તમારા માટે, તમારી સાથે, સતત…

નાનાસાહેબ પેશવા, શિહોર જડીબાઈ અને ખજાનો!

નાનાસાહેબ છૂપા વેશે ભોપાળમાં મળ્યા અને પછી શિહોરમાં આવીને સંન્યાસી સ્વરૃપે છેલ્લા દિવસ સુધી વસી રહ્યા.

0 400
  • પૂર્વાપર – વિષ્ણુ પંડ્યા

તેમના મરણ અગાઉ તેમને કોઈ માંદગી નહોતી, પણ બે દિવસ ઉપવાસ કરેલા. મને બોલાવીને આઘાપાછા ન જવાનું કીધેલું. મરતાં પહેલાં તેણે કીધું કે, હું નાનાસાહેબ પેશવા છું. ગોરા સાથે બળવો કર્યો અને તેમાં આપણે અંદર-અંદરના વેરથી ફાવ્યા નથી. ગોરા લોકો આ દેશમાંથી જવા જોઈએ તે માટે બળવો કર્યો હતો, પણ બધે તેવું થયું નહીં તે દુઃખ ભૂલવા માટે ઈશ્વરની સેવા કરવાનું શરૃ કર્યું. મને ખાત્રી છે કે અંગ્રેજ સરકાર અહીંથી જશે જ…

આટલું કહીને મંત્ર-જાપ શરૃ કર્યા અને બેઠા બેઠા ડોક ઢાળી દીધી. દવે શેરીમાં પંડ્યા મહાશંકર મહાદેવનું મકાન છે ત્યાં તેમણે દેહ છોડ્યો. ગુરુદેવે બતાવેલ જગા પર તેની સમાધિ લેવાણી.

આ નિવેદન કોનું? નામ છે જડીબાઈ કલ્યાણજી. શિહોર નિવાસી આ મહિલા વિધવાએ તા. ૫-૧૧-૧૯૫૪ શુક્રવારે વિગતે વાત કરી. દસ સાક્ષી રહ્યા જે નગરના મુખ્ય લોકો હતા, તેમાંના એક દેવકૃષ્ણ પીતાંબર જોશીએ પછીથી લેખ લખ્યો અને નાની પુસ્તિકા લખી તે ક્યાંય મળતી નથી.

અને, આ સામાન્ય નોંધ નહોતી. મહારાષ્ટ્ર સરકારે નાનાસાહેબ પેશવાના મૃત્યુ કે ગુપ્તવાસનો અહેવાલ તૈયાર કરવા માટે ખ્યાત ઇતિહાસકાર મહામહોપાધ્યાય દત્તા વામનરાવ પોતદારની એક સમિતિ બનાવી, તે છેક શિહોર આવી હતી.

શિહોરમાં કેમ?

કારણ એ કે અહીં ગુરુ દયાનંદ યોગીન્દ્ર નામે એક સંન્યાસી રહેતા હતા અને તે જ નાનાસાહેબ પેશવા હતા. મુખ્ય સાક્ષી હતાં જડીબાઈ.

Related Posts
1 of 319

જડીબાઈના પિતા કલ્યાણજી મહેતા નાનાસાહેબના અંતેવાસી સેવક રહ્યા. તેમના જીબાપા હર્ષરામ વિશ્વનાથ મહેતા કાશીમાં ભણ્યા, શિહોરના દાજીરાજ મહારાજાની નોકરી કરી એટલે તેમને ઘર અને જમીન મળ્યાં હતાં. ૧૮૫૮ ઇસવીસન (વિક્રમ સંવત ૨૦૧૪)માં નાનાસાહેબ છૂપા વેશે ભોપાળમાં મળ્યા અને પછી શિહોરમાં આવીને સંન્યાસી સ્વરૃપે છેલ્લા દિવસ સુધી વસી રહ્યા.

છે ને ઇતિહાસની આ રોચક-રોમાંચક કહાણી? આવું તો ઘણુ આપણી ધૂળ નીચે દટાયેલું છે. નાનાસાહેબે શિહોર કેમ પસંદ કર્યું તેની વિગતો જાણવા જેવી છે. કાશીમાં કલ્યાણજી વિશ્વનાથ મહેતા અહીંથી વેદાધ્યયન કરવા ગયા, ત્યાં નાનાસાહેબ પણ ભણતા! કલ્યાણજી મહેતાનું મૂળ વતન શિહોર પાસેનું વળાવડ. કલ્યાણજી અને હર્ષરામ બંને વધુ વિદ્યાપ્રાપ્તિ માટે કાશી ગયેલા. નાના પણ પોતાના પિતા રાજવીના દત્તક પુત્ર હતા. અહીં જ તાત્યા ટોપે અને મનુબાઈ (ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ)ની આદર્શવાદી ટોળી જામી.

ક્યારે અને કેવી રીતે નાનાસાહેબ ‘યોદ્ધા સંન્યાસી’ બન્યા? જડીબાઈએ તેની કેવી સેવા-સુશ્રુષા કરી. આ કથાના પારાવારનાં પ્રમાણો છે. નાનાસાહેબ પેશવા ગુજરાતમાં પ્રવેશ્યા અને શિહોરમાં આગમન થયું તે દિવસ માગસર સુદ પૂનમ, શુક્રવાર સંવત ૧૯૧૫. ઈસવીસન ૧૮૬૩. પહેલાં બે વરસ વળાવડ રહ્યા. ગામના ચોરે પથ્થરમાં બે વાઘનાં બચ્ચાં કોતરીને મૂકાવ્યા. સરદાર બળદેવસિંહ રંગીલા છબીલા, ગામની શેરીના નાકે સુરક્ષા માટે બેઠા. બીજા બે સુરકાને ડેલે બેઠા રામભાઉ દળવી બ્રહ્મકુંડની ધારે જગા ઊભી કરી. હરખરામ શાસ્ત્રીએ નાનાસાહેબને નામ આપ્યું. સ્વામી દયાનંદ વીરેન્દુ મહારાજ. આ નામકરણ થયું સંવત ૧૯૩૯ના કારતક વદ તેરસ, ગુરુવારે!

ગરવી ગુજરાતે આ વીર નાયકને સાચવ્યા; તે ઐતિહાસિક ઘટના એટલા માટે કે નાનાસાહેબે છૂપા વેશે રહેવા માટે હૈદરાબાદના નિઝામ, વડોદરાના ગાયકવાડ, ઇન્દોર-છત્તીસગઢ, ભોજેમ ખંડી-કોલ્હાપુર-ભોંસલેને પણ જણાવ્યું હતું, બધાંએ મોં ફેરવી લીધું.

નાનાસાહેબે લખાવેલા પત્રમાં તેમણે પરાજિત ભૂમિથી ઇટારસી-ખંડવા-કલાકુંડ-રતલામ-ચાંપાનેર-ગોધરા-ખંભાત-ધોલેરા- વળા થઈને માગશર સુદ પૂનમની સાંજે શિહોરમાં પગલાં માંડ્યાં.

જડીબાઈ પણ મહેતા-પરિવારનાં સ્ત્રી. બાવીસની વયે પતિ ગુમાવ્યો. નાનાસાહેબ – દયાનંદ સ્વામીની – ગૌતમી નદીના કાંઠે આવેલા તેમના ગુફા અને મંદિરમાં સેવા કરી. તેમણે મહેતા પરિવારને કહી રાખ્યું હતું કે મારો દેહ પડે પછી બ્રહ્મકુંડની પાછળ સમાધિ બનાવજો. જડીબાઈ તેમની રસોઈ બનાવતાં. મહેતા પરિવારના એક ગોપાળજી મહેતા હતા. જડીબાઈના મોટા બાપુ રંગનાથ વિશ્વનાથના દીકરા. નાનાસાહેબે તેમને પૂણેમાં લોકમાન્ય ટિળકને મળવા મોકલ્યા હતા. એક અગોચર વાત એવી પણ છે કે, અહીં બ્રહ્મકુંડ – જે નદી પાસે આવ્યો છે – ત્યાં

નાનાસાહેબનો ખજાનો દાટેલો છે. ૨૦ ડિસેમ્બર, ૧૮૫૮ આવ્યા અને ૧૯૦૩ની ૨૯ જુલાઈએ આંખો મીંચી. કેટલાક પત્રોમાં તેમની સંપત્તિનો ઉલ્લેખ છે. એમની પાંચ વસ્તુઓ – પેશવાની પાઘડી, ભવાની, તલવાર, ચાખડીઓ અને મૃગચર્મ – અહીં સાચવવામાં આવ્યાં. બ્રિટિશ સરકારના સેક્રેટરી ઓફ સ્ટેટ ઑફ ઇન્ડિયા મિ. આર્જિલે તો ૧૮૭૩માં પોતાની સરકારને થાકીને લખ્યું કે, ‘હવે હું થાકી ગયો છું, નાનાસાહેબના ગુપ્તવાસની ખોજ બંધ કરો તો સારું. રોજ કોઈ ને કોઈ નાનાસાહેબને આપણી ગુપ્તચર પોલીસ પકડી લાવે છે. હવે તો એવું થાય છે કે મારો હોદ્દો છોડીને નિવૃત્ત થઈ જાઉં અથવા સાચા નાનાસાહેબ મળી જાય તો તેને દેશનો હવાલો સોંપી દઉં!’

ખજાનો ખોદાવવા માટે વડોદરાના ડૉ. નેનેએ લીખાપટ્ટી કરી ત્યારે થોડુંક કામ શરૃ થયું પણ અટકી ગયું. ગુજરાતી સરકાર -કે પુરાતત્ત્વ ખાતા-ની નજર પડે તો તથ્ય બહાર આવે!  બીજું નહીં તો એક વિપ્લવનાયકના ઉત્તરાર્ધનો અહેસાસ જરૃર થયો હતો!
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »