તમારા માટે, તમારી સાથે, સતત…

કાશ્મીર અને કાશ્મીરિયત શું છે?

કાશ્મીરનો ઇતિહાસ પંદર કે સોળમી સદીથી શરૃ થતો નથી, પરંતુ તે ઇતિહાસ ઓછામાં ઓછો ૭,૦૦૦ વર્ષ જૂનો છે

0 570
  • કવર સ્ટોરી – જયેશ શાહ

આજે એક એવી માન્યતા પ્રવર્તે છે કે કાશ્મીર પહેલેથી જ ઇસ્લામના પ્રભાવ અને પ્રભુત્વમાં હતું, પરંતુ એ વાત ઇતિહાસ સાથે બંધબેસતી નથી. આપણે હિન્દુઓ ઋષિપંચમીના દિવસે પ્રાચીન ભારતના સાત સર્વશ્રેષ્ઠ મહાન ઋષિઓની પૂજા-અર્ચના કરીએ છીએ. આ સાત મહાન ઋષિઓને આકાશના તારાસમૂહમાં સપ્તર્ષિનું સ્થાન આપીને આપણે કાયમ માટે અમર બનાવ્યા છે. તેઓમાંના એક એટલે કે સર્વમાં શ્રેષ્ઠએવા મહર્ષિ કશ્યપ હતા જેઓ બ્રહ્માના માનસપુત્ર એવા મરીચિના પુત્ર હતા અને જટિલ ધર્મશાસ્ત્રોના માંધાતા હતા. તેઓ દક્ષ પ્રજાપતિની કન્યાઓને પરણ્યા હતા. તેમાંથી તેઓને સૌથી વધુ પ્રિય એવી અદિતિ હતી અને એમનાથી તેમને બાર આદિત્ય અને ઇન્દ્ર વગેરે દેવતાઓ થયા હતા.

ભૂગર્ભશાસ્ત્રીઓના મત પ્રમાણે તથા પ્રસિદ્ધ ઇતિહાસકારોના મત પ્રમાણે પૂર્વકાળમાં કાશ્મીરની ભૂમિ જળમય હતી જેને મહર્ષિ કશ્યપે પોતાના તેજથી સૂકવી નાખી હતી. નીલમત પુરાણમાં પણ ઉલ્લેખ મળે છે કે કાશ્મીરની ભૂમિ પહેલાં જળમાં ડૂબેલી હતી અને મહર્ષિ કશ્યપે તેને બહાર કાઢી હતી. અન્ય પુરાણોમાં એવો ઉલ્લેખ મળે છે કે એક વખત કાશ્મીરની ઘાટી જળમગ્ન થઈ ગઈ. તેણે એક મોટા સરોવરનું સ્વરૃપ લઈ લીધું. જગતનાં પ્રાણીઓની રક્ષા કાજે મહર્ષિ કશ્યપે આ પાણીને અનેક નદીઓ અને નાના-નાના જળસ્ત્રોતો દ્વારા વહાવી દીધું અને કાશ્મીરની ઘાટીને બચાવી લીધી હતી. બારમી સદીમાં થઈ ગયેલા કાશ્મીરના વિખ્યાત ઇતિહાસકાર કલ્હણે પણ ઈ.સ. ૧૧૪૮થી ૧૧૫૦ દરમિયાન તેમના દ્વારા સર્જન થયેલા રાજતરંગિણીનામના ગ્રંથમાં કાશ્મીરના આરંભથી લઈને અનેક રાજકીય અને ઊથલપાથલનો ઇતિહાસ દર્શાવ્યો છે. આ ઇતિહાસકારની નોંધમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કાશ્મીર ઘાટીમાં સૌથી મોટું ઝરણું વહેતું હતું. અહીં મહર્ષિ કશ્યપનો નિવાસ હતો. કાશ્મીરના બારામુલા શબ્દ વરાહમૂલ પરથી ઉતરી આવ્યો છે. ચોથી-પાંચમી સદીમાં થઈ ગયેલ મહાકવિ કાલિદાસે પણ તેમના ગ્રંથોમાં કાશ્મીરની નૈસર્ગિક સમૃદ્ધિનો ખૂબ જ સુંદર રીતે ઉલ્લેખ કરેલો છે.

ગ્રીક ભૂગોળશાસ્ત્રી હેકાતાઓસીસે તેના લખાણમાં કાશ્મીર માટે તે સમયે ‘Kaspapyrosશબ્દ વાપર્યો હતો તથા ગ્રીક વિદ્વાન હેરોડોટસે એવું દર્શાવ્યું હતું કે ઇન્ડસ નદીના માર્ગને શોધતા શોધતા હું ‘Kaspapyrosમાં પહોંચી ગયો હતો. ‘Kaspapyrosએટલે ‘Kaspa-pyrusએટલે કે કશ્યપપુર – આ શબ્દો કાશ્મીર માટે અન્ય ઇતિહાસકારો અને ભૂગોળશાસ્ત્રીઓએ તેમના લખાણમાં ઉલ્લેખ્યા છે.

Related Posts
1 of 269

આ તમામ હકીકતો જોતાં એક વાત તો સ્પષ્ટ થાય છે કે કાશ્મીરનો ઇતિહાસ પંદર કે સોળમી સદીથી શરૃ થતો નથી, પરંતુ તે ઇતિહાસ ઓછામાં ઓછો ૭,૦૦૦ વર્ષ જૂનો છે. ઇન્ડસવેલી સિવિલાઇઝેશનની શરૃઆતથી જ કાશ્મીરનું અસ્તિત્વ રહેલું છે એટલું તો સાબિત થઈ શકે તેમ છે. આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે કાશ્મીરમાં નીઓ-લિથીક સંસ્કૃતિ હતી તેવો ઉલ્લેખ ઇતિહાસકારોના ગ્રંથમાં મળી આવે છે. કાશ્મીરમાં હિન્દુઓના ઘણા ધર્મસ્થાનો એવા છે કે જેમનું અસ્તિત્વ ઇસ્લામની સ્થાપના થઈ તે પહેલાંનું છે. ઉદાહરણ તરીકે અનંતનાગ નજીક આવેલ માર્તન્ડ સૂર્ય મંદિર કે જેની સ્થાપના આજથી લગભગ ૧૩૦૦ વર્ષ પહેલાં થઈ હોવાના પુરાવા મળી આવે છે. તેવી જ રીતે પહેલગામ પાસે આવેલ મમલેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના લગભગ ૧૬૦૦ વર્ષ પહેલાં થઈ હોવાની સાબિતીઓ ઇતિહાસકારોના ગ્રંથમાંથી મળી આવે છે. એટલે જે માન્યતા પ્રવર્તે છે કે કાશ્મીરમાં ઇસ્લામનું પ્રભુત્વ પહેલેથી જ છે તે વાત માત્ર માન્યતા જ છે. ભાટ, પંડિત અને રાઝદાન – આ ત્રણ મૂળ કાશ્મીરી અટકો છે. તેમાંથી વધુ ઊતરી આવી છે. આજે કાશ્મીરી હિન્દુઓમાં લગભગ ૧૯૯ ગોત્ર છે, પરંતુ તેમાં મહર્ષિ કશ્યપ ગોત્ર તથા દત્તાત્રેય અને ભારદ્વાજ મુખ્ય છે. આજની તારીખે મોટા ભાગના કાશ્મીરી મુસ્લિમો મૂળ કાશ્મીરી પંડિતો જ છે જેઓ મૂળ આ ત્રણ ગોત્રમાંથી જ ઊતરી આવે છે. કાશ્મીરી પંડિતોની અટકો જેવી કે ભાટ, ઝુત્સી, રૈના, ધાર કાશ્મીરી મુસ્લિમો ધરાવે છે તે એવું સ્પષ્ટ રીતે સૂચવે છે કે તેઓ મૂળ કાશ્મીરી પંડિતો જ હતા.

કાશ્મીરમાં હિન્દુઓનું સૌથી પ્રથમ સ્થળાંતર આજથી લગભગ ૭૦૦ વર્ષ અગાઉ થયું હતું. તે સમયે તુર્કિશ તાર્તાર દ્વારા કાશ્મીરમાં બેફામ લૂંટ ચલાવાઈ હતી અને હજારો લોકોની કતલ કરીને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે તે તેની સાથે ૨૦,૦૦૦ હિન્દુઓને લઈ ગયો હતો, પરંતુ તુર્કસ્તાન પહોંચતા પહેલાં સખત ઠંડીના કારણે તમામ મૃત્યુ પામ્યાં હતાં. ત્યાર બાદ બીજું સ્થળાંતર ઈ.સ. ૧૩૭૫ની આસપાસ થયું હતું. તે સમયે કુતબુદ્દીને લગભગ ૫૦,૦૦૦ કાશ્મીરી પંડિતોને ઇસ્લામ અંગીકાર કરવા ફરજ પાડી હતી. ઈ.સ. ૧૩૭૫થી ૧૪૧૫ના સમયગાળામાં હિન્દુઓને બહુ જ સહન કરવું પડ્યું હતું અને આ સમયગાળા દરમિયાન બહુ મોટા પ્રમાણમાં અત્યાચાર ગુજારીને હિન્દુઓને ઇસ્લામ સ્વીકારવા મજબૂર કરી દીધા હતા. ઘણા હિન્દુઓ કાશ્મીરમાંથી સ્થળાંતર કરીને દેશના અન્ય પ્રાંતોમાં સ્થાયી થયા હતા. આ સમયગાળાથી કાશ્મીર ખીણમાં ઇસ્લામનો દબદબો થવા માંડ્યો હતો.

ઈ.સ. ૧૪૧૫ પછી થોડાં વર્ષો ખીણમાં શાંતિ રહી અને સૌહાર્દ જળવાઈ રહ્યો, પરંતુ સો વર્ષ પછી ઈ.સ. ૧૫૧૫ પછી ફરી એક વખત હિન્દુઓ ઉપર વ્યાપક અત્યાચાર શરૃ થયા અને તે સમયે લગભગ ૨૫,૦૦૦ કાશ્મીરી પંડિતોને ઇસ્લામ અંગીકાર કરવા ફરજ પાડવામાં આવી હતી. આ સમય દરમિયાન જેઓ ઇસ્લામ અંગીકાર ન કરે તેઓને અન્ય પ્રાંતમાં ભાગી જવા દેવામાં નહોતા આવતા અને તેઓના માથા ધડથી અલગ કરી દેવામાં આવતા હતા. દરરોજ ૧૦૦૦ ગાયોની કતલ કરવામાં આવતી હતી કારણ એક જ હતું કે ગાયો હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર હતી.

ત્યાર બાદ મોગલ સમ્રાટ અકબરના સમયમાં (ઈ.સ. ૧૫૫૬-૧૬૦૫) શાંતિ અને સૌહાર્દ જળવાયા, પરંતુ તે બહુ લાંબો સમય ન ટક્યા. ઈ.સ. ૧૬૭૧થી ૧૬૭૫ના પાંચ વર્ષ દરમિયાન ફરી એક વખત કાશ્મીરી પંડિતો ઉપર ખૂબ જ અત્યાચાર ગુજારવામાં આવ્યા અને ઇસ્લામ અંગીકાર કરાવવામાં આવ્યો. આ સમય દરમિયાન કાશ્મીરી પંડિતોનું તથા અન્ય હિન્દુઓનું ત્રીજું સ્થળાંતર થયું. અફઘાન શાસન દરમિયાન એટલે કે ઈ.સ. ૧૭૫૩થી ૧૮૨૦ દરમિયાન ચોથું સ્થળાંતર થયું. ૧૮૪૬થી ડોગરા શાસન શરૃ થયું અને કાશ્મીરમાં હિન્દુઓ માટે મોગલ સમ્રાટ અકબર બાદ શાંતિના દિવસો ફરી એક વખત શરૃ થયા. ત્યાર પછીનો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ.
————————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »