તમારા માટે, તમારી સાથે, સતત…

રમત-જગતમાં કારકિર્દી બનાવવાના અઢળક વિકલ્પ

સ્પોર્ટ્સ સાયન્સમાં સ્નાતક થયેલા યુવાનો માટે કારકિર્દીના ઘણા વિકલ્પો રહેલા છે

0 246
  • નવી ક્ષિતિજ – હેતલ રાવ

ખેલ જગત દરેક માટે પ્રથમ પસંદ છે. આ ક્ષેત્ર પણ માનીતું અને જાણીતંુ છે. એમ પણ કહી શકાય કે હાલના સમયમાં તો રમત-ગમતની દુનિયા અબજો ડૉલરના ઉદ્યોગની બની ચૂકી છે. સ્પોટ્ર્સ મેડિસિન, સ્પોટ્ર્સ લૉ અને સ્પોટ્ર્સ મૅનેજમૅન્ટમાં નિપુણ યુવાનો માટે આ ક્ષેત્રે બેસ્ટ કારકિર્દી છે. નોકરીના પણ અઢળક વિકલ્પ આ ક્ષેત્રે જોઈ શકાય છે.

રમત-ગમતનું વિશ્વ આજની જનરેશન માટે ઘણુ વિશાળ છે. આ ક્ષેત્રે રસ દાખવતા અને તેના માટે ઝનૂન ધરાવતા યુવાનો માટે અહીં કારકિર્દી બનાવવી સપના જેવી છે. ખેલ જગતમાં કરિયર બનાવવું આજના દૌરમાં બિલકુલ પરફેક્ટ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ, ઇન્ડિયન સુપર લીગ, પ્રો કબડ્ડી લીગ જેવા આયોજનની સફળતા પછી સ્પોટ્ર્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ થયા છે. સ્પોટ્ર્સ મેડિસિન અને મૅનેજમૅન્ટ વિશે પહેલાં ઘણી ઓછી જાણકારી હતી, પરંતુ હવે આ ક્ષેત્ર પણ ઘણા જાણીતા બની ગયા છે. સ્પોટ્ર્સ લૉની વાત કરીએ તો હજુ તેની શરૃઆત છે તેમ કહેવું વધુ યોગ્ય ગણાશે. જોકે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ ક્ષેત્રમાં સારી તક મળવાની શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને ખેલાડી ટીમ, લીગ અથવા એસોસિયેશન સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટ જેવી કાયદાકીય બાબતોમાં તેમની મદદ લેવામાં આવે છે. તેવી જ રીતે સ્પોટ્ર્સ સાયન્સ અન્ય ક્ષેત્રો કરતાં નવંુ ક્ષેત્ર છે. રમત કોઈ પણ હોય સ્પોટ્ર્સ સાયન્સનો અભ્યાસ રમતમાં રસ રાખનારા યુવાનોને કારકિર્દી ઘડવા માટે અનેક વિક્લ્પ આપે છે. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન યુવાનોમાં સ્પોટ્ર્સ સાયન્સને લઈને ઘણી ઉત્સુક્તા જોવા મળી રહી છે. આજના સમયમાં સ્પોટ્ર્સ સાયન્ટિસ્ટની માગ પણ વધી રહી છે. જેમાં કારકિર્દી બનાવવા માટે ઉમેદવાર ફિઝિકલ એજ્યુકેશનમાં ટૉપ હોય તે જરૃરી નથી, પરંતુ હા, રમત-ગમતમાં વિશેષ રસ હોવો જોઈએ. એટલંુ જ નહીં, વિજ્ઞાનના સિદ્ધાંતો પર ઝીણવટભર્યું ધ્યાન રાખવું મહત્ત્વનું છે. સ્પોટ્ર્સ સાયન્સમાં શરીર અને મગજની ક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત અભ્યાસમાં ફિઝિયોલૉજી, સાઇકોલૉજી, બાયોમિકેનિક્સ અને ખેલાડીઓની કામગીરી તથા સ્વાસ્થ્ય જેવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવે છે.

પ્રવેશ પ્રક્રિયા

ભારતમાં ઘણી સંસ્થાઓ સ્પોટ્ર્સ સાયન્સ સાથે જોડાયેલા સ્નાતક અને અનુસ્નાતક સ્તરના કોર્સ ચલાવે છે. જેમાં ખાસ કરીને ફિઝિકલ એજ્યુકેશન અને બાયોલૉજીની સમજ હોય તેવા વિજ્ઞાનના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પસંદ કરવામાં આવે છે. સાઇકોલોજી વિષયના વિદ્યાર્થીઓને પણ પ્રવેશમાં પ્રાથમિકત્તા આપવામાં આવે છે. સ્નાતક સ્તર પર બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન (બીપીએડ), બીએસસી (સ્પોટ્ર્સ સાયન્સ), બીએસસી (સ્પોટ્ર્સ સાયન્સ એન્ડ ન્યૂટ્રિશન) અને બીએસસી (ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોટ્ર્સ સાયન્સ) જાણીતા કોર્સ છે. આ ઉપરાંત બીબીએ (સ્પોટ્ર્સ મૅનેજમૅન્ટ) અને બીએ (સ્પોટ્ર્સ મૅનેજમૅન્ટ) કોર્સ પણ કરી શકાય છે. આ જ રીતે માસ્ટર લેવલ પર સ્પોટ્ર્સ સાયન્સ, સ્પોટ્ર્સ મૅનેજમૅન્ટ, સ્પોટ્ર્સ ટૅક્નોલોજી, સ્પોટ્ર્સ બિઝનેસ અને સ્પોટ્ર્સ સાયન્સ એન્ડ ન્યૂટ્રિશન સાથે જોડાયેલા ડિગ્રી અને ડિપ્લોમા લેવલના કોર્સ પણ કરી શકાય છે.

કારકિર્દી માટેના વિકલ્પ

સ્પોર્ટ્સ સાયન્સમાં સ્નાતક થયેલા યુવાનો માટે કારકિર્દીના ઘણા વિકલ્પો રહેલા છે. જેમ કે શૈક્ષણિક સંશોધન તરફ આગળ વધી શકે છે, ફિઝિયોથેરાપિસ્ટ અથવા વ્યાવસાયિક કોચ પણ બની શકે છે. રમતમાં સંચાલન કરવાની તક પણ મળી રહે છે. સ્પોટ્ર્સ ન્યુટ્રિશન અને સ્પોટ્ર્સ સાઇકોલોજી જેવા ક્ષેત્રોમાં પોતાની વિશેષતા દર્શાવવાના અવસર મળી રહે છે.સ્પોટ્ર્સ સાયન્સ જેવા વ્યવસાયમાં આવવા માટે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી જરૃરી છે. કોચના હોદ્દા માટે વ્યાવસાયિક અનુભવ મહત્ત્વનો છે. માટે અભ્યાસ દરમિયાન યુવાનોએ જુદી-જુદી જગ્યાએ ઇન્ટર્નશિપ કરવી કારકિર્દી માટે મદદરૃપ બની રહે છે. જ્યારે રમત-ગમત પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી પણ અનુભવ મળી રહે છે.

સ્પોટ્ર્સ ટીચર ઃ રમતમાં રસ દાખવતા યુવાનો માટે સ્પોટ્ર્સ ટીચર કરિયર માટે બેસ્ટ વિક્લ્પ છે. ભારત સરકાર દ્વારા રમત-ગમતને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં સ્પોટ્ર્સ ટીચરની નિયુક્તિ કરવામાં આવે છે. સ્નાતક ડિગ્રી મેળવ્યા પછી કોઈ પણ યુવાન બીએડ કરી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્પોટ્ર્સ ટીચર માટે અરજી કરી શકે છે. શાળા સ્તરથી લઈને વ્યાવસાયિક સ્પોટ્ર્સ સુધી કોર્સની માગ રહેલી છે. કોચ બનવા માટે કૉલેજથી શરૃઆત કરી શકાય છે. અનુભવના આધારે ધીમે-ધીમે મુખ્ય કોચના લેવલ સુધી પહોંચાય છે.

ખેલ પત્રકારત્વ ઃ આ ક્ષેત્ર રમત સાથે જોડાયેલા સમચારો અને વ્યક્તિઓ સાથે જોડાયેલું છે. આ ક્ષેત્રમાં યુવાનો દરેક મીડિયા સંસ્થાઓમાં પત્રકાર, ટેલિવિઝનમાં એન્કર અથવા રિપોર્ટર, કોમેન્ટેટર અને સ્પોટ્ર્સ રેડિયો શૉ પ્રેઝન્ટર પણ બની શકે છે. જેની માટે તમામ રમતની જાણકારી હોવી જોઈએ. આ ક્ષેત્રમાં ડગ માંડનારા યુવાનોમાં વાતચીત કરવાની કુનેહ હોવી જોઈએ એટલે કે સંવાદના સૂર ઉમદા બની રહે તે મહત્ત્વનું છે. પત્રકારત્વમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરનારા યુવાનો માટે આ ક્ષેત્ર સારું છે.

ફિટનેસ એક્સપર્ટ ઃ કોઈ પણ રમતમાં ખેલાડીઓના ફિટનેસ એક્સપર્ટ બનવું તે પણ કારકિર્દી માટેનો સારો વિકલ્પ છે. જેની માટે ફિટનેસ મૅનેજમૅન્ટ અને હેલ્થ એન્ડ ફિટનેસમાં બેચરલ કોર્સનો અભ્યાસ કરી શકાય છે. આ ઉપરાંત ઘણી બધી સંસ્થાઓમાં માસ્ટર સ્તર પર હેલ્થ, ફિટનેસ મૅનેજમૅન્ટ અને ફિઝિયોલૉજીનો અભ્યાસ કરાવવામાં આવે છે.

Related Posts
1 of 289

સ્પોટ્ર્સ સાઇકોલૉજી ઃ રમતની જરૃરિયાત પ્રમાણે દરેક રમતવીરને માનસિક રીતે સ્વસ્થ રાખવાની જવાબદારી સ્પોટ્ર્સ સાઇકોલોજિસ્ટની છે. એટલંુ જ નહીં, પરંતુ રમતમાં પરાજય મેળવ્યા પછી ખેલાડીઓને માનસિક રીતે મજબૂત રાખવાની અને તેમનો જુસ્સો ટકી રહે તે જોવંુ પણ સ્પોટ્ર્સ સાઇકોલોજિસ્ટના કામનો ભાગ છે.

સ્પોટ્ર્સ મૅનેજમૅન્ટ ઃ આઇપીએલ જેવી રમતના આયોજન થવાના કારણે સ્પોટ્ર્સ મૅનેજમૅન્ટની તક યુવાનોને મળી છે. ટૂર્નામેન્ટ અને રમત સાથે જોડાયેલા કોઈ પણ પ્રોગ્રામનું આયોજન સ્પોટ્ર્સ મેનેજરની સેવા વગર શક્ય નથી.

સ્પોટ્ર્સ ડાયટિશિયન ઃ ખેલાડી કેવા પ્રકારનો ખોરાક લે છે તે જોવાનું કામ સ્પોટ્ર્સ ડાયટિશિયનનું છે, કારણ કે દરેક રમતવીર પર તેની ખાણી-પીણીની ખાસ અસર હોય છે. કોઈ પણ ખોરાકને વધુ ખાવાથી તેમની ક્ષમતા પર માઠી અસર પડે છે. તેવી જ રીતે કોઈ ઊણપ હોય તો ખોરાકનું મૅનેજમૅન્ટ કરવું પણ અનિવાર્ય બની રહે છે. માટે આ પ્રોફેશનલ્સની માગ ખેલ-જગતમાં વધુ રહેલી છે.

રમત-જગતમાં કારકિર્દી બનાવવા માટે માત્ર શોખ જ નહીં, પરંતુ ઝનૂન પણ જરૃરી છે. આ ક્ષેત્ર પ્રતિસ્પર્ધીઓથી ભરેલંુ છે માટે થોડી ઘણી પણ બેદરકારી પ્રતિભાશાળી લોકોને પણ પાછળ ધકેલી દે છે. માટે આ ક્ષેત્રમાં ડગ માંડતા પહેલાં દરેક પાસાંઓનું જ્ઞાન મેળવી લેવું અનિવાર્ય છે.
—-.

મુખ્ય સંસ્થાઓ

*           ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોટ્ર્સ સાયન્સ, ડીયૂ સિમ્બાયોસિસ સ્કૂલ ઓફ સ્પોટ્ર્સ સાયન્સ, પુણે

*           મેજર ધ્યાનચંદ સ્પોટ્ર્સ કૉલેજ, ઉત્તર પ્રદેશ

*           નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોટ્ર્સ, પટિયાલા

*           અટલબિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ એન્ડ એલાઇડ સ્પોટ્ર્સ, મનાલી

*           ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત
———————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »