તમારા માટે, તમારી સાથે, સતત…

‘સ્માર્ટ ફોન-ઇન્ટરનેટ’ની ભીડમાં માનવીય સંબંધોના સ્પર્શની હૂંફ આપતું પર્વ

કૌટુંબિક અને સામાજિક ભેદભાવ ઓછા થઈ જાય છે

0 217
  • ડૉ. જયેશ શાહ

અપૂર્ણને પૂર્ણ કરે તે પર્વ. ખાલીપામાં ઉત્સાહનો સંચાર કરે તે પર્વ. સદ્ભાવનાના દીવા અંતરમાં પ્રગટાવે તે પર્વ. હૈયાંથી હૈયાં મળે તે પર્વ. સ્નેહ અને હૂંફ ઉત્પન્ન કરે તે પર્વ. વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક જીવનમાં સામૂહિકતા લાવે તે પર્વ. દિવાળીના આવા સપ્ત-દિવસીય પર્વની શરૃઆત આસો વદ અગિયારસથી થાય છે અને કારતક સુદ બીજના દિવસે પૂર્ણ થાય છે. દિવાળીનું સપ્ત-દિવસીય પર્વ તમામ પ્રકારના અંધકારને દૂર કરે છે. આપણામાં રહેલી અપૂર્ણતા, ત્રુટીઓ અને આધિ-વ્યાધિને દૂર કરનારું આ પર્વ પ્રકાશનું પર્વ છે એટલે અંધકાર પર પ્રકાશનો વિજય તો હોય જ. આ સંબંધે આધ્યાત્મિક અર્થ જોઈએ તો આપણું સ્વરૃપ દિવ્ય ચૈતન્ય છે જે પરમ શુદ્ધ અને અખંડ છે. આપણને જે નકારાત્મક તથા વિપરીત વિચારો આવે છે તેને આપણે પોતે જ જાગૃત બનીને દૂર કરવાનું આ પર્વ છે.

આપણે આ પર્વના પ્રકાશની જ્યોતમાં આળસ અને અજ્ઞાનતાથી દૂર થઈને જાગૃત થઈશું તો જ તમામ પ્રકારની અજ્ઞાનતાની અને નકારાત્મકતાની રાત્રિઓ દૂર થઈ જશે અને આ જ્યોતનાં સોનેરી કિરણોથી આપણુ જીવન આનંદ અને ઉત્સાહથી તરબતર થઈ જશે.

એક સમય હતો જ્યારે દિવાળીનું સપ્ત-દિવસીય પર્વ શરૃ થતાં જ સમગ્ર પરિવાર બાળ-ગોપાલ સાથે ટહુકી ઊઠતું હતું તથા સમગ્ર સમાજ પર્વની ઉજવણી માટે થનગની ઊઠતો હતો તેવો થનગનાટ અને તેવી તરબતર તાજગી આજની એકવીસમી સદીમાં દેખાતી નથી. હવે દિવાળીની રજાઓમાં એકબીજાના પરિવારને તથા સ્નેહી-મિત્રોને અરસપરસ મળીને આનંદદાયક ભૂતકાળ યાદ કરવાને બદલે રજાઓ હિલ-સ્ટેશન ઉપર તથા વિદેશમાં ગાળવાનું ચલણ વધ્યું છે. પ્રમાણિકતાથી આકલન કરીએ તો દિવાળીના તહેવારોની ઉજવણીમાં પહેલાં જેવી સ્વાભાવિકતા નથી રહી. દિવાળીના તહેવારોની કુદરતી મજા માણવાને બદલે આપણે કૃત્રિમ બની ગયા હોઈએ એવું લાગી રહ્યું છે. ઉદાહરણ તરીકે અગાઉના સમયમાં દિવાળીની શુભેચ્છાઓના ‘કાર્ડ’ મોકલવા એ એક લ્હાવો હતો. એને પસંદ કરવા માટે ‘કાર્ડ’ની વિશેષ દુકાનોમાં ઊભા રહીને કલાકોના કલાકો સુધી પસંદગી કરવામાં આવતી હતી. કોને કેવું કાર્ડ મોકલવું તે અંગે પરિવારમાં મીઠા ઝઘડા સાથે ચર્ચાઓ પણ થતી. હવે તેને બદલે ‘વૉટ્સઍપ’ જેવા માધ્યમથી ‘ઓનલાઈન’ જે તૈયાર કાર્ડ મળે તેને મોકલવા અથવા તો કેટલાક તો વળી ‘વૉટ્સઍપ’ જેવી ઍપ્લિકેશનમાં જે ‘મેસેજ’ મળ્યા હોય તે જ સીધેસીધા ‘ફોરવર્ડ’કરી દેતા હોય છે. એવું પણ ચકાસતા નથી તે ‘મેસેજ’ જેને મોકલાઈ રહ્યો છે તેને સુસંગત છે કે નહિ. પ્લાસ્ટિકનાં ફૂલોમાંથી જેવી રીતે સુગંધ નથી આવતી તેવી રીતે આવા ‘ફોરવર્ડ-મેસેજીસ’માં આત્મીયતાની સુગંધ નીતરતી જ નથી. આમ કેમ થઈ રહ્યું છે તે અંગે આપણે સૌએ વિચાર કરવો જ રહ્યો. આજનાં બાળકો અને યુવાનોમાં દિવાળીના સપ્ત-દિવસીય પર્વનો આનંદ અને ઉત્સાહ કેમ જોેવા મળતો નથી તે અંગે મનોમંથન આવશ્યક છે.

આવનારા દાયકાઓમાં દિવાળીના સપ્ત-દિવસીય પર્વની ઉજવણીની પરિસ્થિતિ શું હશે તે અંગે આજથી જ ચિંતન શરૃ કરવું પડશે. એક કારણ એ છે કે આજનાં બાળકો અને યુવાનોને આપણા તહેવારો પાછળ રહેલી ભાવનાઓ અને સંવેદનાઓ સમજાવવામાં આપણે ઊણા ઊતર્યા છીએ. આજનો બાળક હોય કે યુવાન, તેઓ આપણા દરેક તહેવાર અને તેમાં રહેલાં રીત-રિવાજ અંગે ‘આવું કેમ (ઉઁરૃ)’પૂછે છે. આ તહેવારમાં આ જ રિવાજ કેમ(ઉઁરૃ)? આ પ્રણાલિકા કેમ પાળવી(ઉઁરૃ)? – આવા જિજ્ઞાસા અને કુતૂહલથી ભરપૂર પ્રશ્નો આજના બાળક અને યુવાન દ્વારા પુછાય છે. હવે સમય પાકી ગયો છે કે આજના બાળક અને યુવાનના આવા પ્રશ્નોનો એટલે કે તેમના પ્રત્યેક ઉઁરૃનો યોગ્ય ભાષામાં અને વૈજ્ઞાનિક સાબિતીઓ અને પુરાવા સહિત જવાબ આપવો પડશે. આજના બાળક અને યુવાનની જિજ્ઞાસા નહિ સંતોષાય તો તે ‘નાસ્તિક’ એટલે કે ‘એથિસ્ટ’ બની જશે. આજે અમેરિકા અને યુરોપમાં ‘એથિસ્ટ’ની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે અને ભારત પણ તે માર્ગે જ આગળ વધી રહ્યું હોય તેમ ક્ષિતિજ ઉપર દેખાઈ રહ્યું છે.

Related Posts
1 of 319

આવા વિકટ સંજોગોમાં જો તેઓને ‘નાસ્તિક’ એટલે કે ‘એથિસ્ટ’ બનતા રોકવા હશે તો આપણી જે પ્રણાલીઓ છે તે અંગે આવનારા દાયકાઓમાં વિજ્ઞાન સુસંગત સઘન સંશોધનો કરવા પડશે. આજે તેના ઉપર જે સંશોધનો ચાલી રહ્યાં છે તથા નવાં સંશોધનો થશે તે સૌને સંપાદિત કરીને આજનાં બાળકો અને યુવાનો સમજી શકે તથા પોતાના મનમાં ઉતારી શકે તે રીતે પ્રસિદ્ધ પણ કરવા પડશે. આપણા રીત-રીવાજો પાછળ રહેલી પ્રણાલિકાઓમાં આસ્થા ઊભી થાય તે માટે ધર્મ અને વિજ્ઞાનનો આવી રીતે સમન્વય કરવામાં આવશે તો જ આજનો બાળક કે યુવાન તેને માનતો થશે. આજનો બાળક અને યુવાન એટલો હોશિયાર છે કે જો એક વખત તેના મનમાં વાત ઊતરી જશે અને જો તેના પ્રત્યેક ઉઁરૃનો યોગ્ય ઉત્તર મળી જશે તો તે આપણી ભવ્ય પરંપરાનો ‘બ્રાન્ડ એમ્બેસેડર’ બનીને સમગ્ર વિશ્વમાં તેનો પ્રચાર-પ્રસાર કરશે. આપણા તહેવારો સામાજિક ભાવના અને કૌટુંબિક ભાવનાને પ્રોત્સાહન આપીને માનસિક અને વૈચારિક શાંતિ આપતા હોય છે. તેના ઉપર સંશોધનો થયા પછી સમગ્ર વિશ્વમાં રહેલા જુદા જુદા ધર્મો અને સાંપ્રદાયિક વિચારસરણીઓમાં તેનો ફેલાવો કરવાનું કાર્ય આજનો બાળક અને યુવાન જ કરશે.

દિવાળીના સપ્ત-દિવસીય તહેવારો સાથેનું ભાવાત્મક અને સામાજિક જોડાણ એટલું મજબૂત છે કે તેને કારણે કૌટુંબિક અને સામાજિક ભેદભાવ ઓછા થઈ જાય છે. આનું મનોવૈજ્ઞાનિક પાસું જોઈએ તો દિવાળીના તહેવારો અને તેની ઉજવણી પારિવારિક ભાવના, મૈત્રી તથા દરેક સંબંધોને એક સપાટી સુધી જાળવી રાખવા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સમગ્ર વર્ષ દરમિયાન ઊભી થયેલી આધિ-વ્યાધિ-ઉપાધિ દિવાળીના તહેવારમાં ભુલાઈ જાય છે. આપણુ ધ્યાન સંપૂર્ણપણે ઉજવણી, આનંદ અને ઉત્સાહમાં કેન્દ્રિત થઈ જાય છે. સ્પર્ધાના આ યુગમાં દિવાળીના સપ્ત-દિવસીય તહેવારો વ્યક્તિને ‘નાસભાગ’માંથી એક વિસામો આપે છે. કોઈને પોતાનો તહેવાર બગાડવો ગમતો નથી એટલે માફ કરી દેવાની ભાવના તથા ચલાવી લેવાની ભાવના સૌથી વધુ દિવાળીના સપ્ત-દિવસીય તહેવારમાં જોવા મળે છે. શું આજે આપણે તહેવારોની ઉજવણીમાં આવો ભાવ કેળવી શકીએ છીએ?

દિવાળીના સપ્ત-દિવસીય તહેવારોની ઉજવણીની રીતસ્થળ, સંસ્કૃતિ અને સમાજ સાથે બદલાતી રહે છે, પરંતુ તેના મૂળમાં રહેલી ખુશી અકબંધ રહેવી જોઈએ. ડગલે ને પગલે ધાર્મિક લાગણી દુભાઈ જવાની દુહાઈ આપીને ધાર્યું કરવા કરતાં આજે તહેવારોની ઉજવણીની રીત સૌને ગમે તે રીતની છે કે નહિ તથા તે આસપાસના લોકોને, પ્રકૃતિને કે પર્યાવરણને અનુકૂળ છે કે નહિ એ આજના સમય સાથે તાલ મેળવવા માટે ચકાસી લેવા જેવું ખરું. અહીં એક વાતની સ્પષ્ટતા થવી જરૃરી છે કે શું આપણી ધાર્મિક લાગણી એટલી હદે શિથિલ છે કે કાચી સેકન્ડમાં દુભાઈ જાય? આવો પ્રશ્ન એટલે ઊભો કરવો પડે છે કે આજે આપણે સૌ જે સમાજમાં રહીએ છીએ ત્યાં ચારેકોર નઠારા તથા આપણા સૌની ધીરજ અને સજ્જનતાની કસોટી કરનારા બહુમતીમાં છે. તેઓ તેમનાં કૃત્યોનો અને ખોટા વિચારોનો માનસિક કચરો આપણા પર ઠાલવી રહ્યા છે. તેમનાથી આપણે સૌએ દિવાળીના સપ્ત-દિવસીય પર્વમાં બચતાં રહેવું પડશે.

(૦૧.) આધુનિકતાના નામે તહેવાર સામે નાકનું ટીચકું ચડાવતા અને (૦૨.) પરંપરા સાચવવાને નામે જડ વલણ રાખી ઉજવણીના ભાગરૃપે ગમે તે કરી છૂટતા– આ બે અંતિમવાદી અને અતિરેકવાદી જૂથો વચ્ચે સતત સંઘર્ષ થતા રહે છે. આવા સંઘર્ષ અને વિવાદમાં મને લગભગ અઢી હજાર વર્ષો પહેલાં ચીનના ગરીબ પણ વિદ્વાન કુટુંબમાં જન્મેલા કન્ફ્યુશિયસ કહે છે તે યાદ આવે છે. તેઓ કહે છે કે, ‘જો તમારા હૃદયમાં ધર્મભાવના, ન્યાયપરાયણતા, ઈમાનદારી અને સંયમ હશે તો જ તમારા ચારિત્ર્યમાં સૌંદર્ય હશે. જો ચારિત્ર્યમાં સુંદરતા હશે તો સમગ્ર જીવનમાં અને ઘરમાં અને એ રીતે સમાજમાં એકસૂત્રતા હશે અને શાંતિ-સદભાવ હશે.’ આવા પ્રકારના સબળ અને દૂરંદેશી નેતૃત્વની પ્રત્યેક સમાજ રાહ જોઈ રહ્યો છે, પરંતુ એક હકીકત એ પણ છે કે આવું સબળ નેતૃત્વ આજનો યુવાન જ પૂરું પાડી શકે તેમ છે, કારણ કે આજના યુવાનમાં સૌને સમજીને સૌને સ્વીકાર્ય હોય તેવો નિવેડો લાવવાની તાકાત છે. આથી જ આજે ધર્મને અને એની પરંપરાને સાચવીને, આવનારી પેઢીને ગળે ઊતરે તથા વીતી ગયેલી પેઢીને સંતોષ થાય એવી પ્રત્યેક તહેવાર અને તેની ઉજવણીની વ્યાખ્યા અને પ્રણાલિકા આપી શકે એવા સ્વામી વિવેકાનંદ જેવા સબળ યુવા નેતૃત્વની આજે પ્રત્યેક સમાજને જરૃર છે.

ચાલો…આ વર્ષે ‘વૉટ્સઍપિયા ડિજિટલ’ દિવાળી અને ‘વીડિયો-કૉલ’વાળી ખોટી-ખોટી ફોર્માલિટી બતાવતી નવા વર્ષની શુભેચ્છાઓમાંથી બહાર નીકળીએ અને સૌને વ્યક્તિગત મળીને આલિંગન કરીને દિલનો આનંદ મેળવીએ. બહુ બધી ‘લાઇક્સ’ મળે અને કૃત્રિમતાના પીપડા ભરાય એટલા બધા નહીં, પરંતુ માત્ર મુઠ્ઠીમાં સમાય એવા સાચકલા સંબંધો આ દિવાળીના સપ્ત-દિવસીય પર્વમાં માણીએ. આવનારા દાયકાઓના મહારોગો જેવા કે હાઈપર ટેન્શન, સ્ટ્રેસ અને ડિપ્રેશનથી બચવું હોય તો આવા સાચકલા હૂંફાળા સંબંધો માણવાનો અમલ આ દિવાળીથી જ કરીએ. તો ચાલો…. આ દિવાળીના સપ્ત-દિવસીય પર્વમાં ‘સ્માર્ટ ફોન-ઇન્ટરનેટ’ તથા ‘ફેસબુક-વૉટ્સઍપ’ની ભીડમાં જગ્યા કરી માનવીય સંબંધોના ખાટા-મીઠા સ્પર્શની હૂંફ આ દિવાળીના તહેવારોમાં માણીએ.

—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »