તમારા માટે, તમારી સાથે, સતત…

‘મારા માટે સત્ય સૌથી મોટો ધર્મ છે’ – નરેન્દ્ર રાવલ

મને જ્યારે સાવ એકલવાયું લાગતું ત્યારે હું ભગવાનની મૂર્તિ સામે ઊભો રહીને વાતો કરતો અને એ રીતે મારો ખાલીપો દૂર થતો,

0 560
  • સંવાદ – હિંમત કાતરિયા

નરેન્દ્ર રાવલે ૧૭ વર્ષની ઉંમરે એક પૂજારી તરીકે કેન્યામાં પ્રવેશ મેળવ્યો હતો. આજે ૪૦ વર્ષ પછી ગુરુ તરીકે ઓળખાતા આ સ્ટીલ ટાઇકૂનનું નામ આફ્રિકાના સૌથી ધનિક ઉદ્યોગપતિની યાદીમાં છે. સરળ જીવન, ઉચ્ચ વિચારની ફિલોસોફીને સાર્થક કરતા અને કેન્યાના લોકોના કલ્યાણની કામનામાં રત આ ઉદ્યોગપતિ કમ સમાજસેવકને જાણવા જેવા છે. પ્રસ્તુત છે તેમની સાથેની મુલાકાતના અંશો.

તમે ૧૪ વર્ષની વયે કચ્છના સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી તરીકે જોડાયા હતા. પૂજારી તરીકે કામ કરવા પાછળ કઈ બાબતો જોડાયેલી હતી અને તમારી તે સમયની લાગણીઓ જણાવો…

ભારતમાં ૧૪ વર્ષના છોકરાને તો સ્કૂલે જવા માટે માતાએ કપડાં પણ તૈયાર કરીને આપવા પડે છે. મને એ ઉંમરે મંદિરમાં પૂજારી તરીકેની કામગીરીની ઑફર આવી. આમાં મંદિરમાં મારે રસોઈ બનાવવાની, ઠાકોરજીના થાળ તૈયાર કરવાના અને બ્રહ્મચારી મહારાજ સાથે રહેવાનું વગેરેનો સમાવેશ થતો હતો. એ વખતે હું બીજું કંઈ સારું કરી શકું એવો મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે મેં આ ઑફરને તક સ્વરૃપે લીધી. મને મહિનાનો ૭૦ રૃપિયા પગાર ઑફર કરવામાં આવ્યો હતો. આ રકમ મારા માટે બહુ મોટી હતી. મંદિરમાં દક્ષિણા મળતી તેમાંથી મારી શાળાની ફી નીકળી જતી હતી. લોકો પુસ્તકો લઈ આપતા, પહેરવા કપડાં આપતા હતા એટલે મારો વધારાનો કોઈ ખર્ચ નહોતો અને હું પગારની તમામ રકમ રૃપિયા ૭૦ માતાપિતાને ગામડે મોકલતો હતો.

અલબત્ત, પૂજારી તરીકેની કામગીરી સહેલી નહોતી. રોજ સવારમાં સાડા ત્રણ વાગે ઊઠવાનું, તે સમયે સ્વામિનારાયણ મંદિરમાં હિટર રાખવાની મંજૂરી નહોતી એટલે ટાઢા પાણીએ સ્નાન કરવાનું. એય પાછી કચ્છની સુસવાટા મારતી ઠંડીમાં. ૧૪ વર્ષના છોકરાના અરમાન જોઈએ તો, એને કબડ્ડી રમવી હોય, મોઇદાંડિયા રમવું હોય, એને પતંગ ઉડાડવી હોય, એને બજારમાં રસગુલ્લા ખાવા જવું હોય, એને પાટલૂન પહેરીને મિત્રો સાથે બજારમાં ફરવા જવું હોય, પરંતુ હું તો મંદિરમાં ધોતિયામાં આવી ગયો હતો અને મંદિરમાં પૂજારી તરીકે આ બધી પ્રવૃત્તિઓ વર્જિત હતી.

શરૃઆતમાં મને આઘાત લાગ્યો, મને લાગતું કે આટલી બધી તકલીફો મારે એકલાને ભાગે જ કેમ વેઠવાની આવી. મને જ્યારે સાવ એકલવાયું લાગતું ત્યારે હું ભગવાનની મૂર્તિ સામે ઊભો રહીને વાતો કરતો અને એ રીતે મારો ખાલીપો દૂર થતો, મારું એકલવાયાપણુ ભાંગતું. જોકે માત્ર ત્રણ જ મહિનામાં હું એડજસ્ટ થઈ ગયો.

૧૪ વર્ષની ઉંમરે હું સાડા ત્રણ વાગ્યે અને પછી પોણા ચાર વાગ્યે ઊઠતો હતો અને આજે હું દરરોજ પાંચ વાગ્યે ઊઠી જઉં છું. પછી ભલે સોમવાર હોય કે રવિવાર. એ મારી દિનચર્યા થઈ ગઈ છે. પૂજાની દિનચર્યા થઈ ગઈ છે. મારા છોકરાઓ પણ મારી આ ટેવોનું અનુસરણ કરે છે. તે વખતે મને બહુ મુશ્કેલ લાગતું હતું તે અત્યારે મારા માટે મદદરૃપ થઈ પડ્યું છે.

પ્રશ્ન ઃ ૧૭ વર્ષની ઉંમરે તમે કેન્યા આવ્યા અને અહીં પણ ત્રણ વર્ષ પૂજારી તરીકે સેવા આપી એ અનુભવ કેવો રહ્યો?

કચ્છમાં હું બ્રહ્મચારી મહારાજાનો સેવક હતો. બ્રહ્મચારી મહારાજ પડી ગયા. એટલે ભગવાનની પૂજા કરવાનો મને મોકો મળ્યો હતો. સમય જતા મહંત સ્વામીએ મારી પાત્રતા જોઈને મને નૈરોબી મોકલ્યો. ૧૭ વર્ષની ઉંમરે હું નૈરોબી, કેન્યાના મંદિરમાં પૂજારી તરીકે નિમાયો અને અહીં પૂજારી તરીકે ત્રણ વર્ષ સેવા આપી. ત્યારે મારો પગાર બે હજાર રૃપિયા કરી દીધો. તે વખતે મેં વિચાર્યું કે આટલો પગાર તો મને ભણીગણીને નોકરી કરતા પણ નહીં મળે. અહીં હું પ્રમુખ પૂજારી હતો. મારી જવાબદારી ઘણી વધારે હતી. અહીં પણ ત્યારે હિટર નહોતાં એટલે અહીં સવારે ચાર વાગ્યે ઊઠીને ૪ ડિગ્રીની કડકડતી ઠંડીમાં ઠંડા પાણીથી સ્નાન કરવાનું આવ્યું. જોકે કચ્છ અને અહીંના મંદિરમાં ફરક એટલો હતો કે લોકો દર્શન કરીને જતા રહે અને અહીં હું સાવ એકલો પડી ગયો હતો. પછી મેં ૨૦ જેટલાં બાળકો સાથે બાળસભા શરૃ કરી. જે આજે પણ ચાલે છે અને આજે તો તેમાં હજારો કિશોરો, યુવાનો ભાગ લઈ રહ્યા છે. ફરીથી અહીં હું નવી જિંદગીમાં, નવા લોકો વચ્ચે, નવા દેશમાં ત્રણ મહિનામાં એડજસ્ટ થઈ ગયો. અંગ્રેજીમાં કહે છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઓલ ઇન્વેન્શન. મારી જરૃરિયાત હતી, માતા-પિતાને પૈસા મોકલવાની. હું તકલીફો વેઠીશ જેથી મારા પરિવારજનો માથે તકલીફો નહીં આવે એવા વિચાર સાથે મેં મારી પછવાડેના દરવાજા બંધ નહીં કરી દેતા જે કંઈ પણ પરિસ્થિતિ મારી માથે આવી પડી તેનું મેં સ્વાગત કર્યું. આમ મેં કોઈ પરિસ્થિતિને મુશ્કેલી તરીકે લીધી નહીં, પણ પાઠ તરીકે લીધી.

પ્રશ્નઃ ૪૦ વર્ષ પહેલાં તમે બિઝનેસ શરૃ કર્યો અને અત્યારે તમે આફ્રિકાના ૫૦ સૌથી સમૃદ્ધ લોકોની યાદીમાં સ્થાન પામ્યા છો. તમારી સફળતાનું રહસ્ય શું છે?

૪૦ વર્ષ પહેલાં મેં ગિકોમ્બામાં દુકાન શરૃ કરી ત્યારે દુકાનનું ૪ હજાર રૃપિયા ભાડું હતું અને એ ચૂકવવાના મારી પાસે પૈસા નહોતા. જોકે ભગવાનની દયાથી મંદિરના કારણે મારી નામના સારી હતી. લોકો મને ઉધારમાં માલ આપતા. ૩૦ દિવસના વદાડે લીધેલા પૈસા હું પખવાડિયામાં ચૂકવી દેતો. મેં સત્યનો સિદ્ધાંત સ્વીકાર્યો. સત્ય એ સૌથી મોટો ધર્મ છે અને એનાથી મોટું કોઈ નથી એ હું મંદિરમાંથી શીખ્યો. રામાયણની ચોપાઈ… સત્ય સમાન ધર્મ ન દુસર… મારી પ્રિય ચોપાઈ છે. મારે ધંધામાં કોઈ પણ પ્રકારનું ખોટું નથી બોલવાનું, ચોરી નથી કરવાની એ મેં નક્કી કરેલું. કોઈ મને વસ્તુની પડતર કિંમત પૂછે તો પણ હું સાચી કિંમત જ કહું. આનાથી લઈને ટેક્સ ભરવા સુધી મેં દરેક જગ્યાએ સાચું કામ જ કર્યું છે અને બીજી મારી લાક્ષણિકતા હું જોઉ છું તે જોખમ ઉઠાવવાની. દરેક ઉદ્યોગ સાહસિકે જોખમ ઉઠાવતા શીખવું પડે અન્યથા તે ઉદ્યોગ સાહસિક ન બની શકે. મેં મારા પત્ની સાથે વ્યવસાયમાં ગણતરીપૂર્વકનાં જોખમો ઉઠાવ્યા અને અમે તેમાં સફળ થયા અને પરિણામ તમે જુઓ છો.

પ્રશ્નઃ ૨૦૧૧માં આફ્રિકાના સૌથી ધનિક પુરુષ અલીકો ડાંગોટેની તમારી કંપનીને ખરીદવાની ઑફરને નકારવા પાછળ તમારા મગજમાં કયા વિચારો રમતા હતા?

અલીકો ડાંગોટે મારી સિમેન્ટ કંપનીમાં ૫૦ ટકા હિસ્સેદારી ખરીદવા માંગતા હતા. મેં મહેનત કરીને સિમેન્ટ કંપની ઊભી કરી છે અને એમાં કંઈ નફો રળવાનો જ એકમાત્ર વિચાર કામ નહોતો કરતો. મેં વિચારેલું કે કેન્યાના લોકો ગરીબ છે. લોકો પાસે પાકા ઘર નથી. તેમના પાકા મકાનો થાય અને સસ્તા ભાવના સિમેન્ટ અને લોખંડ મળે એ મારો મુખ્ય ઉદ્દેશ હતો. સિમેન્ટનો ભાવ ૩૦ ટકા ઘટી ગયો એ સાથે મારા એ ધ્યેયની પૂર્તિ થઈ છે. મારા મતે તમારો પાંચથી સાત ટકાથી વધારે નફો ન હોવો જોઈએ. મેં આ ઉદ્યોગમાં પ્રવેશ મેળવ્યો ત્યારે લોકો ૩૫-૪૦ ટકા નફો લેતા હતા અને એ વ્યવસાયની મોનોપોલી હતી. ચાણક્ય નીતિ અને ભાગવતમાં લખ્યંુ છે કે ધંધો એટલે વાજબી નફો રળવો. વધારે નફો લેવો તે લૂંટ કહેવાય. મારા મતે, ધંધામાં ૪૦ ટકા નફો મેળવવાની પ્રવૃત્તિને ધંધો નહીં, પણ લૂંટ કહેવાય છે.

અલીકો ડાંગોટેને સિમેન્ટ કંપની વેચવાની ના પાડવા માટેનું કારણ મારા મનમાં એ પણ ચાલતું હતું કે કંપની વેચીને ઊભા કરેલા પૈસાનું હું કરીશ શું? ધંધો વેચીને પણ કરીશ તો હું ધંધો જ અને લોખંડ અને સિમેન્ટ સિવાયનો કોઈ મારી પાસે ધંધો નથી. મારાં સંતાનો પણ મારી સાથે છે અને તેમણે પણ આ વ્યવસાયને જ આગળ વધારવો છે. એટલે મેં ના પાડી દીધી. મેં ના પાડી એ આફ્રિકાના સૌથી

Related Posts
1 of 319

સમૃદ્ધ માણસને ન ગમ્યું, પણ એમાં હું શું કરી શકું.

પ્રશ્નઃ તમે ઉદ્યોગ જગતમાં શિખરે છો છતાં વ્યાવહારિક જગતમાં નમ્ર, સરળ અને જમીન સાથે જોડાયેલા છો, આવું કંઈ રીતે મૅનેજ કરો છો

સરળ જીવન અને ઉચ્ચ વિચાર આ મારા જીવનનું એક સૂત્ર રહ્યંુ છે. હું નમ્ર અને જમીન સાથે જોડાયેલો રહ્યો તેનો શ્રેય પણ મંદિરને જાય છે. હું મંદિરમાં હતો ત્યાં ઘણા શ્રીમંતોના સાધુ બનેલાં સંતાનો વિવેકપૂર્વક રહે છે. નિરાભિમાની થઈને રહે છે. મંદિરમાં મેં ઘણા મોટા માણસોની સાદાઈ જોઈ અને એના કારણે મારામાં સાદગી આવી. મારા દુઃખને તો હું જોતો જ નથી, પણ મેં માણસોનાં દુઃખ પણ જોયા છે. એટલે હું જાણુ છું કે તમારી પાસે પૈસો આવે અને તમે બદલાઈ જાવ તો એ જ પૈસો તમારો વેરી બની જશે. લોકો તમારાથી દૂર થઈ જશે તો એ પૈસાનું શું કરવાનું. એથી હું મારી સાદગીને જવા નહીં દઉં. જે દી’ હું સાદગી નથી જાળવતો એ દિવસે મને ખાવું નથી ભાવતું, મને થાય છે કે મારામાં અભિમાન આવી ગયું છે. અભિમાનને આવવા નહીં દેવાથી મારી અંદર માનસિક શાંતિ જળવાઈ રહે છે.

પ્રશ્નઃ ભારતના આર્થિક વિકાસ ખાસ કરીને ગુજરાતના આર્થિક વિકાસને તમે કેવી રીતે મૂલવો છો?

હું જ્યારે ગુજરાતમાં હતો તે વખતનું ગુજરાત અને અત્યારનું ગુજરાત સાવ બદલાઈ ગયું છે. અત્યારે ગુજરાત અને ભારતે જે ગતિ પકડી છે તે ઘણી તીવ્ર છે. એક વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની જાય પછી ઑટોમેટિક વિકાસ થાય છે. રોડ બન્યા, ગામડે ગામડે પાણી આવી ગયું, શાળા-કૉલેજો બંધાઈ, પંચાયતો ઊભી થઈ. હવે મને એવું લાગે છે કે હવેથી ગુજરાતમાં લોકો રહેવા માટે આવશે પણ ત્યાંથી બહાર નહીં જાય.

પ્રશ્નઃ ઘણા લોકો એવું કહે છે કે કેન્યાનું અર્થતંત્ર ખોરંભે ચડ્યું છે, ધીમું પડ્યું છે. સફળ ઉદ્યોગપતિ તરીકે તમે કેન્યાના અર્થતંત્રને કઈ દિશામાં જતું જોઈ રહ્યા છો?

કેન્યાના ઉદ્યોગો અને અર્થતંત્ર મંદ પડ્યા છે એમાં મારી સો ટકા સંમતિ છે. તેની પાછળનાં ઘણા કારણો છે અને એમાંનું એક કારણ છે ભ્રષ્ટાચાર. ખાનગી અને સરકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે. અર્થતંત્ર પહેલાં જેવું સારંુ નથી ચાલતું એ કબૂલવું રહ્યું. વર્તમાનમાં રાજકીય તણાવ ઘણો વધારે છે. તેને લીધે પણ મંદી છે. આજ કરતાં વધુ ગંભીર સમસ્યાઓ પહેલા આવી છે, આઇએમએફ, વર્લ્ડ બેંકે પહેલા ૧૦ વર્ષ સુધી કેન્યાને પૈસા આપવાની મનાઈ કરી હતી ત્યારે ૩૫ ટકા વ્યાજ હતું છતાં અર્થતંત્રે વિકાસની વાટ પકડી રાખી હતી. અત્યારનો ખરાબ સમય તો એ સમય કરતાં હજાર ગણો સારો છે. અર્થતંત્રમાં બે-ત્રણ ટકાનો ઘટાડો એ કંઈ એટલી બધી ચિંતાનો વિષય નથી. કેન્યા હંમેશાં એમાંથી બહાર આવ્યું છે. ભારત પ્રગતિના પંથે છે, પણ સામાન્ય અર્થતંત્ર ડાઉન છે, આખી દુનિયામાં ઇકોનોમી ડાઉન છે. અરે, ઇંગ્લેન્ડમાં અત્યારે ઇકોનોમી અડધી થઈ ગઈ છે.

પ્રશ્નઃ તમે દાન પ્રવૃત્તિ, સમાજ કલ્યાણની પ્રવૃત્તિમાં સંકળાયેલા છો. સમાજને પાછું આપવાનું મહત્ત્વ તમારા માટે કેટલું છે?

સમાજ પાસેથી મેળવેલું સમાજને પાછું આપવું બહુ મહત્ત્વનું છે. હું કેન્યાના લોકોની સેવા ન કરી શકું, હું તેમના શિક્ષણમાં, ખાવામાં કે આરોગ્યમાં જે દિવસે મદદ ન કરી શકું એ દિવસ મારા માટે વ્યર્થ છે. કેન્યાના લોકો માટે હું દરરોજ કંઈક કરી શકું તો જ મને જીવનનો સંતોષ મળે છે. અમે અન્ન વિતરણ, દવા વિતરણ, મેડિકલ કેમ્પ કરીએ છીએ. અમે છેલ્લાં ૨૦ વર્ષથી ત્રણ હજાર કરતાં વધુ બાળકોને દરરોજ ભોજન આપીએ છીએ. અમે ૩૫૦ વિદ્યાર્થીઓને બાળમંદિરથી યુનિવર્સિટીનું શિક્ષણ સ્પોન્સર કરીએ છીએ.

પ્રશ્નઃ આગામી પાંચ વર્ષમાં તમે તમારા વ્યવસાયને ક્યાં જુઓ છો?

અમારા ગ્રૂપમાં અંદાજે ૧૫,૦૦૦ લોકો સીધા જોડાયેલા છે. અમે જે કંપનીમાં જે જગ્યાએ લોકો કામ કરે છે તેમને જોબ સિક્યૉરિટી આપવી છે. કેન્યામાં દર વર્ષે ૫૦ હજાર ગ્રેજ્યુએટ પેદા થાય છે, પણ કામ નથી. હું સરકારી યુનિવર્સિટીમાં ચાન્સેલર છું. તેમાંથી દર વર્ષે પાંચ હજાર છોકરાઓ નીકળે છે. આગામી પાંચ વર્ષમાં આ પ્રતિભાઓ માટે સલામતીનો માહોલ સર્જાય એવા પ્રયત્નો કરવા છે.

પ્રશ્નઃ તમે અત્યારના યુવાઓ માટે શું સંદેશો આપવા જવા માગો છો?

હું અત્યારના યુવાઓને કહેવા માગું છું કે શિક્ષણ મેળવીને, ડિગ્રી મેળવીને, પીએચડી ડિગ્રી હાથમાં રાખીને તમે જોબ નહીં મેળવી શકો. એનાથી તમે તમારો લાંબો સમય વિકાસ નહીં કરી શકો. શિક્ષણ જ્ઞાનનો રસ્તો છે. ઉપયોગ તો જ્ઞાનનો કરવાનો છે. જે માણસ ધ્યેય નિર્ધારિત કરશે અને એ દિશામાં સંદેહો લાવ્યા વગર મહેનત કરશે તો જ સફળતા મળશે. એકવાર નિર્ણય લો અને ખાતરી કરી લો કે નિર્ણય સાચો છે પછી તેમાં અફર રહીને આગળ વધો. એ રીતે તમે સફળ ઉદ્યોગ સાહસિક કે જીવનમાં સફળ વ્યક્તિ બની શકશો.

પ્રશ્નઃ છેલ્લો પ્રશ્ન, તમે ૨૦૧૮માં તમારી આત્મકથા ગુરુઃ એ લોંગ વૉક ટુ સક્સેસલખી અને તે બેસ્ટ સેલર બની ગઈ. હવે તેનો ગુજરાતી અનુવાદ પ્રગટ થઈ રહ્યો છે. આત્મકથા લખવા પાછળનો હેતુ અને વિચાર શું છે?

મારા મનમાં એક જ વિચાર ચાલતો હતો કે મારી જીવનકથા લખવાથી જો હું એકલા કેન્યામાં જ નહીં, દુનિયાભરમાં ક્યાંય એક વ્યક્તિનું પણ જીવન સફળ બનાવી શકું તો મારે આ આત્મકથા લખવી છે. આ પુસ્તક લખવામાં ઘણો સમય લીધો છે, પરંતુ આજે મને ગર્વ છે કે આ પુસ્તકને આઠ મહિનામાં દુનિયાભરમાં બેસ્ટ સેલરનું ટાઇટલ મળી ગયું. પછી અમે નિર્ણય લીધો કે આને ગુજરાતીમાં અનુવાદ કરાવીએ તો ગુજરાતનાં મારાં ભાઈ-બહેનો વાંચશે. ગુજરાત મારા હૃદયમાં છે, કારણ કે હું ગુજરાતી છું. જે લોકો પોતાની જન્મભૂમિનું સારું ન ઇચ્છે તે મનુષ્ય કૃતઘ્ની કહેવાય. ગુજરાતીઓને સારો સંદેશ મળે એવા ધ્યેય સાથે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે, જે અત્યારે ગુજરાતમાં બધે ઉપલબ્ધ છે.
——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »