- સ્વાતંત્ર્ય વિશેષ – યશવંત મહેતા
રાષ્ટ્રવાદની ટૂંકી વ્યાખ્યા આમ છે ઃ ‘રાષ્ટ્રવાદ એટલે સ્વદેશ ભક્તિની ભાવના, એના સિદ્ધાંતો અને સ્વદેશ ભક્તિ-પ્રેરક પ્રયાસો’ બીજી ટૂંકી વ્યાખ્યા છે ઃ ‘રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની નીતિ.’
વાસ્તવમાં, રાષ્ટ્રવાદ એક મર્યાદિત ભૌગોલિક પ્રદેશની મહાનતાની ભાવનાનું નામ છે. એ પ્રદેશ ભૌગોલિક રીતે અલગ હોય (સ્વિત્ઝર્લેન્ડની જેમ), કે માનવવંશની રીતે અલગ હોય (ઇથીઓપિયાની જેમ), કે ભાષા અથવા ધર્મની રીતે અલગ હોય. વર્ષો પર્યન્ત આ અલગાવ દૃઢ બને છે અને રાષ્ટ્ર બને છે અને એના સ્વાભિમાન તથા અલગાવમાંથી રાષ્ટ્રવાદ બને છે. આ ઉપરાંત, ક્યારેક આર્થિક-રાજકીય સ્વાર્થ રાષ્ટ્રવાદને જન્મ આપે છે. એનું નમૂનેદાર ઉદાહરણ જર્મની છે. યુરોપની મધ્યમાં આવેલ આ પ્રદેશ સદીઓ પર્યન્ત નાનાં-નાનાં રજવાડાંમાં વિભક્ત રહ્યો. એથી એ કોઈ એવી તાકાત બની ન શક્યો કે પોતાના દાયરામાંથી બહાર નીકળે. સોળમી સદીથી બ્રિટન, સ્પેન, પોર્ટુગલ, ઇટાલી, ફ્રાન્સ જેવા દેશો એશિયા તથા આફ્રિકામાં અને નવી દુનિયા સમા અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં લૂંટ કરવા પહોંચી ગયા, પરંતુ જર્મન લોકોને એમાંનો કશો હિસ્સો મળ્યો નહીં. અરે, એથી બગલમાં બેઠેલું નાનકડું બેલ્જિયમ પણ આફ્રિકાના વિરાટ પ્રદેશો લૂંટવા પહોંચી ગયું! જર્મનો રહી ગયા!! બસ, આ રહી ગયાની લાગણીમાંથી જર્મન રાષ્ટ્રવાદ પેદા થયો.
અચ્છા, એ રાષ્ટ્રવાદે શું કર્યું? જર્મનીનાં કોડીબંધ નાનાં રજવાડાં (જૂના કાઠિયાવાડ જેવાં) પ્રશિયાના રાજાના ધ્વજ હેઠળ એકત્ર થયા. બેહદ ઝડપે ઉદ્યોગીકરણ શરૃ થયું. અન્ય યુરોપીય દેશો જે સાર્વત્રિક લૂંટ ચલાવતા હતા એમાં ભાગ માગ્યો. પશ્ચિમ એશિયાના દેશો પર અખત્યાર મેળવવાના પ્રયત્ન શરૃ કર્યા. પૂર્વ યુરોપનાં નાનાં-નાનાં રાજ્યોને પોતાની અંદર ભેળવીને મોટી સત્તા બનવાની કોશિશો કરી. આમાંથી ૧૯૧૪-૧૯નું પ્રથમ વિશ્વયુદ્ધ થયું. એમાં જર્મનીની હાર થઈ. એ હારની લજ્જામાંથી જ વળી વધુ આકરો નાઝીવાદી રાષ્ટ્રવાદ પેદા થયો. એણે વળી ૧૯૩૯-૪૫નું બીજું વિશ્વયુદ્ધ જન્માવ્યું. એનાં બૂરાં પરિણામ આખું વિશ્વ આજે પણ ભોગવી રહ્યું છે.
રાષ્ટ્રવાદ ક્યારેક ભૌગોલિક કારણે જન્મે છે અને ટકે છે. એનું આદર્શ ઉદાહરણ સ્વિત્ઝર્લેન્ડ છે. નેપાલ, બેલ્જીયમ વગેરે પણ મુખ્યત્વે એમની ભૌગોલિક સ્થિતિને કારણે રાષ્ટ્ર બન્યાં છે અને રહ્યાં છે.
ક્યારેક એક ધર્મ વ્યાપક બની ગયો હોય અને અન્ય ધર્મ પગપેસારો કરવા ધારે ત્યારે જે-તે પ્રદેશની અસ્મિતા જાગે છે અને એમાંથી રાષ્ટ્રવાદ પેદા થાય છે. આયરલેન્ડ આનું ઉત્તમ ઉદાહરણ છે. આયરલેન્ડ અમસ્તો તો ગ્રેટ બ્રિટનનો ભાગ હોત, પરંતુ ઇંગ્લેન્ડે એને ભેળવવા ધાર્યું તે પહેલાં જ ત્યાં સેન્ટપ્રેટ્રિક વગેરેની સ્થાનિક શ્રદ્ધાઓ દૃઢમૂળ બની ગઈ હતી.
અલબત્ત, ઓગણીસમી સદીની અધવચથી પ્રસરવા લાગેલી રાષ્ટ્રવાદની વિચારસરણી વીસમી સદીની અધવચથી લગભગ આખી દુનિયાને આવરી લેવા લાગી. હમણા સુધી રાજ્ય, દેશ, સલ્તનત, રજવાડું, સિંઘ (ફેડરેશન) વગેરે ગણાતાં ઘણા શાસનો પોતાને ‘રાષ્ટ્ર’ ગણાવવા લાગ્યાં.
રાષ્ટ્રવાદના આ પ્રસારે જે-તે ભૌગોલિક વિસ્તારમાં રહેતી જનતાને સંગઠિત કરવા માંડી. રાષ્ટ્રને ખાતર ભોગ આપવા તૈયાર કરવા માંડી. રાષ્ટ્રને ખાતર અછતો, મોંઘવારી, સંતાનોની શહીદી વગેરે બધંુ સહન કરવા તત્પર બનાવી. અગાઉના જમાનામાં જિંદગીની માલિકી રાજાની હતી; હવે એ રાષ્ટ્રની સંપત્તિ બનવા લાગી. મારું રાષ્ટ્ર જ મહાન છે, સર્વગુણસંપન્ન છે અને અન્ય સૌ રાષ્ટ્રો તથા એમના રહેવાસીઓ નિમ્ન છે, એવું મિથ્યાભિમાન પણ રાષ્ટ્રવાદથી પોષાવા લાગ્યું. મારી આ રાષ્ટ્રની મહાનતા જળવાય એ ખાતર આર્થિક તંગી, ભૂખમરો અને જાનફેસાની પણ કરવાની તૈયારી વિકસવા લાગી. બીજા વિશ્વયુદ્ધનું જર્મની આ બધાંનું ઉદાહરણ છે. જર્મન રાષ્ટ્રવાદે ઇતર દેશો અને એમના રહેવાસીઓ માટે ધિક્કાર પણ જર્મન પ્રજાના માનસમાં ઠાંસી ઠાંસીને ભર્યો હતો. સૌ જર્મનોને એવું ભણાવવામાં આવતું હતું કે જર્મનો જ ઉત્તમ માનવો છે; અન્ય સૌ હજુ પ્રાથમિક દશામાં જીવે છે; એમના પર શાસન કરીને એમને ‘સુધારવા’ની જર્મન પ્રજાની જવાબદારી છે!
નોંધપાત્ર છે કે ઓગણીસમી સદીની અધવચ્ચે સ્થાનિક સ્વાર્થવશ જર્મન રાષ્ટ્રવાદનો ઉદય થઈ રહ્યો હતો ત્યારે જ, એ જ જર્મનીમાં કેટલાક મિત્રો માનવી દ્વારા માનવીના શોષણ વિશે, જેમની પાસે મજૂરી કરવા સિવાય જીવન ટકાવવાનો વિકલ્પ નથી એવા માનવોની બેહાલ જિંદગી વિશે; કેટલાક દેશોના અગ્રવર્ગની સમૃદ્ધિ ટકી રહે એ માટે નબળા દેશોને લૂંટવા માટે એમના પર આધિપત્ય જમાવવાના દુષ્કૃત્ય (સામ્રાજ્યવાદ) વિશે… એમ અનેકવિધ માનવલક્ષી વિચારો કરી રહ્યા હતા. ચિંતા અને ચિંતન કરી રહ્યા હતા. અમુક દેશોની સમૃદ્ધિ માટે અમુક દેશોની સંપત્તિ શા માટે લૂંટાય? એ સમૃદ્ધ દેશોનાય મૂઠીભર સમૃદ્ધિના નફા માટે અગણિત ગરીબો લોહી-પસીનો શા માટે એક કરે? બાર-બાર અને પંદર-પંદર કલાક શા માટે સખત પરિશ્રમ કરે? શા માટે એમના પરિવારોએ ગંદા ગંધાતા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેવું પડે. જમાનાઓથી કહેવાતું આવ્યું છે કે માનવ સઘળા એક પિતાનાં સંતાન; તો પછી એમની વચ્ચે આવા આટલા ભેદભાવ શા માટે? એ ગરીબોએય શા માટે આવી યાતનાઓ વેઠવી પડે? આ ભયાનક શોષણ દૂર કરીને, સર્વમાનવીય સમાન હોય એવા સમાજની રચના કેમ નહીં?
આવા આવા વિચાર કરનારાઓમાં જર્મનીના જ બે દોસ્તો પણ હતા. એમનાં નામ કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એન્જલ્સ. અન્ય પણ હતા, ફ્રાન્સમાં પણ હતા. આ ફ્રાન્સવાળાઓએ એક વાર શોષણ સામે બળવો કર્યો. પાટનગર પેરિસમાંથી સત્તાવાળાઓને, ધનિકોને, ગુંડાઓને ભગાડી મૂક્યા અને સૌને સમાન હક્ક હોય એવા સમૂહનિવાસનો પ્રયોગ કર્યો. વર્ષ હતું ૧૮૪૦. એમણે પોતાના સહનિવાસને નામ આપ્યું ‘કમ્યુન’ (ર્ઝ્રંસ્સ્ેંદ્ગઈ). એ પ્રયોગનો તો શોષણખોર સત્તાએ ધ્વંસ કરી નાખ્યો, પરંતુ એ પ્રયોગે સર્વસમાનતાનો વિચાર આપ્યો. એ વિચારને પેલા કાર્લ માર્ક્સે ખૂબ વિકસાવ્યો. ૧૮૪૮ સુધીમાં તો દેશો કે રાષ્ટ્રો જ નહીં, સમસ્ત માનવજાત શોષણમુક્ત ગૌરવશાળી માનવસમૂહ બની રહે એને માટેના પ્રાથમિક સિદ્ધાંતો નિરૃપતી પુસ્તિકા પ્રગટ કરી. એનું નામ ‘કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો’ (સામ્યવાદનું જાહેરનામંુ). ભારતમાં ‘કમ્યુનિઝમ’નો અનુવાદ ‘સામ્યવાદ’ રૃઢ થયો છે. એને ખરેખર તો ‘સમતાવાદ’ કહેવો જોઈએ. સૌ માનવી સમાન.
અલબત્ત, એ તો અંતિમ આદર્શ અથવા અંતિમ લક્ષ્ય છે. આખરે એક પૃથ્વી, એક સમાજનો આદર્શ છે, પરંતુ એ સિદ્ધ થાય તે દરમિયાન-
* ભૌગોલિક, ભાષાકીય, ઐતિહાસિક એકમનો ભાવ સામ્યવાદી ગણાતાં શાસનોમાંય જળવાઈ રહે તે શક્ય છે અને જળવાઈ જ રહે છે, પરંતુ ત્યાં જ્યાં સુધી સાચી સમતાવાદી વ્યવસ્થા હોય ત્યાં સુધી અંતિમ લક્ષ્યની ખેવના અને ગતિ રહે છે.
* પોતાને સામ્યવાદી ગણાવતા દેશો પણ આગવા રાષ્ટ્રીય હિતો માટે મથતા રહે છે.
* ૧૯૪૧-૪૫ દરમિયાન નાઝીવાદી આપખુદ હિટલરે સામ્યવાદી પ્રયોગ કરતા રૃસ અને એના સહયોગીઓ પર આક્રમણ કર્યું ત્યારે રીતસર જેને મર્યાદિત રાષ્ટ્રવાદ કહીએ તેવો માહોલ એના આગેવાનોએ બનાવવો પડ્યો હતો. ‘રાષ્ટ્રના બચાવ માટે ભલે મરી ખૂટીએ’, એવો રાષ્ટ્રવાદી ભાવ પ્રચલિત બન્યો હતો.
* આજે પણ પોતાને સામ્યવાદી ગણાવતા દેશોમાં રાષ્ટ્રવાદનાં લક્ષણો હયાત છે. વાસ્તવમાં, વીસમી સદીના પૂર્વાર્ધમાં સામ્યવાદી-સમતાવાદી સમાજ રચવા માટેનો જે ઉત્સાહ હતો તે મંદ પડ્યો છે. કેટલાય નાના દેશો તો પોતાને સામ્યવાદી પણ ગણાવતા બંધ થયા છે.
* આ પ્રકારના કેટલાક દેશો (દા.ત. ચીન) વીસમી સદી અગાઉના યુરોપીય દેશોની જેમ જ કેવળ નફાના હેતુથી વિસ્તરણ સાધી રહ્યા છે.
* સામ્યવાદ એક આદર્શ છે. કોઈ દેશ પોતાને ‘સામ્યવાદી’ ગણાવે એટલામાત્રથી ત્યાં સામ્યવાદ આવી જતો નથી. વાસ્તવમાં રૃસ સહિત તમામ ‘સામ્યવાદી’ દેશોમાં આદર્શ સામ્યવાદથી ઊલટો પ્રવાહ વહે છે. અરે, ભૂતકાળમાં રૃસમાં સ્તાલિન, કંબોડિયામાં પોલ પોટ વગેરે વ્યાપક વિનાશ વેરનારા નેતાઓ પેદા થયા છે.
અંતમાં…
સામ્યવાદ કહો કે સમતાવાદ અથવા સર્વોદય અથવા કલ્યાણરાજ્ય અથવા સામાજિક સમરસતા અથવા વૈશ્વિક માનવવાદ… એ ભવ્યતમ આદર્શ છે. અનેક સ્થળે ઓછી કે વત્તી વફાદારીપૂર્વક એના પ્રયોગ થયા. અરે, એને નામે વ્યાપક હિંસા થઈ. પ્રયોગોની ગતિ ઊલટી દિશામાં ય થઈ. એ બધુંય માનવીય નબળાઈઓને કારણે થયું. એથી આદર્શ ખોટો થતો નથી. ગૌતમ બુદ્ધથી માંડીને માનવજાતના સૌ સાચા હિતચિંતકોની ગતિ સમતા ભણી છે; અને જો અતિ વ્યાપક અણુશસ્ત્ર-પ્રયોગ જેવી મૂર્ખતાઓ વડે માનવજાત નષ્ટ નહીં થઈ જાય તો પડતાં-આખડતાંય ગતિ એ લક્ષ્ય ભણી રહેશે.
———————————–