તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છમાં ખેતીની જમીન ઘટી રહી છે

રાપર જેવા તાલુકામાં તો નર્મદાનું પાણી મળવા લાગવાથી અહીં વાવેતરનું પ્રમાણ પણ વધી રહ્યું છે

0 221
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

ભૂકંપ પછી ઔદ્યોગિકીકરણ વધ્યું છે અને તેના પરિણામે તથા રહેણાકની જમીન માટે પણ ખેતીની જમીન એન.એ. થઈ રહી છે. સિંચાઈ માટે નર્મદાના પાણી કચ્છને મળવાની શરૃઆત થઈ ગઈ છે. ભલે ભવિષ્યમાં કચ્છના મોટા ભાગના વિસ્તારમાં નર્મદાના પાણી પહોંચવાના છે, ત્યારે ખેતીની જમીન ખૂબ ઓછી બચી હશે તો ખેડૂતોને પસ્તાવાનો વારો આવે તેવી શક્યતા છે.

અત્યારે પાણીની કમી, વરસાદની અનિયમિતતા, બિયારણ અને દવાના વધુ ભાવ, ડુપ્લિકેટ દવાની બોલબાલા વગેરેના કારણે ખેતી પહેલાં જેટલું વળતર આપતી નથી. તેના કારણે ફળદ્રુપ જમીન ધરાવતા ખેડૂતો પણ જમીન વેચવા મજબૂર બન્યા છે.

કચ્છમાં સામાન્ય રીતે વરસાદ આધારિત ખેતી જ થાય છે. પિયત જમીન અહીં ખૂબ ઓછી છે. જે નદીઓ છે તે નાની અને વરસાદ પડે ત્યારે જ પાણીવાળી હોય છે. મોટો એક પણ ડેમ કચ્છમાં નથી. મધ્યમ કક્ષાના ડેમ પણ ઓછા છે. જોકે કચ્છની જમીન ફળદ્રુપ છે, ખૂબ ઓછા રાસાયણિક દવા, ખાતર વપરાયા હોવાથી ભવિષ્યમાં તે વધુ સારો પાક આપી શકે તેવી છે. અહીંના ખેડૂતો પરિશ્રમી અને પ્રયોગશીલ છે. છતાં છેલ્લાં થોડાં વર્ષોમાં બિનખેતી થયેલી જમીન વધતી જાય છે અને તેના કારણે ખેતીની જમીન ઘટતી જાય છે. હવે જ્યારે નર્મદાના નીર કચ્છના ઉંબરે આવી પહોંચ્યા છે, ભવિષ્યમાં કચ્છના મોટા ભાગના વિ સ્તારને ખેતી માટે પણ પાણી મળી શકવાની આશા વધી છે ત્યારે જ ખેતીની જમીન ઘટતી જાય છે. જ્યારે નર્મદાનું પાણી બધી જગ્યાએ પહોંચશે, પરંતુ ખેતીની જમીન નહીં હોય ત્યારે ખેડૂતોને પસ્તાવાનો વારો આવશે. જોકે અત્યારે ખેતી વધુ ખર્ચાળ અને ઓછી ફાયદાકારક બની રહી છે. વરસાદની અનિયમિતતા, ભૂગર્ભ પાણીના જથ્થા અને ગુણવત્તામાં ઘટાડો, બિયારણ અને દવાઓની કિંમતમાં વધારો, બજારમાં મોટાપાયે મળતું નકલી બિયારણ અને દવા, વિવિધ સરકારી યોજનાના મળતાં નહીંવત ફાયદા વગેરે કારણે ખેડૂત ખેતીથી કંટાળ્યા છે. ભવિષ્યમાં નર્મદાના નીર આવશે તેની આશા પર આજના દિવસો કેમ કાઢવા? આથી જ ખેતીની જમીનો બિન ખેતી કરીને વેચી રહ્યા હોવાનો મત ખેડૂત અગ્રણીઓ દર્શાવે છે.

ખેતીવાડી ખાતું ખેતીની જમીનમાં થતા ઘટાડાની વાતને સ્વીકારીને નર્મદાના પાણીની આશા બતાવે છે. જ્યારે નર્મદાના પાણી આવશે ત્યારે ખેડૂતો એક જ જમીન પર વરસમાં બે કે ત્રણ વખત પાક લઈ શકશે અને તેના ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતોને આર્થિક ફાયદો થશે તેવી વાત કરે છે.

વર્ષ ૨૦૧૦-૧૧ના એગ્રીકલ્ચર સેન્સસ મુજબ કચ્છની ખેતીની જમીન ૮.૦૨ લાખ હેક્ટર હતી જ્યારે માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ ખેતીની જમીન વર્ષ ૨૦૧૫-૧૬માં ઘટીને ૭.૫૩ લાખ હેક્ટર રહી ગઈ છે. આમ પાંચેક વર્ષમાં ૪૯ હજાર હેક્ટર જેટલી ખેતીની જમીન ઘટી છે. જોકે વાવેતર વિસ્તારમાં વરસાદના પ્રમાણ મુજબ વધઘટ થયા કરે છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ૪.૫૦ હેક્ટર, ૧૫-૧૬માં ૬.૦૩ હેક્ટર,૧૬-૧૭માં ૫.૭૧ હેક્ટર, ૧૭-૧૮માં ૬.૦૧ હેક્ટર, ૧૮-૧૯માં ૨.૯૬ હેક્ટર (દુકાળનું વર્ષ હતું), ૧૯-૨૦માં ૬.૨૨ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. મહેસૂલ વિભાગના આંકડા મુજબ, છેલ્લા બેથી અઢી વર્ષના ગાળામાં એટલે ૨૦૧૬-૧૭થી  અત્યાર સુધીમાં અંદાજે ૯૪૩૫.૫૨ હેક્ટરથી વધુ જમીન એન.એ. થયેલી છે. આ આંકડો સતત વધી રહ્યો છે. તેમાં પણ જે તાલુકામાં ઉદ્યોગો છે ત્યાં બિનખેતી થનારી જમીન વધુ છે.

Related Posts
1 of 142

એન.એ. થયેલી જમીનના આંકડા પર નજર નાખીએ તો ખ્યાલ આવે છે કે અંજાર તાલુકામાં સૌથી વધુ જમીન બિનખેતી થઈ છે. આ તાલુકામાં ૨૨૪૧.૮૩ હેક્ટર જમીન એન.એ. થયેલી છે. તેમાં પણ ભીમાસર ગામમાં ૨૦૯ હેક્ટર, વરસાણામાં ૧૪૨ હેક્ટર, વરસામેડીમાં ૬૬૪.૯૮ હેક્ટર, મેઘપર બોરીચીમાં ૧૯૦ હેક્ટર જેટલા મોટા પ્રમાણમાં જમીન બિનખેતી થઈ છે. આ વિસ્તારમાં ઘણા ઉદ્યોગો છે. તેના કારણે જમીન બિનખેતી કરીને રોકડી કરી લેવાનું પ્રમાણ વધ્યું છે.

અંજાર એ.પી.એમ.સી.ના વાઇસ ચૅરમેન અને ખેડૂત અગ્રણી સહદેવસિંહ જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘અત્યારે ધાન્યની ખેતી ખૂબ મોંઘી થાય છે. તેના કામ માટે મજૂરો મળતા નથી. જે મળે છે તે ખૂબ મજૂરી માગે છે. તેના પ્રમાણમાં ઉતારો મળતો નથી. પિયતની પૂરતી સગવડતા નથી. ભૂગર્ભના પાણીની ગુણવત્તા ઘટતી જાય છે. તેથી ખેડૂતો શાક કે ધાન્ય પાક લેવાના બદલે બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે. આજે ખેડૂતો માટે ખેતી પોષણક્ષમ રહી નથી. તેથી અનેક ખેડૂતો ખેતીની જમીન એન.એ. કરાવીને વેચી નાખે છે. નર્મદાના પાણી ભવિષ્યમાં આવશે તેવી આશા હોવા છતાં ત્યાં સુધી ખેતી કઈ રીતે કરવી તે પ્રશ્ન છે. અંજાર તાલુકો ગ્રીન બેલ્ટ મનાય છે. આ તાલુકો પાણીવાળો તાલુકો હોવા છતાં અહીં ઉદ્યોગો આવતા ખેતીની જમીનની કિંમતો વધી છે. અત્યારે ખેતીવાડી માટે સહેલાઈથી વીજ જોડાણ મળી રહ્યા છે તેના કારણે અનેક ખેડૂતો જમીનમાંથી પાણી ઉલેચે છે. ભૂગર્ભ પાણી તળ પણ ઊંડે ઊતરી ગયા છે. પાણીમાં ટી.ડી.એસ. વધી ગયા છે. જ્યાં પહેલા ૬૦૦થી ૭૦૦ ટી.ડી.એસ.વાળું પાણી મળતું હતું ત્યાં આજે ૧૨૦૦થી વધુ ટી.ડી.એસ. થયા છે. તેવી જ રીતે જ્યાં પહેલા ૧૦ મણનો ઉતારો મળતો ત્યાં હવે માંડ ૧૦ કિલો ઉતારો આવે છે. આ ઉપરાંત મોટાપાયે ડુપ્લિકેટ બિયારણ અને દવાઓ મળવા લાગી છે જેના કારણે ખેડૂતોનો ખર્ચ તો વધી જ રહ્યો છે સાથે સાથે નુકસાની પણ વધે છે. સરકારની સબસિડીવાળી વસ્તુઓ, સબસિડી વગરની વસ્તુઓ કરતાં મોંઘી પડે છે. આથી જ ખેતી વધુ ખર્ચાળ થઈ રહી છે. જો આમ ને આમ ચાલે તો દસ- પંદર વર્ષમાં જિલ્લાની તમામ ખેતી ખતમ થઈ જવાની ભીતિ છે. આ ઉપરાંત જ્યાં વધુ ખેતી થાય છે ત્યાં હજુ પણ નર્મદાના પાણી પહોંચ્યા નથી, નથી તે માટે હિલચાલ શરૃ થઈ. તેથી પાણી ન મળે ત્યાં સુધી ખેડૂતો શું કરે?’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘જ્યાં ઉદ્યોગો આવ્યા છે, ત્યાં નવી જાતની સમસ્યાઓ ખેડૂતો માટે સર્જાઈ છે. અનેક કંપનીઓ દ્વારા ખેતીની જમીનમાં દબાણ કરવામાં આવે છે, અમુક વખતે ખેડૂતને ખેતરમાં જવાનો રસ્તો પણ અપાતો નથી. ઉદ્યોગોના પ્રદૂષણનો પ્રશ્ન તો સાવ અલગ જ છે, તેના કારણે પણ ઉત્પાદન પર માઠી અસર થાય છે. આમ ખેડૂત આજે ચારે બાજુથી ત્રાસ્યો છે. તેથી જ તે ખેતીની જમીન કાઢી રહ્યો છે. ભવિષ્યમાં નર્મદાના પાણી આવે ત્યારે કદાચ જમીન ન હોવાથી પસ્તાવાનો વારો આવે તેવું બની શકે, પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતા ખેડૂતો પાસે બીજો કોઈ રસ્તો હોય તેવું લાગતું નથી.’

જિલ્લા ખેતીવાડી અધિકારી વાય.આઇ. શિહોરાએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘રાપર, અબડાસા, નખત્રાણા, લખપત જેવા તાલુકામાં ખેતીની જમીન વધુ પ્રમાણમાં બિનખેતી થતી નથી, પરંતુ મુન્દ્રા, ગાંધીધામ, અંજાર, ભચાઉ જેવા ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટવાળા તાલુકામાં જમીનો બિનખેતી થવાનું પ્રમાણ વધુ છે. જ્યારે રાપર જેવા તાલુકામાં તો નર્મદાનું પાણી મળવા લાગવાથી અહીં વાવેતરનું પ્રમાણ પણ વધી રહ્યું છે. નર્મદાનું પાણી મળવા લાગ્યું તે પહેલા તો આ વિસ્તારમાં માત્ર વરસાદી ખેતી થતી હતી, પરંતુ હવે અહીં બે કે ત્રણ વખત વાવેતર કરી શકાય તેમ છે. આથી જિલ્લાભરમાં વાવેતર વિસ્તાર ઘટ્યો હોવા છતાં ઉત્પાદન તો વધશે જ. આ ઉપરાંત ખેડૂતો આધુનિક ટૅક્નોલોજીની મદદ લઈને એક જ સાથે એકથી વધુ પાક વાવતા હોય છે કે બે પાકની વચ્ચે ત્રીજો જ પાક વાવીને ઉત્પાદન વધારે છે. આમ સરવાળે અમુક એટલી જ જમીનમાં ઉત્પાદન વધી શકે છે. ઉત્પાદન લગભગ દોઢુંથી બે ગણુ થઈ શકે છે.’

ભુજ, અંજાર કે ગાંધીધામ જેવા શહેરી વિસ્તાર નજીકની જમીન ઉદ્યોગો ઉપરાંત રહેણાક હેતુ માટે પણ એન.એ. કરાવાય છે. છેલ્લાં બેથી અઢી વર્ષમાં એન.એ. થયેલી જમીનની તાલુકા પ્રમાણે વિગતો જોઈએ તો, અંજારમાં સૌથી વધુ ૨૨૪૧.૮૩ હેક્ટર જમીન બિનખેતી કરાવાઈ છે. જ્યારે મુન્દ્રા તાલુકામાં ૧૮૧૪.૧૪ હેક્ટર, ભુજમાં ૧૫૧૪.૭૩ હેક્ટર, માંડવી તાલુકામાં ૧૩૪૨.૪૩ હેક્ટર, ભચાઉ તાલુકામાં ૯૦૨.૧૯ હેક્ટર, નાનકડા એવા ગાંધીધામ તાલુકામાં ૮૦૪.૪૯ હેક્ટર, અબડાસા તાલુકામાં ૪૯૮.૦૫ હેક્ટર, નખત્રાણા તાલુકામાં ૧૫૩.૧૯, રાપર તાલુકામાં ૧૩૦.૨૧ હેક્ટર અને સૌથી ઓછી લખપત તાલુકામાં ૩૪.૨૬ હેક્ટર જમીન બિનખેતી થઈ છે. અંજાર અને મુન્દ્રા તાલુકામાં ઔદ્યોગિકીકરણ થયું હોવાથી અહીં વધુ જમીનો બિનખેતી થઈ છે. જ્યારે લખપત તાલુકામાં ઉદ્યોગોને જમીનની વધુ જરૃર પડી ન હોવાથી આ સરહદી તાલુકામાં ઓછી જમીન બિનખેતી થઈ છે, પરંતુ અહીં સુધી નર્મદાના પાણી પહોંચાડવાનું કોઈ પ્રયોજન અત્યારે નથી.

અંજાર અને માંડવી તાલુકામાં ખેતીનું, બાગાયતી ખેતીનું પ્રમાણ વધુ છે, પરંતુ હજુ અહીં નર્મદાના પાણી ક્યારે પહોંચશે તે નક્કી નથી. તેથી ખેડૂતો અધીર થઈને જમીનો વેચી રહ્યા છે.
——————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »