તમારા માટે, તમારી સાથે, સતત…

હર ફિક્ર કો ધૂંએ મેં ઉડાતા ચલા ગયા……

કંઈ નહિ તો પોતાની જિંદગીની એક સાવ નાનકડી નૌકા તો સહુ હલેસે હલેસે હાંકતા જ હોય છે.

0 308
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

માણસજાત પર સૌથી મોટું જોખમ હઈસો હઈસોનું છે. તે જે લાઈનમાં ઊભો છે એની તેને ખબર નથી કે આ લાઈન શાની છે.

એમ કંઈ ચિંતાના પોટલા ઉતારવા સહેલા છે? કેટલાક લોકો માટે એની જાદુગરી એ હોય છે કે તેઓ કદી પણ ઉપાધિ હાથમાં લેતા નથી. એવી તમામ બાબતોથી પહેલેથી જ દૂર રહે છે જે અકારણ સંકટો ઊભા કરે છે. કોઈ કોઈને એવી ટેવ હોય છે જેને કહે છે ઉઠ પાણા અને પડ પગ પર. પહેલી નજરે સામાન્ય અથવા પરોપકાર જેવું લાગતું કામ ગળાનો ફંદો બની ગયા હોવાના દ્રષ્ટાન્ત સમાજમાં ઓછા જોવા મળતા નથી. રાજા વિક્રમની વિદાય પછી એમના પરદુઃખભંજક તરીકેના સિંહાસનના દાવેદારો ઘણા છે. પૂરતા સામર્થ્ય વિના ઉપાડેલાં કામો કે સેવાનાં કામો સર્વ સુખ હણી નાંખે છે. પોતાની ક્ષમતાઓ વિશે પ્રામાણિકતા અને પ્રમાણિતતા જરૃરી છે. હોય એનાથી વધુ ક્ષમતાઓ આંકી લેવાથી જહાજ હિમશિલા સાથે અથડાઈ જાય છે. જેમને કોઈ ફિકર નથી તેમણે પ્રથમ એ જાણી લેવું જોઈએ કે તેમના હાથમાં ટાઈટેનિકનું સુકાન તો નથી ને?

હોય છે જ. કંઈ નહિ તો પોતાની જિંદગીની એક સાવ નાનકડી નૌકા તો સહુ હલેસે હલેસે હાંકતા જ હોય છે. ક્યારેક બેફિકર થવાથી એય વમળમાં ફસાઈ શકે છે. વમળને બહુ દૂરથી ઓળખી શકાય તો જ બચી શકાય. એક વાર એના ઘેરાવામાં આવો પછી તો હલેસાં કામ ન કરે અને પ્રવાહ જ તમને તાણી જાય. વ્યસનોમાં એમ જ થતું હોય છે. હલેસાં કામ લાગતાં નથી. લાખોમાં કોઈ એક હોય કે જે પ્રવાહની કે એની તાણની વિરુદ્ધ જઈને કાંઠે પહોંચી શકે. સંસાર એક ભીષણ પ્રવાહ છે. એમાં સ્વનિર્ણયો તો એક તણખલું માત્ર છે. છતાં જે સાધુ એટલે કે સજ્જન છે એ અવિચલ કદમે એમાં પોતાની ધારેલી જળકેડીએ નૌકા હાંકી શકે છે. એનામાં જ તાકાત હોય છે ફિકરને ધૂમ્રસેર જેમ ઉડાડવાની.

Related Posts
1 of 281

મૂળ વાત છે કે મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા. જિંદગીનો સાથ એટલે સમયનો સાદ સાંભળીને એને અનુસરીને ચાલવું ને અનુસરવું અનુકૂળ ન હોય તો કમ સે કમ સમજીને ચાલવું. આ સમજીને ચાલવાની વાત બહુ મોટી વાત છે. એટલું આવડે તો અપમાનનો ભોગ બનવાના અનેક યોગ ટળી જાય છે. ઉપરાંત તમારા વિશે બીજાઓના મનમાં ગેરસમજ થતી તો રહેતી જ હોય છે. એમાં કંઈક ઘટાડો થાય. જિંદગીનો સાથ નિભાવવો એટલે જીવનધારા જે વહે છે એને સન્માનથી જોતાં રહેવું. અનેક લોકોને પોતાની જ જિંદગી સામે ફરિયાદ હોય તો તેઓ મુખ્ય ધારાથી બહુ દૂર નીકળી જાય છે. પ્રાચીન કાળમાં જેઓ જંગલમાં તપ કરતા એમાં લોકો માને છે એવા જપતપ કે યજ્ઞયાગાદિને બદલે સ્વનિરીક્ષણનો લાભ જ એમને વધુ મળતો હશે, કારણ કે ત્યાં પણ જિંદગીનો સાદ સાંભળવો એ જ એમનો ક્રમ હશે. આસન પર જેમ શરીર બેસે છે એમ મનને પણ બેસાડવામાં આવે તો સહેજ જિંદગીનો સાદ સંભળાય. માણસજાત પર સૌથી મોટું જોખમ હઈસો હઈસોનું છે. તે જે લાઈનમાં ઊભો છે એની તેને ખબર નથી કે આ લાઈન શાની છે.

એને છેડે એને શું મળશે એની જેને ખબર છે એણે તો ક્યારનોય સંસાર છોડી દીધો હોય છે. જેને ખબર નથી કે સરવાળાનો સરવાળો તો શૂન્ય છે, એ પણ એમ માનીને જ ગણતરી કરે છે કે કદાચ મારે શૂન્ય નહિ હોય. યુધિષ્ઠિરે યક્ષને આપેલો જવાબ એ જ છે કે બીજાઓને અંતિમ પરિણામ પ્રાપ્ત કરતા નજરોનજર જોયા પછી પણ દરેક મનુષ્ય એમ માને છે કે કે મને તો મારું ધારેલું પરિણામ અને કંઈક અધિક સારું જ મળશે. હજાર દાખલા આપવાથી વાત ગળે ઊતરે એ કોષ્ટક માણસજાતમાં ચાલતું નથી. દરેક ખોટી ટેવના માઠાં પરિણામો સહુ જાણે છે ‘ને છતાંય ખોટી ટેવો તેઓને વહાલી છે. એવા કિસ્સામાં કોઈ ફિકરને ફાકી કરવા જતા ખુદ ધુમાડો થઈને ઊડી જતાં જોઈએ છીએ. ઉપાધિઓને માથેથી ઉતાર્યે કંઈ ઉતરે નહિ. આરંભબિંદુ શુદ્ધ હોવા પર ઘણો આધાર છે. અધ્યાત્મમાં અનારંભનો મહિમા છે.

પરંતુ તે માત્ર કાલ્પનિક આદર્શ છે. જીવ માત્ર જે દેહ ધારણ કરે છે એ અનેક આરંભોમાં સંડોવાઈ જાય છે. એક પછી એક સર્વ આરંભોનો કંઈ ઉત્તરાવસ્થાએ અંત આવતો નથી. દરેક આરંભ લટકતા અને આધે-અધૂરે હોવામાં જ ઢળે છે. જેમ અંધારઘેરી રાતે વડલા પર ઊંધે માથે ચામાચીડિયાઓ લટકતા હોય એમ જ સર્વ આરંભ લટકે છે. કર્મ સંબંધિત આત્મજ્ઞાન અને વ્યાવહારિક દક્ષતા હોય તેઓ આ લટકવાની અવદશામાંથી પોતાના વિવિધ આરંભને ઉગારી લે છે, કાં તો તેઓ આરંભને જ અટકાવે છે અથવા પોતે પૂરા થાય એ પહેલા એ આરંભનો અંત લાવી દે છે. આ જ મુક્તિ છે.

કોઈ પણ વ્યક્તિ પોતાના પાછલા પાંચ વરસની પ્રવૃત્તિનું આકલન કરે તો એને ખ્યાલ આવે કે આગલા પાંચ વરસમાં એવરેજ જિંદગી કઈ તરફ પ્રવાહિત થશે. થોડો અણસાર આવી જાય છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણી પાછલી એવરેજ રેતીમાં આળોટવાની હોય અને આપણે આગલા હવે પછીનાં વરસોમાં ગુલાબની મહેક ચાહતા હોઈએ. સ્વપ્ન અને વાસ્તવ વચ્ચેની અસમતોલ હયાતીમાં તણાઈને તૂટી જનારા લોકો છે. એમને સૌથી વધુ ફિકર સતાવે છે. નકશો હાથમાં ભૂલભરેલો હોય તો પછી તો આપણને કોઈ જુગજૂના ભોમિયા જ અસલી મારગડે મોકલી શકે. એવા ભોમિયા ન મળે ત્યાં સુધી ભટકાવ રહે છે. એ ભટકાવને જો જિંદગીના એક રંગ તરીકે સ્વીકારો તો પછી ભોમિયાની શી તમા…?
——————————

Leave A Reply

Your email address will not be published.

Translate »