તમારા માટે, તમારી સાથે, સતત…

કચરાનો નિકાલ કરી આવક કરતી પાલિકા

આણંદ જિલ્લાની પેટલાદ નગરપાલિકા એ સોલિડ વેસ્ટમાંથી બેસ્ટ કરી બતાવ્યું છે

0 439
  • પહેલ – હેતલ રાવ

ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાની એક નાની નગર પાલિકાએ સમગ્ર દેશમાં પોતાની આગવી છબી ઊભી કરી છે. મેટ્રો સિટી હોય કે નાનાં ગામડાંઓ પરંતુ સ્વચ્છતાને સંપૂર્ણ પણે અનુસરવામાં લોકો જાણીને કે અજાણતા ઢીલ કરતા હોય છે, પરંતુ પેટલાદ ન.પા.એ પોતાના શહેરને સમગ્ર રીતે કચરા મુક્ત બનાવ્યું છે. એટલું જ નહીં તેનો નિકાલ કરી આવક પણ ઊભી કરી છે.

દેશમાં હાલ સ્વચ્છ અભિયાનની મુહિમ ચાલી રહી છે, સ્વચ્છતા માટે તમામ રાજ્યો એકજૂટ થઈને કામે લાગી ગયા છે. સ્વચ્છ અભિયાન માટે જાગૃતિ સહિત પ્રચાર માધ્યમ અને એક્શન પ્લાન સાથે પ્રશાસન કમર કસી રહી છે. વડાપ્રધાને લાલકિલ્લા પરથી ૧૫ ઑગસ્ટે પોતાના ભાષણમાં સ્વચ્છ ભારતની હાકલ કરીને સિંગલ ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પર પ્રતિબંધનો અનુરોધ કર્યો છે. દેશમાં સૌથી મોટી સમસ્યા કચરાની છે, તેનો નિકાલ જટિલ પ્રશ્ન છે. અને તેના કારણે  વાતાવરણ પણ પ્રદૂષિત થાય છે. જેમાંથી ગુજરાત પણ બાકાત નથી. રોજબરોજ  લાખો ટન કચરો નિયત કરેલી જગા પર એકત્રિત થાય છે તેના નિકાલ માટે માત્ર કાગળ પર એકશન પ્લાન હોય છે પરંતુ વાસ્તવિકતા બહુ દૂર હોય છે. પીરાણા કચરાની ઢગ સાઇટ તેનું ઉત્તમ ઉદાહરણ છે. હાલ તેના પર કામગીરી કરવાનો પ્લાન અંડરરાઇપ લાઇન છે. એ જોવાનું રહ્યું કે તે કયારે પરિપૂર્ણ થાય છે. સોલિડ વેસ્ટમાંથી બેસ્ટ કરી શકે તેવી કામગીરી કરી શકે તેવા તંત્રની અને અધિકારીની જરૃર છે. જે વાતો નહિ પરંતુ નક્કર કામ કરીને વેસ્ટમાંથી બેસ્ટ કરી શકે. આજે આપણે એવી જ નગરપાલિકાની વાત કરવાની છે જેને સોલિડ વેસ્ટમાંથી બેસ્ટ કરીને ગુજરાતમાં પોતાનું એક અનોખું દષ્ટાંત પૂરું પાડ્યું છે.

આણંદ જિલ્લાની પેટલાદ નગરપાલિકા એ સોલિડ વેસ્ટમાંથી બેસ્ટ કરી બતાવ્યું છે. ૫૫ હજારની વસ્તી ધરાવતી નાની નગરપાલિકાએ ઘણુ મોટું કાર્ય કર્યું છે. એક સમય એવો હતો જ્યારે પેટલાદ શહેરમાં ચોમેર ગંદકી અને કચરાના ઢગ જોવા મળતા હતા. કચરા માટે રાખેલા કન્ટેનર ભરાઇ જતા અને કચરો ગમે ત્યાં પડ્યો રહેતો. નગરપાલિકાની ડોર ટુ ડોર  કચરો ઉઘરાવવાની યોજના હોવા છતાં પણ કચરાનો નિકાલ અન્ય શહેરની જેમ જ પેટલાદ શહેર માટે પણ જટિલ સમસ્યા હતી, પણ હવે આ વાત ભૂતકાળ બની ગઇ છે, કારણ કે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે ભારે જહેમત ઉઠાવીને પોતાના દૃઢ નિશ્ચય સાથે આ સમસ્યાનું સમાધાન શોધ્યું. એટલું જ નહીં, નાના શહેરની આ નગરપાલિકા સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓ માટે અને સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૃપ છે. તેમણે સોલિડ વેસ્ટમાંથી બેસ્ટ કરીને આજે પેટલાદને સ્વચ્છ અભિયાનરૃપે સાર્થક કરી બતાવ્યું છે. એટલું જ નહીં, કચરાનો નિકાલ તો કરવામાં આવ્યો જ પરંતુ તે માટે જે રીત અપનાવવામાં આવી તેના દ્વારા નગરપાલિકાને આવકનો નવો સ્ત્રોત પણ ઊભો થયો.

સમગ્ર શહેરમાંથી ડોર ટુ ડોર ફરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાથે ભીનો અને સૂકો કચરો અલગથી લેવામાં આવે છે. આ કચરો પાલિકા દ્વારા ઊભા કરાયેલા પ્લાન્ટ ખાતે લઇ જવામાં આવે છે. જ્યાં ભીનો કચરો મશીનમાં નાંખીને તેમાંથી ખાતર બનાવાય છે. એટલંુ જ નહીં સૂકવીને તૈયાર થયેલું આ આર્ગેનિક ખાતર વેપારીઓને વેચવામાં આવે છે. જ્યારે પ્લાસ્ટિકના કચરામાંથી ક્રૂડ ઓઇલ બનાવવા માટેનો પ્લાન્ટ પણ અહીં બનાવવામાં આવ્યો છે.

પેટલાદ નગરપાલિકા સમગ્ર ગુજરાતમાં એવી પહેલી નગરપાલિકા છે જે સેગ્રીકેશન એસ્કુઝ એટલે કે સ્થળ ઉપર જ કચરાનું વર્ગીકરણ કરી અલગ-અલગ કચરો લાવે છે. ભીના કચરામાંથી ખાતર બનાવે છે જ્યારે  સૂકા કચરામાંથી જે પ્લાસ્ટિક છે તે વેસ્ટમાંથી ઓઇલ બનાવવામાં આવે છે જે પ્રેટો ઓલ્ટેનેટ ફ્લ્યુ તરીકે જાણીતું છે જે ડીઝલના જેવી ક્વૉલિટી ધરાવે છે.

Related Posts
1 of 319

પેટલાદ શહેરને ઝીરો વેસ્ટ શહેર બનાવવા માટે શહેરમાં કોઈ પણ સ્થળે કચરાના ઢગ ઊભા ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું. સાથે વાણિજ્ય તેમ જ રહેણાક વિસ્તારમાંથી એકત્ર કરાયેલો ભીનો અને સૂકો કચરો પ્લાન્ટ ખાતે પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી.

પ્લાન્ટ પર લાવવામાં આવતા કચરામાંથી બારથી પંદર દિવસમાં ખાતર તૈયાર થઈ જાય છે. રોજના કચરાનું પ્રોસેસિંગ રોજે રોજ થઈ જાય તેવી જ વ્યવસ્થા છે. પેટલાદ નગરપાલિકા  કોઇ પણ કચરાને લેનફીલ કરતા નથી, ફંેકતા નથી જે સીએનડી વેસ્ટ આવે છે તેને ફીલિંગમાં અને અન્ય ઉપયોગમાં લેવામાં આવે છે. જો રસ્તા પર સીએનડી વેસ્ટ કચરો જોવા મળે તો આકરા દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે. સૂકા કચરામાંથી નિકળતા પ્લાસ્ટિકના ઝભલા તેમજ રદ્દી પ્લાસ્ટિકના નિકાલ માટે  અને વેસ્ટ ટુ એનર્જી માટે પેટલાદમાં પાલિકાની માલિકી ધરાવતા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક મશીનરી લગાવીને પાંચસો કિલો પ્લાસ્ટિકની ક્ષમતા ધરાવતંુ પ્લાસ્ટિક પાયોરિટી પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે.

કચરામાંથી નિકળતા પ્લાસ્ટિકને નાશ કરીને તેમાંથી ઓઇલ બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ પાલિકામાં કાર્યરત સાધનોમાં કરવામાં આવે છે. આ પ્લાન્ટમાંથી દરરોજ ૧૫૦થી ૨૦૦ લિટર ક્રૂડ ઓઇલ ઉત્પન્ન કરવામાં આવે છે. જેનો ઉપયોગ ખાતર બનાવવા અને ક્રૂડ ઓઇલ બનાવવા માટેના પ્લાન્ટમાં જ ઈંધણ તરીકે થાય છે. આગળ જતા આ ઓઇલનો ઉપયોગ ડીઝલના વિક્લ્પ તરીકે પણ થઈ શકશે જેનાથી લોકોને મોટો ફાયદો થશે.

આ ઈંધણથી નગરપાલિકાને દિવસના ૩૫૦૦થી ૭૦૦૦ રૃપિયા સુધીની બચત થાય છે. એટલે કે એક મહિનાની લગભગ લાખ રૃપિયા અને વર્ષે બાર લાખ રૃપિયા જેટલી બચત થાય છે. જો આ ઈંધણ વેચવામાં આવે તો તેમાંથી પણ આવક થઇ શકે. આ જ રીતે શહેરમાંથી દરોજ નિકળતા પંદર ટન કચરાને પ્લાન્ટમાં પ્રોસેસિંગ કરી બનાવવામાં આવતા ખાતરમાંથી પાલિકાને વર્ષે ૭૫ લાખ જેટલી આવક થશે. એટલે આગામી સાતએક વર્ષમાં પ્લાન્ટ પાછળ કરેલો ખર્ચ આવકમાંથી જ ભરપાઈ થઈ જશે.

આ સિવાય લીલા નાળિયેરના રેસાને છૂટા પાડવા માટે પણ મશીન લગાવવામાં આવ્યંુ છે. આ રેસાનો ઉપયોગ ગાદલા અને સોફા બનાવવા માટે થઈ શકશે. આ વિશે વાત કરતા નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલ ઠાકર કહે છે, ‘આ કાર્ય મારી પાલિકીની ટીમના સહયોગ વગર અધૂરું કહી શકાય. મારા દરેક કામમાં તેમનો પૂર્ણ સહયોગ મળ્યો છે. પ્લાન્ટમાં કુલ ૨૧ લોકો કામ કરે છે. દરેક કામ અમે જાતે જ કરીએ છીએ કોઇ પણ એજન્સીને સાંેપવામાં નથી આવ્યું. સમગ્ર પેટલાદમાં કોઈ પણ જગ્યાએ ડસ્ટબિન રાખવામાં નથી આવ્યા છતાં પણ શહેરમાં ક્યાંય પણ કચરો જોવા નહીં મળે. જે જગ્યા પર પહેલા કચરાના ઢગ રહેતા હતા હાલમાં તે જગ્યાએ સુવાક્ય લખી સુંદર રીતે મોડીફાઇડ કરવામાં આવી છે જેના કારણે શહેરીજનો પણ ઉત્સાહમાં છે. પ્લાન્ટની વાત કરું તો કચરાની સાઇટ છે ત્યાંથી નિકળતા મોઢા પર રૃમાલ રાખવો પડે તેવી માન્યતાને અમે તોડી પાડી છે. આશરે પોણા બે કિલોમીટરની વાડ ધરાવતા પ્લાન્ટની ફરતે અમે અનેક ઝાડની રોપણી કરી છે. ઉપરાંત પ્લાન્ટમાં પણ સુંદર ફૂલ, છોડ, વેલનું વાવેતર કરવામાં આવ્યંુ છે. પેટલાદ શહેરમાંથી કચરાના નિરાકરણ સાથે શહેરમાં ચોતરફ સ્વચ્છતા રહે અને સાથે જ લોકોમાં વધુને વધુ જાગૃતિ આવે તેવા અમારા સતત પ્રયત્ન છે.’

આજે દરેક શહેરમાં કચરાનો નિકાલ મોટી સમસ્યા બની ગઈ છે ત્યારે પેટલાદ નગરપાલિકાએ સમસ્યાને સમાધાન બનાવી કચરામાંથી પણ આવક ઊભી કરી અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.
————————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »