તમારા માટે, તમારી સાથે, સતત…

‘તાન્યા, મને પુરુષો પ્રત્યે આકર્ષણ જ નથી થતું.

બસ, એમ સમજને કે મારાં આ સ્ત્રીના શરીરમાં પુરુષનો આત્મા તરફડી રહ્યો છે.

0 415

‘ભ્રમણા’ લઘુનવલ – પ્રકરણ – ૦૨
– પ્રફુલ્લ કાનાબાર
‘રહેવા દો ને એમ જ.’ તાન્યાએ શરારત ભરી નજરે સત્ત્વ સામે જોતાં કહ્યું.
‘ઓહ.. તને મારા અસ્તવ્યસ્ત વાળ જ ગમે છે એમ જ ને?’
તાન્યા નીચું જોઈ ગઈ. ‘તમે દર્શન કર્યા બાદ કાંઈક કહેવાના હતા ને?’
‘હા.. તાન્યા, હું એમ કહેતો હતો કે ધારો કે અત્યારે ભગવાન પાસે તે મને માગ્યો હોય તો તે લાંબું વિચાર્યું ન કહેવાય.’
‘તો લાંબું વિચાર્યું કોને કહેવાય?’ તાન્યાએ તેનો પ્રશ્ન દોહરાવ્યો.
‘તાન્યા, અત્યારે ભગવાન પાસે મેં દીકરો માગ્યો છે.’ સત્ત્વએ ધડાકો કર્યો,
તાન્યા ચમકી.
‘હા તાન્યા, તારી કૂખે મારો પુત્ર જન્મે તેવું માગ્યંુ છે અને તેનું નામ પણ નક્કી કરી દીધું છે.’
‘શું?’
‘પાર્થ,’
બંને વચ્ચે થોડીક ક્ષણ માટે મૌન પથરાઈ ગયું.
‘તાન્યા આને લાંબું વિચાર્યું કહેવાય.’ સત્ત્વએ તાન્યાનો નાજુક હાથ પકડીને કહ્યું. તાન્યા શરમાઈ ગઈ.
‘તાન્યા એક વાત પૂછું?’
તાન્યાએ માત્ર આંખોથી સંમતિ આપી.
‘તને ખરેખર હું પસંદ છું ને? એવું તો નથી ને કે માત્ર ડૉલરિયા દેશના મોહમાં તું મારા જેવા ડિફેક્ટિવ આંખવાળાને પરણવા તૈયાર થઈ હોય…’
તાન્યાએ સત્ત્વના હોઠ આડે પોતાનો નાજુક હાથ મૂકી દીધો.
‘પ્લીઝ સત્ત્વ, આજ પછી ક્યારેય ડિફેક્ટિવ શબ્દ મારી પાસે ન બોલશો. મારા માટે તો તમે જ મારા ભરથાર છો.’
‘વાહ… ભરથાર, ખરેખર આવો શબ્દ તો ઇન્ડિયન ગર્લ પાસે જ સાંભળવા મળે.’ સત્ત્વ તાન્યાનો હાથ ચૂમીને બોલ્યો, ત્યાં જ મંદિરમાં સંધ્યા આરતીનો ઘંટારવ ચાલુ થયો. તાન્યા ઊભી થવા ગઈ, પરંતુ સત્ત્વએ તેને હાથ પકડીને બેસાડી દીધી. ‘તાન્યા, અત્યારે મંદિરમાં ખૂબ જ ભીડ હશે. જો આપણી નજરમાં પવિત્રતા હશે તો આ સાગરના ઘૂઘવાટમાં પણ આરતીની ઝાલરનો જ અહેસાસ થશે.’ બંને આરતી પૂરી થઈ ત્યાં સુધી એકબીજાના હાથમાં હાથ રાખીને સાગરનાં ઊછળતાં મોજાં જોવામાં તલ્લીન થઈ ગયાં.
તાન્યા સત્ત્વ સાથે બહાર નીકળી રહી હતી ત્યારે અચાનક સત્ત્વ ઊભો રહી ગયો.
‘કેમ શું થયું?’
તાન્યા, ટેક્સીમાં બેઠા બાદ ડ્રાઇવરની હાજરીમાં વાત નહીં થઈ શકે તેથી અત્યારે જ તને એક વાત જણાવી દેવા માગું છું.
તાન્યાનું હૃદય ધબકારો ચૂકી ગયું.
‘કંઈ વાત?’
‘તાન્યા, કૉલેજમાં મને એક છોકરી ખૂબ જ ગમતી હતી, ઇટ વોઝ વન વૅ ટ્રાફિક, આઈ મીન ટુ સે, તે મને પસંદ ન્હોતી કરતી… ખાસ તો મારી આ આંખને કારણે.’ સત્ત્વએ ગોગલ્સ ઉતારીને કહ્યું. તાન્યાએ સત્ત્વની એક આંખમાં ભીનાશ નિહાળી. તાન્યાએ પ્રેમથી સત્ત્વના હાથમાંથી ગોગલ્સ લઈને તેને પહેરાવતાં કહ્યું. ‘સત્ત્વ, હું તને પસંદ કરું છું. ખાસ તો તારી આ આંખને કારણે.’ તાન્યાએ પહેલીવાર સત્ત્વને તુંકારો કર્યો હતો.
સત્ત્વએ ઉત્સાહમાં આવીને ભીડની પરવા કર્યા વગર તાન્યાને હળવેથી ભેટીને તેના ગાલે કિસ કરી લીધી. મોબાઇલ સ્ટેન્ડમાંથી મોબાઇલ લીધા બાદ સત્ત્વ બોલ્યો, ‘તાન્યા મેં તો મારી વાત કરી દીધી.. તારે પણ કૉલેજમાં કોઈ બોયફ્રેન્ડ તો હશે જ ને?’
તાન્યાનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. એકાએક તેની આંખ સમક્ષ તર્પણનો ચહેરો ઝબકીને ઓઝલ થઈ ગયો. તાન્યા હજુ કાંઈ જવાબ આપે તે પહેલાં જ સામેથી એક પડછાયો નજીક આવી રહ્યો હતો.
* * *
દૂરથી આવતો પડછાયો જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ તાન્યાની વિહવળતા વધતી ગઈ. જોકે તે પડછાયો નજીક આવ્યો અને તેનો ધૂંધળો ચહેરો સ્પષ્ટ દેખાયો ત્યારે તાન્યાના જીવમાં જીવ આવ્યો. હા.. તે યુવાન તર્પણ ન્હોતો, પરંતુ ટેક્સી ડ્રાઇવર સલીમ હતો.
‘દોસ્ત સલીમ, સામેથી ત્રણ લીલાં નાળિયેર લેતો આવને ભાઈ.’
તાન્યાએ નોંધ્યું કે સત્ત્વ ડ્રાઇવર સાથે પણ ખૂબ જ શાલીનતાથી વાત કરી રહ્યો હતો.
નાળિયેર પાણી પીધા બાદ ટેક્સી સ્ટાર્ટ કરીને સલીમે પૂછ્યું.
‘સા’બ, ભાલકાતીર્થ દર્શન કરના હૈ?’
સત્ત્વએ બાજુમાં બેઠેલી તાન્યા સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું.
‘હા.. ભૈયા લે… લો.’ તાન્યાએ સલીમને કહી દીધું.
‘તાન્યા, ત્યાં શેનું મંદિર છે?’
‘સત્ત્વ ત્યાં પારસ પીપળો છે. યાદવાસ્થળી બાદ શ્રીકૃષ્ણ પારસ પીપળા નીચે આરામની મુદ્રામાં બેઠા હતા ત્યારે દૂરથી એક પારધીએ કોઈ પશુના ખખડાટના અવાજના આધારે તે તરફ તીર છોડ્યું હતું જે ભગવાનના ડાબા પગના અંગૂઠામાં વાગ્યું હતું. પારધીને જ્યારે આ ગંભીર ભૂલનો ખ્યાલ આવ્યો ત્યાર તેણે દોડીને પ્રભુની ક્ષમા માગી હતી. કૃષ્ણ ભગવાને સ્મિતસભર ચહેરે પારધીને ક્ષમા આપી હતી. થોડીવાર બાદ લોહીલુહાણ પગે ચાલીને નજીકમાં જ આવેલા ત્રિવેણીસંગમથી થોડે આગળ જઈને શ્રીકૃષ્ણ ભગવાને શરીરનો ત્યાગ કર્યો હતો. તે ભૂમિ દેહોત્સર્ગ તરીકે પ્રખ્યાત છે.’
‘ઓહ… તો ભાલકાતીર્થ એ જગ્યા છે. જ્યાં ભગવાનને તીર વાગ્યું હતું. બરોબરને તાન્યા?’
‘હા.. સત્ત્વ.’
ડ્રાઇવરે ટેક્સી પાર્ક કરી. તાન્યા અને સત્ત્વ મંદિરમાં પરિસરમાં પ્રવેશ્યાં. કૃષ્ણ ભગવાનની દિવ્ય મૂર્તિ અને તેમના પગ પાસે બંને હાથ જોડીને ક્ષમાની પ્રાર્થના કરતી પારધીની અદ્ભુત પ્રતિમાને જોઈને સત્ત્વ અભિભૂત થઈ ગયો.
બીજે જ દિવસે સત્ત્વના વડીલો રાજકોટથી વેરાવળ આવી પહોંચ્યા. સત્ત્વનાં
માતાપિતાનાં અવસાન બાદ તેના વડીલોમાં બે કાકા અને એક મામા હતા. તેમનો આખો પરિવાર આવ્યો હતો. તાન્યાની ઘરે જ ગોળધાણા ખાવામાં આવ્યા. તાન્યા અને સત્ત્વને જ્યારે એકાન્ત મળ્યું ત્યારે સત્ત્વએ તાન્યાને સુમન વિશે પૂછ્યું.
‘સત્ત્વ, તે મારી બાળપણની ખાસ સહેલી છે.’
‘તાન્યા, મારો જિગરીદોસ્ત પ્રકાશ હજુ કાચોકુંવારો જ છે. વળી, મને ખબર છે કે તેને આવી જિન્સ, ટીશર્ટ અને બોબ્ડ
હેરવાળી મૉડર્ન છોકરીઓ જ ગમે છે. જો સુમનને લંડન જવામાં વાંધો ન હોય તો બંનેનું ચોકઠું ગોઠવી શકાય.’
‘સત્ત્વ, સુમનમાં કાંઈ જ કહેવાપણુ નથી. તેના ફેમિલીમાં તેની મમ્મી જશોદાબહેન એક જ છે.’
‘કેમ તેના પપ્પા નથી?’
‘તેનાં પપ્પા-મમ્મીના ડિવોર્સ થયા છે. જશોદાબહેન અહીંની હૉસ્પિટલમાં નર્સ છે.’
‘તાન્યા, પ્રકાશને તેનો વાંધો નહીં પડે, કારણ કે તે ખૂબ જ બ્રોડ માઇન્ડેડ છે. લંડનમાં તેમનો કરોડોનો કારોબાર છે. મુંબઈમાં પણ તેમની બિઝનેસ ઑફિસ છે.’
‘સત્ત્વ, તું પ્રકાશને પૂછી જોજે. હું સુમનને પૂછી જોઈશ.’
‘ઓ. કે.’
સત્ત્વને પંદર દિવસ બાદ શિકાગો પરત જવાનું હતું તેથી દસ દિવસ બાદ ઘડિયાલગ્ન લેવાયાં હતાં. મહેમાનોને ઘરની બહાર કૈલાસરાય વળાવવા આવ્યા ત્યારે તેમણે સત્ત્વને પૂછ્યું, ‘હવે તમે ક્યારે અહીં આવશો?’
‘પપ્પા, હવે તો હું રાજકોટથી વૉલ્વોમાં મારી જાન લઈને જ આવીશ.’ સૌ કોઈ હસી પડ્યા હતાં.
બીજે દિવસે રાજકોટથી સત્ત્વએ લંડન ફોન જોડ્યો હતો.
‘હાય, પ્રકાશ.’
‘સત્ત્વ, તને કોન્ગ્રેચ્યુલેશન્સ, તારી રિંગ સેરેમનીના ફોટા મેં સેલફોનમાં જોયા. તાન્યા પણ ખૂબ જ સુંદર દેખાય છે.’
‘સાલા, તાન્યા ભાભી કહેવાનું.’
‘ઓ. કે. ભાઈ, તાન્યા ભાભી બસ?’
‘પ્રકાશ, તારા માટે પણ એક સુંદર છોકરી જોઈ રાખી છે. તને ગમે તેવી જ છે. બોબ્ડ હેર અને જિન્સ ટીશર્ટવાળી.’
‘અરે વાહ… શું નામ છે તેનું?’
‘સુમન.’
‘વાહ, નામ તો સરસ છે. સુમન ડાર્લિંગ.’ પ્રકાશે મજાકના સૂરમાં કહ્યું.
‘સાલા, જોયા પહેલાં જ ડાર્લિંગ કહી દેવાનું?’
સત્ત્વ, તું તો જાણે જ છે ને આ બાબતમાં હું બહુ ઉદાર છું. બીજું કે તમારા ફોટામાં ભાભીની બાજુમાં તે ઊભી જ છે મેં ઝૂમ કરીને તેનો ફોટો જોયો જ હતો.
‘પણ તને કેવી રીતે ખબર પડી કે અત્યારે હું તેની જ વાત કરી રહ્યો છું.’
‘અરે ભાઈ, હમણા તો તું બોલ્યો કે બોબ્ડ હેર અને જિન્સ ટીશર્ટવાળી.’
ફોનના સામા છેડે સત્ત્વ ખડખડાટ હસી પડ્યો.
‘પ્રકાશ સાંભળ, તે મિડલક્લાસમાંથી આવે છે.’
‘દોસ્ત, તું મારા વિચારો જાણે જ છે ને? વળી અમારા જેવા ગર્ભશ્રીમંત કુટુંબની છોકરી હોય, પણ સ્વભાવની રાશી હોય તો શું કરવાની?’
‘પ્રકાશ, બીજી પણ એક વાત છે. તેના મમ્મીપપ્પાના ડિવોર્સ થઈ ગયા છે.’
‘સત્ત્વ એ તેમની પર્સનલ લાઈફ છે. મને તો માત્ર સુમનમાં જ રસ છે.’
‘ઓ. કે. દોસ્ત, દસ તારીખે મારાં લગ્ન છે. તું બને તેટલો વહેલો ઇન્ડિયા આવી જા તો સારું.’
‘હા… સત્ત્વ, હું ઍર-ટિકિટની વ્યવસ્થા થાય એટલે તને કૉલબૅક કરું છું.’
ફોન મૂકીને સત્ત્વએ તાન્યાને મેસેજથી જાણ પણ કરી દીધી. હવે માત્ર સુમન હા પાડે તો બંનેનું ગોઠવાઈ પણ જાય, કારણ કે પ્રકાશને તો સુમન ફોટામાં જ ગમી ગઈ હતી.
રાત્રે તાન્યાને ઊંઘ ન્હોતી આવતી, સુમન જશોદાબહેન સાથે કોઈક પ્રસંગમાં જૂનાગઢ ગઈ હતી. કાલે સવારે આવે એટલે રૃબરૃમાં જ વાત કરવાનું તેણે મનોમન નક્કી કરી લીધું.
રાત્રે માંડ માંડ આંખ મળી ત્યારે તાન્યાને સ્વપ્નમાં સત્ત્વ દેખાયો.
‘હાય, તાન્યા.’ સત્ત્વએ તેની લાક્ષણિક અદામાં જમણો હાથ હલાવ્યો.
‘સત્ત્વ, તું અહીં પણ આવી ગયો?’
‘સપનાનો રાજકુમાર તો સપનામાં જ આવે ને?’
‘સપનાના રાજકુમારનો સફેદ ઘોડો ક્યાં છે?’ તાન્યાએ મજાક કરી. ઘોડો તને પરણવા આવીશ ત્યારે હશે. અત્યારે તો તને માત્ર મળવા જ આવ્યો છું. સત્ત્વ તાન્યાની નજીક સરક્યો. સત્ત્વએ કરેલા મોંઘા સ્પ્રેની સુવાસથી તાન્યાનો બેડરૃમ જાણે કે છલકાઈ ગયો હતો. તાન્યા પણ ક્યાંય સુધી સત્ત્વની નિકટતા માણતી રહી.
અચાનક તાન્યાને લાગ્યું કે તેના શરીર પર કોઈનો પ્રેમથી હાથ ફરી રહ્યો છે.
તાન્યાએ તે હાથને આગળ વધતો રોકીને પકડી લીધો.
‘અરે સુમન તું? ક્યારે આવી?’ તાન્યા, ઝબકીને જાગી ગઈ હતી.
‘મેડમ, આઠ વાગી ગયા છે. આન્ટીએ જ તને ઉઠાડવા માટે ઉપર મોકલી ..- પણ’
‘પણ શું?’
‘તું તો ઊંઘમાં પણ સત્ત્વના નામની માળા જપતી હતી.’
તાન્યા શરમાઈ ગઈ. તેનો ગોરો ચહેરો શરમથી લાલ થઈ ગયો.
‘ચાલ ઊભી થા, ફ્રેશ થઈ જા.’ સુમને તાન્યાને આદેશના સૂરમાં કહ્યું.
‘સુમન, પહેલાં ખૂબ જ અગત્યની વાત કહી દઉં. લંડનમાં સત્ત્વનો ખાસ મિત્ર પ્રકાશ છે. તેને તારો ફોટો ખૂબ પસંદ પડી ગયો છે. જો તું લંડન જવા તૈયાર હોય તો તારું ત્યાં નક્કી થઈ શકે તેમ છે.’
‘તાન્યા, તું તો જાણે જ છે કે પપ્પા સાથે મમ્મીના ડિવોર્સને કારણે હું લગ્ન કરવાનું જોખમ ઉઠાવવા માગતી જ નથી.’
‘સુમન, એ તો હું તારી પાસે વર્ષોથી સાંભળતી આવી છું. એકવાર તું પ્રકાશને મળીશ એટલે તારો વિચાર બદલાઈ જશે.’
‘ના… તાન્યા. મારું લગ્ન ન કરવાનું કારણ માત્ર મમ્મીપપ્પાના ડિવોર્સનું એક જ કારણ નથી.’
‘તો બીજું શું કારણ હોઈ શકે?’
‘તાન્યા, મને પુરુષો પ્રત્યે આકર્ષણ જ નથી થતું. છેલ્લા ઘણા સમયથી મારાં મનમાં એવો જ ભાવ જાગે છે, જાણે કે હું પુરુષ જ છું. બસ, એમ સમજને કે મારાં આ સ્ત્રીના શરીરમાં પુરુષનો આત્મા તરફડી રહ્યો છે.’
‘મારાં સ્ત્રીના શરીરમાં પુરુષનો આત્મા તરફડી રહ્યો છે.’ બોલતી વખતે સુમનના ચહેરા પર વેદના હતી અને આંખમાં આંસુ. બે ઘડી માટે તો તાન્યા વિચારમાં પડી ગઈ. તેણે સુમનને સમજાવવાના ઇરાદાથી કહ્યું ‘સુમન, સ્ત્રીનો તો અવતાર જ પુરુષનું ઘર માંડવા માટે થયો હોય છે. વળી, તારી જે ફિલિંગ્સની તું વાત કરે છે તે તારી ભ્રમણા પણ હોઈ શકે, સત્ત્વના કહેવા પ્રમાણે પ્રકાશ તો ગર્ભશ્રીમંત છે. લંડનમાં તેનો કરોડોનો કારોબાર છે. તું રાણી વિક્ટોરિયા બનીને રાજ કરીશ રાજ. ‘
‘તાન્યા, એ વાત તો સવારે મને મમ્મીએ પણ કરી.’
‘હા… રાત્રે જ મમ્મીએ તેમને ફોન કર્યો હતો.’ તાન્યા બોલી, બંને બહેનપણીઓ વાત કરતી હતી ત્યાં જ તાન્યાનાં મમ્મી ચંદ્રિકાબહેન ઉપર આવ્યાં. ‘સુમન, તારું તો ભાગ્ય ખુલી રહ્યું હોય તેવું લાગે છે. સોમનાથ દાદાની કૃપા વગર આવો વર અને ઘર…’
‘આન્ટી, તમે તો એવી રીતે વાત કરો છો જાણે લગ્ન નક્કી થઈ ગયાં હોય.’
‘સુમન, લગ્ન તો નક્કી થઈ જ જશે. તારી મા જશોદાબહેનની તપસ્યાની હું સાક્ષી છું. પતિથી વિખૂટા પડીને દીકરીને મોટી કરવી એ કાંઈ ખાવાના ખેલ નથી. બિચારીએ ખૂબ સંઘર્ષ કર્યો છે. તેને હૉસ્પિટલમાં નાઈટ ડ્યુટી આવે ત્યારે કાયમ તને અહીં અમારા ઘરે જ મૂકી જતી.’
ચંદ્રિકાબહેન લાગણીશીલ બનીને જૂના દિવસો યાદ કરી રહ્યા હતાં. બોલતાં બોલતાં તેમની આંખમાં ભીનાશ આવી ગઈ હતી.
સુમન પણ સમજતી હતી કે તાન્યા અને તેના પરિવારે મમ્મીને ખૂબ મદદ કરી હતી.
સુમન ઘરે આવી ત્યારે જશોદાબહેન તેની જ રાહ જોઈ રહ્યાં હતાં.
‘સુમન, તારાં પર તો સોમનાથ દાદાની કૃપા જ ઊતરી કહેવાય, બાકી સમાજમાં ક્યાં આપણુ સ્થાન અને ક્યાં એ લોકોનું? મને તો ખૂબ જ બીક હતી કે મારાં ડિવોર્સના છાંટા મારી દીકરીની વાત ચાલશે ત્યારે ન ઊડે તો સારું. ચંદ્રિકાએ ફોનમાં મને ચોખ્ખું કહ્યું કે પ્રકાશને તેનો બિલકુલ વાંધો નથી.’
‘મમ્મી, હું સાત સમંદર પાર જતી રહું તે તને ગમશે?’
‘બેટા, દીકરીનો તો જન્મ જ માબાપનું ઘર છોડવા માટે થયો હોય છે.’
‘મમ્મી, પણ લંડન તો ખૂબ દૂર કહેવાય.’
‘તો તેમાં શું થયું? કૈલાસરાય અને ચંદ્રિકાબહેન તેમની એકની એક તાન્યાને અમેરિકા મોકલવાના જ છે ને?’
સુમન મૂંઝાઈ ગઈ. હવે આગળ શું વાત કરવી તે જ તેને સમજાતું ન્હોતું.
છ દિવસ બાદ પ્રકાશ સુમનને જોવા માટે આવી પહોંચ્યો હતો.
મીંઢળ બંધાઈ ગયું હોવાથી સત્ત્વ તેની સાથે ન્હોતો આવી શક્યો. તાન્યાનાં લગ્નની તૈયારીની ધમાલમાં અતિ વ્યસ્ત હોવા છતાં કૈલાસરાય અને ચંદ્રિકાબહેન પણ સુમનના ઘરે આવી પહોંચ્યાં હતાં. સુમન અને પ્રકાશ વચ્ચેનો મુખ્ય સેતુ તાન્યા બની ગઈ હતી. પ્રકાશ પણ તાન્યાને ભાભી ભાભી કહીને તાન્યાનો આત્મીય દેવર થઈ ગયો હતો. તાન્યાની ગોઠવણ પ્રમાણે જ ચા નાસ્તા બાદ સુમન અને પ્રકાશને વધારે સારું એકાન્ત મળે તે માટે તે બંનેનું બીરલા મંદિર જવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
સવારનો સમય હોવાથી બીરલા મંદિરમાં માણસોની બિલકુલ અવરજવર ન્હોતી. દર્શન કરીને પ્રકાશ અને સુમન નજીકમાં જ વ્યવસ્થિત રીતે લેન્ડસ્ક્રેપ કરેલી લોન પાસેના બાંકડા પર બેઠાં.
‘સુમન, મારે તને કાંઈ જ નથી પૂછવાનું, તેનાં બે કારણો છે.’
‘કયાં કયાં?’
‘એક તો તાન્યા ભાભી સાથે તું મોટી થઈ છો અને તાન્યા ભાભી સત્ત્વની પસંદગી છે. બીજું, તારા ઘરે એક કલાક આપણે બધાં બેઠાં તેમાં મને જે સંસ્કારી વાતાવરણનો અહેસાસ થયો છે તેવા અહેસાસ મને ધનવાન છોકરીઓના ઘરમાં ક્યારેય નથી થયો.’
‘ઓહ તો તમે તો ઘણી છોકરીઓ જોઈ લાગે છે.’
‘બિઝનેસ ટાયકુન છું. તેથી ઘણા સમયથી માગાં આવવાનાં ચાલુ થઈ ગયાં છે. પાંચેક છોકરીઓ ઇન્ડિયામાં જ જોઈ છે, પણ સાચું કહું સુમન, ક્યાંક મને તે છોકરીની આંખમાં વિદેશમાં વસવાનો મોહ દેખાયો છે તો ક્યાંક કોઈ છોકરીને મારા પૈસામાં રસ દેખાયો છે.’
‘સત્ત્વ તો કહે છે કે તમને મૉડર્ન છોકરીઓ જ વધારે ગમે છે.’
‘હા.. સુમન, મૉડર્ન છોકરીઓ ગમે છે તથા જે મિડલક્લાસ બૅકગ્રાઉન્ડ મારે જોઈએ છે તે તો તમારા ઘરમાં છે જ.’
‘સુમન તારે મને કાંઈ પૂછવું નથી?’
(ક્રમશઃ)
—————

Leave A Reply

Your email address will not be published.

Translate »