આમનેસામને -રૃબરૃ- થતાં વાર્તાલાપોનું સ્થાન ન લઈ શકે. મોબાઇલ પર પણ એ મિતાલીને તો દિલ ખોલીને વાતો કરતો, પરંતુ ગઈકાલના પ્રસંગ વિશે એણે મિતાલીને કશું જણાવ્યું ન હતું. જોકે, મિતાલી એકદમ સ્માર્ટ છે. એની સિક્સ્થ સેન્સ બહુ તેજ છે. આમેય સ્ત્રીઓની સિક્સ્થ સેન્સ પુરુષો કરતાં બહુ એક્ટિવ અને શાર્પ હોય છે. એમાંય પાછી મિતાલી જેવી તેજતર્રાર યુવતી! એ વાતોને સૂંઘી શકતી અને વિશેષ વિચારી શકતી. એણે ફોન પર કહ્યું હતું,

‘અક્ષય, મને લાગે છે કે તું આજે મનથી પૂરો સ્વસ્થ નથી! તારી માનસિક તબિયત કંઈક ઠીક લાગતી નથી! કહેને, શું થયું છે તને?’

‘મને કશું થયું નથી,’ અક્ષયે વાત ટાળવા પ્રયાસ કર્યો હતો.

‘ઓ.કે., તારે ના કહેવંુ હોય તો કંઈ વાંધો નહીં, પણ તારા દિમાગમાં કંઈક ગડમથલ ચાલે છે, એ નક્કી, કારણ કે આજે તારું મારી વાતોમાં ધ્યાન નથી! તું ખોવાયેલો ખોવાયેલો અનુભવાય છે.’

‘હું તારામાં ખોવાયેલો છું!’

‘જૂઠું બોલવાની કોશિશ તને સૂટ થતી નથી.’

‘છોડ હવે વાતને, વાતનો વિષય બદલ!’

‘પકડાઈ ગયો ને! કોઈક વિષય તો છે તારા દિમાગમાં…..પણ આપણે વાત બદલીએ! બોલ, કામવાળી સમયસર રાંધવા આવી હતી કે નહીં ?….. ઘરવેરો ભરવાનો હતો, તે બીલ તેં ખોઈ નાખ્યું હતું, એ તેં શોધી કાઢ્યું કે નહીં?…..’

મિતાલીનાં ભાઈ-ભાભી ઇચ્છતાં હતાં કે,  ઉત્સવ (મિતાલીનો બીજા ક્રમનો મોટો ભાઈ) કેનેડાથી દિવાળી પર આવવાનો છે. એ આવે એટલે દેવદિવાળી પછી મિતાલીનાં લગ્ન અક્ષય સાથે કરી દઈશું. પાસેથી બાઈક પસાર થયું અને અક્ષયની મિતાલી વિશેની વિચારશૃંખલા તૂટી. રસ્તા પર ચહલપહલ વધી રહી હતી. નવી મમ્મીઓ એમનાં રંગબેરંગી પતંગિયાં જેવાં બાળકોને પાંખોથી પકડીને બાલમંદિરોમાં મૂકવા જતી હતી. કાળા મજૂરોનું એક ટોળું મશીનની જેમ પગો ચલાવતું પસાર થયું. ધોતિયું પહેરેલો દૂધવાળો બાઈક પર દૂધનાં છ-સાત કેન બાંધીને એવી રીતે જતો હતો કે જાણે સ્પેસ-શટલ લઈને ના જતો હોય! એક મોટી સ્કૂલ બસ એવી ઝડપ અને અદાથી પસાર થઈ, જાણે કે રોડ પર ચાલનારા માનવ સહિતના નાનાં-મોટાં જંતુઓની કોઈ હાજરી અને હેસિયત જ નથી! આજના અખબારની ખબરોથી બેખબર છાપાવાળાઓ ખખડી ગયેલી સાઇકલોને પેન્ડલો મારતા જઈ રહ્યા હતા. હવા એકદમ રજવિહીન હતી, આથી સૂરજનો પ્રકાશ એકદમ સાફ હતો.

અક્ષય ઊંચી ખજૂરી જેવી બહુમાળી ઇમારત પાસેથી પસાર થઈ રહ્યો હતો. પાણીની એક ધારા ઉપરથી ઇમારતના કંપાઉન્ડમાં પડી રહી હતી અને  ઓગળેલી ચાંદીની જેમ સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી. એના અવાજથી અક્ષયે ઉપર જોયું. પહેલા માળની અટારીની પાળ ઉપર ફૂલો અને કંકાવટી હતાં. એક સ્ત્રી હાથમાં તાંબાનો કળશ લઈને ઊભી હતી. અક્ષયનું હૃદય પળભર ધબકારો ચૂકી ગયું. મા જ હતી એ! સૂર્યને જળ ચડાવી રહી હતી. એ નીચું જોઈ ગયો. થોડેક આગળ જઈને એણે મોં ફેરવીને પાછળ દ્રષ્ટિ કરી, મા ભાવભરી આંખે એને તાકી રહી હતી.

એ ઑફિસના રસ્તે આગળ વધ્યો. મા અહીં રહેવા આવી લાગે છે! ભલેને રહે, આપણે કયો સંબંધ? આપણે શી લેવાદેવા એ સ્ત્રી સાથે? એણે મનને સમજાવ્યું.

સાંજે અક્ષય મિતાલીના ઘરે ગયો. મિતાલી ઘરે એકલી જ હતી. અક્ષય સોફા પર બેસતાં બોલ્યો, ‘કોઈ ઘરે દેખાતું નથી.’

‘ભાઈ-ભાભી ફરવા ગયાં છે,’ પાણીનો ગ્લાસ અક્ષયને આપતાં મિતાલી બોલી.

‘એટલે તું ચોપડાઓ ઊથલાવીને પીએચ.ડી.ની થિસિસ  પૂરી કરવામાં લાગી ગઈ હતી, ખરું ને?’ અક્ષયે સ્મિત વેર્યું  અને પાણીનો ગ્લાસ મોઢે માંડ્યો.

‘હા, આજે સમય મળ્યો હતો, અમારી ઇન્સ્ટિટ્યૂટમાં નવા ડિપાર્ટમેન્ટનું ઉદ્દઘાટન હતું, એટલે બપોર પછી રજા હતી, તે મળેલા સમયમાં થિસિસનું કામ આગળ ધપાવવા ઇચ્છતી હતી, પણ વચ્ચે ડાયરી લખવાનું કામ યાદ આવ્યું, એટલે એ લખવા બેઠી અને ત્યાં જ તમે આવ્યા!’

અક્ષયે પાણી પીને ગ્લાસ મિતાલીને આપ્યો. મિતાલી રસોડામાં ગઈ.

એણે મિતાલીના ટેબલ તરફ જોયું, ખાસાં બધાં અંગ્રેજી પુસ્તકો ત્યાં પડ્યાં હતાંં. મિતાલી ડાયરી લખતાં ઊભી થઈ હતી, એટલે પેન ડાયરીનાં પૃષ્ઠો વચ્ચે જ પડેલી હતી. અક્ષયે ઊભા થઈને મિતાલીની ડાયરી લીધી અને મિતાલીની ખુરશી પર બેસીને એણે ડાયરી વાંચવી શરૃ કરી. એને રસ પડ્યો વાંચવામાં. કેવું સમજણભર્યુંં લખે છે આ મિતાલી! એકાદ પાને કવિતા પણ ધ્યાનમાં આવી. થોડી જ વારમાં મિતાલી કૉફીના બે કપ લઈને આવી.

‘મિતાલી, તું કવિતા પણ રચે છે?’ અક્ષયે પૂછ્યું.

‘હા, કવિતા ગણો કે કવિતા જેવું લખાણ ગણો. મનમાં સહજ ઊગ્યું, તે લખ્યું ડાયરીમાં!’

મિતાલીએ કૉફીના કપ ટેબલ પર મૂક્યા. બીજી ખુરશી ખેંચીને એ અક્ષયની નજીક બેઠી.

ડાયરીનાં પાનાં ફેરવતાં અક્ષયને એક ચપ્પટ થઈ ગયેલું ગુલાબનું શુષ્ક ફૂલ મળી આવ્યું. એણે એ ફૂલ ઉઠાવી મિતાલીને પૂછયું,

‘ડાયરીમાં ફૂલ પણ સાચવે છે તું! ઘણુ જૂનું લાગે છે આ ગુલાબ! કેટલાં વર્ષો જૂનું હશે આ ગુલાબ?’

‘કહું……’ મિતાલી બોલી, ‘દસ-અગિયાર વર્ષ જૂનું! મને નાનપણથી ગુલાબનાં ફૂલો બહુ ગમતાં. ગ્ુાલાબ  માથામાં નાખવાનું મને ઘણુ પ્રિય. માત્ર માથું જ નહીં, આખો ચહેરો ગુલાબને લીધે ગુલાબ સરખો સુવાસિત લાગે! મમ્મી દરરોજ સવારે નજીકની માળીની વાડીએથી પૂજા માટે ફૂલો લાવતી, એમાં  મારા માટે પણ અચૂક યાદ રાખીને એક મોટું ગુલાબનંુ  ફૂલ પણ લાવતી. એ ગુલાબ હું માથામાં નાખીને સ્ક્ૂલે જતી. એ સવારે મારાથી મોડું ઉઠાયું હતું. સ્કૂલે મોડા પડીએ એટલે સ્કૂલના ગેટ પર જ મોટો દંડો લઈને ચશ્માવાળા પ્રિન્સિપાલ ચોકીદારની સાથે ઊભા જ હોય, આપણુ તો આવી જ બન્યું સમજો!  આથી, મોડું ઉઠાતાં જ ઉતાવળમાં અને ડરમાં હું માથામાં ગુલાબ નાખવાનું ભૂલી ગઈ હતી. મમ્મીએ મને જતી જોઈને બૂમ પણ મારેલી કે બેટા, તારું ગુલાબ રહી ગયું, પણ હું તો એટલી ઉતાવળમાં હતી કે મમ્મીનું વાક્ય પૂરું થાય એ પહેલાં તો હું ઘરની બહાર પહોંચી ગઈ હતી… કમનસીબે એ દિવસ મમ્મીના જીવનનો છેલ્લો દિવસ હતો. પાણિયારે પડી રહેલું આ ગુલાબ મેં તે દિવસનું મારી ડાયરીમાં સાચવીને રાખ્યું છે!’

અક્ષયે ગુલાબ ફરીથી ડાયરીનાં પૃષ્ઠો વચ્ચે મૂકી દીધું. એ બોલ્યો, ‘બહુ લાગણીશીલ છે હૃદય તારું…’

‘ના અક્ષય, મમ્મીનો પ્રેમ જ એવો હોય છે કે સંતાન આપમેળે એના પ્રત્યે લાગણીશીલ થઈ જતું હોય છે. આ ગુલાબનું ફૂલ મને સદાયે મમ્મીની મમતાની યાદ અપાવ્યા કરે છે. આ ફૂલ સામે નજર કરું છું ને મમ્મીની હૂંફ મને જીવંત અનુભવાય છે…..કોઈનીયે મમ્મી કદાચ અક્ષય કદી મરતી નથી હોતી. સંતાનોના હૃદયમાં એ સ્મૃતિરૃપે હંમેશાં જીવતી હોય છે…’

રૃમમાં મૌન પથરાઈ ગયું.

એ મૌનને મિતાલીએ તોડ્યું, ‘અક્ષય, કૉફી ઠરી જાય છે -‘

ત્યાં જ અક્ષય ખુરશીમાંથી ઊભો થઈ ગયો અને બોલ્યો,

‘મિતાલી, અત્યારે જ ચાલ મારી સાથે… વમળમાં અટવાયેલી નૌકાનો હું  નવો કિનારો છું!’

———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »