વચનામૃતનો દ્વિશતાબ્દી મહોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હર્ષની હેલી
ભગવાન સ્વામિનારાયણના સ્વમુખે ગઢડા મંદિરમાં સૌ પ્રથમ વચનામૃતનો પ્રારંભ સંવત ૧૮૭૬ માગસર સુદ ચતુર્થીના (ઈ.સ. ૧૮૧૯) દિવસે થયો હતો
- મહોત્સવ – દેવેન્દ્ર જાની
સ્વામિનારાયણ સંપ્રદાયના આંગણે આનંદનો અવસર આવ્યો છે. સંપ્રદાયમાં બે ગ્રંથોનું વિશેષ મહત્ત્વ રહ્યું છે, ભગવાન સ્વામિનારાયણે પોતે રચેલી શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથ. ભગવાન સ્વામિનારાયણના સ્વમુખે અમૃત સમા વહેતા શબ્દોનો સંપુટ એટલે વચનામૃત. વચનામૃત લખવાની શરૃઆત ગઢડાથી કરવામાં આવી હતી. આ અવસરને બસ્સો વર્ષ પૂરાં થઈ રહ્યા હોઈ વચનામૃતનો દ્વિશતાબ્દી મહોત્સવ ઊજવવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્ય ઉત્સવ વડતાલના આંગણે એક સપ્તાહ સુધી યોજાનારા આ મહાઉત્સવમાં લાખો સત્સંગીઓ ભાગ લેવા થનગની રહ્યા છે.
વચનામૃત, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ ગ્રંથને સાક્ષાત શ્રીજી મહારાજનંુ એક સ્વરૃપ માનીને પૂજવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણના સ્વમુખે ગઢડા મંદિરમાં સૌ પ્રથમ વચનામૃતનો પ્રારંભ સંવત ૧૮૭૬ માગસર સુદ ચતુર્થીના (ઈ.સ. ૧૮૧૯) દિવસે થયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વચનામૃતનું એક વિશેષ મહત્ત્વ છે. વ્યક્તિના જીવનની દરેક સમસ્યાનંુ સમાધાન વચનામૃતમાંથી મળી શકે છે. વચનામૃતના વાંચને લાખો – કરોડો લોકોના જીવનને બદલાવી નાખ્યા છે. આવા પવિત્ર વચનામૃત ગ્રંથને ને બસ્સો વર્ષ પુરાં થઈ રહ્યાં હોઈ આખા સંપ્રદાયમાં ઉત્સાહનો માહોલ છે. સ્વામિનારાયણના તમામ ફીરકાઓએ વચનામૃતના દ્વિશતાબ્દી મહોત્સવને લઈને અનેકવિધ કાર્યક્રમોનંુ આયોજન કર્યું છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે જ્યાં ગાદી સ્થાપી એ વડતાલની ભૂમિ પર કાર્તિક પૂર્ણિમા એટલે આગામી તા. ૬થી ૧ર નવેમ્બર દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્ય રીતે ઊજવવામાં આવશે. આ અંગેની તૈયારીઓ મહિનાઓથી ચાલી રહી છે. હવે તેને અંતિમ રૃપ અપાઈ રહ્યું છે. મહોત્સવમાં વીસ લાખથી વધુ લોકો ભાગ લે તેવી ધારણા છે. વડતાલના આંગણે આ ઉત્સવને લઈને દિવાળી પર્વનો ઉત્સાહ બેવડાયો છે. દેશ – વિદેશથી લાખો હરિભક્તો આ ઉત્સવમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજીના વડપણ હેઠળ યોજાનારા આ મહાઉત્સવમાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો જોડાઈ રહ્યા છે. વિશાળ જગ્યામાં વિવિધ ઉતારા, પ્રદર્શન સહિતના વિશાળ મંડપ ઊભા કરવામાં આવી રહ્યા છે. આ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સાતેય દિવસ ર૦૦ કુંડી મહાવિષ્ણુયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વર્તમાન મહાઉત્સવની વાત કરતાં પહેલાં બસ્સો વર્ષના ભવ્ય ભૂતકાળના ઇતિહાસ પર નજર કરીએ તો ગઢડામાં સંવત ૧૮૭૬ની માગસુર સુદ ચતુર્થીના દિવસે દાદા ખાચરના દરબારમાં સાધુની જગ્યામાં રાત્રે કીર્તન સમયે શ્રીજી મહારાજ સ્વયં આવ્યા હતા. તેમણે સફેદ વસ્ત્ર પહેર્યા હતા. સ્વામિનારાયણ ભગવાને પહેલું વચનામૃત આ દિવસે આપ્યંુ હતું. સ્વામિનારાયણ સંતોના કહેવા મુજબ એ સમયે ચાર નંદ સંતો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી આ ચારેય વરિષ્ઠ સંતો શ્રીજી મહારાજ જ્યાં વિચરણ કરતા હતા ત્યાં તેમની સાથે જતા હતા અને શ્રીજી મહારાજ સત્સંગ સભા – કથાઓમાં જે કહેતા હતા તે આ નંદ સંતો કલમથી ખરડામાં ઉતારતા હતા. એ સમયે પેનથી કાગળ પર લખવામાં આવતંુ ન હતું. શાહીના ખડિયામાં કલમ બોળીને જાડા અને લાંબા ખરડામાં શબ્દોથી લખવામાં આવતું હતંુ.
ચાર નંદ સંતોએ આમ તો ૧૮૭૬ પહેલાંથી સ્વામિનારાયણ ભગવાનના પ્રવચનોને ખરડામાં લખવાની શરૃઆત કરી દીધી હતી. મુક્તાનંદ સ્વામી ગઢડા બાદ સુરત આવ્યા ત્યારે અન્ય સંતોએ શ્રીજી મહારાજનાં વચનોને શબ્દદેહ આપતા હતા. ફરી તેઓ ગઢડા આવ્યા અને સંતોએ જે લખ્યંુ હતું તેને સારી રીતે વર્ગીકૃત કરીને ભગવાન સ્વામિનારાયણને બોટાદ પાસે આવેલા લોયા ગામની એક બેઠક સમયે બતાવીને કહ્યું કે આપના કથા-કીર્તન દરમિયાન આપ જે ઉપદેશ આપો છો તેને આ સંતો ખરડામાં લખે છે. જેથી ભવિષ્યમાં તે અન્યો માટે પ્રેરણાદાયી બની શકે. શ્રીજી મહારાજ આ જાણીને ખૂબ રાજી થયા. તેમણે આ કાર્યને આગળ વધારવાનંુ કહ્યું અને સાથે એવું સૂચન કર્યું કે આપ સ્થળ, સમય, વાર – તિથિ અને વસ્ત્રો અલંકારનો પણ તેમાં ઉલ્લેખ કરજો એટલે જ્યારે પણ કોઈ વાંચે તો તેમની નજર સમક્ષ એક દ્રશ્ય ખડુ થઈ જાય. સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત પ્રભુ સ્વામી મહારાજ કહે છે કે, વચનામૃતનો આરંભ ગઢડામાં દાદા ખાચરના દરબારથી થયો હતો. ત્યાર બાદ શ્રીજી મહારાજ સારંગપુર, કારિયાણી, લોયા, અમદાવાદ, વડતાલ સહિતનાં સ્થળોએ વિચરણ કર્યું ત્યારે તેમણે સત્સંગ સભાઓ અને હરિભક્તો સાથેની વાતચીત દરમિયાન જે વિચારો વ્યક્ત કર્યા, ઉપદેશ આપ્યો તેનું નિરૃપણ શબ્દો રૃપે નંદ સંતોએ ખરડામાં ઉતાર્યું હતું. લગભગ દસેક વર્ષ સુધી વચનામૃતને લખવાનું કાર્ય ચાલ્યું હતું. વચનામૃતમાં કુલ ર૬ર પ્રકરણો છે. શ્રીજી મહારાજને હરિભક્તો અને સંતોએ પૂછેલા ૬ર૧ પ્રશ્નોનો ઉત્તર અને ૧૬પ કૃપા વાક્યો તેમાં સામેલ કરાયા છે. વ્યક્તિના જીવનનાં દરેક પાસાંઓને તેમાં વણી લેવામાં આવ્યાં છે. સંત સમાગમ, ઈશ્વરમાં શ્રદ્ધા કેમ રાખવી, વાસના, વેદાંત, માન, ઈર્ષા, સંસાર અને વૈરાગ્ય જેવા અલગ અલગ વિષયો પર તેમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
વચનામૃતનંુ રસપાન કરવાથી દરેક સમસ્યાઓનું સમાધાન મળે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના લાખો-કરોડો હરિભક્તો માટે વચનામૃત એ તો પ્રભુનો પ્રસાદ છેે. નંદ સંતોએ બસ્સો વર્ષ પૂર્વે આ ગ્રંથ લખ્યો હતો. શુકાનંદ સ્વામી લખવામાં માહીર હતા. એવું કહેવાય છે કે લખી લખીને તેમની એક આંગળી વાંકી થઈ ગઈ હતી. સ્વામિનારાયણ ભગવાનના વિચારોને પેઢીઓ સુધી પહોંચતા કરવા અને તેને આચરણમાં મુકી શકાય તે હેતુથી વચનામૃત તૈયાર કરવામાં આવ્યું હતું. મૂળ ખરડા સ્વરૃપે તેયાર થયું ત્યારે એ અલગ લિપિમાં હતું. પછી સમયની સાથે તેની ગુજરાતી સહિતની અલગ-અલગ ભાષાઓમાં આવૃત્તિઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વચનામૃત લખવાની શરૃઆત કરવામાં આવી એ અવસરને વર્તમાન વર્ષ ઈ.સ.ર૦૧૯માં બસ્સો વર્ષ પુરાં થઈ રહ્યાં છે. સુરત ગુરુકુળમાં સંતોની હાજરીમાં મળેલી એક સભામાં વચનામૃતનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનું વિચાર બીજ મૂકનાર પ્રભુ સ્વામી કહે છે કે, વર્ષ ડિસેમ્બર ર૦૧૩માં જ્યારે મેં વચનામૃતના દ્વિશતાબ્દી અવસરની ઉજવણીનો વિચાર અન્યો સમક્ષ મુક્યો ત્યારે તેને તમામે વધાવી લીધો હતો. આપણે મોટા ઉત્સવ તરીકે તેને ઊજવવો જોઈએ. આચાર્ય અને સંપ્રદાયના વરિષ્ઠ સંતોએ પણ પ્રસન્નતા વ્યક્ત કરીને વચનામૃતનો દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલના આંગણે યોજવાની જાહેરાત કરી હતી. સંપ્રદાય માટે આ મહામૂલો અવસર છે. સુરત વેડ રોડ ગુરુકુલમાં વચનામૃતના દ્વિશતાબ્દી પર્વને અનુલક્ષીને ર૦૧૩થી અખંડ પાઠ ચાલી રહ્યા છે. ગુરુકુલના રાજકોટ, સહિતના તમામ કેન્દ્રોમાં જુદા જુદા કાર્યક્રમો થઈ રહ્યા છે. વડતાલના આંગણે આચાર્ય રાકેશપ્રસાદજી, સંત વલ્લભસ્વામી, દેવપ્રકાશ સ્વામી, નૌતમ સ્વામી સહિત અનેક વરિષ્ઠ સંતો અને હરિભક્તોની આગેવાનીમાં મહાઉત્સવની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
વચનામૃતનો ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો છે, તે હાલ ગામડે ગામડે ફરીને વચનામૃતની દ્વિશતાબ્દી મહોત્સવની જાણકારી લોકોને આપી રહ્યો છે. દિવાળી બાદ ગામેગામથી હરિભક્તોનો સમૂહ વડતાલના માર્ગો પર જવા પ્રયાણ કરશે. લાંબા સમય બાદ સંપ્રદાયના આંગણે એક અમૂલ્ય અવસર આવ્યો હોઈ સંતો-મહંતો અને સત્સંગીઓમાં હરખની હેલી જોવા મળી રહી છે. માત્ર વડતાલ સંપ્રદાય જ નહીં, પણ બીએપીએસ ઉપરાંત વાસણા-મણિનગર સ્થિત સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પણ વચનામૃતના દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવા અનેક કાર્યક્રમોનંુ આયોજન કર્યું છે.
——-.
૧પ૦૦ કિલો ગીર ગાયના ઘીની આહુતિ અપાશે
વડતાલના આંગણે તા. ૬થી ૧ર નવેમ્બર સુધી યોજાનારા વચનામૃત મહાઉત્સવમાં ર૦૦ કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે. તેની જવાબદારી એસજીવીપી ગુરુકુલ – છારોડીને સોંપવામાં આવી છે. આ સંસ્થાના વડા માધવપ્રિય સ્વામીના માર્ગદર્શન હેઠળ ભક્તિપ્રકાશ સ્વામી આ અંગેની જવાબદારી સંભાળી રહ્યા છે. આ વિરાટ યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ૧પ૦૦ કિલો ગીરના ગાયના ઘીની આહુતિ આપવામાં આવશે. સાથે ૧ર૦૦ કિલો ડાંગર, ૪૦૦ કિલો જવ અને ર૦૦ કિલો તલની આહુતિ અપાશે. વિશાળ ભૂમિ પર યજ્ઞશાળા પરિસરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ વડતાલ ખાતે યજ્ઞશાળા પરિસરમાં યજ્ઞકુંડ બનાવવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. ભૂમિ પૂજન અને ધ્વજારોહણ સાથે આ કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો.
—————————————————–.