રાષ્ટ્રવાદઃ વિભાવના જૂની, વિરોધ નવો
કોઈ પણ દેશનો સરેરાશ નાગરિક કદી હિંસા કે વેરઝેરમાં માનતો હોતો નથી
- સ્વાતંત્ર્ય વિશેષ – અલકેશ પટેલ
લિબરલ આક્ષેપ એવો છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી મોદી સરકારે રાષ્ટ્રવાદના નામે જીતી. તો એ લિબરલ સમુદાયને આપણે સવાલ કરવો જોઈએ કે ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનનું વિભાજન કરવાના મુદ્દાનો હજુ આજે પણ ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવે છે, તો એ શું છે?
આજે આખી વાતની શરૃઆત કેટલાક સવાલથી કરવી છે. પાકિસ્તાન સાથે થયેલાં ચાર યુદ્ધ શું રાષ્ટ્રવાદ હતો? શું ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનના ભાગલા કરી દેવામાં આવ્યા ત્યારે દેશમાં રાષ્ટ્રવાદની લાગણી ચરમસીમાએ નહોતી? યુદ્ધ સમયે નાગરિકોમાં જે જુવાળ હોય તેને જ શું માત્ર રાષ્ટ્રવાદ કહેવાય? છેલ્લા ત્રણેક દાયકાથી ભારત તથા દુનિયાના અનેક દેશ જે પ્રકારના આતંકવાદનો ભોગ બન્યા છે તેની સામેની લડાઈને શું રાષ્ટ્રવાદ સાથે જોડી ન શકાય? શું આતંકવાદ સામે અસરકારક પગલાં લેવામાં આવે તેને ધાર્મિક ચશ્માથી જોવાં જોઈએ? દરેક ક્ષણે કોઈ પણ જગ્યાએ બોમ્બ વિસ્ફોટોનું જોખમ રહેતું હોય અને તત્કાલીન સરકાર કથિત રીતે સેક્યુલર હોય તો ચાલે, પણ કથિત રીતે કોમવાદી સરકાર તમામ નાગરિકો માટે સલામતીનાં પગલાં લે તો એ ન ચાલે? શું આતંકવાદ એક પ્રકારે પરોક્ષ યુદ્ધ નથી? તો પછી તેની સામે પગલાં લેવાય અને તેની રાષ્ટ્રીય સ્તરે વાત થાય એમાં ખોટું શું છે?
પ્રારંભમાં જ એક સાથે આટલા બધા સવાલ કરવાનું કારણ એવા તમામ લોકોને ઝકઝોળવાનું છે જેઓ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અને ત્યાર બાદ નરેન્દ્ર મોદી સરકારે બીજી વખત શપથ લીધા પછી પણ રાષ્ટ્રવાદની વિરુદ્ધમાં છાજિયા લેવાનું બંધ કરતા નથી. યુદ્ધ સમયે રાષ્ટ્રવાદી બની જતા લોકો આતંકવાદ સામે આકરાં પગલાં લેવાય ત્યારે શા માટે એકાએક વૈચારિક ચશ્મા બદલી નાખે છે એ સમજવાનું સમજદારો માટે તો મુશ્કેલ નથી.
આ આખી વાત આજે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના સંદર્ભમાં કરવાની છે. દોઢ મહિના સુધી સાત તબક્કામાં ચાલેલી એ ચૂંટણી પ્રક્રિયાએ આપણને રાજકીય પક્ષોના અનેક રંગ જોવાની તક આપી હતી. એ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આપણે ચોક્કસ રાજકીય પક્ષો અને ચોક્કસ નેતાઓનું ધાર્મિક ટૂરિઝમ જોયું, અસંખ્ય રાજકીય હત્યા છતાં લિબરલ-સેક્યુલર મૌન જોયું અને એ બધા વચ્ચે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલાને કારણે સીઆરપીએફના ૪૦ જવાનોની શહીદી જોઈ. એ ઘટનાએ દેશને તાબડતોબ બે ભાગમાં વહેંચી દીધો. એક બાલિશ ટોળકીએ એવો પ્રચાર શરૃ કરી દીધો કે આ તો ચૂંટણી જીતવા માટેનું કાવતરું છે. તો બીજું જૂથ રાષ્ટ્રવાદની ભાવના સાથે લાલચોળ થઈ ગયું અને આતંકી હુમલાનો બદલો લેવાની માગણી ઊઠી.
પ્રજાના અંતરની વાત સમજવામાં નરેન્દ્ર મોદીનો કોઈ જોટો નથી એ વાત હવે કદાચ તેમના કટ્ટર વિરોધીઓ પણ સ્વીકારતા થયા હશે એવું માની લઉં છું અને જો નહીં સ્વીકારે તો એવા લોકોથી વધારે કમનસીબ બીજા કોઈ નહીં હોય એ પણ એટલું જ સાચું છે. પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર હુમલો થયો (૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯. ગુરુવાર) તેના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપતી વખતે જે સંબોધન કર્યું હતું ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે આ વખતે મોદી સરકાર પાકિસ્તાનને પાઠ ભણાવ્યા વિના નહીં રહે. એ ઘટનાના ૧૨ દિવસ પછી જે કંઈ થયું એ ઇતિહાસ છે અને આખી દુનિયા જાણે છે.
— ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ – ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ તથા ૧ માર્ચ, ૨૦૧૯
આ બધી એ તારીખો છે જેના ઉપર રાષ્ટ્રવાદીઓ ગર્વ કરે છે અને લિબરલ સેક્યુલર પ્રજાતિ નિસાસા નાખે છે, પણ સંસદીય ચૂંટણીના પરિણામ માટે આ ત્રણે તારીખ નિર્ણાયક બની હતી. ઉરીમાં ભારતીય લશ્કરની છાવણી ઉપર સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકી હુમલો થયો તેના ૧૧મા દિવસે ૨૯ સપ્ટેમ્બરે ભારતીય લશ્કરે અંકુશ રેખાની પાર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પહોંચીને ત્યાં આતંકીઓના લૉન્ચ પૅડ ફૂંકી માર્યા અને કેટલાય આતંકીઓને જન્નતમાં પહોંચાડી દીધા. દેશને ચાહતા તમામ નાગરિકોની છાતી એ દિવસે ગજ ગજ ફૂલી ગઈ હતી. ત્યાર પછી ના-પાક આતંકીઓએ ૨૦૧૯ના ફેબ્રુઆરીમાં સીઆરપીએફના કાફલા ઉપર ઘાતક હુમલો કર્યો. દેશના નિર્ણાયક નેતૃત્વે આ વખતે આતંકિસ્તાનને એવો પાઠ ભણાવવાનું નક્કી કર્યું કે એ લાંબા સમય સુધી ભારતમાં હુમલા કરવાની ખો ભૂલી જાય. દુનિયાના સૌથી સબળ દેશો જ જે કરી શકે એવું કામ ભારતે અને ભારતીય લશ્કરે કર્યું. પાકિસ્તાનની અંદર કાર્યરત આતંકીઓના અડ્ડા ઉપર ઍરસ્ટ્રાઇક કરી દીધી. ઍરસ્ટ્રાઇકના બે દિવસ પછી પાકિસ્તાની હવાઈદળે ભારતમાં લશ્કરી મથકો ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને હાંકી કાઢવા ભારતના વીર જવાનોએ પીછો કર્યો અને અતિ આધુનિક ગણાતું એફ-૧૬ યુદ્ધ વિમાન તોડી પણ પાડ્યું. જોકે એ દરમિયાન ભારતીય જવાન વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં પટકાયા અને તેમને ત્યાંથી માત્ર ત્રણ જ દિવસમાં સહી-સલામત પરત લાવવામાં મોદી સરકારે જે કોઈ નીતિ-રીતિ અપનાવી તેનાથી પણ આ દેશનો સામાન્ય નાગરિક પ્રભાવિત થયો હતો.
આ તમામ ઘટનાઓ એવી હતી જેણે દેશના નાગરિકોને એક પ્રકારે ગૌરવનો અનુભવ કરાવ્યો હતો. છેલ્લા સાત દાયકાથી વારંવાર પાકિસ્તાનીઓની ના-પાક હરકતોને કારણે આતંકી હુમલા અને સતત યુદ્ધના ભયથી ત્રસ્ત નાગરિકો ૨૦૧૪ પછી સલામતી અનુભવી રહ્યા હતા. એટલું જ નહીં, પરંતુ દેશને એ વાતની ખાતરી પણ થવા લાગી કે હવે જો પાકિસ્તાનીઓ કે તેના પિઠ્ઠુ આતંકીઓ ભારતમાં કશું પણ નુકસાન કરશે તો મોદી સરકાર એ લોકોને પાઠ ભણાવી દેશે.
કોઈ પણ દેશનો સરેરાશ નાગરિક કદી હિંસા કે વેરઝેરમાં માનતો હોતો નથી. તેના માટે શાંતિથી જીવવું અને પરિવારનું પાલન-પોષણ કરવું એ જ અગત્યનું હોય છે, પણ કોઈ ચોક્કસ કારણોસર સતત હિંસા કે અશાંતિનો ભય રહેતો હોય અથવા પડોશી દેશ તરફથી અશાંતિ સર્જાવાનું જોખમ રહ્યા કરતું હોય ત્યારે એ સરેરાશ નાગરિક હતાશ થઈ જાય. તેને તેના દેશની સરકાર અને સલામતી દળો સામે શંકા થવા લાગે. ૭૦ વર્ષ સુધી અનેક પેઢીએ આવી સ્થિતિ જોયા પછી એકાએક સરકાર અને સલામતી દળો અગાઉના એ જ દુશ્મનો સામે આક્રમક વલણ અપનાવે અને એવા દુશ્મનોને મળતી તમામ પ્રકારની ગુપ્ત અને છૂપી સહાયના રસ્તા બંધ કરી દે તો એ દુશ્મનો પાંગળા બની જાય અને સરેરાશ સામાન્ય નાગરિકને શાંતિનો અનુભવ થાય.
ભારતમાં એ થયું. એક વિશાળ વર્ગ તરીકે, આ દેશના મૂળભૂત નાગરિકો તરીકે સ્વતંત્રતા પહેલાંની કેટલીક સદી અને સ્વતંત્રતા પછી પણ સતત અપમાન અને ભય હેઠળ જીવનાર પ્રજાને પોતાપણાનો અનુભવ થાય અને તેને રાષ્ટ્રવાદ તરીકે ઓળખાવવામાં આવે તો તેને અપરાધ કેવી રીતે ગણાવી શકાય? રાષ્ટ્રવાદની લાગણીને અપરાધ ગણાવનારા તત્ત્વોને શું ખબર નથી કે ૧૮૫૭નો બળવો રાષ્ટ્રવાદ હતો? શું એ તત્ત્વોને ખબર નથી કે સ્વતંત્રતાના સંઘર્ષમાં જોડાયેલા તમામ અગ્રણીઓ તેમજ નાગરિકો રાષ્ટ્રવાદથી પ્રેરાયેલા હતા? લિબરલ-સેક્યુલર ઝંડાધારીઓને શું ખબર નથી કે ૧૯૪૨માં અંગ્રેજોને ભારત છોડોનું આહ્વાન કરવામાં આવ્યું તેની પાછળ રાષ્ટ્રવાદ જ હતો? સવાલ એ છે કે, કોઈ દેશની નિર્ણાયક સરકાર દેશના દુશ્મનો સામે આકરાં પગલાં લે એ રાષ્ટ્રવાદી મુદ્દો નથી શું?
અને આ તમામ સવાલને અંતે સમગ્ર મુદ્દો ત્યાં જ આવીને ઊભો રહે છે કે, દેશના નાગરિકોને સલામતી અને શાંતિનો અનુભવ કરાવી શકે તેવી સરકાર ફરીથી રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર ચૂંટણી જીતે તો એમાં ખોટું શું છે? હકીકત તો એ છે કે રાષ્ટ્રવાદને અપરાધ માનનારા તત્ત્વો પોતે અપરાધીના પીંજરામાં આવી જાય છે કેમ કે રાષ્ટ્રવાદમાં કોઈ જાતિ-ધર્મ-સમુદાયના ભેદભાવ હોતા જ નથી અને તેનાથી વિરુદ્ધ રાષ્ટ્રવાદને ખરાબ ગણાવનાર તત્ત્વોના મનમાં જાતિ-ધર્મ-સમુદાયના વાડા હોય છે અને એટલે જ તેઓ સમગ્ર પ્રજાને એક સૂત્રમાં સંગઠિત થવા દેતા નથી. સાચી વાત તો એ છે કે જે રાજકીય પક્ષો હાલ ચૂંટણીમાં રાષ્ટ્રવાદના મુદ્દાનો વિરોધ કરી રહ્યા છે, એ જ પક્ષો શક્ય છે કે આગામી ચૂંટણીમાં પોતે જ રાષ્ટ્રવાદી હોવાનો પ્રચાર કરશે, એટલું જ નહીં, પરંતુ ભાજપ તેમજ નરેન્દ્ર મોદી કરતાં પણ પોતે વધારે રાષ્ટ્રવાદી છે એવું પુરવાર કરવા કથિત સેક્યુલર પક્ષોમાં સ્પર્ધા થશે. એ દિવસો પણ દૂર નથી!
———————————–