તમારા માટે, તમારી સાથે, સતત…

પાક.માં ઈમરાનની ખુરશી ખતરામાં છે

ખુલ્લામાં શૌચ મુક્ત ભારત ઃ વાસ્તવિકતા શું છે?

0 96
  • રાજકાજ – ચાણક્ય

પાક.માં ઈમરાનની ખુરશી ખતરામાં છે
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ખતરામાં છે અને આ ખતરો પાકિસ્તાનમાં પરંપરાગત રીતે બનતું આવ્યું છે તેમ સેના તરફથી જ છે. પાકિસ્તાનમાં જે કાંઈ ચાલી રહ્યું છે અને બની રહ્યું છે તેમાં લશ્કરી બળવાના પદરવ સંભળાય છે. પાકિસ્તાની સૈન્યના વડા કમર જાવેદ બાજવાને ઇમરાન ખાનની હરકતો પસંદ નથી. સૈન્ય નથી ઇચ્છતું એવી અને સેનાની બેઇજ્જતી થાય એવી જાહેરાતો અને કબૂલાત ઇમરાન ખાન કરતા રહ્યા છે. પાકિસ્તાનમાં ત્રાસવાદના ઉછેરમાં અમેરિકાની ભૂમિકાને તેમણે આંતરરાષ્ટ્રીય મંચ પર ખુલ્લી કરી છે. તો પાકિસ્તાનમાં આતંકી સંગઠનો હોવાની કબૂલાત પણ તેઓ કરી ચૂક્યા છે. ઇમરાન ખાનને વડાપ્રધાનપદ સુધી પહોંચાડવામાં સૈન્યની ભૂમિકા મહત્ત્વની રહી છે. સૈન્યની તરફદારી વિના ઇમરાન ખાન આ પદ સુધી પહોંચી શક્યા ન હોત. બાજવાના આ ઉપકારનો બદલો ચૂકવવા તેમણે સેનાધ્યક્ષ પદે તેમની મુદતમાં ત્રણ વર્ષનો વધારો કરી આપ્યો, પરંતુ તેમની આ હરકત જ તેમને માટે ખતરનાક સાબિત થાય એવી શક્યતા છે. ઇમરાન ખાનની ઇમેજ પહેલેથી જ એવી બંધાઈ છે કે તેઓ સૈન્યની કઠપૂતળીની જેમ કામ કરે છે. ઇમરાનના આવા પ્રયાસ છતાં બાજવા તેમનાથી બહુ ખુશ નથી. પાકિસ્તાનમાં અવામ પણ ઇમરાનના વહીવટથી અત્યંત નારાજ છે. મોંઘવારી, ચીજવસ્તુઓની અછત, જેવી સમસ્યાઓથી ત્રસ્ત લોકોનું ધ્યાન બીજે વાળવાના કોઈ પ્રયાસ સફળ થઈ રહ્યા નથી.

આ બધા સંજોગો વચ્ચે સેનાધ્યક્ષ બાજવાની હિલચાલ અલગ છાપ ઊભી કરે છે. જે કામ ઈમરાન ખાને કરવું જોઈએ એ કામ બાજવા કરી રહ્યા છે. તેમણે આર્થિક સ્થિતિની ચર્ચા કરવા માટે પાકિસ્તાનના ઉદ્યોગપતિઓની બેઠક બોલાવી. આ ઘટના જ આશ્ચર્યજનક છે. તો તેના ઇરાદા પણ શંકા જન્માવે એવા છે. પાકિસ્તાનમાં જેવું-તેવું દેખાવનું લોકતંત્રનું મહોરું છે, તેના પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. લશ્કરી બળવા રાતોરાત જ થતા હોય છે. પાકિસ્તાનમાં અગાઉ ત્રણ વખત આવું થઈ ચૂક્યું છે. પાકિસ્તાનના અસ્તિત્વના સાત દાયકામાંથી લગભગ અડધો સમય લશ્કરી શાસન રહ્યું છે. હવે ફરી લશ્કરી શાસનના પદરવ સંભળાય છે ત્યારે એવું થાય તો ભારત પણ તેની અસરથી મુક્ત રહી નહીં શકે. પાકિસ્તાનમાં જ્યારે પણ લશ્કરી બળવો થયો છે ત્યારે ભારતે યુદ્ધનો સામનો કરવો પડ્યો છે. લશ્કરી વિદ્રોહ વિના પણ ઇમરાન ભારતને તાજેતરના દિવસોમાં યુદ્ધની ધમકી આપી ચૂક્યું છે. પ્રત્યક્ષ યુદ્ધ લડવાની પાકિસ્તાનની અત્યારે કોઈ ક્ષમતા નથી એ વાતને લક્ષમાં લઈએ તો પણ પાકિસ્તાન ભારતને કોઈ ને કોઈ રીતે પરેશાન કરવાની હરકત કરતું રહેશે. લશ્કરી શાસનમાં એવી શક્યતા વિશેષ રહેશે. પાકિસ્તાનની આંતરિક સ્થિતિને નિયંત્રિત કરવા માટે પણ આવું દુઃસાહસ થવાની શક્યતા છે. આવા દુઃસાહસમાં તેને એક માત્ર ચીનનું સમર્થન મળશે. કેમ કે પાકિસ્તાનના કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં પાકિસ્તાન કરતાં ચીનનો આર્થિક કોરિડોર દાવ પર લાગેલો છે. પાકિસ્તાનનો ઘટનાક્રમ ભારતને સતત સતર્ક રહેવાનો સંકેત આપે છે.
——–.

ખુલ્લામાં શૌચ મુક્ત ભારત ઃ વાસ્તવિકતા શું છે?
બીજી ઑક્ટોબર રાષ્ટ્રપિતા ગાંધીજીની ૧૫૦મી જયંતીના દિવસે સ્વચ્છતા મિશન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી ઘોષણા કરી છે કે ભારતનાં ૯૯ ટકા ગામો ખુલ્લામાં શૌચની સમસ્યાથી મુક્ત થઈ ગયા છે. ૨૦૧૪માં પ્રથમવાર વડાપ્રધાન બન્યા પછી મોદીએ આવા લક્ષ્યાંક સાથે કાર્ર્યનો આરંભ કર્યો હતો અને આ મિશન અંતર્ગત દેશભરમાં શૌચાલયો બનાવવા માટે ઝુંબેશ ચલાવાઈ હતી. હવે સરકારે આ મિશન સફળ રહ્યું હોવાનું જાહેર કર્યું છે. વડાપ્રધાનના શબ્દોને સાચા માનીને ચાલીએ તો એ એક મોટી સિદ્ધિ ગણી શકાય. વડાપ્રધાન જ્યારે આવી જાહેરાત કરે ત્યારે તેમની પાસે સરકારી આંકડાકીય વિગતો અને આધાર પણ હોય એ સ્વાભાવિક છે આમ છતાં મહત્ત્વનો મુદ્દો એ છે કે માત્ર શૌચાલયો બનાવી દેવા એથી ખુલ્લામાં શૌચની સમસ્યાથી મુક્તિ મળી ગઈ છે એવું માની લેવું કેટલે અંશે યોગ્ય ગણાશે? ખુલ્લામાં શૌચ એ માત્ર શૌચાલયની સુવિધાના અભાવની સમસ્યા ન હતી.

Related Posts
1 of 269

એ લોકોની આદતની સમસ્યા પણ હતી. શું બધા લોકોની આદત સુધરી ગઈ છે એવું માની શકાશે? રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્મ્પેસોનેટ ઇકોનોમિક્સના અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર તેમજ રાજસ્થાનમાં શૌચાલયોની સંખ્યા વધવા છતાં ૪૪ ટકા ગ્રામજનો હજુ પણ ખુલ્લામાં શૌચક્રિયા કરે છે. મતલબ શૌચાલયોની સુવિધા અને તેના ઉપયોગ વચ્ચે તફાવત છે. આ અહેવાલ પછી સરકારે પણ દેશભરમાં આ પ્રકારનો સરવે  કરાવીને વાસ્તવિકતા જાણવાની કોશિશ કરવી જોઈએ અને જો શૌચાલયોના ઉપયોગ આડે કોઈ સમસ્યા હોય તો તેને અંગે પણ વિચારણા થવી જોઈએ. સ્વચ્છ ભારત એ નવા સમયની આવશ્યક્તા અને અનિવાર્યતા છે. તેને લોકએ ગંભીરતાથી લેવી જોઈએ તેમ સરકારે પણ ઘોષણા પછી વાસ્તવિક્તાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
———-.

કોંગ્રેસના પ્રવક્તાઓ હવે ટીવીની ડિબેટમાં જવા ઇચ્છે છે
ટેલિવિઝનની સમાચાર ચેનલો પર રોજ થતી ચર્ચામાં ફજેતીથી બચવા માટે કોંગ્રેસ નેતાગીરીએ ભલે તેમાં તેમના પ્રવક્તાઓને મોકલવાનું બંધ કરીને નિરાંત અનુભવી હોય, પરંતુ પક્ષના આ નિર્ણયે પ્રવક્તાઓની મજા બગાડી નાખી છે, કારણ એ છે કે મોટા ભાગના પ્રવક્તાઓનો કોઈ જનાધાર નથી. તેમના રાજકારણને ટીવી ડિબેટમાંથી જ ઓક્સિજન મળતો રહ્યો છે. ટીવીની ચર્ચામાં પક્ષનો ગમે તેટલો ફજેતો થાય કે તેની બેઇજ્જતી થાય, પ્રવક્તાઓને એક વાતની નિરાંત હતી કે તેમને રોજ કોઈ ને કોઈ ચેનલ પર પોતાનું વજૂદ ચમકાવવા માટે સ્થાન મળી જતું હતું. હવે જ્યારે આવી ડિબેટ માટે પક્ષનો બહિષ્કાર લાંબો ચાલ્યો છે ત્યારે પ્રવક્તાઓની ચિંતા વધવા લાગી છે. એથી કોંગ્રેસના આ પ્રવક્તાઓ પક્ષમાં એવો અભિપ્રાય ક્રિએટ કરી રહ્યા છે કે ટીવીની ડિબેટમાં ભાગ લેવો જોઈએ અને ભાજપને જવાબ આપવો જોઈએ, તેનો પ્રતિકાર કરવો જોઈએ. આ સંદર્ભમાં તેઓ પક્ષના એક પ્રવક્તા ગૌરવ વલ્લભનું ઉદાહરણ આપી રહ્યા છે. તેઓએ એક ચેનલના લાઈવ કાર્યક્રમમાં ભાજપ પ્રવક્તા સંદિપ પાત્રાને મૂંઝવણમાં મુકી દીધા હતા. પાત્રાએ જ્યારે પાંચ ટ્રિલિયન ઇકોનોમીના લક્ષ્યાંકની વાત કરી ત્યારે વલ્લભે તેમને પૂછી નાખ્યું કે ટ્રિલિયનમાં કેટલાં મીંડા હોય છે?  પાત્રા તેનો તુરંત જવાબ આપી શક્યા નહીં ત્યારે વલ્લભે કહ્યું કે એક ટ્રિલિયનમાં ૧૨ મીંડા હોય છે. આ ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો એટલે વલ્લભ ‘હીરો’ બની ગયા. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ તેમની પીઠ થાબડી. વલ્લભના આ સાહસ પછી બીજા પ્રવક્તાઓનું ડિપ્રેશન વધુ ગયું છે. તેઓ કહે છે કે તેમને પણ ચેનલો પર કંઈક કરી બતાવવાની તક મળવી જોઈએ. હવે કોંગ્રેસ મોવડીમંડળ તેમના નિર્ણયમાં પુનર્વિચાર કરે છે કે કેમ એ જોવાનું રહેશે.
———–.

બેલ્લારીના વિભાજનની વાતને રેડ્ડી બંધુઓએ પલીતો ચાંપ્યો
કર્ણાટકનો બેલ્લારી જિલ્લો કાચા લોખંડની ખાણો માટે વિખ્યાત છે અને આ ખાણો પર વર્ચસ્વ ધરાવવા માટે રેડ્ડી બંધુઓ કુખ્યાત છે. આ રેડ્ડી બંધુઓના વર્ચસ્વને ખતમ કરવા માટે મુખ્યપ્રધાન વાય.એસ. યેદિયુરપ્પાએ બેલ્લારી જિલ્લાને બે ભાગમાં વિભાજિત કરવાનો નિર્ણય કર્યો છે. બેલ્લારી જિલ્લામાં રેડ્ડી બંધુઓની બોલબાલા એટલી હદે છે કે જિલ્લાની સાતેય વિધાનસભાની બેઠકો પર પણ તેમનું પ્રભુત્વ છે. એથી યેદિયુરપ્પાએ જિલ્લાના વિભાજનની દરખાસ્ત રજૂ કરી એ સાથે જ બેલ્લારી શહેરની બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય સોમશેખર રેડ્ડીએ મુખ્યપ્રધાનને ધમકી આપી દીધી કે તેમણે બેલ્લારીની ચિંતા કરવાને બદલે તેમની સરકારની ચિંતા કરવી જોઈએ. જો તેમના જિલ્લાના સભ્યોમાંથી ચાર ધારાસભ્યો ભાજપ છોડી દેશે તો તેમની સરકારની હાલત કેવી થઈ જશે? કર્ણટકમાં અત્યારે યેદિયુરપ્પાની સરકાર પાતળી બહુમતીથી ટકેલી છે અને ૧૪ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનાં પરિણામો પર તેમની આશા બંધાયેલી છે. જિલ્લાને બેલ્લારી અને વિજયનગર – એમ બે ભાગમાં વિભાજિત કરવાથી રેડ્ડીબંધુઓને નિર્બળ બનાવવામાં સફળતા મળશે એવું વિચારી રહેલા યેદિયુરપ્પા સોમશેખર રેડ્ડીની ધમકીથી ઝંખવાઈ ગયા છે.

રેડ્ડી જૂથના જ એક સભ્ય બી. શ્રીરામુલુ યેદિયુરપ્પા સરકારમાં પ્રધાન છે. તેમણે સ્પષ્ટ જણાવી દીધું છે કે જો બેલ્લારીને વિભાજિત કરવામાં આવશે તો આ વિસ્તારમાંથી વાલ્મીકિ નાયક સમાજના લોકો ભાજપ છોડીને જશે. કર્ણટકની કુમાર સ્વામી સરકારનો બખેડો ચાલતો હતો ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ધારાસભ્ય આનંદસિંહે યેદિયુરપ્પાને આ વિભાજનનું સૂચન કર્યું હતું. વિજયનગરના આ ધારાસભ્યનું સભ્યપદ એ વખતે રદ થઈ ગયું હતું. યેદિયુરપ્પાને તેમનું સૂચન ગમ્યું અને તેઓ એ દિશામાં આગળ વધ્યા, પરંતુ રેડ્ડી બંધુઓએ તેમાં પલીતો ચાંપ્યો છે. એટલે હવે શું થાય છે એ જોવાનું રસપ્રદ બનશે….
——————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »