તમારા માટે, તમારી સાથે, સતત…

અનેક મુશ્કેલીઓ વચ્ચે જીવતું ભુજ છે તો ઘણુ ખુશ

ભુજનો હેપ્પીનેસ ઇન્ડેક્સ કઢાયો છે. જેનો સ્કેલ ૭.૫૫ આવ્યો છે.

0 346
  • સુચિતા બોઘાણી કનર

યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વકક્ષાએ કરાતા હેપ્પીનેસ ઇન્ડેક્સની જેમ જ કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મૅનેજમૅન્ટના વિદ્યાર્થીઓ દ્વારા ભુજનો હેપ્પીનેસ ઇન્ડેક્સ કઢાયો છે. જેનો સ્કેલ ૭.૫૫ આવ્યો છે. યુ.એન.ના ઇન્ડેક્સ મુજબ વિશ્વનો સૌથી ખુશ દેશ ફિનલેન્ડ છે, તેનો ઇન્ડેક્સ ૭.૭ છે, ત્રીજા ક્રમે આવનાર દેશ નોર્વે ૭.૫નો હેપ્પીનેસ ઇન્ડેક્સ ધરાવે છે. આમ ભુજ પણ તેની સમકક્ષ ખુશ છે તેમ માની શકાય.

આ પ્રોજેક્ટ માટે ૧૨૦૦થી વધુ લોકોનો સર્વે હાથ ધરાયો હતો. જેમાં ગરીબ- તવંગર, મહિલાઓ- પુરુષો, યુવાનો- વૃદ્ધોને આવરી લેવાયા હતા. યુ.એન.ના સર્વેમાં વણાયેલા પ્રશ્નો ઉપરાંત ખાસ ભુજને જ લાગુ પડતાં પ્રશ્નોનો પણ સમાવેશ કરાયો હતો. જેમાંથી નિકળેલા નિષ્કર્ષ મુજબ, ભુજના લોકો નાની- નાની વાતમાં પણ ખુશ રહે છે, તેથી જ તેઓ પોતાને સુખી માને છે.

હેપ્પીનેસ ઇન્ડેક્સ સાથે એક મહત્ત્વનો અને પાંચ ઓછા મહત્ત્વના સરવે પણ કરાયા હતા. જેમાં આપેલા જવાબ મુજબ ભુજના લોકો વ્યક્તિગત રીતે પણ ખુશ હોવાનું સામે આવ્યું હતું.

કહેવાય છે, સંપૂર્ણ સુખી એવું તો આ દુનિયામાં કોઈ નથી. દરેકને ક્યાંક ને ક્યાંક સમાધાન કરવું જ પડે છે. સુખ અને ખુશી એ તો મનની અવસ્થા છે. ગરીબ માણસ પણ સુખી હોઈ શકે અને પૈસાદાર વ્યક્તિ પણ સુખને શોધવામાં દિવસો ગુમાવતો હોય તેવું સહજ શક્ય છે. તેવી જ રીતે કોઈ પણ ભૌતિક સુવિધાઓ વગર જીવતા ગરીબો ખુશી અનુભવતા હોય તેવી ખુશી કદાચ શ્રીમંત લોકોને મળતી ન હોય તેવું પણ બને. આમ છતાં આપણે ભૌતિક સુવિધાઓથી મળતી નિરાંતને જ ખુશી અને સુખી માની બેઠાં છીએ. યુનાઇટેડ નેશન્સ પણ તેને જ પાયો ગણીને વિશ્વભરના દેશોમાં સરવે  કરીને ક્યા દેશના લોકો સુખી કે ખુશ છે તેનો અંદાજ બાંધે છે. આવી જ રીતે કચ્છ યુનિવર્સિટીના કોમર્સ અને મૅનેજમૅન્ટ વિભાગના, માર્કેટિંગમાં સ્પેશિયલાઇઝેશન કરતાં વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસના ભાગરૃપે ભુજના હેપ્પીનેસ ઇન્ડેક્સ માટે સરવે કર્યો હતો. જેમાંથી નિકળેલા નિષ્કર્ષ મુજબ, અનેક નાની- મોટી મુશ્કેલીઓ વચ્ચે જીવતો સરેરાશ ભુજવાસી પોતાને ખૂબ ખુશ માને છે. ૧૦ સ્કેલમાંથી ભુજના લોકોએ ૭.૫૫ સ્કેલ મેળવ્યા હતા.

ડિપાર્ટમૅન્ટના ૩૪ જેટલા વિદ્યાર્થીઓએ બે મહિના સુધી ભુજના અલગ-અલગ વિસ્તારમાં ફરીને, વિવિધ સ્તરના, અલગ અલગ ઉંમરના ૨૭૦૦થી વધુ લોકોને મળીને આ સરવે કર્યો હતો. સરકારની નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટ પરથી ડેટા મેળવીને ગરીબીરેખા નીચેના, ગરીબીરેખા ઉપરના, યુવાનો અને વૃદ્ધો, મહિલાઓ અને પુરુષો, વિદ્યાર્થીઓ, વ્યવસાયીઓ, ગૃહિણીઓ, સ્વરોજગાર મેળવનારા, પગારદાર, ડૉક્ટર, વકીલ જેવા પ્રોફેશનલ્સ વગેરે લોકોને પોતાના સરવેમાં સમાવિષ્ટ કર્યા હતા. આ સરવેનું એક સર્વસામાન્ય તારણ તો એ જ હતું કે સરેરાશ ભુજવાસી ખુશ છે. મહિલાઓ અને પુરુષો વચ્ચેના અભ્યાસમાં પણ વધુ ફરક જણાયો ન હતો. તો આ સરવેમાં ગરીબ લોકો પણ પૈસાદાર લોકોથી ઓછા સુખી જણાયા ન હતા. ગરીબ લોકોને પોતાની આર્થિક સ્થિતિથી અસંતોષ ન હતો, પરંતુ તેમને મળતા ઓછા આદરના કારણે નારાજગી હતી. રોજનું કમાઈને રોજ ખાનારા લોકો પણ પોતાની આવકથી સંતુષ્ટ છે.

હેપ્પીનેસ ઇન્ડેક્સ માટેના સરવેમાં ૧૧ પ્રશ્નોનો સમાવેશ કરાયો હતો. જેમાં હાલની આર્થિક પરિસ્થિતિથી કેટલો સંતોષ?, મુશ્કેલીમાં સગાંઓ અને મિત્રોનો કેટલો સહયોગ?, કેટલો ભ્રષ્ટાચાર ફેલાયેલો છે?, નિર્ણય લેવામાં સ્વતંત્રતા?, જીવનની ગુણવત્તાથી કેટલો સંતોષ?, ધર્મ અને સંસ્કૃતિ માણસને સુખી બનાવવામાં કેટલું યોગદાન આપે છે?, આસપાસનો માહોલ કેટલો સુરક્ષિત અને ન્યાયપૂર્ણ લાગે છે?, આ પ્રશ્નો યુનાઇટેડ નેશન્સના સરવેમાંથી જ લેવાયા છે. જ્યારે અન્ય પ્રશ્નો ભુજની સ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા હતા. જેમાં જીવન સુખી અને સમૃદ્ધ બનાવવામાં આજની શિક્ષણ વ્યવસ્થાનું કેટલું યોગદાન?, આવનારાં વર્ષોમાં ભુજમાં જ રહીને જીવન ધોરણ સુધરશે ખરું?, આસપાસના પર્યાવરણથી કેટલા ખુશ છો?, ગઈ કાલનું, આજનું કે આવતી કાલનું- ક્યું ભુજ વધુ સારું? જેવા પ્રશ્નોનો સમાવેશ હતો.

સૌથી વધુ ૮.૪૫ સ્કોર ધર્મ અને સંસ્કૃતિના સવાલને મળ્યો હતો. જ્યારે સૌથી ઓછો સ્કોર- ૪.૬૯ ભ્રષ્ટાચારવાળા સવાલને મળ્યો હતો, એટલે ખૂબ વધુ ભ્રષ્ટાચાર. જ્યારે ૪૫ ટકા લોકોને હાલનું ભુજ ગમે છે, ૨૨ ટકા લોકોને જૂનું ભુજ અને ૩૪ ટકા લોકોને ભવિષ્યનું ભુજ સારું લાગે છે. નિર્ણય લેવાની આઝાદીવાળા પ્રશ્નમાં મહિલાઓએ ઓછા નંબર આપ્યા છે. જ્યારે પુરુષોએ પ્રમાણમાં વધુ આપ્યા છે, પરંતુ બંને વચ્ચે બહુ જ ઓછો તફાવત હતો. મહિલાઓના મતે નિર્ણય લેવાની આઝાદીનો ઇન્ડેક્સ ૭.૯ છે જ્યારે પુરુષોના મતે ૯.૪૯ છે. આમ છતાં પુરુષો કરતાં મહિલાઓએ પોતે થોડી વધુ સુખી હોવાનું માન્યું હતું. તેમણે ૭.૭ અને પુરુષોએ ૭.૪નો સ્કેલ આપ્યો હતો.

Related Posts
1 of 289

કચ્છ યુનિવર્સિટીના કોમર્સ અને મૅનેજમૅન્ટ વિભાગના પ્રાધ્યાપક ડૉ. કનિષ્ક શાહે જણાવ્યું હતું કે, ‘કોઈ વિષયમાં સ્પેશિયલાઇઝેશન કરતાં વિદ્યાર્થીઓને આંતરિક ગુણો માટે વિવિધ પ્રકારના સરવે કરવાના હોય છે. છેલ્લાં થોડાં વર્ષોથી યુનાઇટેડ નેશન્સના હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ભારતનો નંબર ઘણો પાછળ હોય છે. આથી મને ભુજનો હેપ્પીનેસ ઇન્ડેક્સ કેટલો તે વિશે સરવે કરવાનો વિચાર આવ્યો અને વિદ્યાર્થીઓએ તે હોંશભેર વધાવી લીધો. આ સર્વેમાં જોડાયેલા વિદ્યાર્થીઓને બે મહિના સુધી ૨૭૦૦થી વધુ લોકોને મળીને, આ પ્રોજેક્ટ અંગે સમજાવવા પડ્યા હતા. તેમની પાસેથી મહામહેનતથી માહિતી મેળવવી પડી હતી. તેમાં શ્રમ તો પડ્યો જ હતો, પરંતુ પોતાના કામના પરિણામથી બધા વિદ્યાર્થીઓ ખુશ છે. અમે હેપ્પીનેસ ઇન્ડેક્સની સાથે સબજેક્ટ ટુ વેલબીઇંગ એટલે વ્યક્તિગત ખુશીનો સરવે પણ કર્યો હતો અને બીજા પાંચ સબ પ્રોજેક્ટ પણ હાથ ધર્યા હતા.’

સબપ્રોજેક્ટમાં પરફોર્મન્સ અને હેપ્પીનેસ, જીવનની આખરી સલાહ, ડિજિટલ આરોગ્ય, ખુશી એટલે શું?, શું પૈસાથી ખુશી ખરીદી શકાય?  જેવા પ્રોજેક્ટ સામેલ હતા. પરફોર્મન્સ અને હેપ્પીનેસમાં થોડા લોકોને આનંદ મળે તેવો વીડિયો બતાવ્યો હતો, થોડાને દુઃખી થવાય તેવો વીડિયો બતાવ્યો હતો જ્યારે અમુકને એક પણ પ્રકારનો વીડિયો બતાવ્યો ન હતો. ત્યાર પછી તેમને અમુક કામ કરાવ્યા હતા. તેના પરિણામ પરથી અનુમાન બંધાયું હતું. જે મુજબ વ્યક્તિ આનંદમાં હોય ત્યારે વધુ સારું કામ કરી શકે છે, તેવું તારણ નિકળ્યું હતું.

જ્યારે બીજો સરવે સમાજને લોકો પોતાના જીવનની આખરી સલાહ કઈ આપશે? તે અંગેનો હતો. જેમાં મોટા ભાગના લોકોએ સૌથી વધુ ખુશી મળે છે તે જ કામ કરો, હકારાત્મક વિચારો રાખો, કુટુંબ અને મિત્રોને પૂરતું મહત્ત્વ આપો, લોકો શું કહેશે તેની ચિંતા કર્યા વગર પોતાનું કામ કરો જેવી સલાહો આપી હતી.

એક પ્રોજેક્ટ ડિજિટલ આરોગ્ય અંગેનો હતો. મોબાઇલના આ યુગમાં સતત મોબાઇલમાં જ રચ્યા પચ્યા રહેવું અને અન્ય કામો, જવાબદારીઓ ભૂલી જવા તેવું સર્વત્ર જોવા મળે છે. સતત ફોન વાઇબ્રેટ થયો હોય તેવું લાગવું, ફોનની ગેરહાજરીમાં ગભરાટ થવો, નાની વાત સતત પોસ્ટ કર્યે રાખવી જેવી ૭-૮ પ્રકારની બીમારી મોબાઇલના કારણે થાય છે. આના અનુસંધાને સરવે કરાયો હતો જે મુજબ, ૯૮.૬૭ ટકા લોકોને કોઈ એક પ્રકારનો રોગ, ૯૦.૩૩ ટકા લોકોને બે પ્રકારના રોગ જોવા મળ્યા હતો. જ્યારે ૧ ટકા લોકોને તો તમામ ૭-૮ પ્રકારના રોગ હતા. જેમાં સૌથી વધુ સંખ્યા ૧૩થી ૨૫ વર્ષ સુધીનાં કિશોરો-યુવાનોની હતી. આ બીમારીઓ મહિલાઓ ‘ને પુરુષો બંનેમાં સરખા પ્રમાણે જોવા મળી હતી.

જ્યારે લોકો ખુશી કોને માને છે? તેવા પ્રશ્નના જવાબમાં મોટા ભાગનાઓએ કુટુંબ અને મિત્રો સાથે સમય વિતાવવાને તથા પોતાની ઇચ્છા મુજબનું જીવન વિતાવવાને ખુશી ગણી હતી. શું પૈસા ખુશી ખરીદી શકે તેવા પ્રશ્નના જવાબમાં ગરીબ અને તવંગર બંનેએ પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી તેવું કહ્યું હતું. આવક સાથે ખુશીને કાંઈ જ લાગતું વળગતું ન હોવાનું જણાવ્યું હતું.

જ્યારે વ્યક્તિગત ખુશી અંગેના સરવેમાં લોકોને ઑક્સફોર્ડ યુનિવર્સિટીના સરવેમાં પૂછાતા પ્રશ્નો જ પૂછાયા હતા. જેવા કે શું હું જેવો છું તેનાથી ખુશ છું?, શું મને બીજા લોકોમાં રસ છે?, શું મને જીવન ફળદાયી લાગે છે?, શું હું ભવિષ્ય પ્રત્યે આશાવાદી છું?, શું મારું આ જીવન સારું છે?, શું હું મારા જીવનથી હું સંતુષ્ટ છું? વગેરે પ્રશ્નોનો સમાવેશ કરાયો હતો.

આ સરવેના જવાબો પરથી લાગે છે કે ભુજના લોકો પોતાને ખૂબ સુખી અને ખુશી અનુભવે છે. તેઓ નાની-નાની ઘટનાઓમાંથી ખુશીની પળો ચોરી લેતા શીખી ગયા છે. તેથી જ તેમને સમસ્યાઓ ખૂબ મહત્ત્વની લાગતી નથી. તેઓ જે સ્થિતિમાં જીવે છે તેમાં તેઓ સુખી, ખુશ અને સંતોષી છે.

આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે હેપ્પીનેસ ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યા છે. પોતાના રાજ્યના લોકોને ભૌતિક સુખ-સુવિધાની સાથે માનસિક સુખાકારી, આરોગ્ય, તેમના સમયનો સૌથી ઉત્તમ ઉપયોગ અને ઉપયુક્ત શિક્ષણ આપવાના ઉદ્દેશ્યથી આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશની સરકારે હેપ્પીનેસ ડિપાર્ટમૅન્ટ- આનંદ વિભાગ ચાલુ કર્યા છે. હાલના જમાનામાં ભૌતિક સમૃદ્ધિમાં અને મોજશોખ- આરામનાં સાધનોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ હોવા છતાં લોકો ખુશી અનુભવતા નથી. સમાજમાં અસહિષ્ણુતા, હિંસા, નિરાશા અને હતાશાનું પ્રમાણ વધે છે. યોગ અને મેડિટેશન, હકારાત્મક માનસિકતાથી લોકોનો તણાવ ઓછો થઈ શકે તેવું માનતા આ વિભાગો લોકો ખુશ રહે તે માટે વિવિધ પગલાં લે છે. કામકાજની જગ્યા તણાવમુક્ત બનાવવા, દરેક ગામો ‘ને શહેરોમાં લોકોને ચાલવા માટે જગ્યા બનાવવા, બાગ-બગીચા બનાવવા, જોગર્સ પાર્ક બનાવવા, સાઇકલ ઝોન બનાવવા જેવા કાર્યો આ વિભાગે શરૃ કર્યા છે, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ સરકારે લોકોને વધુ ખુશ અને સુખી બનાવવા પગલાં લેવા જોઈએ.
——————————

Leave A Reply

Your email address will not be published.

Translate »