તમારા માટે, તમારી સાથે, સતત…

ભૂપેન હજારીકા-કલ્પના લાજમી ‘જીસ તનકો છૂઆ તુને…’

કલ્પના લાજમી ભૂપેન હજારિકાને પ્રેમ કરી બેઠાં

0 271
  • બકુલ ટેલર

પ્રેમ ક્યારેય મરતો નથી. પ્રેમ એક શાશ્વત તત્ત્વનું નામ છે. પ્રેમ કરનાર સ્ત્રી-પુરુષને આયુષ્ય હોય છે, પ્રેમને નહીં, કારણ કે શરીર હોવાથી તે શરૃ થાય છે, પણ તે હોય છે નિસર્ગ રૃપે. કોઈ અંદરની જિકરથી તમે ચાહવા માંડો છો. પહાડથી ફૂટતાં ઝરણ જેવો છે આ પ્રેમ. બધા ઝરણને એવા સંયોગ નથી મળતા કે તે સતત વહે અને તેને બીજી નદીઓ મળતી જાય અને દરિયા સુધી પહોંચતા તે વિરાટ પ્રવાહ બની જાય. શું રાજકપૂર અને નરગિસ જુદાં પડી ગયાં એટલે તેમનો પ્રેમ મટી ગયો? તેમણે કાયમ માટે આંખો બંધ કરી એટલે પ્રેમ પણ મરી ગયો? ના, એવું નથી થતું. પ્રેમ ક્યારેય મરતો નથી. એ પ્રેમ બીજા પ્રેમીઓના ધબકારામાં ધબકે છે. જ્યારે કોઈ ખરેખરા અર્થમાં પ્રેમ કરે છે ત્યારે લયલા-મજનૂ, શીરી-ફરહાદ, રાધા-કૃષ્ણ જીવી ઊઠે છે. પ્રેમ એક માનુષી ચેતનાનું અમર્ત્ય રૃપ છે.

કલ્પના લાજમી ફક્ત ૧૭ વર્ષનાં  યૌવના હતાં અને તેમને ૪૫ વર્ષના ભૂપેન હજારીકા માટે પ્રેમ થયો. ફિલ્મ સર્જક ગુરુદત્તનાં બહેન અને ચિત્રકાર લલિતા લાજમીની દીકરી અને ‘એક પલ’, ‘રૃપાલી’, ‘દરમિયાં’, ‘દામન’, ‘ક્યું’ અને ‘ચિંગારી’ જેવી ફિલ્મોનાં દિગ્દર્શક તરીકે જાણીતા કલ્પના લાજમી ભૂપેન હજારિકાને પ્રેમ કરી બેઠાં હતાં. ભૂપેન હજારિકા બ્રહ્મપુત્રા નદીના સંતાન. આસામી ગાયક, સંગીતકાર, ફિલ્મ નિર્માતા, કવિ. ૧૯૮૫ની વાત છે. ભૂપેન એક કાર્યક્રમમાંથી પાછા વળી રહ્યા હતા અને બે અત્યંત તેજસ્વી યુવાનો તેમને ચરણે પડ્યા. ભૂપેને એ બન્નેને બાથભરી લીધા. તેઓ પ્રફુલ કુમાર મહંત અને ભૃગુકુમાર ફૂકન હતા. આસામ ગણ પરિષદના યુવાનેતાઓ કે જે સરકાર રચવાના હતા. બંને એ વિનંતી કરવા આવ્યા હતા કે અમારી માગણી તમે સ્વીકારો, ભૂપેનદા. ભૂપેનદા ફક્ત એટલું જ બોલ્યા કે, ‘હું મારી રાજકીય ક્ષિતિજ નાની કરવા નથી માંગતો. લોકો મને ભય વિના પ્રેમ કરે, આદર કરે અને સાંભળે તેવું ઇચ્છું છું. હું મને રાજકીય શક્તિ વડે ભ્રષ્ટ કરવા માંગતો નથી.’ ભૂપેન હજારિકા ગાયક કે સંગીતકાર માત્ર નહોતા, સ્વયં લોક-શક્તિ હતા. અલબત્ત, કલ્પના લાજમી જ્યારે પ્રેમમાં પડ્યા ત્યારે તેમની એ ઉંમર પણ નહોતી કે આ ભૂપેનને ઓળખતા હોય, પણ આંખો આંખોને શોધી લેતી હોય છે. માણસ ન બોલે તો પણ પારખનારા તો પારખી જ લે. અંદરની ઓળખ અંદરથી બંધાતી હોય છે.

૧૭ વર્ષની કલ્પના. ૪૫ વર્ષના ભૂપેન. આ કોઈ રેગ્યુલર ટાઈપ લવસ્ટોરી નહોતી. કલ્પનાના પિતાનું નામ કેપ્ટન ગોપાલકૃષ્ણ લાજમી. ભૂપેન મધ્યમવર્ગીય આસામી કુટુંબમાં જન્મેલા હતા અને કુલ ૧૦ ભાઈ-બહેનોમાં સૌથી મોટાં હતાં. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ સાથે એમ.એ. થયેલા અને ન્યૂયૉર્ક જઈ માસ કમ્યુનિકેશનમાં પીએચ.ડી. થયેલા. મિલ્સ એન્ડ બુન્સની લવસ્ટોરી વાંચનારી કલ્પનાના પિતા સાવ દારૃડિયા થઈ ચૂક્યા હતા. શું એ પિતાની જગ્યાએ ભૂપેન હતા? ના, એવું નહોતું. એ એક પુરુષ માટે જ જાગેલો પ્રેમ હતો. મુંબઈના સેન્ટ ઝેવિયર્સ કૉલેજની વિદ્યાર્થિનીની આ યુનિક લવસ્ટોરી હતી. આ યુનિકને યુનિક બનાવવામાં ‘પરિણીત’ ભૂપેન હતા, અને કલ્પનામાં રહેલું મીરાંતત્ત્વ પણ! ૪૫ વર્ષના પુરુષને જ્યારે થાય કે તેને ૧૭ વર્ષની છોકરી પ્રેમ કરે છે ત્યારે તેનામાં રહેલો પુરુષ ખુશ તો થાય, પણ સાથે જ લાચારી અને વેદના પણ વધી જાય. ૧૨ વર્ષના લગ્નજીવન દરમિયાન તેમને એક દીકરો જન્મ્યો હતો, પણ એ પત્ની તેને લઈને દૂર ચાલી ગઈ હતી. એવા બાપનો પડછાયો દીકરાનેય બગાડશે એવું તે ધારતી હતી. આ આઘાતના કારણે ભૂપેન એકદમ દારૃડિયા થઈ ચૂક્યા હતા. અંગત જિંદગી દિશાહીન બની હતી. આમ છતાં તેમણે કલ્પનાના પ્રેમનો સ્વીકાર કર્યો. તે વખતે તે જાડીપાડી, ઉછાંછળી, વધારે પડતી બોલ્ડ અને એટલી જ પ્રામાણિક. અંતર્મુખી ભૂપેનદાએ તેને હૃદયમાં એક જગ્યા આપી, પરંતુ એ જમાને એવા સંબંધને સમાજ વચ્ચે જાહેર કરવો તેમને ઠીક ન લાગ્યો. કલ્પનાને આ વાતથી ગુસ્સો ય આવ્યો કે, ‘જો પ્રેમ કરો છો તો લોકોની વચ્ચે સ્વીકાર કેમ નથી કરતા? દંભી છો તમે!’ પણ ભૂપેનદાએ લોકો વચ્ચે કલ્પનાની ઓળખ ‘બિઝનેસ મેનેજર’ અને ‘સેક્રેટરી’ તરીકે તો આપી જ હતી. પ્રિયંવદા પટેલને પરણેલા ભૂપેન હવે બીજા લગ્નનું સાહસ કરવા નહોતા માંગતા. પોતાનાથી ૨૮ વર્ષ નાની છોકરી સાથે જો પ્રેમ હોય તો એ પ્રેમના આધારે પરણવું એક ગુનો પણ હતો. લગ્ન તો થાય પણ સાથે વિચાર આવે કે મારું આયુષ્ય તો નૈસર્ગિક રીતે વહેલું પૂરું થશે અને તો પોતે જેને ચાહી તેને એકલા જીવવાનું થશે. શું આ યોગ્ય છે?

સંબંધના પ્રથમ ૧૫ વર્ષમાં કલ્પના આસામી અને બંગાળી શીખી. (ભૂપેન ત્યારે ૬૦ પર પહોંચ્યા હતા) એ દરમિયાન કલ્પના સારી દિગ્દર્શક તરીકે તૈયાર થઈ અને ‘એક પલ’નું દિગ્દર્શન કર્યું. એ ફિલ્મ ગૌહતી-આસામમાં જ ફિલ્માવાયેલી. સંગીત ભૂપેન હજારીકાનું. કલ્પના આ દરમિયાન ભૂપેનના મા, બહેન, દીકરી અને પત્ની બની ચૂક્યાં હતાં. પ્રેમ કરતી સ્ત્રીઓમાં તેના પુરુષ માટે આ બધાં સ્વરૃપો અપનાવવા પ્રેમનાં જ રૃપ તરીકે હોય છે. આમ કરી તેઓ બંનેની સર્જકતાને ય સાચવતા હતા. ભૂપેન એક સમયે ગૌહતી-ઇપ્ટામાં સક્રિય હતા. ઓલ ઇન્ડિયાના ગૌહતી કેન્દ્રમાં પણ સક્રિય રહેલા. ૧૯૩૯થી તેવો ફિલ્મોમાં ગાવા માંડેલા અને ૧૯૫૬થી સંગીત પણ આપવા માંડેલા. ૧૯૭૪માં ગુરુદત્તના ભાઈ આત્મારામ દિગ્દર્શિત ‘આરોપ’માં સંગીત પણ આપેલું (નૈનોમેં દર્પન હૈ, દર્પનમાં કોઈ) એ પ્રથમ મિલનના દિવસો હતા. હેમેન્દ્ર પ્રસાદ બરુઆ કે જે ચાના બગીચા ધરાવનાર ઉદ્યોગપતિ હોવા ઉપરાંત કળાચાહક હતા તેમણે બંનેનો પ્રથમ પરિચય કરાવેલો. (આ બરુઆ જ કલ્પનાની પ્રથમ ફિચર ફિલ્મ ‘એક પલ’ના નિર્માતા થયેલા) જોકે ભૂપેન પહેલાં તેઓ ‘ગોન વિથ ધ વિન્ડ’ના ક્લાર્ક ગેબલના પ્રેમમાં પડી ચૂકેલા. (આવી પ્રેમકહાણી કોની હશે?) ભૂપેનને મળવા પહેલાં તેમણે તેમનું આસામીમાં ગવાયેલું એક ગીત આત્મારામ મામાને ત્યાં સાંભળેલું. સમજાયેલું નહીં, પણ એ અવાજ બહુ ગમેલો. આત્મારામ મામાએ કહેલું કે એ ભૂપેન હજારીકાનો અવાજ છે. ચૌદ વર્ષની છોકરીના કાને આ નામ પહેલીવાર પડ્યું અને પછી આત્મારામ મામાએ એકવાર તેમને જમવા બોલાવ્યા. સ્કૂલ જતી છોકરીએ તેમને જોયા અને એવું આકર્ષણ અનુભવ્યું કે સમજાયું જ નહીં કે તે પ્રેમનો પ્રથમ અગ્નિ છે તેમાં. ભૂપેન હજારીકાના ગાયેલા – સંગીતબધ્ધ કરેલાં ગીતોની રેકર્ડ લાવી સાંભળવા માંડી. રેકર્ડ માટેના પૈસા નાની (ગુરુદત્તનાં ય મા) પાસેથી લેતી. ૧૯૭૧માં ‘આરોપ’ના સંગીત માટે ભૂપેન આવ્યા ત્યારે ભીતરમાં તો તેમના નામનો આખો બગીચો ખીલી ઊઠ્યો હતો. સંગીત માટે આવે ત્યારે ગુરુદત્ત-ગીતાદત્તના બંગલામાં તે રહેતા અને એકવાર આ કલ્પના તેમને મળવા ગયા. સાથે ગુરુદત્તનાં સંતાનો (મામા ભાઈ) હતાં. કલ્પનાએ આ મિલનમાં પૂછ્યું. ‘હું તમને ભૂપેન નામે સંબોધું તો વાંધો નથીને?’ ભૂપેન હસ્યા ને બોલ્યા, ‘તું મને ભૂપ યા ફક્ત ‘ભૂ’ તરીકે પણ સંબોધી શકે છે!’ કલ્પનાએ પૂછ્યું, ‘તમારી ઉંમર?’ ભૂપેન, ‘૪૫, પણ હું મને ર૦નો લાગું છું.’ અને ત્યાર પછી એક હોટલમાં તેમણે એક રાત સાથે વીતાવી. સેક્સ નહીં માત્ર આલિંગન, પણ કલ્પનાને થયેલું કે તે ગર્ભવતી થઈ છે. ખેર! ૧૯માં વર્ષે નક્કી કર્યું કે હવે ભૂપેન સાથે જ રહેશે. ઘણાએ કહ્યું કે ભૂપેન તો બેજવાબદાર છે. વુમનાઈઝર છે. કલ્પનાના મા અને મામા (આત્મારામ) પણ આ સંબંધના વિરોધમાં હતા. તેમને થતું કે ભૂપેન માટે આ કલ્પના માત્ર સમય વીતાવવા માટેની છોકરીથી વધુ કશું નથી, પણ કલ્પના ન માની અને જે સમયે ‘લિવ ઈન રિલેશનશિપ’ જેવા શબ્દ અને તેના સંકેતનો સ્વીકાર ન હતો ત્યારે તે ભૂપેન સાથે રહેવા ચાલી ગઈ. ૧૯૭૭ની એ વાત. (કલ્પનાનો જન્મ ૧૯૫૪માં ભૂપેનનો જન્મ ૧૯૨૬માં) તે વખતે બંનેએ સાથે રહેવાના કારણમાં ધીરેન ગાગુલી નામના બંગાળના પ્રથમ ફિલ્મકાર પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવી. કલ્પના-ભૂપેનના પ્રેમનો પ્રથમ સ્વીકાર કલ્પનાનાં દાદીમાએ કરેલો અને ભૂપેનને કહેલું કે, ‘મારી પૌત્રી તમને બહુ ઊંડેથી ચાહે છે, ભૂપેન બાબુ. તમને જે રીતનો એ પ્રેમ કરે છે તેવો તેણે કોઈને નથી કર્યો. પ્લીઝ, તેને સમજવાનો પ્રયત્ન કરજો! દાદીમાઓ કમાલની હોય છે. સંબંધ અને સમયની પાર જઈ તેઓ લાગણી સ્વીકારવા તૈયાર હોય છે.

ભૂપેન-કલ્પનાના સંબંધને અનેક પડાવો છે, પણ તે એક વહેતી નદીના પડાવ છે. આ સંબંધ દરમિયાન જ ભૂપેને નવા બનેલા અરુણાચલ રાજ્ય માટે ગીતનું સ્વરાંકન કર્યું. બાંગ્લાદેશ સ્વતંત્ર દેશ થયો ત્યારે તેમના માટે રાષ્ટ્રગીતનું સ્વરાંકન કર્યું. આ દરમિયાન કલ્પનાનું વ્યક્તિત્વ પણ ઘડાતું ગયું. ભૂપેનની વિશેષતા સમજનારી સ્ત્રી હવે મર્યાદાઓ પણ સમજતી થઈ. ભૂપેનનું શોષણ કરનારા લોકોને સમજતી થઈ. ભૂપેન માટે બીજા સાથે લડતી પણ થઈ. તેઓ બંને કોલકાતા રહેતાં હતાં. જોકે તે વખતે પણ ભૂપેનબાબુ તેમનાં પૂર્વપત્ની વિશે કોઈ વાત નહોતા કરતા. એક વખત પૂછ્યું તો કહ્યું, ‘અમે ૧૯૫૯થી છૂટા પડી ગયા છીએ. મારે એક દીકરો ય છે જે તારાથી મોટી ઉંમરનો છે.’ કલ્પનાએ પૂછ્યું, ‘તો તમારી જિંદગીમાં હું કોણ છું?’ ભૂપેને કહ્યું, ‘મારી બેસ્ટ ફ્રેન્ડ, બિઝનેસ પાર્ટનર અને મારી મેનેજર.’ ‘બસ, એટલું જ?’ કલ્પનાએ સવાલ કર્યો. ભૂપેને ફરી જવાબ આગળ વધાર્યો, ‘મારે હવે નવું કુટંુબ વસાવવું નથી કે કોઈને પરણવું ય નથી. હવે લગ્નજીવનમાં પ્રવેશવું નથી. તું જો આ સ્થિતિ સ્વીકારવા તૈયાર હોય તો આપણે સાથે રહીશું.’ કલ્પના ભડકી ઊઠી, ‘દંભી. તું મને પ્રેમ કરે છે? ના, નથી કરતો. તું ફક્ત પોતાને પ્રેમ કરે છે. હું, હું અને હું. બસ, તારી જિંદગીમાં ફક્ત તું જ છે!’ અને તે સાઇકલ-રિક્ષામાં બેસી કોલકાતાની ગલીઓમાં ફરતી રહી. જોકે રાત્રે પાછી ફરી. ભૂપેને તેને આલિંગી અને કહ્યું, ‘સારંુ થયું તું પાછી વળી અને હવે ક્યારેય આવું ન કરીશ!’ કલ્પના એટલું જ બોલી, ‘મારું ભવિષ્ય શું છે તે મને નથી ખબર, પણ હું તારી સાથે જ રહીશ, ભૂપેન. કારણ કે હું તને ચાહું છું.’ ભૂપેનબાબુ બોલ્યા, ‘મારા જીવનમાં સંગીત છે. અનેક સ્ત્રીઓ તરફ આકર્ષાયો છું, પણ કોઈને આઘાત નથી આપ્યો. તને ય નહીં આપું.’ તેઓ કલ્પનાને ‘કલ્પન’ યા ‘મા’ તરીકે સંબોધતા અને કલ્પના માટે તે ‘ભૂપશુ’ હતા. કલ્પનાએ તે દિવસે એ વાત પણ કહી દીધી, ‘તું મારી દરકાર કરે છે તે સાચું પણ તને મારા માટે પ્રેમ નથી. તું એવી પેઢીનો છે જે પ્રેમનો સ્વીકાર કરતાં ડરતી હોય. તમને પ્રેમ નબળાઈ લાગે છે જ્યારે મારા માટે તે એક તાકાત છે. તું મારી તરફ જુએ છે ત્યારે એક અપરાધભાવમાં હોય છે. તને ડર છે કે સમાજ આ સંબંધને વ્યભિચાર કહેશે અને આ બધું છતાં તારે મને ગુમાવવી પણ નથી. બસ, આ કારણે આ એક નર્યો ખાનગી સંબંધ છે. દંભના કારણે તે જાહેર બની શકે તેમ નથી!’ હવે જવાબનો વારો ભૂપેનનો હતો. ‘તને ખબર છે કલ્પન, હું જ્યારે ૧૬નો હતો ત્યારે એક જ્યોતિષીએ કહેલું કે તારી જિંદગીનું સૌથી મોટું પગલું તું એક સ્ત્રીની સંગાથે ભરીશ, પણ તે તારી મા હશે, બહેન કે દીકરી, યા પત્ની હશે. એ સ્પષ્ટ સંબંધ વિનાની સ્ત્રી હશે!’

Related Posts
1 of 319

ભૂપેન એવા પુરુષ હતા જેને ચાહ્યા વિના કલ્પના રહી શકે તેમ ન હતી. ભૂપેનની સંગીતયાત્રા સતત વિસ્તરતી ગઈ. ‘શકુંતલા’ નામની તેમની દિગ્દર્શિત ફિલ્મને ૯મો નેશનલ ઍવૉર્ડ મળેલો. ‘ચમેલી મેમસાબ’ના સંગીત માટે પણ નેશનલ ઍવૉર્ડ મળ્યો. ૧૯૭૭માં પદ્મશ્રી, ૧૯૮૭માં સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ, ૧૯૯૨માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ, ૨૦૧૨માં પદ્મ વિભૂષણ. આસામ અને બંગાળ માટે તેઓ એક ક્રાંતિકારી કવિ, ગાયક, સંગીતકાર હતા. કલ્પના તેના આ પુરુષની પ્રતિભા જોતી રહી અને પોતે પણ ફિલ્મ દિગ્દર્શક તરીકે પ્રેક્ષકોની આંખોમાં ચમક પેદા કરતી રહી. ‘રૃદાલી’ બનાવી ત્યારે ભૂપેનનું સંગીત દેશના હિન્દી પ્રદેશમાં ય વિસ્તર્યું, ‘દિલ હૂમ હૂમ કરે… ગભરાયે…’ કલ્પનાને ૧૯૮૨ના વર્ષમાં લાગ્યું કે ભૂપેન તેના ઊંડા પ્રેમમાં છે. કલ્પના માટેનો આ પ્રેમ એક અંદર-બહારની યાત્રાએ પ્રગટ્યો હતો.

સાથે રહેતાં રહેતાં એકબીજાને સમજવા લાગીએ અને એવો સમય આવે કે એકબીજામાં ઊંડાણભર્યું કમ્ફર્ટ અનુભવાવા લાગે. કલ્પના લાજમીનો એ સ્વભાવ નહીં કે ઇમોશનલ ડિમાન્ડ્સ કરે. તે પઝેસિવ પ્રકૃતિનાં ય નહીં ને ઈર્ષાથી પણ ન પીડાતાં. ભૂપેનને ચાહવું સરળ પણ નહીં, કારણ કે તે બીજા સ્ત્રી સંબંધો પણ જીવી ચૂક્યાં હતાં અને પરિણીત તો હતાં જ, પરંતુ કલ્પનાએ આ પ્રેમ સંબંધના ભોગ બનવું નહોતું, બલ્કે પ્રેમને જીતવો હતો. આ બે અલગ બાબત હતી અને એમાં જ પ્રેમની વ્યાખ્યા પ્રગટ થતી હતી. દરેક પ્રેમીઓ બે થઈને જ પ્રેમની એક પોતીકી વ્યાખ્યા રચી લેતાં હોય છે. પરીક્ષા બંનેએ આપવાની હોય છે ને ઘણી વાર સામસામે પણ ઊભા રહી આપવાની હોય છે. એક દિવસની વાત છે. ભૂપેને એક દિવસ કલ્પનાને કહ્યું, ‘પ્રિયમ, ૩૦ વર્ષ પછી ભારત આવવા માગે છે અને મારી સાથે સમય વીતાવવા માગે છે.’ પ્રિયમ તો ભૂપેનનાં પત્ની હતાં. કલ્પના કહે, ‘પણ આટલાં વર્ષો પછી કેમ તેણે મળવું છે? શું જોઈએ છે તેને?’ ભૂપેન કહે, ‘મને ખબર નથી, પણ તું જ કહે તેને હું કેવી રીતે રોકું? મને ખબર  નથી કે આ સંજોગને કેવી રીતે સંભાળું?’ એ સમયે ‘લોહિત કિનારે’ ટી.વી. શ્રેણીનું શૂટિંગ ચાલતું હતું. કલ્પના કલકત્તા છોડી શકે તેમ નહોતાં અને ભૂપેને પણ ના કહ્યું કે તારે ક્યાંક બીજે જવું જોઈએ. કલ્પનાએ પૂછ્યું, ‘પણ તારી એ પત્ની સમક્ષ મારી શું ઓળખ આપીશ?’ ભૂપેન અનુત્તર રહ્યા. આખર પ્રિયમ આવી. કલ્પનાની હાજરીવાળા ઘરમાં તેણે પૂછ્યું ય નહીં કે, ‘શું સંબંધ છે તમારા બેઉંના!’ ભૂપેને પ્રિયમને કહી દીધું કે, અલગ રૃમમાં સૂવું પડશે. અને એ રીતે તે રહી, પણ એક રાત્રે ભૂપેને કલ્પનાના રૃમનો દરવાજો ખટખટાવ્યો. કલ્પનાને થયું કે, ‘વળી શું?’ ભૂપેન કહે કે, ‘પ્રિયમ પાછલું બધું ભૂલીને ફરી પતિ-પત્ની તરીકે રહેવા માગે છે.’ કલ્પના કશું ન બોલી. ભૂપેને ઉમેર્યું કે મેં કહી દીધું છે કે, ‘આ હવે શક્ય નથી.’ પછી તો ભૂપેનની પત્ની થોડા દિવસ બહાર પણ ગઈ અને પાછી આવી ત્યારે કહે, ‘હું તેમને ખૂબ ચાહું છું. મેં ક્યારેય એમની પાસેથી છૂટાછેડા માગ્યા નથી. મારે ફરી સાથે રહેવું છે, પણ ભૂપેન હવે બિલકુલ તૈયાર નથી.’ કલ્પનાજી શું બોલે? -‘આઈ એમ સો સોરી!’ પ્રિયમ ગઈ અને જતાં જતાં વચન માગતી ગઈ કે, ‘ભૂપેનથી ક્યારેય અલગ ન પડીશ અને તેમને બરાબર સાચવજે.’ કલ્પનાએ જ્યારે ‘એક પલ’ ફિલ્મ બનાવી ત્યારે તેમાં શબાના આઝમીના પાત્રને પ્રિયમનું નામ આપ્યું.

પરીક્ષા આપતાં રહેવું પડે છે અમુક સંબંધોમાં. કલ્પનાને કોઈ ભૂપેનના રખાત પણ માને ને કોઈને લાગે કે ભૂપેન પત્ની સાથે નથી રહેતા તેના કારણમાં આ જુવાન સ્ત્રી છે. ભૂપેનની પ્રતિષ્ઠા મોટી અને પૈસા પણ ખરા એટલે બીજા નવ ભાઈ-બહેનોને ય થાય કે આ તો પૈસા માટે રહે છે. ભૂપેનને કલ્પના સાથેનું સહજીવન મંજૂર હતું, પણ તેઓ પત્નીને છૂટાછેડા આપવા નહોતા માગતા. મતલબ કે કલ્પના લાજમી કલ્પના હજારીકા બની શકે તેમ નહોતા. તેઓ પત્નીનો દરજ્જો આપવા તૈયાર જ નહોતા. ભૂપેન સાથે તેમણે પહેલાં ૧૫ વર્ષ ખૂબ સંઘર્ષમાં વીતાવ્યા હતા. લગ્ન થઈ ગયેલાં. પ્રિયમ પટેલ વડોદરાની હતી, પણ હું તેના પ્રેમમાં ક્યારેય નહોતો. તે આ જાણતી હતી અને અને જે વંદના બરુઆ સાથે પ્રેમ થયેલો તે પણ જાણતી હતી. હું મારા જીવન પર નિયંત્રણ રાખી શક્યો નથી. પ્રિયમ ઘણીવાર આપઘાત કરવાની ધમકી આપતી. હું મારા દીકરાને ય બહુ ઓછી વાર જોઈ શક્યો છું. ભૂપેન ફરી વંદનાને ય મળેલા ને તે તેના પતિને છોડી દે તો ફરી લગ્ન કરી લઈએ એવું ય વિચારેલું પણ. પ્રિયમથી છૂટાછેડા શક્ય ન બન્યા અને પછી તો વંદનાનાં બાળકો ય મોટાં થયાં ને પતિ એક પ્રતિષ્ઠિત જજના હોદ્દે પહોંચી ગયા એટલે એ લગ્ન શક્ય ન બન્યાં તે ન જ બન્યાં.

એક ભારતરત્ન પામેલા કવિ, ગાયક, સંગીતકારના અંગત જીવન વિશે આ બધું કહેવું ય ન ગમે, પણ માણસ તેનું અંગત જીવન પણ જીવતો હોય છે. તેઓ દારૃ છોડતા ન હતા અને અંદરથી હતાશ પણ હતા. હા, ગાયક-સંગીતકાર તરીકે જબરદસ્ત ઊર્જાશીલ હતા, પણ પરિણીત અને પોતાનાથી ૨૮ વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન વિના રહેવું સતત બીજાની આંખે અપરાધી તરીકે ઊભા રહેવાનું. ભૂપેને એક દિવસ ખુલાસો કરેલો, ‘તું માને છે એવો ફ્લર્ટ કરનારો નથી. હું એક જ વાર આ પહેલાં પ્રેમમાં પડેલો જ્યારે ટીનએજમાં હતો. તે સમૃદ્ધ બરુઆ કુટુંબની હતી અને અમે રેડિયો પર સાથે ગીતો ય ગાતાં, પણ હું ભીરુ હતો. કામધંધા વિનાનો હતો એટલે તેને કહી ન શકેલો કે ચાલ પરણી જઈએ. તેને મારી ભીરુતાથી આઘાત લાગેલો અને ઉચ્ચ સમાજના યુવક સાથે પરણી ગયેલી. તેનો પતિ પછીથી કલકત્તા હાઈકોર્ટનો જજ થયેલો. પછી અમેરિકા ભણવા ગયો ત્યારે પ્રિયમ મળી જેણે કહ્યું કે, ચાલ પરણી જઈએ. ત્યારે ય આર્થિક દશા ખરાબ અને પ્રિયમના પિતા જ ભૂપેન માંદા પડે ત્યારે ખર્ચ આપતા એટલે ના ન થતાં જે બીજાના જીવનમાં બને તે તેમનાય જીવનમાં બને. ફરક ત્યારે પડતો હોય છે જ્યારે તે સંબંધોનું રૃપાંતરણ કરે. કલ્પનાજી માનતાં કે, ૧૯૮૮ પછી ભૂપેન તેમનો પૂરો આદર કરતા થયા અને આખો સંબંધ પ્લેટોનિક સ્તરે ગયો. પાછલા વર્ષોમાં ભૂપેન લગ્ન માટે તૈયાર થયાં ખરા, પણ હવે તેનો અર્થ નહોતો. ભૂપેનને એમ હશે કે મારા મૃત્યુ પછી કલ્પના આ ઘર, સંપત્તિ સાથે ક્યાંય અધિકૃત ગણાશે નહીં અને ઉપેક્ષા અનુભવશે. લગ્ન વિનાના સહજીવન વિશે તો એમ જ હોયને?

ખેર! હવે નથી ભૂપેન હજારીકા. નથી કલ્પના લાજમી. ભૂપેન ગયા ૫ નવેમ્બર, ૨૦૧૧ના રોજ અને કલ્પના લાજમીએ વિદાય લીધી ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૮માં. તેઓ સ્વર્ગમાં મળ્યાં હશે એવી ધારણા કરવી ગમે, પણ મૃત્યુ પછી કોઈ સ્મૃતિ નથી હોતી એટલે દુઃખ-સુખ, ઝંખના હોતાં નથી. આપણી ભીતર એ સંબંધ જાગે તો તેઓ ફરી પ્રેમમાં છે. હજુ તેમના હૃદય હૂમ હૂમ કરે છે!

——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »