ગુજરાતના ક્રિક્રેટ એસોસિયેશનોમાં યુવા નેતૃત્વની બોલબાલા
અમે હવે એવો વિચાર કરી રહ્યા છીએ કે ભારતનું પહેલંુ ઇન્ડોર ક્રિકેટ સ્ટેડિયમ રાજકોટમાં બનાવવંુ છે.
- સ્પોર્ટ્સ – દેવેન્દ્ર જાની
સૌરાષ્ટ્ર – ગુજરાતને ક્રિક્રેટ સાથેનો જૂનો નાતો છે. જામનગરના રાજવી જામ રણજિતસિંહ ઈંગ્લેન્ડ વતી રમી ચૂક્યા છે અને ડોમેસ્ટિક ક્રિક્રેટમાં જેમનંુ મહત્ત્વ છે તે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ પણ તેમના નામે રમાઈ રહી છે. રાષ્ટ્રીય સ્તરે ક્રિક્રેટના ખેલાડીની વાત હોય કે બીસીસીઆઈમાં ઍડ્મિનિસ્ટ્રેટિવનો વિષય હોય, ગુજરાતનો હંમેશાં દબદબો રહ્યો છે. લાંબા સમય બાદ ગુજરાતનાં મુખ્ય ત્રણ ક્રિક્રેટ એસોસિયેશનના સંચાલનમાં મોટો બદલાવ આવ્યો છે. યુવા લોકોના હાથમાં એસોસિયેશનનું સુકાન સોંપવામાં આવ્યું છે ત્યારે વર્તમાન સમયની સાથે કદમ મિલાવીને યુવા સંચાલકોનો કેવો છે રોડ મેપ એ જાણવા અમે કોશિશ કરી છે.
ક્રિકેટના ઇતિહાસ પર નજર કરીએ તો ૧૯ર૯માં ભારતીય ક્રિકેટ બોર્ડની રચના કરવામાં આવી હતી. એ પહેલાં સૌરાષ્ટ્રમાં ક્રિક્રેટ ખૂબ રમાતી હતી. ખાસ કરીને રાજપરિવાર ક્રિક્રેટમાં ખૂબ સક્રિય રહેતો હતો. જામનગરના રાજવી જામ રણજિતસિંહજી ઇંગ્લેન્ડની ટીમ વતી રમી ચૂક્યા છે. એટલું જ નહીં, ડોમેસ્ટિક ક્રિકેટમાં જેમનંુ વિશેષ મહત્ત્વ છે તે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ તેમના નામે રમાઈ રહી છે. ૧૯૩૪માં જામ રણજીના નામે રણજી ટ્રોફીનો આરંભ કરવામાં આવ્યો હતો. એ સમયે સૌરાષ્ટ્રમાંથી બે ટીમો રણજી મેચોમાં ઉતારવામાં આવતી હતી. એક ટીમ નવાનગર (જામનગરને એક સમયે નવાનગર કહેવાતું હતંુ) અને બીજી ટીમ વેસ્ટર્ન ઇન્ડિયા ક્રિક્રેટ એસોસિયેશન (વિસ્કા)ના નામે રમાતી હતી. જામનગર સિવાયના સૌરાષ્ટ્રના ખેલાડીઓનો સમાવેશ આ ટીમમાં કરવામાં આવતો હતો. રાજકોટની પ્રતિષ્ઠિત રાજકુમાર કૉલેજની ૧૮૭૦માં સ્થાપના કરવામાં આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં ક્રિકેટને પ્રોત્સાહન મળ્યું હતું. બહુ ઓછા લોકો જાણતા હશે કે મહાત્મા ગાંધી રાજકુમાર કૉલેજમાં ક્રિકેટ રમી ચૂક્યા છે. સૌરાષ્ટ્રે ભારતીય ક્રિક્રેટને વિનુ માંકડ, કરશન ઘાવરી, ધીરજ પરસાણા, સલીમ દુરાની જેવા અનેક દિગ્ગજ ખેલાડીઓ આપ્યા છે તો નવી પેઢીના ક્રિક્રેટરોમાં ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રની ટીમનું જ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રની જેમ વડોદરાના રાજ પરિવારનો પણ ક્રિક્રેટ પ્રત્યેનો લગાવ ખૂબ જાણીતો છે. વડોદરાએ પણ અનેક ખેલાડીઓની ભેટ આપી છે.
પૂર્વ ભૂમિકા બાદ વાત કરીએ વર્તમાનના વિષયની તો ગુજરાતના ત્રણ મોટા ક્રિક્રેટ એસોસિએશનનો છે જેમા સોૈરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન, ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અને બરોડા ક્રિકેટ એસોસિયેશનનો સમાવેશ થાય છે. દાયકાઓ બાદ ગુજરાતના આ ત્રણેય ક્રિકેટ એસોસિયેશનમાં નવા સંચાલકોની ટીમ આવી છે. યુવા નેતૃત્વએ એસોસિયેશનનું સુકાન સંભાળ્યું છે. સમયની સાથે ક્રિકેટની તાસીર અને તસવીર બદલાઈ છે ત્યારે આ એસોસિયેશનના નવા સંચાલકોનો આવનારા સમય માટેનો કેવો રોડ મેપ છે? ગુજરાતમાં ક્વૉલિટી ક્રિકેટ ડેવલપ થાય તે માટે કેવું છે તેમનંુ વિઝન એ જાણવા અમે પ્રયાસ કર્યો છે.
રાજકોટમાં ભારતનંુ પહેલંુ ઇન્ડોર સ્ટેડિયમ બનાવવું છે
બાર વર્ષ સુધી સૌરાષ્ટ્ર ક્રિક્રેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલા અને ૧૦૦થી વધુ મેચ રમી ચૂકેલા જયદેવ શાહ હવે સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસિયેશન (એસસીએ)ના પ્રમુખ બન્યા છે. એક ખેલાડીની ભૂમિકામાંથી બહાર નીકળીને તેઓ હવે ઍડ્મિનિસ્ટ્રેટરની મહત્ત્વની ભૂમિકામાં આવ્યા છે. તેઓ બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી અને સૌરાષ્ટ્રને અદ્યતન ખંઢેરી ક્રિક્રેટ સ્ટેડિયમની ભેટ આપનાર નિરંજનભાઈ શાહના પુત્ર છે. ક્રિક્રેટ સાથે વર્ષોથી તેમનો નાતો રહ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસિયેશનના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા બાદ ‘અભિયાન’ને આપેલી ખાસ મુલાકાતમાં જયદેવ શાહે સૌરાષ્ટ્રમાં ક્રિક્રેટને વધુ ઉત્તેજન કેમ મળે તે અંગેના વિચારો વ્યક્ત કર્યા હતા. તેઓ કહે છે, અમારી ટીમનું માનવંુ છે કે આખું વર્ષ મતલબ ૩૬પ દિવસ સુધી ક્રિક્રેટ રમાવું જોઈએ. હાલ વરસાદને કારણે અનેક વાર મેચ રદ કરવામાં આવે છે અથવા તો મેચ ડિસ્ટર્બ થાય છે ત્યારે અમે હવે એવો વિચાર કરી રહ્યા છીએ કે ભારતનું પહેલંુ ઇન્ડોર ક્રિકેટ સ્ટેડિયમ રાજકોટમાં બનાવવંુ છે. ખંઢેરીના હાલના સ્ટેડિયમની બાજુમાં જ ૧૭ એકર જમીન ખરીદી છે. આ જગ્યા પર ઇન્ડોર સ્ટેડિયમ બનાવવા માટેના પ્રોજેક્ટના સંશોધન અને ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા અંગેનું કામ શરૃ કરી દેવામાં આવ્યંુ છે. વર્તમાન ટૅક્નોલોજીના મહત્તમ ઉપયોગથી કોસ્ટ ઘટાડીને કેમ ઉત્તમ કાર્ય થઈ શકે તે દિશામાં અમારા પ્રયાસો છે.
જયદેવ શાહ કહે છે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે હાલ ૮ ડિસ્ટ્રિક્ટ એસોસિયેશન જોડાયેલાં છે. એક સમયે દેશમાં સૌરાષ્ટ્રની ટીમનો ર૮મો રેન્ક આવતો હતો આજે ટોપ ફાઇવમાં સમાવેશ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રે ભૂતકાળમાં અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે આપ્યા છે. અમારો પ્રયાસ આગામી દિવસોમાં એવો રહેશે કે વધુ ને વધુ ક્રિક્રેટ સૌરાષ્ટ્રમાં રમાતી રહે અને વધુ ને વધુ ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાં સામેલ થાય. આ પ્રયાસોના ભાગરૃપે જ સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગનો પ્રયોગ (એસપીએલ) ગયા વર્ષથી શરૃ કરવામાં આવ્યો છે. દર વર્ષે આ લીગ યોજાશે તેના કારણે સ્થાનિક ક્રિકેટરોને એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જેવા વાતાવરણનો એક મંચ મળશે. ખાસ કરીને અમારો પ્રયાસ અન્ડર ૧૪, અન્ડર ૧૬ અને અન્ડર ૧૯ને વધુ મજબૂત બનાવવાનો છે, કારણ કે ખરા ખેલાડીઓ આ લેવલ પરથી જ મળતા હોય છે.
મોટેરાના નવા સ્ટેડિયમનંુ કામ ઝડપથી પૂરું કરવાની પ્રાથમિકતા
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ) ની ભૂમિકા પણ ક્રિક્રેટના ક્ષેત્રમાં મહત્ત્વની છે. જીસીએના નવા ઉપપ્રમુખ તરીકે યુવા ઉદ્યોગ સાહસિક ધનરાજભાઈ નથવાણીએ જવાબદારી સંભાળી છે. તેઓ સાંસદ અને ઉદ્યોગપતિ પરિમલભાઈ નથવાણીના પુત્ર છે. ધનરાજભાઈ કહે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા મોટેરાના નવા ક્રિકેટ સ્ટેડિયમનું કાર્ય હાલ ચાલુ છે. જીસીએના પૂર્વ પ્રમુખ અમિતભાઈ શાહ અને પૂર્વ ઉપપ્રમુખ પરિમલભાઈ નથવાણી અને પૂર્વ જોઇન્ટ સેક્રેટરી જય શાહના માર્ગદર્શન હેઠળ સ્ટેડિયમનું લગભગ ૯૦ ટકા કાર્ય પૂરું થઈ ગયું છે. આ વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમનું કામ ઝડપથી પૂર્ણ કરીને વિશ્વને સમર્પિત કરવાનું કાર્ય મારી પ્રાથમિકતા રહેશે. આ નવા સ્ટેડિયમમાં ૧.૧૦ લાખ પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા તેમ જ ૩ હજારથી લગભગ ૧૦ હજાર ટુ વ્હીલર પાર્ક કરી શકાય તેવો વિશાળ પાર્કિંગ એરિયા અને ૭પ જેટલા કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે. કાળી અને લાલ માટીનો ઉપયોગ કરીને ૧૧ પિચ બનાવવામાં આવી છે. આ નવંુ સ્ટેડિયમ માત્ર ક્રિકેટ જ નહીં, પરંતુ ફૂટબોલ, કબડ્ડી, હોકી, ખો-ખો સહિતની રમતો માટે પણ ઉપયોગમાં લઈ શકાશે.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશને છેલ્લાં કેટલાંક વર્ષોમાં પાર્થિવ પટેલ, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ આપ્યા છે. આ ઉપરાંત પ્રિયાંક પંચાલ, મનપ્રીત જૂનેજા સહિતના ક્રિક્રેટરોએ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે. આઈપીએલ ટૂર્નામેન્ટ દ્વારા દેશ અને રાજ્યના અનેક ખેલાડીઓને પ્રોત્સાહન મળ્યંુ છે. ગુજરાતના અનેક ખેલાડીઓને આઈપીએલમાં પોતાની પ્રતિભા બતાવવાની તક મળી છે. જીસીએની આ ક્રિક્રેટરોને પ્રોત્સાહન આપવામાં અહમ ભૂમિકા રહી છે અને રહેશે.
સીએસએ, જીસીએ ઉપરાંત ગુજરાતના ક્રિક્રેટમાં બરોડા ક્રિક્રેટ એસોસિયેશન
(બીસીએ)નું સ્થાન મહત્ત્વનું છે. બીસીએના હોદ્દેદારોની થોડા દિવસ પહેલાં ચૂંટણી યોજાઈ હતી તેમાં ઉદ્યોગપતિ અને બીસીસીઆઈના પૂર્વ ટ્રેઝરર ચિરાયુ અમીનના પુત્ર પ્રણવ અમીન પ્રેસિડન્ટ તરીકે અને અજિત લેલે સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. બીસીએમાં પણ યુવા સંચાલકોની નવી ટીમે સુકાન સંભાળ્યું છે.
———————–